Prarambh - 37 in Gujarati Classic Stories by Ashwin Rawal books and stories PDF | પ્રારંભ - 37

Featured Books
Categories
Share

પ્રારંભ - 37

પ્રારંભ પ્રકરણ 37

કેતન રામકૃષ્ણ હોટલમાં નિરંજન સ્વામી સાથે સૂક્ષ્મ જગત વિશે પોતાના મનમાં જે પ્રશ્નો હતા તેની ચર્ચા કરી રહ્યો હતો.

" સ્વામીજી આપની પાસેથી ઘણું બધું જાણવા મળ્યું. હવે છેલ્લા બે પ્રશ્નો મારી પાસે છે. એમાં પહેલો પ્રશ્ન એ છે કે જે લોકો પાગલ તરીકે જન્મે છે અને આખી જિંદગી પાગલ જ રહે છે અથવા તો અમુક ઉંમર પછી પાગલ થઈ જતા હોય છે તેમની મૃત્યુ પછીની ગતિ કેવી રીતની હોય છે ? " કેતન બોલ્યો.

" અમુક લોકોએ પૂર્વજન્મમાં એવાં એવાં ખરાબ કર્મો કર્યાં હોય છે કે એમને બીજા જન્મમાં પશુનો અવતાર જ મળે. છતાં પણ ઈશ્વર ખૂબ જ દયાળુ છે. નવો જન્મ લેતાં પહેલાં એને પસંદગી આપવામાં આવે છે કે એણે કાં તો કોઈ પશુનો અવતાર લેવો અથવા તો મનુષ્ય જન્મ લઈને આખી જિંદગી પાગલ તરીકે જીવવું. એટલે જન્મ પહેલાં આત્મા પોતે જ નવા જન્મમાં પાગલ થવાનો નિર્ણય લે છે." સ્વામીજી બોલતા હતા.

" હવે જે આત્મા પાગલ તરીકે જન્મ લેવાનું સ્વીકારે અને આખી જિંદગી પાગલ બનીને પોતાના પાપ કર્મની સજા ભોગવી લે એ મૃત્યુ પછી તો બીજા આત્માઓની જેમ એકદમ નોર્મલ જ હોય છે !! એને મૃત્યુ પછી બધું જ યાદ આવી જાય કે પોતે જ આ સજા સ્વીકારી હતી. એને ખ્યાલ આવી જાય કે મારી સજા પૂરી થઈ ગઈ. હવે તેણે નક્કી કરવાનું હોય છે કે બાકીનાં કર્મો માટે સૂક્ષ્મ જગતમાં પ્રાયશ્ચિત કરવું કે બીજો કોઈ નોર્મલ મનુષ્ય અવતાર લેવો !! " સ્વામીજી બોલ્યા.

" વાહ સ્વામીજી. બહુ સરસ રીતે સમજાવ્યું. હવે મારો બીજો પ્રશ્ન. મેં એવું સાંભળ્યું છે કે પતિ-પત્નીની જોડી આકાશમાં જ બનેલી હોય છે. એનો અર્થ એવો થાય કે આ જનમમાં જે પતિ પત્ની હોય તે જ પતિ પત્ની બીજા જન્મમાં પણ હોય ? ઘણીવાર સાત જન્મ સુધી એ જ પતિ પત્ની જન્મ લેતાં હોય છે એવું પણ મેં સાંભળ્યું છે. તો એ સાચું છે ? " કેતન બોલ્યો.

"ના. એ જરૂરી નથી કે ગયા જન્મમાં જે પતિ હતો કે પત્ની હતી તે જ આ જન્મમાં પણ જીવનસાથી બને. ગયા જન્મના પતિ કે પત્ની આ જન્મમાં ભાઈ કે બહેન તરીકે પણ જોડાઇ શકે છે. પત્નીનું વહેલું અવસાન થઈ ગયું હોય અને એ બંને વચ્ચે તીવ્ર પ્રેમ હોય તો પતિ નવા જન્મમાં એની પત્નીના પુત્ર કે પુત્રી તરીકે પણ જન્મ લઈ શકે છે. " સ્વામીજી બોલ્યા.

" દરેક જન્મમાં સંબંધો બદલાતા જતા હોય છે. ઘણીવાર બીજા કે ત્રીજા જન્મમાં પણ અમુક સંબંધો ફરી પાછા જોડાતા હોય છે. કારણકે આપણા ઘણા બધા જન્મ થઈ ચુક્યા હોય છે અને ઘણા બધા આત્માઓ સાથે આપણે પૂર્વજન્મોમાં જોડાયેલા હોઈએ છીએ અને દરેકની આયુષ્ય મર્યાદા એકસરખી નથી હોતી એટલે દરેક નવા જન્મમાં સંબંધોની હેરાફેરી થતી જ રહે છે. " સ્વામીજી બોલ્યા.

" બે આત્માઓ વચ્ચે પ્રેમનો સંબંધ જેટલો ગાઢ હોય એટલા પ્રમાણમાં એ સંબંધ નવા જન્મમાં બંધાય છે. પતિ પત્ની, પિતા-પુત્ર કે મા દીકરા વચ્ચેના સંબંધો ક્યારેક દુશ્મનાવટના હોય છે તો આવા સંબંધો એમના નવા જનમમાં ફરી જોડાતા નથી. એ દુશ્મનાવટ પાછલા જન્મનાં કેટલાંક કર્મોના ભોગવટા માટે જ હોય છે. એટલે દુશ્મનાવટનો હિસાબ આ જનમમાં જ પૂરો થઈ જાય છે." સ્વામીજી બોલતા હતા.

" હા, પૃથ્વી ઉપર જન્મ થઈ ગયા પછી આ જન્મ માટે પતિ કે પત્ની નક્કી જ હોય છે. સુખી લગ્નજીવન, દુઃખી લગ્નજીવન, છૂટાછેડા, બીજાં લગ્ન એ બધું જ જન્મ સાથે નક્કી થઈ જાય છે. અને આ બધાં ઘટનાચક્રો ઋણાનુબંધની જ માયાજાળ છે ! જે પાછલા જન્મોના કર્મફળ સ્વરૂપે હોય છે. " સ્વામીજી સમજાવી રહ્યા હતા.

" સ્વામીજી હજુ આપણી પાસે સમય છે તો છેલ્લે છેલ્લે એક પ્રશ્ન પણ પૂછી લઉં. ઘણા લોકો સંસારનાં દુઃખોથી ત્રાસીને અથવા તો જીવનમાં નિરાશ થઈને આત્મહત્યા કરી લેતા હોય છે તો સૂક્ષ્મ જગતમાં એમની ગતિ કેવી રીતે હોય છે ? " કેતને પૂછ્યું.

" બહુ જ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે. ઘણા બધા લોકો આવેશમાં આવીને પોતાનું જીવન ટૂંકાવી દે છે. એમને ખબર નથી હોતી કે એમની કેટલી ખરાબ ગતિ થતી હોય છે. સૌથી પહેલાં તો એ વાત સમજવી જોઈએ કે જે પણ દુઃખ કે સંકટ આપણા ઉપર આવે છે એનું સર્જન આપણે જ કરેલું હોય છે. આપણાં પોતાનાં કર્મો જ ઘટના ચક્રો બનીને આપણને ઘેરતાં હોય છે. આપણે ગમે તેટલા હેરાન થઈએ કે જિંદગીથી કંટાળી જઈએ પરંતુ એ બધું દુઃખ ભોગવી લેવાથી આપણું ખરાબ કર્મ બળી જાય છે અને આપણી સજા પણ આ જ જન્મમાં પૂરી થાય છે. " સ્વામીજી બોલી રહ્યા હતા.

" જે લોકો આવેશમાં આવીને પંખા ઉપર લટકી જાય છે અથવા તો એસિડ કે ઝેર પી લે છે એમને કલ્પના જ નથી હોતી કે આવું કર્યા પછી શરીરમાં કેટલી ભયંકર વેદના થાય છે ! શ્વાસ બંધ થવાથી ફેફસાં ફાટી જાય છે. હૃદય આખું વલોવાઈ જાય છે અને એમાં ભયંકર વેદના થાય છે. શરીરના અંગે અંગમાં ઓક્સિજન ન મળવાથી એટલું બધું દર્દ થતું હોય છે કે વ્યક્તિ હાથ પગ ઉછાળતો હોય છે. કાનની અંદર અને આંખના ડોળામાં થતો દુખાવો, માથાનો દુખાવો બધું અસહ્ય હોય છે. એ પાંચથી દસ મિનિટ નર્કનો અનુભવ હોય છે. " સ્વામીજી બોલી રહ્યા હતા.

"જ્યારે કોઈ આત્મહત્યા કરે ત્યારે આજુબાજુના વાતાવરણમાંથી હલકા પ્રેતાત્માઓ ખેંચાઈને એની આજુબાજુ આવી જતા હોય છે. શરીરને છોડીને આત્મા જ્યારે પરાણે બહાર નીકળે ત્યારે એને આ પ્રેતાત્માઓ ખેંચી જતા હોય છે અને ખૂબ જ ત્રાસ આપે છે. એ વખતે સૂક્ષ્મ શરીરને ખૂબ જ પસ્તાવો થતો હોય છે. એ રડતો હોય છે. ઉપરના લોકમાં જવાના દરવાજા કેટલાક સમય માટે એના માટે બંધ થઈ ગયા હોય છે. એણે પ્રેત અવસ્થામાં ભટકવું પડે છે. " સ્વામીજી બોલી રહ્યા હતા.

" પરંતુ સ્વામીજી જેમણે આખી જિંદગી સારાં કર્મ કર્યાં હોય, સતત ઈશ્વર સ્મરણ પણ કર્યું હોય છતાં કોઈક કારણસર એણે આત્મહત્યા કરી લીધી તો પણ અવગતિ થાય ? " કેતન બોલ્યો.

" ઈશ્વરનું સ્મરણ કરનારો કદી પણ આત્મહત્યા ના કરે. પરંતુ જીવનભર જેણે સારાં કર્મો કર્યાં હોય એ કદાચ કોઈ કારણથી આત્મહત્યા કરે તો એની અવગતિ તો ના થાય પરંતુ એને જલ્દી ઉપરના લોકમાં પ્રવેશ ના મળે. એણે થોડાં વર્ષો પ્રથમ લોકમાં ભટકવું પડે. કર્મો સારાં હોય અને આત્મા પવિત્ર હોય તો હલકાં પ્રેતો એને પજવી ના શકે ! " સ્વામીજી બોલ્યા.

" તો પછી જે લોકો અકસ્માતથી મૃત્યુ પામે કે કોઈનું ખૂન થઈ ગયું હોય તો એ આત્માને પણ આવી જ હાલતમાં ભટકવું પડે ? " કેતન બોલ્યો.

"ના. અકસ્માતથી મૃત્યુ થવું એ એના પ્રારબ્ધમાં લખેલું હોય છે. એ જ પ્રમાણે ખૂન થવાની ઘટના પણ એના કર્મો પ્રમાણે સુનિયોજિત હોય છે. એટલે આત્મા તરફડીને બહાર આવ્યા પછી એને લેવા માટે કોઈને કોઈ સ્વજન કે સ્પિરિચ્યુઅલ ગાઈડ આવે જ છે અને એના કર્મ પ્રમાણે ઉપરના દરવાજા એના માટે ખુલ્લા જ હોય છે." સ્વામીજી બોલ્યા.

"માયા અને મમતા છે ત્યાં સુધી જનમો જનમની આ પરંપરા ચાલુ રહે છે. જ્યારે જીવ જાગે છે અને ઈશ્વરને મેળવવાની ઝંખના તીવ્ર બને છે ત્યારે આપોઆપ એને ધ્યાનમાં રસ પડે છે. એનાં ચક્રો ખુલતાં જાય છે. અને ઉપરના લોકના દરવાજા પણ ખુલતા જાય છે. મૃત્યુ પછીનું જીવન સુધારવા માટે ગાયત્રી મંત્ર અથવા ભગવાનનું સતત નામ સ્મરણ ખૂબ જ જરૂરી છે." સ્વામીજીએ કહ્યું.

" સ્વામીજી આજે આપની પાસેથી સૂક્ષ્મ જગત વિશે ઘણું બધું જાણવાનું મળ્યું. ચેતન સ્વામીએ પણ મને સૂક્ષ્મ જગતના કેટલાક અનુભવો કરાવ્યા છે. " કેતન બોલ્યો.

" હું જાણું છું બેટા. યોગ્યતા વગર હું પોતે પણ આવી ચર્ચા કોઈની સાથે કરતો નથી. તારી ગાયત્રી ઉપાસનાના કારણે તને પોતાને પણ ઘણા અનુભવો થવાના છે. તને મારા પણ આશીર્વાદ છે. " નિરંજન સ્વામી બોલ્યા.

કેતન ઉભો થયો. એણે સ્વામીજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પછી એમની રજા લઈને બહાર નીકળી ગયો. બહાર નીકળ્યો ત્યારે સવારના ૯ વાગ્યા હતા.

કેતન હોટલમાંથી નીકળીને સીધો મોટાભાઈના ઘરે પહોંચી ગયો.

આજે બંને ભાઈઓની ઈચ્છા ફ્લેટ માટેની સ્કીમો જોવાની હતી. કેતન ઘરે પહોંચી ગયો પછી ૧૦ વાગે બંને ભાઈઓ અને રેવતી તૈયાર થઈને ફ્લેટ જોવા માટે નીકળી ગયાં.

સૌથી પહેલાં નરીમાન રોડ ઉપરની બે સ્કીમો જોઈ લીધી. રુદ્રાક્ષ સ્કીમમાં માત્ર એક જ ફ્લેટ ખાલી હતો જ્યારે પૂનમ બાગની સ્કીમમાં ઉપર નીચે બે ફ્લેટ ખાલી હતા. એ સિવાય નરીમાન ટાવરમાં પણ બે ફ્લેટ મળી શકે એમ હતા પરંતુ બાજુ બાજુમાં કે સામસામે એક પણ ફ્લેટ ન હતો !

ત્રણે ત્રણ સ્કીમ પોતપોતાની રીતે સરસ હતી. એ ફ્લેટો જોયા પછી બંને ભાઈઓ ચિત્તરંજન રોડ ઉપર ગયા. અથર્વ લક્ષ્મી અને હેમપ્રભાની સ્કીમો ખૂબ જ સરસ હતી. લોકેશન પણ બહુ જ સરસ હતું. એરિયા પણ સ્ટેશનની એકદમ નજીક હતો. અથર્વ લક્ષ્મીમાં તો ત્રીજા માળે બંને ફ્લેટો સામસામે જ મળી શકે એમ હતા. કેતનને અથર્વ લક્ષ્મીમાં પોઝિટિવ વાઇબ્રેશન્સ પણ ફીલ થયાં.

"ભાઈ આમ જોવા જઈએ તો ૨૨૫ ચોરસ વાર જગ્યા આપણા પોતાના માટે પૂરતી જ છે. આ કંઈ એકદમ નાના ફ્લેટ ના કહી શકાય. મારું તો માનવું છે કે આપણે આ સ્કીમમાં જ બુક કરાવી દઈએ. શાકમાર્કેટ પણ બાજુમાં જ છે એટલે મમ્મીને પણ ઠીક રહેશે. સ્ટેશન પણ વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે. " કેતન બોલ્યો.

"તું જેમ કહે તેમ. મને કોઈ પ્રોબ્લેમ નથી. ત્રણ મોટા બેડરૂમ છે. લીવીંગ રૂમ પણ સ્પેસીયસ છે. ચોવીસ કલાક પાણીની સગવડ છે. બાંધકામ પણ સારું લાગે છે. ગેલેરીઓ પણ આપેલી છે. તું સાથે જ છે તો અત્યારે જ નીચે ઓફિસમાં જઈને બુક કરાવી દઈએ." સિદ્ધાર્થ બોલ્યો.

અને સિદ્ધાર્થે અથર્વ લક્ષ્મી ટાવરમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બનાવેલી ઓફિસમાં જઈને બે ફ્લેટ બુક કરાવી દીધા. ત્રણ ચાર મહિનામાં પજેસન મળવાનું હતું એટલે બીજી કોઈ ચિંતા ન હતી. એક સાથે જ ડાઉન પેમેન્ટ આપવાની સિદ્ધાર્થે વાત કરી એટલે ૬:૭૫ કરોડમાં દરેક ફ્લેટનો ભાવ નક્કી થયો. મુહૂર્તમાં એક કરોડનો ચેક પણ આપી દીધો.

" આજે ફ્લેટ બુક કરાવ્યો છે તો નજીકમાં પાર્લેશ્વર મહાદેવનાં દર્શન પણ કરી આવીએ. " ગાડીમાં બેઠા પછી સિદ્ધાર્થ બોલ્યો અને એણે ગાડી મંદિર તરફ લીધી. મંદિર વિશાળ હતું અને ગણેશજીની પિત્તળની મૂર્તિ પણ ખૂબ જ સરસ હતી.

" અહીં સામે જૈન મંદિર છે. આ રોડ ઉપર આગળ જઈને ડાબી બાજુ વળીએ એટલે રેલ્વે સ્ટેશન આવે અને જમણી બાજુ આગળ વધીએ તો બ્રિજ આવે છે. બ્રિજ ઉતરી જાવ એટલે અંધેરી શરૂ થાય." દર્શન કરીને બહાર આવ્યા પછી સિદ્ધાર્થે કેતનને આખું લોકેશન સમજાવ્યું.

" આપણે બુક કરાવેલા ફ્લેટ અને મંદિર બહુ નજીક નજીક જ છે. " કેતન બોલ્યો.

" હા. આખા એરિયાનો તને ખ્યાલ આવે એટલે જ આખું લોકેશન તને સમજાવી રહ્યો છું. " સિદ્ધાર્થ બોલ્યો.

એ પછી બંને ભાઈઓ ઘરે ગયા. બાર વાગવા આવ્યા હતા અને બધાને ભૂખ લાગી હતી. રેવતીએ આજે રવિવાર હોવાથી દાળઢોકળીનો પ્રોગ્રામ બનાવ્યો હતો. દાળ થઈ ગયેલી હતી અને ઢોકળીનો લોટ પણ બંધાઈ ગયો હતો. ઘરે જઈને ઢોકળી નાખીને દાળ ઉકાળવાની જ હતી.

લગભગ ૪૦ મિનિટમાં દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ અને વઘાર કર્યા પછી બહાર સુધી એની સુગંધ આવવા લાગી.

" કેતનભાઇ તમે લોકો બેસી જાઓ. દાળઢોકળી થઈ ગઈ છે. " રેવતી કિચનમાંથી બોલી.

" તમે પણ સાથે બેસી જ જાઓ ને." કેતને વિવેક કર્યો.

" ના તમે બંને ભાઈઓ જમી લો. તમને પીરસ્યા પછી હું મારા ભાગની બીજી ઢોકળી નાખીશ. એ પણ ૧૦ ૧૫ મિનિટમાં જ થઈ જશે. " રેવતી અંદરથી બોલી.

બંને ભાઈઓ જમવા બેસી ગયા અને રેવતીએ બંનેની થાળી પીરસી દીધી.

" ભાભી આ કેળા અને સિંગદાણાનો આઈડિયા સારો છે. એ નાખવાથી એક અલગ જ ફ્લેવર આવે છે. " કેતન જમતા જમતા બોલ્યો.

" તારી ભાભીને આવા અખતરા કરવાની ટેવ જ છે. રોજ નવરી પડે ત્યારે યુ ટ્યુબ ઉપર નવી નવી રેસીપીના વિડીયો જ જોતી હોય છે " સિદ્ધાર્થ હસીને બોલ્યો.

" તો એમાં ખોટું શું છે ભાઈ ? એ બહાને આપણને તો નવી નવી ડીશો જમવા મળે છે ને !! " કેતન બોલ્યો.

" મને ખબર જ હતી તું એનો જ પક્ષ લેવાનો ! " સિદ્ધાર્થ બોલ્યો.

જમ્યા પછી આરામ કરવા માટે કેતન પોતાના બેડરૂમમાં ગયો. એ સૂવા જ જતો હતો ત્યાં રુચિ મખીજાનો વોટ્સએપ મેસેજ આવ્યો.

રુચિએ ગોરેગાંવના દબાણવાળા પ્લોટમાં રહેતા ૬ માથાભારે શખ્શોનાં નામ મોકલ્યાં હતાં. દરેક નામની નીચે ટૂંકો પરિચય અને દરેકની ડિમાન્ડ પણ લખેલી હતી. કેતને મેસેજને આર્ચિવ કરી દીધો અને સૂઈ ગયો.

૪ વાગે ચા થઈ ગઈ એટલે રેવતીએ એને ઉઠાડ્યો. કેતન ફ્રેશ થઈને લિવિંગ રૂમમાં આવ્યો અને સોફા ઉપર બેઠો. રેવતીએ બંને ભાઈઓના હાથમાં ચાનો કપ આપ્યો.

" તું મુંબઈમાં છો તો મારી ઈચ્છા છે કે તારી હાજરીમાં જ અનિલ સાથે વાતચીત થઈ જાય. કારણ કે તું જતો રહે પછી અમે પડોશી તરીકે અનિલ સાથે આવી નબળાઈની વાત ના કરી શકીએ. તું આટલું છાતી ઠોકીને કહે છે તો તારી વાતનો અલગ પ્રભાવ પડે.
આજે રવિવાર છે તો અનિલ ઘરે જ જશે." સિદ્ધાર્થ બોલ્યો.

" મને કોઈ વાંધો નથી. ગમે તેની સાથે હું બિન્દાસ વાત કરી શકું છું. તમે એને બોલાવો. હું મારા બેડરૂમમાં જ એની સાથે વાત કરીશ જેથી એને કોઈ સંકોચ ના થાય ! " કેતન બોલ્યો.

" તારી વાત સાચી છે. આપણે એમ જ કરીશું. પરંતુ એમાં એક પ્રોબ્લેમ છે. સાચી વાત જાણ્યા પછી અનિલ સ્વાતિ ઉપર જ ગુસ્સે થશે. એને તો એમ જ થશે કે સ્વાતીએ જ રેવતીને પોતાની નબળાઈની વાત કરી હશે. કારણ કે તારી પાસે ગમે એવી શક્તિ હોય પણ અનિલ વિશ્વાસ ના કરી શકે ને ! " સિદ્ધાર્થ બોલ્યો.

" એ તમે મારી ઉપર છોડી દો ભાઈ. અનિલ સ્વાતિ ઉપર બિલકુલ શંકા નહીં કરે એ મારી ગેરંટી !!" કેતન હસીને બોલ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)