Prarambh - 29 in Gujarati Classic Stories by Ashwin Rawal books and stories PDF | પ્રારંભ - 29

Featured Books
Categories
Share

પ્રારંભ - 29

પ્રારંભ પ્રકરણ 29

કેતન હરિદ્વારથી મુંબઈ જતી ટ્રેનમાં બેઠો પછી રતલામ સ્ટેશને એની સામેની બર્થ ઉપર એક ગુજરાતી આધેડ દંપત્તિ આવી ગયું હતું અને એમની સાથે એમની દીકરી પણ હતી.

દીકરી અલકાના લગ્નને ઘણો સમય વીતી ગયો હોવા છતાં એને સંતાન પ્રાપ્તિ થઈ નહોતી. કેતને પોતાની સિદ્ધિ દ્વારા જોઈ લીધું હતું કે પાછલા જન્મમાં એ યુવતીએ પોતાનાં જ બે સંતાનોની હત્યા કરી હતી એટલે આ જન્મમાં એ સંતાનસુખથી વંચિત રહી હતી !

કેતને અલકાને દત્તક સંતાન લેવાની સલાહ આપી હતી પરંતુ અલકાની સાસુને એ માન્ય ન હતું. અભિશાપના કારણે અલકાને સંતાન તો થવાનું જ ન હતું એટલે દત્તક લીધા સિવાય બીજો કોઈ માર્ગ પણ ન હતો.

"તમે રોજ ગાયત્રીમંત્ર કરી શકો ? " જમી લીધા પછી કેતને સીધું અલકાને પૂછ્યું.

" કેમ ? ગાયત્રીમંત્રથી શું થાય ? " અલકા બોલી.

"તમારા પતિ અને તમારી સાસુ દત્તક સંતાન લેવા માટે તૈયાર થઈ જાય એવું તમારે કરવું છે ને ? " કેતને પૂછ્યું.

"એની સાસુ માની જાય તો તો પછી કોઈ પ્રોબ્લેમ જ નથી ભાઈ. " વચ્ચે માસી બોલ્યાં.

"હું એટલા માટે જ કહી રહ્યો છું કે અલકા જો ગાયત્રીની ત્રણ માળા રોજ કરે તો છ મહિનામાં એની સાસુ પોતે જ દત્તક સંતાન લેવા માટે તૈયાર થઈ જાય. " કેતન બોલ્યો.

"ગાયત્રીની માળા કરવાથી મારાં સાસુ માની જશે ? મને તો વિશ્વાસ જ નથી આવતો. " અલકા બોલી.

"તમારા લોકોની આ જ તકલીફ છે. તમે પહેલેથી જ નેગેટિવ છો. હું જ્યારે તમને છ મહિનાનો ટાઈમ આપું છું પછી તમને શું વાંધો છે ? તમે જાતે અનુભવ તો કરી જુઓ. આમ પણ તમે આટલા બધા હેરાન થઈ રહ્યા છો તો રોજની વીસેક મિનિટ ગાયત્રીમંત્રને ન આપી શકો ? " કેતન સહેજ આક્રોશથી બોલ્યો.

"ઠીક છે ચાલો. તમે આટલું બધું કહો છો તો હું કરીશ. " અલકા બોલી.

"મારો ફોન નંબર તમે સેવ કરી લો. આજથી બરાબર છ મહિના પછી તમે મને ફોન કરી દેજો કે સાસુ પોતે દત્તક સંતાન લેવા માટે તૈયાર થઈ ગયાં છે." કેતન બોલ્યો અને એણે પોતાનો ફોન નંબર અલકાને આપ્યો.

"તમે આટલા બધા આત્મવિશ્વાસથી કેવી રીતે કહી શકો છો ? " હજુ પણ અલકાને પૂરેપૂરો વિશ્વાસ નહોતો આવતો.

"કારણકે ગાયત્રીમંત્ર હું તમને આપું છું. " કહીને કેતન અલકાની સામે ગાયત્રીમંત્ર મોટેથી બોલી ગયો.

"ગાયત્રીમંત્ર તો મને આવડે છે. " અલકા બોલી.

" મંત્ર તમને ચોક્કસ આવડતો જ હશે પરંતુ હવે તે તમારા શરીરમાં જાગૃત થઈ ગયો છે. તમે માળા ચાલુ કરો એટલે ધીમે ધીમે તમારા ઘરમાં પણ શાંતિ થતી જશે. " કેતન બોલ્યો.

"તો તો અમારી ઉજ્જૈન મહાકાલ બાબાની યાત્રા ફળી. એમણે જ તમને મોકલ્યા છે ભાઈ." માસી બોલ્યાં.

"કોઈપણ સંજોગોમાં રોજ ત્રણ માળા કરવાની. સવારે ટાઈમ ના મળે તો છેવટે રાત્રે પણ કરવાની. પિરિયડમાં ચાર દિવસ નહીં કરવાની. " કેતને સૂચના આપી.

"સારું. હું મારા સાસરે પહોંચી જાઉં પછી બીજા દિવસથી ચાલુ કરી દઈશ." અલકા બોલી.

એ પછી બીજી કોઈ ખાસ વાતો ચાલી નહીં. બપોરે દોઢ વાગે કેતન ઉપરની બર્થ ઉપર ચડીને આરામ કરવા માટે સૂઈ ગયો.

સાંજે ચાર વાગે ભરૂચ સ્ટેશન આવ્યું એટલે કેતન નીચે ઉતર્યો અને પ્લેટફોર્મ ઉપર એણે ચા પી લીધી.

પાંચ વાગે સુરત સ્ટેશન ઉપર કેતન ફરી નીચે ઉતર્યો અને ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયો. અહીં જ એ જન્મ્યો હતો અને મોટો થયો હતો.

અત્યારે મમ્મી પપ્પા અને શિવાની સુરતમાં જ હતાં એટલે ઘડીક તો વિચાર આવ્યો કે અત્યારે જ ઘરે જઈને બધાંને સરપ્રાઈઝ આપું પરંતુ પોતાનો પ્રોગ્રામ ફિક્સ હતો એટલે લાગણીઓને કાબુમાં લઈ લીધી.

છતાં એણે શિવાનીને ફોન તો કર્યો જ.

" શિવાની કેતન બોલું. ઘરમાં છે કે બહાર ? " કેતને પૂછ્યું.

" કેમ ભાઈ આજે આવા સવાલો ? અત્યારે તો ઘરમાં જ હોઉં ને ! " શિવાની બોલી.

" બસ એમ જ તારી યાદ આવી. હું અત્યારે સુરતમાં જ છું. " કેતન બોલ્યો.

" વાઉ ! ઘરે જ આવો છો ને ? " શિવાની ખુશ થઈને બોલી.

"ના. મુંબઈ સિદ્ધાર્થભાઈ ના ઘરે જઈ રહ્યો છું. સ્ટેશનેથી બોલું છું" કેતન બોલ્યો.

" શું ભાઈ તમે પણ ! આજની રાત અહીં રોકાઈ ગયા હોત તો ? સવારે ઘણી ટ્રેઈનો જાય છે. " શિવાની બોલી.

" આવીશ આવીશ. વળતી વખતે કોશિશ કરીશ. ચાલો હવે ગ્રીન સિગ્નલ થઈ ગયું છે ફોન મૂકું. " કહીને કેતને ફોન કટ કર્યો અને કોચમાં ચડી ગયો.

"તમે મુંબઈમાં ક્યાં રહો છો ભાઈ ?" ટ્રેઈન ઉપડી પછી માસીએ ફરી વાત ચાલુ કરી.

"મારું વતન તો સુરત છે માસી પરંતુ મારા મોટાભાઈ પાર્લા ઈસ્ટમાં રહે છે. અત્યારે એમના ઘરે જાઉં છું." કેતન બોલ્યો.

"પાર્લા બોરીવલી અને કાંદીવલી એટલે આપણા ગુજરાતીઓની વસ્તી ! " માસી બોલ્યાં.

"હા પાર્લામાં લગભગ ગુજરાતીઓની જ વસ્તી છે. " કેતન બોલ્યો.

"અમારા ઘાટકોપરમાં પણ આપણા ગુજરાતીઓ બહુ !" માસીએ કહ્યું.

વાતોમાં ને વાતોમાં બોરીવલી સ્ટેશન આવી ગયું. ટ્રેઈન બોરીવલીમાં લગભગ ખાલી થઈ ગઈ.

"જો આ ટ્રેઈન અંધેરી સ્ટેશને ઉભી રહે તો આપણે ત્યાં જ ઉતરી જઈએ. સીધા મેટ્રોમાં બેસી જવાય." માસી બોલ્યાં.

"અંધેરી સ્ટોપેજ નથી. છતાં આપણે તૈયાર રહેવાનું." અંકલ બોલ્યા.

"અંધેરી સ્ટેશને ટ્રેઈન ઉભી જ રહેશે. તમે તૈયાર રહેજો. હું પણ ત્યાં જ ઉતરી જઈશ" કેતન બોલ્યો અને એણે મનમાં પ્રાર્થના કરી.

ખરેખર અંધેરી સ્ટેશને ટ્રેઈન ઉભી રહી. કોઈએ ચેઈન પુલિંગ કર્યું હતું. અંકલ, માસી અને અલકા લોકોની સાથે કેતન પણ નીચે ઉતરી ગયો.

કેતને પાર્લા જવા માટે અંધેરીથી લોકલ પકડી લીધી અને સિદ્ધાર્થને ફોન પણ કરી દીધો. ૧૦ મિનિટમાં જ કેતન પાર્લા સ્ટેશન પહોંચી ગયો.

ગેટ ઉપર જ સિદ્ધાર્થ ઉભો હતો. કેતને ઘણી ના પાડી તો પણ બેગ સિદ્ધાર્થે લઈ લીધી અને ગાડીના પાર્કિંગ તરફ આગળ ચાલવા લાગ્યો.

" ૩૩ કલાકનો રસ્તો ઘણો લાંબો કહેવાય." સિદ્ધાર્થ ગાડી સ્ટાર્ટ કરતાં બોલ્યો.

"હા ભાઈ. હરિદ્વાર ક્યાં અહીં પડ્યું છે ? છેક ઉત્તરાખંડથી મુંબઈ આવતાં વાર તો લાગે જ ને !" કેતન બોલ્યો.

" કેમ અચાનક ઋષિકેશ જવાનો પ્લાન બનાવ્યો ?" સિદ્ધાર્થે પૂછ્યું.

"શ્રાવણ મહિનામાં ગાયત્રી પુરશ્ચરણ કરવાની ઈચ્છા છે. એટલે એમ થયું કે ઋષિકેશ જઈને ગુરુજીનાં દર્શન કરી આવું. " કેતન બોલ્યો.

જો કે કેતનની આ બધી આધ્યાત્મિક વાતોમાં સિદ્ધાર્થને બહુ રસ પડતો ન હતો એટલે એણે લાંબી ચર્ચા ના કરી.

સિદ્ધાર્થે ગાડીને નહેરુ રોડ ઉપર લઈ લીધી. ગુજરાત સોસાયટી છેક હાઇવે તરફ હતી. ૧૦ ૧૫ મિનિટમાં જ સોસાયટીનો ગેટ આવી ગયો. સિદ્ધાર્થે પોતાની બિલ્ડીંગના પાર્કિંગ પ્લોટમાં ગાડી પાર્ક કરી દીધી.

કેતને ભાઈના ફ્લેટમાં પ્રવેશ કર્યો એટલે રેવતીએ હસીને એનું સ્વાગત કર્યું.

"તમને ભાભી અહીં ફાવી તો ગયું ને ?" કેતને સોફા ઉપર બેસતાં પૂછ્યું

" આજુબાજુ બધા ગુજરાતીઓ છે એટલે વાંધો નથી આવતો પરંતુ સુરત મમ્મી પપ્પા અને શિવાનીબેન સાથે વધારે મજા આવે. તમારા ભાઈ ઓફિસ જતા રહે પછી આખો દિવસ ઘરમાં હું એકલી ! બાજુના ફ્લેટમાં સ્વાતિબેન રહે છે એ ક્યારેક બપોરે થોડી કંપની આપે છે. " રેવતી બોલી.

" સંયુક્ત કુટુંબની મજા જ કંઈ ઓર છે ! " કેતન બોલ્યો.

"તમારા વગર બહુ સૂનું લાગે છે. તમે પણ અહીં મુંબઈ આવી જાઓ અને જાનકી સાથે લગ્ન કરી લો એટલે મારે પણ કંપની રહે." રેવતી બોલી.

"બસ થોડા દિવસોમાં જ બધા નિર્ણયો લઈ લઈશ." કેતન બોલ્યો.

"ચાલો હવે હાથ મ્હોં ધોઈ લો. તમારા લોકોની થાળી પીરસું છું. તમારા ભાઈ પણ જમ્યા નથી. રાતના ૧૧ વાગી ગયા છે. " રેવતી બોલી.

જમવામાં રેવતીએ કેતનની પ્રિય હૈદરાબાદી બિરયાની બનાવી હતી એટલે કેતનને રાત્રે જમવાની મજા આવી.

જમીને ઉઠ્યા ત્યારે પોણા બાર વાગી ગયા હતા એટલે રાત્રે બહુ લાંબી ચર્ચા કર્યા વગર બધાએ સૂવાનું પસંદ કર્યું.

"થોડા દિવસ પહેલાં રવિવારે જાનકી અહીં આવી હતી. બિચારી આખો દિવસ રોકાઈ હતી. તું હવે લગ્નનો નિર્ણય જલ્દી લઈ લે. " સવારે ચા પીતી વખતે સિદ્ધાર્થ બોલ્યો.

" પરણવાનું તો છે જ ભાઈ પરંતુ એકવાર ધંધાનું સેટિંગ થઇ જાય પછી બધો મૂડ આવે. અઢી મહિના થઈ ગયા પરંતુ હજી કંઈ જામતું નથી. " કેતન બોલ્યો.

" હું તો તને પહેલેથી જ કહેતો હતો કે જામનગર જવાની તારે કોઈ જરૂર જ નહોતી. સુરતમાં મમ્મી પપ્પાની સાથે રહીને પણ તું ઘણું કરી શકે એમ હતો. ડાયમંડ માર્કેટમાં ઈચ્છા ના હોય તો બીજા ઘણા એવા ધંધા છે જે તું કરી શકે. " સિદ્ધાર્થ બોલ્યો.

" જોઉં છું હવે. સુરત કે મુંબઈ બેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે. દિવાળી સુધીમાં હું નિર્ણય ચોક્કસ લઈ લઈશ." કેતન બોલ્યો.

" તું મુંબઈ આવી જતો હોય તો હું એકના બદલે જોડા જોડ બે ફ્લેટ લઈ લઉં. પારલામાં જ એક બે સ્કીમો જોયેલી છે. મારું માનવું છે કે સુરત કરતાં પણ મુંબઈ તારા માટે વધારે અનુકૂળ છે." સિદ્ધાર્થ બોલ્યો.

"ફ્લેટ તો તમે લેવો હોય તો લઈ લો. પ્રોપર્ટી તો ગમે ત્યારે પણ કામ આવવાની જ છે. અને માની લો કે હું મુંબઈ ના આવું તો પણ પાર્લા જેવા એરિયામાં ભવિષ્યમાં સારા ભાવ મળવાના જ છે. " કેતન બોલ્યો.

" તેજપાલ રોડ અને શ્રદ્ધાનંદ માર્ગ ઉપર એક બે સારી સ્કીમો બને છે. તારે પણ જોવી હોય તો તું જોઈ લે." સિદ્ધાર્થ બોલ્યો.

"તારો મુંબઈનો આજે શું પ્રોગ્રામ છે ? કારણ કે હું તો હવે ફાસ્ટ પકડવા ટિફિન લઈને થોડીવારમાં નીકળી જઈશ. " સિદ્ધાર્થ બોલ્યો.

" મારો આમ તો એવો કોઈ પ્રોગ્રામ છે જ નહીં. બસ તમને લોકોને મળવા આવ્યો છું. આવતીકાલે જાનકીના ઘરે જવાની ઈચ્છા છે. આજે તો અંધેરી મારા કોલેજ મિત્ર રવિ ભાટીયાની હોટલ ઉપર જાઉં છું. ઘણા સમયથી અમે મળ્યા નથી. જમીને બાર વાગે હું નીકળી જઈશ." કેતન બોલ્યો.

" તારે ગાડી લઈ જવી હોય તો લઈ જજે. પરંતુ અંધેરી જવા માટે મારી દ્રષ્ટિએ રીક્ષા જ ઠીક રહેશે." સિદ્ધાર્થ બોલ્યો.

"હું રીક્ષામાં જ જવાનો છું ભાઈ. અહીં ગાડી લઈને જવું એટલે પાર્કિંગના પણ પ્રોબ્લેમ." કેતન બોલ્યો.

એ પછી સિદ્ધાર્થ કેતન અને રેવતીને બાય કરીને નીકળી ગયો.

કેતનનો મિત્ર રવિન્દ્ર ભાટીયા ઉર્ફે રવિ ભાટીયા આમ તો બોરીવલીમાં એલટી રોડ ઉપર બાભઈ નાકા પાસે રહેતો હતો. એને પોતાનું રવીન્દ્ર નામ બહુ ગમતું નહીં એટલે એણે પોતાના વીઝીટીંગ કાર્ડમાં પણ રવિ ભાટીયા જ છપાવેલું.

રવિ શ્રીમંત કુટુંબનો નબીરો હતો. એ કેતનની સાથે જ સુરતની કોલેજમાં ભણેલો. એના પિતા પણ સુરતમાં ડાયમંડ માર્કેટમાં હતા. ગ્રેજ્યુએટ થયા પછી રવિ મુંબઈમાં સેટ થયો એટલે એના પિતા પણ સુરતનો બિઝનેસ વાઈન્ડ અપ કરી મુંબઈના ઓપેરા હાઉસ ડાયમંડ માર્કેટમાં શિફ્ટ થઈ ગયા.

રવિને પહેલેથી જ હોટલ બિઝનેસમાં રસ હતો એટલે એણે મુંબઈ આવીને હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી લીધો અને પોતાનો હોટલનો બિઝનેસ ચાલુ કર્યો. એણે અંધેરીમાં જ વરસોવા રોડ ઉપર ૨૫ રૂમની એક હોટલ ખરીદી લીધી અને રીનોવેશન કરાવીને પોતાની રીતે ડેવલપ કરી.

હજુ બે દિવસ પહેલાં જ હરિદ્વારથી કેતને રવિ સાથે ફોન ઉપર વાત કરી હતી.

" રવિ હું કેતન સાવલિયા બોલું. બે દિવસ પછી મુંબઈ આવું છું. મળવાની ઈચ્છા છે. " કેતન બોલ્યો.

" અરે વેલકમ કેતન. આટલા સમય પછી મને યાદ કર્યો એ જ બહુ મોટી વાત છે ! સવારથી જ આવી જજે. આખો દિવસ સાથે રહીશું." રવિ બોલ્યો.

" સવારે તો નહીં પણ હું બપોરે આવી જઈશ. સિદ્ધાર્થભાઈ મુંબઈ પાર્લા શિફ્ટ થયા છે એટલે એમના ઘરે જમીને પછી હું નીકળીશ. બપોરે લગભગ એક વાગે હું તને મળવા બોરીવલી આવીશ. તારું એડ્રેસ મારી પાસે છે." કેતન બોલ્યો.

"અરે બોરીવલી નહીં. મારી પોતાની હોટલ છે અને તું હોટલ ઉપર જ આવી જજે. એડ્રેસ તને વોટસએપ કરી દઉં છું. છતાં અંધેરી વરસોવા રોડ ઉપર ડી માર્ટ યાદ રાખજે. ડી માર્ટ પાસે આવીને કોઈને પણ મારી હોટેલ રેઈનબો વિશે પૂછી લેજે." રવિ બોલ્યો.

" ઠીક છે. તો પછી તારી હોટલ ઉપર જ મળીશું." કેતન બોલ્યો અને પછી એણે ફોન કટ કર્યો.

એટલા માટે જ કેતને આજે રવિ ભાટીયાને મળવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો.

રેવતીએ આજે દિયર માટે પૂરણપોળી નો પ્રોગ્રામ બનાવ્યો હતો. એણે પ્રેમથી કેતનને આગ્રહ કરી જમાડ્યો.

જમ્યા પછી કેતન રવિને મળવા માટે નીકળી ગયો. સોસાયટીની બહાર બે રીક્ષા ઉભી જ હતી. કેતન એક રીક્ષામાં બેસી ગયો અને અંધેરી વરસોવા રોડ ઉપર ડી માર્ટ તરફ લઈ લેવા માટે રીક્ષાવાળાને કહી દીધું.

રીક્ષા ડ્રાઇવરે રીક્ષાને હાઇવે થઈને સીધી અંધેરી તરફ લઈ લીધી અને અંધેરીમાં ફ્લાય ઓવર થઈને વરસોવા રોડ ઉપર લઈ લીધી. પોણા કલાક પછી કેતન ડી માર્ટ પહોંચી ગયો.

એણે એક દુકાનવાળાને પૂછ્યું એટલે હોટલ રેઈનબોનું લોકેશન એને મળી ગયું.

રેઈનબો ત્રણ માળની ભવ્ય હોટલ હતી. કેતન રિસેપ્શન કાઉન્ટર ઉપર ગયો અને રવિ ભાટીયા વિશે પૂછ્યું. રિસેપ્શનની બાજુની કાચની ચેમ્બર જ રવિની ઓફિસ હતી. રિસેપ્શનિસ્ટે પોતાના બૉસ સાથે ઇન્ટરકોમ પર વાત કરી લીધી અને કેતનને અંદર જવા ઈશારો કર્યો.

"અરે વેલકમ કેતન. લગભગ ત્રણેક વર્ષ પછી આપણે મળીએ છીએ. તું તો અમેરિકા ગયો હતો એવું સાંભળ્યું હતું." રવિએ ઊભા થઈને કેતન સાથે હાથ મિલાવતાં પૂછ્યું.

"હા. અમેરિકા બે વર્ષ મેનેજમેન્ટનો માસ્ટર કોર્સ તો કરી આવ્યો પણ ઇન્ડિયા આવીને શું મેનેજ કરવું એ જ સમજાતું નથી." કેતન હસતાં હસતાં બોલ્યો.

" કેમ ધંધો બરાબર નથી ચાલતો ? તમારી પેઢીનું તો સુરતમાં મોટું નામ છે યાર !" રવિ બોલ્યો.

"ડાયમંડનો ધંધો તો સરસ જ ચાલતો હતો પરંતુ મને ડાયમંડના ધંધામાં પહેલેથી જ રસ ઓછો હતો. જેમ તું ડાયમંડનો ધંધો છોડી હોટલ લાઈનમાં આવી ગયો એમ મારું મન પણ કંઈક નવું કરવા માંગે છે. મોટાભાઈએ પણ સ્ટોક માર્કેટ પકડી લીધું અને દલાલ સ્ટ્રીટમાં મોટા બ્રોકર બની ગયા." કેતન બોલ્યો.

" શું વાત કરે છે તું !! આટલો સરસ ડાયમંડ બિઝનેસ વાઈન્ડ અપ કરી દીધો ? એમાં જેટલા પૈસા છે એટલા બીજી કોઈ લાઈનમાં નથી !" રવિ બોલ્યો.

"તો પછી તું કેમ હોટલ લાઈનમાં આવી ગયો ?" કેતને સામો સવાલ પૂછ્યો.

"મારે કંઈક અલગ કરવું હતું એટલે હોટલ લાઈન પકડી પરંતુ પપ્પા તો ડાયમંડ બિઝનેસ સંભાળે છે ને ? સિદ્ધાર્થભાઈએ કે તારા પપ્પાએ એ ધંધો ચાલુ રાખવા જેવો હતો ! " રવિ બોલ્યો.

"બહુ કમાઈ લીધું રવિ. મારા પોતાના ભાગે જ અઢીસો કરોડ છે. ડાયમંડની પેઢીમાં બેસીને શું કરવાનું ? એટલે હું છૂટો થઈ ગયો. હવે કંઈક નવું કરવાનું વિચારું છું. આજે તારી પાસે એટલા માટે તો આવ્યો છું. " કેતન બોલ્યો.

"હું વળી તને કઈ રીતે મદદ કરી શકું ?" રવિએ આશ્ચર્યથી પૂછ્યું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)