Dashavatar - 74 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 74

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

દશાવતાર - પ્રકરણ 74

          "દેવતાનું મૃત્યુ એ યુદ્ધનો અંત નથી પરંતુ યુદ્ધની શરૂઆત છે." વજ્રના પિતાએ કહ્યું, "એ બદલો લેવા આવશે. જ્યારે એમને  દીવાલની આ તરફ શું થયું એના સમાચાર મળશે એટલે એ ફરી આક્રમણ કરશે." એણે શૂન્યો પર નજર ફેરવી અને ઉમેર્યું, "પણ આપણે એમની સામે લડવા તૈયાર છીએ કારણ કે આપણી સાથે અવતાર છે."

          "અવતાર..."

          "અવતાર..."

          જગપતિ વિરાટની નજીક ગયો ત્યાં સુધી શૂન્ય લોકો અવતાર અવતાર એમ બૂમો પાડતા રહ્યા. જગપતિએ વિરાટનો હાથ પોતાના હાથમાં લીધો અને આકાશ તરફ હવામાં ઉંચો કર્યો, “દેવતાએ આપેલો જખમ વિરાટ પર કોઈ અસર નથી કરી શકયો કારણ કે એ અવતાર છે.”

          લોકો ઉત્સાહમાં આવી શોર કરવા લાગ્યા. એમનો શોર હળવો થયો એટલે જગપતિએ આગળ કહ્યું, “આપણા અવતારની સૌથી મોટી સાબિતી ખુદ આપણા શત્રુઓએ આપી છે. દેવતાના ન્હોરની નાનકડી ખરોચ વાગે તો પણ માણસ વિષથી મરી જાય છે પણ વિરાટને કશું નથી થયું કેમકે એ અવતાર છે. એના માર્ગદર્શન હેઠળ આપણે લડીશું અને જીતીશું.”

          “હા, આપણે લડીશું...”

          “હા, આપણે જીતીશું...”

          શૂન્યોએ ફરી એકવાર સ્ટેશનની ઇમારત ધ્રુજી ઉઠે એટલા ઊંચા અવાજે સમૂહમાં જગપતિની વાતને વધાવી લીધી. 

          “ભવિષ્યવાણી સાચી છે. એ સાબિત થાય છે એટલે આપણને અવતારમાં વિશ્વાસ કરવા માટે બીજા કોઈ પુરાવાની જરૂર નથી.”

          "હવે શું કરવું જોઈએ?" એમાંથી કેટલાકે આગળ વધીને પૂછ્યું.

          "સૌ પહેલા આપણે આગગાડીમાં એમણે મોકલેલા મૃતદેહોના સન્માનપૂર્વક અંતિમસંસ્કાર કરીશું." જગપતિએ કહ્યું, “એ નિર્ભય સિપાહીઓ કરતા પણ વધારે બહાદુર હતા. દેવતા અને અસરગ્રસ્ત નિર્ભય સિપાહીઓએ હુમલો કર્યો ત્યારે એ નિઃશસ્ત્ર અને તૈયારી વગર હતા.” જગપતિએ એની આંખોમાંથી આંસુ લૂછ્યા, “હું એમની મદદ ન કરી શક્યો એનો મને અફસોસ છે. જો અમે એમને મદદ કરવાનો પ્રયત્ન કર્યો હોત તો અમે તમને મદદ કરવા અને ચેતવણી આપવા માટે અહીં ન આવી શકોત. એમને મદદ કરતા અમે ખુલ્લા પડી ગયા હોત એટલે અમારે એમને નજર સામે મરતા જોવા પડ્યા..” એના આંસુ હવે ચહેરા પર મુક્તપણે વહેતા હતા, “એમની સાથે જે થયું એ હું ક્યારેય નહીં ભૂલી શકું. એ હત્યાકાંડ મને હંમેશા યાદ રહેશે. એ ક્રૂર હુમલો હતો પરંતુ આ બહાદુર લોકોએ હાર ન માની. એ શક્ય ત્યાં સુધી લડ્યા. જ્યારે વિજય અસંભવ હતો ત્યારે દીકરીઓએ પોતાની જાતને પાણીની કેનાલમાં કુદી મા ગંગાને હવાલે કરી પરંતુ પોતાની પવિત્રતા અભડાવા ન દીધી.” જગપતિએ એના અવાજમાં ભળતી ધ્રુજારીને દબાવી. એ ગૂંગળાતો હતો, “એ દીકરીઓ ગંગા નદી જેવી પવિત્ર હતી. જ્યાં સુધી ગંગામા પાણી છે ત્યાં સુધી આપણે એમના બલિદાનને ભૂલીશું નહીં. ગંગામાના નામ પરથી આપણે એ દીકરીઓને  સતી-મા કહીને એમનું સન્માન કરીશું.”

          આંસુ વચ્ચે બધાએ ગંગા-માં અને સતી-માંનો જયકાર કર્યો.

          "હવે આપણે આપણા બહાદુરોના સન્માનપૂર્વક અંતિમસંસ્કાર કરીશું." જગપતિએ કહ્યું.

          એમણે સ્ટેશન ગ્રાઉન્ડમાંથી તમામ મૃતદેહો એકઠા કર્યા. એમણે લડાઈમાં લગભગ પંદર નિર્ભય અને સો કરતાં વધુ શૂન્ય લોકોને ગુમાવ્યા હતા. સવાર સુધી એ આગગાડીની અંદરથી મૃતદેહો બહાર કાઢતા રહ્યા. સૂર્યના પ્રથમ કિરણ સાથે દીવાલની દક્ષીણનો દરેક શૂન્ય સ્ટેશન આવી ચુક્યો હતો. આજે દક્ષીણની દરેક ઝૂંપડી ખાલી હતી. દરેક સ્ત્રી અને દરેક બાળક ત્યાં હતા. બધા પોતપોતાના પરિવારના સભ્યોને શોધતા હતા અને જ્યારે પણ એમને એમના પ્રિયજનનો મૃતદેહ મળતો ત્યારે સ્ત્રીઓ અને બાળકોના આક્રંદ સાંભળીને વિરાટ અને જ્ઞાનીઓના હ્રદય ભરાઈ આવતા. કોઈએ એના માતા પિતા ગુમાવ્યા હતા, કોઈએ ભાઈ તો કોઈએ બહેન ગુમાવી હતી તો કોઈ કોઈએ તો આખો પરિવાર ગુમાવ્યો હતો. આગગાડીમાંથી એક સો ચોરાણું મૃતદેહો મળ્યા હતા એટલે કે છત્રીસ જણા પાણીની કેનાલમાં કૂદી પડયા હતા. જગપતિએ કહ્યું હતું કે પદ્મા કેનાલમાં કૂદનાર પ્રથમ હતી એટલે વિરાટને એને છેલ્લીવાર જોવાનો મોકો પણ ન મળ્યો.

          સ્ટેશનની લડાઈમાં શૂન્ય અને બિન-અસરગ્રસ્ત નિર્ભયોના મૃતદેહો ઉમેરાયા હતા. જગપતિએ એમના દુશ્મનોના તમામ મૃતદેહોને સ્ટેશનના મેદાનમાં બાળી નાખવાનો આદેશ આપ્યો. શૂન્યોએ એણે કહ્યું એમ કર્યું પછી શૂન્યોના મૃતદેહ અંતિમસંસ્કાર માટે સ્મશાન લઈ ગયા. આટલી સંખ્યામાં લોકોના અંતિમસંસ્કાર કરવા મુશ્કેલ હતા કેમકે સ્મશાન એટલું મોટું નહોતું. એમણે લાકડાના મોટા ઢગલામાં અનેક લોકોને એકસાથે અંતિમસંસ્કાર આપ્યા. 

          બપોર સુધી મૃતકો રાખ બની ગયા હતા. એમની યાદો સિવાય એમની કોઈ નિશાની નહોતી રહી.

          ગુરુ જગમાલ અને એમનો પરિવાર પણ અંતિમસંસ્કારમાં જોડાયો હતો. જગમાલે વિરાટ અને તમામ તાલીમાર્થીઓને ગળે લગાવ્યા. 

          "દક્ષા અને સમ્રાટ ક્યાં છે?" ગુરુએ પૂછ્યું, "એ અહીં કેમ નથી?"

          "એ હવે આપણી સાથે નથી." વિરાટે જવાબ આપ્યો, "આપણે એમને સ્ટેશનની લડાઈમાં ગુમાવી દીધા છે."

          અને પછી વિરાટે પહેલીવાર ગુરુને રડતા જોયા. ગુરુ જગમાલ એક મજબૂત માણસ હતા છતાં દક્ષા અને સમ્રાટના મૃત્યુના સમાચાર સાંભળી એ આંસુ ન રોકી શક્યા.

          "એક સભા બોલાવવી પડશે." જગપતિએ ગુરુને વધુ રડવાની તક ન આપતા કહ્યું, "મારે લોકોને કંઈક કહેવું છે."

          "શું?" ગુરુએ આંસુ લૂછતાં પૂછ્યું.

          "કંઈક ભયંકર..." જગપતિએ કહ્યું, "એક સમાચાર." અને વિરાટને આશ્ચર્ય થયું કે એ સમાચાર શું હશે પણ એણે પૂછ્યું નહીં.

          ગુરુએ જવાબ આપ્યો, "સભા બોલાવવાની જરૂર નથી કેમકે આજે દીવાલની દક્ષીણમાં રહેતો દરેક શૂન્ય અંતિમસંસ્કારના મેદાનમાં ઊભો છે."

          “તો બધાને એકઠા થવા કહો.” જગપતિએ કહ્યું.

          ગુરુએ દરેક તાલીમાર્થીને બોલાવ્યા અને બધા સંદેશવાહકોને શોધવા કહ્યું. દસ મિનિટમાં બધા ગુરુની સામે હતા.

          "દરેકને એક સભામાં બોલાવો."

          પછીના અડધા કલાકમાં સ્મશાન ભૂમિ પર ઉભેલા તમામ લોકો ભેગા થઈ ગયા. ત્યાં સંપૂર્ણ મૌન હતું. મૌન એ દીવાલની દક્ષીણમાં સભાની શરૂઆત હતી.

          "આગગાડી બે દિવસમાં પાછી નહીં જાય ત્યારે એ જાણશે કે અહીં શું થયું છે." જગપતિએ શરૂઆત કરી, "એ બળવા વિશે જાણશે પરંતુ જ્યાં સુધી આગગાડી દીવાલની અંદર હોય ત્યાં સુધી એમની પાસે હુમલો કરવાનો કોઈ રસ્તો નથી. એ લોકો આગગાડી વગર મોટી સંખ્યામાં અહીં આવી નથી શકતા અને આગગાડી વિના વીજળીના તોફાનના રણમાંથી પસાર થવાનો પણ કોઈ રસ્તો નથી. એ અહીં મોટરસાઇકલ કે કાર પર આવી નથી શકતા. એમને આગગાડીની જરૂર છે પરંતુ આગગાડી પર હવે આપણો કબજો છે.”

          આગગાડી પર હવે એમની માલિકી છે એ સાંભળી લોકોએ હર્ષથી ચિચિયારીઓ પાડી.

          "શાંત રહો." જગપતિએ આગળ કહ્યું, "એમની પાસે આપણને સજા કરવાની એક બીજી રીત છે."

          બીજા બધા અવાજ શાંત પડી ગયા. કોઈ ગણગણાટ પણ કરતું નહોતું.

          "એ પાણી કાપી નાખશે." જગપતિએ કહ્યું, "એ કેનાલના પાણીના પ્રવાહને અટકાવશે. ત્રણ દિવસ પછી કેનાલમાં પાણી આવતું બંધ થઈ જશે.”

          લોકો એકબીજા સામે જોવા લાગ્યા.

          "પરંતુ આપણી પાસે એક રસ્તો છે." જગપતિએ આગળ કહ્યું, "આપણે બધા મજૂરો છીએ. આપણે ઓછામાં ઓછા દસ હજાર લોકો છીએ અને આપણે માત્ર એક દિવસ અને એક રાતમાં વિશાળ તળાવ ખોદીશું અન એ  પાણીથી ભરીશું.” એણે ભીડ ઉપર નજર ફેરવી, "અને આપણી પાસે મહિનાઓ સુધી પાણી હશે." એણે ગુરુ તરફ જોયું અને ગુરુએ માથું હલાવ્યું, "અવતાર બધા તાલીમાર્થીઓ અને મારા અડધા સૈનિકો સાથે દીવાલની પેલી તરફ જશે. મારી અડધી ટુકડી અહીં તમારી સાથે રહેશે. હું પણ અહીં તમારી સાથે રહીશ." 

          એ થોડીવાર અટક્યો અને ઉમેર્યું, "જ્યારે તળાવ ખાલી થઈ જશે ત્યારે શું થશે એનાથી ડરશો નહીં." એનો અવાજ મજબૂત થયો, “તળાવ ખાલી થાય એ પહેલાં મંદિર અને એના ક્રૂર શાશકનો આપણા અવતારે અંત લાવ્યો હશે. એ સમયે દીવાલની દક્ષીણ જ નહીં પણ દીવાલની ઉત્તરમાં પણ અવતારનું શાસન હશે. તળાવ ખાલી થાય એ સમયે પૃથ્વી પર કળિયુગ નહીં હોય. એ સમયે આપણે સત્યયુગમાં હોઈશું.”

          "સત્યયુગ..."

          "અવતારનું શાસન..."

          "મંદિરનું પતન..."

          "દીવાલની ઉત્તરમાં અવતાર રાજ કરશે."

          વિરાટને ભીડમાંથી જુદા જુદા અવાજ સંભળાયા.

          "હવે, ઘરે જાઓ અને તળાવ ખોદવા માટે ઓજારો લઈ આવો. ખાવા-પીવાની તૈયારી સાથે આવજો. આપણે જંગલની બાજુમાં જ તળાવ ખોદવાનું શરૂ કરીશું."

          ગુરુએ લોકોને સમજાવ્યું કે એમણે શું કરવું જોઈએ અને લોકો એમના ઓજારો લેવા માટે અંતિમસંસ્કારના મેદાનમાંથી નીકળી ગયા. એક કલાક પછી તમામ તાલીમાર્થીઓ, નિર્ભય ટુકડી, વિરાટના માતા-પિતા અને વિરાટ તાલીમના મેદાન પર હતા.

ક્રમશ: