Etiquette in Gujarati Motivational Stories by वात्सल्य books and stories PDF | શિષ્ટાચાર

Featured Books
Categories
Share

શિષ્ટાચાર

*શિષ્ટાચાર*

આપણે નોકરી કરીએ છીએ ત્યારે અનેક નાનાં મોટાં માનવીઓના સંપર્કમાં રહીએ છીએ.આ સમયે થોડાક "સ્વ-શિષ્ટાચાર" સમજવો અત્યંત જરૂરી છે.ઓફિસ કે શાળામાં ફરજ દરમ્યાન આપણી છાપ આપણા પ્રથમ પહેરવેશ પર પડતી હોય છે.
જેમ જેમ ઉચ્ચ હોદ્દા મળે ત્યારે આપણો પહેરવેશ પણ એટલો શોભાસ્પદ હોવો જોઈએ.અહીં હું ફેશનનો વિરોધ નથી કરતો પરંતુ કોઈપણ ઉચ્ચ પોસ્ટ પર નોકરી કરતા હો ત્યારે તમારાં કપડાં એટલાં જ શોભાસ્પદ હોવાં જોઈએ.ઓફિસમાં મેરેજનાં કપડાં પહેરીને જઈએ તો કેવું લાગે? આપણા નાનકડા એકમમાંથી અલગ તરી આવવાનું કદાપિ ના વિચારો.ઘણી સ્કૂલોમાં ડ્રેસ કોડ એટલે જ આવ્યો.એ સાથે આ મારી શાળાનો બાળક કે શિક્ષક છે,તેવી ભાવના પેદા થઈ અથવા થાય.
પરંતુ જો શિક્ષક ફિલ્મના હીરો જેવા વાળ રાખે તો આ જગ્યાએ એની ફજેતી જ થાય.દરેકને ગંદી કોમેન્ટ કરાવવા તમેં જાતે જ હાંસીપાત્ર બનો છો.માટે જેટલો માણસ સિમ્પલ અને "મોભાને શોભા" અપાવે તેવો પહેરવેશ જ તેને માન અપાવે છે.ખાસ કરીને શિસ્ત તો કોર્ટ,આર્મી અને પોલીસ ખાતામાં જોવા મળે છે તે અન્ય ખાતામાં જુજ જોવા મળે છે.
સ્કૂલ માટે સ્ત્રીઓને સાડી સૌથી ઉત્તમ પહેરવેશ છે,પરંતુ ઘણી સ્ત્રીઓ સાડીને બોજ સમજી વિરોધ કરે છે.અને પરિણામે મન ફાવે તેવાં કપડાં પહેરી આવવામાં શાળાનાં બાળકના મન ઉપર અવળી અસર થાય છે.
અહીં હું સારુ સુઘડ વસ્ત્ર પહેરવાનું કહું છું.બાકી વસ્ત્ર પર જ તમારી પ્રથમ છાપ કે કિંમત અંકાઈ જાય છે.આ વાત તહેવાર સિવાયના સમયની વાત છે.બાકી વિવાહ માં કે કોઈ શુભ પ્રસંગમાં અથવા તહેવારમાં તમેં જે ગમતી હોય તે ફેશનનાં કપડાં પહેરવા કોઈ રોકતું નથી.
પુરુષ કર્મચારીઓ મૉટે ભાગે કપડે ખૂબ બેદરકાર હોય છે. તો ક્યાંક માથાના વાળ પણ તમારી છાપ વધારી ઘટાડી શકે છે.ઘણી કંપનીમાં કર્મચારીને શિષ્ટાચાર પ્રથમ શીખવવામાં આવે છે.
તમેં કોઈ પણ ઠેકાણે જાઓ ત્યારે નિરીક્ષણ દ્રુષ્ટિ અપનાવો.આંખે જોઈ લો,વાણીમાં સંયમ રાખી ચાલો,નિયમિતતા અને ફરજ પ્રત્યે નિષ્ઠાવાન બનો તો ક્યારેય તમારી બેકદર નહીં જ થાય.
એક પ્રસંગ યાદ આવ્યો જે અહીં ટાંકુ છું.સુરતના ઉંમરપાડા તાલુકાના જંગલના ઊંડાણનું એક
ગામ 'રામપુરા' અને તે શાળાનો શિક્ષક બાળકના વધી ગયેલા વાળ કાપે,બાળકના કપડાં ફાટેલાં હોય તો શાળામાં સોય દોરો રાખે અને તે પોતે સાંધીને ધોઈને પહેરાવે.ઘણાં બાળકના નખ વધી ગયા હોય તો તે કાપી નાખી સ્કૂલના અંદર પાણીના નળ પાસે લઇ જઈ નવડાવે છે.(હું ત્યાં નોકરી કરતો હતો તે વખતની વાત છે.)એ શિક્ષક શાળામાં વહેલો આવી જાય છે.જાતે ઝાડુ લઇ સફાઈ કામ કરે.ઝાડને પાણી પાય અને પછી સમય થાય એટલે બાળકોના શિક્ષણ પાછળ સમય વિતાવે.
તત્કાલીન સમયે(સને ૨૦૦૩)આ શિક્ષકને વતન જવુ હતું તો ગામના લોકોએ બદલી અટકાવી અને આ ગામમાં જ રહેવા મજબુર કર્યાં.તત્કાલીન પંચાયત મંત્રીશ્રી રમણભાઈ ચૌધરીએ આ શિક્ષકને તેમના ફંડમાંથી પાંચ લાખ રૂપિયા આપીને કહ્યું કે બાળક અને શાળામાં જે કંઈ કરવા જેવું કામ લાગે તે તમને છૂટ આપવામાં આવી.સદર શાળામાં ખૂટતા ઓરડા માટે મંત્રીશ્રીએ વહીવટી તંત્રને સૂચના આપી દીધી.મને આજે પણ આ પૂર્વ પંચાયત મંત્રીશ્રીની કામ કરવાની કુનેહ અને નમ્રતા યાદ આવે છે.
એ સુવિધા વિહોણી શાળા અને જંગલના ઊંડાણમાં આવેલી શાળામાં નોકરી કરવી એટલે દારૂડિયાઓનો ત્રાસ છતાં આ શિક્ષકે ફરજ પ્રત્યે નિષ્ઠા ના છોડી.
ઘણી શાળામાં એવા પણ શિક્ષક જોયા જે રાત્રે આખી રાત ભજન ગાય અને છોકરાઓને રામ ભરોસે વર્ગ સોંપી પોતે આરામ ફરમાવતા જોય કેમકે તાલુકાની સુપરવિઝન ટીમનો હું લીડર હતો એટલે દર માસે નક્કી કરેલી શાળામાં વિઝીટ કરવા જતો.
ઘણા એવા કર્મચારીઓ છે જે પોતાનું કર્મ સમજી ઓફિસનાં પગથિયાં ચડનાર લાભાર્થીની પાણીથી માંડી બેસવા માટે બેંચ કે ખુરશીની વ્યવસ્થા કરે છે.જો કે આજના સમયમાં સરકારે દરેક ઓફિસમાં બેસવા,પીવાના પાણી અને "તમારું કામ પતે એટલે બીજાને તક આપીએ જેવા સૂત્રોનો અમલ થતો જોવા મળે છે."હમણાં રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર તાલુકા સેવા સદનની નવી કચેરીનું ઉદ્ઘાટન થયું છે."જ્યાં પાર્કિગ,બાંકડા,પાણી વગેરેની સુવિધા આપવામાં આવી છે.અત્યારે નવી કચેરી છે,એટલે સ્વચ્છતા પણ ઉડીને આંખે વળગે તેવી છે.
જો આ દેશમાં ભ્રષ્ટાચાર ના હોય અને ગરીબનું કામ સરળતાથી થઈ જતું હોય તો કોઈ પ્રશ્ન નથી.પરંતુ એક બે ધક્કે નહીં પણ અનેક ધક્કે ના પતે ત્યારે કંટાળીને લાભાર્થીએ એ ટેબલવાળાને ખિસ્સામાં પીળી ભગવી નોટનું બંડલ સરકાવવું પડે છે.
દુઃખની વાત એ છે કે જેનો પગાર પચાસ હજારથી અઢી લાખ સુધી છે,તે અધિકારો કર્મચારી રોજમદાર પાસેથી લાંચ લેવામાં શેહ-શરમ કે એને દયા આવતી નથી.
કોઈ એસેટ બનાવવા કે ખરીદવા માટે આપણે એને ત્યાં ચકાસણી કરવા જાઈયે ત્યારે નાસ્તો,ચા અને અનુકૂળતા મળે જમવાનું ખચકાટ વિના કહી દઈએ છીએ.આપણી પાસે તે છતાં એ લાભાર્થી દયા અને આશાળભુતતાની નજરે તાકી રહે છે અને આજીજી કરતાં કહે છે કે "સાયેબ ક્યારે સહાય મલશે?"
આપણી ઓફિસમાં એને ખરેખર ચા પીવડાવવી તો દૂર પાણી પણ આપતા નથી અને એમને ત્યાં એ લાભાર્થી "ઓઢ્યાના પાથરે છે."
વાત શિષ્ટાચારની કરવાની હતી અને ગાડી આડે પાટે ચડી ગઈ.ઓફિસમાં બિંદાસ પણે તમાકુ,બીડી,પાન,મસાલા ખાઈને મન ફાવે ત્યાં કે જે ઓફિસ એ મારી કમાણીનું મંદિર છે,ત્યાં દીવાલો પર પગથીએ ચડતાં ઉતરતાં થુંકીએ છીએ.હેરત એ છે કે સામે થુકદાની,કચરાપેટી પડી હોય ત્યાં નથી થુંકતા.
આપણે આપણા વ્યસનોના એટલા ગુલામ છીએ કે બાજુવાળો આપણા આ વર્તનથી અત્યંત દુઃખી હોવા છતાં સુધરવાનું મન થતું નથી.
એસ.ટી.બસમાં જયારે પ્રવાસ કરું ત્યારે તો રીતસર ઉલટી થાય તેવું લાગે.સહ પ્રવાસી પૈકી ઘણા પ્રવાસી મોબાઈલમાં મોટા અવાજે ગીતો વગાડે,મોટા અવાજે કોલ કરે,મોટા અવાજે વાતો કરે અને બારી બહાર પાન મસાલા થુંકે ત્યારે જીવ કહે કે આને બસની નીચે ઉતારી એના ઉપર બધા થુંકે તેવી સજા કરવી જોઈએ.બસમાં રીતસર લખેલું છે કે ધુમ્રપાન કરવું ગુન્હો છે છતાં ડ્રાઈવર કંડકટર બીડી પિતા હોય,થુંકતા હોય છે !!!!
ખેર ! કોઈ વ્યસનીને આ વાત નહીં ગમે તે મને ખબર છે. પરંતુ કહેવાનું મન થાય છે કે તમેં ભલે બીડી પીઓ,પાન મસાલા ખાઓ પણ જ્યાં ત્યાં ના પીઓ જ્યાં ત્યાં ના થુંકો.
"જે લોકો વ્યસની છે,તેમને કેન્સરના દર્દીની અને હોસ્પીટલની મુલાકાત અવશ્ય લેવી જોઈએ."
. - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)