Mangal Prabhat - 4 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | મંગળ પ્રભાત - 4

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

મંગળ પ્રભાત - 4

(4)

૭. અભય

તા. ૨-૯-’૩૦

મંગળપ્રભાત

આની ગણના સોળમા અધ્યાયમાં દૈવી સંપદનું વર્ણન કરતાં ભગવાને પહેલી કરી છે. એ શ્લોક બેસાડવાની સગવડ ખાતર હો કે અભયને પ્રથમ સ્થાન હોવું જોઇએ તેથી, એ વિવાદમાં હું ન ઊતરું; એવો નિર્ણય કરવાની મારામાં યોગ્યતા પણ નથી. મારી મતિ પ્રમાણે અભયને અનાયાસે પ્રથમ સ્થાન મળ્યું હોય તોયે તેને તે યોગ્ય છે. અભય વિના બીજી સંપત્તિઓ ન સાંપડે. અભય વિના સત્યની શોધ થાય ? અભય વિના અહિંસાનું પાલન કેમ થાય ? ‘હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને.’ સત્ય એ જ હરિ, એ જ રામ, એ જ નારાયણ, એ જ વાસુદેવ. કાયર એટલે ભયભીત બીકણો; શૂરો એટલે ભયમુકત, તલવારાદિ કસેલો નહીં. તલવાર શૂરની સંજ્ઞા નથી, બીકની નિશાની છે.

અભય એટલે બાહ્ય ભયમાત્રથી મુક્તિ. મોતનો ભય, ધનમાલ લૂંટાવાનો ભય, કુટુંબપરિવાર વિશેનો ભય, રોગનો ભય, શસ્ત્રપ્રહારનો ભય, આબરૂનો ભય, કોઇને ખોટું લગાડવાનો ભય, એમ ભયની વંશાવાળી જેટલી લંબાવીએ તેટલી લંબાવી શકાય. એકમાત્ર મોતનો ભય જીત્યો એટલે બધા ભયો જીત્યા એમ સામાન્ય રીતે કહેવાય છે; પણ એ બરોબર નથી લાગતું. ઘણા મોતનો ભય છોડે છે છતાં નાના પ્રકારનાં દુઃખોથી નાસે છે. કોઇ પોતે મરવા તૈયાર હોય છે, પણ સગાંવહાલાંનો વિયોગ સહન નથી કરતા. કોઇ કૃપણ આ બધું જતું કરશે, દેહ જતો કરશે, પણ એકઠું કરેલું ધન છોડતા૩ં હેબતાઇ જશે. કોઇ પોતે માનેલી આબરૂ, પ્રતીષ્ઠા સાચવવા અનેક કાળાંધોળાં કરવા તૈયાર થશે ને કરશે. જગતની નિંદાના ભયથી કોઇ સીધો માર્ગ જાણતાં છતાં લેતા અચકાશે. સત્યની શોધ કરનારે આ બધા ભયોને તિલાંજલિ દીધે જ છૂટકો. હરિશ્ચન્દ્રની જેમ પાયમાલ થવાની તેમનામાં તૈયારી હોવી જોઇએ. હરિશ્ચન્દ્રની કથા ભલે કાલ્પનિક હોય, પણ આત્માર્થી માત્રનો એ અનુભવ છે; એટલે એ કથાની કિંમત કોઇ ઐતિહાસિક કથા કરતાં આનંતગણી વધારે છે, ને આપણે સહુને સંઘરવા, મનન કરવા યોગ્ય છે.

અભયવ્રતનું સર્વથા પાલન લગભગ અશક્ય છે. ભયમાત્રથી મુક્તિ તો જેને આત્મસાક્ષાત્કાર થયો હોય તે જ પામી શકે. અભય અમૂર્છ સ્થિતિની પરાકાષ્ઠા છે. નિશ્ચય કરવાથી, સતત પ્રયત્ન કરવાથી, અને આત્મા ઉપરની શ્રદ્ધા વધવાથી અભયની માત્રા વધી શકે છે. મેં આરંભમાં જ કહ્યું કે આપણે બાહ્ય ભયોથી મુક્તિ મેળવવી છે. અંતરમાં જે શત્રુ રહ્યા છે તેમનાતી તો ડરીને જ ચાલવાનું છે. કામ - ક્રોધાદિનો ભય ખરો ભય છે. એને જીતી લઇએ તો બાહ્ય ભયોનો ઉપદ્રવ એની મેળે મટે. ભયમાત્ર દેહને લઇને છે. દેહ ઉપરનો રાગ ટળે તો સહેજે અભય પ્રાપ્ત થાય. આમ વિચાર કરતાં આપણે જોઇ શકીએ છીએ કેભયમાત્ર આપણી કલ્પનાની સૃષ્ટિ છે. પૈસામાંથી, કુટુંબમાંથી, શરીરમાંથી ‘માર’ પણું કાઢી નાખીએ એટલે. ભય ક્યાં છે ? તેન ત્યત્કેન ભુઝજીયા : એ રામબાણ વચન છે. કુટુંબ, પૈસો, દેહ જેવાં ને તેવાં રહે. તેમને વિશેની આપણી કલ્પના બદલવી રહી. એ ‘આપણાં’ નથી, એ ‘મારાં’ નથી; એ ઇશ્વરનાં છે; ‘હું’ પણ તેનો છું, ‘મારું’ એવું આ જગતમાં કંઇ જ નથી. પછી મને ભય શાને વિશે હોઇ શકે ? તેથી ઉપનિષદકારે કહ્યું, ‘તે ત્યાગ કરીને તે ભોગવ.’ એટલે આપણે તેના રખેવાળ રહીએ, તે તેની રક્ષા કરવા પૂરતી શક્તિ અને સામગ્રી આપી દેશે. આમ સ્વામી મટીને સેવક થઇએ, શૂન્યવત્‌ થઇ રહીએ તો સહેજે ભયમાત્ર જીતીએ, સહેજે શાંતિ મેળવીએ, સત્યનારાયણનાં દર્શન કરીએ.

૮. અસ્પૃશ્યતાનિવારણ

તા. ૯-૯-’૩૦

મંગળપ્રભાત

આ વ્રત પણ અસ્વાદવ્રતની જેમ નવું છે અને કંઇક વિચિત્ર પણ લાગે. જેટલું વિચિત્ર છે તેના કરતાં વધારે આવશ્યક છે. અસ્પૃશ્યતા એટલે આભડછેક; અને અખા ભગતે ઠીક ગાયુંં છે, ‘આભડછેક અદકેરું અંગ’. એ જ્યાં ત્યાં ધર્મામાં ધર્મને નામે કે બહાને વિઘ્ન નાખ્યા જ કરે છે અને ધર્મને કલુષિત કરે છે. જો આત્મા એક જ છે, ઇશ્વર એક જ છે તો અસ્પૃશ્ય કોઇ નથી જે રીતે ઢેડભંગીને અસ્પૃશ્ય ગણવામાં આવે છે પણ અસ્પૃશ્ય નથી, તે રીતે મૃતદેહ પણ અસ્પૃશ્ય નથી, એ માન ને કરુણાને પાત્ર છે. મૃતદેહનો સ્પર્શ કરી કે તેલ ચોળી અથવા હજામત કરી - કરાવી નાહીએ છીએ તો તે કેવળ આરોગ્યની દૃષ્ટીએ. મૃતદેહનો સ્પર્શ કરી કે તેલ ચોળી - ચોળાવી ન નહાય તે ભલે ગંદો કહેવાય; તે પાતકી નથી, પાપી નથી. એમ તો ભલે માતા બચ્ચાનું મેલું ઉપાડ્યા પછી સ્નાન ન કરે અથવા હાથપગ ન ધુએ ત્યાં લગી અસ્પૃશ્ય હોય, પણ બચ્ચું ગેલ કરતું તેને અડશે તો તે નથી અભડાવાનું કે નથી તેનો આત્મા મલિન થવાનો. પણ જે તિરસ્કારરૂપે ભંગી, ઢેડ, ચમાર ઇત્યાદિ નામે ઓળખાય છે એ તો જન્મે અસ્પૃશ્ય ગણાય છે. ભલે તેણે સેંકડો સાબુથી વર્ષો લગી શરીર ચોળ્યું હોય, ભલે તે ગીતાપાથ રોજ કરે ને ધંધો લેખકનો કરે તોયે અસ્પૃશ્ય છે. આમ જે ધર્મ મનાય કે આચરાય તે ધર્મ નથી, અધર્મ છે ને નાશને યોગ્ય છે. આપણે અસ્પૃશ્યતાનિવારણને વ્રતનું સ્થાન આપીને એમ માનીએ છીએ કે અસ્પૃશ્યતા હિંદુ ધર્મનું અંગ નથી, એટલું જ નહીં પણ એ હિંદુ ધર્મમાં પેસી ગયેલો સડો છે, વહેમ છે, પાપ છે, ને તેનું નિવારણ કરવું પ્રત્યેક હિંદુનો ધર્મ છે, તેનું પરમ કર્તવ્ય છે. તેથી જે તેને પાપ માને છે તે તેનું પ્રાયશ્ચિત કરે, અને કંઇ નહીં તો પ્રાયશ્ચિતરૂપે પણ ધર્મ સમજીને સમજદાર હિંદુ પ્રત્યેક અસ્પૃશ્ય ગણાતાં ભાઇબહેનને અપનાવે. તેનો હેતે, સેવા ભાવે સ્પર્શ કરે, સ્પર્શ કરી પોતાને પાવન થયેલ માને, ‘અસ્પૃશ્ય’નાં દુઃખો દૂર કરે, વર્ષા થયાં તેમને કચડી નાખવામાં આવેલ છે તેથી તેમનામાં જે અજ્ઞાનાદિ દોષો પેસી ગયા છે તે ધીરજપૂર્વક દૂર કરવામાં તેમને મદદ કરે, અને આ બીજા હિંદુને કરવા મનાવે, પ્રેરે. આ દૃષ્ટિએ અસ્પૃશ્યતાને નિહાળતાં તેને દૂર કરવામાં જે ઐહિક કે રાજનૈતિક પરિણામ રહ્યાંં છે તેમને વ્રતધારી તુચ્છ ગણશે. તે કે તેવું પરિણામ આવો અથવા ન આવો, છતાં અસ્પૃશ્યતાનિવારણને વ્રતરૂપે આચરનારા ધર્મ સમજી અસ્પૃશ્ય ગણાતાંને અપનાવશે. સત્યાદિ આચરતાં આપણે ઐહિક પરિણામનો વિચાર ન કરીએ. સત્યાચરણ તે વ્રતધારીને સારુએક યુક્તિ નથી, એ તો તેના દેહની સાથે જડાયેલી વસ્તુ છે, તેનો સ્વભાવ છે; તેમ અસ્પૃશ્યતાનિવારણ તે વ્રતધારીને છે. આ અસ્પૃશ્યતાનું મહત્ત્વ સમજાયા પછી આપણને માલૂમ પડશે કે એ સડો કેવળ ઢેડભંગી ગણાતાં વિશે જ દાખલ થઇ ગયો છે એમ નથી. સડાનો સ્વભાવ છે કે પ્રથમ રાઇના દાણા જેટલો લાગે છે, પછી પહાડનું સ્વરૂપ પકડે છે, ને છેવટે જેમાં પ્રવેશ કરે છે તેનો નાશ કરતો રહે છે, તેમ અસ્પૃશ્યતાનું છે. આ આભડછેટ વિધર્મી પ્રત્યે આવી છે, અન્ય સંપ્રદાયો પ્રત્યે આવી છે, એક જ સંપ્રદાયની વચ્ચે પણ પેસી ગઇ છે, તે એટલે સુધી કે કેટલાક તો અસ્પૃશ્યતાને પાળતાં પાળતાં પૃથ્વી ઉપર ભારરૂપ થઇ પડ્યા છે. પોતાનું જ સંભાળતાં, પોતાને પંપાળતાં, નહાતાંધોતાં, ખાતાંપીતાં નવરા જ થતા નથી. ઇશ્વરને નામે ઇશ્વરને ભૂલી પોતાને પૂજતા થઇ ગયા છે. એટલે અસ્પૃશ્યતાનિવારણ કરનાર ઢેડભંગીને અપનાવીને સંતોષ નહીં માને; તે જીવમાત્રને પોતામાં નહીં જુએ ને પોતાને જીવમાત્રમાં નહીં હોમી દે ત્યાં લગી શાંત થશે જ નહીં. અસ્પૃશ્યતા નિવારવી એટલે જગતમાત્રની સાથે મૈત્રી રાખવી, તેના સેવક થવું. આમ જોતાં અસ્પૃશ્યતાનિવારણ અહિંસાની જોડી બની જાય છે ને વસ્તુતઃ છે જ. અહિંસા એટલે જીવમાત્ર પ્રત્યે પૂર્ણ પ્રેમ. અસ્પૃશ્યતાનિવારણનો પણ એ જ અર્થ છે. જીવમાત્રની સાથેનો ભેદ મટાડવો તે અસ્પૃશ્યતાનિવારણ. આમ અસ્પૃશ્યતાને જોતાં તે દોષ થોડેઘણે અંશે જગતમાં વ્યાપક છે ખરો. અહીં આપણે તેને હિંદુ ધર્મના સડાંરૂપે વિચાર્યો છે, કેમ કે તેણે હિંદુ ધર્મમાં ધર્મનું સ્થાન ઝડપ્યું છે, ને ધર્મને બહાને લાખો કે કરોડોની સ્થિતિ ગુલામના જેવી કરી મૂકી છે.