Island - 26 in Gujarati Thriller by Praveen Pithadiya books and stories PDF | આઇલેન્ડ - 26

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

આઇલેન્ડ - 26

પ્રકરણ-૨૬.

પ્રવીણ પીઠડીયા.

સમી સાંજનાં સમયે વિરસેન રુદ્ર દેવનાં દર્શને નિકળ્યાં. નગરની મધ્યમાં, અત્યંત વિશાળ જગ્યામાં રૂદ્ર દેવનાં મંદિરનું ભવ્ય પરીસર આકાર પામેલું હતું. મંદિરનો ઉંચો ગુંબજ અને તેની ઉપર ફરફરતી ધજા બાર ગાવ છેટેથી દ્રશ્યમાન થતી. વિરસેન રથનાં આગમનથી મંદિર પરીસરમાં હલચલ મચી ગઈ હતી અને મંદિરે દર્શન કરવા આવેલા નગરજનોમાં ઉત્સાહ ફરી વળ્યો હતો. નગરવાસીઓનું અભિવાદન ઝિલતાં વિજયગઢનાં સર-સેનાપતીએ મંદિરનાં ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો  ત્યારે સંધ્યા આરતીનું ટાણું થવા આવ્યું હતું. મંદિરનાં પૂજારીએ વિરસેનનું પૂરા ભાવથી સ્વાગત કર્યું. ગર્ભગૃહમાં પ્રવેશી વિરસેને રૂદ્ર દેવ સમક્ષ હાથ જોડી શિશ ઝૂકાવ્યું. રદ્ર એટલે શિવ… ગર્ભગૃહમાં શિવ લિંગનાં દર્શનથી તેઓ ભાવ-વિભોર બની ગયા હતા. શિવ દર્શનથી તેમનાં મનમાં છવાયેલો ઉદ્વેગ ક્ષણભરમાં શાંત થયો હતો અને તમામ ચિંતાઓ મૂક્ત બન્યા હતા.

“હે પ્રભુ, મારો મારગ પ્રશસ્ત કરજે. આ રાજ્યની રક્ષા કાજે જે નિર્ણય લીધો છે એમાં સફળતા અપાવજે. વિજયગઢ ઉપર આજે સંકટનાં વાદળો ઘેરાયા છે, સંકટની આ ઘડીમાં સદાય સાથે રહેજો પ્રભું. ઓમ નમઃ શિવાય. જય રુદ્ર દેવ.” બુલંદ અવાજે શિવનાદ પોકારી વિરસેને ફરીથી શિશ ઝૂકાવ્યું. આજે તેમણે એક અભૂતપૂર્વ નિર્ણય લીધો હતો. એ નિર્ણય સમસ્ત વિજયગઢનાં અસ્તિત્વની લડાઈ માટેનો હતો. એક રીતે કહો તો તેમણે એક જૂગાર જ ખેલ્યો હતો. જો એ જૂગારમાં પાસા અવળા પડયા તો વિજયગઢનું નામો-નિશાન ઈતીહાસનાં પાના ઉપરથી મટી જવાનું હતું એમાં કોઈ શંકા નહોતી. તેમણે અંગ્રેજો સાથે સામે ચાલીને દોસ્તીનો હાથ લંબાવ્યો હતો કારણ કે બ્રિટિશ સલ્તનત પાસે જે હથીયારો હતા એવા હથીયારો આખા હિન્દુસ્તાનમાં બીજા કોઈ પાસે નહોતા. એ હથીયારોનાં દમ પર જ હિન્દુસ્તાનમાં બ્રિટિશ હુકુમતનો વિસ્તાર થયો હતો એ સચ્ચાઈ કોઈ નકારી શકે તેમ નહોતું. હિન્દુસ્તાનની ધરતી ઉપર અથાગ અને અવિશ્વસનિય શક્તિ ધરાવતાં યોધ્ધાઓ પાકયાં હતા જેનાં પરાક્રમોની ગાથાઓ ઈતીહાસનાં પાનાઓ ઉપર સુવર્ણ અક્ષરે લખાય તેમ હતી પરંતુ તેમ છતાં તેઓ વિદેશી આક્રાંતાઓ સામે હારી જતા હતા કારણ કે તેમની પાસે શક્તિઓ તો અમાપ હતી પણ આધુનિક સાધનો નહોતાં જેના કારણે યુધ્ધનાં મેદાનમાં તેમને ભૂંડી હારનો સામનો કરવા પડતો હતો. બડા બડા શક્તિશાળી યોધ્ધાઓ એમ જ હણાતાં રહ્યાં હતા અને હિન્દુસ્તાન ઉપર અંગ્રેજોની પકડ ઓર મજબૂત થતી રહી હતી. ક્યારેક તો પરિસ્થિતી એવી સર્જાતી કે અંગ્રેજોની એક બંદૂકધારી બટાલીયન એક સમગ્ર રાજ્યની સેનાને આસાનીથી માત આપી દેતી અને એ રાજ્ય ગણતરીનાં દિવસોમાં બ્રિટિશ હુકુમનનાં નેજા હેઠળ આવી જતું.

એ બાબતનો ખ્યાલ વિરસેનને બહું જલદી આવી ગયો હતો અને તેમણે પોતાના સૌથી વફાદાર સાથી શંકરનાં પ્રસ્તાવને સદંતર અવગણીને અંગ્રેજો પાસે મદદની ગુહાર નાંખી હતી. વિજયગઢને બચાવવાં તેમણે જાણી જોઈને એક જુગાર જ ખેલ્યો હતો જેના પરીણામની તેમને ખૂદને પણ જાણ નહોતી.

----------

વિરસેન રુદ્ર દેવનાં મંદિરનાં તહેખાનામાં છૂપાવેલા ખજાનાને હાથ પણ લગાવવાં માંગતાં નહોતા કારણ કે તેમની દ્રઢ પણે માન્યતા હતી કે ડફેરોનો સામનો તો તેઓ ગમે તે રીતે કરી લેશે પરંતુ જો કુદરત રૂઠી… રુદ્ર દેવ નારાજ થયા… તો એ દૈવી પ્રકોપ વહોરવો કાળા માથાનાં માનવી માટે લગભગ અશક્ય સમાન હતું. અને એટલે જ ન ચાહવા છતાં કઠોર બનીને તેમણે અંગ્રેજો તરફ મિટ માંડી હતી.

પરંતુ… તેઓ જાણતા નહોતા કે તેમના એ નિર્ણયથી વિજયગઢનું ધનોત-પનોત નિકળી જવાનું હતું. અંગ્રેજોને આમંત્રીને તેમણે ખૂદ જાતે જ પોતાના પગ ઉપર કુહાડો માર્યો હતો. અંગ્રેજોની કૂટનિતિમાં સામે ચાલીને તેઓ ફસાઈ ચૂક્યાં હતા જેમાથી બહાર નિકળવાનો કોઈ રસ્તો હવે આ જન્મમાં તેમને મળવાનો નહોતો.

--------------

શંકરનું માથું ભમતું હતું. તે તેના માલિકને સંપૂર્ણપણે વફાદાર હતો છતાં આજે તે અકળાયો હતો. વિરસેને તેની એક વાત માની ન હતી અને બ્રિટિશ સલ્તનત માટે પૈગામ મોકલાવ્યો હતો. હથીયારો અને બીજી સહાયનાં બદલામાં તેમનાં એક વ્યકતિને વિજયગઢનાં દરબારી તરીકે સ્વિકાર્યો હતો એ કેમેય કરીને તેને ગળે ઉતરતું નહોતું. શંકર ભલે પોતે એક અદનો સિપાહી રહ્યો, પરંતુ તેણે અંગ્રેજો વિશે ઘણું સાંભળ્યું હતું. ઈતીહાસ સાક્ષી હતો કે જે કોઈપણ રાજ્યમાં અંગ્રેજોનાં પગલા પડયાં એ રાજ્ય વહેલા-મોડા સમયે તેમનાં હસ્તગત થઈ જતું. વિજયગઢ માટે પણ શંકરને એવા ભણકારા વાગવા શરૂ થઈ ગયા હતા અને એટલે જ તેણે પણ વિચારવાનું શરૂ કર્યું હતું. તે પોતાના રાજ્યને ગમે તે ભોગે બચાવી લેવા માંગતો હતો.

એ ઉપરાંત બીજી પણ એક વાત હતી જે તે સમજી શક્યો નહોતો, એ વાત હતી ડફેરોનાં આક્રમણની…! એકાએક તેમના આક્રમણો કેમ કરતાં વધી ગયા…? ભલે તેમની રંજાડ વધી હોય છતાં આખરે હતા તો તેઓ સામાન્ય આક્રાંતા જ ને…! સામા પક્ષે વિજયગઢ શક્તિશાળી રાજ્ય હતુ, તે આવા સામાન્ય ડફેરોથી ડરી જાય…? ક્યાંક કશીક તો ગરબડ હતી જે તેના ધ્યાને આવતી નહોતી. વિજયગઢનો રાજા અય્યાશીમાં રચ્ય પચ્યો રહેતો હોય એનાથી કંઈ એટલું બધું ધન ન વપરાય જેથી રાજ્યની તિજોરીનાં તળિયા દેખાય જાય..! શંકરનાં કપાળે સળ પડયા અને તે ઉંડા વિચારમાં પડયો. તેણે તુરંત એ બાબતની ખોજ કરવાનું મન બનાવ્યું અને કામે લાગ્યો હતો.

---------

જેમ્સ કાર્ટરની ગણતરી સીધી પડી રહી હતી. વિજયગઢનો દૂત ફરીથી આવી રહ્યો હોવાનાં સમાચાર તેના ગુપ્તચર વિભાગ દ્રારા સાંપડયા ત્યારે તે ખૂબ હસ્યો હતો. તેણે બે તરફ બાજી ખેલી હતી અને બન્ને તરફનાં પાસા સવળા પડયાં હતા. એક તરફ ડફેરોની ટોળકીને આધૂનિક બંદૂકો અને દારૂગોળાનો જજીરો પહોંચાડ્યો હતો તો બીજી તરફ વિજયગઢને ભિંસમાં લઈને તેને મજબૂર કર્યું હતું કે તે અંગ્રેજો તરફ દોસ્તીનો હાથ લંબાવે. મતલબ કે અત્યારે સંપૂર્ણપણે તમામ કંન્ટ્રોલ તેના હાથમાં હતો અને તે ધારે એ કરી શકવાની સ્થિતિમાં હતો.

તેનું એક જ સપનું હતું… વિજયગઢને તાબે કરવાનું. જે બહુ જલદી સાકાર થવાનું હતું. પરંતુ… તેની કિસ્મતમાં પણ કંઈક અલગ જ લખાયેલું હતું, અને એ માટેનું નિમિત્ત બનવાનો હતો વિજયગઢનો એક અદનો બાશિન્દો… શંકર. શંકરનાં કારણે તેના તમામ સપનાઓ ઉપર પાણી ફરી વળવાનું હતું.

------

શંકર પૂરા છ હાથ ઉંચો હતો અને એટલો જ તે શક્તિશાળી પણ હતો. જેટલો તેનો દેહ વિશાળ હતો એનાથી પણ વિશેષ તેના જીસ્મમાં તાકાત સમાયેલી હતી. તેની એક થપાટે ભલભલાને નરકનાં દર્શન થઈ જતાં. આખા રાજ્યમાં તેની આડે પડવાનું લગભગ કોઈ સાહસ કરતું નહી.

પરંતુ આજે તે ખૂદ ધ્રૂજી ઉઠયો હતો. હમણાં જ તેનો ગુપ્તચર ખબર લઈને આવ્યો હતો એ સાંભળીને તે સન્નાટામાં આવી ગયો હતો. તેને પોતાનાં કાન પર વિશ્વાસ આવ્યો નહી કે તેણે જે સાંભળ્યું છે એ સત્ય છે કે એક ખોટી અફવા. પરંતુ તેને પોતાના ગુપ્તચર ઉપર પૂરો ભરોસો હતો. આજ સુધીમાં ક્યારેય તેની માહિતી ખોટી નિકળી નહોતી. મતલબ કે તેની ધારણા સાચી પડી હતી. વિજયગઢને ફોલી ખાવા માટે ઘરનાં અને બહારનાં, બન્ને તરફનાં લોકોએ ગહેરું ષડયંત્ર રચ્યું હતું અને એ વિષેલાં દળદળમાં વિજયગઢ ખૂંપતું જતું હતું. એટલે જલદીથી કોઈ પગલા ભરવામાં નહી આવે તો વિજયગઢ ચોક્કસ દુશ્મનોનાં હાથમાં જતું રહેશે એવા એંધાણો અત્યારથી જ વર્તાવા લાગ્યાં હતા. સૌથી વધું આઘાત  તો એ વાતનો લાગ્યો હતો કે…

એ ષડયંત્રમાં ખૂદ વિજયગઢનાં મહારાણી દમયંતી દેવી શામેલ હતા. તેનો દેહ ફરીથી ધ્રૂજી ઉઠયો. તેને રાજ્યનો ખજાનો કેમ ખાલી થવા માંડયો હતો એનો તાળો મળ્યો હતો. ગુપ્તચરનાં જણાવ્યાં પ્રમાણે પાછલાં થોડા વર્ષોથી રાજ્યનાં ખજાનચી હુકમસિંહ સાથે મળીને મહારાણીએ રાજ્યનાં કોષાગારમાંથી ઘણું બધું ઘન તફડાવ્યું હતું અને એ ધનને કોઈ છૂપા સ્થાને સંતાડીને સગે-વગે કરી નાખ્યું હતું. મહારાણીએ એવું શું કામ કર્યું હતું એની પણ આછી પાતળી માહિતી ગુપ્તચરે મેળવી હતી. જ્યારથી મહારાજાને અય્યાશીનો શોખ કોઠે વળગ્યો હતો ત્યારથી મહારાણીએ પોતાની અંગત જીંદગી વિશે વિચારવાનું શરૂ કર્યું હતું અને તેમા તેમને સાથ મળ્યો રાજ્યનાં ખજાનચી હુકમસિંહનો. પાછલાં બે વર્ષની અંદર રાણીએ હુકમસિંહ સાથે મળીને રાજ્યનાં કોષાગારને અડધાથી પણ વધારે ખાલી કરી નાંખ્યો હતો અને એ બધું ધન તેમણે કોઈક રહસ્યમય જગ્યાએ મોકલી આપ્યું હતું. એટલું જ નહિ, જ્યારથી વિજયગઢ ઉપર આક્રમણ થવાનું છે એવા સમાચાર વહેતા થયા હતા ત્યારથી મહારાણીએ નગર છોડીને પલાયન કરી જવાનો રસ્તો પણ વિચારી લીધો હતો.

“હે મહાદેવ… હે રુદ્ર દેવ… રક્ષા કરજો.“ જે શબ્દો વિરસેને નગરનાં મંદિરનાં ગર્ભ ગૃહમાં થોડીવાર પહેલા  ઉચ્ચાર્યા હતા એ જ શબ્દો અનાયાસે શંકરનાં ગળામાંથી પણ સર્યા હતા. હવે તો એક મહાદેવ જ હતા જે તેમની અને આ રાજ્યની રક્ષા કરી શકવા સક્ષમ હતા. વિજયગઢ ચારેકોરથી ઘેરાઈ ગયું હતું એનો જરા સરખો પણ અણસાર કોઈને આવ્યો નહી એ ભારે વિસ્મયની વાત હતી. અરે… વિરસેન જેવો કાબો આદમી પણ અંધારામાં રહ્યો હતો એ કલ્પનાતીત હતું. જે વ્યક્તિ ઉપર સમસ્ત રાજ્યની સુરક્ષાનો ભાર હોય તે વ્યક્તિને આટલું બેધ્યાન રહેવું ન જોઈએ એવી તેની માન્યતા હતી. માન્યું કે વિરસેનની વફાદારી વિશે કોઈ શંકા નહોતી છતાં તેઓ ગફલતમાં રહ્યાં હતા એ પાક્કું હતું. હવે…? શંકર વિચારમાં પડયો. વિરસેનને જણાવ્યાં વગર ચાલવાનું નહોતું કારણ કે તે એક જ વ્યક્તિ એવી હતી જે વિજયગઢને બચાવી શકે એમ હતી. તેણે પોતાનું મોટું જબરું માથું ઝટક્યું અને મનમાં ચાલતાં તમામ વિચારોને ખંખેર્યાં. તેની પાસે સમય ઓછો હતો. જે કરવાનું હતું એ અત્યારે જ કરવું જરૂરી હતું. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાથી કોઈ અર્થ સરવાનો નહોતો. તેણે તુરંત વિરસેનનાં ખંડ તરફ રુખ કરી હતી.

એ સમયે… બીજી પણ એક ખતરનાક યોજનાએ તેના મનમાં આકાર લીધો હતો જે યોજના રુદ્ર દેવનાં ખજાના સાથે સંકળાયેલી હતી.

----------

વિરસેનનું લોહી ઉકળી ઉઠયું. શંકર તેની સામે ઉભો હતો અને તેનો ગુપ્તચર જે માહિતી લઈને આવ્યો હતો એ અક્ષરસઃ વિરસેનને કહી સંભળાવી હતી. વિરસેન એ સમયે જ મહારાજ પાસે જવા માંગતો હતો કારણ કે દમયંતી દેવીની ગદ્દારી વિશે તેમને ખ્યાલ આપવો જરૂરી હતો પરંતુ શંકરે તેને એમ કરતાં અટકાવ્યાં હતા. વિરસેનને પણ પછી એ જ યોગ્ય લાગ્યું કારણ કે એનાથી પરિસ્થિતી ઓર બગડવાની ભીતી હતી. એક તો મહારાજા ઉગ્રસેન હજું પણ રંગમહેલમાં પડયા પાથર્યાં રહેતા હતા અને ઉપરથી તેમને આ સમાચાર મળે તો પછી તેઓ શું નિર્ણય કરે એનો કોઈ ભરોસો નહોતો.

“શંકર, તું એક કામ કર. રાજ્યની અંદરની સ્થિતી તું સંભાળ અને રાજ્યની સિમા હું સંભાળું છું. પણ એક વાત બહુ સારી રીતે સમજી લેજે કે તેમા સહેજે ગફલત ન થવી જોઈએ.” વિરસેને હુકમ કર્યો. તે હવે લડી લેવાનાં મૂડમાં આવ્યો હતો. ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે પરિસ્થિતી કાબુ બહાર જતી રહે ત્યારે યા હોમ કરીને તૂટી પડવું જ બહેતર વિકલ્પ સાબિત થતો હોય છે. વિરસેને પણ એવો જ નિર્ણય લીધો હતો. અને શંકર… તેને તો આ ક્ષણની જ રાહ હતી. તેના વિશાળ ચહેરા ઉપર એકાએક હાસ્યની રેખાઓ છવાઈ હતી અને જીગરમાં ધડબડાટી બોલવા લાગી હતી.

(ક્રમશઃ)