Andhari Raatna Ochhaya - 10 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | અંધારી રાતના ઓછાયા (ભાગ -૧૦)

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

અંધારી રાતના ઓછાયા (ભાગ -૧૦)






ગતાંકથી.........

સોનાક્ષી વચ્ચે બોલી : " બાબત તો સામાન્ય છે; પરંતુ તેની અસભ્યતા દિવસે દિવસે વધતી જાય છે હું..."

"બસ !હવે આપને વધારે કહેવું પડશે નહીં. હું બધું સમજી ગયો વિશ્વનાથ બાબુ એ બાબત પર નિશ્ચિત થાઓ. મયંક હવેથી આપની દીકરી ને કદી સતાવી શકશે નહીં. ભવિષ્યમાં આપની પુત્રીનું સ્વમાન જળવાય તે માટે હવેથી હું પૂરેપૂરી તકેદારી રાખીશ ."ડોક્ટર મિશ્રા એક પ્રકારનું અર્થ પૂર્ણ મંદ હાસ્ય કરતા બોલ્યો.

દીવાકરે ગુપ્ત રસ્તે પ્રયાણ કર્યું તે પહેલા થોડી ક્ષણો અગાઉ આ બનાવ બન્યો હતો.
બીજા દિવસે સવારમાં ચાંઉ ચાંઉએ દિવાકરના હાથમાં એક ટુકડો કાગળ અને બે સો સો રૂપિયાની નોટો આપી કહ્યું : " આ કાગળમાં જે દવાનું નામ લખ્યું છે તે લઈ આવો .અહીંના મેડિકલમાં એ દવા મળશે નહીં .રાણીચોક માં આવેલ મેડિકલ પર થી લાવવાની છે."
દિવાકર પૈસા ને પ્રિસ્કિપ્શન લેતા પુછવા લાગ્યો." આટલે બધે દૂર કઈ રીતે જવું ?"
ચિનાએ કહ્યું : "નાની કાર લઈને જશો તો ચાલશે .
દિવાકર‌ ખુશ થતાં બોલ્યો : " ત્યારે તો હું હમણાં જ જાઉ છું. "અહીં આવ્યા બાદ તે એકાદવાર બહાર જવાનો અવસર જ શોધતો હતો .તરત જ તેને નાની કાર બહાર કાઢી અને શહેર તરફ પ્રયાણ કર્યું.

શહેરના પ્રખ્યાત રસ્તા પર ગાડી દોડી રહી હતી . ઘણા દિવસ બાદ એણે જાણે આઝાદ હવામાં શ્વાસ લીધો હોય એવું અનુભવાય રહ્યું હતું. રાણીચોકના મેડિકલ પરથી દવાઓ લઈને તેણે કાર આઝાદ સ્ટ્રીટ તરફ દોડાવી. ત્યાંની એક હોટલમાં હિમાંશુ નામનો તેમનો એક મિત્ર રહેતો હતો. મૂળ તો તે ગામડાનો હતો પરંતુ બિઝનેસ માટે અહીંયા આવ્યો હતો .થોડો સમય મૂળ વતનમાં જઈ આવતો, પણ વર્ષનો મોટો ભાગ તે અહીં સિટીમાં રહેતો હોવાથી અહીં તે હોટલમાં કાયમ માટે રૂમ રાખી રહેતો હતો .થોડા દિવસથી તે બિમાર પડ્યો હતો. બિમારી શું છે તે ડોક્ટર નક્કી કરી શકતા નથી પરંતુ તેને કેમ છે તે જાણવા માટે દિવાકર તેની હોટલમાં જઈ ચડ્યો.
તેને જોતા જ હિમાંશુ ખુબ ખુશ થયો પથારી પરથી ઉઠતા એકદમ ઉતાવળે તે બોલ્યો:" આટલા દિવસથી ક્યાં હતો તુ? દરરોજ તારી ઘરે માણસ મોકલું છું, પરંતુ તારો કંઈ પતો જ લાગતો નહોતો !કેવો વિચિત્ર માણસ છે તું!"
દિવાકર તેની પાસે બેસી એકદમ મધુર સ્વરે બોલ્યો : "અકસ્માતે એક કામ આવી પડ્યું છે ,તેથી દૂર જઈ રહેવું પડ્યું છે !
પણ, એ તો કે હવે તારી તબિયત કેમ છે?"
હિમાંશુ હતાશ થઈ બોલ્યો : " એ બાબત તો પૂછતો જ નહીં જેમ ચાલ્યું જાય છે તેમ ચાલ્યું જશે બીજી કોઈ ખાસ બીમારી ના લક્ષણો જણાવતા નથી કેવળ નબળાઈ જ પુષ્કળ જણાય છે.
અત્યારે કયા ડોક્ટરની દવા ચાલે છે?
કોઈપણ ડોક્ટરની નહીં .આજે મારી હોટેલ ના મેનેજર એક ડોક્ટરનું નામ આપ્યું છે; એ ડોક્ટરની સારવાર લેવા જવાનું મન થાય છે! એની પોતાની હોસ્પિટલ છે ત્યાં જઈ રહેવાનો વિચાર થાય છે."
"એ ડોક્ટર નું નામ શું?"
"ડોક્ટર મિશ્રા પ્રખ્યાત મસ્ક્યુલર સ્પેશિયાલિસ્ટ!"
નામ સાંભળી દિવાકર ચમક્યો .ડોક્ટર મિશ્રા !તે ચોંકી બોલી ઉઠ્યો.
તેને આમ ચોંકેલો જોઈ હિમાંશુ એકદમ આશ્ચર્ય પામી બોલ્યો :" શું તું તેમને ઓળખે છે ?"
દિવાકરે કહ્યું : "ગયા બે દિવસમાં મેં તેને ફક્ત એક જ વાર જોયો છે છતાં તેમના પ્રત્યે શંકા અને સંદેહથી મારું મન પરિપૂર્ણ બની ગયું છે .માણસ સારો લાગતો નથી. ભાઈ તું ત્યાં જઈશ નહીં. મારી ખાસ વિનંતી છે."

હિમાંશુએ કહ્યું : "પરંતુ મેં તો લગભગ બધી જ તૈયારી કરી રાખી છે એમ કહું તો ચાલે ."
"તો પણ મારી વિનંતી સાંભળી માત્ર ત્યાં જવાનું છોડી દે."
દિવાકરે તેને છેલ્લા અઠવાડિયામાં બનેલી બધી જ વાત કહી સંભળાવી.
વાત સાંભળી હિમાંશુ વિસ્મય પામ્યો.તેના હૃદયમાં પણ સંદેહ ઉત્પન થયો. તેણે પૂછ્યું : "તું મોટર ડ્રાઇવરનું કામ સ્વીકારી ત્યાં એકલો રહ્યો છે ? એ તો વાઘની બોડમાં ઘુસવા જેવું છે !"
"વાત ખરી છે. પરંતુ મેં જે કામ સ્વીકાર્યું છે ,તેમાં એવા સાહસ તો કરવા જ પડે. ખરું પૂછો તો મને એમાં આનંદ આવે છે! તું મારી ચિંતા કરતો નહીં ; તારો મિત્ર કંઈ જેવા તેવા થી ડરે તેમ નથી."
બીજી વાતચીત કર્યા બાદ હિમાંશુ પાસેથી રજા લઈને દીવાકર એકબીજા મિત્રને મળવા ચાલ્યો.
પ્રશાંત જેટલો બેપરવાહ હતો તેટલો જ સાહસિક હતો. લાઠી ફેરવવામાં ,ઘોડેસવારી કરવામાં, સ્વીમીંગ કે પાક્કી દોસ્તી નિભાવવામાં તેમનો મુકાબલો કોઈથી થઈ શકે તેમ નહોતું.
સમાજના બધા જ દરજ્જાના લોકો સાથે તે મળતો હતો. બધા તેને ચાહતા હતા. મોટા મોટા પૈસદારથી માંડીને મિલ મજૂર સુધીના માણસો તેને સારી રીતે ઓળખતા હતા. એક સમયે શહેરના પ્રખ્યાત બદમાશો સાથે તેનું નામ છાપે ચડેલું .પોલીસે શંકાના દાયરામાં તેને ગિરફતાર કર્યો. દિવાકર આ યુવકના સાહસથી મુગ્ધ બની ગયો .તેની વર્તણૂકથી આકર્ષાયો તેણે પોતાની લાગવગ વાપરી તેને છોડાવ્યો .ત્યારથી પ્રશાંત દિવાકરને ચાહતો હતો .દિવાકરના વચનોને વેદવાક્ય સમાન માની વર્તતો હતો.
દિવાકરને જોતા તે આશ્ચર્ય સાથે કૂદી ઉઠ્યો:" અરે આ શું! દિવુભાઈ તમે મારા ઘેર! બેસો બેસો!"
દિવાકર હસતાં હસતાં બોલ્યો : " આટલા બધા આદર,‌ સત્કારની જરૂર નથી ,પ્રશાંત ! હું તારે ત્યાં પહેલીવાર થોડો આવ્યો છું !"
દિવાકર ખુરશી પર બેઠો . પ્રશાંતે કહ્યું :" તમે તો મહેમાન છો મારા, શી ખબર છે તે કહો ?તમારી મુલાકાત તો લગભગ એક યુગ પછી થઈ!"
"કાશીથી આવ્યા બાદ એક મોટું કામ હાથમાં લીધું છે તેથી હું તને મળી શક્યો નથી."
"એવું તે શું કામ લીધું છે ?"
દિવાકરે કહ્યું : "એ કામનો પ્રકાર હું જાતે પણ હમણાં તો સમજી શકતો નથી. ગાર્ડન હીલના પ્રદેશમાં એક નિર્જન મકાનમાં હાલ તો પડ્યો છું. પણ ભાઈ, તારે મયંક નામના માણસ સાથે ઓળખાણ છે ? તારા ઓળખીતા માંના કોઈ તો કદાચ જાણતા જ હશે ."
આ પ્રશ્ન પૂછ્યા બાદ દિવાકર પ્રશાંતના મુખ સામે જોઈ રહ્યો .તેને લાગ્યું કે તેનું મૂખમંડળ નફરત ને ગુસ્સાથી કઠિન બની ગયું છે.
તેણે કહ્યું : "મયંક પેલો પ્રચંડ કદાવર માણસ તો નહીં ને? એને તો હું સારી રીતે ઓળખું છું. એક દિવસ હું તેને નક્કી મારી નાખીશ. અને ત્યારે જ મારા જીવને શાંતિ મળશે.
દિવાકરે આગ્રહ કરીને પૂછ્યું : " કેમ તને તેના ઉપર આટલો બધો ગુસ્સો કેમ આવે છે ?"
એ વાત તો તમને કોઈકવાર નિરાંતે કહીશ અત્યારે લાંબી લાંબી વાત કહેવાનો સમય નથી , પરંતુ ભાઈ તમે એને ક્યાં જોયો ?"
દિવાકરે કહ્યું: " હાલમાં તો મેં એને હું જ્યાં કામ કરૂ છું ત્યાં એક યુવતી સાથે જોયો હતો. તે છોકરી તેનાથી ગભરાતી ફરતી હતી. મને લાગે છે કે તેનો સ્વભાવ ,ચરિત્ર બહુ સારા નહીં હોય ! જો કે મને તે બાબતને પૂરતી સાબિતી મળી નથી."
પ્રશાંત અચાનકથી વચ્ચે જ બોલી ઉઠ્યો : " જો કદી જરૂર પડે તો મને ખબર આપતા વિલંબ કરતા નહીં .ખબર આપશો કે......?"
"અવશ્ય, પરંતુ હવે મારે જરૂર નું કામ છે. આજે તો હું જાઉં છું. દવા લેવા આવ્યો છું .મોડું કરવું પરવડે તેમ નથી. આજે તો બહુ સમય લીધો !"
આટલું કહી દિવાકરે પ્રશાંતની રજા લીધી.
દિવાકરના ગયા પછી પ્રશાંત ઉંડા વિચારમાં પડ્યો. મયંકનું નામ સાંભળ્યા પછી તે બહુ ઉશ્કેરાઈ ગયો હતો. આ મયંકે પ્રશાતનું ભારે નુકસાન કર્યું હતું. ગયા વર્ષે એક ખૂબ જ પ્રખ્યાત એક્ટરનું ખૂન થયું હતું તે પ્રશાંતનો જીગરજાન દોસ્ત હતો .ખાસ સાબિતી ન હોવા છતાં પ્રશાંતને આ બાબતમાં મયંક પર પાકો શક હતો .તે તેને આ ખુનનો નો મુખ્ય સૂત્રધાર ગણતો હતો. મૃત્યુ અગાઉ થોડા દિવસ પહેલા પ્રશાંતની મનાઈ છતાં તે એક્ટર આ મયંકની સોબતમાં પડ્યો હતો .કુસંગત ને લીધે ખરાબ લતે ચઢી ગયો હતો. મયંકે જ એને એવા અવળેમાર્ગે ચડાવ્યો હતો એ બાબતમાં પ્રશાંતને કોઈ પણ જાતનો શક ન હતો.

હવે શું આગળ મયંક ના કેસમાં પ્રશાંત દિવાકરને મદદ કરશે.........???
દિવાકર સત્ય સુધી પહોંચી શકશે???
જાણવા માટે વાંચો આગળનો ભાગ.........
અંધારી રાતના ઓછાયા....