Dashavatar - 80 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 80

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

દશાવતાર - પ્રકરણ 80

          "આપણી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી." ભૂપતિએ સ્પષ્ટ કર્યું, "આપણી પાસે પાણી છે પણ ખોરાક વિશે ભૂલી જાઓ. આ શહેરમાં લોકોનો ખોરાક ખતમ થઈ રહ્યો છે. જો આપણે અહીં રહીશું તો પણ મરી જ જઈશું."

          "અને એકવાર આપણે આ શહેરની બહાર જઈશું પછી શું કરીશું?" પદ્માએ બીજો પ્રશ્ન કર્યો.

          “મેં વર્ષોથી વાસ્તવિક દેવતાઓને મદદ કરી છે અને એમની ગુપ્ત શિબિર વિશે જાણું છું. એકવાર આપણે ત્યાં પહોચી જઈએ તો આપણે સુરક્ષિત રહીશું. એમની પાસે ખોરાક અને દવા છે. એક માણસને જીવીત રહેવા જરૂરી બધું છે.”

          "શું એ આપણી મદદ કરશે?" આશે પૂછ્યું, "શું એ તમારા લોકો જેવું વર્તન નહીં કરે?"

          "એ એમ નહીં કરે." ભૂપતિએ કહ્યું, "એમની મનની શક્તિ ઓછી થતી નથી, ભલે એમને વર્ષો સુધી ભૂખ્યા રાખવામાં આવે તો પણ એ દેવતા જ રહે છે."

          "કેમ?" પદ્માએ પૂછ્યું.

          "કારણ કે એમની પાસે દેવતાઓની જેમ માનસિકની શક્તિ છે." એણે સમજાવ્યું, "આ નકલી દેવતાઓ પણ એક સમયે એમનામાંથી એક હતા પરંતુ એમણે અંધકારને પસંદ કર્યો અને કારુને અનુસર્યા, જ્યારે વાસ્તવિક દેવતાઓએ કારુને ઈશ્વર માનવાનો ઇનકાર કર્યો અને આજે પણ કારુનો પ્રતિકાર કરી રહ્યા છે."

          "હવે, આપણે જઈએ છીએ." એણે છેવટે જાહેરાત કરી, "કોઈ પ્રશ્ન?"

          "હા." પદ્મા બોલી, "એક છેલ્લો."

          "જલ્દી પૂછ, આપણી પાસે વધુ સમય નથી."

          "તમે કોણ છો?" 

          "હું ભૂપતિ છું અને મને લાગે છે કે આપણે હવે મિત્રો છીએ."

          "તમે લોક પ્રજામાંથી નથી." પદ્મા બોલી, "જો તમે ઇચ્છતા હોવ કે અમે તમારા પર વિશ્વાસ કરીએ તો તમારે અમારા પર વિશ્વાસ કરવો જોઈએ."

          "હું ભૂપતિ છું અને મારા બાળકો પણ આપણી સાથે છે. તને શું લાગે છે જો મને તારા પર વિશ્વાસ ન હોય તો હું મારા બાળકોને તારી સાથે મોકલુ?"

          "હું માનું છું કે તમે અમારા પર વિશ્વાસ કરો છો પણ તમે અમને સંપૂર્ણ સત્ય નથી કહ્યું."

          "કેવું સત્ય?"

          "કે તમે લોક પ્રજામાંથી નથી." એણે ભારપૂર્વક કહ્યું.

          "તું એવું કેવી રીતે કહી શકે?" એણે પૂછ્યું.

          "તમારી ચિલમ..." પદ્માએ કહ્યું, "એ નિર્ભયની છે. મેં આ જ ચિલમ પહેલા પણ જોઈ છે. એના ઉપર પણ આ ચિલમ જેવી જ એક જાજરમાન પ્રાણીની નિશાની હતી.”

          "કોની પાસે?"

          "જગપતિ, મેં એમને આવી ચિલમ સાથે જોયા છે."

          "ઠીક છે, હું સ્વીકારું છું કે મેં તમને બધું નથી કહ્યું." એણે સ્વીકાર્યું, "મને પહેલા તમારા પર વિશ્વાસ નહોતો. હું એક નિર્ભય છું.”

          આ શબ્દો સાથે પદ્માએ આસપાસના શૂન્યોમાં ગણગણાટ સાંભળ્યો.

          "તમે લોક પ્રજાની સાથે શું કરો છો?" એણે પૂછ્યું, "તમે શા માટે લોક પ્રજા જેવો વેશપલટો કર્યો છે?"

          "હું ગુપ્તચર છું." એણે કહ્યું, "મારો પરિવાર વાસ્તવિક દેવતાઓનો ગુપ્તચર છે એટલે જ નિર્ભય સિપાહીએ મારી પત્નીની હત્યા કરી." એણે એના બાળકો તરફ જોયું, "માફ કરશો, મારે તમને પહેલા કહેવું જોઈએ પણ હું કહી શક્યો નહીં."

          "એના મૃત્યુનું કારણ તમે છો." ચરિતાએ ગુસ્સાથી એની સામે જોયું અને એની આંખોમાં આંસુ સાથે કહ્યું, "હું તમને નફરત કરું છું, પિતાજી."

          "તારી માતાએ ગુપ્તચર બનવાનું નક્કી કર્યું હતું." ભૂપતિએ  કહ્યું, "જ્યારે વાસ્તવિક દેવતાઓના નેતાએ નિર્ભયનું જીવન છોડવા અને લોક તરીકે રહીને કારુ લોકો પ્રજા સાથે શું કરે છે અને લોક પ્રજાના બાળકોને કેમ છીનવી રહ્યો છે એ જાણવા માટે કહ્યું ત્યારે તારી મા આપણા પરિવારને સ્વયંસેવક બનાવવા માટે આગળ વધી હતી. મેં તો એને માત્ર ટેકો આપ્યો.” એણે આંસુ લૂછ્યા, “આપણા એક પરિવારે બલિદાન નથી આપ્યું. દરેક શહેરમાં નિર્ભય પરિવાર છે જે લોકના વેશમાં લોક પ્રજામાં ભાળીને રહે છે. એ પરિવારનો મકસદ એ જાણવાનો છે કે કારુ આ ગરીબ લોક પ્રજા પાસેથી શું ઇચ્છે છે. શા માટે એ એમના બાળકોને છીનવી રહ્યો છે અને હવે એક નવું મિશન છે કે એ શા માટે એમને મહિનાઓ સુધી ભૂખે મારે છે અને મને આ છેલ્લો જવાબ મળી ગયો છે...” એ એની દીકરીની નજીક ગયો, “તું પણ એ પ્રશ્નનો જવાબ જાણે છે, શું નથી જાણતી?" 

          ચરિતા કશું બોલી નહીં. એ આંસુભરી આંખે એના પિતાને જોઈ રહી.

          “તારી માએ તને એક નામ આપ્યું છે – ચરિતા. ચરિતા એટલે સારું અને શું તું વિચારે છે કે કારુ જે કરે છે એ સારું છે? શું આપણે એની સામે ઊભા ન રહેવું જોઈએ? ભલે એ માટે  આપણે આપણા પોતાના કેમ ન ગુમાવવા પડે.”

          ચરિતા હજુ કશું બોલી નહીં પણ એ એના પિતાને ભેટી પડી. બાપ-બેટીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કોણ જાણે કેમ પણ એ પ્રસંગે પદ્માને ત્રિલોકની યાદ આવી અને એ પણ રડવા લાગી.

           ભૂપતિએ આગળ કહ્યું, “તારી માએ વર્ષો પહેલા લોક પ્રજામાં આ ફેરફાર આવતો જોયો હતો. વર્ષો પહેલા લોક પ્રજા પૃથ્વી પર સૌથી દયાળુ હતી પરંતુ દિવસેને દિવસે પરિવર્તન આવતું રહ્યું - તારી માનું માનવું હતું કે એ કઠોર વાતાવરણ, અસુરક્ષિત જીવન, દુષ્કાળ અને વીજળીના તોફાનની સતત ચિંતાને કારણે બદલાઈ રહ્યા છે." એણે એક ઊંડો શ્વાસ લીધો, "એ માનતી હતી કે આ પરિવર્તન અટકાવી શકાય એમ છે અને તેથી જ એણે તારા ભાઈ માટે રેયાંશ નામ પસંદ કર્યું – રેયાંશ એટલે પ્રકાશનું કિરણ." ભૂપતિ એના દીકરા પાસે ગયો, “એને તારામાં આશાનું કિરણ દેખાયું હતું. એ માનતી હતી કે તું લોક પ્રજામાંથી અંધકારને દૂર કરીશ અને લોક પ્રજા અંધકારને અનુસરવાનું બંધ કરશે.”  ભૂપતિએ એના બંને બાળકોને ગળે લગાવ્યા, "તમે માની ઈચ્છા પૂરી કરવા નથી માંગતા?"

          "હું કરીશ." રેયાંશે કહ્યું.

          "અને તમે શૂન્યો?" ભૂપતિએ એમની તરફ જોયું અને પછી એની આંખોમાં આંસુ નહોતા. ફરી એકવાર એ મક્કમ નિર્ભય સિપાહી બની ગયો હતો, "તમારા પરિવારો દીવાલની પેલી તરફ છે. એ લોકો એમને બળવા માટે સજા કરવા જઈ રહ્યા છે, શું તમે તમારા પરિવારોને બચાવવા નથી માંગતા?"

          “અમે એમને બચાવવા માંગીએ છીએ.” પદ્માએ કહ્યું. બધાની આંખોમાં ચમક દેખાતી હતી.

          "તો ચાલો જઈએ." એણે કહ્યું, "એકવાર આપણે આ સમાચાર વાસ્તવિક દેવતાઓને મોકલીશું પછી કદાચ એ મદદ કરવા આવશે. કમસેકમ એ આપણને એવા શસ્ત્ર આપશે જેની મદદથી આપણે નિર્ભય અને દેવતાઓનો સામનો કરી શકીએ."

          "શું દેવતાઓને હરાવી શકાય છે?" આશે પૂછ્યું.

          “દરેકને હરાવી શકાય છે બસ તમારે યોગ્ય હથિયાર અને ઘણી હિંમતની જરૂર પડશે.”

          "તો પછી મારે બંનેની જરૂર છે." આશે ભૂપતિની આંખોમાં જોઈને કહ્યું, "મેં એમને મારા માતા-પિતાને મારતા જોયા છે."

          "ચાલો..." ભૂપતિ ભૂગર્ભમાં ઉતરવા લાગ્યો. બાકીના લોકો એની પાછળ ભૂગર્ભમાં ઉતરી ગયા.

          થોડીવાર અંધકારમાં ઊંડે ઉતર્યા પછી ભૂપતિ કાટ લાગેલ લોખંડના એક દરવાજા પાસે પહોચ્યો. એણે બળ કરીને એ ખોલ્યો. દરવાજાની અંદર માત્ર અંધકાર હતો. પદ્મા કંઈ જોઈ નહોતી શકતી. એ હવે કાળી ડીબાંગ સુરંગમાં હતા.

          એકવાર અંદર ગયા પછી પદ્માને શું કરવું અને ક્યાં જવું એ ખબર નહોતી. એ કોઈ ચહેરો પણ જોઈ શકતી નહોતી. એણે કોઈને હલનચલન કરતા અનુભવ્યું, કોઈને શ્વાસ લેતા સાંભળ્યા અને પછી ભૂપતિએ ટોર્ચ સળગાવી અને સુરંગમાં ઉજાસનો એક શેરડો રચાયો. એણે બધા ઉપર પ્રકાશ ફેંક્યો. "શૂન્યો ટોર્ચ બહાર કાઢો." 

          "તમને શું ખબર કે અમારી પાસે ટોર્ચ છે?" પદ્માએ ટોર્ચ પ્રગટાવતા પૂછ્યું. દરેક શૂન્યે ટોર્ચ પ્રગટાવી. દરેક હાથમાંથી નાનકડી ઠંડી લાઇટો નીકળતી હતી.

          "મને નથી લાગતું કે જગપતિ તમને ટોર્ચ વિના મોકલે એટલો મૂર્ખ હોય. એ જાણતો હતો કે તમારે ભૂગર્ભમાં એની જરૂર પડશે."

          જેમ જેમ એ સુરંગમાં ઉતર્યા તેમ તેમ હવામાં ગરમી વધતી હતી. અંધકાર ઊંડો હતો છતાં ટોર્ચ એમને રસ્તો બતાવવા માટે પૂરતો પ્રકાશ ફેક્તી હતી. પદ્માની શક્તિ પાછી આવી હતી. એ ફરી સામાન્ય શ્વાસ લેતી હતી.

          "તમે કેવી રીતે જાણો છો કે જગપતિએ અમને મદદ કરી?" એકાએક પદ્માએ પૂછ્યું.

          "તમે કંઈ નોંધ્યું નથી?" એણે ડાબી તરફ વળાંક લેતા પૂછ્યું. પદ્માને સમજાતું નહોતું કે ભૂપતિ દરેક વળાંક કઈ રીતે જાણતો હશે પણ એ એની પાછળ ચાલતી રહી.

          "શું?" એની આંખો ભૂગર્ભની દયનીય સ્થિતિ જોઈ રહી હતી, "મેં શું નથી નોંધ્યું?"

          “જગપતિ અને ભૂપતિ.” ચરિતાએ કહ્યું ત્યારે બધા એક બંધ દરવાજા પાસેથી પસાર થઈ રહ્યા હતા. સુરંગની અંદર ઓરડા હતા - પદ્મા માટે એ આશ્ચર્યજનક નહોતું. એણે છેલ્લા શહેરમાં ભોંયરામાં આવા દરવાજા જોયા હતા. એમણે ત્યાં ભૂગર્ભનું સમારકામ કર્યું હતું.

          “ઓહ!" પદ્માએ નવાઈથી કહ્યું, "એ તો મારા ધ્યાનમાં જ ન આવ્યું.”

          "હા." ભૂપતિ એની તરફ જોઈને હસ્યો.

          "એ મારા કાકા છે." રેયાંશે કહ્યું, "મારા પિતાના નાના ભાઈ. એ સાચા દેવતાઓ માટે કામ કરે છે."

          "તો એમને કહ્યું કે મદદ મળશે એ મદદગાર તમે છો?" આશે પૂછ્યું.

          "એ નિર્ભર કરે છે," ભૂપતિએ કહ્યું.

          "શેના પર?"

          "તમે કયા શહેરમાં ગયા છો એના પર." ભૂપતિએ કહ્યું, "દરેક શહેરમાં એક નિર્ભય પરિવાર છે. જો તમે બીજા શહેરમાં ગયા હોત તો તમને બીજા ગુપ્તચર પરિવારની મદદ મળી હોત."

          થોડીવાર બધા ચૂપચાપ ચાલતા રહ્યા. ત્યાં અંધકાર અને ગરમી સિવાય બીજું કંઈ નહોતું. હવામાં ગૂંગળાવી નાખે એવી ગંધ ભળેલી હતી અને એ અજાણ્યા અંધકારમાં ભય ડોકિયા કરતો હતો. પદ્માને નવાઈ લાગી કે લોક પ્રજાએ એ સુરંગોમાં વર્ષો કેવી રીતે વિતાવ્યા હશે. એને એમના માટે દુઃખ લાગ્યું. કદાચ એ અંધકાર અને મૂંગી સુરંગોએ એમને પાગલ બનાવી દીધા હતા. એ અંધારી દુનિયામાં કોઈ હોશ ગુમાવી બેસે તો જરા પણ નવાઈ જેવું નહોતું.

          પદ્માએ એના લોકોને રેયાંશ અને એની બહેન સાથે વાત કરતા સાંભળ્યા. એ સુરંગોના જાળામાંથી ભૂપતિને અનુસરતા આગળ વધતા હતા. એ ક્યારેક જમણે વળતા હતા, ક્યારેક ડાબે વળતા હતા, ક્યારેક સીધા ચાલતા હતા પણ એક પળ પણ ક્યારેય અટકતા નહોતા. કલાકો પછી એ શહેરની બહાર જતી સુરંગ નજીક હતા.

          લાકડાના ઢગલાઓ પર આગ સળગતી હતી. એ જ આગ લોકોના હૃદયમાં હતી. ધુમાડો આકાશ સુધી પહોંચતો હતો. એ કેટલાય ગજ દૂર હતા છતાં પણ આંખો બળતી હતી. પવન મજબૂત હતો અને સૂરજ તપવા લાગ્યો હતો.

          એકલા પડતા નીરદ વિરાટ નજીક ગયા. શૂન્ય લોકોની ભીડ નજરથી ઓજલ થવા લાગી હતી. વિરાટ વજ્ર પાસે ઊભો હતો. નીરદ વિરાટની નજીક ગયા અને વિરાટના ચહેરા તરફ જોયું. એના શરીર પર અને ચહેરા પર ઘા હતા.

          "તું ઠીક છો?" એણે દીકરાને પૂછ્યું અને વિરાટની ગરદન પરના ઘા પર આંગળી ફેરવી.

          "હું ઠીક છું," વિરાટે કહ્યું, "તમે?"

          એના પિતાએ માથું હલાવ્યું, “હું ઠીક છું.”

          અનુજા પણ ત્યાં દોડી આવી. એ વિરાટને ગળે લગાવી રડવા લાગી.

          "રડ નહીં, મા." એણે કહ્યું, "મેં વચન આપ્યું હતું કે હું પાછો આવીશ અને હું જીવતો પાછો આવ્યો છું."

          "હા." અનુજાએ કહ્યું, "પણ હવે તું દુશ્મનોની વચ્ચે દીવાલની ઉત્તરમાં જઈ રહ્યા છે." એનો અવાજ ઉદાસ હતો, "તું કારુ સામેં લડવા જઈ રહ્યો છે."

          "તને યાદ છે મા?" એણે પૂછ્યું.

          "શું?"

          "તું કહેતી કે આપણે આ નામ ન લેવું જોઈએ." એણે કહ્યું, "એ પવિત્ર છે અને એનું નામ બોલવા જેટલા પવિત્ર આપણે નથી. શું તું હજી પણ એવું વિચારે છે?"

          "ના." અનુજાએ કહ્યું, "મેં એવું ક્યારેય વિચાર્યું નથી. હું માત્ર…"

          "શું માત્ર...?" અનુજાએ વાક્ય અધૂરું છોડ્યુ એટલે વિરાટે પૂછ્યું.

          "હું ફક્ત તને રોકવા માંગતી હતી. મને ખબર હતી કે એ ભગવાન નથી. ભગવાન તો તું છે."

          "હું ભગવાન છું?" વિરાટે પૂછ્યું, "મા, તું આ શું કહે છે?"

          "કંઈ નહીં." એણે વાત ટાળી.

          "આપણે એને કહેવું જોઈએ." નીરદે કહ્યું, "એ દીવાલની ઉત્તરમાં જાય એટલે એણે જાણવું જોઈએ કે ત્યાં એની સાથે કોણ છે અને એની સામે કોણ છે."

          એ બંને શું વાત કરે છે એ વિરાટને સમજાતું નહોતું. એની સાથે કોઈ કેવી રીતે હોઈ શકે?

          "મારે શું જાણવું જોઈએ?" એણે પૂછ્યું.

          "વિરાટ." એના પિતાએ લાગણીસભર અવાજમાં કહ્યું, "મારે તને કંઈક કહેવું છે." એનો અવાજ મજબૂત હતો પરંતુ ઉદાસ હતો અને એના અવાજમાં છુપી લાગણીએ વિરાટને અંદેશો આપ્યો કે એના માતા-પિતા કોઈ રહસ્ય છતું કરવા માંગે છે પણ એ છતું કરવાની હિંમત નથી કરી શકતા.

          "શું?" એણે પૂછ્યું, “તમે શું કહેવા માંગો છો?”

          "તું અમારો...." એની માએ એને પોતાની બાજુમાં ખેંચી એના ખભા પર માથું મૂક્યું, એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, "તું અમારો દીકરો નથી." એટલું બોલતા જ એ રડવા લાગી.

          વિરાટને લાગ્યું જાણે નીચેની જમીન હલી રહી છે, "હું તમારો દીકરો નથી મતલબ શું, મા?"

          અનુજાની આંખો વિરાટને જોઈ રહી. કોણ જાણે કેમ પણ આજે માની કોરી આંખો જોઈ એ ડરી ગયો.

          "તું અમારો દીકરો નથી." અનુજાએ ફરી કોઈ યંત્રની જેમ કહ્યુ. એક ક્ષણ માટે વિરાટે આંખો બંધ કરી અને કલ્પના કરી કે એણે ખોટું સાંભળ્યું છે, કલ્પના કરી કે એને એ સાંભળ્યાનો ભ્રમ થયો છે પણ એણે આંખો ખોલી ત્યારે અનુજા ત્યાં જ ઊભી હતી. એ હજુ એને એકીટશે જોઈ રહી હતી. એ સ્તબ્ધ હતી. એની આંખોમાં ઘેરી ઉદાસી હતી. એનો ચહેરો નિસ્તેજ હતો અને એના અવાજમાં અપરાધભાવ હતો. વિરાટ પાસે એની લાગણીઓને વર્ણવવા માટે શબ્દો નહોતા.

          "તું અમારો દીકરો નથી." એ ફરી બોલી.

          હવે વિરાટને ખાતરી થઈ કે પોતે સાચું જ સાંભળ્યું છે. અનુજાએ હમણાં જ કહ્યું કે એ એનો દીકરો નથી. પણ આ અશક્ય હતું.

          "તું મજાક કરે છે, મા?" એણે પૂછ્યું, એનું શરીર ધ્રૂજતું હતું, એનું મન સુન્ન થઈ ગયું હતું અને હૃદય ઝડપથી ધબકતું હતું, "આ મજાક કરવાનો સમય નથી."

          "હું ગંભીર છું." અનુજાએ આંસુ લૂછ્યા અને બીજી તરફ જોઈ લીધું, "આ બધું તને કેવી રીતે સમજાવવું એ મને નથી સમજાતું."

          વિરાટ માની શકતો નહોતો કે એ એનો દીકરો નથી. એના માથાથી પગના અંગૂઠા સુધી બધું બર્ફીલું થઈ ગયું. એની માના શબ્દો એના માથામાં ઘૂમવા લાગ્યા. એ શબ્દોને એના મનમાં ફરી ફરીને સાંભળવા માંગતો નહોતો પણ એ શબ્દો એના મનમાં અને હૃદયમાં એ રીતે ફરવા લાગ્યા જાણે કે એ એના હૃદયને કચડી નાખવા માંગતા ન હોય. વિરાટ માટે એ શબ્દો અસહ્ય હતા.

ક્રમશ: