Patanni Prabhuta - 33 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પાટણની પ્રભુતા - ભાગ 33

Featured Books
Categories
Share

પાટણની પ્રભુતા - ભાગ 33

૩૩. અવિશ્વાસ

જે વખતે મેરળમાં મંડલેશ્વરનું લશ્કર તેના માટે શોક અને ક્રોધ અનુભવતું હતું. ત્યારે પાટણના રાજગઢમાં પ્રસન્ન પ્લાન વદને પીપળાની પૂજા કરતી હતી. એક દિવસમાં તેની આંખનું તોફાની તેજ, પગનો રસીલો ઠમકો, તેનું હસમુખાપણું અને તેનો આશાવંત સ્વભાવ અદૃશ્ય થયાં હતાં. કાલ સવારની વાત પછી ત્રિભુવન બદલાઈ ગયો હતો. હોઠ પર હોઠ દાબી, ઝનૂનભરી આંખે બધા સામે જોઈ, કપાળ પર ભયંકર કરચલીઓ ધારી તે આમથી તેમ ફરતો, બધાને હુકમ આપતો અને પાટણ પર પોતાની સત્તા બેસાડતો હતો. તે ગણતરીના શબ્દો જ બોલતો; તેને થાક ખાવાની જરા ફુરસદ નહોતી. આખો દિવસ વૈદે આજીજી કરી છતાં ઘા રૂઝાવા દેવાની તેને પરવા નહોતી. પ્રસન્ને આખો દિવસ, બને ત્યાં સુધી, તેની પાછળ ભમ્યા કર્યું, તેની જોઈતી ચીજોની સોઈ કર્યા કીધી; પણ ત્રિભુવને એક શબ્દ કે એક હાસ્યથી તેને સંબોધી નહોતી. તે સમજી કે ત્રિભુવનનો કોપ તેનું હૃદય કોરી રહ્યો છે અને તેમાં એકે બીજી લાગણી માટે સ્થાન નથી. આવી ભયંકર રીતે વર્તતાં તેણે ત્રિભુવનને આજે જ જોયો, અને સૂર્યની ઉગ્રતાએ એક લતા કરમાય તેમ તે કરમાવા લાગી. પીપળાની પૂજા કરતાં પ્રસન્નની આંખમાં આંસુ આવ્યાં. સુખના દિવસ ક્યારે આવશે ? તે લાવવા શું કરવું ? આમ ને આમ ત્રિભુવન રહે તો તેનું શું થાય ? અકળાયેલી તે પાછી ફરી. ત્રિભુવનની પ્રતિજ્ઞા પૂરી પાડવા તે બને તે કરવા ખુશી હતી; પણ ત્રિભુવન આમ અળગો રહે એ કેમ ખમાય ! એટલામાં લીલા વૈદ દેખાયા.

'વૈદ ! ઓ વૈદ ! ક્યાં જાઓ છો ? સોલંકી ક્યાં છે ?” હું તો થાક્યો, બહેન ! એને તો ભૂત આવ્યું છે; કેટલું કહ્યું ત્યારે હમણાં આવવાની હા કહી. તમે કાંઈ તૈયારી કરાવો.'

'હા !' કહી હર્ષનો ડોળ કરી પ્રસન્ન ત્યાંથી ગઈ. તેણે જાતે બધી તૈયારી કરી અને વાટ જોતી ઊભી. થોડી વારમાં વેરના નિરંતર વહ્નિથી બળતો ત્રિભુવન આવ્યો અને બોલ્યાચાલ્યા વિના પાટલે જમવા બેઠો. થોડું ખાધું અને ઊઠી ગયો. ખાધા પછી વૈદ તેને પાટા બાંધવા લઈ ગયા. તેમની પાછળ પાછળ પ્રસન્ન ગઈ. ડાહ્યા વૈદરાજ થોડી વારે કાંઈ દવા લાવવાનું બહાનું કાઢી ત્યાંથી ચાલ્યા ગયા. હાથ પર માથું મૂકી ત્રિભુવન બેસી રહ્યો; અને પ્રસન્ને પાસે આવી તેના ખભા પર હાથ મૂક્યો ત્યારે તેણે ઊંચું જોયું: 'કેમ ?'

પ્રસન્ન થોડી મુશ્કેલીથી અવાજમાં આવેલ ખખરી દૂર કરીઃ આમ કેટલા દિવસ ચાલશે ?'

'શું ?”

'આમ તસ્દી ઉઠાવશો તો તમારું વ્રત કેમ પળાશે ? બેત્રણ દિવસમાં પાછા પથારીવશ થઈ જશો.' આટલું બોલતાં બોલતાંમાં પ્રસન્નની આંખમાં ઝળઝળિયાં આવ્યાં.

'મારું વ્રત પળાય, પછી મને બીજી પરવા નથી.’

‘તે મને ખબર છે,' જરાક દિલગીરીભર્યું હસતાં પ્રસન્ને કહ્યું : પણ પથારીવશ પડી શું કરશો ? હવે તો જરા થાક ખાઓ. કાલે બધું તો બરોબર થઈ ગયું. હવે પાટણમાં કોણ પેસવાનું છે ?'

'એમ ? આજે મારે શાન્તુશેઠ જોડે વાત થઈ. તેમાં દાળમાં કાંઈક કાળું લાગે છે. મેં ઉદાને તેની તપાસ કરવાનું કહ્યું છે ખરું, પણ મને કાંઈ સમજાતું નથી. બાર દરવાજામાં ક્યારે અને કોણ આવે શું માલૂમ પડે ?' ત્રિભુવને પોતાની ચિંતા દર્શાવતાં કહ્યું. ગમે તેવી વાત પણ ત્રિભુવન સાથે કરતાં પ્રસન્નનું હૃદય હરખ્યું. મૌન કરતાં કંકાસ પણ સારો; તેમાં આ વાતમાં તો તે ખરો રસ લઈ શકે એમ હતી.

'પણ બધા દરવાજા તો બંધ કર્યા છે.'

'તેને શું કરે ? નથી દરવાજાનું ઠેકાણું; અને નથી બારીઓનું ઠેકાણું. કાકાજી (કર્ણદેવ) તો એમ સમજતા હતા કે આ દુનિયામાં હવે ખાઈપીને ખુશ રહેવા સિવાય બીજું કાંઈ રહ્યું જ નથી. પણ કોઈની પાસે એક કૂંચી હોય કે એક દરવાન ફોડેલો હોય તો બધું પતી જાય.' કહી ત્રિભુવને તીક્ષ્ણ નજરે પ્રસન્ન સામે જોયું.

'પણ એવા થોડા પેસી જાય, તેને પકડતાં વાર શી ? એમાં આટલું ગભરાવું શું ?'

ત્રિભુવનની નજર વધારે તીક્ષ્ણ થઈ, મુંજાલમામા કે જયદેવકુમાર બેમાંથી એક ગામમાં આવે, કે અહીંયાં બધા ફરી જાય. પછી મારી પ્રતિજ્ઞા ક્યાં ટકી રહે ? હવે તો ત્રિભુવન પડે તો જ મીનળદેવી અહીંયાં આવે.'

પ્રસન્ન કાંઈક સમજી, શું ત્રિભુવન અત્યારે તેની પાસે વાત કઢાવતો હતો ? શું તેને કાંઈ સંશય પડ્યો હતો ? પ્રસન્ને પૂછ્યું : 'અરે, એમ તે કાંઈ જયદેવકુમાર આવે?'

‘કોણ લઈ આવે.'

'પણ અહીંયાં કોણ એવું હોય ?'

શાંતુશેઠ ને બીજા ઘણાયે. આજકાલ ગામ વેચવા તો રસ્તાના ચાલનાર તૈયાર થાય એમ છે.'

'ના, ના, પટ્ટણીઓ તે કાંઈ એવા છેક ટેક વિનાના હોય ?' એ શું વિચારો કરતો હતો, તે જાણવાના ઇરાદાથી પ્રસન્ન લાંબી વાત કરવા માંડી.

'પણ અહીંયાં બધા પટ્ટણી ક્યાં છે ? મીનળદેવીએ ઘણાયે ભાડૂતીઓથી ગામ ભર્યું છે,' કચવાટથી, સ્પષ્ટ તિરસ્કારથી ત્રિભુવને કહ્યું.

પ્રસન્ન પાસે આવી, ત્રિભુવનના ખભા પર ફરી હાથ મૂક્યો અને તેની આંખમાં પોતાની આંખનું તેજ રેડતાં, સ્નેહભીના દયામણા અવાજે કહ્યું : ‘ત્રિભુવન ! મારા પર હજુ અવિશ્વાસ છે, નહિ ?"

ત્રિભુવન જરા પીગળ્યો : ‘સાચું કહું ? હા, મને વહેમ છે.’

'મારા પર ? મારા પર કેમ ? આટલે વર્ષે?'

'પહેલાં તો તું પટ્ટણી નથી.'

‘હા,' જરા ચિઢાઈ, પ્રસન્ન બોલી; ‘હા. હું ચંદ્રપુરની તો છું. જૈન છું. વળી મીનળફોઈની ભત્રીજી છું, દીકરી જેવી છું. શાબાશ ત્રિભુવનપાળ ! શાબાશ. મારું આખું બાળપણ પાટણમાં કહાડ્યું તે ભૂલી ગયા ? સામળ બારોટના શબ્દોએ તે આપણને સાથે સાથે વીરતા શીખવી તે ભૂલી ગયા ? ગઈ કાલે સોલંકીકુમારની પત્ની થવા કબૂલ્યું, તે પણ ભૂલી ગયા ? મેં નહોતું જાણ્યું, કે હું પરદેશી છું, તેની ત્રિભુવન સોલંકી આટલે વર્ષે યાદ લાવશે.'

પ્રસન્નનો દબાવેલ ગુસ્સો બહાર નીકળવા માંડ્યો; તેની આંખો ક્રોધમાં ચમકી ઊઠી, તેના મ્લાન ચહેરા પર ક્રોધનો તીક્ષ્ણ પ્રકાશ પડ્યો. ચિંતાએ, ક્રોધ, અશક્તિએ દબાયેલું મન છતાં ત્રિભુવન પ્રસન્નનું લાવણ્ય જોઈ રહ્યો. ‘તમને હું પતિ માની બેઠી છું, તેમાં તમે મને આવા વહેમ ડામો છો, ખરું ?'

‘ના.’ જરા નરમ થઈ બોલતાં ત્રિભુવને કહ્યું; પણ મારી મૂર્ખાઈથી વ્રતભંગ કેમ થવા દઉં ? તારી રીત બધી જુદી થઈ ગઈ છે. તું પહેલાં જેવી નિખાલસ ક્યાં છે ? તું પહેલાં જેવી સ્નેહાળ ક્યાં રહી છે ?'

‘હું નિખાલસ ત્રિભુવન સામે જ નહિ ! અને મારો સ્નેહ હું કોના પર ઢોળું ? તમને ક્યાં ફુરસદ છે કે તે સ્વીકારવા તસ્દી લો ? કાલે હું એક પળ પણ બને તો મળવા તલસી રહી; પણ તમને એમ થયું કે પ્રસન્ન ક્યાં છે ?'

'હું ગાંડો થયો છું, પ્રસન્ન ! પણ તું સાચું કહે છે કે તું કાંઈ પણ જાણતી નથી ? પહેલાં જેવી હતી તેવી જ છે ?'

'હજુ પાંચ વખત વધારે પૂછો એટલે તમને વધારે નિરાંત વળશે. તમારી પાછળ કોણ પાટણમાં એકલું દોડતું આવ્યું ? વારંવાર કહેતાં, મારી તો જીભ લાજે છે.'

'ત્યારે કાલે ક્યાં ગઈ હતી ?' પ્રસન્નને ગુસ્સામાં પણ હસવું આવ્યું. તેના હસમુખા સ્વભાવે પ્રાધાન્ય મેળવ્યું : 'ઓ... હો ! આ બધું તોફાન તે ઉપર કે ? ત્યારે ક્યારના બોલતા કેમ નથી ?'

‘શા માટે ? સાચું કહેજે.’

'હા, હા, સાચું. તમે ધારો છો, તે વાત ખરી છે. મીનળદેવી આજે સાંજે અહીંયાં છાનાંમાનાં આવવા માંગે છે, અને ચાંપાનેરી દરવાજામાંથી ઘણુંખરું આવશે.'

'હેં ?' આતુરતાથી સાંભળતાં ત્રિભુવને કહ્યું.

'હા, એક માણસ તેને સામે લેવા સાંજે જવાનો છે.'

'તે કોણ?'

‘કોઈને હમણાં કહેશો નહિ, કારણ કે વાત જણાશે તો બધું બગડી જશે. મોરારપાળ –'

'હેં ? તેમાં હરામખોર આગળ પડી દરવાજા પર રહ્યો છે. હમણાં –'

'ના, હમણાં ને હમણાં કાંઈ કરવું નથી. હું તેની વેતરણ કરું છું.'

'તું શું કરવાની હતી ?”

'તે જાણવાની તમને ક્યાં પરવા છે ? પણ મોરાર મોટો સામંત છે, હમણાં લોકોનો માનીતો છે, અને તેને કાંઈ થશે તો સમાજમાં નકામો અસંતોષ ફેલાશે. જે લોકો આજે તમને પૂજે છે, તે કાલે તમને પૂરા કરવા તૈયાર થશે. અત્યારે તો અહીંયાં જરાય હો-હા કામની નથી.'

'પણ –' પાછો અળગો અને વહેમી થતાં ત્રિભુવને પૂછ્યું : ‘તેં વાત ઉડાવી,

'હો કે ? ન કહેવી હોય તો તારી મરજી.'

‘ફરી પાછા ચસક્યા ? જરા શ્વાસ તો ખાઓ. કાલે સાંજે મોરાર પાસે ગઈ હતી.'

'શું કામ ? મને કહ્યા વગર ?

‘હા જી ! હજુ હું તમારી સ્ત્રી નથી થઈ. હું અને મોરાર જરા જરા ઓળખીતાં થયાં છીએ. પરમ દિવસે રાત્રે પાટણ સામે આવ્યાં –'

'હેં?'

‘હા-આ-આ ! તમે તમારી મેળે અદેખાઈ કર્યા કરો. હું એને રીઝવવા ગઈ હતી.’

‘તું ?' ત્રિભુવન ગંભીરતા અને સખ્તાઈ સિવાય કોઈ ભાવ અનુભવવા અશક્ત થઈ રહ્યો હતો.

'હા. કળે થતું હોય તો બળે શા માટે કરવું ? બને તો એને સમજાવું છું. જે થાય તે ખરું’

'ખરેખર?'

‘તમારી પ્રતિજ્ઞા તે મારી. હવે નિરાંત વળી કે બીજું કાંઈ છે ?'

‘શાબાશ, પ્રસન્ન ! હું પણ ઘણો જ અવિશ્વાસુ બની ગયો છું. માફ કરજે.

'તેશીસ્તો; સૂતાયે નથી ને પાટા પણ નથી બંધાવતા, ખરું કેની ?'

'હું હમણાં માંદો છું.'

ત્રિભુવનનું મન થોડુંક પ્રફુલ્લિત થયું હતું. તે ઊંચો અને પ્રસન્નના બે હાથ પોતાના હાથમાં લીધા : 'પ્રસન્ન ! એક બીજા કારણથી મારો મિજાજ ગયો છે.'

'તે વળી શું છે ?'

'તેં સોલંકી કેમ કહેવા માંડયું ? મહામુશ્કેલીએ માત્ર પ્રસન્નને રીઝવવા માટે કૃત્રિમ હાસ્ય કરી મશ્કરી શોધી કહાડતાં તેણે પૂછ્યું.

'શું કહું ત્યારે ?' જરા આંખમાંથી હૃદયભેદક બાણ સેરવી પ્રસન્ન બોલી.

'ત્રિભુવન શું ખોટું છે ? સોલંકી પરાયા જેવું લાગે છે.

'ઠીક, હવે નહિ કહું. આજે સાંજે હું મોરારપાળને રીઝવવા જવાની છું. સાથે આવશો ? નહિ તો – તું ગભરાયા કરશે કે હું ક્યાં નાસી ગઈ.'

નક્કી જ. વખત છે ને તને કાંઈ થાય.’

'આહ ! વખત છે ને કોઈ મને લઈ જાય. ત્રિભુવન ! ત્યારે હવે જરા નિરાંતે સૂ.'

'ના, જરા વાત કરીએ. તું મારી પાસે અહીં બેસ. આજે કેટલે દિવસે ?' કહી ત્રિભુવને પ્રસન્નનો હાથ દાબ્યો.

થોડી વારે લીલા વૈદ આવતા હતા ત્યારે તેણે બે જણને નિરાંતે વાત કરતાં જોયાં. સોલંકીઓની ત્રણ પેઢી તેણે જોઈ હતી અને તેમના કુટુંબને પોતાનું ગણી રહ્યો હતો. તે કુટુંબનો વી૨૨ત્ન ને તેની જુગતી જોડી જોઈ વૈદનું હૈયું ઊંચું આવ્યું. થોડી વાર ડોસાએ ભીની આંખે બે જણને જોયા કર્યાં. તેઓ ગંભીર જુસ્સાદાર રીતે પાટણના ગૌરવની વાત કરતાં હતાં. અને હવે શી રીતે મીનળદેવીને હંફાવાય, તેની યુક્તિઓ યોજતાં હતાં. વાતમાં ને વાતમાં પ્રસન્ન ત્રિભુવનનો હાથ આંખે અડાકાડ્યો. ડોસા શરમના માર્યા ત્યાંથી ચાલ્યા ગયા.

------