Borrowed Prosperity in Gujarati Human Science by Bhaveshkumar K Chudasama books and stories PDF | ઉછીની સમૃદ્ધિ

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ઉછીની સમૃદ્ધિ

શાંતિલાલ નિવૃત્ત બેંક કર્મચારી, સંતાનોમાં ત્રણ પુત્રો ત્રણેય ખૂબ જ કામઢા. શાંતિલાલની જેમ કોઈને સરકારી કે ખાનગી નોકરી તો નહી પણ શાંતિલાલે પોતાના સર્વિસકાળ દરમિયાન દુકાનો અને રહેણાંક માટેની જમીનો ખરીદી ત્રણેય સંતાનોને લાઈન પર ચઢાવી દીધા હતા અને ભવિષ્યમાં ત્રણેને ખીલે બાંધી રહેઠાણ માટેની વ્યવસ્થા ઉભી કરી લીધી હતી. બે દીકરાઓ દુકાનમાં વેપાર કરતાં અને નાનો દીકરો પ્રોપર્ટી દલાલીનું કામ કરતો. ત્રણેય ભાઈઓ વચ્ચે સંપ સારો હતો અને આવકની રકમ મહિનાની પહેલી થી ત્રીજી તારીખે ત્રણે ભાઈઓ બાપાના હાથમાં આપી દેતા એટલે હિસાબ બધો જ શાંતિલાલ પાસે રહેતો.


મહિનાના શરૂઆતના દિવસોમાં એક દિવસ સાંજે જ્યારે બધાજ વેપાર ધંધાની રકમનો હિસાબ માંડતા શાંતિલાલ દુકાનના થડે ચોપડો લઈને બેઠા હતા એ સમયે અચાનક તેમનો એક મિત્ર આવ્યો.

"સારા એવા ભેળાં કર્યા છે. થોડા લાવ ને તો હું પણ કંઇક સાહસ કરું!

"શાંતિલાલના મિત્રએ હંમેશની જેમ મજાકના અંદાઝમાં પૂછ્યું.


"આવ આવ ભાઈ જેન્તી! આ તો છોકરાઓની કમાણી છે. નિવૃત્તિ પછી હું તો ખાલી મહેતાજી બનીને રહ્યો છું. છોકરાઓ બાજુમાં બે ચાનો ઓર્ડર આપજો"

શાંતિલાલે મીઠું હસતા જવાબ આપ્યો અને છોકરાને બાજુની લારી પર ચા નો ઓર્ડર આપવા કહ્યું.


"તારા છોકરાઓ વળી તને ક્યાં ના પાડે એમ છે. તું દશરથ જેવો નસીબદાર છો કે કહ્યાગરા છોકરાઓ મળ્યા છે."


જેન્તી જાણે કોઈ મનસૂબો ઘડીને જ આવ્યો હોય એમ તેમણે વાત આગળ ચલાવી.


"હં, ના તો કોઈ પાડે એમ નથી પણ તારે વળી શું સાહસ કરવું છે? તું ક્યાં ખાતો પીતો નથી?"


"ખાતો પીતો તો છું પણ આગળનું પણ વિચારવું પડે ને અને અમે ખારવા દરિયો ખેડવા સિવાય બીજુ ક્યુ સાહસ કરીએ. એક નાનકડું પિલાણું છે એનાથી માછીમારી કરીને ઉપજે પણ કેટલુંક? વિચારું છું ક્યાંકથી થોડાક આવે તો બોટ ખરીદવાનું સાહસ કરું."


"હં, અંદાજે કેટલાકની થાય બોટ?"


શાંતિલાલે ચાની ચુસ્કી લેતા લેતા વિચારમાં ગરકાવ હોય એવી મુખમુદ્રા સાથે પૂછ્યું.


"નવી બનાવીએ તો તો વધારે રૂપિયા જોઈએ પણ જૂની ગોતીએ તો પાંચ છ લાખમાં મળી રહે."


જેન્તીએ સહજ ભાવે જવાબ આપ્યો.


"પાંચેક લાખ આપું તો ખરો! પણ એક વાર છોકરાઓને પૂછવું પડે, છોકરાઓ હા પાડશે તો આપીશ નહિતર સંબંધો ખાટાં ન કરતો."


કહેતાની સાથે જ શાંતિલાલે અવાજ કરી બંને છોકરાઓને બોલાવીને પૂછ્યું;


"જેન્તિકાકા પાંચ લાખ ઉછીના માંગે છે. તમે બંને કહેતા હોવ તો આપુ."


"જેન્તિકાકા ક્યાં કોઈ પારકા છે. તમારા જ બાળ ગોઠિયા છે. પ્રશ્ન અને વહેવાર પણ તમારા બંનેનો છે. તમને ઠીક લાગે તેમ કરો, એમાં અમને છોકરાઓને એમાં શું પૂછવાનું હોય."

મોટા છોકરાનો ઉત્તર મળી જતા શાંતિલાલે વચલા છોકરા તરફ પ્રશ્નાર્થ દૃષ્ટિ ફેરવી.


"મોટાભાઈએ કહ્યું એ જ."


મોટાભાઈ તરફ એક નજર નાખી શાંતિલાલ તરફ જોઈને એમણે જવાબ આપ્યો.


"ઠીક છે, આ બંનેએ તો હા પાડી, હવે નાનાને પૂછવાનું રહ્યું એ પણ ના તો નહી જ કહે, છતાં પણ હું એને પૂછી લઉં ત્યાં સુધી તું કોઈ જૂની બોટ હોય તો ધ્યાનમાં રાખ. હમણાં કોઈ સોદો ન કરતો એ હા પાડશે તો જ હું પૈસા આપીશ અને હા, એ હા પાડે અને પૈસા આપુ તો પણ તારે મને સમયસર પરત કરવાનાં રહેશે."


"ચાની પ્યાલીને ટેબલ પર ગોળ ગોળ ફેરવતા શાંતિલાલે વહેવારિક વાત કહી"


"સમયસર એટલે ગાડી પાટે ચડતા બે ત્રણ વર્ષ તો નીકળી પણ જાય."


ચહેરા પર થોડા સંકોચના ભાવ સાથે જેન્તી એ કહ્યું.


"ત્રણ વર્ષમાં તો પરત આપી જ દઈશ ને?


"હા કદાચ એથી વહેલા પણ થઈ જાય"


"અને પહેલી જ ફેરીમાં તારી બોટ ડૂબી જાય તો શું કરીશ? શાંતિલાલ તો નાહી રહ્યો ને!"


શાંતિલાલે ઉંડા વિચાર સાથેના છતાં એક મજાકિયા હાસ્ય સાથે પૂછ્યું.


"એવું અશુભ શું બોલે છે? સારું બોલને ભાઈ! એમ થોડો તને નવરાવી દઈશ. રખે ને એવું થાય તો બોટના વીમાના તને આપી દઈશ, ઘટશે અને જરૂર પડશે તો ઘર વેચી દઈશ."


ચહેરા પર એક વિશ્વાસ સાથે જેન્તીએ શાંતિલાલને ખાત્રી આપી.


"ઠીક છે ત્યારે, કોઈ જૂની બોટ વેચાઉ હોય તો ધ્યાનમાં રાખ ત્યાં સુધીમાં હું નાનાને પૂછી લઉં."


વાતચીત અહી પૂરી થઈ રાત્રે દુકાન વધાવી બંને મિત્રો છૂટા પડ્યા. ત્રણ દિવસ પછી જેન્તી પાછો આવ્યો ત્યારે શાંતિલાલે સામેથી જ પૂછ્યું?


"શું કર્યું તે બોટનું"


"એક જૂની વેચાઉ છે પણ છ પંચોતેર કહે છે. તે તારા નાના છોકરાને ને પૂછ્યું?"


ઝીણી આંખો કરતા સહેજ મોં મચકોડીને જેન્તીએ જવાબ આપ્યો અને પૂછ્યું.


"હા, નાનાને પણ કંઈ વાંધો નથી પણ હું પાંચથી વધારે તો નહિ જ આપી શકું."


"વાંધો નહિ મારી પાસે થોડી બચત છે, થોડા સગાઓ પાસેથી આડા અવળા કરીશું અને છ પંચોતેર તો મોઢે કહે છે. બેઠક કરીશું તો થોડો તો નીચે આવશે ને!"


જેન્તીએ ચહેરા પર આશાના ભાવ સાથે કહ્યું.


શાંતિલાલે જેન્તીને એ જ સાંજે પાંચ લાખનો ચેક લખી આપ્યો. ત્રીજે દિવસે સવા છ લાખમાં બોટનો સોદો થયો અને એ જ સપ્તાહમાં થોડા ખલાસીઓ રોકી જેન્તીએ બોટને માછીમારી માટે મોકલી દીધી. બોટ જેન્તીને ફળી. બે વર્ષમાં તો જેન્તી ખૂબ સારું એવું કમાયો અને એક દિવસ સાંજે શાંતિલાલ ની દુકાને આવીને એમણે શાંતિલાલને પાંચ લાખ રૂપિયા ચેક રૂપે પરત કર્યા.


એજ સપ્તાહમાં બોટ માછીમારી માટે પાછી ગઈ અને પંદર દિવસે નહિવત એવી માછીમારી કરી પાછી ફરી. માલ એટલો ઓછો હતો કે તેમાંથી ખલાસીઓના પગાર તો ઠીક ખલાસીઓ માટે બોટમાં ભરાવી આપેલ રાશનના પૈસા પણ નીકળે તેમ ન હતા. જેન્તીએ વિચાર્યું, હશે! આસમાની રોજી જેવું છે ક્યારેક વધુ તો ક્યારેક ઓછું હોય. બીજા ફેરામાં વસૂલ થઈ જશે. પણ હવે ચિંતા બોટમાં ફરી ખાધા ખોરાકીનો માલ નાખી, ડીઝલ ભરાવી અને ખલાસીઓના પગાર ચૂકવી બોટને ફરી મોકલવાની હતી. જેન્તી ફરી પૈસામાં થોડો તૂટ્યો અને ફરી એકવાર શાંતિલાલ પાસેથી પચાસ હજાર રૂપિયા બે ત્રણ માસ માટે ઉછીના લીધા અને બોટ ને ફેરી માં મોકલી. પંદર દિવસે બોટ એક લાખ ઉપરનો સારો એવો માલ લઈને આવી.


જેન્તી ખુશ થઈ ગયો અને શાંતિલાલને તેના પૈસા તરત જ ચૂકવી દીધા. અને બે દિવસ પછી બોટને ફરી થી ફેરીમાં મોકલી. બોટ અઠવાડિયામાં ખાલી એવો ફેરો કરી પાછી આવી ટંડેલ બીમાર પડી ગયો હતો અને દરિયાઇ મોજાંથી બોટ પણ થોડું નુકસાન પામી હતી. અગાઉ થયેલી ફેરીના નફાના પૂરતા પૈસા હતા છતાં જેન્તી ના મનમાં કઇંક વિચાર આવ્યો અને સીધો શાંતિલાલની દુકાને જઈ ફરી વીસ હજાર રૂપિયા ઉછીના લીધા. બોટનુ સમારકામ અને ટંડેલ નો ઈલાજ કરાવી બોટને ફરી મોકલી. એ પછીની ફેરીઓમાં સારો એવો માલ આવ્યો. એક દિવસ શાંતિલાલની દુકાને જઈ એમણે શાંતિલાલને રૂપિયા અઢાર હજાર આઠસો નેવાસી રૂપિયાનો ચેક આપ્યો.


"અલ્યા આવું કેમ? વીસ લઈ ગયો હતો ને!"


શાંતિલાલે જ્યારે આશ્ચર્યથી પૂછ્યું ત્યારે જેન્તીનો જવાબ હતો.


"તારા ઉછીના એ જ મારી સમૃદ્ધિ લખી હોય તો ભલે રહ્યા બાકી. એ અગ્યાર એકસો અગ્યાર બાકી જ રહેશે."


જેન્તીએ જ્યારે બધી જ ફેરીઓ વખતે શું થયું એ અને પોતાના મનમાં ઉભી થયેલી શંકા કે પછી દ્રઢ વિશ્વાસની બધી વાત કહી ત્યારે બંને મિત્રો હસી પડ્યા.


આજે જેન્તી પાસે એ જૂની બોટ સહિત બીજી ત્રણ નવી બોટ છે અને એ જેન્તીલાલ તરીકે ઓળખાય છે. શાંતિલાલની પરિસ્થિતિ મધ્યમ છે પણ જેન્તીલાલ જરૂર પડ્યે તેના નાનાભાઈની જેમ સુખ દુઃખમાં સાથે ઊભો રહે છે, જરૂર પડે ત્યાં ખિસ્સામાંથી પણ મદદ કરે છે પણ અગ્યાર એકસો અગ્યાર તો બાકી જ રાખી ને.