Runanubandh - 9 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ઋણાનુબંધ - 9

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ઋણાનુબંધ - 9

નવો સૂર્યોદય નવી તાજગી અને હકારાત્મક વિચાર સાથે દરેક માટે એક સાહસનું કિરણ લઈને આવ્યો હતો. પણ અજય માટે હજુ એ જ મનમાં ઉદભવતા પ્રશ્નો, અધૂરા સપના, એકલતાની સોડ, અને ખાસ પોતે પિતા તરીકેની ન બજાવેલ ફરજનો પારાવાર અફસોસ... પ્રીતિ...! હા... બસ એજ એક રસ્તો હતો જે દરેક પ્રશ્નનો જવાબ હતો.

હવે પ્રીતિનો જવાબ કંઈ પણ હોય પણ એની તથા સ્તુતિની સાથે વાત કર્યા સિવાય કોઈ જ વિકલ્પ અજય પાસે નહોતો. અજય આજે ખરેખર જાગ્યો. ઉઠતાંની સાથે જ એણે સ્તુતિને મળીને એની ઈચ્છા જાણવાનો નિર્ણય મક્કમ કરી લીધો હતો. એક આશાનું કિરણ એના મનમાં ઝબક્યું હતું. અજયે હસમુખભાઈ એટલે કે, એના પપ્પાને પોતાના મનની વાત જણાવી હતી. હસમુખભાઈએ સહર્ષ કહ્યું, 'દીકરા! આમ પણ કોલેજમાં આજથી રજા જ પડવાની છે તો આ સમયનો ઉપયોગ કર અને સમય વેડફ્યા વગર વિચારને અમલમાં મૂક. સારો મોકો જીવનમાં એક જ વાર મળે. એ અપનાવો તો જીવન સુધરી જાય અને ખરાબ રસ્તો શોધવો નથી પડતો. જ્યાં સુધી એ રસ્તે ન ચડો ત્યાં સુધી એ રસ્તો તમારી સામે ખુલ્લો જ રહે છે. દીકરા! તું પ્રયત્ન કર સફળતા આપોઆપ મળશે જ. મારા આશીર્વાદ તારી સાથે છે.'

અસંખ્ય કરેલ ભૂલનો હવે સ્વીકાર કરવો છે,
સ્વભાવમાં ખદબદતા અહમને હડસેલવો છે,
રહ્યું નહીં મારુ ખુદના અસ્તિત્વનું કોઈ પ્રમાણ,
દોસ્ત! ઋણાનુબંધી સબંધને મારે દિલથી અપનાવવો છે!

અજયને આજે એના જીવનના નવા વણાંકને અનુસરતા પહેલા ભગવાન પાસેથી આશીર્વાદ લઈને આગળ વધવું યોગ્ય લાગ્યું હતું. અજય હવે સારી રીતે જાણી શક્યો હતો કે, કર્મથી વધુ કંઈ જ નથી. કર્મ મુજબ જ કુદરત આપે છે. આથી જ હવે કદાચ ઈશ્વર એના પર અમીદ્રષ્ટિ રાખે અને કદાચ એના કર્મફળમાં કોઈ આશીર્વાદ ભળે અને સ્તુતિને માટેની હવેની પિતાની ફરજ તો નિભાવી શકે. હા! પતિની ખરા સમયની ફરજ વખતે જ એણે પ્રીતિનો વિશ્વાસ તોડ્યો હતો. એ પરિસ્થિતિ હવે સુધરે એ શક્ય જ નહોતું.

અજય રાધેકૃષ્ણના મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો. ખુશનુમા વાતાવરણમાં આબોહવાને અગરબત્તી અને ધૂપની સુગંધ સમગ્ર વતાવરણને એની સુવાસથી વધુ પ્રફુલ્લિત કરી રહી હતી. આવનારના શ્વાસોશ્વાસમાં એ ભળી દરેક વ્યક્તિની જાણે દેહ સુધી કરી રહી હતી. મનને પણ ભક્તિમય બનાવવામાં ફૂલોની ફોરમ પણ ખૂબ ભાગ ભજવી રહી હતી. અજયે ભગવાનના દર્શન કર્યા અને ખુદને આવનાર દરેક પરિસ્થિતિનો સામનો કરી એને સ્વીકારી શકવા ખુદને સક્ષમ બનાવવા પ્રભુને પ્રાર્થના કરી રહ્યો હતો. અજય ખુદને પ્રભુને સમર્પિત કરવા આવ્યો હતો અને ઉચિત સદબુદ્ધિસહ પોતાની ફરજ આવનાર જીવનમાં કરી શકે એવી મૌન પ્રાર્થના કરી રહ્યો હતો. મંદિરના ચોગાનમા અજય થોડીવાર બેઠો હતો. અજયનું મન હળવુ થઈ રહ્યું હતું. ભગવાનના સાનિધ્યમાં આજે એ પોતાનો ભૂતકાળ વાગોળી રહ્યો હતો. અજયને પોતાનું બાળપણ યાદ આવી ગયું. એક પછી એક ઘટના જે એના માનસપટલ પર છાપ ઉપજાવી બેઠી હતી એ બધી જ આજે નજર સમક્ષ ઉપસ્થિત થવા લાગી હતી.

આ વાત વર્ષો પહેલાની છે. હસમુખભાઈનો પરિવાર સામાન્ય રીતે આર્થિક ધોરણે મધ્યમવર્ગનો હતો. હસમુખભાઈ અને સીમાબેન બંને નોકરી કરતા હતા. જેથી ઘરની જરૂરિયાતને પહોંચી શકતા હતા. હવે, ઘર ખર્ચને કાઢીને પણ બચત થઈ શકતી હતી. વળી, ભાવિની અજય કરતા ૯ વર્ષ નાની જરૂર હતી પણ એ હવે સમજુ થઈ ચુકી હતી. ઘરની વ્યવસ્થા બધી સરસ ગોઠવાઈ ચુકી હતી. અજયને પોતાના મિત્રોના જન્મદિવસની ઉજવણી ખુબ આકર્ષિત કરતી હતી. એને પણ સ્કૂલમાં ચોકલેટ વહેંચીને અને ઘરે કેક કાપીને જેમ બીજા મિત્રો જન્મદિવસ ઉજવે તેમ પોતાનો આ વખતનો જન્મદિવસ ઉજવવાની ઈચ્છા પોતાના માતાપિતા પાસે રજૂ કરી હતી. જેવી એમના મમ્મીએ વાત સાંભળી કે તરત જ ના પાડી દીધી હતી. તેઓ બોલ્યા કે, 'આવા ખોટા ખર્ચ માટે આપણી પાસે રૂપિયા નથી.' અજયને વર્ષોથી આ ઈચ્છા એના મનમાં સળવળતી હતી. આજે એ બોલ્યો અને એની વાત તરત જ માતાપિતાએ ઠુકરાવી દીધી હતી. આ વાતની ઊંડી અસર અજયને થઈ હતી. એને થયું કે, રૂપિયા હોય તો જ બધી ઈચ્છા પૂરી થાય. રૂપિયા છે તો બધું છે. બસ, એ દિવસે જ એણે મનમાં વિચાર્યું કે, હું ખૂબ રૂપિયા મેળવી શકું એવું ભણીશ. જેથી મારે ક્યારેય રૂપિયાના લીધે કોઈ કામ અટકે નહીં. આ બનાવ બાદ સંબધોની ગાંઠ મજબૂત રહે કે ન રહે પણ ખીસું મજબૂત રહેવું જોઈએ એ અનાયસે શીખી ગયો હતો. એની જિંદગીમાં પોતે પરણ્યો એ પહેલા એક વાર જ એનો જન્મદિવસ ઉજવાયો હતો. એના ફોટો એ ઘણીવાર જોઈને રાજી થઈ જતો હતો. આમ અનેક વખત એ પોતાની ઈચ્છાને મારીને જીવ્યો હતો. એનું પરિણામ એ આવ્યું કે, અજયને કોઈ બીજી પ્રવૃત્તિ કે કોઈ શોખ પ્રત્યે ખાસ રુચિ જ ન રહી. અજયનું જીવન પુસ્તકિયા કીડા જેવું થઈ ગયું હતું. અજયના મનમાં અનેક બાબતો ધરબાયેલી હતી. જે કોઈની સામે અવ્યક્ત જ મનના ખૂણે સંઘરાયેલી હતી. બાળપણની નાની અમથી બાબત બાળકની ઘણી માનસિકતા બાંધી લે છે જે ક્યારેક ખૂબ ભયંકર રૂપ ધારણ કરી શકે છે. બસ, આવું જ અજયના માનસપટલ પર રૂપિયાનું આકર્ષણ છવાય ગયું હતું.

ઈચ્છાઓનું મૂલ્ય ક્યારેક સમજણથી જતું કરવું પડે છે,
મનની ભાવનાઓને ક્યારેક મનમાં જ સંઘરવી પડે છે,
થાય ક્યારેક કે, પોતીકું કોઈ સમજીને આપે પૂર્ણ સાથ...
દોસ્ત! બસ, જાતને સમજાવવામાં જ સમય સરી પડે છે!

અજયનો બાળપણનો સમય વીતતો ગયો તેમ એની ઈચ્છાઓ પણ વધવા લાગી હતી. અનાયાસે પોતાની સરખામણી એ ભાવિનીની સાથે કરી બેસતો હતો. એની ધ્યાન બહાર આ નહોતું જ કે, પોતાની ઈચ્છાની અવગણના થતી પણ ભાવિનીની ઈચ્છાને પુરી કરવા મમ્મીપપ્પા મોટેભાગે તત્પર જ રહેતા હતા. આ વિચાર પણ અજય અને ભાવિનીના પ્રેમ પર હાવી બની શકે પણ અજયે ક્યારેય ભાઈબહેનના પ્રેમને હારવા નહોતો દીધો. એ તો ભાવિનીની ઈચ્છાઓને પૂરી કરવા ઉલ્ટાનો પ્રયત્નશીલ રહેતો હતો. એ અપૂરતી ઈચ્છાઓનું દુઃખ ભોગવી ચુક્યો હતો આથી એ પરિસ્થિતિ ભાવિનીની ન થાય એની એ કાળજી રાખતો હતો. ક્યારેક એકાંતમાં રડી લેતો હતો પણ મુખે કોઈ વિવાદ થાય એવી વાત લાવતો જ નહોતો.

પોતે એક ગાંઠ બાંધી ચૂક્યો હતો કે, ખૂબ ભણવું પછી ખૂબ રૂપિયા કમાઈ જાતે સપના સાકાર કરવા. અજય ખૂબ જ મન લગાવી ભણતો હતો. જોતજોતામાં ૧૦મુ ધોરણ પણ પતી ગયું હતું. એને આકર્ષણ તો ઝુઓલોજીમાં હતું પણ રૂપિયા વધુ ડૉક્ટર બને તો મળે એમ હતું. આથી આ વિચારે ૧૨મુ સાઈન્સ પણ સારા માર્કે પાસ કર્યું હતું. બસ એક જ માર્ક માટે એને મેડીકલમાં એડમિશન નહોતું મળતું. એ સીટ રૂપિયા આપીને મેળવવી પડી હતી. સીમા બહેન વારંવાર આ વાતનું મેણું અજયને મારતાં રહેતા હતા. આ વાતની ગહેરી અસર અજયના મનને થતી હતી. જેથી જયારે એ ચોપડા ખોલી વાંચવા બેસતો પણ એ વાંચી જ ન શકતો. 'રૂપિયા દઈને ભણાવ્યો' એ વાક્ય એનું ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરવા દેતા નહોતા. મેડિકલની પરીક્ષા વાંચ્યા વગર કેમ પાસ કરી શકાય? પરિણામ એ આવ્યું કે, ફર્સ્ટ યરમાં અજય ફેઈલ થયો હતો. ઘરે બધા એના પર ખુબ ગુસ્સે થયા હતા. બધાની ઈચ્છા પર પાણી ફરી વળ્યુ હતું. અજય ગુમસુમ રહેવા લાગ્યો હતો. આ બધું માર્ક કોલેજના સ્ટાફબોય કે જેને બધા રઘુકાકા કહેતા તેના ધ્યાનમાં આવ્યું હતું.

અજયના જીવનમાં રઘુકાકા શું ભાગ ભજવશે?
અજયનો ભૂતકાળ ભવિષ્યના ભણતર પર હાવી થશે? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ ખુબ લેખન લખવા મને પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻