Runanubandh - 7 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ઋણાનુબંધ - 7

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ઋણાનુબંધ - 7

અજયે આટલા વર્ષોથી મનના ખૂણે સાચવેલી એની લાગણીભરી વાત અંતે એની બેન સામે મુક્ત મનથી એ બોલી ઉઠ્યો, 'હું સ્તુતિ વિષે તારી સાથે થોડી ચર્ચા કરવા ઈચ્છું છું. અત્યાર સુધી હું મારા મનને કદાચ ખોટી રીતે જ બાંધીને, જકડીને જીવી રહ્યો હતો પણ હવે મેં કરેલ ભૂલ મને સમજાય રહી છે. મેં અજાણતા જ સ્તુતિ સાથે ખોટું કર્યું છે. આ વાતનો મને ખુબ પસ્તાવો થઈ રહ્યો છે. હું હવે વધુ મારા ખોટા વલણ ને પ્રોત્સહન આપી શકું એમ નથી. હું સ્તુતિને મારા જીવનમાં લાવવા ઈચ્છું છું. બસ આજ વાત માટે મને તારો અભિપ્રાય જોઈએ છે. શું હું આમ કરું કે હું શું કરું? એ સલાહ મને તારી પાસેથી જોઈતી હતી. તું આ બાબતે શું કહે છે?'

ભાવિની અજયની વાત સાંભળી એકદમ સ્તબ્ધ થઈ ગઈ હતી. એની આંખમાંથી હ્નદયને મળેલ વેદના સરવા લાગી. થોડીવાર એ ખુદ અચરજમાં રહી, ભાઈ ક્યારેય ફરી આ વાત વર્ષો બાદ ઉચ્ચારશે એનો એને જરાય અંદાજો નહતો. ભુતકાળ એકદમ ભાવિનીને લાગણીવશ કરવા લાગ્યો હતો. પ્રીતિનો ચહેરો ભાવિની સમક્ષ ઉપજી આવ્યો. ભાવિનીએ હવે ભાઈને કહ્યું, ભાઈ પછી પ્રીતિ માટે તે શું વિચાર્યું છે? એ બાબતે કંઈક ખુલાસો કર તો હું યોગ્ય તને સલાહ આપી શકું.

અજયને જે વાતનો ડર હતો એ જ વાત સામે આવીને ઉભી રહી. પણ આજ અજયે એ વાતને સ્વીકારવાની જ હતી. પણ પોતે કેમ પ્રીતિનો સામનો કરે એ એને કઈ સુજતુ નહોતું. અજય થોડી વાર વિચારવા લાગ્યો આથી પ્રતિઉત્તર ન મળતા ભાવિની ફરી સહેજ ગુસ્સા સાથે બોલી, 'ભાઇ તું સાંભળે છે ને?'

ભાવિનીના ફરી કરેલા પ્રશ્ને અજયની વિચારધારા તોડી, એ એક ઊંડા શ્વાસ લેતા બોલ્યો, 'હા હું સાંભળું જ છું. હવે એ બાબતે પણ તું જ કહે.. મારુ મન એકદમ થાક્યું છે. હું શું કરું કે કરી શકુ એ વિચારવાની મારી હવે હિમ્મત જ રહી નથી. તું જે રસ્તો કહે એ મને મંજુર છે. પણ હવે હું મારા જીવનથી કે ઇચ્છાઓથી જજુમી શકું એમ નથી. સ્તુતિના માટે મારુ મન ખુબ આકુળવ્યાકુળ રહે છે.' આટલું બોલતા જ અજયનો અવાજ રૂંધાવા લાગ્યો હતો. એ આગળ કઈ બોલી શકે એવી એની હાલત નહોતી જ. એ આટલું બોલી ચૂપ થઈ ગયો.

હસમુખભાઈની આંખમાં પણ પાણી આવી ગયા. એ પણ પોતાના દીકરાની વેદના ખુદ અનુભવવા લાગ્યા હતા.

ભાવિની પોતાના ભાઈના શબ્દોને સમજી ચુકી હતી, એ બોલી ભાઈ! હું તને સમજી શકું છું. હું તારી વાત પરથી એટલું તો જાણી શકી કે, તું હવે તારી દીકરીની સાથે રહેવા ઈચ્છે છે. પણ જે સંજોગથી તું અને સ્તુતિ નોખા થયા છો એ પરથી હું એટલું જરૂર કહી શકું કે એનું પલ્લું પ્રીતિ એટલે કે એની મમ્મી તરફ જ ઝુકશે. હવે ભાવિનીનો અવાજ પણ થોડો ધ્રુજી રહ્યો હતો. એ વાત વધારતા બોલી, સ્તુતિ એ શું અનુભવ્યું કે એ શું આગળ ઈચ્છે એ કહેવું ખુબ મુશ્કેલ છે. એ ક્યારેય એક દિવસ પણ પિતા સાથે ન રહી હોય અને હવે એ આવે એ શક્યતા મને નહિવત લાગે છે. તેમ છતાં એકવાર તું ફક્ત સ્તુતિને રૂબરૂ મળીને જો. એની સામે યોગ્ય સમયે તારી વાત રજુ કર. અને હા ભાઈ, પ્રીતિ એ જે સમય વિતાવ્યો એ પછી એ આગળ શું કરે એ પ્રીતિ જ કહી શકે. તું બંને જવાબ 'હા અથવા ના' ને સ્વીકારીને જ આગળ વધજે.' ભાવિની આટલું મક્કમપણે બોલી તો ગઈ પણ મન એનું ભૂતકાળની બધી જ યાદોના વંટોળ સાથે વમળમાં વીટળાયુ હોય એવું અનુભવવા લાગી હતી. એનું મન પ્રીતિભાભીની સ્થિતિ અનુભવવા લાગ્યું. એક ધબકાર જાણે એ ચુકી એવું એણે અનુભવ્યું હતું.

એક ઊંડો શ્વાસ લઈને પોતે જાતે જ જાતને સાચવતા ફરી બોલી, 'ભાઈ! સ્ત્રી તરીકે એટલું અવશ્ય જાણું કે એકવાર સ્ત્રી આગળ વધી પછી એ પાછળ ફરીને નથી જોતી. વાત મારી તને કડવી લાગશે પણ આ એક સત્ય જ તને જણાવી રહી છું. બાકી પ્રીતિ જ એનો નિર્ણય જણાવી શકે.'

જોને! સમય પણ હવે જાણે ખુબ મને થકવી રહ્યો છે,
હરઘડી એ જૂનો સમય નજર પ્રત્યક્ષ મૂકી રહ્યો છે,
મન અને મગજ વચ્ચે લાગણીઓને પીસી રહ્યો છે,
દોસ્ત! આ સમય મને જીતાડીને પણ હારની પછડાટ આપી રહ્યો છે.

અજયે ભાવિનીની વાત શાંતિથી સાંભળી, એ બોલ્યો, 'હા, એ વાત તારી સાચી છે. હું એકવાર સ્તુતિને મળું અને પછી યોગ્ય સમયે એને એના મનની વાત પૂછું.'

આ વાત પછી બંને સાવ ચૂપ જ થઈ ગયા. બંનેના મૌનશબ્દો જ એકબીજાને સાંત્વના આપી રહ્યા હતા. થોડી વાર પછી મૌન તોડતા અજયે ભાવિનીના બાળકો પ્રિયાંક અને આયુષના વિશે તેમજ ભાવિનીના પતિ સુજલકુમાર વિશે પૂછીને બીજી વાતનો દોર હાથમાં લીધો હતો. ભાવિનીના બે પુત્રો માં મોટો પ્રિયાંક કે જે ૧૨માં ધોરણમાં હતો અને નાનો પુત્ર આયુષ ૯માં ધોરણમાં હતો. કુમારને ગાર્મેન્ટનો બિઝનેસ હતો. બંને વચ્ચે થોડી ઔપચારિક વાત પછી ફોન પરની વાત એમણે પુરી કરી હતી.

અજય અને ભાવિનીની વાત ફોન પર પૂર્ણ થતા હસમુખભાઈએ અજયને સાંત્વના આપતા કહ્યું, 'જો દીકરા! ભાગ્ય કોઈ બદલી શકવાનું નથી પણ તું હિમ્મત ન હારજે, તારા તરફથી શક્ય એટલો પ્રયત્ન કરજે. આટલું બોલી બંને પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે ગયા. બંનેના મન જાણતા જ હતા કે પરિસ્થિતિ શું છે છતાં એક આશા છે કે અધૂરું રહ્યું એ ઋણાનુબંધ કદાચ પૂરું થાય..

માનવીની લાગણીઓ જ્યારે સળવળી ઉઠે છે ત્યારે કોઈ જ કાર્યમાં મન ચોંટતું નથી. મન સતત એ જ વાત પર જઈને અટકે છે જે વાત મનની લાગણીને સંતોષે છે. મનમાં ઉઠતા તરંગો ઘડી ઘડી એ વ્યક્તિને પોતાની સમક્ષ ઉભું કરી દે છે અને મનને કાલ્પનિક વિચારોથી ત્રુપ્તિ મળે છે, આથી જે પરિસ્થિતિ ખરેખર સંભવિત છે કે નહીં પણ એ લાગણીવશ બની વારંવાર વિચારવાથી પણ આત્માને એ કાલ્પનિક વિચારોથી સંતુષ્ટ કરે છે. બસ, આવી સંતુષ્ટતા મેળવીને અજય પોતાની લાગણી અત્યારે સંતોષી રહ્યો હતો.

જીવી જ લવ છું હું તારી યાદોની સાથે,
પ્રેમભરી મારી કલ્પનાની દુનિયા જે રાખે આપણને સાથે,
ક્યારેક વ્યાકુળ બની તડપી ઉઠું છું, બેટા કહેવા માટે...
દોસ્ત! દિલને મળે ટાઢક જો તું કરે સાદ પિતા શબ્દની સાથે!

અજયને અહેસાસ થઈ રહ્યો કે મને આજ આટલી ઉંમરે પણ મારા પિતાની હૂંફ આટલી હિમ્મત આપી રહી છે તો સ્તુતિને પણ એની કેટલી ખોટ વર્તાય હશે. આ વિચાર સાથે જ અજયની આંખ માંથી આંસુઓ દડદડ વહેવા લાગ્યા હતા. એ પોતાની જાતને માફ કરી શકતો નહોતો. એને ખુબ જ પોતાના કરેલ વર્તનથી ગુસ્સો આવતો હતો. જયારે ભૂતકાળમાં જે ઠીક લાગ્યું એ કર્યું હતું, પણ એનું ખોટા કર્મનું ઋણ અત્યારે એ ચૂકવી રહ્યો હતો. અફસોસ ભૂલ નો હોય પણ આ ભુલ તો એણે એમ કરી હતી કે જાણે જાણી જોઈને ગુનાહ જ કર્યો હતો. એની માફી પણ એ ક્યાં મોઢે સ્તુતિ પાસેથી માંગે? એ પ્રશ્ન અજયને અંદર સુધી કોતરી રહ્યો હતો. લોહીના આંસુ સરતા હોય એવી અસહ્ય પીડા ધકધકતા આંસુ જણાવી રહ્યા હતા.

અજયનો શું રહ્યો છે ભૂતકાળ? અજયની પત્ની પ્રીતિ સાથે કેમ વિખાયો સબંધ? અજય સ્તુતિ સાથે કેમ ગોઠવશે મુલાકાત? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે..

વાચકમિત્રો આપના પ્રતિભાવ મારી ઉત્સાહમાં ખુબ વધારો કરે છે. આપનો સમય મારી ધારાવાહિક માટે ફાળવવા બદલ આપ સર્વ વાચકમિત્રોનો આભાર. પ્રોત્સાહિત કરતા રહેશો એ આશાસહ જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻