Genotype - Book Review in Gujarati Book Reviews by Dr. Ranjan Joshi books and stories PDF | જનમટીપ - પુસ્તક સમીક્ષા

Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

જનમટીપ - પુસ્તક સમીક્ષા

પુસ્તકનું નામ:- જનમટીપ

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

લેખક પરિચય:-

'જનમટીપ' પુસ્તકના લેખક ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ એ ઇશ્વર પેટલીકર ઉપનામથી જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર હતા. તેમના સર્જનમાં સામાજીક સંસ્કૃતિ અને ઉત્થાનની વાતો જોવા મળે છે. તેમનો જન્મ ૯ મે ૧૯૧૬ના રોજ ગુજરાતના ચરોતર પ્રદેશના પેટલાદ નજીક પેટલી ગામમાં થયો હતો. ૧૯૪૪ સુધી તેમણે નેદરા અને સાણિયાદની શાળામાં શિક્ષણકાર્ય કર્યું અને ત્યાંથી સાહિત્યસર્જનનો આરંભ કર્યો હતો. આણંદથી પ્રકાશિત થતા ‘પાટીદાર’ અને ‘આર્યપ્રકાશ’નું સંપાદન તથા લગ્નસહાયક કેન્દ્રનું સંચાલન તેમણે કરેલું. ઉપરાંત તેમણે લોકનાદ, ગુજરાત સમાચાર, સંદેશ, સ્ત્રી, નિરીક્ષક વગેરે પત્રો-સામયિકોમાં સામાજિક અને રાજકીય વિષયો ઉપર નિયમિત કટારલેખન કરેલું. ૧૯૬૦ થી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા. તેઓ પત્રકારત્વની સાથે સમાજસુધારાની પ્રવૃત્તિઓમાં ઉત્તરોત્તર વધુ સક્રિય બનેલા. ૧૯૬૧માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ૨૨ નવેમ્બર ૧૯૮૩ના રોજ હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.

‘જનમટીપ’ (૧૯૪૪), ‘ભવસાગર’ (૧૯૫૧), ‘પંખીનો મેળો’ (૧૯૪૮), ‘પાતાળકૂવો’ (૧૯૪૭), ‘કાજળની કોટડી’ (૧૯૪૯), ‘ધરતીનો અવતાર’ (૧૯૪૬), ‘કંકુ ને કન્યા’ (૧૯૪૬) ‘મારી હૈયાસગડી’ (૧૯૫૦), ‘તરણા ઓથે ડુંગર’ (૧૯૫૪), ‘યુગના એંધાણ’ (૧૯૬૧), ‘ઋણાનુબંધ’ (૧૯૬૩), ‘લાક્ષાગૃહ’ (૧૯૬૫), ‘જૂજવાં રૂપ’ (૧૯૬૭), ‘સેતુબંધ’ (૧૯૬૯), ‘અભિજાત’ (૧૯૭૧) વગેરે નવલકથાઓ તેમનું સર્જન છે.  ‘પારસમણિ’ (૧૯૪૯), ‘ચિનગારી’ (૧૯૫૦), ‘આકાશગંગા’ (૧૯૫૮), ‘કથપૂતળી’ (૧૯૬૨) વગેરે એમના નવલિકાસંગ્રહો છે. ‘ગ્રામચિત્રો’ (૧૯૪૪), ‘ધૂપસળી’ (૧૯૫૩), ‘ગોમતીઘાટ’ (૧૯૬૧) અને ‘વિદ્યાનગરના વિશ્વકર્મા’ (૧૯૬૪) એમનાં ચરિત્રલક્ષી પુસ્તકો છે. ‘જીવનદીપ’ (૧૯૫૩), ‘લોકસાગરને તીરે તીરે’ (૧૯૫૪), ‘સંસારના વમળ’ (૧૯૫૭), ‘સુદર્શન’ (૧૯૬૦), ‘મંગલ કામના’ (૧૯૬૪), ‘સંસ્કારધન’ (૧૯૬૬), ‘અમૃતમાર્ગ’(૧૯૬૮) વગેરે લેખસંગ્રહો એમના પત્રકારત્વની નીપજ છે.

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : જનમટીપ

લેખક : ઈશ્વર પેટલીકર

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ

કિંમત : 200 ₹.

પૃષ્ઠ સંખ્યા : 204

બાહ્ય મૂલ્યાંકન:-

પુસ્તકના મુખપૃષ્ઠ પર ઉપસતા નાયક નાયિકાના ચહેરા પ્રસ્તુત કથા વિશે વાચકને સૂચિત કરે છે. જાડા પૂંઠાનું બાઇન્ડિન્ગ છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

પુસ્તક પરિચય:-

ગ્રામીણ સમાજ, એની પૂરેપૂરી લાક્ષણિકતાઓ સાથે નિરૂપતી નવલકથાઓ અને ટૂંકીવાર્તાઓએ ઈશ્વર પેટલીકરને સાહિત્યક્ષેત્રે આગવું સ્થાન અપાવ્યું છે. એમની પ્રથમ છતાં યશોદાયી નવલકથા ‘જનમટીપ’ (૧૯૪૪)માં મહીકાંઠાની પછાત કોમનાં પાત્રો અને તેમના લોકવ્યવહારની સાથે કથાનાયિકા ચંદાની ખુમારી અને છટાનું પ્રભાવક રીતે નિરૂપણ થયું છે. નવલકથાઓમાં ગ્રામપ્રદેશનાં મનુષ્યોનાં સુખદુઃખ, આશાનિરાશા, સાંત્વનો, સમસ્યાઓ, રાગદ્વેષ, ગુણદોષ વગેરેનું એમણે પોતાના નક્કર અનુભવો તથા સમુચિત ભાષાશૈલીના બળ વડે સ્પર્શક્ષમ નિરૂપણ કર્યું છે. અહીં જીદ્દી તેમજ મિથ્યા અહમ્ અને ટેકની પરંપરાને પોષતી મહિકાંઠાની પાટણવાડીયા કોમની કથા છે. જેમાં મુખ્ય પાત્ર તરીકે ભીમો અને ચંદા છે. જે કુટુંબોની આ કથા છે, તે વંશપરંપરાગત ઉતરતા વેર અને મારઝુડ માટે જાણીતી છે. વાર્તાની શરૂઆતમાં ઘેરથી ભાતું લઈને ખેતરે આવનારી વહુ ચંદા મોડી પડે છે. અતિશય મોડું થવાથી ક્રોધે ભરાયેલ તેનો પતિ ભીમો ચંદા સાથે મારઝુડ કરે છે. આ ટાણે વટનો કટકો કહી શકાય તેવી ચંદા મોડું આવવાના કારણરૂપે પૂંજા બામરોલીયા નામના એક વ્યક્તિએ તેની મશ્કરી કરી હતી એમ જણાવે છે. ઘરે પહોંચતા રાત્રે ચંદા લગ્નની શરત યાદ અપાવે છે તેની મશ્કરી કરનાર પૂંજાનો બદલો લેવા ભીમાને જણાવે છે. ભીમો પરિસ્થિતિ પારખતા તાત્કાલિક બદલો લેવાનુ યોગ્ય નથી સમજતો ત્યારે ચંદા રાતોરાત તેના પિયર ચાલી જાય છે અને કહેતી જાય છે કે પોતાનો બદલો લેવાતા તરત જ એ આપમેળે સાસરે આવી જશે. આગળ શું થયું? ચંદા પાછી આવી કે નહીં? ઘીના ઠામમાં ઘી પડ્યું કે નહીં? એ જાણવા માટે તો તમારે આ નવલકથા વાંચવી જ પડે.

શીર્ષક:-

આવેશમાં આવેલો ભીમો 'માર દિયા જાય કે છોડ દિયા જાય બોલ તેરે સાથ ક્યા સુલુક કિયા જાય' ગીતની જેમ પૂંજાને મારી નાખવાનું વધુ પસંદ કરે છે અને‌ બદલામાં જનમટીપની સજા ભોગવે છે. જેલવાસ દરમિયાન માત્ર ગુનેગાર જ સજા નથી મળતી, એ સજાથી બાય ડિફોલ્ટ મળતી સજા તો તેના પરિવારે પણ ભોગવવી પડે છે એ ન્યાયે અહીં ચંદા પર ઘરની‌ તમામ જવાબદારી આવી પડે છે. આમ, એ પણ‌ જનમટીપ ભોગવે‌ છે. આ રીતે, અહીં 'જનમટીપ' શીર્ષક સાર્થક થાય છે.

પાત્રરચના:-

ઈશ્વર પેટલીકરની ‘જનમટીપ’ નવલકથાની ચંદા, વાસ્તવિક ધરાતલ પર ઊભેલું તેજસ્વી અને બળકટ પાત્ર છે. તે પોતાની શરતે જ જીવે છે. ભીમા સાથે લગ્ન કરતાં પહેલાં ચોખ્ખું કહી દે છે કે ડાભીની દીકરી મટી વારેચાની વહુ થવા તૈયાર છું પણ મારું અપમાન થાય ત્યારે જીવને જોખમે બદલો લેવો. આવી ચંદા માત્ર નર્યા વટવાળી સ્ત્રી જ નથી, એનું કર્મઠ અને અત્યંત સ્નેહાળ નારીરૂપ નવલકથાને અંતે પ્રગટ થાય છે. આ નવલકથાના મુખ્ય પાત્રોમાં ચંદા, ભીમો, પૂંજો, અંબા, દેવો, રયજી વગેરે માનવીય તથા માતેલો સાંઢ જેવા અમાનવીય પાત્રનો પણ સમાવેશ થાય છે.

સંવાદો/વર્ણન:-

કેટલાક સંવાદો હૃદયસ્પર્શી છે. માણો:

"હું અભિમાન નહીં કરું પણ ટેક નહિ મુકું."

"જાનવરની જાત! એનો શો ભરોસો?"

"બાપા! જીવથી જઈશ તોય ઓછો તમારો‌ વંશ જવાનો છે?"

"બેટા, પુરૂષથી ન થાય એ કામ તે આજે કર્યું છે."

"તમે જેને દેખતા હો‌‌ તે. હું તો કોઈને પુરૂષ દેખતી નથી."

માત્ર સંવાદો જ નહીં વર્ણન શક્તિમાં પણ ઈશ્વર પેટલીકરની કમાલ જોવા મળે છે. સૂર્યોદયનું વર્ણન તો જુઓ, શું અદભૂત કલમ છે!

"સૂર્યનારાયણે ઉંઘ ખંખેરી, આંખ ઉઘાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા ત્યારે નવો ચણિયો, ઓઢણી ને કાપડું પહેરી હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાળવા નીકળી પડી હતી. એનું પરાક્રમ નીરખવા સૂર્ય ઉતાવળે ઉંચે ચડી રહ્યો હતો." આમ, અહીં પાત્ર યથાયોગ્ય વિકસે છે તો વર્ણનો તેને વિકસવા માટે મુક્ત ગગન પૂરું પાડે છે.

લેખનશૈલી:-

લેખકની શૈલીમાં ગામઠી‌ ભાષા અને‌ શહેરી ભાષા બંને સરસ રીતે વણાયેલા છે. વાર્તા સહજ, સરળ, રસાળ રીતે આગળ વધતી રહે છે. જે‌ વાચકને‌ શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે. લેખકની‌ શૈલી‌ જનસામાન્યને અનુકૂળ આવે એવી છે.

વિશેષ મૂલ્યાંકન:-

આ નવલકથામાં ચંદાના પાત્રને વધુ મહત્વ અપાયું હોય એવું જણાય છે. પુરૂષપ્રધાન સમાજમાં પણ સ્ત્રીપ્રધાન વાર્તા ધૂમ વંચાય ને વેચાઈ શકે એ ઈશ્વર પેટલીકરે સાબિત કરી બતાવ્યું છે. અડધેથી વાર્તા કોઈ થ્રીલર ફિલ્મની જેમ રહસ્યમય વળાંકો લેતી જાય છે. ચંદા અને ભીમાનાં લગ્નનો પૂર્વ ઈતિહાસ, વરસોથી ચાલી આવતી બે કુટુંબો વચ્ચેની વેરભાવના, ચંદા પિયર જતી રહેતા ભીમાના બીજા લગ્ન વગેરે બાબતો દર્શાવી લેખક વાર્તામાં રહસ્ય ઉમેરતા જ જાય છે. વાર્તામાં ચંદાનું પાત્ર નોખું જ તરી આવે છે. પિયર ગયેલી ચંદાની પાછળ સુકાન બદલીને લેખક વાર્તાને ફ્લેશબૅકમાં, ચંદાના પિયર અને ખાસ તેના ભૂતકાળ તરફ લઈ જાય છે. ચંદા રયજી ડાભીનાં કુટુંબમાં જન્મેલું છેલ્લુ સંતાન હતી. રયજીની જુવાનીનો જુસ્સો અને જોમ તેનામાં ઉતર્યા હતા. ગામમાં રંજાડ કરતા માતેલા સાંઢને નાથવાનું કામ, જે પુરૂષો ન કરી શક્યા તે ચંદા કરી બતાવે છે. આગળ તેના નક્કી થયેલા બાળલગ્ન તોડવા અને ભીમા સાથે લગ્ન વાર્તામાં નવા વળાંકો ઉભા કરે છે. છેવટે પિતા સાથે રહી ભીમો પૂંજાનું ખૂન કરી વેર લેતા ચંદા પાછી ફરે છે અને જનમટીપ પામેલા ભીમાના ઘર-ખેતરને કુશળતાથી સંભાળી લે છે. જે ખેતરમાં કાપણીની મોસમે આ કરૂણ વાર્તાનો પ્રારંભ થયો હતો તે જ ખેતરની ધરતી પર બરાબર એક વર્ષ વિત્યે તેવી જ ધાન્યલણણીને ટાણે લેખક વાર્તા સમાપ્તિનું છેલ્લું દૃશ્ય કોઈ રૂપેરી પડદાને ઓપ આપે એમ તેવી અદાથી ખેંચી કાઢે છે. ટૂંકમાં આ નાયક - નાયિકાના આંતર સંઘર્ષની કથા છે.

મુખવાસ:- 'જનમટીપ' એટલે એક અદ્ભુત પ્રેમકથા, સંવેદન કથા, વેર અને વહાલની કથા, ગુજરાતના ખંતીલા અને ખમરીવંતા તળના માનવીની કથા.