Dayri - 2 in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - લાઇટ, કૅમેરા, એક્શન

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

ડાયરી - સીઝન ૨ - લાઇટ, કૅમેરા, એક્શન

શીર્ષક : લાઇટ, કૅમેરા, એક્શન
©લેખક : કમલેશ જોષી
એક મિત્રે પેલા ‘હેલ્થ ઇસ લોસ્ટ, સમથીંગ ઇઝ લોસ્ટ’ વાળા સુંદર વાક્યને ટ્વીસ્ટ કરી નવું વાક્ય કહ્યું: ‘જો તમે દુનિયાના તમામ લોકોને નથી ઓળખતા તો નથીંગ ઇઝ લોસ્ટ, જો તમે તમારા મિત્રો, પરિચિતો, સગા સ્નેહીઓને સાચી રીતે નથી ઓળખતા તો સમથીંગ ઇઝ લોસ્ટ પણ જો તમે તમને ખુદને જ સાચી રીતે નથી ઓળખતા તો એવરીથીંગ ઇઝ લોસ્ટ.’ અમારા સૌની આંખોમાં અનેક પ્રશ્નો ડોકાયા. ખુદને આપણે ન ઓળખતા હોઈએ એવું બને ખરું? શું આપણે અને ખુદ બે અલગ પાર્ટી છે? શું આપણે જ ખુદ નથી? જેણે ઓળખવાનો છે એ અને જેને ઓળખવાનો છે એ બંને શું અલગ છે? પેલા મિત્રે ઉદાહરણ આપ્યું: ‘હમણાં અમારે ત્યાં એક ફેમિલી આવેલું. એની ટીનેજર દીકરીએ ટીવી પર ચાલતી તારક મહેતા કા ઉલટા ચશ્માંના પાત્રોની ઓળખ મને આપતા કહ્યું: જુઓ આ જેઠાલાલ છે. મને રમૂજ સુઝી એટલે મેં કહ્યું: આ તો દિલીપ જોષી છે. એ મારી સામે આશ્ચર્યથી તાકી રહી. એ પછી મેં અનેક કોશિશ કરી કે જેઠાલાલ ખરેખર દિલીપ જોષી છે એ એને સમજાવી શકું, પણ મારી તમામ કોશિષ નિષ્ફળ ગઈ. થોડી વારે મેં કહ્યું જેઠાલાલના રીયલ વાઇફનું નામ જયમાલા જોષી છે ત્યારે તો એણે રીતસર હું પાગલ હોઉં એવી રીતે મારી સામે જોયું. પોપટલાલ પરણેલા છે એ વાત સાંભળીને તો એને મારી દયા આવવા માંડી. અને હા, દયા ઉપરથી યાદ આવ્યું, બાય ધ વે દયા જેઠાલાલ ગડા તો એની ફેવરીટ હતી જ હોં, પરંતુ દિશા વાંકાણીને તો એ ઓળખતી જ નહોતી.’ એને સિરીયલ અને એના પાત્રો વિશેની પોતાની સમજ ઉપર એટલે બધી શ્રદ્ધા હતી કે મને થયું કે જો હું એને કહીશ કે ગોકુલધામ નામની કોઈ સોસાયટી જ નથી તો તો એ રડી જ પડશે.'

ફિલ્મો અને નાટકની દુનિયામાં કોઈ પાત્ર એની રીયલ ઓળખને બદલે પોતે ભજવેલા પાત્રના નામે ફેમસ થાય એ, એ કલાકારનું બહુ મોટું એચીવમેન્ટ ગણાય, પણ રીયલ લાઈફમાં એવું હોતું નથી. રીયલ લાઈફમાં તમે જે છો એવા જ તમને લોકો સમજે કે ઓળખે એ જ તમારું સાચું એચીવમેન્ટ છે એવું અમારા એક વડીલનું માનવું છે. પણ શું આપણે આપણને ખરેખર ઓળખીએ છીએ? એવું સાંભળ્યું છે કે ફિલ્મી એક્ટર્સ કોઈ રોલ સ્વીકારતા પહેલા એને પૂરેપૂરો સમજીને પહેલા આત્મસાત કરવા કોશિષ કરતા હોય છે. જરૂર પડે તો એ માહોલમાં, એવા વિસ્તારમાં થોડો સમય એ રોલનું વાસ્તવિક જીવન જીવવાનો અનુભવ લેતા હોય છે. એ પછી ફિલ્મ શુટિંગ વખતે એ તમામ અનુભવોને લીધે એમની એક્ટિંગ એવોર્ડ વિનિંગ સાબિત થતી હોય છે. શું આપણે માણસના રોલને આવી રીતે આત્મસાત કર્યો છે ખરો?

સામાન્ય માણસ રીયલ લાઈફમાં બચ્ચન, કપૂર કે ખાનને પાછળ રાખી દે એવી જબ્બર એક્ટિંગ કરતો હોય છે. આવા ઘણા નાટકબાજો તમે પોતે પણ તમારી ઓફિસ કે મિત્ર વર્તુળમાં જોયા જ હશે. કાયમ બિન્દાસ બની કામચોરી કરતો કર્મચારી, પગાર થવાનો હોય એ દિવસો દરમિયાન નિયમિત ઓફિસે પહોંચી, હોંશે હોંશે ઓવરવર્ક કરવાની એક્ટિંગ કરે છે ત્યારે ફિલ્મ ફેર એવોર્ડ એમના માટે ટૂંકો પડે એવું લાગે. ધૂમ બાઈક લઈને સોસાયટીમાં બેફામ ઉડતો જુવાનીયો પોલીસની જીપને જોઈ જે હાવભાવ બદલે એ જોઈ તમને એમ થાય કે જાણે કોઈ તપસ્વી હજુ હમણાં જ મંદિરે દર્શન કરી બહાર નીકળ્યો હશે. છોકરી જોવા જતી વખતે આખો પરિવાર જે રીતે વાતચીત કરતો હોય એ જોઈ તમને લાગે કે જાણે 'હમ સાથ સાથ હૈ'નું હસતું ખીલતું કુટુંબ આવી ચઢ્યું કે શું? પણ લગ્નના બે-પાંચ વર્ષ વીતે પછી કલાકારો જે રીતે એક્ટિંગ અને સંવાદો બદલે એ જોઈ તમે નક્કી ન કરી શકો કે આ એ જ કુટુંબ છે જે વાજતે ગાજતે જાન લઇને આવેલું?

આપણે શા માટે એકસરખું વર્તી શકતા નથી? શક્તિશાળી સામે કેમ આપણે નરમ બની જઈએ છીએ અને કમજોર સામે કેમ ગરમ થઈ જઈએ છીએ? બોસ સામે વાત કરતી વખતે આપણો જે ટોન અને ભીતરી ભાવ હોય છે એ જ ભાવ અને ટોનમાં પ્યૂન સાથે કેમ આપણે વાત કરતા નથી? સામે બે વ્યક્તિ છે, બોસ અને પ્યૂન, પણ આપણે તો એક જ છીએ ને? બે વ્યક્તિના ટોન અને ભાવ અલગ હોય પણ એક વ્યક્તિના તો એક જ હોવા જોઈએ ને? એક મિત્રે કહ્યું : વાસ્તવમાં આપણી સામે જેટલા અને જેવા વ્યક્તિઓ હોય છે એટલા અને એવા આપણી ભીતરે હાવભાવ અને ટોન હોય છે. સામે બોસ એટલે કે ઉપરી અધિકારી છે તો આપણી ભીતરે નીચલા અધિકારીના ભાવ અને ટોન વ્યક્ત થશે, જો સામે પ્યૂન એટલે કે નીચલો કર્મચારી છે તો આપણી ભીતરે ઉપલા અધિકારીના ભાવ અને ટોન વ્યક્ત થશે. ગરીબ સામે તોછડાઈ અને શેઠ સામે ઠાવકાઈ એવું નાટકીય બિહેવિયર મેનેજમેન્ટ આપણી ભીતરે સતત ચાલતું રહે છે. ગમતા માણસની સો ખોટી વાતોને પણ તાળીઓથી વધાવવાની અને અણગમતા માણસની સો સાચી વાતોને પણ વખોડવાનો ગજબ નાટકીય રીયાઝ ધીરે ધીરે આપણો સ્વભાવ અને સંસ્કાર બની ગયા છે. એ પ્રેક્ટીસ સતત ચોવીસ કલાક ચાલી રહી છે. આપણા બધા એક્શન એક્ચ્યુલી સામેવાળાને ધ્યાને રાખીને થઈ રહેલા રિએક્શન છે.

ફિલ્મ કે નાટકમાં એક્ટિંગ કરતો કલાકાર નાટક પુરું થાય પછી ઓરીજનલ, નોર્મલ વ્યક્તિ બની જાય છે, જયારે રીયલ લાઈફમાં આપણે બોસ, પોલીસ, વકીલ, જજ, ટીચર, પ્રિન્સીપાલ, વેપારી, ડોક્ટર, મંત્રી કે સંત્રી તરીકે આઠ કે બાર કલાકનું પાત્ર ભજવ્યા પછી વર્કિંગ અવર્સ પૂરા થાય એ પછી ઓરીજનલ, નોર્મલ ‘માણસ’ બનવાનું આવે ત્યારે ખતરનાક મુંઝવણમાં પડી જઈએ છીએ. માત્ર માણસ તરીકે વર્તવાની, હસતા હસતા રડી પડે અને રડતા રડતા હસી પડે એવી માણસ તરીકેની સહજ, સરળ એક્ટિંગ કરવી જેટલી અઘરી છે એટલી અઘરી બીજી કોઈ એક્ટિંગ નથી. મિત્રો, આજનો રવિવાર, આપણે આપણું ‘માણસ’ તરીકેનું ઓરીજીનલ પાત્ર ભજવવા પ્રયત્ન કરીએ તો કેવું? જેમ ચકલી માત્ર ચકલી બનીને જીવે છે, જેમ ગુલાબ માત્ર ગુલાબની એક્ટિંગ કરે છે એમ હું અને તમે, આપણા બીજા બધા રોલ ભૂલી, કેવળ માણસ હોવાનો અભિનય કરીએ તો કેવું? છે ચેલેન્જીંગ રોલ હોં, કરી શકશો? ઓકે, લાઇટ, કૅમેરા... એક્શન.....
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)