Prem Vachan - 4 in Gujarati Love Stories by HARSH DODIYA books and stories PDF | પ્રેમ વચન - 4

Featured Books
Categories
Share

પ્રેમ વચન - 4

આપણે બધા ભક્ત પ્રહલાદને જાણીએ છીએ. જે તેની ભગવાન નારાયણ પ્રત્યેની ભક્તિ માટે પ્રસિદ્ધ છે. પ્રહલાદ જ્યારે નાનો હતો ત્યારથી જ નારાયણ ની અપાર ભક્તિ કરતો હતો. પરંતુ આ વાત તેના પિતાજી એટલે કે હિરણ્યકશિપુ (હિરણ્યકશ્યપ) ને પસંદ ન હતી. તેથી હિરણ્યકશિપુ પ્રહલાદને મારવા માટે અનેકો પ્રયાસ કરે છે. તેને ઝેર આપે છે, હાથીના પગ નીચે કચડાવે છે, તેને ઝેરી સર્પોથી ભરેલા ઓરડામાં પુરે છે, પરંતુ દરેક વખતે પ્રહલાદ બચી જાય છે. હવે હિરણ્યકશિપુ પોતાની બહેન હોલિકા, કે જેની પાસે એક ખાસ પ્રકારની શક્તિ હતી, તેની મદદ લે છે. તે શક્તિ એટલે કે તેને અગ્નિ બાળી ના શકે. એક દિવસ હિરણ્યકશિપુ પોતાની બહેન હોલિકા ને કહે છે કે, પ્રહલાદ ને મારવા માટે તું તારા ખોળામાં એને લઈને ચીતા ઉપર બેસી જા. અને ભસ્મ કરી નાખ આ નારાયણ ભક્ત પ્રહલાદને. હોલિકા પ્રહલાદ ને પોતાના ખોળામાં બેસાડીને ચિતા ઉપર બેસે છે. ત્યારે પ્રહલાદ ભગવાન નારાયણને પોતાની રક્ષા માટે પ્રાર્થના કરે છે. જ્યારે આગ લાગવાનું શરૂ થયું ત્યારે હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ પરંતુ પ્રહલાદને કાઈ પણ ન થયું.
પિતા હિરણ્યકશિપુ ના ત્રાસથી પ્રહલાદ ને મુક્ત કરવા માટે નારાયણ નરસિંહ અવતાર લે છે. નરસિંહ અવતાર લેતા પહેલા ભગવાન નારાયણ માં લક્ષ્મીને કહે છે કે, મારો આ અવતાર ખૂબ જ ભયંકર હશે, ખૂબ જ ક્રોધિત હશે. ત્યારે મને શાંત કરવા માટે તમારે તમારા પ્રેમને પૂર્ણ શક્તિ જાગ્રત કરવી પડશે, તમારે મારા ક્રોધ સામે લડવું પડશે. ત્યારે માં લક્ષ્મી કહે છે કે, હું સજ્જ છું.
હવે હિરણ્યકશિપુને વરદાન હતું કે, ન તો કોઈ મનુષ્ય, ન તો કોઈ પ્રાણી, ન કોઈ દેવ, ન કોઈ અસુર, ન દિવસે, ન રાત્રે ન તો ઘરની અંદર, કે ન તો ઘરની બહાર. કોઈ પણ સ્થાને, કોઈ પણ હિરણ્યકશિપુને મારી ન શકે. તેથી નારાયણ નરસિંહ અવતારમાં નથી મનુષ્ય હોતા, કે નથી પ્રાણી (અડધા મનુષ્ય, અડધા પ્રાણી), નથી ઘરની અંદર કે નથી ઘરની બહાર, નથી એકદમ દિવસ કે નથી એકદમ રાત્રીનો સમય. મારે છે તો સાંજના સમયે અને ઉંબર (ઘરનો આગલો ભાગ અથવા તો બારણાની બે સાખ વચ્ચે નીચે બેસાડેલું લાકડું.) પર રાખીને મારે છે. એટલા માટે જ આપણે આપણા દાદા દાદી પાસેથી ઘણી વખત સાંભળ્યું હશે કે, સાંજના સમયે ઉંબર પર ના બેસાય. ભગવાન નરસિંહ ખૂબ ક્રોધિત હોય છે. તે હિરણ્યકશિપુ નો નાશ કરે છે. ત્યારબાદ પણ તેમનો ક્રોધ શાંત થતો નથી. ત્યારે મા લક્ષ્મી આવે છે, ભગવાન નરસિંહના ક્રોધ સામે લડે છે. અને તેમાં વિજય પણ પ્રાપ્ત કરે છે. એવી જ રીતે આપણા પ્રિયજનો ના મનમાં જે પાપ છે અથવા તો હોય, તો તેની સામે આપણે લડવું પડશે.
એજ આ સ્ટોરીનો સાર છે. જો તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો તો તમારે તેના મનની અંદર રહેલા પાપથી લડવું પડશે. જો તમારો પ્રેમી અધર્મ ના માર્ગ પર છે તો તેને ફરી ધર્મના માર્ગ પર લઈ આવો. અને એને ફરી ધર્મના માર્ગ પર લાવવા મટે હર સંભવ પ્રયાસ કરો, તેના માટે બળનો ઉપયોગ કરવો પડે તો કરો એ પણ પુર્ણતા ઉચિત છે.
જેવી રીતે નાનકડો પ્રહલાદ પોતાના પિતાની સામે લડ્યો, જેવી રીતે માં લક્ષ્મી ભગવાન નરસિંહના ક્રોધ સામે લડ્યા. એવી જ રીતે તમારા પ્રેમીના પાપોથી, વિકારોથી તમારે લડવું પડે તો લડો. પ્રેમમાં, પ્રેમી કોઈ ખોટા માર્ગ પર જાય છે તો તેને સાચો માર્ગ બતાવવો, એ એક પ્રેમીનો પરમ ધર્મ છે. એના અંદરના પાપને મારવો એ જ સાચા પ્રેમનું પ્રતીક છે. આ જ છે પ્રેમનું ચોથું વચન કે "તમારા પ્રેમીના મનના પાપોથી લડવું પડે તો લડો."
આ બધી વાર્તાઓ, પ્રેમના વચન, સાંભળવામાં કે વાંચતી વખતે કેટલા સરળ લાગે છે. પરંતુ તેને જીવનમાં આત્મસાધ કરવા ખૂબ જ કઠિન છે. પણ જો એ જીવનમાં અત્મસાધ થઈ જાય તો એનાથી સુંદર આ જીવનમાં બીજું કઈ પણ નથી.

🙏....રાધે....રાધે....🙏