Runanubandh - 3 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ઋણાનુબંધ - 3

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ઋણાનુબંધ - 3

અજયે મંદિરે દર્શન કરીને ત્યાંથી પોતાના ડિનર માટે એક ગુજરાતી રેસ્ટોરન્ટ પર પોતાની ગાડી ઉભી રાખી હતી. હસમુખભાઈ ઘરે હોય તો અજય ઘરે ટિફિન લઈને જતો નહિ તો અહીં જ રાત્રે જમતો હતો. હવે તો આ રેસ્ટોરન્ટવાળા લોકો સાથે પણ અજયની આત્મીયતા બંધાઈ ગઈ હતી. કારણ કે, જ્યાં સુધી સીમાબેન હતા ત્યાં સુધી તેઓને ઘરે જમવાનું બંને વખત ગરમ ગરમ મળતું પણ હવે ઘરમાં કોઈ સ્ત્રી જ નહોતી અને આખો દિવસ અજયે કોલેજ લેક્ચર લેવાના. નવી પદ્ધતિઓ અને નવા ઉદભવતા રોગો તેમજ નવી મેડીસિન લોન્ચ થતી હોય એમના વિષે પણ સતત જાણકારી લેતું રહેવું પડે. એમાં ક્યાં ઘરે આવી રસોડું પુરુષોને પસંદ પડવાનું? હા, ક્યારેક અજય કોઈક મનગમતો નાસ્તો બનાવી પણ લેતો હતો. કામની કોઈ ચિંતા નહોતી. આટલું મોટું ઘર એકદમ સ્વચ્છ રહેતું હતું. એની રોજ સાફસફાઈ માટે એક બહેન બાંધેલા હતા. જે આવીને ઘરને સુઘડ ને સ્વચ્છ કરી જતા હતા. સીમાબેન પણ ખુદ ચોખ્ખાઈના ખૂબ આગ્રહી હતા. મહેનતુ પણ ખરા. જિંદગીના અંત સુધી એમને પોતે જાતે જ ઘરની માવજત કરી હતી. કોઈ પારકી વ્યક્તિનું કામ એમને ગમતું જ નહોતું. ચોખ્ખાઈના આગ્રહી હતા આથી મોટે ભાગે ઘરના કામમાં જ એનો સમય વીતતો હતો. આથી એ પણ ક્યારેય જિંદગીના અંત સુધી જીવનની ખરી મજા ઉઠાવી શક્યા નહીં. જીવન છે તો કામ છે એમ નહીં પણ કામ માટે જીવન છે એમ જ એમની આવરદા પુરી થઈ ગઈ હતી. એમના એ ગુણ અજય અને ભાવિનીમાં પણ આવ્યા જ હતા. પણ અજય જીવનની એકલતામાં પેલા જેવો હવે કામઢો રહ્યો નહોતો.

અજય બહાર જમીને ઘર તરફ ધીમી ગતિએ જઈ રહ્યો હતો. કારમાં ધીમું ગીત વાગી રહ્યું હતું.
'તુજસે નારાઝ નહીં જિંદગી હેરાન હું....' અજય ને આમ તો કોઈ શોખ હતા જ નહીં. કારણ કે, એનું વ્યક્તિત્વ હંમેશા સમજૂતી કરતાં જ શીખ્યું હતું. પણ હવે ક્યારેક પોતાની એકલતામાં ગીત સાંભળવું પસંદ કરતો હતો. એ ગીતના શબ્દોમાં એટલો તલ્લીન હતો કે, ઘરે જલ્દી પહોંચી ગયો હોય એવું એને લાગ્યું હતું.

ઘરમાં પ્રવેશી એણે પોતાના પપ્પા હસમુખભાઈને ફોન કર્યો હતો. હસમુખભાઈ પણ આજે દીકરાનો ફોન આવતા ખુશ થઈ ગયા. કારણ કે, લાગણીઓને આપ લે કરવાનું સમય સાથે અજય ભૂલતો જ ગયો હતો. અને એમાં સીમાબેનના મૃત્યુએ જાણે અજયને ખૂબ મોટો ફટકો આપ્યો હતો.

હસમુખભાઈએ ફોન ઉપાડીને કહ્યું, "બોલ દીકરા! કેમ છે? શું ચાલે છે દીકરા?"

અજય પોતાના પપ્પાના પ્રશ્નો સાંભળીને મનમાં જ ગ્લાનિ અનુભવી રહ્યો. એનું મન ઉદાસ હતું એટલે આજે વિચારો પણ એવાં જ આવી રહ્યા હતા. મનમાં એણે વિચારી લીધું કે, 'મારે લીધે પપ્પા પણ એકલવાયું જીવન જીવે છે!' અજયના મનમાં આ વિચારે ગળે ડૂમો ભરાઈ જતા એ કંઈ પણ બોલવા અસમર્થ હતો.

અજયનો કોઈ પ્રત્યુત્તર ન આવતા એના પપ્પા ફરીથી બોલ્યા, "હેલ્લો દીકરા! તું સાંભળે છે ને?"

અજયે ખૂબ મહામહેનતે મોઢામાંથી શબ્દો ઉચ્ચાર્યા, "હું ઠીક છું પપ્પા.. તમારી એક સલાહ લેવી હતી."

હસમુખભાઈએ તરત પ્રત્યુત્તર આપ્યો. એમણે ખૂબ પ્રેમથી કીધું, "દીકરા! હું કાલે જ ઘરે આવું છું. ત્યારે શાંતિથી વાત કરીએ અને જો કોઈ જરૂરી કામ હોય તો તું હમણાં જ મને પૂછી શકે છે."

અજયે તરત કહ્યું, 'ના પપ્પા! તમે ઘરે આવો પછી શાંતિથી વાત કરીશું.'

હસમુખભાઈએ પણ હા કહી ફોન મૂક્યો હતો. હસમુખભાઈ ખૂબ લાગણીશીલ અને દયાળુ તથા શાંત સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવતા હતા. અજયમાં પણ મોટે ભાગે એમના સ્વભાવની જ ઝલક તેઓ અનુભવતા હતા. એમને અજયની ખૂબ ચિંતા થતી હતી પણ તેઓ ક્યારેય એમને સમજાવી શકતા નહોતા. એક પાતળી ભેદ રેખા એમના બંનેના સંબંધમાં હતી. આજના અજયના ફોને જાણે આજે એ રેખા ઓળંગવાની કોશિશ કરી હોય એવી એમને અનુભૂતિ થઈ હતી. હસમુખભાઈ સીમાબેનના સ્વભાવના લીધે પોતાના મમ્મીના મૃત્યુ સુધી એમની સાથે રહી શક્યા નહોતા એ ખેદ એમને કાયમ દર્દ આપતો આવ્યો છે આથી તેમની કોઈ સમજાવટથી અજય તેના મમ્મીથી દૂર ન થાય એ વિચારથી તેઓ હંમેશા મૌન રહેવાનું જ પસંદ કરતા હતા. બધું જ એમણે કુદરત પર સોંપ્યું હતું. આજ કારણથી તેઓ ઘરથી પણ દૂર રહેવા તીર્થસ્થાને રહેવાનું વધુ પસંદ કરતા હતા.

હસમુખભાઈ બીજે દિવસે સવારે જ પોતાને ઘરે પરત થવા નીકળી ગયા હતા. રસ્તામાં આવતા તેમને અજયના જ વિચાર આવી રહ્યા હતા. તેમનું મન અજયની પરિસ્થિતિને પામી ચૂક્યું હતું. એમને વાત મહદઅંશે સમજાઈ જ ગઈ હતી. પણ તેઓ અજયના મુખેથી એ સાંભળવા ઈચ્છતા હતા. અજયના વિચારે એમનું હૈયુ પુત્રપ્રેમે તડપી ઉઠ્યું હતું. આજે એમને પણ થયું કે, કાશ! મેં એકવાર અજયની આંખ ઉઘાડવાની કોશિશ કરી હોત તો આજે અજય પણ અન્ય લોકોની જેમ આનંદ અને ખુશીઓથી જીવન ગુજારતો હોત! હસમુખભાઈને પણ પારાવાર અફસોસ થઈ રહ્યો હતો. એમનો એ અફસોસ આંખમાંથી આંસુ સાથે વહીને જાણે દિલનો ભાર હળવો કરી રહ્યો હતો. હસમુખભાઈ મનોમન નક્કી કરી જ ચૂક્યા કે, હવે એ પોતાના પુત્રના જીવનની લથડાયેલી જીવનના સફરને સાચા પથ પર લાવીને જ જંપશે! જે પણ બગડવાનું હતું એ તો બગડી જ ગયું છે. આથી વિશેષ ખરાબ પણ શું થઈ શકે? હસમુખભાઈએ જાતે જ પોતાની આંખના આંસુ લૂછ્યાં અને મનમાં જ બોલ્યા, 'મારા દીકરાની જિંદગીને ફરી મારે ખુશીઓથી ભરી દેવી છે. જો હું આમ કરી શકીશ તો અવશ્ય મારી નજરમાં હું ખુદને જોઈ શકીશ અને મારા જીવનનો આ અંતિમ સમય સુધારી શકીશ તો પ્રભુ સામે પણ નજર મેળવી શકીશ...' આ વિચારે હસમુખભાઈના મનને ખૂબ રાહત થઈ હતી.

હસમુખભાઈ અને સીમાબેનના વિચારોમાં અને વ્યક્તિત્વમાં જમીન આસમાનનો ફર્ક હતો. એકદમ વિરોધાભાસ બંનેના સ્વભાવમાં હતો. ખરેખર સ્ત્રીઓના સ્વભાવમાં મૃદુતા અને લાગણી તથા સમજણ છલકતી હોય તો એ ઘર ખરેખર મંદિર સમાન બની જાય. અને અહીં સીમાબેનમાં એ ગુણો નહિવત જેવા જ હતા. એનું પરિણામ આખું ઘર ભોગવી રહ્યું હતું. છતાં પણ કોઈ પોતાની તકલીફ દર્શાવતું જ નહોતું. અજયે આજે પહેલી વખત કોઈ વાત વિશે પોતાના પપ્પાની સલાહ લેવાની રજૂઆત મૂકી હતી. આજે એ પ્રશ્ને હસમુખભાઈને પોતાની હયાતીની સાબિતી આપી. બસ આ જ લાગણી એમને આજે હિંમત આપી સત્યને પોતાના દીકરાને રજૂ કરવાની ઈચ્છા જાગી હતી.

હસમુખભાઈ વિચારોના વળગણમાં પોતાને ગામ પહોંચી ગયા એ પણ એમને ધ્યાનમાં ન આવ્યું. બસના કંડકટરે એમની તંદ્રા તોડીને અને વાકેફ કર્યા હતા. અજય પોતાના પપ્પાને લેવા હંમેશાની જેમ આવી જ ગયો હતો. બસમાંથી નીચે ઉતરીને આજે હસમુખભાઈ એના એકના એક પુત્રને લાગણીવશ ભેટી પડ્યા હતા. એક સુખદ આલિંગન બંને વચ્ચે થયું હતું. હસમુખભાઈ પોતાના મનને સાંત્વના આપતા હતા કે પુત્રને એવી અનુભૂતિ કરાવી રહ્યા હતા કે, 'દીકરા! તું ચિંતા ન કર હું છું ને!' બસ, મૌન લાગણી બંનેને એકબીજાનો સાથ મળશે એવી હૂંફ એ પ્રગાઢ આલિંગન દ્વારા મળી હતી.

અજય એવી કઈ વાતની સલાહ એના પપ્પા પાસે લેવા ઇચ્છે છે? શું સ્તુતિનું પોતાના જીવનમાં પુનરાગમન માટેની સલાહ લેશે? શું હશે એમના પપ્પાના પ્રતિભાવ? જાણવા જોડાયેલાં રહો 'ઋણાનુબંધ' સાથે...

વાચકમિત્રો આપના અભિપ્રાય પ્રતિભાવમાં અવશ્ય આપશો.
જય શ્રી રાધેક્રિષ્ના🙏🏻🙏🏻