Mangal Prabhat - 3 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | મંગળ પ્રભાત - 3

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

મંગળ પ્રભાત - 3

૫. અસ્તેય

૧૯-૮-’૩૦, ય. મં.

મંગળપ્રભાત

હવે આપણે અસ્તેયવ્રત ઉપર આવીએ છીએ. ઊંડે ઊતરતાં આપણે જોઇશું કે બધાં વ્રતો સત્ય અને અહિંસાના અથવા સત્યના ગર્ભમાં રહ્યાં છે. તે આમ દર્શાવી શકાય :

કાં તો સત્યમાંથી અહિંસા ઘટાવીએ અથવા સત્ય-અહિંસાને જોડી ગણીએ. બંને એક જ વસ્તુ છે; છતાં મારું મન પહેલાં તરફ ઢળે છે. ને છેવટની સ્થિતિ જોડીથી - દ્ધંદ્ધથી - અતીત છે. પરમ સત્ય એકલું ઊભે છે. સત્ય સાધ્ય છે; અહિંસા એ સાધન છે અહિંસા શું છે એ જાણીએ છીએ; પાલન કઠિન છે. સત્યનો તો અંશમાત્ર જાણીએ છીએ; સંપૂર્ણતાએ જાણવું દેહીને સારુ કઠિન છે. જેમ અહિંસાનું સંપૂર્ણ પાલન દેહીને સારુ કઠિન છે. અસ્તેય એટલે ચોરી ન કરવી. ચોરી કરે તે સત્ય જાણે કે પ્રેમધર્મ પાળે એમ કોઇ નહીં કહે. છતાં ચોરીનો દોષ આપણે સહુ થોડેઘણે અંશે જાણ્યેઅજાણ્યે કરીએ છીએ. પારકાનું તેની રજા વિના લેવું એ તો ચોરી છે જ, પણ પોતાનું ગણાતું પણ માણસ ચોરે છે : - જેમ એક બાપ પોતાનાં બાળકોના જાણ્યા વિના, તેઓને ન જણાવવાને ખાતર, છાનોમાનો કંઇ વસ્તુ ખાઇ જાય છે. આશ્રમનો કોઠાર આપણો બધાનો છે એમ કહેવાય; પણ તેમાંથી છાનેમાને જે ગોળની ગાંગડી પણ લે છે તે ચોરી છે. એક બાળક બીજાની કલમ લે છે તે ચોરી કરે છે. ભલે સામેનો માણસ જાણે, છતાં કંઇ વસ્તુ તેની રજા વિના લેવી એ પણ ચોરી છે. એટલે કે રસ્તે પડી ગયેલી વસ્તુના આપણે માલિક નથી, પણ તે પ્રદેશના રાજા અથવા તે પ્રદેશનું તંત્ર છે. આશ્રમની નજીક મળેલી કંઇ પણ વસ્તું આશ્રમના મંત્રીને સોંપવી જોઇએ. મંત્રી, જો તે આશ્રમની ન હોય તો, સિપાઇને હવાલે કરે.

આટલે લગી તો સમજવું પ્રમાણમાં સહેલું જ છે. પણ અસ્તેય આથી બહુ આગળ જાય છે. કોઇ વસ્તુ લેવાની આપણને આવશ્યકતા નથી, છતાં તે જેના કબજામાં હોય તેની પાસેથી, તેની ભલે રજા મેળવીને પણ, લેવી એ ચોરી છે. ન જોઇતી એક પણ વસ્તુ લેવી ન જોઇએ. આવી ચોરી જગતમાં વધારે ને વધારે ખાવાના પદાર્થો વિશે ખાય છે. મને અમુક ફળની હાજત નથી છતાં લઉં છું, અથવા જોઇએ તે કરતાં વધું લઉં છું તો તે ચોરી છે. કેટલી હાજત વસ્તુત : છે એ માણસ હંમેશાં જાણતો નથી, ને લગભગ આપણે બધાં આપણી હોવી જોઇએ તેના કરતાં વધારે હાજત કરી મૂકીએ છીએ. તેથી આપણે અજાણપણે ચોર બનીએ છીએ. વિચાર કરતાં આપણે જોઇશું કે આપણી ઘણી હાજતો આપણે સંકેલી શકીએ છીએ. અસ્તેયનું વ્રત પાળનાર ઉત્તરોત્તર પોતાની હાજત ઓછી કરશે. આ જગતમાં ઘણી કંગાલિયત અસ્તેયના ભંગથી પેદા થઇ છે.

ઉપર બતાવી તે બધી બાહ્ય અથવા શારીરિક ચોરી કહીએ. આથી સૂક્ષ્મ અને આત્માને નીચે પાડનારી કે રાખનારી ચોરી તે માનસિક છે. મનથી આપણે કોઇની વસ્તુ મેળવવાની ઇચ્છા કરી કે તેની ઉપર એઠી નજર કરી તે ચોરી છે. મોટાં કે બાળક સારી વસ્તુ જોઇ લલચાઇએ તે માનસિક ચોરી છે. ઉપવાસી શરીરથી તો નથી ખાતો, પણ બીજાને ખાતાં જોઇ મનથી સ્વાદને સેવે છે તે ચોરી કરે છે, ને પોતાના ઉપવાસનો ભંગ કરે છે. જે ઉપવાસી ઉપવાસ તોડતાં ખાવાના વિચારો ગોઠવ્યા જ કરે છે તે અસ્તેયનો ને ઉપવાસનો ભંગ કરે છે એમ કહી શકાય. અસ્તેયવ્રત પાળનાર ભવિષ્યમાં મેળવવાની વસ્તુના વિચારના વમળમાં નહીં પડે. ઘણી ચોરીઓના મૂળમાં આ એઠી ઇચ્છા રહેલી જોવામાં આવશે. આજે જે વિચારમાત્રમાં રહી છે તે મેળવવાને આવતી કાલે આપણે સારાનરસા ઉપાયો યોજવા મંડી જઇશું.

અને જેમ વસ્તુની ચોરી થાય છે તેમ વિચારની ચોરી પણઇ થાય છે. અમુક સારો વિચાર પોતાનામાં ન ઉદ્‌ભવ્યો હોય છતાં પોતે જ પ્રથમ કર્યો એમ જે અહંકારમાં કહે છે તે વિચારની ચોરી કરે છે. આવી ચોરી ઘણા વિદ્ધાનોએ પણ દુનિયાના ઇતિહાસમાં કરી છે ને આજ ચાલ્યા કરે છે. ધારો કે મેં આંધ્રમાં નવી જાતનો રેંટિયા જોયો. એવો રેંટિયો મેં આશ્રમમાં બનાવ્યો ને પછી કહું કે આ તો મારી શોધ છે. આમાં મેં સ્પષ્ટ રીતે બીજાએ કરેલી શોધની ચોરી કરી છે, અસત્ય તો આદર્યું છે જ.

એટલે અસ્તેયવ્રતનું પાલન કરનારે બહુ નમ્ર, બહુ વિચારશીલ, બહુ સાવધાન, બહુ સાદા રહેવું પડે છે.

૬. અપરિગ્રહ

૨૬-૮-’૩૦, ય. મં.

મંગળપ્રભાત

અપરિગ્રહ અસ્તેયને લગતું ગણાય. જે મૂળમાં ચોરેલું નથી તે અનાવશ્યક એકઠું કરવાથી ચોરીના માલ જેવું થઇ જાય છે. પરિગ્રહ એટલે સંચય અથવા એકઠું કરવું. સત્યશોધક, અહિંસક પરિગ્રહ ન કરી શકે. પરમાત્મા પરિગ્રહ કરતો નથી. તેને ‘જોઇતી’ વસ્તુ તે રોજની રોજ પેદા કરે છે. એટલે જો આપણે તેની ઉપર વિશ્વાસ રાખીએ તો સમજીએ કે આપણને જોઇતી વસ્તુ તે રોજની રોજ આપે છે, આપશે. ઓલિયાઓનો, ભક્તોનો આ અનુભવ છે. રોજના પૂરતું જ રોજ પેદા કરવાના ઇશ્વરી નિયમને આપણે જાણતાં નથી, અથવા જાણવા છતાં પાળતાં નથી. તેથી, જગતમાં વિષમતા ને તેથી થતાં દુઃખો અનુભવીએ છીએ. ધનાઢ્યનેત્યાં તેને ન જોઇતી વસ્તુઓ ભરી હોય છે, રખડી જાય છે, બગડી જાય છે; જ્યારે તેમને અભાવે કરોડો રવડે છે, ડાઢે ઠરે છે. સહું પોતાને જોઇતો જ સંગ્રહ કરે તો કોઇને તંગી ન આવે ને સહુને સંતોષ રહે. આજ તો બંને તંગી અનુભવે છે. કરોડપતિ અબજપતિ થવા મથે છે, તોયે તેને સંતોષ નથી રહેતો. કંગાળ કરોડપતિ થવા ઇચ્છે છે, કંગાળને પેટપૂરતું જ મળવાથી સંતોષ પેદા થતો જોવામાં નથી આવતો. પણ કંગાળનેપેટ પૂરતું મળવાનો ધર્મ છે. તેથી તેના અને સમાજનો તેને તેટલું મેળવતો કરવાનો ધર્મ છે. તેથી તેના અને પોતાના સંતોષને ખાતર ધનાઢયે પહેલ કરવી ઘટે. તે પોતાનો અત્યંત પરિગ્રહ છોડે તો કંગાળને પોતા - પૂરતુંં સહેજે મળી રહે ને બંને પક્ષ સંતોષનો પાઠ શીખે. આદર્શ આત્યંતિક અપરિગ્રહ તો મનથી અને કર્મથી જે દિગંબર છે તેનો જ હોય. એટલે કે તે પક્ષીની જેમ ઘર વિનાનો, વસ્ત્ર વિનાનો અને અન્ન વિનાનો વિચરશે. અન્ન તોતેને રોજ જોઇશે તે ભગવાન આપી રહેશે. આ અવધૂત સ્થિતિને તો કોઇક જ પહોંચી શકે. આપણે સામાન્ય કોટિના સત્યાગ્રહી જિજ્ઞાસુ આદર્શને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ નિત્ય આપણો પરિગ્રહ તપાસીે ને ઓછો કરતાં જઇએ. ખરા સુધારાનું, ખરી સભ્યતાનું લક્ષણ પરિગ્રહનો વધારો નથી, પણ તેનો વિચાર ને ઇચ્છાપૂર્વક ઘટાડો છે. જેમ જેમ પરિગ્રહ ઓછો કરીએ તેમ તેમ ખરું સુખ ને ખરો સંતોષ વધે છે, સેવાશક્તિ વધે છે. આમ વિચારતાં ને વર્તતાં આપણે જોઇશું કે આપણે આશ્રમમાં ઘણો સંગ્રહ એવો કરીએ છીએ કે જેની આવશ્યકતા સિદ્ધ નહીં કરી શકીએ; અને એવા અનાવશ્યક પરિગ્રહથી પડોશીને ચોરી કરવાની લાલચમાં ફસાવીએ છીએ. અભ્યાસથી મનુષ્ય પોતાની હાજતો ઘટાડી શકે છે; ને જેમ ઘટાડતો જાય છે તેમ તે સુખી, શાંત ને બધી રીતે આરોગ્યવાન થાય છે. કેવળ સત્યની, આત્માની દૃષ્ટિએ વિચારતાં શરીર પણ પરિગ્રહ છે. ભોગેચ્છાથી આપણે શરીરનું આવરણ ઊભું કર્યું છે ને તેને ટકાવી રાખીએ છીએ. ભોગેચ્છા અત્યંત ક્ષીણ થાય તો શરીરની હાજત મટે; એટલે મનુષ્યને નવું શરીર ધારણ કરવાપણું ન રહે. આત્મા સર્વવ્યાપક હોઇ શરીરરૂપી પાંજરામાં કેમ પુરાય ? એ પાંજરાને ટકાવા સારુ અનર્થો કેમ કરે ? ત્રીજાને કેમ હણે ? આમ વિચાર કરતાં આપણે આત્યંતિક ત્યાગને પહોંચીએ છીએ, અને શરીર છે ત્યાં લગી તેનો ઉપયોગ કેવળ સેવાને અર્થે કરતાં શીખીએ છીએ; તે એટલે લગી કે તેનો ખરો ખોરાક જ સેવા થઇ પડે છે. તે ખાય છે, પીએ છે, સૂએ છે, બેસે છે, જાગે છે, ઊંઘે છે તે બધું સેવાને જ અર્થે. આમાંથી ઉત્પન્ન થતું સુખ ખરું સુખ છે, ને આમ કરતો મનુષ્ય છેવટે સત્યની ઝાંખી કરશે. આ દૃષ્ટિએ આપણે સહુ આપણો પરિગ્રહ વિચારી લઇએ.

આટલું યાદ રાખવા યોગ્ય છે કે જેમ વસ્તુનો તેમ વિચારનો પણ અપરિગ્રહ હોવો જોઇએ. જે મનુષ્ય પોતાના મગજમાં નિરર્થક જ્ઞાન ભરી મૂકે છે તે પરિગ્રહી છે. જે વિચાર આપણને ઇશ્વરથી વિમુખ રાખે અથવા ઇશ્વર પ્રતિ ન લઇ જતા હોય તે બધા પરિગ્રહમાં ખપે, અને તેથી ત્યાજ્ય છે. આવી વ્યાખ્યા ભગવાને તેરમાં અધ્યાયમાં જ્ઞાનની આપી છે તે આ પ્રસંગે વિચારી જવી ઘટે છે. અમાનિત્વ ઇત્યાદિને ગણાવીને કહી દીધું કે તેની બહારનું જે બધું તે અજ્ઞાન છે; આ ખરું વચન હોય - અને ખરું છે જે - તો આજે આપણે ઘણું જે જ્ઞાનને નામે સંઘરીએ છીએ તે અજ્ઞાન જ છે ને તેથી લોભને બદલે હાનિ થાય છે; મગજ ભમે છે, છેવટ ખાલી થાય છે; અસંતોષ ફેલાય છે અને અનર્થો વધે છે. આમાંથી કોઇ મંદતાને તો નહીં જ ઘટાવે. પ્રત્યેક ક્ષણ પ્રવૃત્તિમય હોવી જોઇએ. પણ તે પ્રવૃત્તિ સાત્ત્વિક હોય, સત્ય તરફ લઇ જનારી હોય. જેણે સેવાધર્મ સ્વીકાર્યો છે તે એક ક્ષણ પણ મંદ રહી શકે જ નહીં. અહીં તો સારાસારનો વિવેક શીખવાનો છે. સેવાપરાયણને એ વિવેક સહજ પ્રાપ્ત છે.