Runanubandh - 28 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ઋણાનુબંધ - 28

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ઋણાનુબંધ - 28

પાલિતાણા પહોંચી ગયા બાદ પ્રીતિ બધાને પગે લાગી રહી હતી. એ બધાને પગે લાગી પોતે ક્યાં બેસે એ જોઈ રહી હતી. શિક્ષિત પરિવારમાં રહેણીકરણી જૂનવાણી હતી. પુરુષોની સામે કે, પોતાના વડીલોની સામે પણ સ્ત્રીઓએ ખુરશી પર બેસવાનું નહીં. એમની બેઠક નીચે જમીન પર જ રહેતી હતી. પ્રીતિને એ જોઈને સમજાઈ જ ગયું આથી એ પોતાના સાસુની બાજુમાં નીચે બેસવા જતી જ હતી પણ સીમાબહેને પ્રીતિને ખુરશી આપી અને ઉપર બેસવા કહ્યું હતું.

સીમાબહેન પરિવર્તન લાવવા ઈચ્છતા હતા અને એ જરૂરી જ હતું. એવી વિચારસરણીથી જ વડીલો માટે માન રહે એ ફ્ક્ત પુરુષોના અહમને સંતોષવાની વાત હતી. સીમાબહેનનું આવું વલણ પ્રીતિને દિલથી સ્વીકારવા માટેનું પહેલું કદમ હતું. પ્રીતિને એના સ્વભાવ અનુસાર એ ન જ ગમે કે વડીલો નીચે બેઠા હોય અને પ્રીતિ ઉપર બેસે પણ સીમાબહેનના અતિ આગ્રહના લીધે પ્રીતિ ઉપર જ બેઠી હતી. આ સાવ નાની લાગતી બાબત ખુબ મોટા બદલાવની શરૂઆત હતી. પ્રીતિને સંકોચ તો ખુબ થયો પણ સીમાબહેન માટે ખુબ માન વધી ગયું હતું.

આખો પરિવાર મોડીરાત્રે ઘરે આવી ગયો હતો. અજયે પોતાના રૂમમાં આવી ગયા બાદ પ્રીતિને હનીમૂન માટે ક્યાં ફરવા જવું છે એવો પ્રશ્ન કર્યો હતો પણ પ્રીતિ હજુ એમ સહજ કંઈ જ કહે
એટલી નોર્મલ તો નહોતી! એણે સંકોચ સાથે બધું અજયને યોગ્ય લાગે એમ કરવા કહ્યું હતું.

પ્રીતિને પગફેરાનાં રિવાજ માટે ચાર દિવસ માટે પોતાના પિયર આવવાનું થયું હતું. ઘરમાં પહોંચતા પ્રીતિને પહેલા જેવી અનુભતિ થતી એથી વિશેષ લાગણી એને થઈ રહી હતી. જીવનમાં થતો બદલાવ એક સ્ત્રી સ્વીકારી જ લે છે પણ મનનો સંતોષ એમ ક્યાં બદલી શકાય છે? પિયર આવીને પાણી પીધા બાદ પ્રીતિને ખુબ હાશકારો થયો હતો.

દરેક સ્ત્રીઓની જેમ પ્રીતિને પણ પોતાના પતિની લાગણીને સ્વીકારવું સરળ લાગતું હતું પણ પરિવારને સ્વીકારવા માટે હજુ ઘણુ પોતાનામાં પરિવતર્ન લાવવું પડશે એ સ્પષ્ટ સમજાઈ રહ્યું હતું. છતાં સ્ત્રી બન્યા બાદ એ આવડત અનાયાસે આવડી જ જાય છે. એમ પ્રીતિ પણ પોતાનામાં ઘણું પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી જ રહી હતી.

કુંદનબેને પ્રીતિનું મનપસંદ ભીંડાનું શાક, દાળ, ભાત, રોટલી બનાવી જ રાખ્યા હતા. પરેશભાઈ જોબ ગયા હતા અને સૌમ્યા કોલેજ ગઈ હતી આથી પ્રીતિ અને કુંદનબેન ઘરમાં એકલાજ હતા. પ્રિતી ફ્રેશ થઈ પછી જમીને મમ્મીની પાસે વાતો કરતી બેઠી હતી.

કુંદનબેને પ્રીતિને જેમ દરેક માતા પૂછે એમ સહજભાવે પૂછ્યું, "બેટા આ લગ્ન પછી કેવો રહ્યો તારા પોતાના ઘરનો અનુભવ?"

"મમ્મી બધું સારું છે, પણ અમારા ઘર સિવાય કુટુંબ ના સભ્યો એકદમ જુનવાણી વિચારો ધરાવે છે. પાલિતાણા મોટા બાપુજીને ત્યાં તો મને એટલું અજુગતું લાગ્યું કે, મેં આવું ક્યારેય જોયું જ નથી તો હું સહેજ ગભરાઈ ગઈ હતી. સાડી જ પહેરવાની, માથે ઓઢવાનું, વડીલોની હાજરીમાં નીચે જમીન પર બેસવાનું... હું ખરેખર ખુબ ચિંતામાં પડી ગઈ હતી.

મમ્મી મને ચિંતા એ નહોતી કે, મારે એવું કરવું પડશે પણ મને ચિંતા એ થઈ રહી હતી કે, આટલી બધી મારી ને એમની વિચારસરણી અલગ છે તો હું ત્યાં એ વિચારો વચ્ચે કેમ રહી શકીશ? પણ મારા સાસુનો સાથ મને ખુબ હિંમત આપી ગયો હતો. એમણે વડીલોની વચ્ચે મને આગ્રહપૂર્વક ખુરશીમાં જ બેસાડી હતી."

"અરે વાહ! સીમાબહેને તને ખરેખર ખુબ સાથ આપ્યો કહેવાય. સરસ. અને હા દીકરા, બધાની જિંદગી જેવી દેખાતી હોય એવી હોતી જ નથી. આથી તારે થોડો ત્યાંના વાતાવરણ મુજબ તારા જીવનમાં ફેર લેવો જ જોઈએ. અને તારે તો હંમેશા ભાવનગર જ રહેવાનું છે, તો જયારે ત્યાં જવાનું થાય ત્યારે થોડું વધુ સાચવી લેવાનું! જેમ સીમાબહેને તને સાથ આપ્યો એમ તારે પણ હંમેશા તેને સાથ આપવાનો." ઓછા શબ્દોમાં કુંદનબેને બહુ જ ગહન વાત દીકરીને સમજાવતા કહ્યું હતું.

"હા, મમ્મી! હું ધ્યાન રાખીશ. ચાલ મમ્મી હું અજય સાથે વાત કરી લઉં." કહેતા પ્રીતિએ અજયને ફોન કર્યો હતો.

"હેલ્લો!"

"કેમ છો? જમ્યું કે નહીં?"

"ના હવે જમીશ, એક સેમિનાર પૂરો કર્યો."

"ઓકે. સારું તો સાંજે વાત કરશું. ચાલો તમે જમી લો ફરી તમારે લેક્ચરનો સમય થઈ જશે."

"હા, શાંતિથી વાત કરશું. મિસ યુ ડાર્લિંગ."

"મિસ યુ મારી જાન." ટૂંકમાં જ વાત કરી પ્રીતિએ ફોન મુક્યો હતો.

પ્રીતિને થાકના લીધે તરત ઊંઘ આવી ગઈ હતી. પ્રીતિને બપોરે ઊંઘવાની ટેવ નહોતી છતાં એ ઊંઘી એ જોઈ કુંદનબેન પણ પ્રીતિને કોઈ તકલીફ ન થાય એ હેતુથી શાંતિથી પોતાનું કામ પતાવીને વાંચવા બેસી ગયા હતા. કુંદનબેનને વાંચનનો ખુબ શોખ હતો. અને વાંચનના લીધે જ એમના વિચારો અને વ્યક્તિત્વનો વધુ ઉભાર આવ્યો હતો.

કુંદનપર પ્રીતિની વાતોની અસર એના માનસપટ પર છવાઈ ગઈ હતી. એમનું મન વાંચનમાં બિલકુલ ચોંટતું જ નહોતું. દીકરીના ભવિષ્યની ચિંતા એમને થઈ રહી હતી. અંદરથી એક ખાતરી તો હતી જ કે, પ્રીતિ એનું કામ તો સારી રીતે કરે જ પણ એ કામને સિદ્ધ કરવા એણે ખુબ ઝઝૂમવું પડશે એ અણસાર કુંદનબેનને ખુબ વ્યાકુળ કરી રહ્યો હતો. કારણ કે, સામાન્ય વાતાવરણમાં તમે તમારું કામ કરો અને અણધાર્યા સંજોગોમાં કામને ન્યાય આપવો એ બંને વચ્ચેનો ભેદ તેઓ જાણતા જ હતા. આથી જ કુંદનબેને એમની દીકરીને સાસરીમાં કેમ એ વલણને સ્વીકારવું એ શીખવ્યું, એના કાનમાં ખોટી શીખ નાખી નહીં. કુંદનબેન હંમેશા સત્યના પથ પર ચાલવાનો આગ્રહ રાખતા હતા જેથી દીકરીની લાગણીના મોહમાં કોઈ અયોગ્ય સલાહ આપે એ શક્ય જ નહોતું.

પ્રીતિ મોડી સાંજ સુધી ઊંઘી રહી હતી. પરેશભાઈ પણ ઘરે આવી ગયા હતા. પણ કોઈએ પ્રીતિને જગાડી નહોતી. પ્રીતિની ઊંઘ પુરી થઈ ગઈ હતી. આંખ ખોલીને જોયું તો સાડા છ વાગી ચુક્યા હતા. એ રૂમમાંથી બહાર આવી અને પપ્પાને જોઈને ભેટી પડી હતી. થોડી વાર વાતો કરી, અને ચા નાસ્તો કુંદનબેન લઈ આવ્યા એ બધાએ કર્યો હતો. હવે પ્રીતિનું મન ફરી અજય તરફ ખેંચાયું હતું. પ્રીતિએ અજયને ફોન કર્યો હતો.

"હેલ્લો!"

"હેલ્લો! આવી ગયા ઘરે?"

"હા, થોડી વાર પહેલા જ આવ્યો. હું તને ફોન કરવાનો જ હતો ત્યાં જ તારો ફોન આવ્યો. તે ઘરે પહોંચીને મમ્મી કે પપ્પાને ફોન કેમ નથી કર્યો?"

"અરે! મેં પહોંચીને તમને મેસેજ તો કર્યો હતો કે, હું પહોંચી ગઈ છું."

"તારું ધ્યાન ક્યાં છે પ્રીતિ? હું મમ્મી કે પપ્પાને કેમ જાણ ન કરી એમ પૂછું છું?" થોડા ગુસ્સા અને ઉંચા અવાજ સાથે અજય બોલ્યો હતો.

પ્રીતિ અજયના આવા વલણને સ્વીકારી ન શકી. એ ખુબ હતપ્રભ થઈ ગઈ હતી. છતાં પરિસ્થિતિ સાચવતા એ બોલી કે, "સારું, હું હમણાં જ એમની બંને જોડે વાત કરી લઉં છું."

અજયે કોઈ જ જવાબ આપ્યા વગર ફોન મૂકી દીધો.

પ્રીતિને અજયનું ગુસ્સે થવું વ્યાજબી લાગ્યું નહીં, કારણ કે, જો ચિંતાવશ આમ કહ્યું હોય તો ફોન તો મમ્મી કે પપ્પા પણ કરી જ શકે ને! પણ અજયની વાત પરથી પ્રીતિને એ લોકોનું મોટાપણાનું વલણ વધુ છલકતું લાગ્યું હતું. પ્રીતિએ તુરંત જ એના સાસુને ફોન કર્યો હતો.

"હેલ્લો પ્રીતિ! તું પહોંચી ગઈ બેટા?"

"હા, મમ્મી. હું બપોરે જ પહોંચી ગઈ હતી. અને માફી ચાહું છું કે, મેં તમને અહીં પહોંચીને તરત ફોન ન કર્યો."

"કઈ વાંધો નહીં, બીજી વાર ધ્યાન રાખજે. ત્યાં ઘરે બધા મજામાં? શું કરે છે કુંદનબેન?"

"આ રહી મમ્મી. લો આપું એમને ફોન, વાત કરો."

"કેમ છો સીમાબેન? લગ્નનો થાક ઉતર્યો કે નહીં?"

"એકદમ મજામાં. હા, હો. થાક તો ઉતરી જ ગયો છે. અને આજથી જોબ પણ ચાલુ કરી દીધી છે. તમે કહો કેમ છો તમે?"

"હું પણ મજામાં, અને આજ તો પ્રીતિ આવી છે તો વધુ મજા."

"હા, સારું તમે વાત કરો બંને હું પણ મારુ કામ પતાવું. જય શ્રી કૃષ્ણ."

"હા જય શ્રી કૃષ્ણ."

પ્રીતિનું વ્યાકુળ મન વાત કરીને હળવું થયું હતું. એને થયું કે બધું બરાબર થઈ ગયું, પણ આ નાની વાત કેટલી વણસી ગઈ હતી એનો અંદાજો પ્રીતિને બિલકુલ નહોતો.

શું થશે પ્રીતિ ફરી સાસરે આવશે ત્યારે?
કેવું હશે અજયનું વલણ? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻