Prarambh - 55 in Gujarati Classic Stories by Ashwin Rawal books and stories PDF | પ્રારંભ - 55

Featured Books
Categories
Share

પ્રારંભ - 55

પ્રારંભ પ્રકરણ 55

જાનકીની વાત સાચી હતી. અઢી વર્ષ પહેલાં કેતન જ્યારે અમેરિકા ગયો ત્યારે જેટલો રોમેન્ટિક હતો એટલો એ આજે ન હતો. કોલેજ કાળમાં તો એ જાનકી સિવાય રહી શકતો ન હતો. કોઈ દિવસ જાનકી કોલેજ ના આવે તો એ બેચેન બની જતો. એકવાર ત્રણ દિવસ સુધી જાનકી સતત કોલેજ ના આવી તો એણે ચોથા દિવસે જાનકીના હાથમાં એક ચિઠ્ઠી પકડાવી હતી. જેમાં બોબી પિક્ચરના એક ગીતની પંક્તિઓ હતી !

# દુનિયા કે સબ રંગ ફીકે લગતે હૈં
એક તેરે બોલ બસ મીઠે લગતે હૈ....
ના ઘર મેં લગે દિલ ના બાહર કહીં પર
અરે કુછ ના કહું, ચૂપ રહું મગર
અબ મુશ્કિલ ચૂપ રેહના હૈ...
મુઝે કુછ કેહના હૈ, મુઝે ભી કુછ કેહના હૈ....

કેતનને આ બધો ભૂતકાળ યાદ આવી ગયો. જ્યારથી અમેરિકામાં ચેતન સ્વામીની મુલાકાત થઈ ત્યારથી એનામાં ઘણું પરિવર્તન આવી ગયું હતું. આમ જોવા જઈએ તો એ ઘણો બધો મેચ્યોર્ડ થઈ ગયો હતો. એનામાં જે આધ્યાત્મિક પરિવર્તન આવ્યું એના કારણે એની દ્રષ્ટિ વિશાળ બની હતી. પ્રેમનું પાગલપણું એનામાંથી અદ્રશ્ય થઈ ગયું હતું.

છતાં જાનકી તો હજુ એની એ જ હતી. કેતનને મળવા માટે, એનો અવાજ સાંભળવા માટે એ હજુ પણ બેચેન બની ઉઠતી. કેતન જ્યારે પણ મળવા આવે ત્યારે એના દિલના ધબકારા વધી જતા. એક ન કહી શકાય એવી મીઠી મૂંઝવણ એ અનુભવતી. કેતનનો સ્પર્શ પણ એને રોમાંચક લાગતો !

" લગ્ન માટે હું જેટલી એક્સાઇટેડ છું એટલા તમે નથી દેખાતા. તમે અને હું બંને યુવાન છીએ. થોડા દિવસોમાં આપણાં લગ્ન છે છતાં બેડરૂમમાં આપણે એકલાં હોઈએ તો પણ ના કોઈ રોમાન્સ ના કોઈ મજાક મસ્તી ! સાવ અતડા અતડા રહો છો. આવું કેમ ? " છુટા પડતી વખતે જાનકીએ ખૂબ જ માર્મિક સવાલ પૂછ્યો હતો.

"ખરેખર તો એવું કંઈ જ નથી. હું આમ પણ થોડો શરમાળ તો છું જ. લગ્ન પહેલાં અમુક છૂટછાટો લેવાનું મારા સ્વભાવમાં નથી. છતાં લગ્ન માટે હું પણ એટલો જ ઉત્સાહિત છું." કેતન હસીને બોલ્યો પરંતુ પોતાના જવાબથી પોતાને જ સંતોષ ના થયો.

"ચિંતા ના કર હું એનો એ જ છું. તારા પ્રત્યે એ જ લાગણી છે અને એટલા માટે તો બીજી કોઈ કન્યા જોઈ પણ નથી. અને હવે તો આપણે કાયમ માટે મળવાનાં છીએ. તારી બધી ફરિયાદો દૂર થઈ જશે. " કહીને કેતને ગાડીની વિન્ડો ઉપર હાથ ટેકવીને ઊભેલી જાનકીના હાથ ઉપર હાથ મૂક્યો અને પછી ઇગ્નીશન કી ફેરવી ગાડી સ્ટાર્ટ કરી.

બીજા પાંચ દિવસનો સમય પસાર થઈ ગયો. જાનકી સુરત જઈને પોતાની મનગમતી જ્વેલરી અને કપડાં ખરીદીને મુંબઈ પાછી આવી પણ ગઈ.

ગોરેગાંવનો પ્લોટ પણ લલ્લન પાંડેએ તેના મૂળ માલિક લક્ષ્મીચંદ મખીજાના નામે કરી દીધો. હવે લક્ષ્મીચંદનું ડેથ સર્ટિફિકેટ આપીને એકવાર વારસદાર તરીકે રુચિનું નામ સરકારી દફતરમાં ચડાવવાનું હતું અને એ પછી જ એ પ્લૉટ કેતનના નામે થઈ શકે !

લક્ષ્મીચંદના ડેથ સર્ટિફિકેટ સાથે રુચિનું વારસદાર તરીકેનું એક સોગંદનામુ સ્ટેમ્પ પેપર ઉપર કેતને વકીલ પાસે તૈયાર કરાવ્યું.

એ પછી લક્ષ્મીચંદની જગ્યાએ રુચિ નું નામ દાખલ કરવાનું કામ પણ કેતને લલ્લન પાંડેને જ સોપ્યું. દરેક કામના કેતન સારા પૈસા આપતો હતો એટલે પાંડે ખુશ હતો. સરકારી દફતરે અને ૭/૧૨ ના ઉતારામાં પણ હવે પ્લૉટના માલિક તરીકે રુચિ મખીજાનું નામ આવી ગયું.

એ જ પ્રમાણે રુચિના સોગંદનામાના બેઝ ઉપર ખારનો બંગલો પણ એના પપ્પા લક્ષ્મીચંદના બદલે રુચિના નામ ઉપર કરાવ્યો. જેથી વેચાણખતમાં કોઈ જ વાંધો ન આવે.

કેતને જયદેવ ઠાકર પાસેથી એ પણ જાણી લીધું હતું કે અડધી ઝૂંપડપટ્ટી તો લગભગ ખાલી જ થઈ ગઈ હતી. લલ્લન પાંડેનું કામ પાકું હતું.

સિદ્ધાર્થે પોતાના સ્ટોક માર્કેટના એક મોટા ક્લાયન્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર મેહુલ બક્ષીને પાર્લાના બંને ફ્લેટ બતાવી દીધા હતા અને એમને જ ઇન્ટિરિયરનું તમામ કામ સોંપી દીધું હતું. કેતને પણ એમને પોતાના ફ્લેટ માટે અમુક આઈડિયાઝ આપ્યા હતા.

૮ ડિસેમ્બરે લલ્લન પાંડેએ પોતાનું તમામ કામ પૂરું કરી દીધું હતું. તમામ ૧૧૫ મકાનો અને દુકાનો એકદમ ખાલી થઈ ગયાં હતાં.

" પાંડેજી જેસા મૈંને પહેલે કહા થા આપકો હી બુલડોઝર લાકર સારે કે સારે મકાન ગિરાને હોંગે. મુઝે પૂરા પ્લૉટ એકદમ ખુલ્લા કરકે દે દો. જો ભી મલબા નીકલે ઉસકા નિકાલ આપ હી કર દો. જો ભી ખર્ચા હો આપ મેરે સે લે લેના. આગે ભી આપકો બહોત બડા કામ દુંગા." કેતને પાંડેને ફોન કરીને કહ્યું.

પાંડે આ પ્લોટમાંથી સાડા આઠ કરોડ રૂપિયા કમાઈ ગયો હતો એટલે એ કેતન ઉપર બહુ જ ખુશ હતો.

"હો જાયેગા સર જી. ઈતના બડા પ્લૉટ હૈ ઔર ઈતને સારે મકાન હૈં તો એક મહિનેકા સમય તો લગેગા હી ." પાંડે બોલ્યો.

" કોઈ જલ્દી નહીં હૈ ભૈયા. આપ અપને હિસાબ સે કરો લેકિન જીતના જલ્દી હો સકે કર દો." કેતન બોલ્યો.

૨૫ ડિસેમ્બરે મનસુખ માલવિયાનો કેતન ઉપર ફોન આવી ગયો.

"શેઠ હું સુરત મારા ઘરે આવી ગયો છું. હવે તમે મારા માટે રહેવાની વ્યવસ્થા કરો એટલે હું ઘરનો સામાન લઈને મુંબઈ શિફ્ટ થઈ જાઉં. " મનસુખભાઈ બોલ્યા.

"બહુ સરસ. એકાદ અઠવાડિયામાં જ તમારા માટે વ્યવસ્થા કરી આપું છું. " કેતન કહ્યું.

કેતને બીજા દિવસે જ એક દલાલને પકડીને એક રૂમ રસોડાનો ફ્લેટ ભાડે રાખવા માટે ઇન્કવાયરી કરી. બે દિવસ પછી દલાલનો ફોન આવી ગયો કે મહંત રોડ ઉપર જેઠવા નિવાસ બિલ્ડિંગમાં પહેલા માળે એક રૂમ ભાડે મળી શકશે. ૩ માળનું બિલ્ડીંગ છે. ટોઇલેટ બાથરૂમ રૂમની અંદર જ છે. રૂમ મોટો છે. કેતને એને ઘરે બોલાવીને એની પાસેથી પાકું એડ્રેસ લઈ લીધું અને એડવાન્સ ભાડું પણ આપી દીધું. ૧૧ મહિનાનું એગ્રીમેન્ટ પણ કરી દીધું.

" મનસુખભાઈ તમે હવે ગમે ત્યારે આવી શકો છો. તમારા રૂમની ચાવી મારા ઘરે છે. મારા ઘરનું એડ્રેસ તમને મેસેજ કરું છું. એક રૂમ તમારા માટે ભાડે લઈ લીધો છે અને ભાડું પણ આપી દીધું છે. રૂમમાં બધી જ સગવડ છે. " કેતન બોલ્યો.

" ભલે શેઠ હું એક બે દિવસમાં જ મારી વાઈફને લઈને આવું છું. એકવાર રૂમ સાફસૂફ કરાવી દઉં. પછી સામાન લઈ આવું." મનસુખભાઈ બોલ્યા.

અને ત્રીજા દિવસે મનસુખ માલવિયા એમની પત્નીને લઈને પાર્લા આવી ગયા અને કેતનના ફ્લેટમાંથી ચાવી લઈને મહંત રોડ ઉપરના પોતાના રૂમ ઉપર ગયા. રૂમ પ્રમાણમાં વિશાળ હતો. કિચન, અભરાઈઓ, એક કબાટ, ટોઇલેટ, બાથરૂમ બધી જ સગવડો હતી. એક ફેમિલીને રહેવા માટે આટલી જગ્યા પૂરતી હતી. એક માત્ર સીલીંગ ફેન લગાવવાનો બાકી હતો પરંતુ અત્યારે તો શિયાળો ચાલતો હતો. મુંબઈમાં તો ગેસનો બાટલો અને સગડી પણ વેચાણથી મળી જતાં હતાં.

પતિ પત્ની બંનેએ ભેગા થઈને રૂમને બરાબર સાફ કરી દીધો અને એમનાં વાઈફે પોતું પણ કરી દીધું. સવાર સાંજ પાણી આવતું હતું. બપોરે બંને જણાં રૂમ બંધ કરીને નીકળી ગયાં. પાર્લા સ્ટેશન પાસે આવેલી રામકૃષ્ણ રેસ્ટોરન્ટમાં જમીને પછી બોરીવલીથી સુરતની ટ્રેઈન પકડી લીધી.

એ પછીના અઠવાડિયામાં રુચિએ બંને રજીસ્ટ્રાર ઓફિસમાં આવીને ૬૦૦૦ ચોરસ વારનો પ્લૉટ અને ૨૪૦૦ ચોરસ વારનો ખારનો પોતાનો બંગલો કેતનના નામે ટ્રાન્સફર કરી દીધાં. કેતને રુચિને ૧૦ ૧૦ કરોડના ત્રણ ત્રણ દિવસના અંતરના છ ચેક આપ્યા. ૩૦ કરોડ પ્લૉટ ખાલી કરાવવા માટે રુચિએ જે ખર્ચ્યા હતા તે. અને બંગલાની કિંમત પેટે બીજા ૩૦ કરોડ અલગ ! લક્ષ્મીચંદે મુંબઈ આવીને રુચિના નામે ત્રણ બેંકમાં ખાતાં ખોલાવ્યાં હતાં એ અત્યારે કામમાં આવી ગયાં.

બંને કામ પતી ગયા પછી કેતન રુચિની સાથે એના બંગલે આવ્યો હતો. બંને જણાં બંગલાના ડ્રાઈંગ રૂમમાં બેસીને વાતો કરી રહ્યાં હતાં.

"વિશ યુ ઓલ ધ બેસ્ટ કેતનજી. મારું એક મહત્વનું કામ પૂરું થઈ ગયું. હું અમેરિકન સીટીઝન છું. અને મારા માટે અમેરિકા જ બેસ્ટ છે. મને તો એવું લાગે છે કે જાણે હું તમારા માટે જ મુંબઈ આવી હતી. ૬૦૦૦ વારનો હાથમાંથી ગયેલો પ્લોટ તમને આપવા માટે જ જાણે કે ઈશ્વરે મને અહીં મોકલી હતી. " રુચિ બોલી.

"ઈશ્વરની વ્યુહરચના ને આપણે લોકો સમજી શકતા નથી રુચિ. એકે એક ઘટના ઉપરવાળાના પ્લાનિંગ પ્રમાણે બની. ગાયત્રી પુરશ્ચરણ કરીને મારું મુંબઈ આવવું, અચાનક તમારી સાથે એક રેસ્ટોરન્ટમાં મુલાકાત થઈ જવી, તમારી સાથે મારું જોડાવું અને છેવટે જે પ્લૉટ ઉપર આપણે ભાગીદારીમાં કન્સ્ટ્રક્શનનું વિચારતા હતા એ તમે મને જ અર્પણ કરી દીધો. હજુ પણ આગળ શું થશે એ મને કે તમને કંઈ જ ખબર નથી ! " કેતન બોલ્યો.

" મને તો ઘણી બધી શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. કોણ જાણે કેમ કોઈ મોટા કર્મ બંધનમાંથી હું મુક્ત થઈ રહી હોઉં એવો અહેસાસ આજે મને થઈ રહ્યો છે ! " રુચિ બોલી.

" તમારી વાત સાચી છે રુચિ. તમે અને હું પૂર્વ જન્મના કોઈ ઋણાનુબંધ ના કારણે જ અત્યારે ભેગાં થયાં હોઈએ એવું બને. આ બધું કરીને તમારું કોઈ ઋણ તમે ચૂકવી દીધું હોય એ પણ શક્ય છે. " કેતન બોલ્યો.

" ચાલો જેવી ઈશ્વરની ઈચ્છા. હવે તમને મારો બંગલો બતાવી દઉં. અહીં નીચે આપણે બેઠા છીએ એ મોટો ડ્રોઈંગરૂમ, ત્રણ બેડરૂમ, બે વોશરૂમ અને એક મોટું કિચન છે. એ જ પ્રમાણે ઉપર ત્રણ બેડરૂમ અને હોલ છે. આગળના ભાગમાં મેઈન રોડ ઉપર પડતી મોટી રાઉન્ડ ગેલેરી છે. ચાલો આપણે પાછળ જઈએ." રુચિ બોલી અને બંગલામાં આવેલા પાછલા દરવાજેથી ગાર્ડનમાં પ્રવેશ કર્યો. મન પ્રસન્ન કરી દે એવો સુંદર ગાર્ડન કેતને જોયો.

"આ જુઓ બંગલાની પાછળ કેવો સરસ ગાર્ડન છે ! દોઢ વર્ષ પહેલાં અમે અહીં આવ્યા ત્યારે આ ગાર્ડનની જગ્યાએ મોટું જંગલ ઉગી ગયું હતું. માળીને બોલાવીને બધું સાફ કરાવવું પડ્યું. એ પછી માળીએ ગાર્ડનને ડેવલપ કર્યો. એ જ માળી રોજ એક વાર આવીને ગાર્ડનને મેન્ટેન કરી જાય છે. પાછળ પેલા કોર્નર ઉપર જે નાનકડું મકાન દેખાય છે એ સર્વન્ટ ક્વાર્ટર છે. અત્યારે બંધ છે. " રુચિ બોલી રહી હતી.

"ગાર્ડનમાં આ જમણી બાજુ પાંચ નાળિયેરી છે. પેલા ખૂણામાં બદામનાં બે ઝાડ છે. ડાબી બાજુ છે એ આસોપાલવ છે. આ બધું પહેલેથી જ છે. માળીએ સરસ મેંદીની વાડ ચારે બાજુ બનાવી છે. તુલસીના આ પાંચ છોડ ખાસ ઈશાન ખૂણામાં ઉગાડ્યા છે. બાજુમાં આ રાતરાણી છે. એ પછી આ ગુલાબ અને મોગરાના બે બે છોડ પણ છે. આ સામેના ભાગમાં પારિજાતનાં પુષ્પોના છોડ છે અને એની બાજુમાં જાસુદના ત્રણ છોડ છે." રુચિ કેતનને બધું જ સમજાવી રહી હતી કારણકે હવે આ બંગલો કાયદેસર કેતનની માલિકીનો હતો.

"રોજ સવારે ગાર્ડન ફૂલોની સુગંધથી મહેકે છે. સવારે ખુલ્લામાં આ લીલા ઘાસ ઉપર જોગીંગ કરવાની બહુ જ મજા આવે છે. પેલા ખૂણામાં પાણીનું કનેક્શન આપેલું છે જ્યાંથી પાઈપ વાટે ગાર્ડનમાં પાણીનો છંટકાવ થાય છે. ગાર્ડનની બરોબર વચ્ચે અમે આ એક હિંચકો પણ ગોઠવ્યો છે. સાંજે અહીં ખુલ્લામાં બેસવાની બહુ જ મજા આવે છે. " રુચિ બોલી.

કેતન ક્ષણ માટે વિચારમાં પડી ગયો. ક્યાં જામનગરનું મકાન અને ક્યાં આ ખારનો ગાર્ડનવાળો વિશાળ બંગલો ! પ્રારબ્ધ મને ક્યાંથી ક્યાં લઈ જઈ રહ્યું છે. જામનગરમાં મારા ભાવિ માટે હું કેટલો બધો ટેન્શનમાં હતો !

" અત્યારે હું પાંચ વર્ષના ઇન્ડિયન વીઝા ઉપર છું. મારી પાસે યુએસ નો પાસપોર્ટ છે. મારો વિચાર છે કે ૧૫ દિવસ પછી નાતાલ ઉપર ન્યૂયોર્ક જવા માટે નીકળી જાઉં. " રુચિ બોલી.

" મારું લગ્ન ૨૨ જાન્યુઆરીએ છે. રોકાઈ જશો તો આનંદ થશે." કેતન બોલ્યો.

" એક મહિનાથી પણ વધારે સમય હજુ બાકી છે. બહુ મોડું થઈ જશે. મારી શુભેચ્છાઓ તમારી સાથે જ છે કેતન જી " રુચિ બોલી.

" ઠીક છે હું તમને નહીં રોકું. મેં તો જસ્ટ વાત કરી. મને જણાવ્યા વગર ઉડી જતા નહીં. હું એરપોર્ટ સુધી આવીશ. " કેતન હસીને બોલ્યો.

" અરે કેવી વાત કરો છો ! તમને જણાવ્યા સિવાય એમ થોડું મારાથી જવાય ? તમને ચાવી પણ આપવી પડશે ને ! " રુચિ બોલી.

" આ માળીનું કેવી રીતે કરીશું? જો આ બંગલો બંધ હશે તો એ મેન્ટેન કેવી રીતે કરશે ? " કેતને પૂછ્યું.

" બંગલો બંધ રહેશે પરંતુ ઝાંપો તો ખુલ્લો જ રહેશે. તમારે માળીને ચાલુ જ રાખવો છે ? " રુચિ બોલી.

" હાસ્તો વળી ! નહીં તો ફરી પાછું જંગલ થઈ જાય. " કેતન હસીને બોલ્યો.

" ઠીક છે હું એને સૂચના આપી દઈશ. તમે એનો મોબાઈલ નંબર પણ સેવ કરી લો. " કહીને રુચિએ માળીનો મોબાઇલ નંબર કેતનને આપ્યો.

" ચાલો હવે સરસ મજાની ચા બનાવી દઉં. આમ પણ સાંજના પાંચ વાગવા આવ્યા છે એટલે ચા નો ટાઈમ પણ થઈ ગયો છે. " રુચિ બોલી અને બંને જણાં પાછળનો દરવાજો બંધ કરી પાછાં ડ્રોઈંગ રૂમમાં આવ્યાં.

કેતનને બેસાડીને રુચિ કિચનમાં ગઈ. દસેક મિનિટમાં ચા ના બે કપ લઈને ડ્રોઈંગ રૂમમાં આવી અને એક કપ કેતનના હાથમાં આપ્યો.

" તમે હવે કોઈ સારું પાત્ર શોધી કાઢો અને લગ્ન કરી લો. તમારાં મમ્મીનું આયુષ્ય હવે એક વર્ષથી વધારે નથી. આવતા સપ્ટેમ્બરમાં એ દેહ છોડી દેશે તમે એકલાં પડી જશો. બને એટલી એમની સેવા કરજો. " કેતન ચા નો કપ હાથમાં લઈને બોલ્યો.

"તમે આવું બધું પણ જોઈ શકો છો ? તમારી પાસે ઘણી બધી શક્તિઓ છે કેતન જી ! " રુચિ ચા પીતાં પીતાં બોલી.

"તમારો જૂનો બોયફ્રેન્ડ કેવિન ખૂબ સારો છોકરો છે. એ તમને દિલથી પ્રેમ કરે છે. છેલ્લા ચાર વર્ષથી તમારી હા ની એ રાહ જોઈ રહ્યો છે. એ તમને ખરેખર ખુશ રાખશે. તમે એની સાથે લગ્ન કરી લેજો. " કેતન ચા પીતાં પીતાં બોલ્યો.

" અમેઝિંગ !!! આઈ કેન્ટ બિલિવ ! ઓ માય ગોડ ! " રુચિ તો કેતનની વાત સાંભળીને સડક થઈ ગઈ .

એને એ વાતનું આશ્ચર્ય થયું કે કોઈ વ્યક્તિ પોતાના વિશે આટલું સચોટ કઈ રીતે કહી શકે !! મારા બોયફ્રેન્ડનું નામ અને અમારી રિલેશનશિપ વિશે પણ એણે કહી દીધું !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)