What things to keep in mind while writing a story? in Gujarati Short Stories by Jagruti Pandya books and stories PDF | વાર્તા લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ?

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

વાર્તા લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ?

વાર્તા લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું?



નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? તો ચાલો આજે આપણે કંઈક નવું જાણીએ નવું શીખીએ. તમને વાર્તા સાંભળવી ગમે છે ને? એ જ રીતે વાર્તા વાંચવી પણ ગમતી હશે. વાર્તા નાનાં મોટાં સૌને ગમતી હોય છે. તો આવી વાર્તાઓ આપણે જાતે લખીએ તો કેવી મજા પડે! તો ચાલો આજે આપણે વાર્તા લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે જાણીએ.

વાર્તાઓનું વધારે વાંચન કરો :

હા, બાળકો આપણી લખાણની ભાષા સારી કરવા માટે અથવા આપણું લખાણ સુધારવા માટે વાર્તાઓ કે બાલવાર્તાઓનું વાંચન વધારો. જેટલું તમે વધારે વાંચશો એટલું સરસ તમે લખી શકશો. પુસ્તકોનું વાંચન તમને સારું લખવામાં ખૂબ મદદ કરશે. પુષ્કળ પ્રમાણમાં વાંચન કરો.


વિષય પસંદગી :

બાળકો, આપણે વાર્તા લખતી વખતે સૌ પ્રથમ કયા વિષય પર લખવી છે તે પ્રથમ વિચારી લેવું જોઈએ. આપણે પ્રાણી, પશુ કે પંખીની વાર્તા લખવી છે. દાદા દાદીની વાર્તા લખવી છે. રાજાની વાર્તા લખવી છે કે પછી તમારાં મિત્રોની વાર્તા લખવી છે તે વિચારી લેવું પડે. એ પછી વાર્તા તમારે કોઈ ઘટનાને લગતી લખવી છે કે પછી કોઈ તહેવારને અનુલક્ષીને લખવી છે કે પછી કોઈ જૂના જમાનામાં બનેલી ઘટના કે જે તમે સાંભળેલી હોય તે વિષે લખવી છે. આ બધી જ બાબત સૌ પ્રથમ વિચારી લેવી.

શીર્ષકની પસંદગી :

શીર્ષકની પસંદગી એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તમે એવું શીર્ષક પસંદ કરો કે જેથી અંદર લખેલી વાર્તા વાંચવાનું મન થાય. શીર્ષક અલગ જ પ્રકારનું પસંદ કરો. ચીલાચાલુ કે વારંવાર ઉપયોગમાં લેવામાં આવતું શીર્ષક પસંદ કરો નહીં. એક જ શીર્ષક પરથી ક્યારેક આખી વાર્તાનો ટૂંક સાર પણ સમાઈ જાય તેવું પસંદ કરો. નકારાત્મક શીર્ષક કદી ન રાખવું. એક આદર્શ શીર્ષક પસંદ કરવું. ક્યારેક શીર્ષક માંથી આપણને બોધ પણ મળી શકે છે એ રીતનું પસંદ કરો.


ભાષા શુદ્ધિ :

વાર્તાલેખનમાં ભાષા શુદ્ધિ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. શુદ્ધ ભાષામાં લખેલું સૌને વાંચવું ગમે છે. ઘણી વખતે બાળકો જે તે પ્રદેશમાં બોલાતાં શબ્દોનો પ્રયોગ કરે છે, આવાં શબ્દો ફક્ત બોલવા માટે જ ઉપયોગ કરો. લખવામાં આવાં શબ્દો વાંચનારને ઘણી વખત તકલીફ પડે છે. તમારી પ્રાદેશિક ભાષામાં વપરાતો શબ્દ હોય તે બીજા પ્રદેશમાં , એનો અલગ અર્થ નીકળતો હોય તે સમયે વાર્તામાં જે કહેવા માંગીએ છીએ તે બદલાઈ જાય છે. અર્થનો અનર્થ થઈ જાય છે. તમે ભલે ' હું હ ' આમ બોલતાં હોવ પણ લખો ત્યારે "શું છે " લખો.

વિરામ ચિહ્નો :

વિરામ ચિહ્નો ખૂબ જ જરૂરી છે. વિરામ ચિહ્નોના ઉપયોગ વિનાનું લખાણ અસરકારક નથી રહેતું. વિરામ ચિહ્નોના ઉપયોગ દ્રારા કરેલું લખાણ વાંચતી વખતે સારી રીતે સમજાય છે. વિરામચિહ્નોથી વાર્તામાં આવતાં ભાવો પ્રગટ કરી શકાય છે. ઘણી વખત વિરામચિહ્નો ક્યાં મુકવા તેની સમજ ન હોય તો, ભાવોનો અર્થ બદલાઈ જાય છે. ટુંકમાં ભાવવાહી વાર્તા લખવા માટે વિરામચિહ્નો ખૂબ જ જરૂરી છે.

લખાણમાં જોડણી :

વાર્તા લેખનમાં જોડણીમાં ખાસ ધ્યાન રાખવું પડે. જો જોડણીના નિયમોને ધ્યાનમાં ન રાખીએ તો વાંચતી વખતે સમજ પડતી નથી. અર્થ બદલાઈ જાય છે. કઈ કઈ જગ્યાએ હસ્વાઈ , દીર્ઘઈ કે હસ્વઉ કે દીર્ઘઊં મુકાય તેનું ખાસ ઘ્યાન રાખવું પડે નહીતર અર્થ બદલાઈ જાય. ઉદાહરણ જોઈએ તો, દીન અને દિન બંનેના અર્થ અલગ અલગ થાય છે. માટે વાર્તા લેખન વખતે જોડણીનુ ખાસ ધ્યાન રાખવું પડે છે.

રસપ્રદ શૈલી :

તમારી લખેલી વાર્તા બધાંને વાંચવી ગમે તેવી રસપ્રદ લખવી. આગળ વાંચવાની ગમે જ નહીં તેવી વાર્તાઓ ન લખાય. આપણી લખેલી વાર્તા છેક સુધી વાંચવી ગમે તેવી સુંદર અને રસાળ શૈલીમાં લખો. વાર્તામાં રસ પડે તેવાં પાત્રો અને પ્રસંગો પસંદ કરો.


જોયું ને, વાર્તા લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. આ બધી જ બાબતોનું ધ્યાન રાખીને વાર્તા લખવાથી સૌને આપણી લખેલી વાર્તા વાંચવી ગમે છે. વાર્તામાં રસ પડે છે અને સૌને વાંચવી ગમે. તો આજથી જ સરસ મજાની વાર્તાઓ લખવાની શરુ કરી દો. અને હા, ખાસ મારે એ કહેવું છે કે તમે લખેલી વાર્તા મને પણ મોકલો. તમારી લખેલી સુંદર મજાની વાર્તાઓ મને પણ વાંચવી ગમશે. તો મને મારા વોટ્સ એપ નંબર પર લખેલી વાર્તાઓ મોકલશોને ?