Shikhar - 8 in Gujarati Classic Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | શિખર - 8

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

શિખર - 8

પ્રકરણ - ૮

પલ્લવી અને નીરવ બંને હવે ઘરથી જુદાં થઈ ગયા હતા અને પોતાની રીતે પોતાનું ઘર વસાવી રહ્યાં હતાં. શિખર પણ હવે ધીમધીમે મોટો થવા લાગ્યો હતો. ચાર પગે એ ભાખોડિયા પણ ભરવા લાગ્યો હતો. પલ્લવી અને નીરવે શિખરનાં ઉછેર માટે આયા તરીકે શીલાને રાખી લીધી હતી. શીલા લગભગ એકવીસ વર્ષની ઉંમરની હતી. તુલસીથી જુદાં થયા પછી નીરવ અને પલ્લવીને શિખરના ઉછેરમાં થોડી તકલીફ તો પડી જ રહી હતી. કારણ કે, બંને જણાં નોકરિયાત હતાં એટલે શિખરના ઉછેરમાં પોતાનો પૂરતો સમય આપી શકતાં નહોતાં અને માટે જ એમણે શીલાને શિખરના ઉછેર માટે રાખી લીધી હતી.

પલ્લવી અને નીરવ બંને નોકરી કરતાં હતાં એટલે પલ્લવીને ક્યારેક થતું કે, જો આજે તુલસી સાથે હોત તો કદાચ એને શિખરના ઉછેરમાં થોડી ઓછી તકલીફ પડતી હોત. પણ પછી પાછું બીજી બાજુ એને એમ પણ વિચાર આવતો કે, જે થાય છે એ સારા માટે જ. કારણ કે, જો આજે કદાચ હું અને નીરવ એ ઘરમાં રહેતાં હોત તો કદાચ શિખરનો ઉછેર હું મારી રીતે ક્યારેય ન કરી શકત અને એ મારાં કરતાં કદાચ દાદીનો જ દીકરો થઈ જાત અને મારી જોડે એને કદાચ ક્યારેય કોઈ જોડાણ જ ન થાત. મમ્મી એને ક્યારેય મારો દીકરો થવા જ ન દેત.

****

આ બાજુ તુલસી પણ હવે નીરવ અને પલ્લવીના જવાથી ખૂબ જ એકલી પડી ગઈ હતી. પરંતુ એણે જે કંઈ પણ નિર્ણય લીધો હતો એ સમજી વિચારીને જ લીધો હતો. એને લાગતું હતું કે, થોડો સમય બંને એકલા રહેશે એટલે એમને વાસ્તવિકતાનું ભાન જરૂર થઈ જશે અને મારી કિંમત પણ સમજાશે એવું એ પોતે માનતી હતી. પરંતુ એને ક્યાં ખબર હતી કે આપણા માનવામાં અને ખરેખર હોવામાં ખૂબ જ અંતર હોય છે જેવું આપણે માનીએ છીએ એવું જ દરેક વખતે સત્ય હોતું નથી.

પલ્લવી અને નીરવને આ ઘરથી જુદાં થયાને લગભગ છ મહિના જેટલો સમય વીતી ચૂક્યો હતો. એવું નહોતું કે, એ સમય દરમિયાન નીરવ અને પલ્લવી ક્યારેય પણ એને મળતા નહોતાં. મહિનામાં એકવાર તેઓ જરૂર તુલસીને મળવા આવતા અને એની ખબર પણ રાખતા અને એનું ધ્યાન પણ. તુલસીને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો એ જરૂરિયાત પણ એની પૂરી કરતા પરંતુ એ બંને હવે તુલસીને પોતાનો સમય આપી શકતા નહોતા. એક ઘરમાં સાથે રહેવું અને અલગ રહેવા છતાં સાથે સાથે રહેવું એ બંનેમાં ઘણો ફરક હોય છે. પણ હવે તુલસીએ પણ સત્ય સ્વીકારી લીધું હતું એટલે એ પણ હવે વધુ કાંઈ બોલતી નહીં. એ પણ જ્યારે એને શિખરને મળવાની એની ઈચ્છા થતી ત્યારે નીરવના ઘરે આંટો મારી આવતી. પરંતુ પલ્લવીનો હંમેશાથી એ જ આગ્રહ રહેતો કે, જ્યારે તુલસી શિખરને મળવા આવે ત્યારે પોતે ઘરમાં હાજર રહે. કારણ કે, એને હંમેશાથી ડર રહેતો કે, જો શિખર તુલસીની આસપાસ વધુ રહેશે તો એ તુલસીનો જ થઈ જશે. એક ગજબની અસુક્ષિતતા પલ્લવી મહેસૂસ કરતી. અને એટલે જ એણે તુલસીને પણ કહી રાખ્યું હતું કે, જો બની શકે તો એ રવિવારે જ શિખરને મળવા આવે. જેથી અમે લોકો પણ તમારી સાથે થોડો સમય વિતાવી શકીએ. પલ્લવીની આ વાતનો મર્મ ન સમજે એટલી મૂર્ખ તો તુલસી પણ ન હતી. પણ છતાંય તુલસી આ વાતને હસીને જેવી ઈશ્વરની ઈચ્છા એમ સમજીને સ્વીકારી લેતી.

શીલાના હાથે શિખરનો ઉછેર થતો જોઈને તુલસીનો જીવ કળીએ કળીએ કપાઈ જતો. એને થતું કે, શિખરની દાદી જીવતી હોવા છતાં પણ પોતાનાં જ પૌત્રનો ઉછેર એક બહારની વ્યક્તિ કરી રહી છે એ એના મનને જરા પણ રુચ્યું નહોતું પણ એ હવે પલ્લવીનો સ્વભાવ પણ જાણી ચૂકી હતી અને એને કંઈ પણ કહેવાનો કોઈ જ અર્થ સરવાનો નહોતો એ પણ એ સારી રીતે સમજી ચૂકી હતી. એટલે હવે તુલસી બને ત્યાં સુધી મૌન જ રહેવાનું પસંદ કરતી અને જ્યારે પલ્લવી ઘરમાં હાજર હોય ત્યારે જ એ શિખરને મળવા આવતી.

આજે પણ એ આવી જ રીતે શિખરને મળવા આવી હતી. શિખર હવે છ મહિનાનો થઈ ગયો હતો. એ હવે કાલુ કાલુ એની ભાષામાં થોડું ઘણું બોલવા પણ લાગ્યો હતો. શિખરને રમતાં જોઈને તુલસીની આંતરડી ઠરતી. એ દિલથી ઈચ્છતી હતી કે, નીરવ અને પલ્લવી શિખરને લઈને એની સાથે રહેવા આવી જાય. અને એની આ દુઆ પણ કદાચ ઈશ્વર ટૂંક સમયમાં જ કબૂલ કરવાના હતાં એ વાતથી હાલ ત્રણેય જણાં અજાણ હતાં. તુલસી હવે શિખરને મળીને પોતાના ઘરે જવા રવાના થઈ.

બીજાં દિવસની સવાર પડી. પલ્લવી અને નીરવ બંને ઓફીસ જવાની દોડાદોડીમાં હતાં. બંને શીલાની રાહ જોઈ રહ્યાં હતાં. બંને જણાં રોજ શીલા આવે પછી જ ઓફીસ જવા માટે સાથે જ નીકળતા. ત્યાં જ થોડીવારમાં શીલા આવી એટલે બંને શિખરને શીલાને સોંપી ઓફીસ જવા રવાના થયા.

બંનેને આજે મોડું થઈ ગયું હતું એટલે નીરવ ગાડી ખૂબ જ સ્પીડમાં ડ્રાઈવ કરી રહ્યો હતો. ત્યાં જ સામેથી એવી જ રીતે એક ટ્રક પણ ફૂલ સ્પીડમાં આવી રહ્યો હતો. ટ્રકને ફૂલ સ્પીડમાં પોતાની તરફ આવતો જોઈને નીરવે તરત જ ગાડીની બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો અને સામે પેલાં ટ્રક ડ્રાઈવરે પણ બ્રેક મારી. પરંતુ બંનેમાંથી કોઈનો પણ એ બ્રેક પર કંટ્રોલ ન રહ્યો અને ગાડી અને ટ્રક બંને ખૂબ જ જોરથી અથડાયા. ટ્રકે નીરવની ગાડીને ટકકર મારી જ દીધી અને નીરવની ગાડી હવામાં દૂર સુધી ફંગોળાઈને દૂર એક પાણીનું તળાવ હતું એમાં ખાબકી. નીરવ અને પલ્લવી બંનેનો ખૂબ જ જોરદાર અકસ્માત થયો હતો. બંને બચશે કે કેમ એ કહેવું પણ હવે મુશ્કેલ હતું. પલ્લવી, નીરવ અને શિખરનું ભવિષ્ય તો હવે આવનારો સમય જ કહેવાનો હતો.

(ક્રમશઃ)