Miss you Papa in Gujarati Short Stories by Jagruti Pandya books and stories PDF | Miss you Papa

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

Categories
Share

Miss you Papa

🙏 જૈના પંડ્યા 😥

દાદા ફરી એકવાર જીતી ગયાં...
25-4-21...
10:50 P.M...
રવિવાર....

દાદા છેલ્લી વાર મારી ને તમારી લડાઈ માં તમે એક વાર જીતી ગયાં.....
દાદા ફરી એકવાર જીતી ગયા...
હું પાછો આવીશ જ એવું કહીને મને છેતરીને...
દાદા તમે ફરી એકવાર જીતી ગયા....
તમારી છત્રછાયા માં બાળપણ આપી ;મને મોટી સમજીને મૂકી જતાં રહ્યાં
દાદા તમે ફરી એકવાર જીતી ગયાં....
તમારું ઐઠું ખવડાવી ; તમારાં જેવી કરીને મૂકીને જતાં રહ્યાં....
દાદા તમે ફરી એકવાર જીતી ગયાં....
દાદા જેવી જ છે એવું લોકોને બોલાવતા શીખવાડી ગયાં
દાદા તમે ફરી એકવાર જીતી ગયાં....
મારી દીકરી ડૉક્ટર થશે થી મારી દીકરી ડૉક્ટર નું ભણે છે.... બોલી
દાદા તમે ફરી એકવાર જીતી ગયા....

પણ...
તારા માટે હું બેઠો છું કહીને મને જ અડધે મુકીને જતાં રહ્યાં???
દાદા આમાં તમે જીતી ગયા???...
જૈનું બેટું માટે ગમે ત્યાંથી હાજર થઈશ કહીને મને છેતરીને ....
દાદા આમાં પણ તમે જીતી ગયા???...
દર અઠવાડિયે મારા સમાચાર પૂછવા; મને ફોન કરવાની જવાબદારી મૂકીને જતાં રહ્યાં....
દાદા આમાં પણ તમે જીતી ગયાં??...
તમારા ખોળામાં બેસાડી મોટી કરી પણ મારો હાથ પકડીને મારી સાથે ફરવાની વાતમાં પણ... મને મૂકીને જતાં રહ્યાં
દાદા આમાં પણ તમે જીતી ગયા????...

તમારી મારી જીદ માં હંમેશા મને જીતાડી ને આ વખતે જાતે હારીને જતાં રહ્યા!??
દાદા આમાં તમે જીતી ગયાં???...
તમારાં વિનાની જીંદગી ન વિચારવાની મારી ભૂલ માં પણ....
તમે જ જીતી ગયા???...
તમારી દીકરીની ફરિયાદો સાંભળીને તરત એનો હલ લાવામાં શું હજી પણ તમે જીતી ગયા???..
તમારી દીકરીની દરેક તકલીફોને દુર કરીને પોતાની તકલીફ લઈને જતાં રહ્યાં....
શું દાદા આમાં પણ તમે જીતી ગયાં??..

અને દાદા છેલ્લી વાર પૂછું છું
મને ફરી ન મળવાની વાત માં પણ...
તમે જ જીતી ગયા???...

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


🙏ડૉ.ભાવેશ પંડ્યા😥


પપ્પા
'શૉ મસ્ટ ગો ઓન'
જાદુગર ને એક વર્ષ થયું.
ૐ શાંતિ...શાંતિ...શાંતિ...

હું તારો બાપ છું. ખૂબ દૂરનું જોનાર અને એ મુજબ તુરંત જ પોતાનો વિચાર સ્પષ્ટ જણાવનાર મારા પપ્પા. આમ શોખીન,મોજીલા અને કેટલીક બાબતોમાં ચોક્કસ વિચારો સાથે જીવ્યા.

અવસાન સમયે હું એમની પાસે હતો.
ઓક્સિજન દૂર કરવા પહેલા વિનંતી,પછી આદેશ અને છેવટે મારી જોડે લડાઈ. કોઈ મોહ વગર 'મારે માથે કોઈ ભારણ નથી,આ વજન(ઓક્સિજન) મને ન જોઈએ.

આજે હું ન રહું તો ભાણીના લગ્ન રોકવા નહીં એવી સૂચના સાથે માનસિક સ્વસ્થય રહ્યા. કોઈ ડર કે વિષાદ વગર ઓકિજન કાઢવા કહ્યું. RMD ખાવાની આદત હોય એમને RMD ખવડાવી ડોક્ટરની ના છતાં ઠંડુ પાણી પીવાની આદત મુજબ પાણી પીધા પછી મારી વાતોમાં ન સમજવાનું નક્કી કરી વિદાય લીધી.

આજે તિથિ મુજબ એક વર્ષ થયું.

પપ્પા...
ૐ નમઃ શિવાય...
ૐ શાંતિ...શાંતિ...શાંતિ...

આખા ઘરમાં એમની હાજરી વર્તાય.
કોઈના બાપની શરમ ન ભારે એવા મારા બાપા.
સખત હિન્દૂ ધર્મ વ્યવસ્થા મુજબ જીવન નિર્વાહ કરતા અને આખા ઘરમાં હરતાં ફરતાં મંત્રો બોલે રાખે.
ગણાનંતવા ગણપતિ એમનો રોજ સાંભળવા મળતો મંત્ર.આજે એમના દેહ વિલયને એક વર્ષ થયું.

સતત સાથે કે સામે રહેલા જાદુગર વગર આજે જે છે એ બધું ઓછું છે. ભગવાન એમના આત્માને ખુશ જ રાખશે.
ૐ શાંતિ…

દાદા...લવ યુ...મીસ યુ...
ૐ નમઃ શિવાય.
ૐ શાંતિ...શાંતિ..શાંતિ…

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


🙏અયુબ ચડી મેઘરજ 🌺

Om shanti.... એક કોમળ અને નાના બાળક જેવું ચોખ્ખું રદય ધરાવતા સદાયે હસમુખ અને ખૂબ દયાભાવના ના હમ્મેશા હિમાયતી...આપ જાદુગર ખરા પણ સાચા અર્થમાં દરેકના દિલ જીતનાર અને સાચા અર્થમાં સર્વે નું દિલ જીતનાર જાદુગર...આપની જાદુગર ની વ્યાખ્યા દરેક કોમ ના દરેક વ્યક્તિ ચાહે પછી એ જૂબી હોય કે જુલી હોય અયુબ હોય કે અમિત હોય આપ સર્વને એક સમાન માનતા દેશ ને આવા સમયે આપ જેવા દેવતા ફરિશ્તા ની જરૂર છે.ત્યારે આપ હજારો માઈલ દૂર જતા રહ્યા.. આપને આ મેઘરજ ની એકતા...અખંડિતતા ની ભૂમિ હમ્મેશા એક માનવ તરીકે યાદ રાખશે . પ્રભુ આપની આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના...રમજાન માસના પવિત્ર દિવસો એ અલ્લાહને દિલથી લાખો દુઆ...all miss you dear jadugar.... અયુબ ચડી...મેઘરજ

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


🙏બાબુલાલ ગઢીયા : બોટાદ 🌺

" શ્રદ્ધાંજલિ"
વંદનીય સ્વ.વડીલ પંડ્યા દાદા ને શ્રદ્ધા સુમન "
"જે ભગવાનનું બ્રહ્મપુર ધામ છે તેને વિષે ભગવાન સદાય સાકારમૂર્તિ વિરાજમાન છે અને ભગવાનના ભક્ત પણ એ ભગવાનના ધામમાં મૂર્તિમાન થકા ભગવાનની સેવાને વિષે રહે છે. તે ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય તેને મનમાં એવી બીક ન રાખવી જે, ‘હું રખે મરીને ભૂતપ્રેત થઉં કે રખે ઇન્દ્રલોકને જ પામું કે રખે બ્રહ્મલોકને જ પામું!’ એવી આશંકા મનમાં રાખવી નહીં; કેમ જે, જે એવો ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહીં.

અને એ ભક્તજન હોય તેને પણ પોતાનું જે મન છે તેને પરમેશ્વરના ચરણારવિંદને વિષે દ્રઢ કરીને રાખવું. જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઊખડે નહીં, તેમ ભગવાનનાં ચરણારવિંદને વિષે પોતાના મનને દ્રઢ રાખવું. અને એવી રીતે જે ભગવાનનાં ચરણારવિંદને વિષે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી..

એ તો છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે.”

॥ વચનામૃત ॥
ગઢડા અંત્ય ૭ માંથી...🙏🙏🙏
આપના સ્વજનશ્રી અક્ષર ધામ નિવાસી થયેલ છે .પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ તેઓશ્રીની આત્માને શાંતિ અર્પે અને મોક્ષ ઘામમાં નિવાસ આપે તેવી પ્રાર્થના
માનવી ની હંમેશા ઇચ્છા હોય છે કે તેમના સ્વજનો પ્રેમ ,સાથ ,હુંફ,અને માર્ગદર્શન સો વર્ષ કરતા પણ વધુ સમય સુધી મળતા રહે, પરંતુ નિયતિ ,વિધાતા આગળ દરેક માનવી લાચાર છે .નિયતિ વિધાતા એ નક્કી કરેલ ક્ષણ, સમયે દરેક વ્યક્તિએ ઈશ્વર શરણમાં જવાનું હોય છે.
પરંતુ આપણે એટલું ચોક્કસ આશ્વાસન લઇ શકીએ કે આપણા સ્વજન શ્રી આપણને વારસા ની અંદર પ્રેમ, કુટુંબભાવના ,સમાજસેવા જેવો અમૂલ્ય વારસો વારસામાં આપીને ગયા છે .આ વારસાની સુવાસ આપણે આપણા કુટુંબમાં, સમાજ માં ફેલાવી એ જ
તેઓ શ્રી ની સાચી શ્રદ્ધાંજલિ
પરમ કૃપાળુ પરમાત્મા આપના પરિવારને આ દુઃખ, આઘાત સહન કરવાની શક્તિ આપે સાથે-સાથે સ્વજન શ્રી પાછળ ઈશ્રવર ભકિત સાથે તેમના નિમિત્તે સમાજસેવા કરવાની પણ શક્તિ આપે તેવી પ્રભુ ચરણમાં પ્રાર્થના સહ
બાબુભાઈ લીંબા ભાઈ ગઢિયા
બોટાદ ના
જય સ્વામિનારાયણ

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

માર્મિક વહોરા

વંદન આવા વિરલ વ્યક્તિત્વ ને ..જેના માટે જિંદગી મૃત્યુ કરતા ઘણી મોટી હોય છે...ખુમારી ને ખાનદાની એમના મુખ પર દેખાય છે….

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


🙏જગદીશભાઈ ચૌહાણ 🌺

નપુ ના હુલામણા નામ થી કાયમ બોલાવતા જાદુગર પંડયાજી પહલી પુણ્ય તીથી નિમીત્તે શ્રધ્ધા સુમન.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🙏ભરતભાઈ બારોટ 🌺

ગયેલાં પરત થયાં હોત તો સંસારની એક પણ દીકરી કે દીકરો બાપ વિહોણો હોત ખરો? પુનઃ જન્મે પુનઃ કાર્ય......


🙏પંડ્યા પરિવારને અર્પણ 🙏
…………………………..
તસવીર ટીંગાડી આપની ધૂપ દીપ ની શાખમાં,
આત્મા અમર થયો , કાયા ભળી ગઈ રાખમાં.
----------------------------------------------
* મોભ તણાયો કોવિદ પૂરમાં રે લોલ;
સ્વજનના માથે જનોઈવાઢ જો,
ઉગતી ઉષાએ સૂરજ ડૂબીયા રે લોલ.
* વિખૂટી પડી સારસ બેલડી રે લોલ;
હવે જીવ્યા મૂઆના જહાર જો,
આવતા ભવની જોવું વાટડી રે લોલ.
*દિવસ વિત્યાને વર્ષો વિતશે રે લોલ ;
કેમ કરી ભૂલાય ભવ ભેસ જો,
સમય શીખવશે મને જીવતાં રે લોલ.
* અણધાર્યા તેડાં જીવને આવિયાં રે લોલ;
ઓચિંતાની પકડ મરણ વાટ જો,
હસતી સૂરત -મૂરત નહીં જડે રે લોલ. * અરજ ગુજરું ઈશ એટલી રે લોલ;
ભવોભવ મળજો એમનો સાથ જો,
દાસી તમારી થઈ એકલી રે લોલ.

આ. શ્રી ભરતભાઈ બારોટ,
હિંમતનગર.


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


🙏 ભાવના પંડ્યા 💐

" પ્રથમ નિર્વાણ દિને શ્રધ્ધાંજલી" "તસવીર ટીન્ગાડી આપની,ધૂપદીપની શાખમા.,
આત્મા અમર થયો, કાયા ભળી ગઈ રાખમાં. "
સાથ છૂટે વરસ વીત્યુ રે લોલ,હવે જોવા ન મળે મુખારવિં જો. મધ્યાહને સૂરજ આરંભ્યો રે લોલ.
પાયો હતા અમારી કૂળના રે લોલ,ફૂલ્યો ફાલ્યો તો તમ વંશ જો.
અગમપંથની વાટે ચાલ્યા રે લોલ.
સેતુ બાધ્યો'તો તમે સ્નેહનો રે લોલ.
હવે જીવ્યા મુઆના જુગાર જો,મધરાતે ઝબકી જોઉ વાટડી રે લોલ.
ખોટ પુરાશે નહીં આપની રે લોલ.
અંતર અમારું અતિ અકળાઈ જો,રાવ ફરિયાદ હવે દોહ્યલી રે લોલ.
સદ્દ્ગતિ થાજો તમારું જીવની રે લોલ.
ટળી જાણજો જન્મ-મરણ રહે જો,
અરજ ગુજારુ એવી શિવને રે લોલ.

તા.25/4/2022
સોમવાર.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🙏જાગૃતિ પંડ્યા 💐

મારા પપ્પાને મારી બહૂ બહૂ યાદ,
પપ્પા તમે મને બહું યાદ આવો છો. તમે ખૂબ જ મહાન છો. અમારામાં શિક્ષણ અને ઉચ્ચ સંસ્કારનું સિંચન કર્યું છે, અમો આજીવન તમારા ઋણી છીએ.

* તમે જ્યાં હોય ત્યાં, શાંતિ મળે.
* અમારા માતૃછાયા પરિવાર પર હમેશાં તમારા આશીર્વાદ મળતાં રહે.

* અને હા,,, પપ્પા !! હું તમને મહાકાલેશ્વર જયોર્તિલિંગ દર્શને લઈ જવાની હતી, પણ નથી લઈ જઈ શકી. મારી અંત: કરણથી ખૂબ જ ઇચ્છા હતી તમને લઈ જવાની. પરંતું હવે હું જ્યારે મહાકાલેશ્વર જયોર્તિલિંગ ના દર્શન કરવા જાઉં, ત્યારે તમને બોલાવીશ. તમારે મારી સાથે આવવું પડશે. તમે જ્યાં હોવ ત્યાંથી જરૂરથી આવજો. 🙏 બસ મારી આટલી જ પ્રાર્થના અને ઇરછા છે. 🙏

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


🙏હરિશબાળા પંડ્યા 💐

સ્વ.. પંડ્યા જી ને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ
ચૈત્ર સુદ તેરસ પ્રથમ નિર્વાણ દિવસ
ભગવાન તમારા આત્માને મોક્ષપ્રાપ્તિ થાય
તમારી હાજરી નથી પણ માતૃછાયા પરીવાર સતત તમારી યાદોમાં દિવસો પસાર કરે છે
તમારી સાથે વિતાવેલી પળો પ્રસંગો હરહંમેશ ચિ.જીવી બની રહે શે તમો જન્મોજનમ આપણા બાળકો ના પપ્પા તેમજ મારા પરમેશ્વર તરીકે નું સ્થાન પ્રાપ્ત કરો તેવી પ્રભુને પ્રાર્થના સાથે યાચના
ૐ શાંતિ .🙏🏻❤🌹🙏🏻 ઓમ નમઃ શિવાય🙏🏻🙏🏻😭😭

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

જાગૃતિ પંડ્યા

આજે પહેલીવાર એમ થયું કે,
કાશ ! હું પણ દિકરો હોત !
પડખે હોત હું પણ પપ્પાની.

આ શું ???

દીકરી બનીને દૂર રહી જોયા કરવાનું ?
પ્રભુ પાસે બે હાથ જોડી કગર્યા કરવાનું !

ના માતા પિતા ની સેવાનો લાભ મળે,
ના ઈચ્છા હોવા છતાં તરત જવા મળે.

હેરાન થાય છે ; બધાં પિયરિયાં ,
જોઈ આંખે આવે ઝળઝળિયાં.

કહું છુ જ્યારે હું આવું છું ત્યાં,
સૌને થોડી રાહત મળે ત્યાં.

તરત કહે ; મા " ના બેટા , હમણાં નહીં,
આવજે શાંતિ થી " ; કહી વાત ટાળી.

દીકરી છું ; શું હું અંશ નથી તમારો ?
મા - બાપની સેવાનો શું હક નથી મારો ?

કેટલી મૂંઝવણ ; અકળામણ પણ એટલી,
મળીશ કયારે ? મારા પપ્પાને હું હેતથી .

એ તો સારું છે , પપ્પાને નહીતર,
ક્યારનીય દોડી હોત હું માવતર.

એય કોરોના !!!! તું આજ લે સાંભળ ,
માતા -પિતાની હંમેશા રાખજે સંભાળ,
માતૃછાયા પરિવાર રહે સદા ખુશ ખુશાલ .

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

શીર્ષક : " તે પપ્પા હું જોતી ' તી. "

જ્યારે હું નાની હતી ત્યારે ;
સ્વચ્છતા ના પાઠ શીખવ્યા ,
તે પપ્પા હું જોતી' તી.
અમારાં હોમવર્ક અને મહાવરા કરાવતાં
તે પપ્પા હું જોતી'તી.
મમ્મીને પણ ઘરકામમાં મદદ કરતાં,
તે પપ્પા હું જોતી ' તી.
મૂલ્ય લક્ષી વિકાસ માટે બાળ સાહિત્ય મંગાવતા,
તે પપ્પા હું જોતી 'તી.
નકામા કોરાં કાગળોનું બુક બાઇડિંગ કરાવતાં,
તે પપ્પા હું જોતી ' તી.
વિજ્ઞાનમેળો હોય તો તમે પ્રયોગો કરતાં,
તે પપ્પા હું જોતી ' તી.
શાળામાં પ્રાર્થનાઓ ખૂબ સુંદર કરાવતાં,
તે પપ્પા હું જોતી ' તી.
નિત નવાં પ્રયોગો કરી સૌને શીખવતાં,
તે પપ્પા હું જોતી હતી.
રોજ કહેવાતી નવી વાર્તા ,
તે પપ્પા હું જોતી ' તી,
તે પપ્પા હું સાંભળતી ' તી.
વિજ્ઞાન જાથાના પ્રયોગો કરી, અંધશ્રદ્ધા દૂર કરતાં,
તે પપ્પા હું જોતી ' તી.
દીન દુઃખીયા ની મદદ કરતાં ,
તે પપ્પા હું જોતી ' તી.
ગાયત્રી અનુષ્ઠાન ને ૐ નમ: શિવાયના જાપ કરતાં,
તે પપ્પા હું જોતી ' તી.
શિવ મહિમ્ન ને રુદ્રીનું ગાન કરતાં,
તે પપ્પા હું જોતી ' તી.
તે પપ્પા હું સાંભળતી હતી.
નિયમીત કસરત ને પ્રાણાયામ કરતાં,
તે પપ્પા હું જોતી ' તી.
ક્યારેક ટેસ્ટી રસોઈ પણ કરતાં,
તે પપ્પા હું જોતી ' તી.
આમ,,
હું જે જોતી ; તે મને ગમતું;
બનાવીશ હું એમ જ મારું જીવન,
જે તમને પણ જોવું ગમશે,
જે હશે જાણે તમારું અનુકરણ.

જાગૃતિ પંડ્યા આણંદ.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

અને,,, અંતે,,,,,,

પણ, તમે મારા પપ્પા છો એટલે. તો ,એ પણ મારા બાપ છે : તે કેમ ભૂલી ?

આજે સ્વ. શ્રી નરેન્દ્ર પંડ્યાની પ્રથમ માસિક શ્રધ્ધાંજલી અર્પણ અર્થે,,,, કોરોનાનો ભોગ બનેલાં અને અંતિમ શ્વાસ સુધી ઝઝુમેલા સ્વ. જાદુગર પંડ્યાજીની સારવાર અર્થે હોસ્પિટલ માં હતાં તે સમયની વાતો યાદ કરીને શ્રધ્ધાંજલી અર્પણ કરું છું.

અશ્રુઓ સારો નહીં, આગ થૈ ને વાગશે,
ને કફનમાં યાદ ના , ગૂંગળાવે છે કબર,
મોત ની કોને ખબર?, તા-કયામત બોલશે,
ના અઝાબો છોડશે, મોત પરવારી જશે.

- ડો.ફિરદૌસ દેખૈયા

અચાનક જ ભાભીનો કૉલ આવ્યો કે પપ્પાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આટલું સાંભળતાં મને ખૂબ જ ગભરામણ થઈ ગઈ, હૃદયના ધબકારા અને કાનના અવાજો વધી ગયાં સાથે સાથે શરીર એકદમ જ ઢીલું અને અશક્ત બની ગયું. શાળામાં છૂટવાના સમયે સમાચાર જાણ્યા તો ખૂબ જ કઠણ હ્રુદય રાખી સ્ટાફનાં બધાંને વાત કરી , ઝડપથી ઘરે આવી તરત જ મમ્મીને કૉલ કર્યો. મમ્મી સાથે વાત કરી પછી થોડી શાંતિ થઈ પણ ચિંતા તો હતી જ કારણકે મોટો ભાઈ પપ્પાને સી. ટી. સ્કેન રિપોર્ટ કરાવી પપ્પા માટે કોઈ હોસ્પિટલમાં એક બેડ ની સગવડમાં હતો. સવારની વાત આખો દિવસ મોટો ભાઈ આકરા તાપમાં અને બધાં જ ભૂખ્યાં - તરસ્યાં એક દવાખાને થી બીજે દવાખાને લઈને ફરતો. કોઈને જમવાનો કે પાણી પીવાનો પણ મોકો ન મળ્યો. બસ , એક જ લક્ષ્ય, એક બેડ મળી જાય. સાથે સાથે મમ્મીની અને ભાઈની પણ ચિંતા કે પપ્પા ને લઈને ફરતાં બંને બિમાર ન પડે ! અંતે ઘણી બધી ઓળખાણો અને ઓળખીતાઓ ને ફોન કરીને મોડાસા સાંજે પાંચ વાગ્યે પપ્પાને એડમિટ કર્યાં. પછી બધાંને હાશ થઇ.

બીજી બાજુ નાનો ભાઈ પણ આખા ગુજરાતમાં ફર્યો અને રેમડેસિવિર ઇન્જેક્શન ની સગવડ કરી, રાત્રે મોડાસા આવી તાત્કાલિક ઇન્જેક્શન આપી રાત્રે ને રાત્રે જ પાલનપુર બીજા ઇન્જેક્શન માટે ગયો, બીજા દિવસે પરત મોડાસા.

કોરોના પેશન્ટ સાથે રહી ન શકાય, મળી પણ ના શકાય છતાં પણ બંને દીકરાઓ કોરોના પોઝિટિવ બાપની સાથે સતત ખડે પગે ઊભા રહ્યાં. કેમ ? કેમ કે પપ્પાને તકલીફ હતી , દવાઓ લેવાનું અને બધું જ સમય સરની દવાઓ લેવાનું ભૂલી જતાં. પપ્પા પાસે રહેવું પડશે તે ખ્યાલ આવતાં, અમારાં ફેમિલીની ડૉ. જૈના પંડ્યા, મોટાભાઈની દીકરીએ તરત જ તેના પપ્પા, કાકા અને બા પણ અવારનવાર જતાં હોઇ હેન્ડ ગલોઝ,ppe kit અને ફેસ શિલ્ડની સાથે અન્ય દવાઓ અને જરૂરી સામગ્રી મોકલી આપી.

દાદા સાથે સતત સંપર્કમાં રહેતાં બન્ને ભાઈઓની બધાં જ ચિંતિત રહેતાં. વિડિયો કૉલ અને કૉલ વખતે પણ સૌ કુટુંબીજનો બન્ને ભાઈઓને કેર લેવાની સલાહો આપ્યાં કરતાં.

નાના ભાઈની દીકરી ઋચા પણ એક્વાર સ્પેશિયલ ગાડી લઈને ઇન્જેક્શન આપવા આવી હતી. બધાં જ બધું જ કામ ખૂબ જ સાચવીને અને કોરોના વાઇરસ માટેનાં પ્રોટેક્શન સાથે કરતાં.

ઉંમર લાયક હોવા છતાં પણ, મમ્મી દર આંતરે દિવસે દવાખાને પ્રોટેક્શન સાથે જતી.

એ જ રીતે ઋચા અવારનવાર તેના પપ્પા ને ટોક્યા કરતી, " પપ્પા માસ્ક બરાબર નાક ઉપર ચઢાવો, સેનીટા ઇઝર લગાવો, ppe કીટ કેમ નથી પહેરી ? જાઓ પહેરી આવો, હું તમારી સાથે વાત નહીં કરું ! " અને ગુસ્સો કરી ફોન કટ કરી દેતી. આ રીતે સતત જ આ દિકરીઓ તેમના પપ્પાની ચિંતામાં સખત ટોક્યા કરતી. ( બંને ભાઈઓને દવાખાને પપ્પાની રિકવરી નું ટેન્શન, અન્ય જે સમસ્યાઓ ઊભી થતી તેનું ટેન્શન , પોતાની જાતને સાંભળીને કામ કરવાનું ટેન્શન અને આ દીકરીઓએ તેમના પપ્પાને સાચવવા માટે કરી મૂકેલ કાગારોળ નું પણ ટેન્શન !!!! )

આ બધી ચિંતાઓ વચ્ચે એક દિવસ ભાવેશે ઋચાને કહ્યું :

" તું શું કામ આટલી બધી ચિંતા કરે છે ? હું ભણેલો છું કઈ કઈ કાળજી રાખવી તે હું જાણું છુ. શું કામ તું વધારે પડતી ચિંતાઓ કરી અમને ખલેલ પહોંચાડે છે ? "

ઋચાએ કહ્યું :

" કેમકે તમે મારા પપ્પા છો ને માટે !!!! "

તો ,,, ભાવેશે જવાબ આપ્યો :

" તને ખબર છે ! બેટા , હું જીવના જોખમે જેની સેવા કરું છું તે પણ મારા પપ્પા છે ! "

અને ઋચા શાંત થઈ ગઈ. સમજી ગઈ. એ પછી તેણે કદી પપ્પાને એ બાબતે ટોક્યા નથી. સતત દાદા અને પપ્પા/ કાકા માટે ઋચાર્મી ની સાથે સાથે માતૃછાયા પરિવાર પ્રાર્થનાઓ કરતાં રહ્યાં.

હોસ્પિટલમાં અગિયાર દિવસ રહ્યાં, તેનાં ઘણાં સ્મરણો છે. અહીં આજે આટલું જ.

માતૃછાયા પરિવાર માટે 25/4/2021 ને રવિવાર નો દિવસ દાદા માટે ભારે લાગ્યો. માતૃછાયા પરિવાર નક્કી કરેલાં સમયે રાત્રે બરાબર આઠ વાગે એક સમૂહ ઑનલાઇન પ્રાર્થના નું આયોજન કરેલું.

એમાં અમે સૌ અલગ અલગ જગ્યાએથી જોડાયા.

બોમ્બે , બેન્ગલોર, આણંદ, મોડાસા , મેઘરજ અને પાલનપુર,,,, એક સાથે ઑનલાઇન મહામૃત્યુંજય મંત્રો અને ગાયત્રી મંત્ર સાથે દાદાના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી.

પણ, અંતે નિયતિમાં જે નિર્માણ થયેલું તે બની ને જ રહ્યું.

બરાબર નવ વાગ્યે મોટાભાઈ યોગેશ નો ફરીથી એક્વાર માતૃછાયા પરિવાર પર સમૂહ વિડિયો કૉલ પર વાત કરી કે, સત્ય હવે આપને સૌએ સ્વીકારવું જ પડશે. દાદા હવે જેટલાં કલાક રહે તે ખરું ! હવે દાદા બહુ માં બહુ ચાર કલાક ના મહેમાન છે. અને જૈનુએ ત્યાં જ રડવાનું શરુ કરી દીધું. બધાએ તેને સમજાવી.

ફરી બરાબર 9:50 માતૃછાયા પરિવાર માં મોટાભાઇનો મેસેજ આવ્યો.
…………….

25/4/2021 ને રવિવારનો દિવસ હતો અને એ જ અમારો કાળો દિવસ ! પપ્પા માતૃછાયા પરિવાર ને છોડીને સ્વધામ સિધાવી ગયા.

બધાં માટે 'ૐ શાંતિ ' , ' RIP ' લખતી હું ….

આજે એવું મારા પપ્પા માટે લખતાં મારા હાથ નહીં સમગ્ર શરીર ધ્રુજી ઉઠ્યું.


મારા બંને ભાઈઓ માટે કંઈ જ કહેવા માટે શબ્દો નથી. પણ એટલું જરુર કહીશ કે શ્રવણ ની વાર્તા મેં સાંભળી છે. પણ, સાચૂકલાં શ્રવણ મેં જોયાં!!!

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


માતૃછાયા પરિવારની ખૂબ ખૂબ યાદો 🙏

ઓમ નમઃ શિવાય 🙏🙏🙏🙏