Khauf - 14 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | ખોફ - 14

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

ખોફ - 14

14

એચ. કે. કૉલેજના ભોંયરાના એ રૂમમાં, પટારાની અંદર પડેલી મંજરીની ખવાઈ ગયેલી લાશ જોઈને આરસીના મોઢેથી ચીસ નીકળી ગઈ, અને એ સાથે જ અત્યારે આરસીની નજર સામે ફિલ્મના દૃશ્યની જેમ, પચીસ વરસ પહેલાંનું દૃશ્ય તરવરી ઊઠયું....

....મંજરી એક યુવાન સામે ઊભી હતી. એ યુવાનનો ચહેરો દેખાતો નહોતો. એ યુવાને મંજરીને બન્ને ખભા પાસેથી પકડીને પોતાની તરફ ખેંચી. મંજરીએ એ યુવાનના હાથમાં બચકું ભર્યું. એ યુવાને મંજરીના ગાલ પર જોરદાર તમાચો ઝીંકી દીધો. મંજરી પાછળની તરફ ગબડી. એનું માથું પાછળ પડેલા ટેબલ સાથે અફળાયું, અને બીજી જ પળે મંજરી જમીન પર પટકાઈ. મંજરીની આંખો ફાટેલી રહી ગઈ. મંજરીના કપાળેથી લોહી નીકળવા માંડયું. એ યુવાને ઘુંટણિયે બેસીને મંજરીને હલબલાવી, પણ મંજરી લાશની જેમ જ પડી રહી.

અને આની સાથે જ આરસીની નજર સામેનું દૃશ્ય પલટાયું.

આરસીની નજર સામેથી મંજરીની લાશ દૂર થઈ અને મોટો પટારો તરવરી ઉઠયો. એ પટારામાં યુવાને મંજરીની લાશ મૂકી અને પટારો બંધ કરી દીધો. બે પળ અંધારું છવાઈ ગયું અને ત્રીજી જ પળે પટારામાં પુરાયેલી મંજરીની લાશ દેખાઈ. મંજરીની લાશ સળવળી અને પછી મંજરી ચીસો પાડતી-પટારામાંથી બહાર નીકળવાના ધમપછાડા કરવા માંડી અને પછી એ ધમપછાડા કરીને થાકી-હારી હોય એમ શાંત થઈ ગઈ. હવે પાછી સ્થિર પડેલી મંજરીની લાશ દેખાઈ.

અને આની બીજી જ પળે આરસીની નજર સામેથી મંજરીની આ લાશવાળું દૃશ્ય દૂર થઈ ગયું. તેની નજર સામે હવે ફરી અત્યારનું દૃશ્ય દેખાવા માંડયું.

અત્યારે તેની નજર સામે, પટારામાં મંજરીની ખવાઈ ગયેલી લાશ પડી હતી. મંજરીની લાશ ખવાઈને હાડપિંજર બની ચૂકી હતી. એની લાશ પરના ગુલાબી ડ્રેસના પણ લીરે-લીરાં થઈ ચૂકયાં હતાં.

મંજરીની આ લાશ જોઈને શરીરમાં ફરી વળેલી અરેરાટીને ખાળતાં આરસી દુઃખ અને દર્દભરી નજરે મંજરીની લાશ તરફ જોઈ રહી, ત્યાં જ આરસીના મનમાં માયાએ કહેલી વાત ગુંજી ઊઠી : ‘‘તારે મને એ વાયદો કરવો પડશે કે, મંજરીની લાશ મળે એટલે તું જરાય સમય નહિ બગાડે. તું પોલીસ વગેરેને એની લાશ સોંપવાને બદલે સીધો જ લાશનો અંતિમસંસ્કાર કરી દઈશ.’’

આરસીએ એક નિશ્વાસ નાંખ્યો અને ઊભી થઈ. ‘તેણે લાશને કોઈ કપડાંમાં લપેટી લઈને અહીંથી નીકળી જવું જોઈએ.’ વિચારતાં તેણે આસપાસમાં ઝડપી નજર ફેરવી, પણ તેને એવું કોઈ કપડું દેખાયું નહિ, ત્યાં જ તેનું ધ્યાન તેણે ઓઢેલા દુપટ્ટા તરફ ખેંચાયું. તેણે પોતાનો દુપટ્ટો ઊતાર્યો. તે વાંકી વળી અને મંજરીની લાશ તરફ દુપટ્ટાવાળો હાથ આગળ વધાર્યો. તેનો હાથ ધ્રુજ્યો ને રોકાઈ ગયો, ત્યાં જ તેના કાને આગળના હૉલમાંથી કોઈકના પગલાંનો અવાજ સંભળાયો. તે ચોંકી. તેના ચહેરા પર ભય આવી ગયો. ‘....કોઈ આવી ગયું લાગે છે, હવે ? !’ અને આગળ વિચારવા રોકાયા વિના જ આરસીએ મંજરીની લાશ પર ઝડપભેર દુપટ્ટો લપેટયો અને મંજરીની લાશ ઉઠાવીને દરવાજા તરફ વળી.

દરવાજાની પેલી તરફ આવેલા મોટા હૉલ જેવા રૂમમાંથી પગલાંનો અવાજ આ તરફ જ આવતો હોય એવું લાગ્યું. આરસીએ આસપાસમાં ઉતાવળી નજર દોડાવી. તેની નજર થોડાંક પગલાં દૂર પડેલા મોટા-ઊંચા કબાટ પર પડી અને તે મંજરીની લાશ સાથે ઝડપભેર એ તરફ સરકી.

ત્યારે આ રૂમની અંદર દાખલ થવાના એ દરવાજાથી ત્રણ પગલાં દૂર પહોંચેલી કાળા લાંબા કોટ અને માથે કાળી કેપ પહેરેલી વ્યક્તિ ઊભી રહી. એે વ્યકિત પોતાના કાન સરવા કરીને સામેના દરવાજાની અંદરની હીલચાલ પામવાનો પ્રયત્ન કરતાં થોડીક પળો ત્યાં જ ઊભી રહી અને પછી સામેના રૂમના દરવાજા તરફ આગળ વધી.

પહેલા, બીજા, ત્રીજા અને ચોથા પગલે એ વ્યક્તિ સામેના રૂમના દરવાજાની અંદર દાખલ થઈ.

આ રૂમના દરવાજાની ડાબી બાજુ, થોડેક દૂર પડેલા લાકડાના ઊંચા કબાટ પાછળ મંજરીની લાશ લઈને ઊભેલી આરસીએ પોતાના હૃદયના ધબકારા એ વ્યક્તિને સંભળાઈ ન જાય એ માટે જાણે શ્વાસ રોકી લીધો.

એક-બે-ત્રણ-ચાર-પાંચ પળો વીતી અને છઠ્ઠી પળે આરસીને કબાટની ડાબી બાજુથી, કાળા લાંબા કોટ અને કાળી કેપ પહેરેલી વ્યક્તિની પીઠ દેખાઈ. એ વ્યકિત થોડેક દૂર પડેલા ખુલ્લા પટારા તરફ આગળ વધી.

હવે આરસી જરાય અવાજ ન થાય એ રીતના મંજરીની લાશ સાથે જમણી બાજુ, ચાર પગલાં દૂર આવેલા આ રૂમના દરવાજા તરફ આગળ વધી. તે પહેલું-બીજું-ત્રીજું અને ચોથું પગલું ભરીને રૂમના દરવાજા પાસે પહોંચી. તે આ રૂમમાંથી બાજુના હૉલ જેવા મોટા રૂમમાં પહોંચી. મંજરીની લાશને બાજુ પર મૂકીને તેણે દરવાજો બંધ કર્યો, એમાં થોડોક અવાજ થઈ ગયો. તેણે પળનો સમય પણ બગાડયા વિના સ્ટૉપર લગાવી દીધી.

તો રૂમનો દરવાજો બંધ થવાનો અવાજ કાને પડતાં જ ખાલી પટારા નજીક પહોંચેલી કાળા લાંબા કોટવાળી એ વ્યક્તિ દરવાજા તરફ ફરી. રૂમનો દરવાજો બંધ થઈ ચુકેલો જોતાં જ એ વ્યક્તિ દરવાજા તરફ ધસી.

તો બંધ દરવાજાની પેલી તરફના હૉલ જેવા મોટા રૂમમાં મંજરીની લાશ પોતાના ખભે ઊઠાવી ચૂકેલી આરસી આ મોટા રૂમની બહાર નીકળી જવાના દરવાજા તરફ દોડી. પાંચમી પળે તે એ મોટા રૂમના દરવાજાની બહાર નીકળી અને સામેની ઊપરની તરફ જતી સીડીના પગથિયા તરફ આગળ વધી ગઈ.

ધમ્‌...!

આરસીએ સીડીના પહેલે પગથિયે પગ મૂકયો, ત્યાં જ તેના કાને અવાજ સંભળાયો.

તે સમજી ગઈ. કાળા લાંબા કોટ અને માથે કાળી કેપ પહેરેલી વ્યક્તિ તેની પાછળ આવવા માટે, તેણે બંધ કરેલો પેલા રૂમનો દરવાજો ખોલવાનો-તોડવાનો પ્રયત્ન કરી રહી હતી.

ધમ્‌....! ફરી અવાજ આવ્યો.

આરસી મંજરીની લાશ સાથે સીડીના પગથિયાં ચઢતી અડધી સીડીએ પહોંચી.

ધમ્‌...! ધમ્‌...! ધમ્‌...!ના જોરદાર અવાજ સાથે એ વ્યક્તિનો પેલા રૂમનો દરવાજો તોડવાનો પ્રયત્ન ચાલુ હતો.

ધમ્‌....!

આરસી સીડીના ઊપરના છેલ્લા પગથિયે પહોંચી અને કૉલેજની બહાર નીકળવા માટે મુખ્ય દરવાજા તરફ વળી.

ધમ્‌....! ધમ્‌....! ધમ્‌....! નીચેથી દરવાજો તોડવા માટેનો ગુંજતો અવાજ આરસીનો ગભરાટ વધારી રહ્યો હતો. તે ઝડપભેર ત્રણ પગલાં દોડી ત્યાં જ તેનો એક પગ બીજા પગ સાથે અટવાયો અને તે મંજરીની લાશ સાથે જમીન પર પટકાઈ. તેના મોઢેથી એક ચીસ નીકળી ગઈ.

તે તુરત જ પાછી ઊભી થઈ ગઈ. તેણે જોયું તો દુપટ્ટામાં લપેટાયેલી મંજરીની લાશના હાથના હાડકાં તૂટીને જમીન પર પડી ગયાં હતાં.

ધમ્‌....!

તેણે કંપતા હાથે એ હાડકાં ઉપાડીને પાછા દુપટ્ટામાં મૂકવા માંડયા.

ધમ્‌....!

તેણે હવે બન્ને હાથોમાં મંજરીની લાશ ઊઠાવી અને કૉલેજના મુખ્ય દરવાજા તરફ દોડી.

ધમ્‌....! ધમ્‌....! ધમ્‌....!

નીચે ભોંયરામાં કાળા લાંબા કોટવાળી એ વ્યક્તિ એટલા જોરથી હાથમાંની લોખંડની પાઈપ દરવાજા સાથે ફટકારી રહી હતી કે હવે બીજી બાજુની-હૉલ જેવા મોટા એ રૂમમાંની દરવાજાની બંધ સ્ટૉપર પોતાની જગ્યામાંથી ઊખડી જવાની તૈયારીમાં હતી.

ધમ્‌...! ધમ્‌...! ધમ્‌...!

હવે એ સ્ટૉપર બીજા બે-ત્રણ ફટકામાં જ પોતાની જગ્યા પરથી ઊખડી જાય એમ હતી અને એ વ્યક્તિ એ રૂમમાંથી બહાર નીકળીને આરસી પાછળ ધસી આવી શકે એમ હતી.

તો અત્યાર સુધીમાં આરસી હાથમાં મંજરીની લાશ સાથે કૉલેજના મુખ્ય દરવાજાની બહાર નીકળી ચૂકી હતી.

આરસી હાથમાંની મંજરીની લાશને બરાબર પકડતાં કમ્પાઉન્ડના ઝાંપાની બહાર ઊભેલી માયાની વૅન તરફ દોડી.

‘માયા આન્ટી !’ આરસી ઝાંપાની બહાર નીકળીને વેન નજીક પહોંચતાં ઉતાવળા અવાજે બોલી : ‘મને....મને મંજરીની લાશ મળી ગઈ !’

પણ વૅનની અંદરથી માયાનો કોઈ જવાબ સંભળાયો નહિ.

‘માયા આન્ટી ! જલદી વૅન ચાલુ કરો.’ આરસી વૅનની પાછળનો દરવાજો ખોલતા વધુ મોટેથી બોલી : ‘કોઈ કાળા કોટવાળી વ્યક્તિ મારી પાછળ પડી છે.’ અને તેણે વૅનનો દરવાજો ખોલ્યો. તેણે પાછલી સીટ પર મંજરીની લાશ મૂકી અને દરવાજો બંધ કરીને આગળની સીટ તરફ વળી.

‘જલદી વૅન ચાલુ કરો, આન્ટી ! મારી પાછળ કોઈ પડયું છે !’ કહેતાં તેણે બારીમાંથી આગળની સીટ પર નજર નાંખી તો ડ્રાઈવિંગ સીટની બાજુની સીટ પર માયા બંધ આંખે પડી હતી.

આરસીએ દરવાજો ખોલ્યો અને ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાઈ.

‘માયા આન્ટી !’ કહેતાં આરસીએ માયાને હલબલાવી, પણ માયાએ આંખો ખોલી નહિ. ‘ઓહ !’ આરસીએ નિશ્વાસ નાંખ્યો : ‘માયાઆન્ટીએ ઘેનની ગોળી પી લીધી લાગે છે કે શું ?’ અને તેણે કૉલેજ તરફ જોયું.

કૉલેજના મુખ્ય દરવાજામાંથી કાળા લાંબા કોટવાળી વ્યક્તિ બહાર નીકળીને તેની તરફ દોડી આવી રહી હતી.

આરસીએ દરવાજાને લૉક માર્યું, એટલી વારમાં તો એ કાળા લાંબા કોટવાળી વ્યક્તિ વૅનની નજીક આવી ગઈ.

આરસીના મોઢેથી ચીસ નીકળી ગઈ. એ વ્યકિતએ કૅપ એ રીતના પહેરી હતી કે એનો ચહેરો જોઈ શકાતો નહોતો.

એ વ્યક્તિએ આરસી તરફનો દરવાજો ખેંચ્યો, પણ દરવાજો ખૂલ્યો નહિ, એટલે એ વ્યક્તિ આરસીના દરવાજાની બારીના કાચ પર જોરથી પોતાના બન્ને હાથ અફળાવવા માંડી.

આરસીએ ધ્રુજતા હાથે વૅનની ચાવી ફેરવી, એક ધીમી ઘરઘરાટી સાથે વૅન ચાલુ થઈ, તેણે વૅનને ગિયરમાં નાંખી અને ઍકસીલરેટર પર પગ દબાવી દીધો. ઝુઉઉઉઉ કરતાં એક આંચકા સાથે વૅન આગળની તરફ દોડી. વૅનની બારી પર હાથ અફળાવી રહેલી એ વ્યકિત દૂર ફેંકાઈ.

આરસીએ સામે લાગેલા અરીસામાંથી પાછળ નજર નાંખી, પણ તેને એ વ્યકિત દેખાઈ નહિ. તેણે વૅન દોડાવવાનું ચાલુ રાખતાં બાજુની સીટ તરફ જોયું. માયા એ જ રીતના બંધ આંખે ઘેનમાં પડી હતી.

આરસીએ ફરી સામે સડક તરફ જોયું. ડાબી બાજુની સડક સ્મશાન તરફ જતી હતી. તેણે વૅન ડાબી બાજુ વળાવી ને સ્મશાન તરફ દોડાવી. ‘...એ વ્યક્તિ પીછો કરશે તો ?!’ આરસીએ વૅન જેટલી જ ઝડપે વિચારવા માંડયું, ‘હવે...હવે શું કરું ? ! નીલનો તો મોબાઈલ લાગતો નથી, તો...? !’ અને તેને થયું, ‘તેણે પપ્પાને મોબાઈલ લગાવીને સ્મશાને બોલાવી લેવા જોઈએ.’ અને તેણે વૅનની ઝડપ ઑર વધુ વધારતાં અમોલનો મોબાઈલ નંબર લગાવ્યો.

સામેથી રીંગ વાગી અને બીજી જ પળે સામેથી અમોલનો અવાજ સંભળાયો : ‘હેલ્લો, આરસી...!’

‘પપ્પા !’ આરસી ઉતાવળે બોલી : ‘મને....મને પચીસ વરસ પહેલાં ગુમ થયેલી મંજરીની લાશ મળી ગઈ છે. હું...હું અત્યારે સ્મશાન તરફ જઈ રહી છું. તમે પણ જલ્દીથી ત્યાં પહોંચો.’

‘હેલ્લો...!’ સામેથી અમોલનો અવાજ સંભળાયો : ‘શું કહે છે તું ? ! તારો અવાજ મને સંભળાતો નથી, આરસી ! જરા મોટેથી બોલ ! મને તમારી ચિંતા થાય છે. તું અને નીલ આટલી મોડી રાતના છો કયાં ?’

‘પપ્પા ! હું મંજરીની લાશ લઈને સ્મશાન નજીક પહોંચી છું.’ આરસીએ વધુ મોટા અવાજે કહ્યું : ‘તમે સ્મશાને પહોંચો. હવે મારો અવાજ સંભળાય છે, તમને પપ્પા....? !’

‘હેલ્લો....હેલ્લો...!’ સામેથી અમોલનો વધુ ઊંચો અવાજ સંભળાયો : ‘જરા વધુ જોરથી બોલ, મને તારો અવાજ સંભળાય છે પણ તું શું બોલી રહી છે એ કંઈ સમજાતું નથી. તું...’ અને આ સાથે જ સામેથી અમોલનો અવાજ સંભળાતો બંધ થઈ ગયો.

મોબાઈલ ફોન કટ થઈ ગયો.

‘ઑફ ! આ મોબાઈલ ફોન કંઈ કામનો નથી.’ અને આરસીએ મોબાઈલ ફોન બાજુ પર ફેંકયો.

સામે થોડાંક મીટર દૂર સ્મશાન આવેલું હતું.

તેણે બાજુની સીટ તરફ જોયું. માયા એ જ રીતના ઘેનમાં ઘોરી રહી હતી. તેણે ફરી આગળ જોયું અને સ્મશાન પાસે વૅન ઊભી રાખી. તેણે આસપાસમાં ઝડપી નજર દોડાવી. રાતના એક વાગ્યાના આ સમયે, વસ્તીથી દૂર આવેલા સ્મશાનની આસપાસનું વાતાવરણ ભેંકાર ભાસતું હતું.

‘માયા આન્ટી !’ કહેતાં આરસીએ માયાને હલબલાવી, પણ માયા એ જ રીતના પડી રહી. હવે સમય બગાડયા વિના અને વધુ વિચાર કરવા રોકાયા વિના આરસી વૅનનો દરવાજો ખોલીને બહાર નીકળી.

તેણે વૅનનો પાછળનો દરવાજો ખોલ્યો અને અંદર સીટ પર પડેલી મંજરીની લાશ ઊઠાવી. એક વધુ હિંમતનો શ્વાસ ભરતાં તે મંજરીની લાશ સાથે સ્મશાન તરફ ચાલી. સ્મશાનમાં પગ મૂકતાં જ તેના શરીરમાંથી એક કંપારી પસાર થઈ ગઈ.

તેણે જમણી બાજુ જોયું. થોડાંક પગલાં દૂર એક ઓરડી હતી, પણ એ ઓરડીના દરવાજે તાળું હતું.

ડાબી બાજુ થોડાંક પગલાં દૂર લાકડાંનો મોટો ઢગલો પડયો હતો.

‘તેણે એકલા હાથે જ મંજરીની લાશના અંતિમસંસ્કારનું કામ પતાવવાનું હતું.’ તે મન મકકમ કરતાં મંજરીની લાશ સાથે લાકડાંના એ ઢગલાં પાસે પહોંચી. તેણે મંજરીની લાશ જમીન પર મૂકી. મંજરીની લાશના ચહેરા પાસે વિંટળાયેલો દુપટ્ટાનો છેડો સહેજ હટી ગયો. મંજરીનો હાડપિંજર બનેલો ચહેરો જાણે આરસી તરફ તાકી રહ્યો.

આરસીએ મંજરીની લાશના એે ચહેરા તરફથી નજર પાછી વાળીને આસપાસ નજર દોડાવી. ચારે બાજુ ગભરાવી નાંખનારો સન્નાટો છવાયેલો હતો. ‘મંજરીની લાશ અહીં પડતી મુકીને ભાગી જાઉં.’ તેના મગજમાં આ વિચાર દોડી ગયો, પણ તેનો આ વિચાર તેના મનને ઢીલો પાડે એ પહેલાં જ તેણે બાજુના ઢગલામાંથી લાકડાં ઉઠાવીને ગોઠવવા માંડયા.

જાણે ચિતા તૈયાર થઈ હોય એમ લાકડાં ગોઠવાયાં, એટલે આરસી મંજરીની લાશ તરફ વળી. તે મંજરીની લાશ ચિતા પર મુકવા માટે લાશને ઊઠાવવા ગઈ, ત્યાં જ તેને પોતાની પીઠ પાછળથી કોઈકના પગલાંનો અવાજ સંભળાયો..........

(ક્રમશઃ)