Tribhuvan Gand - 18 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 18

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 18

૧૮

ઉદયન આવ્યો

પછી એક દિવસ સોમનાથથી સમુદ્રને કિનારે સ્તંભતીર્થનું એક વહાણ આવીને નાંગર્યું. તેમાંથી એક આધેડ વયનો પણ જુવાન જેવો લાગતો માણસ હોડીમાં બેસવા માટે આગળ આવ્યો. તે નવા આવનારને કૂતુહલથી બધી બાજુ જોઈ રહ્યો હતો.

આ તરફ તે પહેલી વખત જ આવતો હોય તેમ જણાતું હતું. તેણે એક કાનમાં સાચાં મોતીનાં લંગર પહેર્યા હતાં. પગમાં ખંભાતી જોડા હતાં. ગોઠણ સાથે તંગ લાગે એવો ધોતિયાનો કચ્છો વાળ્યો હતો. એને માથે સુંદર નાજુક મારવાડી ઘાટની પાઘડી હતી. એના કપાળમાં કાશ્મીરી કેસરનો પીળો ચાંદલો હતો; ઉપરટપકે જોતાં એ એકદમ સામાન્ય જેવો માણસ જુદો જ બની જતો જણાય. એનું જાડું, વ્યવહારુ, પહોળું નાક, ચોરસ જડબાં અને ભયંકર રીતે તીક્ષ્ણ એવી ઝીણી, સામાને વીંધી નાખે એવી બે આંખો – એનું અનોખું વ્યક્તિત્વ દર્શાવવા માટે પૂરતાં હતાં. એનામાં હરકોઈને હણી નાખતી વખતે કોઈ ન કરી શકે એવું, પહોળું, મીઠું, સહેજ પણ લાગણી વિનાનું, હાસ્ય કરી જાણવાની એની અદભુત શક્તિનો પણ એ મુખમુદ્રામાંથી જ પરિચય થઇ જતો. તે ખડખડ, મોટું, આખો સમુદ્ર ગાજે તેવું વારંવાર હસતો હતો. એણે હોડીમાં બેઠક લીધી. ને એની પડખે એક માણસ દૂર સંકોચાઈને બેઠો.

‘અલ્યા! શું કીધું તારું નામ? કેવું? ઝાંઝણ...?’

‘હા, પ્રભુ!’ ઝાંઝણે બે હાથ જોડ્યા.

‘કેવું નામ છે? આંહીં લોક આવાં નામ પાડતા હશે? તું ક્યાંનો, આંહીંનો છે? આ સામે દેખાય એ જ મંદિર?’

‘હા, પ્રભુ!’ ઝાંઝણે કહ્યું ને પછી પહેલાં પ્રશ્નનો ઉત્તર આપતો હોય તેમ ઉમેર્યું: ‘હું તો વાગડ પંથકનો છું!’

‘એમ? આંહીં પછી ખેંગાર આવી ગયો કે શું થયું? કે’ છે ને મહારાજે આટલા દિવસ યુદ્ધવિશેમ કરાવ્યો હતો? તું આવ્યો ત્યારે આવી ગયો હતો!’

અનેક પ્રશ્નો કરીને સામાને મૂંઝવી નાખવાની આ વિચક્ષણ પુરુષને ટેવ લાગી. ઝાંઝણે શાંતિથી કહ્યું: ‘હા, પ્રભુ!ખેંગાર આવી ગયો. એણે લાખો દ્રમ્મનાં દાન આપ્યાં. સોલંકીના દસોંદી લાલભાટે એને ચારણી છંદે બિરદાવ્યો. ખેંગારે એનાં ગલોફાં ફાટે એટલાં રત્ન આપ્યાં – અને એ ગાજતેવાજતે, જે રસ્તે આવ્યો હતો એ જ રસ્તે, પાછો ગયો! એણે પોતાની ચોથી પ્રતિજ્ઞા પૂરી કર્યાનો લહાવો લીધો!’

‘હા! હા! હા! એણે પણ ઠીક ટીખળ કર્યું. કોઈ કાંઈ બોલ્યું પણ નહિ? પરશુરામ ક્યાં હતો? ત્રિભુવનપાલ નહોતા?’

‘મહારાજે યુદ્ધવિશેમ કરાવ્યો હતો!’

‘એમ? ત્યારે તો સિંહના જુદ્ધ, એમ કહો ને!’ એણે કાંઇક ઠેકડિયાત ટકોર કરી, પછી ઉમેર્યું: ‘આ પેલો... સામે દેખાય એણીકોર – રા’નો ગઢ ત્યાં આવ્યો, કાં?’

‘ના પ્રભુ! એ તો અંદરના ભાગમાં છે.’

‘આપણે ક્યાં – જૂનોગઢ મોરચે જાવાનું છે? આંહીં સોમનાથમાં કેટલીક રોકાણ છે?’

‘આંહીં સાંઢણી તૈયાર હશે, પ્રભુ! ને આપણે સીધાં જૂનોગઢ મોરચે પહોંચવાનું છે! રાજમાતાની એવી આજ્ઞા છે!’

‘રાજમાતાની  આજ્ઞા છે, કાં? મહારાજ હમણાં યુદ્ધમોરચે હશે?’

‘ના, પ્રભુ, મહારાજ પણ ત્યાં છે. મને તો મહાઅમાત્યજીએ મોકલેલો.’

‘હાં હાં!’ ઉદયને વાત ટૂંકાવી નાખી. એને લાગ્યું કે, રાજમાતાની નીતિ મુંજાલ દોરતો હશે. મહારાજ યુદ્ધમોરચે હશે. જે હોય તે – ખબર પડી રહેશે.

થોડી વારમાં હોડી કાંઠે આવી પહોંચી. હોડીમાંથી નીચે ઊતરીને એણે જમીન ઉપર પગ ઠેરવ્યા ન ઠેરવ્યા ને એણે પોતાની પડખે અવાજ સાંભળ્યો: ‘કાકા! જય જિનેન્દ્ર!’

આંહીં કોણ કાકા કહેનારો નીકળી આવ્યો, એમ આશ્ચર્યથી એણે ડોક પાછી ફેરવીને જોયું ત્યાં. ‘એ તો હું છું, ઉદયનકાકા! હું પરશુરામ! તમે આવવાના છો એ મને ખબર પડી એટલે કીધું, મળતો આવું –’ એમ કહેતો એક જુવાન બે હાથ જોડીને એની સામે ઊભો રહેલો એની દ્રષ્ટિએ પડ્યો. તેણે વહાલથી એના ખભા ઉપર બે હાથ લગાવ્યા: ‘અલ્યા! તું તો મોટો સોરઠી સેનાપતિ થઇ પડ્યો છે, પરશુરામ! શા છે જુદ્ધના સમાચાર? મહારાજ ક્યાં છે? તારા બાપા આવ્યા? ક્યાં છે?’

‘આવી ગયા છે, ત્યાં વંથળી મોરચે છે.’

‘વંથળી મોરચે તો તું હતો ને?’

‘હું પણ છું. હમણાં આ બાજુ આવ્યો છું. મેં કહ્યું ત્યારે કોઈએ ન માન્યું, કાકા! ને હવે જખ મારીને આ બ્રાહ્મણને વશ રાખવા નીકળ્યા છે. તમને તો મુંજાલ મહેતાએ કહેવરાવ્યું હશે નાં?’

‘કહેવરાવ્યું તો છે. નહીં કહેવરાવ્યું હોત તો તું ક્યાં નથી! તું કાંઈ ભત્રીજો ઊઠીને કાકાને પાંગળો તો નહિ રાખે?... મુંજાલ મહેતાને મળવું હોય ત્યારે તમને બધી ખબર જોઈએ. અલ્યા ક્યાં ગયો ઓલ્યો?.... શું એનું વિચિત્ર નામ છે... ઝાંઝણ!’ તેણે બે હાથે તાળી પાડી.

ઝાંઝણ હોડીવાળા પાસે ઊભો ઊભો કાંઇક વાતો કરતો હતો. તે એકદમ દોડતો આવ્યો.

‘અલ્યા! ક્યાં છે આપણી સાંઢણી! આંહીં તો કોઈ લાગતું નથી!’

‘મેં તો આંહીં આણવાનું કહ્યું હતું. હમણાં હું હોડીવાળાને... અરે! પણ પ્રભુ! તેણે પરશુરામ ઉપર નજર પડતાં જ બે હાથ જોડ્યા: ‘તમે આંહીં ક્યાંથી?’

‘તારી સાંઢણી ત્યાં ઊભી છે... મંદિર પાસે, દોડ્યો જા. નહિતર સાંઢણીવાળો પાછો ભંગેરી લાગે છે!’

ઝાંઝણ દોડતો ગયો. ‘કાકા! તમે તો આંહીંનું સાંભળ્યું હશે નાં? આખો મોરચો છિન્નભિન્ન થઇ ગયો છે.; પરશુરામને વાત કરી નાખવાની ટેવ લાગી, ઉદયનને એ લાભકારક લાગી. તે મુરબ્બીવટ ભરેલું હાસ્ય મોં ઉપર રાખી રહ્યો.

‘હમણાં વળી રાજમાતા પોતે રસ લેવા માંડ્યાં છે! જુદ્ધ ચાલે છે પણ ખેંગાર મચક આપતો નથી! મેં કહ્યું ત્યારે મારું કોઈએ સાંભળ્યું નહિ. હવે રસ્તો જોઈએ છે – ગઢમાં જવાનો – તે હવે રસ્તો કોણ આપશે? આંહીં તો સૌના દાંત ખાટા થઇ જાય એવી વાત છે. લોઢાના ચણા છે!’

‘પણ અમે તો ત્યાં બેઠા એમ સાંભળ્યું કે પરશુરામે ગજબની કરી નાખી છે! ઉદયને જરાક ચડવ્યો એટલે પોતે માની લીધેલો અન્યાય પરશુરામને આગળ બોલવા પ્રેરી રહ્યો.

‘કાકા! તમને ખબર નથી ત્યારે – આ મહારાજ જયસિંહદેવ એ તો ગજબની મૂર્તિ છે.’ તેણે બોલીને જરાક ગભરાટથી ચારે તરફ જોયું. ઉદયને એ દીઠું. ‘કોઈ નથી.’ તેણે કહ્યું. ‘કેમ ગજબની મૂર્તિ છે?’

પરશુરામે પાસેના ઝાડ તરફ દ્રષ્ટિ કરી: ‘હું ને તમે આંહીં ભેગા થવાના – સાંજ પહેલાં જ મહારાજ પાસે એ વાત પહોંચી જવાની!’

‘ખરેખર?’

‘ત્યારે! આ ઝાડ દેખાય છે, એના ઉપર કોક બેઠો હોય , કોક તમારી હોડી હાંકતો હોય, કોઈ મધ વેંચતો હોય, અરે તમારી સાથે નાળથી રમતો હોય – ને હોય મહારાજ જયદેવનો માણસ! આમણે તો ભારે આદરી છે. તલેતલ અને કણેકણ હકીકત એને મળી આવે!’

‘ત્યારે એમ બોલ ને! સો મન તેલે અંધારું એ આનું નામ!’

‘કેમ એમ બોલ્યા?’

‘જો બહુ ઝીણવટથી જુએ, એ કાંઈ ન જુએ. જોવા જેટલું જ જુઓ એને જોતાં આવડે.’

‘બરાબર છે. હું શું કહેતો હતો?’ પરશુરામે માન્યું હતું કે, એને વિજય મળતો મળતો રહી ગયો હતો. એટલે એ વાત એ બધાંને રસથી કહેતો હતો, ‘સૌને એક તાલાવેલી લાગી – દુર્ગમાં જવાનો રસ્તો મળે તો. પણ મેં એક નારીને દુર્ગમાંથી બહાર આવતી દીઠી; જંગલમાં જીવના જોખમે એનો કેડો પકડ્યો; આંહીં સોમનાથ મંદિરમાં પકડી પાડી ત્યારે સોમનાથ ભક્તિ આડી આવી! રાશિજીનું ધર્મઅભિમાન પ્રકટ્યું, રાશિજીએ એને પાછી દુર્ગમાં પહોંચતી પણ કરી દીધી! હવે આંહીં એ નથી! અને હવે સૌને દુર્ગમાં જવાનાં માર્ગની શોધ કરવી છે – ને માર્ગ ક્યાંક મળતો નથી!’

‘ત્યારે તું આંહીં એટલા માટે આવ્યો છે?’

‘મેં ન કહ્યું કાકા? મુંજાલ મહેતા,’ તેણે આસપાસ જોયું પછી ધીમેથી ઉમેર્યું: ‘એને એમ છે કે, એ જયસિંહદેવની કલ્પનાને બાંધી લેશે. પણ આ જયદેવને હજી અમે વશ રાખી શકીએ. બાકી, એ તો હવાઈ માણસ છે! આંહીં સોમનાથમાં એક કોઈ રાજવંશી નર્તિકા આવી છે.’

ઉદયન ચમકી ગયો: ‘આંહીં? શું કહે છે? એ વળી ક્યાંથી ફૂટી નીકળી?’

‘માલવાની કહે છે! એને વહાણમાં ચડાવીને રવાના કરી દેવી છે. કૈલાશરાશિ ને મહારાજ જયસિંહ સિદ્ધરાજ – બેની આંખમાં ધૂળ નાખીને આ કામ કરવું છે. એટલે હવે મુંજાલ મહેતાને પરશુરામ સાંભર્યો! ઉપરટપકે તો હું આંહીં હમણાં આવ્યો છું – લાટનું સૈન્ય આવે, સ્તંભતીર્થ આવે – સૌને જુદેજુદે મોરચે મોકલવા માટે; પણ ખરું કામ તો આ છે. તમે તો રહ્યા કાકા, એટલે તમને આ કહ્યું. એક મોરચો એટલા માટે આ બાજુથી ઉઘાડ્યો છે!’

ઉદયને ઝાંઝણને આવતો જોયો. એણે પરશુરામની એક ખરી કડી પકડી પાડી હતી: ‘પણ જેને રાશિજીએ પાછી મોકલી દીધી એ કોણ હતી? આ પેલો આવ્યો...’

પરશુરામનો રણકો પકડીને એ બોલ્યો: ‘એ મુંજાલ મહેતાનો ખાસ માણસ જણાય છે!’

‘હા. કહે છે!’

‘એને ખબર છે આ બધી વાતની?’

‘ના, ના. આ ગોઠવણ તો હમણાં થઇ. મુંજાલ મહેતાની આંખ જરા મોડી ઊઘડી. હવે આ માલવાની નારી છે. એને આહીંથી કાઢવી એ આકાશપાતાળ એક કરવા જેવું છે. મહારાજ એને ગણે છે, રાશિ એને રક્ષે છે, એ પોતે પણ રાજવંશી લાગે છે; ફરી બેસે તો ન જ જાય. રાજમાતા એને કાઢવા માગે છે; મુંજાલ મહેતો કાઢવા મથે છે. એમને ડર છે કે, એ માલવાની નારી છે અને હિંમત કોઈની ચાલતી નથી! મહારાજની સામે કોની હિંમત ચાલે? એ જમાનો ગયો. એટલે ટીપવામાં ભગલો ને જમવામાં જગલો એ વાળી વાત કરી છે. હવે પરશુરામ સાંભર્યો! આ તમારા મુંજાલ મહેતા! કાકા! હવે વધુ બોલાવવું છે મારી પાસે?’

ઉદયન પામી ગયો: પરશુરામમાં સાહસ હતું, બુદ્ધિનું જરા દેવાળું હતું. મુંજાલ એનો લાભ લેવા માંગતો હતો. આને મોટો ભા કર્યો હતો. પણ મોટા ભાને મહારાજની અવકૃપાનો એટલો જ ભય રહેલો. એટલે એક નવો મોરચો આંહીં ઉભો કરી – એને આંહીં રાખવાનો દેખાવ મુંજાલે કર્યો હતો.

‘મહારાજ આંહીં આવે છે?’

‘ગમે તે મોરચે જઈને પૂછો ને કે, મહારાજ આંહીં આવે છે? – તો દરેક મોરચાવાળો હા કહેશે, હા પાડશે. મહારાજ જયસિંહ દેવને મહાઅમાત્ય જોઈએ હરિષેણ જેવો!’

‘ઓત્તારીની!’ ઉદયન પરશુરામની ગાંડી મહત્વાકાંક્ષા જોઇને છક્ક થઇ ગયો. આને પણ મહાઅમાત્ય થવાની લગની લાગી છે કે શું? તેણે મોટેથી કહ્યું: ‘પરશુરામ! જેવો તું મહારાજને સમજી શક્યો છે એવું બીજું ભાગ્યે જ કોઈ સમજી શકે તેમ છે!’

‘પણ આંહીં કાકા! ગિરનારી મોરચે, પેલી નારીનો મેં પીછો પકડ્યો હતો, અને ત્યારે દુર્ગનો રસ્તો જાણી લીધો હોત. હવે એ તક ગઈ!’

ઉદયન વિચાર કરી રહ્યો.

‘એ નારી પાછી દુર્ગમાં ગઈ એમ તેં કહ્યું?’

‘હા.’

‘મુંજાલ મહેતાને તો એ ખબર હશે નાં?’

‘ખબર હોય તોય શું કરવાનું?’ પરશુરામે પ્રત્યુત્તર વાળ્યો. ‘એને તો રાશિજીએ જ ખેંગારને સોંપી દીધી. શું થયું એની પણ શી રીતે ખબરું પડે? કોઈને કાંઈ ખબર નથી. આંહીં નથી એ ચોક્કસ!’

‘ખેંગાર સમુદ્રસ્નાન કરવા આવ્યો ત્યારે મુંજાલ મહેતા ત્યાં હતાં, જૂનોગઢમાં?’

‘ના, ના, એ પણ આંહીં જ હતા!’

‘ચાલો ત્યારે, તું મળ્યો એ સારું થયું. આ પેલી સાંઢણી આવતી લાગે છે!’ ઉદયને કહ્યું.

‘હા, એ જ છે! ઠીક ત્યારે કાકા! હું પાછો તમને ત્યાં મળીશ!’

‘મળતો રહેજે પરશુરામ! મને તું મળી જાજે. આપણે કાકો-ભત્રીજો ભેગા થયા છીએ, તો અનેક રસ્તા શોધી કાઢીશું, ગાંડા ભાઈ!’