Prarambh - 36 in Gujarati Classic Stories by Ashwin Rawal books and stories PDF | પ્રારંભ - 36

Featured Books
Categories
Share

પ્રારંભ - 36

પ્રારંભ પ્રકરણ 36
(આ પ્રકરણમાં સૂક્ષ્મજગતનાં ઘણાં રહસ્યોની વિસ્તાર પૂર્વક ચર્ચા કરેલી છે એટલે એકદમ શાંતિથી વાંચજો. વાર્તાની જેમ ઉતાવળથી ના વાંચશો. જે પણ આ પ્રકરણમાં લખેલું છે તે એકદમ સત્ય છે માત્ર કલ્પના નથી !)

કેતન રામકૃષ્ણ હોટલમાં નિરંજન સ્વામી સાથે મૃત્યુ પછીના જીવન વિશે ચર્ચા કરી રહ્યો હતો. સ્વામીજીએ વિસ્તાર પૂર્વક મૃત્યુ પછી આત્માની ગતિ કેવી રીતે થતી હોય છે તેની ચર્ચા કરી.

" સ્વામીજી આપની પાસેથી ઘણી બાબતો જાણવા મળી. મારા મનમાં કયા પ્રશ્નો છે એ તો આપ જાણી જ ગયા છો !! છતાં હું મારા પ્રશ્નો સ્પષ્ટ કરવા માગું છું. " કેતન હસીને બોલ્યો.

" તારા બધા જ પ્રશ્નોના જવાબ હું આપીશ. " સ્વામીજી હસીને બોલ્યા

" સ્વામીજી આપશ્રીએ શરૂઆતમાં વાત કરી કે આત્મા તેર દિવસ સુધી ઘરમાં રહી શકે છે અને એ પછી એ સૂક્ષ્મ જગતમાં કાયમ માટે ગતિ કરે છે તો એ ક્યાં ગતિ કરે છે એ વિશે વિસ્તારથી જાણવાની ઈચ્છા છે." કેતન બોલ્યો.

" મૃત્યુ પછી આત્મા પોતાના ઘરમાં પરિવારજનો સાથે વધુમાં વધુ તેર દિવસ સુધી રહી શકે છે અને એ દરમિયાન એ આત્મા માટે જે પણ પ્રાર્થના પૂજન ભજન વગેરે કરવામાં આવે છે એનાથી એને ઘણી શાંતિ મળે છે. મૃત્યુ પછી જ એને સમજાય છે કે ઈશ્વરના નામમાં કેટલી તાકાત છે અને અગિયારમા બારમાના પિંડદાન નું કેટલું મહત્વ છે ! " સ્વામીજી બોલી રહ્યા હતા.

"તેરમા દિવસે પિંડદાન પછી આત્માને પોતાનું ઘર અને સ્વજનો છોડવા પડે છે. જે પણ એના માર્ગદર્શક સબંધી એને લેવા આવ્યા હોય એમની સાથે સૂક્ષ્મ જગતમાં આત્મા ઉર્ધ્વ ગતિ કરે છે !! આ આત્માને ચિત્રગુપ્ત પાસે લઈ જવામાં આવે છે એવી કથા શાસ્ત્રોમાં છે પણ રોજ પૃથ્વી ઉપર લાખો કરોડો મૃત્યુ થતાં હોય છે એટલે દરેકના કર્મોનો ન્યાય કરવા માટે કોઈ ચિત્રગુપ્ત નહીં પણ આખું નેટવર્ક જ ગોઠવાયેલું હોય છે. !! " સ્વામીજી બોલી રહ્યા હતા.

"આત્માને કોઈપણ ન્યાય કરતા દિવ્ય આત્મા પાસે લઈ જવામાં આવે છે જે ન્યાયાધીશનું કામ કરે છે. જો મરનાર આત્માએ દીક્ષા લીધેલી હોય કે કોઈ ગુરુ કરેલા હોય અને તીવ્રપણે એમને વળગી રહેલો હોય તો એનો ન્યાય કરનાર મહાત્મા પણ એ જ સંપ્રદાયના કોઈ દિવ્ય સિદ્ધપુરુષ હોય છે. અને એ મહાત્મા જ આત્માની આગળની ગતિ નક્કી કરે છે. પણ આ ગુરુ પોતે સિદ્ધ હોય તો જ આ શક્ય બને છે." સ્વામીજી બોલી રહ્યા હતા.

" દરેક આત્માને પૃથ્વીથી ઘણે દૂર અને ખૂબ ઉંચાઈએ એક ચોક્કસ જગ્યાએ શરૂઆતમાં લઈ જવામાં આવે છે. લઈ જનાર વ્યક્તિ જે તે આત્માનો કોઈ મિત્ર પણ હોઈ શકે છે કે કોઈ સંબંધી પણ હોઈ શકે છે પણ એ એવી વ્યક્તિ હોય છે કે જે સૂક્ષ્મ જગતથી પૂરેપૂરો વાકેફ હોય છે, પરિચિત હોય છે અને એણે સૂક્ષ્મ લોકમાં રહીને આધ્યાત્મિક પ્રગતિ કરી હોય છે. જેથી તે આત્માને એને મળેલા આદેશ મુજબ ચોક્કસ સ્થાને લઈ જાય છે જ્યાં એનાં તમામ કર્મોનો હિસાબ કરવામાં આવે છે. " સ્વામીજીએ કહ્યું.

" આત્માએ પૃથ્વી ઉપર જન્મ લઈને જે પણ સારાં માઠાં કર્મો કર્યાં હોય એનું ગુપ્ત ચિત્ર ત્યાં જોવામાં આવે છે અને પછી કયા લોકમાં એને મોકલવો એ નક્કી કરવામાં આવે છે. એ પ્રથમ લોકમાં એટલે કે પ્રેતલોકમાં પણ પાછો જઈ શકે છે અને સારાં કર્મો કરેલાં હોય તો ચોથા કે પાંચમા લોક સુધી પણ જઈ શકે છે. પણ આ નિર્ણય ત્યાં બેઠેલા સિદ્ધ મહાપુરુષો લેતા હોય છે કે જે ન્યાયાધીશનું કામ કરે છે. " સ્વામીજીએ કહ્યું.

" પૃથ્વી ઉપર રોજેરોજ મૃત્યુ પામતા મોટાભાગના જીવો તો મૂઢ જીવો હોય છે જે પશુઓની જેમ જીવન જીવીને મૃત્યુ પામતા હોય છે. આવા જીવોને ઉપર જવા દેવામાં આવતા નથી પરંતુ તેઓ સીધા પ્રેત બનીને પૃથ્વી ઉપર જ એટલે કે પ્રથમ લોકમાં જ રખડતા હોય છે. અવાવરુ જગ્યાએ પડી રહેતા હોય છે અને રાત્રે બહાર આવતા હોય છે. તેઓ મલિન વસ્તુ જોઈને ભોજન માટે અંદર અંદર ઝઘડતા પણ હોય છે. પોતાની વાસના સંતોષવા ચારે બાજુ ભટકતા હોય છે. ક્યારેક કોઈના શરીરમાં પણ પ્રવેશતા હોય છે. તેમનો દેખાવ પડછાયા જેવો હોય છે અને જમીનથી અધ્ધર ચાલતા હોય છે. એમની હાલત ખૂબ જ દયાજનક હોય છે. " સ્વામીજી બોલી રહ્યા હતા.

"કેટલાક દુષ્ટ આત્માઓ એટલા બધા પાપી હોય છે કે એમને તરત જ પશુયોનિમાં જન્મ લેવાની સજા કરવામાં આવે છે. આખી જિંદગી ભૂત ભુવા અને તાંત્રિક સાધનામાં પસાર કરી હોય એવા આત્માઓને એવી નીચલી શક્તિઓ પાસે જ મોકલી દેવામાં આવે છે જેને તેઓ માનતા હોય ! આ બધી નીચલી કક્ષાની શક્તિઓનાં નાનાં નાનાં મંડલો પહેલા લોકમાં જ હોય છે. આવા ભટકી ગયેલા આત્માઓની સ્થિતિ ખૂબ જ દયાજનક હોય છે." સ્વામીજી બોલ્યા.

"સ્વામીજી તો પછી બીજો એક સવાલ મનમાં પેદા થાય છે. પિંડદાન તો માત્ર હિન્દુઓમાં જ કરવામાં આવે છે. જે લોકો મુસ્લિમ કે ખ્રિસ્તી હોય અથવા તો જૈન કે બૌદ્ધ હોય એવા લોકોની ગતિ ક્યાં થાય છે ? " કેતન બોલ્યો.

" માતાના ગર્ભમાં જ ધર્મ શરૂ થાય છે અને મૃત્યુ સાથે પૂરો થાય છે. મૃત્યુ પછી કોઈ ધર્મ રહેતો જ નથી તો પણ આખું જગત માન્યતાઓથી ચાલે છે એટલે સૂક્ષ્મ શરીર પણ જ્યાં સુધી સાચું જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી ધર્મના વાડામાં ફર્યા કરતું હોય છે." સ્વામીજી બોલતા હતા.

" દરેક લોકમાં ધર્મ પ્રમાણે જુદાં જુદાં મંડલો આવેલાં હોય છે. જેમ પૃથ્વી ઉપર દરિયામાં અનેક પ્રકારના ટાપુઓ અને બેટ આવેલા છે તેમ સૂક્ષ્મ જગતના દરેક લોકમાં પણ જુદાં જુદાં સૂક્ષ્મ મંડલો હોય છે. આ મંડલો જુદા જુદા ધર્મો સાથે સંકળાયેલાં હોય છે." સ્વામીજી બોલી રહ્યા હતા.

" ઉદાહરણ તરીકે આપણે જૈન શાસનની વાત કરીએ તો જૈન ધર્મ પાળનારા શ્રાવકો મૃત્યુ પછી ૧ થી ૪ લોકમાં જૈન શાસનનાં મંડલો તરફ જ ગતિ કરે છે. બૌદ્ધ અનુયાયીઓ બૌદ્ધ મંડલમાં ગતિ કરે. પુષ્ટિમાર્ગીઓનું પુષ્ટિમાર્ગ મંડલ તો સ્વામિનારાયણ ધર્મનું સ્વામિનારાયણ મંડલ હોય છે !! મુસ્લિમો માટે પણ ઈસ્લામ ધર્મની ચેતનાનું બહુ મોટું મંડલ છે તો ખ્રિસ્તી ધર્મ માટે પણ એવું જ મોટું મંડલ દરેક લોકમાં છે. ટૂંકમાં પૃથ્વી ઉપર તમે જેના અનુયાયી હો અથવા જે ચેતનાને તમે માનતા હો એ પ્રમાણે જ તમને જે તે મંડલમાં કે સમુદાયમાં મોકલવામાં આવે છે. પછી એ પ્રથમ લોક હોય બીજો લોક હોય ત્રીજો હોય કે ચોથો હોય. " સ્વામીજી બોલ્યા.

"તને જાણીને આશ્ચર્ય થશે પણ દરેક લોકમાં સૂક્ષ્મ મંદિરો પણ છે અને જે તે ધર્મમાંથી આવેલા આત્માઓ પોતાના મંડલમાં મંદિરોમાં દર્શન કરવા અને જ્ઞાન મેળવવા પણ જતા હોય છે. સૂક્ષ્મ જગતમાં મેં શિવ મંદિરો, શ્રીરામનાં મંદિરો, શ્રી કૃષ્ણ મંદિરો, જગદંબાનાં મંદિરો, જૈન મંદિરો, સ્વામિનારાયણ મંદિરો, સાંઈબાબાનાં મંદિરો, ચર્ચ, મસ્જિદ વગેરે પણ જોયાં છે. પણ હું આ બધું કોઈ ને સમજાવી શકતો નથી. તું ખૂબ શ્રદ્ધા અને જિજ્ઞાસાથી મારી પાસે આવ્યો છે તો હું તને આ સનાતન સત્ય બતાવી રહ્યો છું. માનવું ન માનવું તારા મનની વાત છે. " સ્વામીજી બોલ્યા.

"જ્યાં સુધી જીવ ધર્મના વાડામાં ફસાયેલો હોય છે ત્યાં સુધી આત્માને પાંચમા લોકમાં પ્રવેશ મળતો નથી. જેમ સન્યાસી બન્યા પછી કોઈ જ્ઞાતિ એટલે કે નાત જાત રહેતી નથી એવી જ રીતે પાંચમા અને છઠ્ઠા લોકમાં કોઈ ધર્મ રહેતો જ નથી. એક માત્ર સચ્ચિદાનંદ પરમ તત્વ !! " સ્વામીજીએ પોતાની વાત પૂરી કરી.

"જી સ્વામીજી. હવે મને સૂક્ષ્મ જગત વિશે થોડોક પરિચય આપો. એટલે કે ત્યાં વાતાવરણ કેવું હોય છે તે બધું જાણવાની પણ મને ઈચ્છા છે. " કેતન બોલ્યો.

"એક માત્ર પ્રથમ લોકને બાદ કરતાં સૂક્ષ્મ જગતમાં આવેલા તમામ લોક એક પ્રકાશમય વાતાવરણના બનેલા હોય છે અને સૂર્યમંડળમાં જ આવેલા છે. આ તમામ લોકમાં સૂર્યનો કોમળ પ્રકાશ ચોવીસ કલાક આવતો હોય છે. તે દઝાડતો નથી પણ સવારની જેમ શીતલ હોય છે. પૃથ્વી કરતાં આ પ્રકાશ થોડો જુદો અને આછા બ્લૂ રંગનો હોય છે. જેમ જેમ ઊંચા લોકમાં જાઓ તેમ તેમ આ પ્રકાશ વધુ તેજસ્વી હોય છે. અહીં રાત પડતી નથી અને સવાર બપોર સાંજ જેવું પણ કંઇ હોતું નથી. તમે કલ્પના પણ ન કરી હોય એવી અદભુત સુગંધનું અહીં વાતાવરણ હોય છે" સ્વામીજી બોલી રહ્યા હતા.

" કોઈપણ લોકમાં પૃથ્વીની જેમ કોઈ વસ્તુ સ્થૂળ નથી પણ સૂક્ષ્મ છે. તમામ લોકમાં પાણીનાં જળાશયો છે. બાગ બગીચાઓ છે. સુંદર વૃક્ષો અને ફૂલો છે. ઈશ્વરનાં દિવ્ય મંદિરો પણ છે પણ એ બધું જ સૂક્ષ્મ છે. તમે નરી આંખે ન જોઈ શકો. સૂક્ષ્મ શરીર દ્વારા જ તે જોઈ શકાય છે અને અનુભવી શકાય છે. ટૂંકમાં કહું તો આ એક મનોમય જગત છે . " સ્વામીજી વર્ણન કરી રહ્યા હતા.

" સૂક્ષ્મ જીવ પોતાની ઈચ્છા પ્રમાણે ગમે ત્યાં એક ક્ષણમાં જઈ શકે. પાણી પીવાની ઈચ્છા થાય તો એક ક્ષણમાં એ જળાશય પાસે પહોંચી શકે. જમવાની ઈચ્છા થાય તો જે ઈચ્છા હોય તે ભોજન મળે. કોઈ સ્વજનને કે પૂર્વજન્મના કોઈ મિત્રને મળવા માંગે તો વિચાર માત્રથી મુલાકાત થઈ શકે. સંકલ્પ માત્રથી બધું મળે. પરંતુ આ બધું ત્રીજા લોકથી ચાલુ થાય. પહેલો લોક તો માત્ર મૂઢ અને હલકા જીવો માટે છે. " સ્વામીજીએ કહ્યું.

"કર્મો અને વાસનાના તીવ્ર બંધનવાળા સૂક્ષ્મ જીવો ત્રણ લોકથી આગળ જઈ શકતા નથી. પ્રથમ ત્રણ લોકને પિતૃલોક પણ કહેવામાં આવે છે અને ત્યાં મોટાભાગે અત્યંત વાસનાવાળા અને પાપ કર્મોના બંધનવાળા જીવો વસે છે . ત્રણ લોક સુધી પુનર્જન્મ ફરજિયાત હોય છે અને યોગ્ય વાતાવરણ મળે એટલે નવો જન્મ લેવાનો આદેશ મળે છે." સ્વામીજી બોલતા હતા.

"પ્રથમ લોક એટલે કે ભુઃ લોક પૃથ્વી સાથે જ જોડાયેલો હોય છે અને મોટા ભાગના પ્રેત અવસ્થાના જીવો અહીં રહે છે. આ લોકમાં જીવો માટે કોઈ સગવડ નથી કે પૂરતો સૂર્યપ્રકાશ પણ નથી. આ લોકમાં રહેલા જીવો પોતાનાં પાપ કર્મોની કડક સજા પણ ભોગવે છે અને પશુઓ જેવું જીવન આ લોકમાં ભોગવે છે. ખૂબ જ માનસિક વેદના પણ ભોગવે છે અને બીજા હલકા આત્માઓ પણ તેમને પજવતા હોય છે. નર્ક લોકનો તમામ ત્રાસદાયક અનુભવ આ પ્રથમ લોકમાં થાય છે. પાપ કર્મોની તમામ સજા આ લોકમાં જ મળે છે." નિરંજન સ્વામી બોલ્યા.

" ભુવહ્ લોક અંતરીક્ષ પણ કહેવાય છે અને ત્યાં એવા જીવો રહે છે કે જે ભૂતપ્રેત કક્ષામાં નથી આવતા પણ એમને પૈસાનો, પરિવારનો, વાસના ભોગવવાનો અને સત્તાનો મોહ હોય છે અને જે ધર્મથી વિમુખ છે અને ઉપરના લોકમાં જવા નથી માંગતા. આ જીવો પોતાના બાકીના કર્મો ભોગવવા માટે ફરી જન્મ લેવા માટે એકદમ તૈયાર હોય છે. આ લોકમાં પણ કર્મોની સજા મળતી જ હોય છે પણ સાથે સાથે જપ તપ ધ્યાન અને પ્રાર્થના કરવાની તક પણ મળે છે " સ્વામીજી બોલતા હતા.

" એનાથી ઉપર ત્રીજો સ્વહ લોક છે. જેને તમે સ્વર્ગ લોક પણ કહી શકો. હકીકતમાં જે પણ જીવો સ્થૂળ દેહમાં રહીને સારા પુણ્ય કર્મો કરે છે, લોકોની સેવા કરે છે, ભૂખ્યાને જમાડે છે અને થોડી ઘણી પણ ભક્તિ કરે છે એ બધાને આ ત્રીજા લોકમાં લઈ આવવામાં આવે છે જ્યાં સૂક્ષ્મ શરીર તમામ પ્રકારનાં સુખો અને ભોગો ભોગવે છે અને પૂણ્ય સમાપ્ત થતાં ફરી પાછો જન્મ લઈ લે છે." સ્વામીજી બોલી રહ્યા હતા.

" ચોથા લોકમાં થોડી આઝાદી હોય છે. જેમાં તમે ઇચ્છો ત્યાં સુધી રહી શકો છો અને ઈચ્છો ત્યારે જન્મ પણ લઈ શકો છો. તમામ વિદ્યા અને તમામ કળાઓનું જ્ઞાન આ ચોથા લોકોમાંથી આપવામાં આવી છે. ગંધર્વ લોક અને વિદ્યાધર લોક આ ચોથા લોક સાથે જોડાયેલો છે. આ લોક સાચા અર્થમાં સ્વર્ગ જેવો કહી શકાય. " સ્વામીજી બોલ્યા.

" જેમને માત્ર ઈશ્વરમાં જ રસ છે અને મુક્તિના માર્ગે આગળ વધવું છે અને લોકોનું કલ્યાણ કરવું છે એવા પવિત્ર આત્માઓને પાંચમા લોકમાં પ્રવેશ મળે છે. પાંચમા લોકમાં વસેલા આત્માઓ પ્રાર્થના, જપ, તપ અને સતત ધ્યાન કરતા હોય છે. " સ્વામીજી બોલ્યા.

" સ્વામીજી એક સવાલ પૂછવાનું મન થાય છે. આત્મા ચિત્રગુપ્તના વિભાગમાં ગયા પછી એને ક્યાં મોકલવો એ કઈ રીતે નક્કી કરવામાં આવે છે એના માપદંડ શું છે ? " કેતન બોલ્યો.

" કર્મ અને માત્ર કર્મ !! તમે સમગ્ર જીવન દરમિયાન સારા કે ખરાબ જે પણ કર્મ કર્યા હોય એનો સંપૂર્ણ રેકોર્ડ જે તે ન્યાયાધીશની સામે આવી જાય છે. ઇરાદાપૂર્વક કરેલા ખરાબ કર્મો અને અજાણતા થયેલા ખરાબ કર્મો બંનેની સજા જુદી હોય છે. તમારા સૂક્ષ્મ શરીર સાથે માનસ પટલ પણ જોડાયેલું હોય છે એ પણ વાંચી લેવામાં આવે છે કે તમારી વૃત્તિઓ કેવી છે. તમારી અતૃપ્ત ઇચ્છાઓ વાસનાઓ વગેરેની પણ નોંધ લેવાય છે અને એ પ્રમાણે ફરી જન્મ આપવો કે સૂક્ષ્મ જગતમાં આત્માને થોડો સમય રહેવા દેવો એ નક્કી કરવામાં આવે છે. " સ્વામીજી બોલ્યા.

"ન્યાય આપનાર એ દિવ્ય મહાત્માઓ પાસે આત્માને પારખવાની એક અલગ દ્રષ્ટિ હોય છે એટલે બરાબર યોગ્ય ન્યાય એ મહાત્માઓ આપતા હોય છે. સૂક્ષ્મ શરીરની ઈચ્છા ફરી જન્મ લઈને ખરાબ કર્મો સજા રૂપે ભોગવી લેવાની હોય તો એને એક તક આપવામાં આવે છે અને જો એ થોડાં વર્ષો સૂક્ષ્મલોકમાં જ રહેવાની ઇચ્છા રાખતો હોય તો એ પ્રમાણે જ જે તે લોકમાં મોકલવામાં આવે છે. " સ્વામીજી બોલ્યા.

"સ્વામીજી સૂક્ષ્મ શરીર કેવું હોય છે ?" કેતને પૂછ્યું.

"સૂક્ષ્મ શરીર નાની-નાની સફેદ વાદળીઓ જેવું હોય છે. તેનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. સૂક્ષ્મ શરીર કોઈપણ આકાર લઇ શકે છે અને દીવાલની આરપાર પણ જઈ શકે છે. શરીરમાંથી આત્મા છૂટો પડે ત્યારે તેને આપણે જોઈ શકતા નથી કારણ કે આપણી આંખોની એક મર્યાદા હોય છે. " સ્વામીજી બોલતા હતા.

"જેટલો આત્મા પવિત્ર હોય એટલો તે એકદમ સફેદ, પ્રકાશમય અને ચમકતો હોય છે તથા હલકો હોય છે. જ્યારે પાપકર્મોથી ઘેરાયેલો આત્મા કાળી વાદળી જેવો હોય છે અને ભારે હોય છે. " સ્વામીજી બોલ્યા.

" સૂક્ષ્મ શરીર ઉંમરથી પર હોય છે. વૃદ્ધાવસ્થામાં મૃત્યુ થાય તો પણ એનું સૂક્ષ્મ શરીર યુવાન અવસ્થા જેવું બહાર આવે છે. પરંતુ તે ધારે તે સ્વરૂપ ધારણ કરી શકે છે. સુક્ષ્મ શરીરને કોઈપણ જાતની પીડા થતી નથી અને તે કોઈ પણ સ્થૂળ પદાર્થમાંથી આરપાર જઈ શકે છે." સ્વામીજી બોલ્યા.

"સ્વામીજી વ્યક્તિ મૃત્યુ પામી જાય પછી કેટલાં વર્ષ પછી ફરી જન્મ લે છે ? " કેતન બોલ્યો.

" ફરી જન્મ લેવા માટે કોઈ નિશ્ચિત સમય હોતો નથી. ક્યારેક તરત જન્મ થાય તો ક્યારેક બે-ત્રણ વર્ષમાં પણ જન્મ થાય. ક્યારેક સો-બસો વર્ષ પણ નીકળી જાય. પાપ કર્મો વધારે હોય તો જલ્દી જન્મ થાય છે કારણકે એ પાપ કર્મોના ભોગવટા માટે જન્મ લેવો જ પડે છે. " સ્વામીજી બોલતા હતા.

" દરેક આત્મા પોતાના કર્મો પ્રમાણે યોગ્ય મા-બાપની પસંદગી કરે છે અને પછી જ ગર્ભમાં પ્રવેશ કરે છે. પોતે કરેલાં પાપ કર્મોની સજા રુપે નવા જન્મમાં કયાં કયાં દુઃખો સહન કરી લેવાં એ પણ આત્મા પહેલેથી જ નક્કી કરીને નવો જન્મ ધારણ કરે છે પણ જન્મ ધારણ કર્યા પછી એ બધું ભૂલી જાય છે એટલે વધુ દુઃખી થાય છે અને ભગવાનને દોષ દે છે. " સ્વામીજી બોલ્યા.

" સ્વામીજી ઘણીવાર ગર્ભમાં જ કોઈ બાળક મૃત્યુ પામે, ઘણી વાર ત્રણ મહિનાનું બાળક મૃત્યુ પામે, ઘણી વાર સાત આઠ વર્ષે મૃત્યુ થાય તો મૃત્યુ પછી આવાં બાળકોનું શું ? એમની કોણ સંભાળ રાખે ? " કેતન બોલ્યો.

"સૌથી પહેલાં એક વાત સમજી લે કે તમામ અવસ્થાઓ માત્ર પૃથ્વી ઉપર જન્મ લીધા પછી પ્રાપ્ત થાય છે. મૃત્યુ પછીના આત્મજગતમાં કોઈ અવસ્થા હોતી નથી. ત્યાં બાળક યુવાન પ્રૌઢ વૃદ્ધ જેવું કંઇ હોતું નથી. આત્મા એટલે માત્ર આત્મા. હા એ વાત સાચી છે કે સૂક્ષ્મ જગતમાં તમે કોઈપણ સ્વરૂપે રહી શકો છો. તમારી મરજી મુજબનું રૂપ ધારણ કરી શકો છો." સ્વામીજીએ કહ્યું.

"સૂક્ષ્મ જગતમાં મેં બાળકોને રમતાં પણ જોયાં છે. પરંતુ એ મૃત્યુ પામેલાં બાળકો નહોતાં. એમની સાથે રહેતા એક દિવ્ય આત્માને મેં બાળકો વિષે પૂછેલું તો એમણે કહ્યું કે હકીકતમાં આ બાળકો નથી પરંતુ કેટલાક આત્માઓ જ્ઞાનશાળામાં બાળકો તરીકે બેસવાનું પસંદ કરે છે તો કેટલાક આત્માઓ પોતાના પૂર્વ જીવનને યાદ કરી બાળક બનીને વિવિધ રમતો રમતાં હોય છે." સ્વામીજી બોલતા હતા.

" અભ્યાસ પૂરો થાય કે રમતો પૂરી થાય એટલે આ બધાં બાળકો પાછાં પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. મૂળ સ્વરૂપમાં કોઈ જ આકાર હોતો નથી. નાની નાની સફેદ વાદળીઓ જેવું સૂક્ષ્મ સ્વરૂપ દેખાતું હોય છે. જેટલો આત્મા શુદ્ધ એટલો તે પ્રકાશમય દેખાતો હોય " સ્વામીજી બોલ્યા.

" ત્રીજા અને ચોથા લોકમાં આત્માની આધ્યાત્મિક પ્રગતિ માટે જ્ઞાનશાળાઓ હોય છે જેમાં માત્ર ઈશ્વર વિશેની જ ચર્ચા થતી હોય છે. આત્માની ઉન્નતિના માર્ગો બતાવવામાં આવે છે. આ જ્ઞાનશાળામાં ઉપનિષદો અને ગીતાના પાઠ ભણાવવામાં આવે છે. એનાં રહસ્યો સમજાવવામાં આવે છે." સ્વામીજી બોલ્યા.

" મૃત્યુ પહેલાં કેટલીક આધ્યાત્મિક પ્રગતિ કરવી ખૂબ જ જરૂરી હોય છે જેથી પ્રથમ લોકમાં અટકી ના જવાય. ગીતાનું વાંચન અને ગાયત્રીની ઉપાસના તમને બીજા કે ત્રીજા લોકમાં લઈ જવા માટે ખૂબ જ મદદ કરે છે. ગાયત્રી મંત્રથી હલકાં પ્રેતો પણ તમારાથી દૂર ભાગતાં હોય છે એટલે ઉપર કોઈ તમને હેરાન કરી શકતું નથી. " સ્વામીજી બોલ્યા.

" જી સ્વામીજી. " કેતન બોલ્યો.

"એ સિવાય જે લોકો ગાયત્રી મંત્ર ના કરી શકતા હોય તેમણે ભગવાનનું અખંડ નામ સ્મરણ કરવું. પછી એ શ્રી રામ જય રામ જય જય રામ હોય, રાધે રાધે હોય, શ્રીકૃષ્ણ શરણં મમ હોય, ૐ નમઃ શિવાય હોય કે પછી હરીઃ ૐ મંત્ર હોય. તમે જો અખંડ નામ સ્મરણ આખી જિંદગી કરતા હશો તો મૃત્યુ વખતે વેદના નહીં થાય અને મૃત્યુ પછી તમારા માટે સીધા ચોથા લોકના દરવાજા ખુલ્લા હશે. ! " સ્વામીજીએ પોતાની વાત પૂરી કરી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)