Raamnaam - 7 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | રામનામ - 7

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

રામનામ - 7

(7)

૩૪. રામનામ વિશે સમજનો ગોટાળો

એક મિત્ર લખે છે :

“મલેરિયાના ઇલાજ તરીકે તમેબતાવેલા રામનામના ઇલાજને વિશે મારી મૂંઝવણ એવી છે કે મારા શારીરિક વ્યાધિઓને માટે મારાથી એક આધ્યત્મિક શક્તિનો આધાર કેમ લેવાય તે હજી મારી સમજમાં બેસતું નથી. વળી, રોગમાંથી મુક્ત થવાને માટે હું લાયક છું કે નથી અને મારા દેશનાં ભાઇબહેનો આટલા બધા દુઃખમાં સબડે છે તે વખતે મારી મુક્તિને માટે પ્રાર્થના કરવામાં હું વાજબી છું કે નથી એ વિશે મને ખાતરી નથી. જે દિવસે રામનામનું રહસ્ય હું પામીશ તે દિવસે તેમની મુક્તિનેખાતર હું પ્રાર્થના કરીશ. નહીં તો મને એમ લાગ્યા કરશે કે, આજે હું જેટલો સ્વાર્થી છું તેનાથી સાજા થવાને પ્રાર્થના કરવામાં અથવા રામનામ લેવામાં વધારે સ્વાર્થી ઠરું છું.”

અંતરની ઊલટથી જે સત્યની શોધ કરે છે, એમ માનું છું, તેવા મિત્રની પાસેથી આ લખાણ આવ્યું છે. તેની મુશ્કેલી હું જાહેરમાં એટલા ખાતર ચર્ચું કે તેમના જેવા ઘણાની મૂંઝવણનો આ એક નમૂનો છે.

બીજી સર્વ શક્તિઓની માફક આધ્યાત્મિક શક્તિ પણ માણસની સેવાને અર્થે મોજૂદ છે. શરીરના વ્યાધિઓના ઇલાજ તરીકે તેનો જમાનાઓથી વત્તીઓછી સફળતાથી ઉપયોગથી શરીરના વ્યાધિઓ સફળતાપૂર્વક મટાડી શકાતા હોય તો તેનો તે માટે ઉપયોગ ન કરવાની વાતમાં મૂળે જ દોષ રહેલો છે. કારણ એ કે માણસના બંધારણમાં જડ પદાર્થ અને આત્માના ચેતન તત્ત્વનું મિશ્રણ છે, તે બંને એકબીજા પર કાર્ય કરે છે અને બંનેની એકબીજા પર અસર થયા કરે છે. જે લાખો લોકોને ક્વિનાઇન મળતું નથી તેમનો વિચાર કર્યા વિના ક્વિનાઇન લઇને મલેરિયામાંથી સાજા થવાય તો લાખો અથવા કરોડો લોકો જે ઇલાજનો અજ્ઞાનને કારણે ઉપયોગ કરતા નથી તેનો આશરો લેવાનો ઇન્કાર તેમ શા માટે કરો ? બીજા લાખો લોકો પોતાના અજ્ઞાનને કારણે અથવા કહો કે પોતાની આડાઇને કારણે સ્વચ્છ ને સાજા ન રહે માટે તમે પણ શું સ્વચ્છ અને સાજા રહેવાનું માંડી વાળશો ? માનવસેવાના ખોટા ખ્યાલોથી તે જ લાખો લોકોની સેવા કરવાની ફરજ તમે ચૂકતા નથી ? સાચે જ, આધ્યાત્મિક દૃષ્ટિથી સ્વચ્છ અથવા સાજા રહેવાનો ઇન્કાર કરવો એ શરીરની દૃષ્ટિથી ચોખ્ખા અને સાજા રહેવાનો ઇન્કાર કરવાના કરતાં બદતર છે.

મુક્તિ એટલે હરેક રીતે અથવા હરેક દષ્ટિથી સાજા રહેવું, એના કરતાં કશું વધારે નથી, કશું ઓછું નથી. વળી, સાજા રહીને તમે બીજા લોકોને સાજા રહેવાનો રસ્તો બતાવી શકે અને તે રસ્તો બતાવવા ઉપરાંત તમારી તંદુરસ્તીને કારણે વધારામાં તમે તેમની ખરેખર સેવા બજાવો તો જાતે સાજા રહેવાનો ઇન્કાર કરવાનું બીજું કારણ શું છે ? પણ બીજા લોકોને પેનિસિલીન મળવાનું નથી એની પાકી ખાતરી હોવા છતાં તે લઇને સાજા થવામાં પૂરેપૂરી સ્વાર્થી વૃત્તિ જરૂર રહેલી છે.

મારા પર પત્ર લખનાર ભાઇની દલીલમાં રહેલો સમજનો ગોટો તદ્દન ઉઘાડો છે.

પરંતુ સાચી વાત એવી છે કે ક્વિનાઇનની એક અથવા વધારે ગોળી લેવાનું કામ રામનામના ઉપયોગનું જ્ઞાન મેળવવાના કામ કરતાં ઘણું સહેલું છે. ક્વિનાઇનની ગોળી પૈસા આપીને ખરીદવાના કરતાં રામનામનો બરાબર ઉપયોગ કરવાનું શીખવામાં કેટલોયે વધારે પ્રયાસ કરવો પડે છ. જેમને નામ અને જેમની વતી મારા પર પત્ર લખનાર ભાઇ રામને પોતાના હ્ય્દયનાં દ્ધાર બંધ કરી તેમાંથી બહારરાખવા માગે છે તે જ લાખો લોકોને ખાતર એ પ્રયાસ કરવા જેવો નથી શું ?

હરિજનબંધુ, ૧-૯-૧૯૪૬

૩૫. વ્યાકુળ કરે તેવો દાખલો

થોડા મહિનાની ગેરહાજરી બાદ સેવાગ્રામ આશ્રમમાં અમે પાછા ફર્યા, તો ત્યાંના એક સેવકના મગજની હાલત બગડી ગયેલી જોવામાં આવી. તે જ્યારે પહેલવહેલા આશ્રમમાં આવેલા, ત્યારેય તેમની સ્થિતિ તેવી જ હતી. ઉન્માદનો આ બીજો હુમલો હતો. તેમની સ્થિતિ એવી થઇ હતી કે તે કાબૂ બહાર જતા રહ્યા ને તેથી તેમને અંગે કશોક નિર્ણય ઝટ કરી લેવાની જતા રહ્યા ને તેથી તેમનેઅંગે અશોક નિર્ણય ઝટ કરી લેવાની જરૂર ઊભી થઇ હતી. એટલે વર્ધાની સરકારી ઇસ્પિતાલના વડા દાક્તરની (સિવિલ સર્જનની) સલાહ લેવામાં આવી.તેમણે જણાવ્યું કે, વર્ષાની સરકારી સિવિલ હૉસ્પિટલમાં તો આ દરદીને મારાથી ન રખાય પણ જેલની ઇસ્પિતાલમાં તેમને રાખો હું તેમની સંભાળ લઇ શકું ને કંઇક ઇલાજ કરું. એટલે ખુદ દરદીના હિતમાં અને આશ્રમના હિતમાં તેમને જેલમાં મોકલવા પડ્યા. ગાંધીજીને માટે જીવતો દાંત ખેંચી કાઢવાના જેવી આ વ્યથા થઇ પડી, પણ બીજો કોઇ રસ્તો નહોતો. તેમણે પોતાની મૂંઝવણ આશ્રમના લોકો ્‌આગળ મૂકી. “એ ભાઇ સરસ સેવક છે. ગયે વરસે તે સાજા થયા પછી આશ્રમનો બગીચો સંભાળતા હતા અને દવાખાનાનો હિસાંબ રાખતા હતા. તે ખંતથી પોતાનું કામ કરતા અને પોતાના કામમાંથી આનંદ મેળવતા. તેમને મલેરિયા થયો એટલે તેમને ક્વિનાઇનનું ઇંજેક્ષન આપવામાં આવ્યું હતું. કારણ કે, મોઢેથી ક્વિનાઇન પીવા કરતાં સોયથી સીધું લોહીમાં લેવાથી તેની અસર ઝટ થાય છે. ભાઇ કહે છે કે, મગજ પર ખોટી અસર થઇ છે. આજે સવારે મારી ઓરડીમાં હું કામ કરતો હતો ત્યારે મેં તેમને બહાર બૂમો પાડતા ને હાથ આમતેમ ગમેતેમ ઉછાળતા ફરતા દીઠા. હું બહારનીકળી તેમની સાથે ફરવા લાગ્યો તેથી તે શાંત પડ્યા. પણ જેવો હું તેમનાથી છૂટો પડીને પાછો ગયો તેવા તે પાછા પોતાના મગજ પરનો કાબૂ ગુમાવી બેઠા ને કોઇના કહ્યામાં ન રહ્યા. તે તોફાને ચડી જાય છે ને કોઇની વાત સાંભળતા નથી એટલે તેમને જેલમાં મોકલવા ને કોઇની વાત સાંભળતા નથી. એટલે તેમને જેલમાં મોકલવા પડ્યા.”

“આપણા જ એક સેવકને જેલમાં મોકલવો પડે એ વિચારથી કુદરતી રીતે જ મને વ્યથા થાય છે. કોઇ પણ મને પૂછી શકે કે, ‘તમે તો દાવો કરો છો કે, રામનામ બધા રોગનો રામબાણ ઇલાજ છે. હવે તમારું કયાં ગયું ?’ મને આ દાખલામાં નિષ્ફળતા મળી છે તે છતાં હું ફરીને જાહેર કરું છે કે, મારી શ્રદ્ધા જેવી ને તેવી અખંડ છે. રામનામ નિષ્ફળ જાય નહીં. નિષ્ફળતાનો અર્થ એટલો જ કે આપણામાં જ કંઇ ખામી છે. નિષ્ફળતાનું કારણ આપણે આપણી અંદર શોધવું જોઇશે.”

હરિજનબંધુ, ૧-૯-૧૯૪૬

૩૬. નામસાધનાનાં ચિહ્‌ન

રામનામ જેના હ્ય્દયમાંથી નીકળે તેની ઓળખ શી ? જો આપણે આટુલં ન જાણી લઇએ તો રામનામ બહુ વગોવવાનો સંભવ છે. આમ પણ વગોવાય તો છે જ. માળા પહેરી, તિલક તાણી, રામનામનો બબડાટ કરનાર ઘણા મળે છે. તેમાં વળી હું વધારો તો નહીં કરતો હોઉં ? એ ભય જેવોતેવો નથી. અત્યારના મિથ્યાચારમાં શું કરવું ઘટે ? પૌનસેવન ઠીક ન હોય ? હોઇ શકે. પણ તે કૃત્રિમપણે કદી નહીં જીવંત મૌનને સારુ પ્રૌઢ સાધના જોઇએ. તેની ગેરહાજરીમાં હ્ય્દયગત રામનામની ઓળખ વિચારીએ.

એક વાક્યમાં કહીએ તો એમ કહેવાય કે રામભક્તિ અને સ્થિતપ્રજ્ઞમાં ભેદ ન હોય. વિવેચનમાં પડતાં જોઇએ કે રામભક્ત પંચમહાભૂતનો સેવક હશે. તે કુદરતને અનુસરશે તેથી તેને કોઇ જાતનો વ્યાધિ નહીં હોય અને હશે તો તેને પાંચ મહાભૂતોથી નિવારશે. ગમે તે ઉપાયથી ભૌતિક દુઃખનું નિવારણ કરવું તે દેહીનું લક્ષણ નથી. દેહનું ભલે હોય, એટલે કે જેને મન દેહ જ દેહી છે, દેહથી ભન્ન દેહધારી આત્મા જેવું કંઇ તત્ત્વ નથી તે તો દેહને નિભાવવા પૃથ્વીની પ્રદક્ષિણા કરી છૂટશે, લંકા જશે. એથી ઊલટું જે દેહધારી એમ માનતો હશે કે આત્મા એ દેહમાં હોતો છતોદેહથી ભિન્ન છે, નિત્ય છે, અનિત્ય દેહમાં વસે છે, યથાયોગ્ય દેહની રક્ષા કરતો છતો દેહ જાય તો મૂંઝાતો નથી. દુઃખ માનતો નથી ને સહેજે તેનો ત્યાગ કરે છે, તે દેહધારી દાક્તર-વૈદ્યોમાં ભટકતો નથી, પોતે જ પોતાનો દાક્તર બને છે; સર્વ કર્મ કરતો તે આત્માનો જ વિચાર કરે છે. એ મૂર્છામાંથી ઊઠેલાની જેમ વર્તન રાખે છે.

આમ કરનાર પ્રત્યેક શ્વાસે રામરટણ કરે છે. ઊંઘતાં પણ તેનો રામ જાગે છે; ખાતાંપીતાં, ગમે તે ક્રિયા કરતાં તે સાક્ષી તો તેને મેલશે જ નહીં. તે સાક્ષીનું અલોપ થવું તે ખરું મૃત્યુ છે.

એ રામને પોતાની પાસે રાખવા સારુ કે પોતાને રામની પાસે રાખવા સારુ તે પંચમહાભૂતોની મદદ લઇ સંતોષ પામશે. એટલે તે માટી, પાણી, હવા, અજવાળું ને આકાશનો સહજ નિર્મળ અને વિધિસર ઉપયોગ કરી જે મળે તેથી સંતોષ માને. આ ઉપયોગ રામનામનો પૂરક ન ગણવો પણ રામનામની સાધનાની નિશાની છે. રામનામનેઆ સહાયકોની દરકાર નથી ને રામનામનો દાવો કરે એ બંધ બેસે તેમ નથી.

એક જ્ઞાનીએ મારું લખાણ વાંચી એમ લખ્યું કે રામનામ એવો કીમિયો છે કે તે શરીરનું પરિવર્તન કરે છે. જેમ કે વીર્યનો માત્ર સંગ્રહ દાટી રાખેલા ધનની જેમ છે. તેમાંથી અમોધ શક્તિ તો રામનામ જ ઉત્પન્ન જ ઉત્પન્ન કરી શકે. એકલો સંગ્રહ અકળામણ પેદા કરે, એનું પતન ગમે ત્યારે થાય. પણ તે જ્યારે રામનામના સ્પર્શથી ગતિમાન થાય છે. ઉર્ધ્વગામી થાય છે ત્યારે તેનું પતન અસંભવિત થાય છે.

શરીરપુષ્ટિને સારુ શુદ્ધ લોહીની જરૂર છે, આત્માની પુષ્ટિને સારુ શુદ્ધ વીર્યશક્તિનીજરૂર છે. આને દિવ્ય શક્તિ કહીએ. એ શક્તિ બધી ઇન્દ્રિયોની શિથિલતા મટાડી શકે છે. તેથી કહ્યું છે કે રામનામ હ્ય્દયમાં અંકિત થાય એટલે નવું જીવન શરૂ થાય. આ નિયમ જુવાન, બુઢ્ઢા, સ્ત્રી, પુરુષ બધાંને લાગુ પડે છે.

આનું સમર્થન પશ્ચિમમાં પણ મળે છે. ક્રિશ્ચિયન સાયન્સ નામે સંપ્રદાય એ જ નહીં તો એવું કંઇક કહે છે.

હિંદને આ સમર્થનની જરૂર નથી એમ માનું છું. કેમ કે હિંદમાં આ દિવ્ય વિદ્યા પ્રાચીન કાળથી ચાલી છે.

હરિજનબંધુ, ૨૯-૬-૧૯૪૭

૩૭. સર્વધર્મસમભાવ

(પ્રાર્થનાસભાને સંબોધીને કરેલા પોતાના પ્રવચનમાં) ગાંધીજીએ જણાવ્યું કે મારા પર કાગળોનો અને રોષે ભરેલા સવાલોનો ધોધ છૂટ્યો છે. મને પૂછવામાં આવે છે કે તમે તમારી જાતને મુસલમાન કહીને કેમ ઓળખાવો છો ? રામ અને રહીમ વચ્ચે કશો ફેર નથી એમ તમે શા માટે માનો છો ? ‘મને પોતાને કલમો પઢવાનો જરાયે વાંધો નથી’ એવું કહેવાની હદે તમે શા સારુ ગયા ?અને તમે પંજાબ કેમ જતા નથી ? એટલે તમે એક અધૂરા હિંદુ નથી કે ? તમે હિંદુ સમાજમાં પાંચમી કતારિયાનું કામ નથી કરતા કે ? અને તમારી અહિંસાથી હિંદુઓ નામરદ બનતા નથી કે ? આવા સવાલોવાળા કાગળો ઉપરાંત એક પરબીડિયું તો ‘મહમદ ગાંધી’ ને સરનામે મને મોકલવામાં આવ્યું હતું !

આ બધા સવાલો પૂછનારાઓ સાથે શાંતિથી કામ લાઉં છું ને તેમને ધીરજથી જવાબ આપું છું. હું સામેથી પૂછું છું કે થોડા લોકોનાં પાપને કારણે આખા ઇસ્લામ ધર્મને કેમ વખોડી શકાય ? હું પોતે સનાતની હિંદુ છું. અને હિંદુ ધર્મનો જ નહીં, સર્વધર્મનો સાર સર્વધર્મસમભાવ છે તેથી મારો દાવો છે કે હું એક સારો હિંદુ છું તેથી એક સારો મુસલમાન છું ને સારો ખ્રિસ્તી પણ છું. બીજાના કરતાં આપણે ચડિયાતા છીએ એવો દાવો સાચા ધર્મભાવનો વિરોધી છે. અહિંસાને માટે નમ્રતા પરમ આવશ્યક છે. અને હિંદુશાસ્ત્રોમાં કહ્યું નથી કે ઇશ્વરનાં સહસ્ત્ર નામ છે ? અને એક રહીમ શા સારુ ન હોય ? કલમામાં માત્ર ઇશ્વરની સ્તુતિ છે અને તેમાં મહમદને તેના રસૂલ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. ઇશ્વરની સ્તુતિ કરવામાં અને બુદ્ધ તેમ જ જરથુષ્ટ્રને ઇશ્વરના પેગંબર તરીકે સ્વીકારવામાં મને વાંધો નથી તેવી જ રીતે મહમદને ખુદાના રસૂલ તરીકે સ્વીકારવામાં મને જરાયે સંકોચ થતો નથી

હરિજન, ૧૨-૪-૧૯૪૭

૩૮. સીચા રોશની

અફસોસ ! આજે હિંદમાં રામરાજ્ય નથી; તો પછી આપણે દિવાળીનો ઉજવણી કઇ રીતે કરી શકીએ ? રામના વિજયની ઉજવણી તેણે જ કરવાની હોય જેના દિલમાં રામ વસેલા હોય. કેમ કે માણસોનાં દિલને અથવા આત્માને અજવાળવાને એક ઇશ્વર જ સમર્થ છે અને એ અજવાળાની જ કિંમત છે. આજે પ્રાર્થનામાં ગવાયેલા ભજનમાં કવિ ઇશ્વરમાં કવિ ઇશ્વરમાં કવિ ઇશ્વરના દર્શનની વાત પર ભાર મૂકે છે. ટોળેટોળાં માણસોએ જલાવેલા દીવાની રોશની જોવાને જાય છે. પરંતુ આજે આપણને માણસના દિલમાં પ્રેમનું અજવાળું પ્રગટાવવાની જરૂર છે. એવું અજવાળું તમે સૌ તમારા દિલમાં પ્રગટાવો તો જ આજના દિવસે મુબારકબાદી મેળવવાને લાયક બનો. આજની ઘડીએ હજારો બલકે લાખો લોકો કારમી આફતમાં ઘેરાયા છે. તો શું તમારામાંથી એકેએક જણ હ્યદય પર હાથ મૂકીને કહી શકશે કે એ આફતમાં સપડાયેલાંઓમાં હિંદુ છે કે શીખ છે કે મુસલમાન છે એ વાતની જરાયે પંચાત ન કરતાં અમે તે બધાંને અમારાં ભાઈબહેન માનીએ છીએ ? આ તમારે સૌને માટેની કસોટી છે. રામ અને રાવણ દૈવી અને આસુરી સંપત્તિ વચ્ચે માણસના દિલમાં ચાલતા આવેલા સનાતન દ્ધંદ્ધયુદ્ધનાં પ્રતીક છે અને તેથી અજવાળું એ દિલમાંથી પ્રગટ થવું જોઇએ.

હરિજનબંધુ, ૨૩-૧૧-૧૯૪૭

૩૯. અવસાનને આગલે દિવસે

(તા. રજીને દિવસે કિશોરલાલભાઇને મળેલા ગાંધીજીના હાથના લખેલા પોસ્ટકાર્ડની નકલ ઉતારી છે.-તંત્રી)

નવી દિલ્હી, ૨૯-૧-’૪૮, ચિ. કિશોરલાલ,

આજનો પ્રાર્થના પછીનો સમય કાગળો લખવાનો દઇ રહ્યો છું. શંકરનજીની દીકરીના મૃત્યુના સમાચાર તમે ઠીક આપ્યા. તેને કાગળ લખીનાખ્યો છે. મારા ત્યાં આવવાની વાત ઉડાઉ સમજજો. ત્યાં ૩-૧૨ લગી રહેવાની વાત ચલાવી રહ્યો છું. દિલ્હીમાં કર્યું કહેવાય તો પ્રતિજ્ઞાપાલન અર્થે રહેવાનું ન હોય. એનો આધાર અહીંના સાથીઓ ઉપર છે. કાલે નિશ્ચય કદાચ કરી શકાય. આવવાપણું રચનાત્મક કામ કરનારી સંસ્થાઓ ભેળ થઇ શકે કે નહીં એ વિચારવા ને જમનાલાલની તિથિ અર્થે રહે છે. મને શક્તિ ઠીક આવી રહે છે. આ વેળા કિડની ને લિવર બંને બગડ્યાં. મારી દૃષ્ટિએ રામનામની કચાશ.

બંનેને આશીર્વાદ

(નોંધ : શ્રી શંકરન સેવાગ્રામમાં હિંદુસ્તાની તાલીમી સંઘમાં શિક્ષક છે. ‘બંનેને આશીર્વાદ’ એટલે કે શ્રી કિશોરલાલને અને શ્રી ગોમતીબહેનને.)

હરિજનબંધુ, ૮-૨-૧૯૪૮