WELCOME VS WELCOME in Gujarati Short Stories by Sagar Mardiya books and stories PDF | વેલકમ V S આવકાર

Featured Books
  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

  • बन्धन प्यार का - 33

    और नरेश,हिना और मीरा स्वामी नारायण मंदिर के लिये निकल लिये थ...

  • I Hate Love - 12

    जिसे देख जानवी ,,,,एक पल के लिए डर जाती है ,,,,,क्योंकि इस व...

Categories
Share

વેલકમ V S આવકાર



"વેલકમ V/S આવકાર "


"ગુડ મોર્નિંગ હિમાંશુ! " હિમાંશુનાં ટેબલ પાસે ઉભા રહી કાર્તિકે કહ્યું.

"ગુડમોર્નિંગ " સાવ ફિક્કું હસતાં હિમાંશુ બોલ્યો.

"કેમ આજે ખાંડ વિનાની મોળી ચા પીને આવ્યો છે કે શું? " મજાક કરતા કાર્તિક બોલ્યો.

હિમાંશુ ચૂપચાપ બેઠો હતો.

"એક કામ કરી ચાલ ચા પીવા જઈએ. "

હિમાંશુ મૂકસમંતિ આપતાં ઉભો થયો.

"બે અડધી કડક મસાલેદાર ચા આપજોને."

બન્ને બાંકડા પર ગોઠવાયા. હિમાંશુ હજુ અંદરથી ધુંધવાયેલો હોય તેવું લાગતું હતું. ચા પીતા પીતા કાર્તિક હિમાંશુનું નિરીક્ષણ કરી રહ્યો હતો. પાંચ ફૂટ ત્રણ ઈંચની હાઈટ, હવા સાથે લહેરતા સોનેરી વાળ, ગ્રે ટીશર્ટ અને કથ્થઇ રંગના પેન્ટ પહેરેલ હિમાંશુ આજે વધારે જ શાનદાર લાગતો હતો.

ચા પીધાં પછી હિમાંશુનો મૂડ જરા સારો થયો. બન્ને વાતો કરતાં હતાં. ત્યાં એક અવાજ હિમાંશુનાં કાને અથડાયો.

"ભગવાનનાં નામ પર કંઈક આપોને ભાઈ."

હિમાંશુનાં ભવાં તંગ થયાં. અછડતી નજરે અવાજની દિશામાં જોયું. વિખરાઈ ગયેલા વાળ, ઊંડી ઉતરી ગયેલ આંખો, ગાલ અને પેટ. જાણે બે ચાર દિવસથી ભૂખ્યા હોવાનું તેનાં મોં પરથી લાગતું હતું. સાથે એક નિર્વસ્ત્ર બાળક મોઢામાં આંગળી નાખી લાચાર આંખે હિમાંશુ સામે જોઈ રહ્યું હતું.

" ભાઈ, થોડું ખાવાનું આપોને. ભગવાન તમારું ભલું કરશે. " લાચારીભર્યા સ્વરે પેલી સ્ત્રી બોલી. હિમાંશુ મોં ફેરવી બેઠો હતો. કાર્તિક હિમાંશુનાં સ્વભાવથી પરિચિત હતો. હિમાંશુને ભિખારી અને ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોથી તદ્દન નફરત હતી. તે એવું માનતો હતો કે આ લોકો કામચોર છે. બસ મહેનત વિના બે ટંક રોટલો મળે છે એટલે બસ!

"મમ... મમ..." મોઢામાંથી આંગળી કાઢી પેલું બાળક તેની મા તરફ જોઈ બોલ્યું. તેની મા ફરીવાર તે જ વાક્ય બોલી. કાર્તિકથી રહેવાયું નહીં. તે ઉભો થઈ પેન્ટના ખિસ્સામાંથી વોલેટ કાઢી પૈસા આપવા જતો હતો ત્યાં હિમાંશુએ ટોકતા કહ્યું, "શું કાર્તિક તું આવાં લોકોને જોઈને પીગળી જાય છે. તું આવા કામચોરને મદદ કરે છે.આ લોકોની તો આદત બની ગઈ છે. કામ કરવું નહીં અને પૈસા મળે ત્યાંથી લઈ મજા કરવાની. " હિમાંશુએ પેલી સ્ત્રી તરફ જોયું. હિમાંશુનાં સ્વરમાં ગુસ્સો ઉમેરાયો, " જે ભગવાનનાં નામ પર ભીખ માંગો છો તે ભગવાને તમને સહી સલામત હાથ પણ આપ્યા છે. ભગવાનનો આભાર માની મહેનત કરવાને બદલે ભીખ માંગવી છે અને તે પણ આવાં છોકરા સાથે રાખીને જેને જોઈ લોકો પીગળી જાય. જો પોતાના બાળકનું ભરણ પોષણ નથી કરી શકતા તો પેદા શાં માટે કરો છો.... "હિમાંશુનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. તે તો બોલ્યે જતો હતો. કાર્તિકે તેણે રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હિમાંશુ જાણે પેલી સ્ત્રી સાથે જૂનું વેર વાળતો હોય તેમ નાં કહેવાનું બોલ્યે જતો. ધીમે ધીમે તેનાં બોલાતાં શબ્દોમાં રૂપિયાનું ઘમંડ પણ ભળવા લાગ્યું.

"ચાલો નીકળો અહીંથી." કહેતા ત્યાં ઉભેલા લોકો સામે જોઈ તે ત્યાંથી જવા લાગ્યો. ઓફિસમાં પોતાની જગ્યાએ બે હાથ વચ્ચે માથું દબાવી હિમાંશુ ઘણીવાર સુધી બેસી રહ્યો. ઓફિસનો સ્ટાફ તેનાં આવાં વર્તનને કારણે તેની સાથે ઓછું બોલતા. કાર્તિક ઘણીવાર તેણે સમજાવવાનો પ્રયત્ન કરતો ત્યારે સ્ટાફના ઘણાં લોકો કહેતા, "કાર્તિક તું પથ્થર પર પાણી રેડી રહ્યો છે. તારા શબ્દોની તેને કોઈ અસર અને મૂલ્ય નથી. બસ એને છે તો પોતાના રૂપિયાનું ઘમંડ."
"પૈસાદાર તો આપણે પણ છીએ." કાર્તિક બોલ્યો.
"પણ આપણામાં અને તેનામાં જમીન -આસમાનનો ફર્ક છે. સમજ્યો."
સ્ટાફ સાથેની ચર્ચાને અંતે કાર્તિક કહેતો કે 'એકદિવસ જરૂર તેનું હ્નદયપરિવર્તન થશે.' સ્ટાફના લોકો આ વાતને હસવામાં કાઢી નાંખતા અને કાર્તિક મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતો.

*********

હિમાંશુએ રિસ્ટવોચમાં જોયું તો સાંજના સાડા આઠ વાગી ચૂક્યા હતાં. તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યા હતાં તેમ કામનું ભારણ પણ વધી રહ્યું હતું. હિમાંશુએ હેલ્મેટ પહેરી ફટાફટ બાઈક સ્ટાર્ટ કર્યું. આખું આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાઈ ચૂક્યું હતું. વીજળીના કડાકા સંભળાઈ રહ્યા હતાં. ધીમો ધીમો ઠંડો પવન લહેરાઈ રહ્યો હતો. હિમાંશુને યાદ આવ્યું કે તે આજે રેઇનકોટ સાથે લાવવાનું જ ભૂલી ગયો. તે પોતાની જાતને કોશવા લાગ્યો. પવનની સાથે તેની બાઈક પણ સડસડાટ દોડી રહી હતી. અચાનક ધીમીધારે વરસાદ શરું થયો. હિમાંશુએ કોઈ સુરક્ષિત જગ્યાએ ઉભા રહેવાનું વિચાર્યું, પણ ક્યાંય એવી જગ્યા દેખાતી નહોતી.

તેને શરીરમાં વાઈબ્રેશનનો અનુભવ થયો. જોયું તો મોબાઈલમાં કોઈનો કોલ આવી રહ્યો હતો. મોબાઈલ વાઈબ્રેટ મોડમાં હોવાથી ધ્રુજી રહ્યો હતો. વરસાદને કારણે પોતે તો પલળી ચૂક્યો હતો એટલે વિચાર્યું કે અત્યારે મોબાઈલ પર વાત કરવી યોગ્ય નથી. ઘરે જઈ વાત કરીશ.



હિમાંશુએ બાઈક તેજ ગતીએ દોડાવવાની શરૂ કરી. થોડે દૂર પહોંચ્યો ત્યારે અચાનક બાઈક આમતેમ ભાગતી હોય તેવું લાગ્યું. હિમાંશુએ ઝડપથી બ્રેક મારી અને બાઈક સ્લિપ થયું. બાઈક સાથે હિમાંશુ ક્યાંક સુધી ઘસડાયો. હિમાંશુને ચક્કર આવવા લાગ્યાને તે ત્યાં જ બેભાન થઈ ગયો.

******

ચાર પાંચ દિવસ પછી થોડું સારુ લાગતા તે ઓફિસે આવ્યો. ઓફિસનું કામકાજ પતાવી સાંજે નીકળતા સમયે કાર્તિક સામે જોઈ પૂછ્યું, "ચાલ ચા પીવી છે ને."
કાર્તિકે ચહેરા પર સ્મિત સાથે બોલ્યો, "હા થોડા દિવસથી સાથે ચા નથી પીધી. ચાલ."

ચાનો ઓર્ડર કરી બન્ને બાંકડા પર ગોઠવાયા. હિમાંશુએ ચાની ચુસ્કી લેતા પૂછ્યું, "સાંજે ફ્રી છો?"

કાર્તિકે પ્રશ્નાર્થ નજરે સામું જોયું એટલે હિમાંશુ બોલ્યો, "વરસાદી સીઝનને કારણે હવામાન ઠંડુ થઈ ગયું છે. સાંજે અમારા વિસ્તારથી થોડે દૂર આવેલ ઝુંપડપટ્ટીમાં ધાબળા અને નાસ્તાનું વિતરણ કરવાની ઈચ્છા છે."

કાર્તિકને ઝટકો લાગ્યો હોય તેમ તે ઉભો થઈ ગયો અને વિચારવાં લાગ્યો કે,'જેને આ નફરત કરતો તેણે મદદ કરવાની વાત હિમાંશુ કરે છે. આ સ્વપ્ન તો નથી ને.'
કાન પાસે ચપટીનો અવાજ સાંભળી કાર્તિક વિચારોમાંથી બહાર આવ્યો.
"તું એ જ વિચારે છે ને કે હું આટલો બદલાઈ કેમ ગયો?" લગીર સ્મિત કરતા હિમાંશુએ પૂછ્યું.

"હા." કાર્તિકે એકાક્ષરી જવાબ આપ્યો.

" કાર્તિક, બધું ઈશ્વરનો રચેલો ખેલ છે. તેને મને એક ઝાટકે ઘણું બધું સમજાવી દીધું. " કાર્તિકનાં ચહેરા પરની અવઢવને પારખી હિમાંશુએ વિગતવાર વાત કરવાની શરૂઆત કરી. " તે સાંજે ઓફિસેથી નીકળતા મોડું થઈ ગયેલું. અડધે રસ્તે પહોંચે તે પહેલાં પવન સાથે વરસાદ શરૂ થયો. અચાનક બાઈક આમતેમ ભાગી રહી હોય તેવું લાગ્યું. બાઈક એકદમ ગતિમાં હોવાથી રોકવા બ્રેક મારી અને સ્લીપ થઈ ગઈ. બાઈક સાથે ક્યાંય સુધી ઘસડાવાને કારણે શરીર ઘણી જગ્યાએ છોલાઈ ગયું. થોડીવારમાં આંખે અંધકાર છવાઈ ગયો. ક્યાંય સુધી હિમાંશુ બેભાન થઈ પડ્યો રહ્યો. જયારે ભાનમાં આવી આંખો ખોલી તો તે એક ઝુંપડામાં હતો. ઉભા થવા પ્રયત્ન કર્યો, પણ શરીરમાં હજુ દુખાવો થઈ રહ્યો હતો. આમતેમ નજર કરી તો હિમાંશુની સામે એક વ્યક્તિ આવીને ઉભો રહ્યો. જે એક પગથી વિકલાંગ હતો. હિમાંશુએ બાજુમાં નજર કરી. ઘડીભર અવાચક થઈ ગયો. શું બોલવું? કાંઈ સમજાઈ રહ્યું નહોતું. આંખો ચોળતા જોયું તો તે પેલી સ્ત્રી હતી જેને હિમાંશુએ બધાની વચ્ચે મનફાવે તેમ બોલેલો. તે સ્ત્રીએ પાણી આપતાં પૂછ્યું, "સાહેબ, કેમ છે હવે?"
હિમાંશુની તો વાચા જ હણાઈ ચુકી હતી. શું કહું? ક્યાં મોઢે બોલું? હિમાંશુ અવઢવમાં હતો.
તેણે સામે ઉભેલા પુરુષ સામે જોયું. એટલે પેલાં પુરુષે બોલવાનું ચાલુ કર્યું, " સાહેબ, કાલે રાત્રે તમે રોડની સાઈડમાં બેભાન થઈને પડ્યા હતાં. મારી નજર પડી. મેં જોયું તો તમે એકદમ પલળી ગયા હતાં. જેને કારણે શરીર ઠંડુ થઈ રહ્યું હતું. એટલે ફટાફટ તમને અમારા ઘરમાં લાવી શેક આપ્યો. " પેલાં વ્યક્તિએ હિમાંશુને મોબાઈલ અને વોલેટ આપતા કહ્યું, "સાહેબ, તપાસી લેજો, બધું બરાબર તો છેને?"

હિમાંશુની આંખમાં આંસુ તગતગવા લાગ્યા. મનભરીને રડ્યા પછી તેણે આંખો સાફ કરી પેલી સ્ત્રી સામે બે હાથ જોડ્યા અને બોલ્યો, "મને માફ કરી દયો...." હિમાંશુ આગળ કશું બોલી નાં શક્યો. પેલી સ્ત્રીએ કહ્યું, "સાહેબ, મેં તો મારી ફરજ બજાવી છે."

પેલાં પુરુષે કહ્યું, "સાહેબ, અમને બીજા પાસે હાથ લંબાવવો નથી ગમતો, પણ અમારી લાચારી છે. જ્યાં કડિયાકામે જતો ત્યાં ઉપરથી પડતાં મેં એક પગ ગુમાવ્યો. ત્યારબાદ કોઈ કામે રાખતું નહોતું. મારાં બાદ મારી પત્ની કામે જવા લાગી." તેણે તેનાં બાળક સામે જોઈ આગળ કહ્યું, " દીકરાંનાં જન્મ બાદ તેણે કામ મૂકી દીધું.દીકરો નાનો હોવાથી તેની સારસંભાળ રાખવી જરૂરી હતી. તેમાં કાળમુખા કોરોનાએ વિશ્વમાં ભરડો લીધો. કામ શું કરવું. ખાવાનાં ફાંફા પડવા લાગ્યા.લોકડાઉનમાં તો કોઈને કોઈ આપી જતું, પરંતુ અનલોક થયાં બાદ પરિસ્થિતિ હતી તેવી જ. આખરે બન્ને..." તે પુરુષની આંખો ભરાઈ આવી. હિમાંશુની આંખમાં પણ ઝળ ઝળીયા આવી ગયા.

હિમાંશુને તે દિવસનાં વર્તન બદલ ખૂબ પસ્તાવો થયો. ફરી માફી માંગી. હિમાંશુએ વોલેટમાંથી થોડાંક રૂપિયા કાઢી પેલાં વ્યક્તિને આપ્યા. તેણે લેવાની નાં પાડી. હિમાંશુનાં આગ્રહને માન આપી અંતે રાખી લીધા.

*****

કાર્તિક હિમાંશુની વાત સાંભળવામાં મશગુલ થઈ ગયો હતો. હિમાંશુએ વાત પૂર્ણ કરતાં છેવટે કહ્યું, "કાર્તિક, આજે એક વાત સમજાઈ ગઈ. લાચારી આગળ ભલભલાને ઘૂંટણ ટેકવવા પડે છે અને હા બીજી વાત મને મોટા માણસોના વેલકમ કરતાં નાના માણસોનો દિલનો આવકાર ખૂબ ગમ્યો."

કાર્તિકની પ્રાર્થના ભગવાને સાંભળી લીધી તે વાતથી ખૂબ ખુશ થયો.

અસ્તુ...