Krodh Shamavavo Kai Samjane ? in Gujarati Short Stories by Dada Bhagwan books and stories PDF | ક્રોધ શમાવવો કઈ સમજણે ?

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

Categories
Share

ક્રોધ શમાવવો કઈ સમજણે ?

સામાન્યપણે, આપણું ધાર્યું ના થાય, આપણી વાત સામો સમજતો ના હોય, ડીફરન્સ ઓફ વ્યુ પોઈન્ટ થાય, ત્યારે ક્રોધ થઈ જાય. ઘણીવાર આપણે સાચા હોઈએ ને કોઈ આપણને ખોટા કહે તો ક્રોધ થઈ જાય. પણ આપણે સાચા તે આપણા દ્રષ્ટિબિંદુથી ને ? સામાનાં દ્રષ્ટિબિંદુથી એય પોતાને સાચો જ માને ને ? ઘણીવાર સૂઝ ના પડે, આગળનું દેખાય નહીં, શું કરવું એ સમજાય નહીં, ત્યારે ક્રોધ થઈ જાય. અપમાન થાય ત્યાં ક્રોધ થાય, નુકસાન થાય ત્યાં ક્રોધ થાય. એમ, માનનું રક્ષણ કરવા કે લોભનું રક્ષણ કરવા ક્રોધ થઈ જાય. ત્યાં માન અને લોભ કષાયથી મુક્ત થવાની જાગૃતિમાં આવવાની જરૂર છે.

ક્રોધ એ એક પ્રકારનો અહંકાર છે. ત્યારે કેવા પ્રકારનાં અહંકારથી ક્રોધ થાય છે તેની તપાસ કરવી જોઈએ. ક્રોધને ઓળખવો તો પડશે ને ? લોકો ક્રોધને દબાવ દબાવ કરે છે.

આ બહેને પ્યાલો ફોડ્યો તો ક્રોધ થઈ ગયો, ત્યારે આપણે અહંકાર કેવો છે, આ પ્યાલામાં ખોટ જશે એવો અહંકાર છે. નફા-નુકસાનનો અહંકાર છે આપણને. એટલે નફા-નુકસાનના અહંકારને, એને વિચારીને નિર્મૂળ કરો જરાં, ખોટાં અહંકારને સંઘરી રાખીને ક્રોધ થયા કરે. ક્રોધ છે, લોભ છે, તે તો ખરેખરાં મૂળમાં બધા અહંકાર જ છે.

હવે એ તપાસણી કરીએ ત્યારે પકડાય કે ક્રોધ એ અહંકાર છે. આ ક્રોધ કેમ ઉત્પન્ન થયો ? ત્યારે કહે, કે ‘આ બહેને કપ-રકાબી ફોડી નાખ્યાં એટલે ક્રોધ ઉત્પન્ન થયો.’ હવે કપ-રકાબી તોડી નાખ્યા, તેમાં આપણને શું વાંધો ? ત્યારે કહે, કે ‘આપણે ઘેર ખોટ આવી.’ અને ખોટ આવી એટલે એને ઠપકો આપવાનો પાછો ? પણ અહંકાર કરવો, ઠપકો આપવો, આ બધું ઝીણવટથી જો વિચારવામાં આવે તો વિચાર કરવાથી એ બધો અહંકાર ધોવાઈ જાય એવો છે. હવે આ કપ ભાંગી ગયો તે નિવાર્ય છે કે અનિવાર્ય છે ? અનિવાર્ય સંજોગ હોય છે કે નથી હોતા ? ત્યાં શેઠ નોકરને ઠપકો આપે, કે ‘અલ્યા, કપ-રકાબી કેમ ફોડી નાખ્યા ? તારા હાથ ભાંગલા હતા ? ને તારું આમ હતું ને તેમ હતું.’ જો અનિવાર્ય હોય તો એને ઠપકો અપાય ? જમાઈના હાથે કપ-રકાબી ફૂટી ગયા હોય તો ત્યાં કશું બોલતા નથી ! ત્યાં ક્રોધ કેવો કંટ્રોલમાં રહે છે ! માટે બિલિફ પર જ આધારિત છે ને ? કારણ કે, એ સુપિરિયર આવ્યો ત્યાં ચૂપ અને ઇન્ફિરિયર આવ્યો ત્યાં છટ્ છટ્ કરે ! આ બધા ઈગોઈઝમ છે. આ સુપિરિયર આગળ બધા ચૂપ થઈ નથી જતા ? અને નોકરના હાથે ફૂંટી જાય તો ?

આ જગતે ન્યાય જ કોઈ દહાડોય જોયો નથી. અણસમજણને લઈને આ બધું છે. બુદ્ધિની જો સમજણ હોય ને, તોય બહુ થઈ ગયું ! બુદ્ધિ જો વિકાસ પામેલી હોય, સમજણવાળી કરેલી હોય તો કોઈ કશું ઝઘડો થાય એવું જ નથી. હવે ઝઘડો કરવાથી કંઈ કપ-રકાબી આખા થઈ જાય છે ? ખાલી સંતોષ લે એટલું જ ને ? ને ઊલટો કકળાટ થાય એ પાછો જુદો, મનમાં ક્લેશ થઈ જાય તે જુદો. એટલે આ વેપારમાં તો એક તો પ્યાલા ગયા તે ખોટ, બીજું આ ક્લેશ થાય તે ખોટ ને ત્રીજું નોકર જોડે વેર બંધાયું તે ખોટ !!! નોકર વેર બાંધે, કે હું ગરીબ છું, તેથી આ મને અત્યારે આવું કહે છે ને !પણ એ વેર કંઈ છોડે નહીં અને ભગવાનેય કહ્યું છે, કે વેર કોઈની જોડે બાંધશો નહીં. વખતે પ્રેમ બંધાય તો બાંધજો, પણ વેર બાંધશો નહીં. કારણ કે, પ્રેમ બંધાશે તો તે પ્રેમ એની મેળે જ વેરને ખોદી નાખશે. પ્રેમની કબર તો વેરને ખોદી નાખે એવી છે, પણ વેરની કબર કોણ ખોદે ? વેરથી તો વેર વધ્યા જ કરે, એવું નિરંતર વધ્યા જ કરે. વેરને લઈને તો આ રઝળપાટ છે બધી !

ક્રોધ એ નબળાઈ છે. આ જે ક્રોધ કરે છે, ગાળ બોલે છે, એ કંટ્રોલ નથી પોતાની જાત ઉપર એટલે આ બધું થાય છે. કંટ્રોલ રાખવા માટે પહેલા કંઈક સમજવું જોઈએ. કો’ક ક્રોધ કરે આપણી ઉપર, તો આપણને સહન થાય છે કે નહીં એ જોવું જોઈએ. પોતે ક્રોધ કરીએ, તે પહેલાં આપણી ઉપર કોઈ કરે એવું, તો આપણને સહન થાય, ગમે કે ના ગમે ? આપણને જેટલું ગમે એટલું જ બીજા જોડે વર્તન કરવું. એ તમને ગાળ ભાંડે અને તમને વાંધો ના આવતો હોય, ડીપ્રેશન ના આવતું હોય તો તમારે કરવાનું, નહીં તો બંધ જ કરી દેવાનું. ગાળો ભંડાય જ નહીં આ તો. આ તો એક જાતની પાશવતા છે.

હવે ક્રોધનો બચાવ ના કરો, ઉપરથી તેનું પ્રતિક્રમણ-પશ્ચાતાપ કરો. પ્રતિક્રમણમાં શું કરવું પડે આપણે ? તમને ક્રોધ થયો અને સામા માણસને દુઃખ થયું તો એના આત્માને સંભારીને એની ક્ષમા માગી લેવાની. એટલે આ ક્રોધ થયો તેની ક્ષમા માગી લેવી. ફરી ક્રોધ નહીં કરું, એવો દ્રઢ નિશ્ચય કરવો. આમ, પસ્તાવો કરવાથી જ એક દિવસ ક્રોધ ખલાસ થઈ જશે. જો ક્રોધ-માન-માયા-લોભ આ ચાર ખલાસ થઈ જાય તો ભગવાન થઈ જાય.