Dayri - 2 in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - રિઝલ્ટ

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

ડાયરી - સીઝન ૨ - રિઝલ્ટ

શીર્ષક : રિઝલ્ટ
©લેખક : કમલેશ જોષી
તમને દસમા ધોરણમાં એટલે કે એસ.એસ.સી. બોર્ડમાં કેટલા ટકા આવેલા? ડિસ્ટીંકશન સાથે પાસ થયેલા કે માંડ માંડ કે પછી નાપાસ? તમે પેંડા વેંચ્યા હતા કે ડેલે તાળું મારી દીધેલું? મિત્રો-પરિચિતોએ કોન્ગ્રેચ્યુલેશન્સ આપેલા કે આશ્વાસન અને સલાહ-સૂચનો?

અમે દસમું ભણતા ત્યારે અમારી સાથે ભણતા બે મિત્રો ફેલ થયેલા. એક સમજુ અને મહેનતુ હતો અને બીજો ફૂલ મસ્તીખોર. અમે સમજુ મિત્રને આશ્વાસન આપવા એના ઘરે જતા હતા ત્યાં રસ્તામાં પેલો મસ્તીખોર સોડા પીતો મળી ગયો. એ તો સહેજ અમથું શરમાતો અને મરક મરક હસતા બોલ્યો, "ત્રણમાં રહી ગયો." અમારા ચહેરા પર ગંભીરતા હતી. એણે અમને સોડા પીવાનો આગ્રહ કર્યો. અમને સમજાયું નહિ કે એને આશ્વાસન આપવું કે નહિ? એ તો ફૂલ ફોર્મમાં જ હતો એટલું જ નહીં, એ તો સમજુના ઘરે આશ્વાસન આપવા અમારી સાથે પણ હોંશે હોંશે જોડાઈ ગયો. સમજુ મિત્રનો મૂડ ઑફ હતો. મોટીબહેન, મમ્મી, પપ્પા સૌ એને સમજાવી-સમજાવીને થાકી ગયા હતા. અમને જોઈ એ સહેજ હળવો થયો. બે-ચાર મિનિટના મૌન પછી પેલા મસ્તીખોરે કહ્યું, "તું કેટલામાં ઉડ્યો?"
સમજુ બોલ્યો, "એકમાં."
મસ્તીખોર તો પોતાનું હસવું માંડ-માંડ રોકતા બોલ્યો, "હું તો ત્રણમાં ગયો." અમને વિચિત્ર લાગ્યું.
ત્યાં મસ્તીખોરે કહ્યું, "બે દિવસ પહેલા જ છાપામાં આવ્યું હતું. મોટા-મોટા માણસો દસ પાસ નથી થયા અને દુનિયા પર રાજ કર્યું છે." આટલું કહી એણે છાપામાં છપાયેલા અનેક આશ્વાસનકારી વાક્યો કહી સંભળાવ્યા અને મહાન દસમી ફેલ માણસોના નામનું લીસ્ટ પણ કહી સંભળાવ્યું. પણ સમજુને એની કશી અસર ન થઈ.

અમે સૌ સમજુને લઈ એની અગાસીએ ગયા. ફેમિલીથી થોડો છૂટો થતા સમજુના ચહેરા પરનો અપરાધભાવ સહેજ ઓછો થયો. ત્યાં મસ્તીખોરે ટીવીમાં ઇન્ટરવ્યૂ આપતો હોય એવી અદામાં કોમેડી ચાલુ કરી: "તમે આવી સરસ રીતે ફેલ થયા એ માટે તમને સૌથી વધુ સપોર્ટ કોણે કર્યો?" એવું જાણે ટીવી એન્કર પૂછતો હોય એમ પૂછી પોતે જ અદબ વાળી ઊભો રહી સ્કોલર વિદ્યાર્થીની જેમ અભિનય કરતા બોલ્યો: "હું મારા પરિણામનો સંપૂર્ણ શ્રેય મારી સ્કૂલના, મારી સોસાયટીના રખડુ મિત્રોને આપું છું. મારા ફેલ થવા પાછળ જો કોઈએ સૌથી વધુ મહેનત કરી હોય તો એ મારા રખડુ મિત્રો, જે મને સતત ક્લાસ બંક કરવા, ક્રિકેટ રમવા તથા નાસ્તા પાર્ટીઓ કરવા સતત ઢસડીને લઈ જતા એને સંપૂર્ણ યશ આપું છું. હું હજુ વધુ બે ત્રણ વિષયમાં ફેલ થઈ શકત, પરંતુ મારા માતા-પિતા, સ્કૂલ શિક્ષકો અને ભણેશરી મિત્રોએ મને સતત ભણવા બાબતે ટોર્ચર કરી-કરીને, ધરાર ચોપડી પકડાવી-પકડાવીને પચ્ચીસ-પચાસ પ્રશ્નો મારા મનમોજી ભેજામાં ઉતાર્યા નહિંતર ફેલ થવામાં મને બોર્ડ ટોપ કરતા કોઈ રોકી શકત નહિ." મસ્તીખોરની આ ટ્રેજેડીસભર કોમેડીનો એક મોટો ફાયદો એ થયો કે છેલ્લા ચારેક કલાકથી ગંભીર મુખમુદ્રા ધારણ કરેલો અમારો સમજુ મિત્ર સહેજ હસી પડ્યો. એ સમજુ મિત્ર પણ અત્યારે બેસ્ટ જોબ કરે છે અને પેલો મસ્તીખોર મિત્ર પણ બેસ્ટ બિઝનેસમેન છે.

તમારા મગજમાં ફીટ બેસાડી લો: જિંદગી એટલે માત્ર દસમું, બારમું, બેચલર્સ અને માસ્ટર્સના રિઝલ્ટ નહિ, જિંદગી એટલે જન્મથી શરુ કરી છેક છેલ્લા શ્વાસ સુધી ચાલતી સિલેબસ બહારની, પ્રેક્ટિકલ, સૈદ્ધાંતિક પરિસ્થિતિઓમાં તમે દાખવેલી શારીરિક, માનસિક વર્તણુકનો એગ્રીગેટ ટોટલ. સાત-આઠ કે દસ દાયકાઓ સુધી (એટલે કે છેલ્લા શ્વાસ સુધી) ચાલતી જીવન એક્ઝામ દરમિયાન તમે કેટલાને હસાવ્યા અને કેટલાને ફસાવ્યા, કેટલાને છેતર્યા અને કેટલાને વેતર્યા, કેટલાને તાર્યા અને કેટલાને ડુબાડ્યા, કેટલાને લૂંટ્યા અને કેટલા ને કૂટ્યા, કેટલાને સંભાળ્યા અને કેટલાને સાચવ્યા, કેટલા સત્યની નજીક ગયા અને કેટલા જુઠથી દૂર થયા એના એકદમ સચોટ ચેકિંગ પર જિંદગીના ફાઈનલ રિઝલ્ટનો આધાર છે. અહીં સિકંદર જેવા અડધી દુનિયા જીતનારા પણ ફેલ જાહેર થાય છે અને નરસિંહ મહેતા જેવા ખાલી ખિસ્સે પણ બોર્ડના ટોપ ટેનમાં સ્થાન પામે છે. અહીં હજારો કાવાદાવા અને પ્રપંચ કરનારને પણ કાનુડાના હાથના લાફા ખાવા પડે છે અને શુદ્ધ મનથી નીતિમય જીવન જીવનારની ભાજીને કાનુડો સ્વયં પ્રસાદ તરીકે ગ્રહણ કરી બેસ્ટ લાઈફ એચીવમેન્ટનો એવોર્ડ આપે છે. અહીં વનમાં બેઠેલી શબરીની શ્રધ્ધાના બોરને પેપર ચેકર રામ ફાઈવ સ્ટાર આપી વેરી ગુડનું સ્માઈલી પણ આપે છે અને અહંકારી, પ્રપંચી, ભ્રષ્ટાચારીના બાવન જાતના પકવાનને પણ બિગ ઝીરો આપી કાનુડો ઠુકરાવી દે છે.

કોણ જાણે કેમ આજેય આપણી આસપાસ એવા કેટલાય જીવન વિદ્યાર્થીઓ છે, જે ધરાર ગીતાજીની ટેક્ષ્ટબુકને અવગણીને આલતુ-ફાલતુ રેફરન્સ મટીરીયલ ગોખી આડા-અવળા, ઉંધા-ચત્તા, અગડમ-બગડમ જવાબો આપી પોતાની રખડુ, બેઈમાન લાઈફ સ્ટાઈલને, કૃષ્ણસર-રામસર-વિવેકાનંદસર-નરસિંહસરના જીવનસિદ્ધાંતો કરતા સાવ જ ઉંધી દિશામાં હોવા છતાં, સાચી સાબિત કરવા ધમપછાડા કર્યા કરે છે! શું જિંદગી એ દસમું ધોરણ છે? અરે યાર, લાઈફમાં છેલ્લા શ્વાસો ચાલતા હશે ત્યારે જે રિઝલ્ટ લઈ કાનુડો તમારી ભીતરે આપકી અદાલત ભરી બેસશે ત્યારે ત્યાં કોઈ ગેરસમજ કે ગલ્લા-તલ્લા ચાલવાના નથી. બધા જ એવીડેન્સ લાઈવ હશે અને તમારી ભીતરે બેઠેલો સાક્ષી સેકન્ડે સેકન્ડનું પૂરેપૂરું બયાન આપશે ત્યારે તમારી પાસે કબૂલાત સિવાય કોઈ રસ્તો જ નહિ હોય. તમારી આસપાસ છેલ્લા દસ દિવસ કે દસ મહીનાથી ખાટલે પડેલા વડીલનો બે-પાંચ સેકંડ વિચાર કરો. તમને નથી લાગતું એમની ભીતરે એમના જીવન રિઝલ્ટની ગહન ચર્ચા ચાલી રહી છે?

મિત્રો, આપણે તો હજુ પરીક્ષા ખંડમાં જ છીએ, સહેજ ઊંડો શ્વાસ લઈ, કાનુડાને ‘કરિષ્યે વચનં તવ’ કહી, આજથી જ, આ ક્ષણથી જ એકદમ સાચા, ભીતરે સાતે-સાત પડદે અજવાળા થાય, શાતા વળે, સંતોષ થાય, મંદિરીયા જેવો ઘંટારવ વાગી ઉઠે એવા વાણી, વર્તન અને વિચારો સાથે સત્ય અને ઈમાનદાર જીવનશૈલી અપનાવી ફાઈનલ રિઝલ્ટ વખતે તમારું નામ ટોપ ફાઈવમાં આવે એવો પ્રયત્ન કરીએ તો કેવું? તમારા કુળદેવી અને કુળદેવતા તો તમારા એ જીવન માટે કે’દુ'ના રાહ જોઈ, કૃપા વરસાવતા બેઠા છે હોં. વેકેશન પૂરું થતાં જ જીવનપરીક્ષાનું નવું પેપર શરૂ થશે. એમાં નવા, સારાં, સાચાં જવાબો લખી શકો એ માટે ઓલ ધી બેસ્ટ. આપના સંપૂર્ણ જીવનનું રિઝલ્ટ એ પ્લસ પ્લસ આવે અને ઈશ્વરની આખરી અદાલત આપને નિર્દોષ મુક્તિ આપે એવી શુભેચ્છા.

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)