Mangal Prabhat - 2 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | મંગળ પ્રભાત - 2

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

મંગળ પ્રભાત - 2

(2)

૩. બ્રહ્મચર્ય

૫-૮-’૩૦, યં. મં.

મંગળપ્રભાત

આપણાં વ્રતોમાં ત્રીજું વ્રત બ્રહ્મચર્યનું છે. ખરું જોતાં બીજાં બધાં વ્રતો એક સત્યના વ્રતમાંથી જ ઉત્પન્ન થાય છે ને તેને જ અર્થે રહ્યાં છે. જે મનુષ્ય સત્યને વરેલ છે, તેની જ ઉપાસના કરે છે. તે બીજી કોઇ પણ વસ્તુની આરાધના કરે તો તે વ્યભિચારી ઠર્યો. તો પછી વિકારની આરાધના ક્યાંથી જ કરાય ? જેની પ્રવૃત્તિમાત્ર સત્યનાંદર્શન કરવાને અર્થે છે તે પ્રજોત્પત્તિકાર્યમાં કે ગૃહસંસાર ચલાવવામાં કેમ જ પડી શકે ? ભોગવિલાસથી કોઇને સત્ય જડ્યાનો આજ લગી આપણી પાસે એકે દાખલો નથી.

અથવા અહિંસાના પાલનને લઇએ તો તેનું પૂર્ણ પાલન બ્રહ્મચર્ય વિના અશક્ય છે. અહિંસા એટલે સર્વવ્યાપી પ્રેમ. જ્યાં પુરુષે એક સ્ત્રીને કે સ્ત્રીએ એક પુરુષને પોતાનો પ્રેમ આપ્યો ત્યાં તેની પાસે બીજાને અર્થે શું રહ્યું ? એનો અર્થ જ એ થયો, ‘અમે બે પહેલાંને બીજાં બધા પછી.’ પતિવ્રતા સ્ત્રી પુરુષને સારુ અને પત્નીવ્રત પુરુષ સ્ત્રીને સારુ સર્વસ્વ હોમવા તૈયાર થશે, એટલે તેનાથી સર્વવ્યાપી પ્રેમનું પાલન ન જ થઇ શકે એ સ્પષ્ટ છે. એનાથી આખી સૃષ્ટિને પોતાનું કુટુંબ ન જ બનાવી શકાય, કેમ કે તેની પાસે ‘પોતાનું’ માનેલું એક કુટુંબ મોજૂદ છે અથવા તૈયાર થઇ રહ્યું છે. તેની જેટલી વદ્ધિ તેટલો સર્વવ્યાપી પ્રેમમાં વિક્ષેપ થાય છે. આવું થતું આપણે આખા જગતમાં જોઇ રહ્યા છીએ. તેથી અહિંસાવ્રતનું પાલન કરનારથી વિવાહ થઇ ન શકે; વિવાહની બહારની વિકારનું તો પૂછવું જ શું ?

ત્યારે જે વિવાહ કરી બેઠાં છે તેમનું શું ? તેમને સત્ય કોઇ દહાડો નહીં જડે ? તે સર્વાર્પણ કદી નહીં કરી શકે ? આપણે તેનો રસ્તો કાઢ્યો જ છે; વિવાહિત અવિવાહિત જેવાં થઇ જવું. આ દિશામાં આના જેવં સુંદર મેં બીજું અનુભવ્યું નથી. આ સ્થિતિનો રસ જેણે ચાખ્યો છે તે સાક્ષી પૂરી શકશે. આજે તો આ પ્રયોગની સફળતા સિદ્ધ થઇ કહી શકાય. વિવાહિત સ્ત્રીપુરુષ એકબીજાને ભાઇબહેન ગમતાં થઇ જાય એટલે બધી જંજાળમાંથી તે મુક્ત થયાં. જગતમાં રહેલી સ્ત્રીમાત્ર બહેન છે, માતા છે, દીકરી છે એ વિચાર જ માણસને એકદમ ઊંચે લઇ જનાર છે, બંધનમાંથી મુક્તિ આપનાર થઇ પડે છે. આમાં પતિપત્ની કંઇ ખોતાં નથી, પણ પોતાની પૂંજીમાં વધારો કરે છે, કુટુંબ વધારે છે. પ્રેમ પણ વિકારરૂપી મેલ કાઢવાથી વધારે છે. વિકાર જવાથી એકબીજાની સેવા વધારે સારી થઇ શકે છે. એકબીજા વચ્ચે કંકાસના પ્રસંગ ઓછા થાય છે.જ્યાં સ્વાર્થી, એકાંગી પ્રેમ છે ત્યાં કંકાસને વધારે સ્થાન રહે છે.

ઉપરનો પ્રધાન વિચાર કર્યા પછી ને તે હ્ય્દયમાં ઠસ્યા પછી બ્રહ્મચર્યથી થતા શારીરિક લાભ, વીર્યલાભ વગેરે બહુ ગૌણ થઇ પડે છે. ઇરાદાપૂર્વક ભોગવિલાસ ખાતર વીર્યહાનિ કરવી અને શરીરને નિચોવવું એ કેવી મૂર્ખાઇ ગણાય ? વીર્યનો ઉપયોગ બંનેની શારીરિક અને માનસિક શક્તિ વધારવાને સારુ છે. તેનો વિષયભોગમાં ઉપયોગ કરવો તે તેનો અતિ દુરુપયોગ છે અને તેથી તે ઘણા રોગોનું મૂળ થઇ પડે છે.

આવું બ્રહ્મચર્ય મન, વચન અને કાયાથી પાળવાનું હોય. વ્રતમાત્રનું એમ જ સમજવું. જે શરીરને કાબૂમાં રાખતો જણાય છે પણ મનથી વિકારને પોષ્યા કરે છે તે મૂઢ મિથ્યાચારી છે એમ આપણે ગીતામાં જોયું છે; સહુએ એ અનુભવ્યું હોય છે. મનને વિકારી રહેવા દેવું ને શરીરને દાબવાનો પ્રયત્ન કરવો તેમાં નુકસાન જ છે. જ્યાં મન છે ત્યાં શરીર છેવટે ઘસડાયા વિના નહીં જ રહે. અહીંઅકે ભેદ સમજી લેવાની આવશ્યકતા છે. મનને વિકારવશ થવા દેવું એ એક વાત છે; મન પોતાની મેળે, અનિચ્છાએ, બળાત્કારેે વિકારી થાય કે થયા કરે એ જુદી વાત છે. એ વિકારમાં આપણે સહાયભૂત ન થઇએ તો છેવટે જીત જ છે. શરીર હાથમાં રહે છે પણ મન નથી રહેતું, એવું આપણે ક્ષણે ક્ષણે અનુભવીએ છીએ. તેથી શરીરને તો તુરત કબજે લેવાનો નિત્ય પ્રયત્ન કરવો, એટલે આપણે કર્તવ્યપાલન કરી ચૂક્યા. મનને વશ થયા એટલે શરીર ને મનનો વિરોધ થયો, મિથ્યાચારનો આરંભ થયો. મનોવિકારને દબાવ્યા જ કરીએ ત્યાં લગી બંને સાથે જનાર છે એમ કહેવાય.

આ બ્રહ્મચર્યનું પાલન બહુ મુશ્કેલ, લગભગ અશક્ય માનવામાં આવ્યું છે. તેનાં કારણ શોધતાં એમ જોવામાં આવે છે કે, બ્રહ્મચર્યનો સાંકડો અર્થ કરવામાં આવ્યો છે. જનનેન્દ્રિયવિકારનો વિરોધ એટલે જ બ્રહ્મચર્યનું પાલન એમ ગણાયું. મને લાગે છે કે આ અધૂરી ને ખોટી વ્યાખ્યા છે. વિષયમાત્રનો નિરોધ એ જ બ્રહ્મચર્ય છે. જે બીજી ઇન્દ્રિયોને જ્યાંત્યાં ભમવા દઇ એક જ ઇન્દ્રિયને રોકવાનો પ્રયત્ન કરે છે તે નિષ્ફળ પ્રયત્ન કરે છે એમાં શો શક છે ? કાનથી વિકારની વાતો સાંભળે, આંખથી વિકાર ઉત્પન્ન કરનારી વસ્તુ જુએ, જીભથી વિકારોત્તેજક વસ્તુનો સ્વાદ કરે, તે છતાં જનનેન્દ્રિયને રોકવાનો ઇરાદો રાખે, એ તો અગ્નિમાં હાથ નાખ્યા પછી ને દાઝવાનો પ્રયત્ન કર્યા બરોબર થયું. તેથી જે જનનેન્દ્રિયને રોકવાનો નિશ્ચય કરે તેણે ઇન્દ્રિયમાત્રને તેના વિકારોથી રોકવાનો નિશ્ચય કરેલો હોવો જ જોઇએ. બ્રહ્મચર્યની સંકુચિત વ્યાખ્યાથી નુકસાન પાડીએ તો જનનેન્દ્રિયને વશ રાખવાનો પ્રયત્ન તુરત સફળ થઇ શકે. આમાં મુખ્ય વસ્તુ સ્વાદેન્દ્રિય છે, અને તેથી જ એના સંયમને આપણે નોખું સ્થાન આપ્યું છે. તે હવે પછી વિચારીશું.

બ્રહ્મચર્યનો મૂળ અર્થ બહુ યાદ કરે; બ્રહ્મચર્ય એટલે બ્રહ્મની - સત્યની - શોધમાં ચર્યા એટલે તેને લગતો આચાર. આ મૂળ અર્થમાંથી સર્વેન્દ્રિયસંયમ એ વિશેષ અર્થ નીકળે છે. માત્ર જનનેન્દ્રિયસંયમ એવો અધૂરો અર્થ તો ભૂલી જ જઇએ.

૪. અસ્વાદ

૧૨-૮-’૩૦

મંગળપ્રભાત

બ્રહ્મચર્યની સાથે બહુ નિકટ સંબંધ ધરાવતું આ વ્રત છે. મારો અનુભવ એવો છે કે આ વ્રતને પહોંચી વળાય તો બ્રહ્મચર્ય એટલે જનનેન્દ્રિયસંયમ સાવ સહેલો થઇ પડે. પણ આને વ્રતમાંનોખું સ્થાન સામાન્ય રીતે નથી અપાતું. સ્વાદને મોટા મોટા મુનિવરો પણ જીતી નથી શક્યા, એટલે તે વ્રતને નોખું સ્થાન નથી મળ્યું. આ તો માત્ર મારું અનુમાન છે. એમ હો યા ન હો, આપણે આ વ્રતને નોખું સ્થાન આપ્યું છે તેથી તેનો વિચાર સ્વતંત્રપણે કરી લેવો ઘટે છે.

અસ્વાદ એટલે સ્વાદ ન લેવો. સ્વાદ એટલે રસ. જેમ ઔષધિ ખાતાં આપણે તે સ્વાદીલી છે કે કેવી તેનો વિચાર ન કરતાં શરીરને તેની જરૂર છે એમ સમજી તેની માત્રામાં જ ખાઇએ છીએ, તેમ જ અન્નનું સમજવું. અન્ન એટલે ખાદ્ય પદાર્થમાત્ર. તેથી દૂધ-ફળનો પણ અહીં સમાવેશ છે. જેમ ઔષધ ઓછી માત્રામાં લીધું હોય તો અસર નથી કરતું અથવા થોડી કરે છે ને વધારે લીધું હોય તો હાનિ કરે છે, તેમ જ અન્નનું છે. તેથી કંઇ પણ વસ્તુ સ્વાદ લેવાને અર્થે ચાખવી એ વ્રતનો ભંગ છે. સ્વાદીલી લાગતી વસ્તુ વધારે લેવી એ તો ભંગ સહેજે થયો. આ ઉપરથી સમજી શકાય કે વસ્તુની સ્વાદ વધારવા કે બદલવા સારુ કે અસ્વાદ મટાડવા સારુ મીઠું ભેળવવું એ વ્રતભંગ છે. પણ અમુક પ્રમાણમાં મીઠાની આવશ્યકતા અન્નમાં છે એમ આપણે જાણતા હોઇએ ને તેથી તેમાં મીઠું નાખવું એમાં વ્રતભંગ નથી. શરીરપોષણને સારુ આવશ્યકતા ન હોય છતાં મનને છેતરવા સારુ આવશ્યકતાનું આરોપણ કરીને કંઇ વસ્તુ ઉમેરવી એ તો મિથ્યાચાર થયો ગણાય.

આ પ્રમાણે વિચારતાં આપણે જોઇશું કે અનેક વસ્તુઓ આપણે લઇએ છીએ તે શરીરરક્ષાને સારુ આવશ્યક ન હોઇ ત્યાજ્ય થઇ જાય છે. અને એમ અસંખ્ય વસ્તુનો ત્યાગ સહજ થઇ જાય, તેના વિકારમાત્ર શમી જાય. ‘એક તોલડી તેર વાનાં માગે છે’ ‘પેટ કરાવે વેઠ, પેટ વાજાં વગડાવે’, આ બધાં વચનોમાં બહુ સાર સમાયેલો છે. આ વિષય ઉપર એટલું બધું ઓછું ધ્યાન દેવાયું છે કે વ્રતની દૃષ્ટિએ ખોરાકની પસંદગી લગભગ અશક્ય થઇ પડી છે. વળી બચપણથી જ માબાપ ખોટું હેત કરીને અનેક પ્રકારના સ્વાદો કરાવી શરીરને બગડી મૂકે છે ને જીભને કૂતરી કરી મૂકે છે, જેથી સમજણો થતો સંસાર શરીરે ને સ્વાદદૃષ્ટિએ મહાવિકારી જોવામાં આવે છે. આનાં કડવાં પરિણામ આપણે ડગલે ને પગલે અનુભવીએ છીએ : અનેક ખર્ચમાં પડીએ છીએ. વૈદ્યદાક્તરોને સેવીએ છીએ, ને શરીર તથા ઇન્દ્રિયોને વશમાં રાખવાને બદલે તેમના ગુલામ થઇ અપંગ જેવા રહીએ છીએ. એક અનુભવી વૈદ્યનું વચન છે કે જગતમાં તેણે એક પણ નીરોગી મનુષ્યને જોયો નહોતો. જરા પણ સ્વાદ થયો ત્યારે જ શરીર ભ્રષ્ટ થયું ને ત્યારથી જ ઉપવાસની આવશ્યકતા તે શરીરને સારુ પેદા થઇ.

આ વિચારશ્રેણીથી કોઇએ ગભરાવાની જરૂર નથી. અસ્વાદવ્રતની ભયંકરતા જોઇ તે છોડવાની પણ જરૂર નથી. આપણે કોઇ વ્રત લઇએ છીએ ત્યારથી તે સંપૂર્ણતાએ પાળતા થઇ ગયા એવો અર્થ નથી. વ્રત લેવું એટલે તેનું સંપૂર્ણ પાલન કરવાનો પ્રામાણિક, દૃઢ પ્રયત્ન મન, વચન, કર્મથી મરણ લગી કરવો. અમુક વ્રત મુશ્કેલી છે. તેથી તેની વ્યાખ્યા મોળી કરી મનને છેતરીએ નહીં. આપણી સગવડને સારુ આદર્શને ઉતારવામાં અસત્ય છે, આપણું પતન છે. આદર્શને સ્વતંત્રપણે જાણી તે ગમે તેટલો કઠિન હોય છતાં તેને પહોંચવાનો માથાતૂટ પ્રયત્ન કરવો એ પરમ અર્થ છે - પુરુષાર્થ છે. (પુરુષ શબ્દનો અર્થ કેવળ નર ન કરતાં મૂળ અર્થ કરવો. પુરમાં એટલે શરીરમાં રહે છે તે પુરુષ. આમ અર્થ કરતાં પુરુષાર્થ શબ્દનો ઉપયોગ નર-નારી બંનેને સારુ થઇ શકે.) મહાવ્રતોને સંપૂર્ણતાએ ત્રણે કાળ પાળવા જે સમર્થ છે તેને આ જગતમાં કંઇ કરવાપણું નથી; તે ભગવાન છે, તે મુક્ત છે. આપણે તો અલ્પ, મુમુક્ષુ, જિજ્ઞાસુ, સત્યનો આગ્રહ રાખનારાં, તેની શોધ કરતાં પ્રાણી છીએ. એટલે ગીતાની ભાષામાં ધીરે ધીરે પણ અતંદ્રિત રહી પ્રયત્ન કર્યા કરીએ. આમ કરશું તો કોક દિવસ પ્રભુપ્રસાદીને સારુ લાયક થઇશું ને ત્યારે આપણા રસમાત્ર બળી જશે.

અસ્વાદવ્રતનું મહત્ત્વ જો સમજ્યા હોઇએ તો આપણે તેના પાલનને સારુ નવો પ્રયત્ન કરીએ. તેને સારુ ચોવીસે કલાક ખાવાના જ વિચારો કરવાની આવશ્યકતા નથી રહેતી; માત્ર સાવધાનીની, જાગૃતિની અતિ આવશ્યકતા રહે છે. આમ કરવાથી થોડા જ સમયમાં આપણે ક્યાં સ્વાદ કરીએ છીએ ને ક્યાં શરીરને પોષવા ખાઇએ છીએ એની ખબર પડી રહેશે. આ ખબર પડ્યા પછી આપણે દૃઢતાપૂર્વક સ્વાદો ઓછા કરતા જ જઇએ. આ દૃષ્ટિએ વિચાર કરતાં સંયુક્ત પાક જે અસ્વાદવૃત્તિથી થતો હોય તે બહુ મદદગાર છે. ત્યાં આપણે રોજ શું ખાઇશું કે રાંધશું તેનો વિચાર નથી કરવો પડતો; પણ જે તૈયાર થયું હોય નેજે આપણે સારુ ત્યાજ્ય ન હોય તે ઇશ્વરનો અનુગ્રહ માની, મનમાં પણ તેની ટીકા કર્યા વિના, સંતોષપૂર્વક, શરીરને આવશ્યક હોય તેટલું ખાઇ ઊઠીએ. આમ કરનાર સહેજે અસ્વાદવ્રતનું પાલન કરે છે. સંયુક્ત પાક તૈયાર કરનારાં આપણો બોજો હળવો કરે છે. આપણા વ્રતનાં તે રક્ષક બને છે. સ્વાદ કરવાની દૃષ્ટિથી તે કંઇ તૈયાર નહીં કરે, કેવળ સમાજના શરીરના પોષણને સારુ જ પાક તૈયાર કરશે. ખરું જોતાં આદર્શ સ્થિતિમાં અગ્નિનો ખપ ઓછામાં ઓછો અથવા મુદ્દલ નથી. સૂર્યરૂપી મહાઅગ્નિ જે વસ્તુઓ પકવે છે તેમાંથી જ આપણું ખાદ્ય શોધાવું જોઇએ. અને આમ વિચાર કરતાં મનુષ્યપ્રાણી કેવળ ફળાહારી છે એમ સિદ્ધ થાય છે. પણ એટલે ઊંડે અહીં ઊતરવાની આવશ્યકતા નથી. અહીં તો અસ્વાદવ્રત શું છે, તેમાં શી મુશ્કેલીઓ છે ને નથી, તથા તેનો બ્રહ્મચર્યપાલન સાથે કેટલો બધો નિકટ સંબંધ છે તે જ વિચારવાનું હતું. આટલું મનમાં ઠસ્યા પછી સહુ યથાશક્તિ એ વ્રતને પહોંચી વળવાનો શુભ પ્રયત્ન કરે.