RETRO NI METRO - 28 in Gujarati Magazine by Shwetal Patel books and stories PDF | રેટ્રો ની મેટ્રો - 28

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

રેટ્રો ની મેટ્રો - 28

"રંગ નયા હે લેકિન ઘર યે પુરાના હૈ ,
યે કુચા મેરા જાના પહેચાના હૈ ,
ક્યાં જાને ક્યું ઉડ ગયે પંછી પેડો સે ,
ભરી બહારો મેં ગુલશન વીરાના હૈ ."
બહુ ઓછા ને એ ખબર હશે કે સાત સૂરોના સાધક સંગીતકાર નૌશાદ શાયર પણ હતા અને આ તેમની જ રચેલી શાયરી છે. "આઠવા સુર" નામે તેમનો એક સંગ્રહ પણ પ્રકાશિત થયેલ છે .
બાળપણથી જ સંગીતના શોખીન નૌશાદ ને સંગીત શીખવા તથા સંગીતકાર બનવા માટે ઘણો જ સંઘર્ષ કરવો પડ્યો. જન્મભૂમિ લખનૌ થી મુંબઈ સંગીતકાર બનવા પહોંચેલા નૌશાદ સંઘર્ષના દિવસોમાં દાદરમાં આવેલ બ્રોડવે સિનેમા હોલ ની સામે ફૂટપાથ પર રાત્રે સૂઈ જતાં. જ્યારે એ જ બ્રોડવે સિનેમામાં નૌશાદ નાં સંગીત નિર્દેશન વાળી ફિલ્મ બૈજુ બાવરા એ ગોલ્ડન જ્યુબીલી ઉજવી ત્યારે ભાવવિભોર થઈને નૌશાદ બોલી ઉઠ્યા હતા કે "इस सड़क को पार करने में मुझे 15 बरस लग गए ।"પોતાની દરેક ફિલ્મના સંગીત માટે ખૂબ મહેનત કરતા સંગીતકાર નૌશાદે સ્વતંત્ર સંગીતકાર તરીકે 1940માં પહેલી ફિલ્મ કરી "પ્રેમનગર" અને 1944 માં આવેલી ફિલ્મ "રતન" થી તેમને જબરજસ્ત સફળતા પ્રાપ્ત થઇ .એ લોકપ્રિયતા કેટલી હતી તે તો એક કિસ્સો જ કહી આપશે .થયું એવું કે રતન જ્યારે રિલીઝ થઈ તે જ અરસામાં નૌશાદ ના લગ્ન લખનઉમાં નક્કી થયા .જોકે તેમના પોતાના ઘરે અને સાસરે સંગીત ને સારું નહોતું ગણાતું, એટલે તેમના સાસરે એમ કહેલું કે છોકરો મુંબઈમાં દરજી કામ કરે છે .નિકાહ માટે બારાત લઈને ઘોડી પર સવાર નૌશાદ બેન્ડવાજા સાથે નીકળ્યા ,અને મજાની વાત એ બની કે ,બેન્ડવાજાવાળા ધૂન વગાડતા હતા નૌશાદ ની ફિલ્મ રતન ના ગીત "અખિયા મિલાકે જીયા ભરમા કે"ની .આ ફિલ્મના સંગીતમાં નૌશાદે ઘણા નવા પ્રયોગો કર્યા હતા .સિતાર અને બાસુરી ના સંમિશ્રણ નો પ્રયોગ પહેલીવાર રતન ફિલ્મમાં નૌશાદે કર્યો હતો ,તો ઢોલક નો પ્રયોગ પણ આ ફિલ્મમાં વિશિષ્ટ રીતે થયો. આ ઉપરાંત ઇકો ઇફેક્ટ પેદા કરવા માટે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ માટે એક માઇક ઉપરાંત બીજું એક માઇક્રોફોન સ્ટુડિયોના ટોયલેટમાં મૂકીને એક અલગ જ પ્રયોગ કરવામાં આવ્યો ,જેને કારણે પેદા થયેલી ઇકો ઇફેકટે રતન ફિલ્મના સંગીત ને વિશિષ્ટ બનાવી દીધું .જોકે રતનની લોકપ્રિયતાને ટક્કર આપી અનમોલ ઘડી ના ગીતો એ .મહેબૂબ પ્રોડક્શન ના બેનર હેઠળ કામ કરવાની પ્રથમ તક મળી નૌશાદને- અનમોલ ઘડી માં .નૌશાદ અને નૂરજહાં ની જોડી આ ફિલ્મની એક યાદગાર ઉપલબ્ધિ બની રહીઁ .આ ફિલ્મમાં રાગ પહાડી પર નૌશાદે અવિસ્મરણીય ગીતો બનાવ્યા જેમાં આવાઝ દે કહા હૈ ......ગીત ની દર્દ ભરી પુકાર તો સંગીત પ્રેમીઓના હૃદયમાં અકબંધ જડાઈ ગઈ .આ ગીતની ધૂન માટે નૌશાદે ખૂબ કોશિશ કરી હતી, પણ કંઇ જામતું નહોતું .અંતે થાકીને તેઓ સુઈ ગયા અને સપનામાં એમણે જોયું કે તે હાર્મોનિયમ વગાડી રહ્યા છે અને એક ધૂન છાયા સ્વરૂપે પસાર થઇ રહી છે. તેમની આંખ ઊઘડી ગઇ .મધ્યરાત્રીનો સમય હતો છતાં ,તરત જ તેમણે હાર્મોનિયમ ઉપાડ્યું અને છાયા સ્વરૃપે પસાર થઈ રહેલી એ ધૂન ને હુબહુ ઉતારી લીધી આ ગીત માટે .અને "rest is the history". ગીતની માદકતા તથા લહેરાતા ઉતાર-ચઢાવને કારણે ગીત સદાબહાર બની રહ્યું.
સંગીતકાર નૌશાદ ની ફિલ્મ દર્દ એટલા માટે પણ યાદગાર બની રહી કે ,સુરૈયા અને શમશાદ બેગમે તો તેમાં સુંદર ગીતો ગાયા જ ,પણ ઉમાદેવી એટલે કે કોમેડિયન ટુનટુને ગાયેલ દર્દ ભર્યું આ રિધમિક ગીત, અફસાના લિખ રહી હું... તેના હસ્કી પ્રભાવને કારણે આજે પણ રેટ્રો ચાહકોના દિલો પર રાજ કરે છે.તો દર્દ ફિલ્મ એટલા માટે પણ યાદગાર બની રહી કે આ ફિલ્મમાં પહેલીવાર નૌશાદ અને ગીતકાર શકીલ બદાયુની એકસાથે આવ્યા. ત્યાર પછી તો આ જોડી શકીલના મૃત્યુ સુધી સાથે જ રહી. પંજાબ એસોસિયેશનના એક મુશાયરામાં શકીલ સાથે નૌશાદની મુલાકાત થઈ .શકીલની શાયરીથી પ્રભાવિત થયેલા નૌશાદે જ તેમનો પરિચય પ્રોડ્યુસર કારદાર સાથે કરાવ્યો અને કારદારે 300 રૂપિયાના પગારે શકીલને ગીતકાર તરીકે પોતાના પ્રોડક્શન હાઉસમાં સ્થાન આપ્યું .ફ્રેન્ડ્સ એક રોચક તથ્ય એ પણ છે કે ,સદીના પાંચમા દાયકાના અંત સુધીમાં તો નૌશાદ ના પસંદગીના પાર્શ્વ ગાયકો માં મુકેશ અને મહમદ રફી ટોચના ક્રમે હતા પાંચમા દાયકાનું નૌશાદ નું સર્જન લોક શૈલી કે રાગ આધારિત સરળ અને સુગમ હતું અને એની પ્રસ્તુતિ માટે મુકેશ નો ભાવવાહી અવાજ યોગ્ય રહેતો .જેમ મહમદ રફી સાથે નૌશાદે દિલ્લગી, દુલારી અને ચાંદની રાત નું લાજવાબ સંગીત સર્જ્યું તેમ મુકેશ ને લઇને તે સમયના ટોચના અભિનેતા દિલીપ કુમારના અવાજ તરીકે મેલા અંદાઝ અને અનોખી અદા જેવી ફિલ્મોના સુમધુર હિટ ગીતો આપ્યા . વાડીયા ફિલ્મ્સ ની મેલા તો મુકેશ અને નૌશાદની જોડી ની બેમિસાલ ઉપલબ્ધિ જ ગણવી જોઈએ . ફિલ્મના ગ્રામીણ ફલક ને અનુરૂપ નૌશાદે લોક રીધમ નો વ્યાપક અને કર્ણપ્રિય ઉપયોગ કરી,ખૂબ જ સુંદર ગીતો રચ્યા .ફિલ્મનું એક અત્યંત લોકપ્રિય ગીત ગાયું મુકેશે"ગાયે જા ગીત મીલન કે....." જેમાં લોક રીધમને વિવિધ લય સાથે નૌશાદે ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરી છે .સીને સંગીતના ચાહકો માટે,લતા મંગેશકરના સ્વરમાં નૌશાદે ઘણી બધી સુંદર રચનાઓ આપી.લતા મંગેશકર ની મુલાકાત સંગીતકાર નૌશાદ સાથે કોણે કરાવી એ વિશે તે સમયે જાતજાતની કથાઓ પ્રસંગો ચર્ચામાં હતા .એક વાત એવી વહેતી થયેલી કે સ્ટુડિયોમાં કાર્યરત કોઈક ચપરાસી એ નૌશાદ ને લતા મંગેશકર વિષે જણાવ્યું હતું ,તો કોઈકે કહ્યું કે ગુલામ હૈદર અને દુર્રાની એ આ બંને મહાન કલાકારો નો પરિચય કરાવ્યો હતો ,તો એક વાયકા એવી પણ હતી કે સ્ટુડિયોમાં બાજુમાંથી પસાર થતી મરાઠી ગીત ગણગણતી યુવતીના અવાજથી પ્રભાવિત થઈ, નૌશાદે તેમને શોધી કાઢ્યા ,પણ કદાચ સાચી વાત તો એ છે કે ફિલ્મ મજબૂર માં લતા મંગેશકર સાથે મુકેશે ગીત ગાયું હતું અને મુકેશે જ નૌશાદ નો પરિચય, લતા મંગેશકર સાથે કરાવ્યો હતો .લતા મંગેશકર ના અવાજ થી નૌશાદ પ્રભાવિત તો ઘણા જ થયા હતા, પણ એમણે લતા મંગેશકરના ગીતો માટે મહેનત પણ ખૂબ કરી .ઉર્દુ શબ્દોના શુદ્ધ ઉચ્ચારણો જ નહીં ,પણ તેના અર્થ આત્મસાત કરી ભાવ સભર પ્રસ્તુતિ કરવાનું કૌશલ્ય લતા મંગેશકર નૌશાદ જી પાસે જ શીખ્યા. ફિલ્મ અંદાજ ના ગીત ...ઉઠાયે જા ઉનકે સિતમ ... નું રેકોર્ડિંગ કરતા પહેલા નૌશાદે એ ગીત લતામંગેશકર પાસે 20 -25 વાર માત્ર વંચાવ્યું જ હતું. જેથી શબ્દોના અર્થો અને બોલ ના વજન પર મજબૂત સામર્થ્ય કેળવી શકાય ઘણા રિહર્સલ્સ પછી રેકોર્ડિંગ થયું ,ત્યારે ત્યાં ઉપસ્થિત બધા જ ,લતા મંગેશકર નો માઇક માં થી વહી આવતો અવાજ સાંભળી આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા .એ સમયે ત્યાં રાજ કપૂર પણ હાજર હતા અને રાજ કપૂરે લતા મંગેશકર ને અભિનંદન આપતા કહેલું કે "આપને ઇતના અચ્છા ગાયા કી મેરી તો આંખ મેં આંસુ આ ગયે ".સખત મહેનત નું જ એ પરિણામ હશે કે રાગ કેદારના સૂરોમાં પરોવાયેલું આ ગીત અને તેની ભાવ અભિવ્યક્તિ આજે પણ લોકોને મંત્રમુગ્ધ કરી દે છે.
1950માં રજૂ થઈ ફિલ્મ દાસ્તાન ,એ સમયે નૌશાદ ની લોકપ્રિયતા કેવી ગગનચુંબી હશે તે જાણવા માટે તો ,આ ફિલ્મનું ટ્રેલર જ બોલતો પુરાવો બની રહે .તેમાં ઊંચા સ્વરે ઉદઘોષણા થતી હતી કે "નૌશાદ નૌશાદ ૪૦ કરોડમાં એક જ નૌશાદ." તેઓ પહેલા સંગીતકાર હતા જેમણે પોતાની કલાથી સંગીતકારોને પણ, ફિલ્મ ના નાયક અને નિર્દેશકની હરોળમાં સ્થાન અપાવી દીધું .ઘણી બધી સિલ્વર ગોલ્ડન અને ડાયમંડ જ્યુબિલી ઉજવનાર ફિલ્મોના સંગીતકાર હતા નૌશાદ. તેમની દાસ્તાન ફિલ્મે પણ સિલ્વર જ્યુબિલી ઉજવી .દાસ્તાનનું સંગીત અરેબિયન સંગીતનો સ્પર્શ લઈને આવ્યું હતું અને તેથી તે વિશિષ્ટ બની રહ્યું ફિલ્મના સુરૈયા ના સ્વરમાં લાજવાબ મધુર ગીતો હતા અને તેથી જ દાસ્તાન નૌશાદ સુરૈયાની જોડીની, વિશિષ્ટ મીઠા ગીતો વાળી યાદગાર ફિલ્મ ગણાય છે . 1951માં પ્રદર્શિત થયેલી ફિલ્મ દીદાર જેમાં મુખ્ય કલાકારો હતા નરગીસ નીમ્મી અને દિલીપકુમાર .આ ફિલ્મની વાર્તા લખી હતી નૌશાદે. આ ફિલ્મ લતા મંગેશકર અને મહંમદ રફી બંને માટે ખૂબ મહત્વપૂર્ણ બની રહી ,કારણ કે આ ફિલ્મ સાથે જ બંને ગાયક-કલાકારો નૌશાદ કેમ્પના મુખ્ય ગાયકો બની ગયા અને નૌશાદની પ્રતિષ્ઠા તો એટલી બધી હતી કે ,તેમના કેમ્પના મુખ્ય ગાયકો પાસે બીજા સંગીતકારો પણ ગીતો ગવડાવવા આતુર રહેતા. 1951માં સ્પૅનિશ ફિલ્મ "લવ્ઝ ઓફ કારમેન" પર આધારિત ફિલ્મ "જાદુ "પ્રદર્શિત થઇ .ફિલ્મની પૃષ્ઠભૂમિ ને ધ્યાનમાં રાખી નૌશાદે આ ફિલ્મની કેટલીક રચનાઓમાં જીપ્સી સ્પેનિશ લોક શૈલીનો સ્પર્શ આપ્યો.આ ફિલ્મ અલગ જ પ્રકારના સંગીતને કારણે યાદગાર બની ગઈ.ફિલ્મના કેટલાક ગીતોમાં ઉત્તર ભારતીય લોક રીધમ ની ઝલક પણ જોવા મળતી હતી .સંગીતકાર નૌશાદ ની એક ખૂબી હતી કે એમણે એમના ઘણા ગીતોમાં શુદ્ધ રાગની સાથે લોક સંગીત દ્વારા જે તે પ્રદેશની આગવી મહેક ફિલ્મી ગીતોમાં ઘૂંટી છે.ધોમધખતા તાપમાં ખૂબ પસીનો વહાવે પછી મેહુલા રૂપે આકાશમાંથી સોનુ વરસે ત્યારે ખેડૂતને થતો આનંદ ફિલ્મ "મધર ઇન્ડિયા" ના એક ગીતમાં આબાદ ઝીલાયો છે. નૌશાદે ,શુદ્ધ શાસ્ત્રીય રાગ "સારંગ"ની સાથે ગુજરાતી લોકસંગીતની ખુબ સુંદર મિલાવટ કરી છે. આ ગીતનું શૂટિંગ થયું દક્ષિણ ગુજરાતના બીલીમોરા પાસે.એટલે સ્વાભાવિક છે કે તેમાં ગુજરાતી લોકસંગીતની છાંટ હોય. તમને પેલો ખૂબ જાણીતો રાસ યાદ છે ને? "નાગર નંદજીના લાલ રાસ રમંતા મારી નથણી ખોવાણી"...મધર ઇન્ડિયા નું ગીત "દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા અબ સુખ આયો રે.... ધ્યાનથી સાંભળીએ ને,તો આ ગુજરાતી રાસ ની રમઝટ એમાં સ્પષ્ટ રીતે સંભળાશે.1968 મા એક સમાચારે લોકોનું જબરું ધ્યાન ખેંચ્યું હતું-"મજરૂહ સુલ્તાનપુરી એ 20 વર્ષ બાદ નૌશાદ માટે ગીતો લખ્યાં."-એ સમયે આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો ... આ ગીતો મજરૂહ સુલ્તાનપુરી એ લખ્યાં ફિલ્મ "સાથી" માટે.રાજેન્દ્રકુમાર, વૈજયન્તીમાલા અભિનીત આ ફિલ્મના ઓરકેસ્ટ્રેશન માટે નૌશાદે કેરસી લૉર્ડ ની મદદ લીધી. રાગો ના આધાર લઈને બનાવેલી ધૂનો ને પાશ્ચાત્ય ઓરકેસ્ટ્રેશન સાથે એટલી સરસ રીતે ભેળવવામાં આવી કે ફિલ્મના લગભગ બધા જ ગીતો લોકપ્રિય અને કર્ણપ્રિય બન્યા.
હાર્મોનિયમ,સિતાર, પિયાનો,તબલા, બાંસુરી, ક્લેરીનેટ, એકોર્ડિયન, મેન્ડોલીન જેવા વિવિધ વાદ્યો કુશળતાથી વગાડી શકનાર સંગીતકાર નૌશાદ શાયર હતા એ તો આપણે જાણીએ છીએ પણ સાથે સાથે એમણે બાબુલ (1950) ઉડન ખટોલા (1955) અને માલિક (1958) ફિલ્મોનું નિર્માણ પણ કર્યું. તો પાલકી(1967) અને તેરી પાયલ મેરે ગીત (1989) ની વાર્તા પણ લખી.તેમણે તેમના જીવનકાળમાં 65 ફિલ્મો માં સંગીત આપ્યું, તેમાંથી 26એ સિલ્વર જ્યુબિલી ઉજવી હતી, 8એ ગોલ્ડન જ્યુબિલી અને 4 ફિલ્મોએ ડાયમંડ જ્યુબિલીની ઉજવણી કરી હતી.
તો રેટ્રોની મેટ્રો સફર નૌશાદ નામા સાથે આપણે કરી. આશા છે કે આપણી આ સફરે તમને સુંદર અતીતની સફર કરાવી હશે અને તમે એની ભરપુર મજા માણી હશે. રેટ્રોની મેટ્રો સફરમાં આવી જ મજેદાર વાત સાથે ફરી મળીશું.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.