Island - 27 in Gujarati Thriller by Praveen Pithadiya books and stories PDF | આઇલેન્ડ - 27

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

આઇલેન્ડ - 27

પ્રકરણ-૨૭.

પ્રવીણ પીઠડીયા.

            દિવસો બહુ જલદીથી વિતી રહ્યાં હતા અને પસાર થતાં એક-એક દિવસનો ભાર વિજયગઢ ઉપર કાળ બનીને છવાઈ રહ્યો હતો. માત્ર થોડા, ગણતરીનાં વ્યક્તિઓ સિવાય બીજું કોઈ નહોતું જાણતું કે એક ભયંકર આંધી વિજયગઢ તરફ છાના પગલે આગળ વધી રહી છે જેનો કાળો ઓછાયો ટૂંક સમયમાં જ સમગ્ર વિજયગઢને પોતાની આગોશમાં લઈને નેસ્તો-નાબૂદ કરી નાંખવાનો છે. જો એવો અંદેશો કોઈને અગાઉથી આવ્યો હોય તો એ હતા વિરસેન અને શંકર. એ બે વ્યક્તિઓનાં ખભા પર આજે વિજયગઢને બચાવાનો ભાર આવી પડયો હતો. વિરસેને મહારાજા ઉગ્રસેનની મુલાકાત માટે કહેણ મોકલાવ્યું હતું પરંતુ મહેલમાંથી બે દિવસ વીતી જવા છતાં કોઈ જવાબ આવ્યો નહોતો. વિરસેન સમજી ગયો કે મહારાજા તેની અવગણનાં કરી રહ્યાં છે અથવા તો રંગમહેલની રંગિનીઓમાં ખોવાઈ ચૂક્યાં છે. આ તે કેવી વિડંબનાં…! જે સમય નીતી વિષયક નિર્ણયો લેવા માટેનો હતો એ જ સમયે વિજયગઢનો મોભી પોતાની અય્યાશીમાં વ્યસ્ત બન્યો હતો. વિરસેન પોતાની જાતને સાવ નિઃસહાય અનુભવી રહ્યો હતો. તેણે ક-મને કડવા નિર્ણયો લેવાની શરૂઆત કરી હતી અને ભારે બેસબ્રીથી અંગ્રેજો દ્વારા મોકલાયેલા રસાલાની પ્રતિક્ષા કરી રહ્યો હતો. 

                                      ---------       

                   શંકર એક પળ માટે પણ શાંતીથી બેઠો નહોતો. તેણે સમગ્ર રાજ્યની અંદર ધેરાબંધી ગોઠવી દીધી હતી. વિરસેનનો આદેશ હતો કે તેણે વિજયગઢની અંદરનો મોરચો સંભાળવો એટલે તેણે પોતાનાં સૌથી ભરોસેમંદ આદમીઓને એકઠા કર્યાં હતા અને તેમને સૂચનાઓ આપી નગરનાં એક-એક ખૂણે ચાંપતી નજર રાખવાં ગોઠવી દીધા હતા. તેમા પણ સૌથી વધું અગત્યનું કામ રુદ્ર દેવનાં મંદિરનાં રક્ષણનું હતું જ્યાં તેણે એવી છ વ્યક્તિઓને ગોઠવી જે તેનાં એક ઈશારે કોઇને પણ પળવારમાં ઢાળી દે. એ છ વ્યક્તિઓ એવી હતી જેની હાજરીમાં નાનકડું એક પંખી પણ મંદિર પરીસરમાં દાખલ થવાની હિંમત ન કરે. એટલો એમનો ખૌફ લોકોમાં પ્રવર્તતો. એ શંકરનાં ખાસ આદમીઓની ટૂકડી હતી. શંકર માટે રુદ્ર દેવનો ખજાનો આ નગર કરતાં પણ વિશેષ મહત્વ ધરાવતો હતો. એ ખજાનો શાપિત હોય કે ન હોય પરંતુ તેની અંગત આસ્થા એ ખજાના સાથે જોડાયેલી હતી. અને આખરે હતી તો એ  વિજયગઢની અમાનતજ ને... દુશ્મનો એ ખજાનાને હાથ લગાવે એ પહેલા તે પોતાનું મસ્તક કપાવવું વધું પસંદ કરે એમા કોઈ શંકા નહોતી. તે એ દિવસે જ મંદિરની અંદર દર્શન કરવાનાં બહાને આંટો મારી આવ્યો હતો અને ભોયરામાં જવાનો દરવાજો કઈ દિશામાં છે એ પાક્કું કરતો આવ્યો હતો. આજ રાત્રે જ તેનો ભોયરામાં પ્રવેશવાનો ઈરાદો હતો. તેને ખ્યાલ હતો કે એ તરફ કોઈ આવશે નહી કારણ કે ખજાના વિશે એટલી લોકવાયકાઓ ફેલાયેલી હતી કે ભોયરાની દિશામાં જોવાનું પણ લોકો ટાળતાં. એ ડરનાં કારણે કોઈ ભોયરામાં પ્રવેશવાની હિંમત પણ કરે એવો વિચાર કોઈના મનમાં આવતો નહી જેનો સીધો ફાયદો તેને મળવાનો હતો. તેણે પોતાની રીતે તૈયારીઓ આરંભી હતી અને હવે રાત પડવાની રાહ જોઈ રહ્યો હતો. બીજી તરફ…      

            વિરસેને પણ તડામાર તૈયારીઓ આરંભી હતી. તે કોઈ ગફલતમાં રહેવા માંગતો નહોતો. એકલે હાથે ઘણુ બધું તેણે સંભાળવાનું હતું. યુધ્ધ હજું શરૂ થયું નહોતું કે એવા કોઈ અણસાર પણ વર્તાતા નહોતા છતાં તે એક છળ હતું તેની પૂરેપૂરી ખાત્રી તેને હતી એટલે આગમચેતીનાં ભાગ રૂપે તેણે રાજ્યનાં તંત્રને સાબદું કર્યું હતું જેનાથી સમગ્ર સૈનિક બેડામાં ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. અંગ્રેજ છાવણીમાં ગયેલો દૂત વિજયગઢ માટે શુભ સમાચાર લઈને આવ્યો હતો કે કર્નલ જેમ્સ કાર્ટરે બેહદ ખુશીથી વિજયગઢને મદદ કરવાનું સ્વિકાર્યું છે અને થોડા સિપાહીઓ સાથે હથીયારોની એક ’ટૂંક’ ખૂબ જ જલદી વિજયગઢ પહોંચાડવાની કોશીશ કરી રહ્યાં છે. એ સમાચારે વિરસેનને ઘણી રાહત પહોંચાડી હતી અને તેણે એ સમયે જ વિજયગઢની નાનકડી ફૌજને ડફેરો સામે યુધ્ધ માટે સજ્જ કરવા માંડી હતી. 

                 એ કામ ખરેખર કપરું હતું. વર્ષોથી વિજયગઢે કોઈ યુધ્ધ લડયું જ નહોતું કે એવો કોઈ અનુભવ સિપાહીઓને નહોતો. તેમાં એકાએક યુધ્ધ માટે સાબદા રહેવાનું ફરમાન છૂટતાં સૈનિક છાવણીમાં થોડોક ગભરાહટ ફેલાઈ ગયો હતો. જ્યારે કોઈ રાજ્ય કે દેશ પોતાની સુરક્ષા તરફે બેધ્યાન બને ત્યારે એની ઘણી મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે એટલે યુધ્ધ હોય કે ન હોય… હંમેશા એ માટેની તૈયારીઓ રાખવી જ જોઈએ જેથી અણીનાં સમયે ઉંઘતા ઝડપાવાનો વારો ન આવે. કેટલાય દેશો એવા છે જેમણે શાંતીના સમયમાં પોતાની સૈન્ય શક્તિની સદંતર ઉપેક્ષા કરી હતી અને પછી ઈતીહાસનાં પાનાઓ ઉપર એ દેશનું ફક્ત નામ જ બાકી બચ્યું હોય. બુધ્ધીમાન શાસક એ છે જે દરેક સમયે બધી રીતે હંમેશા તૈયાર રહે. એ દેશની પ્રજા પણ ખરેખર સુખી અને સમૃધ્ધ રહેતી હોય છે. વિરસેનને ખરેખર અફસોસ થતો હતો કે કેમ તેણે પહેલેથી આ બાબતને ધ્યાનમાં લીધી નહી..? પણ… હવે રાંડયા પછીનું ડહાપણ નકામું હતું. તેણે પરિસ્થિતીને સ્વિકારીને એ પ્રમાણે વ્યુહ-રચના ગોઠવવાનું શરૂ કર્યું હતું.

                                    ----------

            જાલમસંગની ટોળકીમાં બે હજારથી પણ વધું ડફેરો હતા જે અત્યારે વિજયગઢની સિમા ઉપર ઘેરો ધાલીને બેઠા હતા. એ પ્રજા તદ્દન જંગલી હતી. એની સામે તો પૂરાતન કાળમાં જેને રાક્ષસો કહેતાં એ પ્રજાતી પણ સારી કહેવાય એટલી અધમ કક્ષાની, પશું સમાન અને એકદમ જડભરત ડફેર પ્રજા હતી. યુધ્ધમાં તેમનાં કોઈ નિતી-નિયમો નહોતાં. સાવ દેસી અને જંગલી રીતે તેઓ લડતા. અરે.. સામેવાળા માણસને ઉભે-ઉભો ચીરી નાંખીને તેની પાશવી ઉજાણી કરવામાં તેમને વિકૃત આનંદ આવતો. એ પ્રજાનાં હાથમાં અંગ્રેજોએ બંદૂકો મૂકી હતી. બંદૂકો મળતાં ડફેરો ઓર બેફામ બન્યા હતા અને તેમનાં રસ્તામાં આવતાં તમામ લોકોનો સફાયો કરવો શરૂ કર્યો હતો. વિજયગઢની સિમાઓને લગભગ એક મહિનાથી તેઓ ઘેરીને બેઠા હતા. તેમનો મકસદ વિજયગઢને પાડવાનો હતો પરંતુ નગર ફરતેની મજબૂત દિવાલે તેમને રોકી રાખ્યાં હતા. પરંતુ… 

               થોડા દિવસો પહેલા એક એવા સમાચાર જાલમસંગને મળ્યાં કે તેનાં ચહેરા ઉપર ક્રૂર મુસ્કાન ઉભરી આવી હતી અને તેણે વિજયગઢની દિવાલોને ધ્વસ્ત કરવાની તૈયારીઓ આરંભી હતી. અંગ્રેજો તરફથી તેમને તોપોની નાનકડી બટાલીયન મોકલવામાં આવી હતી. એ બટાલીયનમાં બાવીસ તોપો હતી અને એ તોપો કેમ ચલાવવી એ શિખવવા થોડા માણસો તેની સાથે રવાનાં કરવામાં આવ્યાં હતા.     

                                    --------

                હિન્દુસ્તાનનો ઈતીહાસ તપાસો તો જેટલા ગદ્દારો ભારત ભૂમી ઉપર પાકયા છે એટલા શાયદ જ બીજા કોઈ દેશોમાં થયા હશે. આ ભૂમી ગદ્દારો, દેશદ્રોહીઓ અને સ્વાર્થી માનવીઓથી ભરેલી છે જેનો ખામીયાજો સદીઓથી આ ધરતી સહન કરતી આવી છે. જેટલું નુકશાન દેશ બહારનાં લોકોએ ભારતને નથી પહોંચાડયું એનાથી વધું નુકશાન ખુદ ઘરનાં જ લોકોએ કર્યું છે. આજે વિજયગઢ પણ એવા જ ગદ્દારોની ભેંટ ચઢવા જઈ રહ્યું હતું. 

                સાંજ પડતાં સુધીમાં વિજયગઢનાં પશ્ચિમ દ્વારે બ્રિટિશ હુકુમતની એક નાનકડી ટૂકડી આવી પહોંચી હતી. એ ટૂકડીનો લીડર હતો સાર્જન્ટ પિટર એન્ડરસન. તે પોતાની સાથે પાંચ તોપો, વીસ ઘોડાગાડી ભરીને બંદૂકો, એટલી જ તલવારો અને બીજી ચીજો લાવ્યો હતો. વિરસેને તેનું સ્વાગત કર્યું હતું અને પૂરા સન્માન સાથે તેને તેના કમરામાં વળાવવામાં આવ્યો હતો. પીટર એન્ડરસન આવતીકાલથી વિજયગઢનાં દરબારમાં બેસવાનો હતો અને જ્યાં જરૂર પડે ત્યાં પોતાનાં સલાહ સુચનો આપવાનો હતો. હથીયારોનાં કાફલાને સૈન્ય છાવણી તરફ રવાના કરવામાં આવ્યો હતો અને તેને ચેક કરવાનું કામ પણ આવતીકાલ ઉપર જ છોડવામાં આવ્યું હતું. વિરસેનનાં હદયમાં ઘણી રાહત ઉપજી હતી. હથીયારો જોઈને તેની આંખોમાં ચમક ઉભરી હતી. ખાસ તો બંદૂકો અને તોપને લઈને તે ઘણો ઉત્સાહિત હતો કારણ કે તેને એમ જ લાગતું હતું કે ડફેરો ક્યારેય આ બંદૂકોનો સામનો નહી કરી શકે અને એકા’દ દિવસની અંદર જ તેઓ વિજયગઢની સિમાઓ છોડીને ભાગી જશે. પરંતુ… તે એક વાત નહોતો જાણતો કે પીટર એન્ડરસન વિજયગઢ પહોંચ્યો એ પહેલા ડફેર રસાલાને બાવીસ તોપોની ભેંટ ધરતો આવ્યો હતો. સાથે બંદૂકો અને કારતૂસોનાં બોક્સ તો ખરા જ. 

                  જેમ્સ કાર્ટરે એક કાંકરે બે પક્ષીઓ મારવાની સોગઠી ગોઠવી હતી અને તેણે બિછાવેલી જાળમાં ઓલરેડી બન્ને પંખીઓ ફસાઈ ચૂક્યાં હતા. તેણે જે મનસૂબો પાળ્યો હતો, જે સ્વપ્ન જોયું હતું એ સ્વપ્ન સાકાર થવાની ઘડીઓ નજદિક આવી પહોંચી હતી. પાછલાં બે વર્ષ તેણે ભારે જહેમત કરીને આખી બાજી ગોઠવી હતી જેનું પરીણામ ખૂબ જ નજીકનાં ભવિષ્યમાં તેને મળવાનું હતું.  

                                  ---------------

                  એ રાત કાળરાત્રી બનીને વિજયગઢ ઉપર ત્રાટકી હતી. તે રાત્રે એકસાથે બે ઘટનાઓ બની હતી. એક… મહારાણી દમયંતી દેવી મહેલમાંથી ગાયબ હતા અને બીજી… મહારાજા ઉગ્રસેનનું મોત થયું હતું. 

                   એ સમાચાર સવારે જ બહાર આવત પરંતુ વિરસેને રાત્રે જ મહારાજાને કોઈપણ ભોગે મળવાની જીદ આદરી હતી. તેઓ નહોતા ઈચ્છતા કે કોઈપણ નિર્ણય મહારાજાની જાણ બહાર લેવામાં આવે એટલે તેમણે ફરીથી રાજમહેલમાં કહેણ મોકલાવ્યું હતું અને મહારાજાની આજ્ઞા માંગી હતી. પરંતુ મહેલમાંથી કોઈ સમાચાર આવ્યાં નહી એટલે ભારે વ્યગ્રતાં અનુભવતા તેઓ જાતે જ રાજમહેલ તરફ નિકળી પડયા હતા અને સીધા જ મહારાજાનાં અંગત કક્ષનાં દરવાજે જઈને ઉભા રહ્યાં. તેમનાં ભારે આશ્વર્ય વચ્ચે મહારાજાનો કક્ષ ખૂલ્લો હતો અને આસપાસમાં કોઈ દરવાન કે પહેરેદાર નજર આવતો નહોતો. વિરસેન થડકી ઉઠયાં. અડધી રાત્રે મહારાજાનાં શયનકક્ષનો દરવાજો ખૂલ્લો હોવાનો અર્થ તેઓ સમજી ન શકે એટલા નાદાન નહોતાં. ઉપરથી કોઈ રખેવાળ પણ દેખાતો નહોતો. હાંફળા-ફાંફળા થતા તેઓ શયનકક્ષમાં દાખલ થયાં એ સાથે જ ઠરી ગયા. તેમનાં પગ ત્યાં જ, શયનકક્ષમાં બિછાવેલા ભવ્ય ગાલિચા ઉપર ખોડાઈ ગયા. તેમની નજરો સામે દેખાતા પલંગ તરફ ખેંચાઈ હતી અને  ફાટી આંખોએ તે એ દ્રશ્ય જોઈ રહ્યાં. તેમનાં હદયમાં જબરજસ્ત ધ્રાસ્કો પડયો હતો. મહારાજા ઉગ્રસેન ચત્તાપાટ પલંગ ઉપર પડયાં હતા. તેમની આંખો ખૂલ્લી હતી અને છત તરફ મંડાયેલી હતી. તેમનાં હોઠો વચ્ચેથી સફેદ ઝગ પ્રવાહીનો રેલો નિકળીને તેમની દાઢીનાં જથ્થાબંધ વાળની અંદર સમાઈ ગયો હતો. તેમનો ચહેરો કાળો… ભૂરો પડી ગયો હતો. સાફ દેખાતું હતું કે તેમને જેર આપવામાં આવ્યું છે. તેમનાં જમણાં હાથથી થોડે દૂર શરાબનો પ્યાલો ઉંધો વળીને ઢોળાયેલો પડયો હતો. તેમાનું પ્રવાહી ગાદલામાં સમાઈ ચૂક્યું હતું અને એટલો ભાગ ભિના ડાઘા પડવાથી ખરડાઈ ચૂક્યો હતો. 

                 વિરસેન સ્તબ્ધતામાં સરી પડયા. વિજયગઢ ઉપર ચારેકોરથી આફતો ત્રાટકવાની તૈયારીમાં હતી એવા સમયે જ કોઈકે મહારાજાને જેર પીવડાવીને મારી નાંખ્યાં હતા. ઘડીક તો તેમને સૂઝ્યું નહી કે તેઓ શું કરે…? તેમને ખ્યાલ હતો કે ક્યારેક તો આ સમય આવવાનો જ હતો પરંતુ આટલી જલ્દી આવશે એ ખબર નહોતી. મહારાજાની ઐયાશી જ તેમને લઈ ડૂબી હતી પરંતુ… વિરસેનની વિચારધારા એકાએક તૂટી હતી. અચાનક તેમને કંઈક યાદ આવ્યું અને તેઓ બહાર તરફ દોડી ગયા. 

                 “અરે… કોઈ છે…?” તેમણે ઉંચા સાદે હાંક મારી. મહેલનાં એ તરફનાં ભાગમાં લાંબો ઝરૂખો હતો જેની ગેલેરી નીચે જતાં પગથિયા તરફ પડતી હતી. તેઓ એ ગેલેરીમાં આવ્યાં અને ફરીથી ઉંચા અવાજે સાદ પાડયો. તેમનો અવાજ સાંભળીને નીચેથી બે સૈનિકો અંદર દોડી આવ્યાં. “જલદીથી શંકરને બોલાવી લાવો. તેને કહો કે વિરસેને તાત્કાલિક મહારાજાનાં શયનખંડમાં આવવાનું કહ્યું છે.” અને તેમના જવાની રાહ જોયા વગર પાછા તેઓ શયનકક્ષમાં દોડતાં જ પહોંચ્યાં હતા. 

                    તેમને પોતાનાં ઉપર ભયંકર ગુસ્સો ચઢયો. આ વાત તેમનાં મગજમાંથી કેમ કરતાં વિસરાઈ ગઈ…? તેઓ સીધા જ પલંગની પાછળ દેખાતી દિવાલ તરફ લપક્યાં. એ દિવાલને બન્ને તરફનાં ખૂણે કાંસાનાં હાથીની વજનદાર… વિશાળ મૂર્તીઓ શયનખંડમાં સજાવટ માટે મુકવામાં આવી હતી. એ દિવાલ તેમનાં કહેવાથી જ ચણવામાં આવી હતી અને… તેમાં એક ચોર દરવાજો હતો. વિરસેન પોતાની જાતને જ કોષતાં જમણી બાજું દિવાલનાં ટેકે ઉભેલી હાથીની મૂર્તી નજીક પહોંચ્યાં અને મૂર્તીનાં ખૂલ્લાં મોંની અંદર હાથ નાંખી એક કળ દબાવી. એકાએક ક્યાંક ઝિણો અવાજ થયો અને દિવાલનો એક તરફનો ભાગ સહેજપણ અવાજ કર્યાં વગર એક તરફ સરકી ગયો. એ સાથે જ દિવાલમાં એક બીજો કમરો ઉજાગર થયો.

(ક્રમશઃ)