Dayri - 2 in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - મહેમાન

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

ડાયરી - સીઝન ૨ - મહેમાન

શીર્ષક : મહેમાન
©લેખક : કમલેશ જોષી

નિશાળમાં ભણતા ત્યારે અમને સૌથી વધુ જો કંઈ ગમતું તો એ હતું વેકેશન! વાર્ષિક પરીક્ષાના છેલ્લા પેપરના દિવસે પ્યૂન નોટિસનો કાગળ લઈને વર્ગમાં પ્રવેશતો એને જોતાં જ અમે હરખાઈ જતા. એ પછી શિક્ષક એટલે કે સુપરવાઈઝર મોટા અવાજે એ નોટિસ વાંચી સંભળાવતા: આથી સર્વે વિદ્યાર્થીઓને જણાવવાનું કે ફલાણી તારીખથી ફલાણી તારીખ સુધી શાળાનું વેકેશન રહેશે. ફલાણી તારીખે પરિણામ જાહેર થવાનું હોવાથી દરેક વિદ્યાર્થીએ સ્કૂલે અચૂક હાજર રહેવું. વેકેશન પુરું થયે ફલાણી તારીખથી શાળા રાબેતા મુજબ ફરી શરુ થઈ જશે જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી. પાંત્રીસ-ચાલીસ દિવસની રજાઓ જાહેર કરતા આ વાક્યો અમારી નસેનસમાં ઉત્સાહ, આનંદ અને મસ્તીનો અલગ જ પ્રવાહ જાણે વહેવડાવી દેતા. ગણિતનો કોઈ દાખલો, વિજ્ઞાનનો કોઈ પ્રયોગ, ગુજરાતીની કોઈ કવિતા કે નિબંધ, સંસ્કૃતનો કોઈ શ્લોક, ઇતિહાસનું કોઈ યુદ્ધ, ભૂગોળનો કોઈ નકશો કે નાગરિકની કોઈ ફરજ કે હિન્દીનો કોઈ મહાવરો અમને ઉનાળુ વેકેશનની નોટિસના વાક્યો જેટલી ખુશી, હરખ કે ઉત્તેજના નહોતા આપી શકતા.
છુટીને અમે સૌ ગપ્પીદાસ ટાબરિયાઓ વેકેશન અંગે ઉંચી ઉંચી હાંકતા. કોઈ કહેતું અમે તો મામાના ઘરે જવાના છીએ, તો કોઈ કહેતું અમે તો ગામડે જવાના છીએ, કોઈ કહેતું અમે તો કુલુ-મનાલી જવાના છીએ તો કોઈ મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત જવાની વાતો કરતા. દરેક વ્યક્તિ જાણે ગામ છોડી, ઘર છોડી ક્યાંક દૂર-દૂરના અજાણ્યા પ્રદેશમાં, અપરિચિત લોકોની વચ્ચે, ન જોયેલી જગ્યાઓ જોવા, સમજો ને કે અહીંથી ભાગી છૂટવા તત્પર થઈ જતી. વેકેશન પડતા જ બેગ-થેલા લઈને શેરીમાં પ્રવેશતું ફેમિલી અથવા શેરી બહાર જતું ફેમિલી એ બે દૃશ્યો તો જાણે વેકેશનની શાન હોય એમ દરેક શેરીઓ-સોસાયટીઓમાં ભજવાતા. શેરીમાં રીક્ષા પ્રવેશે કે તરત જ દરેક ઘરની બારીઓ કે ડેલીઓમાં ડોકા તાણી ‘ક્યાંક અમારા મહેમાન તો નથી ને!’ એવી ઉત્સુકતા ભરી નજર દોડાવવાનો લ્હાવો દરેક ઘરના સભ્યો અચૂક લઈ લેતા. ‘જેને ત્યાં મહેમાન આવવાના ન હોય’ અથવા ‘જેણે મહેમાન બનીને કોઈને ત્યાં જવાનું ન હોય’ એવા ફેમિલી માટે વેકેશન એક સજા જેવું ગંભીર, ગમગીન બની રહેતું.

એ દિવસોમાં તો જેને ત્યાં મહેમાન આવતા એ પરિવાર પોતાને ભાગ્યશાળી સમજતો. ઘરની ગૃહિણી દિવસો પહેલાથી તૈયારી કરી રાખતી. થોડું કરિયાણું, મસાલા વધુ ભરતી અને મીઠાઈ, ફરસાણની તૈયારી રાખતી. પુરુષો આસપાસના જોવાલાયક સ્થળો, ત્યાં જવા-આવવાની વ્યવસ્થાઓ, ઉતારો વગેરેની તપાસ કરી રાખતા. મહેમાનો આવે એટલે આખું ઘર હિલોળે ચઢતું. નાના બાળકોથી માંડી વૃદ્ધ વડીલોના હૈયાઓ ઇમોશનથી છલકાઈ ઉઠતા. છેલ્લે ક્યારે આવ્યા હતા ત્યાંથી વાત શરુ થતી અને ઘરમાં, શેરીમાં, સોસાયટીમાં થયેલા વિકાસની, બદલાવની નોંધ મહેમાન લેતા. ‘લે તમારે ત્યાં આવું છે? અમારે ત્યાં તો આવું છે.’ એવી લાંબી-લાંબી વાતો થતી. ક્યારેક તો એવુંય બનતું કે આપણે ત્યાં આવેલા મહેમાનને મળવા એમના નજીક રહેતા પરિચિતો પણ આવી ચઢતા અને ક્યારેક આપણા મહેમાન ગામમાં રહેતા એમના પરિચિતને ત્યાં પણ આંટો મારી લેતા. યજમાન પરિવાર અને મહેમાન પરિવાર સાંજ ટાણે ગામની જાણીતી જગ્યાઓ મંદિર કે લૅક કે ટેકરી કે મ્યુઝીયમ કે ઝૂ કે બજારમાં ફરવા નીકળી પડતા અને મોટેભાગે સાંજના ભોજનમાં ગામની જાણીતી વાનગી માણી પરત ફરતા.

એમ કરતા-કરતા છેલ્લો દિવસ આવી જતો અને મહેમાન પરિવાર વિદાય માટે રજા માંગતો. યજમાન પરિવાર આગ્રહ, હઠાગ્રહ કરીને, ક્યારેક સમ દઈને તો ક્યારેક બેગ-બિસ્તરા સંતાડીને પણ એકાદ દિવસ તો મહેમાન પરિવારને રોકી જ લેતો. આખરે છેલ્લા દિવસ પછીનો છેલ્લો દિવસ પણ આવી જ પહોંચતો, સૌની આંખો ભરાઈ આવતી. ડેલીએ ઉભા રહી જ્યાં સુધી મહેમાન પરિવાર દેખાય ત્યાં સુધી હાથ ઉંચો કરી, હલાવતા-હલાવતા, આવજો-આવજો કરતા સૌ ખિન્ન હૃદયે ઉભા રહેતા. યજમાન પરિવાર ક્યાય સુધી ઘરમાં બેઠો-બેઠો લાગણીઓના ઉભરાઓને ધીમે-ધીમે શાંત કરવા મથતો, મહેમાનો ક્યાંય સુધી બસમાં કે ટ્રેનમાં બેઠા-બેઠા યજમાનો સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરતા ભીતરેથી ભીંજાયા કરતા.

‘તારા પપ્પા હવે બહુ થોડા દિવસોના જ મહેમાન છે.’ આ વાક્ય મેં પહેલી વખત સાંભળ્યું ત્યારે હું પગથી માથા સુધી ધ્રુજી ઉઠ્યો. મહેમાન શબ્દ મને છેક ભીતર સુધી પલાળી ગયો. મેં તો સાંભળ્યું હતું કે મહેમાન એટલે કોઈ બહારનું વ્યક્તિ જે તમારે ઘેર થોડા દિવસો માટે આવ્યું હોય, પણ પપ્પા? પપ્પા અને મમ્મી તો યજમાન કહેવાય ને? મહેમાન તો બાળકો, પછીથી આવનાર કહેવાય ને? એ કેવી રીતે જઈ શકે? યજમાન કેવી રીતે જઈ શકે? જવાનું તો મહેમાને હોય ને? અનેક પ્રશ્નો મારા મનમાં ઉઠ્યા. એક વડીલે કહ્યું: તારા પપ્પા આ ઘર જ નહિ આખી પૃથ્વી છોડીને જવાના છે. પૃથ્વી તો ભગવાનનું ઘર છે ને? તારા પપ્પા જ નહીં, હું અને તું પણ પૃથ્વી ઉપર તો મહેમાન જ છીએ. એક દિવસ મારેય જવાનું છે અને તારેય જવાનું છે. ઓહ! આ પરમ સત્ય તો હું ક્યારનો ભૂલી જ ગયો હતો.

મિત્રો, નિશાળમાં હમણાં વેકેશન પડશે. આ વખતે કોઈને ત્યાં મહેમાન બનીને જાઓ તો, એ ઈશ્વરતુલ્ય યજમાનનું ઘર, એમની સૃષ્ટિ, એમની દુનિયામાં, હરતી-ફરતી વખતે, મહેમાનગતિ માણતી વખતે એમનામાં રહેલા ઈશ્વરત્વને નમન કરવાની કોશિશ કરીએ તો કેવું? અને હા, તમારે ત્યાં આ વખતે જે મહેમાન બનીને આવે એને ‘કાઠિયાવાડમાં કોક દિ' ભૂલો પડેલો ભગવાન’ જ સમજી એનામાં ‘અતિથિ દેવો ભવ’નું દર્શન કરવાની કોશિશ કરીએ તો વેકેશન પણ એક પવિત્ર ઉત્સવ કે તહેવાર બની જાય એવું નથી લાગતું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)