Dashavatar - 73 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 73

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

દશાવતાર - પ્રકરણ 73

          "વિરાટ....."

          એના સ્વપ્નમાં કોઈ એનું નામ લઈ એને સાદ દેતું હતું.

          એણે આંખો ખોલી, "વિરાટ જાગ....." કોઈ એને હલાવતું હતું, "આપણે યુદ્ધ જીતી લીધું છે."

          એ જાગી ગયો, આંખ ખોલી, આંખો લૂછી અને એની આસપાસ અંધાધૂંધી જોઈ. એના લોકો રડતા હતા, બૂમો પાડી રહ્યા હતા, કેટલાક જમીન પર પડ્યા હતા અને વજ્રના પિતાની ટુકડી લોકોને મદદ કરી રહી હતી. વિરાટ સ્મૃતિ-સ્વપ્નમાંથી બહાર હતો પણ એને સાંભળવામાં તકલીફ પડતી હતી. એની પાંસળીઓમાં પીડા સતત ધબકારા મારતી હતી. એ ઊભો થઈ શકે એમ નહોતો. વજ્ર, તારા અને કેટલાક તાલીમાર્થીઓ એની આસપાસ ઊભા હતા. એમના શરીર પર ઠેકઠેકાણે જખમ હતા અને એમના કપડાં લોહીથી ખરડાયેલા હતા. એમના શરીર પરના ઘામાંથી હજુ પણ લોહી વહેતું હતું. વજ્રના ચહેરા પર ઊંડો ઘા પડ્યો હતો જે એની ડાબી આંખોથી શરૂ થઈને એના ઉપલા હોઠ સુધી. પવનનો ચહેરો ડાબી તરફ ખરાબ રીતે ઘવાયો હતો.

          પોતાના લોકોને મરતા જોયાની છેલ્લી યાદ અને પછી શું થયું એ વિરાટને ખબર નહોતી. એ જાગ્યો ત્યારે એ યુદ્ધ જીતી ચુક્યા હતા.

          “વિરાટ...” એણે એના પિતાને નજીક આવતા જોયા અને પોતાને ઉપર ખેંચ્યો. એ બેઠો થયો.

          "શું થયું?" એણે પૂછપરછ કરી.

          "આપણે જીત્યા..." એના પિતાએ કહ્યું, "આપણે એ બધાને મારી નાંખ્યા છે."

          "મને માફ કરજો..." વિરાટે કહ્યું, "મેં ભાન ગુમાવ્યું. હું વધુ લડી ન શક્યો.”

          "તેં જ બધું કર્યું છે..." વજ્ર એની પાસે બેઠો, "તેં અમારા બધા કરતાં વધુ માર્યા છે. તું પાગલ થઈ ગયો હતો.”

          “ખરેખર?” એણે સ્મિત વેરવા કોશિશ કરી.

          “હા...” વજ્રએ કહ્યું, “મેં જ્યારે છેલ્લા દુશ્મનને માર્યો ત્યારે મેં સત્તર ગણ્યા હતા.”

          "અને મેં પંદર." તારાએ વિરાટ પાસે બેસતા કહ્યું.

          "અને મેં?" વિરાટે પૂછ્યું.

          વજ્રએ કહ્યું, “અમારા બંને કરતાં પણ વધુ.”

          તારાએ ઉમેર્યું, "તું તાંડવ કરતો હતો. સારું થયું કે તું બેહોશ થઈ ગયો અન્યથા તારા તાંડવમાં વિક્ષેપ કરવાનો કોઈ રસ્તો નહોતો. તને રોકવો અસંભવ હતો.”

          "તાંડવ શું છે?" વિરાટે પૂછ્યું.

          "એ અવતારનું યુદ્ધનૃત્ય છે." જગપતિ એની નજીક આવ્યો, " જ્યારે એ તાંડવ કરે છે ત્યારે અવતારને કોઈ રોકી શકતું નથી."

          "હું તાંડવ..."

          લોહી થીજવી નાખે એવી ચીસે વિરાટના અવાજને દબાવી નાખ્યો.

          "આ શેનો અવાજ હતો?" એ ઊભો થયો.

          વજ્રના પિતાએ બૂમ પાડી, "પ્રલય પહેલાના ભગવાન આપણી મદદ કરે."

          વિરાટ સમજી ગયો કે આગગાડીમાંથી ચીસો આવી રહી છે.

          "અમે એક દેવતાને છેલ્લી કારની અંદર કેદ કર્યો છે. અમે રસ્તામાં જ અડધી આગગાડી પર નિયંત્રણ મેળવી લીધું હતું." જગપતિએ કહ્યું, "તમને ચેતવણી આપવા માટે સિગ્નલ આપવા માટે મેં અમારા એક માણસને ડ્રાઇવરની કારની અંદર ગોઠવ્યો હતો."

          "હવે શું થયું?" વજ્રના અવાજમાં ભય હતો.

          "કોઈએ એની કારમાંથી દેવતાને છોડ્યો લાગે છે." વજ્રના પિતાએ કહ્યું, “એટલે જ અમે છેલ્લી કાર પાસે લડી રહ્યા હતા. અમે નિર્ભય ટુકડીને કારની અંદર જતા રોકી રહ્યા હતા.”

          "તો પછી એને કોણે છોડ્યો?" તારાએ પૂછ્યું.

          "કદાચ કોઈ નિર્ભય સિપાહીએ મૃત હોવાનો ઢોંગ કર્યો હશે અને હવે જ્યારે આપણું ધ્યાન નથી રહ્યું ત્યારે એણે દેવતાને બહાર કાઢ્યો હશે." એણે કહ્યું, "અમે એની સાથે લડી નથી શકતા એટલે જ અમે આગગાડીમાં બળવો કરતા પહેલા એને છેતરીને કેદ કર્યો હતો."

          બધાએ કાર તરફ જોયું. એમણે કારના ધાતુ પર પગના અવાજ સાંભળ્યા અને એક શૂન્યના શરીરને છેલ્લા દરવાજામાંથી બહાર ફેંકાતું જોયું.

          "એ એક શૂન્ય છે." વિરાટના પિતાએ બૂમ પાડી, "કદાચ એણે અંદરનો અવાજ સાંભળીને અંદર શૂન્ય કેદ છે એમ સમજીને દરવાજો ખોલ્યો હશે."

          પવને કહ્યું, "એ તાલીમીઓમાંથી એક છે."

          વિરાટે મૃતદેહ તરફ જોયું અને એને ઓળખો - એ છોકરો હતો જેના પિતા એ તરફ ગયા હતા તેથી યુદ્ધ પૂરું થતા જ એ એના પિતાના મૃતદેહને શોધવા માટે કારની તપાસ કરવા ગયો હતો.

          અચાનક એમણે કર્કશ અવાજ સાંભળ્યો અને છેલ્લી કારની બાજુની પેનલ ફાટી, એનો કાચ ટુકડાઓમાં વિખરાઈ ગયો અને કારની ધાતુની દીવાલમાં એક વિશાળ ગાબડું પડ્યું.

          બધાની નજર ધાતુના પતરામાં બનેલા ગાબડાં તરફ ફેરવાઈ. પતરું ચીરાવાના કર્કશ અવાજ સાથે એ ગાબડું મોટું થયું અને એમાંથી એક માનવ જેવી દેખાતી આકૃતિ બહાર નીકળી જેના મોટા ભાગના લક્ષણો માનવ કરતા અલગ હતા. એ દેવતા હતો. અલબત્ત હવે બધા જાણતા હતા કે એ દેવતા નહીં પણ દાનવ હતો. એ કુદીને કારની બહાર આવ્યો. એ જરા સરખું પણ સંતુલન ગુમાવ્યા વિના જમીન પર સ્થિર ઊભો રહ્યો.

          બધા એક ક્ષણ માટે દેવતાને જોઈ રહ્યા. એના આગમન સાથે વાતાવરણમાં ભય અને આતંક ફેલાઈ ગયો. એનું શરીર મજબૂત દેખાતું હતું અને એની આંખો રાક્ષસી હતી. એની આંખોમાં લાલ નસો કરોળિયાના જાળા જેમ ફેલાયેલી હતી અને અને એનો ચહેરો લીલી નસોથી ભરેલો હતો. એના શરીર પર નસની સંખ્યા વધારે હતી કારણ કે એ યુવાન નહોતો.

           “ઓહ, જગપતિ. તેં ભયંકર ભૂલ કરી છે.”  દેવતાએ સીધું વજ્રના પિતા તરફ જોયું, “મારા પ્રિય સેનાનાયક, તેં વિચાર્યું છે કે એક શૂન્ય છોકરો દુનિયા બદલી શકે છે અને તું એના માટે લડી રહ્યો છે. તેં ભગવાન સાથે વિશ્વાસઘાત કર્યો છે પરંતુ તું એ ભૂલી ગયો કે અમને કોઈ જીતી ન શકે?”

          "મને નથી લાગતું કે મેં કોઈ ભૂલ કરી હોય..." જગપતિએ એની તરફ જોયું.  બધા શૂન્યો અને નિર્ભય એક તરફ ખસી ગયા એટલે જગપતિ અને દેવતા એકબીજા સામે જોઈ શકે.

          "તેં મને છેતરીને કેદ કર્યો અને આગગાડીમાં બળવો કર્યો." દેવતાએ કહ્યું, "શું આ ભયંકર ભૂલ નથી?"

          "હા, એ ભયંકર ભૂલ છે જો અમારી સાથે કોઈ અવતાર ન હોય તો... પણ અમારી સાથે અવતાર છે." વજ્રના પિતાના શબ્દો સાથે, શૂન્ય લોકો અને નિર્ભય ટુકડીમાંથી ઉલ્લાસભર્યો અવાજ નીકળ્યો, “અવતાર... અવતાર... અવતાર...”

          "હું આ અવતારને મારી નાખીશ અને પછી જે થશે એ તમારા માટે યાદગાર બની રહેશે..." દેવતાએ કહ્યું, એના ચહેરા પર રાક્ષસી હાસ્ય હતું, "ફરી સદીઓ સુધી કોઈ બળવો કરવાનું નહીં વિચારે એવી સજા તમને આપવામાં આવશે.”

          "દેવતા...." વિરાટે એને અટકાવ્યો, "હા, તું સાચો છે." એણે કહ્યું, "તારી સાથે લડવું એ જ મારુ લક્ષ છે. તારા જેવા રાક્ષસોનો સંહાર કરવા જ હું અવતર્યો છું."

          દેવતાએ વિરાટ તરફ નજર કરી. એની આંખો ક્રોધથી સળગતી હતી, એનો હાથ એની કમરબંધ સુધી પહોંચ્યો અને એણે ત્યાંથી એક ધાતુનું હથિયાર કાઢ્યું.

          "જાદુઈ હથિયાર..." નિર્ભયે બૂમ પાડી.

          "એ કોઈ જાદુઈ હથિયાર નથી..." વિરાટે કહ્યું. એણે એના છેલ્લા સ્વપ્નમાં એ હથિયાર જોયું હતું. એ એના સાળાની કમર પર હતું. સ્વપ્નમાં વિરાટને ખબર નહોતી કે કેવી રીતે પરંતુ એ જાણતો હતો કે એ રિવોલ્વર છે.

          "એ કોઈ જાદુ નથી." વિરાટે કહ્યું, "એની ટેક્નોલોજી જે એમણે બધાથી છુપાવી છે. આ હથિયાર એક રિવોલ્વર છે અને એમાં છ ગોળીઓ છે. એ આપણામાંથી માત્ર છને મારી શકે છે, છ કરતાં વધુ નહીં."

          વિરાટના શબ્દોથી એના લોકોમાં હિંમત વધી. એ ફરીથી ઉત્સાહિત થયા કારણ કે એમને દ્રઢ વિશ્વાસ હતો કે વિરાટ અવતાર છે નહીં તો એ આ બધું કેવી રીતે જાણી શકે.

          "શું તારામાં અવતાર સામેં લડવાની હિંમત નથી?" વજ્રના પિતાએ કહ્યું, "તું કાયરની જેમ જાદુનો ઉપયોગ કરીશ?"

          "હું એની સાથે લડીશ..." દેવતાએ રિવોલ્વર જમીન પર ફેંકી દીધી, “હું એને જાદુથી મારવા નથી માંગતો. હું એને લડાઈમાં એક ઘા આપીશ જે તમારા અવતારને રાક્ષસમાં ફેરવી દેશે અને પછી તમારે એને તમારા પોતાના હાથે મારવો પડશે અથવા એ તમને બધાને મારી નાખશે." 

          દેવતા વિરાટ તરફ આગળ વધ્યો. શૂન્યો અને નિર્ભય સિપાહીઓએ એમની આસપાસ એક વિશાળ વર્તુળ બનાવ્યું અને સ્ટેશનની જમીનને આવરી લીધી. યુદ્ધમાં ઘવાયેલા અને થાકેલા ચહેરા એ આશા સાથે ઊભા હતા કે અવતાર આ અંતિમ કસોટીમાં ખરો ઉતરશે.

          વિરાટ પણ દેવતા સામે આગળ વધવા લાગ્યો. બધાની નજર એમના પર હતી. દેવતા વિરાટથી થોડેક દૂર અટકી ગયો.  એણે આજુબાજુની ભીડ પર એક નજર નાખી. વિરાટને ખબર નહોતી કે કેમ પણ એ એના શરીરમાં ધ્રુજારી અનુભવી રહ્યો હતો.

          "અવતાર. તું દેવતા છે અને એ રાક્ષસ છે.”  વજ્રના પિતાએ કહ્યું.

          "નિર્ભય!" દેવતાએ વજ્રના પિતા અને એની ટુકડી તરફ જોયું. એનો અવાજ સ્ટેશન બિલ્ડિંગની દીવાલોમાંથી પાછો સંભળાયો. એણે આગળ કહ્યું, “આ લડાઈની શરતો છે. હું તમારા અવતારને મારીશ અને એ પછી તમે કારુ સાથે વિશ્વાસઘાત કર્યાની સજા પામશો. તમારી ઝૂંપડીઓને બાળી નાખવામાં આવશે અને તમારા બાળકો ગુલામ બનશે, તમારી સ્ત્રીઓ પર બળાત્કાર થશે...” એ પોતાના ગંદા દાંતને ઉજાગર કરીને ગાંડાની જેમ હસવા લાગ્યો.

          "દેવતા..." વિરાટે કહ્યું, "આ લડાઈ દીવાલની દક્ષીણમાં થઈ રહી છે અને અમે એની શરૂઆત કરી છે. જો કોઈ નિયમ નક્કી કરશે તો એ હું કરીશ અને નિયમો આ છે: હું તને મારીશ અને બળવાની શરૂઆત તરીકે તારું માથું દીવાલની પેલી તરફ મોકલવામાં આવશે.”

          દેવતા કશું બોલ્યો નહીં પણ વિરાટને જોઈ રહ્યો. વિરાટ પણ શાંત અને મૌન બની ગયો.

          "કારુના નામે, હું તને મારીશ." દેવતાએ ગર્જના કરી.

          એ પછી યુદ્ધના પોકાર સાથે, વિરાટ અને દેવતા બંને એક જ ક્ષણે આગળ વધ્યા. વીજળીના કડાકાની જેમ એમની ગતિ માનવ ગતિની મર્યાદા બહાર હતી, કદાચ એમાંથી કોઈ માનવ નહોતું, એક દેવતા અને બીજો અવતાર હતો.

           સ્ટેશનની ઠંડી હવામાં, બલ્બના ફ્લોરોસન્ટ પ્રકાશમાં અથડાયા ત્યારે ઊંચા પહાડ પરથી ગબડી પડેલી બે મોટી શીલાઓ ટકરાઈ હોય એવો અવાજ થયો અને એ બંને એક બાજુ પડ્યા. એ પથ્થરની શીલા જેમ તૂટીને વિખેરાઈ જવાને બદલે એમને એમ રહ્યા. વિરાટ પહેલા ઊભો થયો અને પછી દેવતા. અથડામણની અસર એમાંથી કોઈ પર વધુ નહોતી થઈ. વિરાટ દેવતા પર કૂદયો, એની ગરદન પકડવા કોશિશ કરી પણ દેવતાએ પાછળ ડગલું ભર્યું અને એના પંજા જેવી આંગળીઓ વિરાટની છાતી પર લસરકો કરીને નીકળી ગઈ ત્યારે વિરાટનું પહેરણ ફાટી ગયું અને એની છાતીમાંથી લોહી વહેવા લાગ્યું. વિરાટ એ હુમલાના આઘાત બહાર આવે એ પહેલા દેવતાએ વિરાટને ગળાથી પકડીને હવામાં ઊંચક્યો.

          "શું આ તમારો અવતાર છે?" એણે ધ્રુણાથી કહ્યું અને પોતાની બધી તાકાત વાપરીને વિરાટને દૂર ફેંકી દીધો.

          હવાએ વિરાટને આલિંગન આપ્યું હોય એમ ઉંચકી લીધો. એક ક્ષણ માટે એણે વિચાર્યું કે પોતે હવામાં ઊડે છે પણ એ ઊડતો નહોતો. એ જમીન પર એટલી તાકાતથી અથડાયો કે એના પગ છૂટા પડી ગયા હોય એમ લાગ્યું અને એના ફેફસામાંથી બધી હવા બહાર નીકળી ગઈ. એનો ડાબો પગ વાંકો વળી ગયો. વેદના એના આખા શરીરમાંથી પસાર થઈ ગઈ. એ આ દર્દમાંથી બહાર આવે એ પહેલા એની જમણી કોણીમાં આગ ચાંપી હોય એવો સળગતો દુખાવો ઉપડ્યો. વિરાટે એના હાથ અને ઘૂંટણ પર વજન આપીને ઊભા થવા કોશિશ કરી. આસપાસ ફરી બૂમો પડવા લાગી હતી.

          "અવતાર, ઊઠ અને આ રાક્ષસનો વધ કર."

          વિરાટને એના લોકોનો પોકાર સંભળાયો. એની છાતીમાં દુખાવો થતો હતો અને દેવતાની લોખંડી આંગળીઓથી એની છાતીમાં પડેલા ઘામાંથી ગરમ લોહી ટપકતું હતું. એની આંગળીઓ ગરુડ પક્ષીના પંજા જેવી હતી – એના ન્હોર લાંબા અને તીક્ષ્ણ હતા.

          એ હજુ પણ ઊભા થવા માટે સંઘર્ષ કરતો હતો. દેવતા એની નજીક સરક્યો અને એને લાત મારી. વિરાટ એના શરીરને જમીન પરથી ઊંચકે એ પહેલા દેવતાનો પગ એના ફેફસાં સાથે અથડાયો. એના મોંમાંથી કારમી ચીસ નીકળી ગઈ. ગરમ લોહીના ટીપા એના મોંમાંથી બહાર ફેકાયા.

          દેવતાએ બીજી લાત મારી. એણે દેવતાનો પગ પકડી એને દૂર ધકેલી દીધો. દેવતા જરા લથડ્યો પણ એણે પોતાનું સંતુલન જાળવી રાખ્યું. એના પગ જમીન પર જ રહ્યા. એ પડ્યો નહીં.

          "ઉઠ..." દેવતાએ કહ્યું, "જો તું અવતાર છો, તો તારે આટલા નબળા ન હોવું જોઈએ." એણે ટોણો માર્યો અને આસપાસની ભીડ તરફ જોયું, "શું આ તમારો અવતાર છે?" એ જોરથી હસ્યો, "તમે જેના ભરોસે બળવો કરો છો એ આ કમજોર છે?"

          વિરાટ કંઈક કહેવા માંગતો હતો પરંતુ એના ગળામાંથી અવાજ ન નીકળ્યો. એનું શરીર એટલું ખરાબ રીતે પીડાતું હતું કે એને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.

          "ઉઠ વિરાટ...." એણે પોતાની જાતને કહ્યું, "તું ગમે એટલો ઘાયલ હોય તો પણ લડવું તો પડશે."

          એણે તમામ શક્તિ ભેગી કરીને પોતાની જાતને ઉપર ખેંચી અને ઊભો થયો.

          દેવતાએ કહ્યું, "જન્મથી શૂન્ય મૃત્યુ સુધી શૂન્ય જ રહે છે."

          વિરાટ હુમલો કરવા તૈયાર થયો પરંતુ એના પગ અસ્થિર હતા. દેવતા વિરાટ તરફ આગળ વધવા લાગ્યો એમ વિરાટ પાછળ ખસવા લાગ્યો.

          "તું ડરે છે.” દેવતાએ કહ્યું, “અવતાર ડરી રહ્યો છે.”

          “ના...” વિરાટ હજી પણ પાછળ ખસતો હતો.

          "તો પછી કેમ પીછેહઠ કરી રહ્યો છે?" દેવતા થોડું હસ્યો. એની આંખોમાં ક્રૂર ચમક હતી.

          “મને લાગે તું રડવા માંગે છે. શૂન્યનું એ જ તો કામ છે. અમે જ્યારે તારા લોકોને દીવાલ પેલી તરફ મારી નાંખ્યા ત્યારે એ પણ રડતાં હતા અને દયાની ભીખ માંગતા હતા.” દેવતાએ કહ્યું, “તું પણ દયાની ભીખ માંગ, બનાવટી અવતાર.”

          "વિરાટ..." એણે એના પિતાનો અવાજ સાંભળ્યો. એણે તેના પિતાને વજ્રના પિતાની પાસે ઊભેલા જોયા. એમની બાજુમાં તારા હતી, "જ્યારે આ માણસ અને એના સાથીઓએ આપણા લોકોને મારવાનું અને આપણી છોકરીઓ પર બળાત્કાર કરવાનું શરૂ કર્યું ત્યારે પદ્મા કેટલીક છોકરીઓ સાથે પાણીના નાળામાં કૂદી પડી કારણ કે એ આ રાક્ષસોના હાથે મરવા નહોતી માંગતી. એ બહાદુર હતી અને તું પણ બહાદુર છો.... વિરાટ તું...”

          એના પિતાએ આગળ શું કહ્યું એ વિરાટે સાંભળ્યું નહોતું. પદ્મા ગુજરી ગઈ છે એ શબ્દોથી વિરાટનું શરીર ધ્રુજી ઉઠ્યું. વીજળી ઉત્પન્ન કરતા જનરેટરની જેમ એનું શરીર ધ્રુજ્યું અને માથામાં ઊર્જાનો ધસારો થયો.

          "આવ શૂન્ય..." દેવતાએ કહ્યું, "ચાલ હું તને તારા લોકો પાસે મોકલું."

          એક પળ વિરાટ એની સામે તાકી રહ્યો. દેવતા અને વિરાટ એકબીજા સામે જોઈ રહ્યા હતા અને પછી વિરાટના હાથ એના ચહેરા પર હતા તેની કોણીઓ વળેલી હતી, એના ઘૂંટણ પણ વળેલા હતા, એ તાલીમના મેદાન પર જે શીખ્યો એનો ઉપયોગ કરવા તૈયાર હતો.

           “ચાલ, શૂન્ય...” દેવતાએ કહ્યું, “માત્ર એક વાર દયાની ભીખ માગ અને મેં દીવાલની પેલી તરફ દયા બતાવી એમ તારા પર દયા કરીને તને સરળ મૃત્યુ આપીશ...” એ પાગલની જેમ હસી પડ્યો, “તારે એમને ભીખ માગતા અને મને એમના પર દયા કરતો જોવા માટે ત્યાં હાજર રહેવું જોતું હતું.”

          શૂન્ય લોકો દેવતાઓ પાસે દયાની ભીખ માંગતા હોય એ દૃશ્ય વિરાટની આંખો સામે દેખાવા લાગ્યું. એના મોંમાં કડવો સ્વાદ ફેલાઈ ગયો. એ આવેશમાં આવી ગયો. દેવતાએ એને છાતી પર લાત મારી. વિરાટે એનો પગ પકડીને એને હડસેલ્યો એ સાથે જ દેવતા સંતુલન ગુમાવી બેઠો.

          દેવતાની પીઠ જમીન પર પટકાઈ. જમીન પર પડ્યા પડ્યા જ એણે પોતાના પગને વિરાટની પકડમાંથી મુક્ત કરવા ફાંફાં માર્યા પરંતુ વિરાટે એનો પગ છોડ્યો નહીં, "તેં મારા લોકોને મારી નાંખ્યા." એણે દેવતાને જમીન પરથી ઊંચક્યો અને ફરીથી પછાડ્યો.

          "તેં પદ્માને મારી નાખી." વિરાટ પાગલની જેમ ચીસો પાડતો હતો, એની આંખો આજુબાજુ કંઈક શોધી રહી હતી, "હું તને મારી નાખીશ...." એની આંખો જે શોધી રહી હતી તે એને મળ્યું - જમીન પર ઊંડો લંગર થયેલો એક માઇલસ્ટોન જેના પર લખ્યું હતું 'સ્ટેશન બિલ્ડિંગ-' લાલ અક્ષરો લખેલા એ પથ્થર પર વિરાટે દેવતાને પછાડ્યો. ફરી ઊંચક્યો, એને હવામાં પ્રદક્ષિણા કરાવી અને ફરી એને પથ્થર પર પછાડ્યો.

          દેવતાની છાતીમાંથી પથ્થર બહાર નીકળી આવ્યો, એની પાંસળી અને એની છાતીની અંદર બધું શાંત થઈ ગયું હતું. એના શરીરમાં મોટું ગાબડું પડ્યું. વિરાટે એને ફરીથી ખેંચ્યો, એનું અડધું શરીર એમ જ પથ્થરમાં ફસાઈ રહ્યું અને બાકીનું અડધું શરીર ઊંચકાઈને ફરી પથ્થર પર પછડાયું.

          વિરાટ ગાંડાની જેમ બૂમો પાડી રહ્યો હતો, "દયાની ભીખ માંગ....." એનો અવાજ ઉંચો થતો હતો, "દયાની ભીખ માંગ, નિર્દય જાનવર." એને ખબર નહોતી કે દેવતા ક્યારેનોય ગુજરી ગયો છે.

ક્રમશ: