Dashavatar - 71 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 71

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

દશાવતાર - પ્રકરણ 71

          જગપતિના શબ્દો સાંભળતા જ વિરાટના ઘૂંટણ નબળા પડી ગયા. એક પળમાં એ સાવ ભાંગી પડ્યો પણ બીજી જ પળે પદ્મા અને બસો ત્રીસ લોકોના મૃતદેહ એની આંખો સામે તરવરવા લાગ્યા અને એના મગજમાં લોહી ધસી આવ્યું. એણે આંખો અને હૃદયમાં ગરમી અનુભવી. એની આંખોની પાછળ એક પીડા ધબકવા લાગી અને એની આંખોના ખૂણા ભીના થઈ ગયા.

          એના લોકો મરી ગયા - બસો ત્રીસ નિર્દોષ લોકો માર્યા ગયા હતા. એની પાસે હવે કોઈ વિકલ્પ નહોતો – એને હવે કોઈ ભય નહોતો. એ એના લોકોને જોવા માટે પાછો ફર્યો - એમની આંખોમાં આતંક હતો.

          "હું જાણું છું કે તમને ભય લાગે છે." એણે કહ્યું, "એ જ ભય મારા હૃદયમાં છે પણ આ ભય બદલાની લાગણીને દબાવી ન શકે. એમણે આપણા બ સો ત્રીસ લોકોને માર્યા છે. એમાં સ્ત્રીઓ હતી, એમાં યુવાનો હતા જેમણે જીવન શું એ હજુ જાણ્યું પણ નહોતું અને રમની પાસેથી જીવન છીનવી લેવામાં આવ્યું. રમણે આપણા લોકોને છીનવીને આપણા હૃદયમાં એક ખાલી જગ્યા બનાવી દીધી છે અને હવે એ જગાને ભયથી ભરવા માટે આપણને તમામ મૃતદેહો બતાવવા આવ્યા છે.  શું તમે એ ખાલી પડેલી જગા ભયથી ભરવા માંગો છો?"

          "ના." એના લોકોનો અવાજ સ્ટેશનમાં ગુંજી ઉઠ્યો.

          "દુનિયાની કોઈ તાકાત આ ખાલી જગાને ભયથી ભરી ન શકે." વિરાટે કહ્યું, "ર ફક્ત બદલો લઈને જ ભરી શકાશે અને આપણે એ બસો ત્રીસ લોકોનો બદલો લઈશું. માત્ર એ જ કેમ આજ સુધી આક્રમણમાં માર્યા ગયેલા લોકો, આજ સુધી દીવાલની પેલી તરફ બેમોત માર્યા ગયેલા દરેક શૂન્યના મૃત્યુનો બદલો લઈશું." એનો હાથ તરત જ તલવારની મૂઠ પર પહોંચ્યો અને એણે તલવાર બહાર ખેંચી કાઢી, "તમે તૈયાર છો?"

          "હા, અમે તૈયાર છીએ." એના લોકોનો અવાજ ફરી એક વાર સ્ટેશનની ઇમારતમાં ગુંજી ઉઠ્યો અને એમના હાથ હથિયારો સુધી પહોંચ્યા. શૂન્યોના અવાજે લડાઈમાં ખોવાયેલા નિર્ભય સિપાહીઓનું ધ્યાન ખેંચ્યું. એમણે શૂન્યો તરફ નજર કરી અને શૂન્યોના હાથમાં હથિયાર જોયા. નિર્ભય સિપાહીઓએ એમની યુદ્ધ વ્યૂહરચના બદલી અને શૂન્યોનો સામનો કરવા શૂન્યોની દિશામાં આગળ વધવા લાગ્યા. એમની નગ્ન તલવારો વીજળીના ઉજાસમાં ચમકી રહી હતી અને એમના પગ એકસાથે ચાલતા હતા – ન ધીમે ન ઉતાવળે -  જાણે એ સ્વ-સંચાલિત મશીન હોય એમ આગળ વધતા એ સિપાહીઓ શૂન્યોથી કેટલાક અંતરે ઊભા રહી ગયા. એમની પાછળ અડધા સિપાહી બિનઅસરગ્રસ્ત નિર્ભય સામે લડવામાં રોકાયેલા હતા. કાળસેનાએ હવે વિભાગોમાં વહેચાઈ જવું પડ્યું એટલે એમની સંખ્યા અને શક્તિ અડધી થઈ ગઈ હતી. હવે અસરગ્રસ્ત અને બિનઅસરગ્રસ્ત નિર્ભય વચ્ચે બરોબરીનો મુકાબલો જામ્યો હતો. બંનેનું સંખ્યાબળ સમાન હતું. એક તરફ માનસિક નિયંત્રણ કરેલા સિપાહીઓ કારુ માટે મરવા તૈયાર હતા તો બીજી તરફ હ્રદયથી વિરાટને અવતાર માનતા સિપાહીઓ વિરાટ માટે મરવા તૈયાર હતા.

          શૂન્યોથી કેટલાક અંતરે અટકી ગયેલા નિર્ભય સિપાહીઓએ ધનુષ્ય પર તિર ચડાવ્યા અને શૂન્યો તરફ નિશાન સાધ્યું. એ તિર ચલાવવા તૈયાર હતા. એ ચાર ચારના જૂથમાં વિભાજિત થવા લાગ્યા, કીડીઓની જેમ એમની જાળની રચનાને સજ્જડ કરી અને શૂન્યોને ભીંસવા આગળ વધ્યા. શૂન્યો માટે કસોટીનો સમય હતો. આજે એમને સાબિત કરી બતાવવાનો સમય હતો કે એ શૂન્ય નથી.

          "મજબુત બની ઊભા રહો." વજ્રએ હાકલો કર્યો, "ભલે ગમે તે થાય પીછેહઠ ન કરશો."

          શૂન્ય લોકોએ માથું હલાવ્યું.

          “તાલીમીઓ, તીર,” તારાના શબ્દો લોકોના કાન સુધી પહોચ્યા એ પહેલા તો તારાના હાથમાં એનું ધનુષ્ય હતું અને તીર છોડવા માટે એના હાથ તૈયાર હતા, પ્રત્યંચા એના કાન સુધી ખેંચાઈ ચુકી હતી અને એના આંગળા બસ એના આદેશની રાહ જોતા હતા. તારાએ એના લોકોના જવાબની રાહ ન જોઈ પણ વિરાટે કહ્યું, "હા, તીર તૈયાર છે." અને એમણે વજ્ર તરફ નજર ફેરવી. એના ચહેરા ઉપર મક્કમ રેખાઓ હતી અને એના ધનુષ અને તીર પણ તૈયાર હતા.

          "આક્રમણ..." વજ્રએ આદેશ આપ્યો એ સાથે બધાએ તીર છોડ્યા. લગભગ બધા જ નિશાન પર લાગ્યા, કેટલાકની છાતીમાં, કેટલાકની ગરદનમાં, કેટલાક પગમાં અને કેટલાક લક્ષ્ય ચૂકી ગયા.

          બીજી ક્ષણે સામેથી તીરનો વરસાદ થયો. શૂન્યો પર તીરનો વરસાદ થયો.  વિરાટે એની તલવારથી થોડા તીર કાપ્યા અને પણ એમાંથી એક એના ડાબા હાથને વીંધીને નીકળી ગયું. એના ખભાથી સહેજ નીચે એના બાવડા પર થયેલા તીરનું દર્દ એના રોમરોમમાં ફેલાઈ ગયું પણ અત્યારે એ દર્દ એના શરીરને જ અસર કરી શકે એમ હતું. એના મનમાં તો બસો ત્રીસ લોકોના મૃતદેહો છવાયેલા હતા અને એ દર્દની ઉપરવટ જઈ બીજું કોઈ દર્દ એના મનને ચલિત કરી શકે એમ નહોતું.

          વિરાટે એમની તરફ આવતા તીરનો વરસાદ જોયો અને એમને કાપવા માટે તલવાર તૈયાર કરી પણ તીર એના સુધી પહોંચે એ પહેલા એણે જોયું કે એના લોકો એની આગળ કૂદી ગયા અને એને તીરથી બચાવ્યો. એણે પોતાની છાતી સોસરવા નીકળી જવા આવેલા તીર પોતાના લોકોની છાતીમાં ઉતરતા જોયા. આજે શૂન્યો ખરેખર શૂન્યો નહોતા રહ્યા. એ પ્રલય પહેલાના શૂરવીર સિપાહીઓ જેવા બની ગયા હતા. આજે એમને મૃત્યુનો ભય નહોતો. આજે એ સાચા નિર્ભય બની ગયા હતા. નિર્ભય બની ગયેલા શૂન્યોએ બાકીના તાલીમીઓને પણ તીરથી બચાવ્યા હતા. એમણે પોતાના શરીર તીરથી વીંધાઈ જવા દીધા પણ તીર તાલીમીઓ કે વિરાટ સુધી પહોંચવા ન દીધા.

          હવે શૂન્યો ખૂંખાર બની ગયા. એ બૂમો પાડતા એમના દુશ્મનોને શાપ આપતા આગળ વધ્યા. નિર્ભય ટુકડી એમને મારવા કરતાં તાલીમીઓ, વિરાટ અને આગગાડીમાં છુપાઈને તાલીમ આપવા આવનાર વજ્ર અને તારાને મારવા માટે ત્યાં હતી પરંતુ આજે દીવાલની દક્ષીણનો રંગ એમણે ધાર્યા કરતા કૈંક નોખો હતો. નિર્ભય સમજી ગયા કે તીર હવે કોઈ કામના નથી રહ્યા. એમણે તલવારો કાઢી અને એમની તરફ દોડતા શૂન્યો સામે દોટ મૂકી.

          વજ્રએ વિરાટ અને પછી તારા તરફ જોયું. લડાઈ એમની અપેક્ષા કરતાં લગભગ ખરાબ સ્થિતિમાં હતી. તીરના હુમલામાં એમણે વીસથી વધુ લોકોને ગુમાવ્યા હતા.

          “તું, આગેવાની કર.” વજ્રએ આખરે વિરાટને કહ્યું, “તારી અંદરના અવતારને બહાર આવવા દે અને એમને બતાવ કે સાચો ઈશ્વર કોને કહેવાય...” એનો અવાજ ભારે થયો, “આજે એમને પ્રલય પહેલાના ભગવાન રૂઠે ત્યારે કેવો તાંડવ કરે એ બતાવ, અવતાર.”

          વિરાટે એકવાર માથું હલાવ્યું, આંખો બંધ કરી, આગગાડીમાં મૃતદેહના ઢગલામાં બની ગયેલા પોતાના લોકોની કલ્પના કરી અને એના મનમાં ન્યુરોન્સ ક્રેક થવામાં અનેકગણો વધારો થઈ ગયો. એના મનમાં ફોકસ લાઈટના બલ્બ કરતા પણ અનેકગણી ઊર્જા શોષાવા લાગી. તલવારની પકડ મજબૂત બની. “આપણે એમને ભૂગર્ભ ટનલ તરફ ધકેલીશું. આપણી સંખ્યા કરતાં વધારે છે એટલે એકવાર એમને ટનલ સુધી લઈ ગયા પછી આપણી જીત નિશ્ચિત બની જશે.” એણે તેની તલવાર હવામાં ઉંચી કરી. એનો તમામ ગુસ્સો, પીડા અને દર્દ એની મૂઠ પરની પકડમાં દેખાતા હતા.

          એણે નજીક આવી રહેલી નિર્ભય ટુકડી તરફ જોયું - એ માત્ર થોડા ફૂટ દૂર હતા. એણે તલવાર બંને હાથથી પકડી, તલવાર વિજળીના ઉજાસમાં ચમકી અને એના પરથી પાછો ફેલાયેલો ઉજાસ એના ચહેરા પર પડ્યો ત્યારે સામે આવી રહેલા નિર્ભય સિપાહીઓએ જોયું કે એની આંખોમાં દેવતાઓ જેવી લાલ નસ ઉપસી આવી હતી, એના લમણાં અને ગળાની નસ બહાર નીકળી ગઈ હતી અને એ નસ પણ દેવતાઓ જેમ લીલા રંગની હતી. એમણે ક્યારેય કોઈ દેવતાને પણ એટલા વિકરાળ રૂપમાં જોયો નહોતો. જોકે એ સિપાહીઓ જૈવિક અસરમાં હતા, એમના મન કારુના નિયંત્રણમાં હતા એટલે ડરીને પાછા પડવાનો કોઈ પ્રશ્ન નહોતો. એ આદેશ મળે તો આગગાડી સામે પણ ધસી જવા તૈયાર હતા.

          "મક્કમ રહો..." વિરાટે બૂમ પાડી, "પાછા ન પડશો." તેણે બૂમ પાડી કારણ કે નિર્ભયની ટુકડી એમને ટકરાવાની તૈયારીમાં હતી, "એક જૂથ રહો." 

          નિર્ભય ટુકડી અને શૂન્યોની ભીડ એકબીજા સાથે ટકરાઈ એ જ સમયે વિરાટની તલવારે એક નિર્ભયનું માથું કાપી નાખ્યું અને તલવાર પાછી ફરી ત્યારે બીજા એક નિર્ભયના શરીરને વચ્ચેથી કાપી નાખ્યું હતું. નિર્ભય સિપાહીના લોહીના ફુવારા આસપાસ ઉડ્યા. એ ફુવારા સાથે શૂન્યોનું લોહી પણ ભળવા લાગ્યું હતું. બંને જૂથની અથડામણ થઈ કે એક પળમાં જ બંને તરફ અનેક હાથ પગ અને માથા કપાઈ ગયા હતા અને સ્ટેશનની જમીન લાલ રંગે રંગાવા લાગી હતી.

          “એમને એક તરફ ધકેલો...” વજ્રએ એક હાથમાં તલવાર અને બીજા હાથમાં લાંબી છરી લઈને નિર્ભય સિપાહીઓમાં આતંક મચાવવા લાગ્યો હતો. નિર્ભયમાંથી એકે એની તલવારનો પ્રહાર રોકી દીધો પરંતુ બીજી જ ક્ષણે એની છરી એ નિર્ભયના પેટમાં ઉતરી ગઈ.  

          એ સાથે યુદ્ધ શરૂ થયું, બધા તાલીમીઓ નિર્ભયની ટુકડીમાં હડકંપ મચાવતા હતા. તારા છુરા બાજીમાં અવ્વલ નંબરે હતી. એ આંખના પલકારે છરાથી નિર્ભય સિપાહીઓની છાતી વીંધી નાંખતી હતી. તાલીમીઓ તારા અને વજ્ર જેટલા માહેર નહોતા કે ન તો વિરાટ જેટલા શક્તિશાળી હતા પણ શૂન્ય લોકો એમની આસપાસ સુરક્ષાના કવચ જેમ રહેતા હતા અને એમના માટે આવતા છરી અને તલવારના વારને પોતાના શરીર પર ઝીલી લેતા હતા.

          શૂન્ય લોકો જંગલી અને મજબૂત હતા એટલે એ કંઈ પણ સહન કરી શકતા હતા. એમના માટે દર્દ નવી વાત નહોતી. એ લાકડી, કોદાળી, કુહાડી, કૃષિ છરીઓ, પાવડા, કાપણીની કાતર, દાતરડા, બગીચાના કાંટા અને એમના હાથમાં બીજું જે કંઈ હતું એનો હથિયાર તરીકે ઉપયોગ કરતા હતા. નિર્ભય ટુકડીની સંખ્યા અડધી હતી. કાળસેનાના અડધા સિપાહીઓ જગપતિની ટુકડી સામે લડાઈમાં રોકાયેલા હતા. બે ભાગમાં વહેચાયેલી કાળસેના એ રીતે ભીંસમાં આવી ગઈ હતી કે એ એકબીજાની જરા સરખી પણ મદદ કરી શકે એમ નહોતા.

          "મેં સાત માર્યા..." તારાએ રક્ષકની સ્થિતિમાં એની તલવાર પકડી અને હસતાં હસતાં વજ્ર તરફ જોઈ બૂમ પાડી. વિરાટને આશ્ચર્ય થયું કે નિર્ભય યુવતી એટલી નિર્ભય કેવી રીતે હોઈ શકે જે યુદ્ધના તાંડવ વચ્ચે પણ એ હસી શકે. ખેર, એ એક નિર્ભય હતી.

          "હું દસ ગણી ચુક્યો છું." વજ્રએ વળતો જવાબ આપ્યો, "અને હજી ગણતરી ચાલું છે."

          "જ્યારે યુદ્ધ પૂરું થાય ત્યારે જોઈશું કોણે કેટલા માર્યા." તારાએ કહ્યું. એકાએક એની નજર ચાર નિર્ભયના જૂથ પર પડી. એમને એક કોદાળીથી લડતા એક વૃદ્ધ શૂન્યના બંને હાથ કાપી નાંખ્યા હતા. તારાએ એ તરફ દોટ મૂકી અને ચાર નિર્ભયના જૂથમાં ધસી ગઈ. વિજળીના ઉજાસમાં પાંચ તલવારો આમતેમ ફરતી આકાશમાં તોફાન મચાવતી વીજળી જેમ ચમકારા મારવા લાગી. એકબીજા સાથે અથડાતી રણકાર કરતી હતી. ગણતરીની મીનીટોમાં એ તલવારોની સંખ્યા એક પછી એક ઓછી થવા લાગી. અંતે તારાની તલવાર વિજયપતાકા જેમ આકાશ તરફ ધરેલી હતી અને બાકીની ચારેય તલવારો જમીન પર પડી હતી. એ તલવારોના માલિકોના કપાયેલા માથા પણ એમની તલવારો આસપાસ પડ્યા સ્ટેશનની રેતાળ જમીનને ભીંજવી રહ્યા હતા. 

          વિરાટ નિર્ભયના એક જૂથ સામે હતો. એક નિર્ભયે એની તલવાર પર પ્રહાર કર્યો અને બીજાએ એની ગરદન કાપી નાખવા માટે વાર કર્યો. વિરાટ એમના શસ્ત્રોની ચાપમાં હતો પરંતુ સદભાગ્યે વજ્રની તાલીમ સારી હતી. એ બાજુમાં ખસી ગયો. નિર્ભય સિપાહીઓએ એના શરીરના નીચલા ભાગને નિશાન બનાવવા કોશિશ કરી વિરાટ સમયસર કુદી ગયો. એની તલવાર એક અર્ધચાપમાં ફરી. એના પગ ફરી જમીન પર આવ્યા ત્યારે એની તલવારના ચાપ વિસ્તાર બહાર ન નીકળી શકનાર એક નિર્ભયને જીવ નીકળી ગયો હતો.

          એક નિર્ભયને પડતો જોઈને બીજા એકે જરા વધુ હિમત બતાવી એની ખૂબ નજીક ધસી ગયો. એનો ઇરાદો વિરાટના પેટમાં તલવાર હુલાવી દેવાનો હતો. વજ્રએ વિરાટને આ દાવ શીખવ્યો હતો. વિરાટ એનો પ્રતિકાર કઈ રીતે કરવો એ જાણતો હતો. એણે એનો આગળનો પગ પાછળ સરકાવ્યો અને એના પ્રતિસ્પર્ધીના શરીરના ઉપરના ભાગમાં ધક્કો માર્યો. એની આંખો સામે દીવાલની પેલી તરફ એના લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી એ દૃશ્ય ઉપસી આવ્યું. એના શરીરનું બધું લોહી એના મગજમાં ધસી આવ્યું. એણે જમણો પગ જમીનથી કેટલાક ઇંચના અંતરે ઉપાડીને એક ફટકો મારી નિર્ભયના એક પગને ખસેડ્યો અને નિર્ભય સિપાહીએ સંતુલન ગુમાવ્યું. બીજા એક સિપાહીએ વિરાટની બાજુ પર હુમલો કર્યો પરંતુ વિરાટ બીજી તરફ ખસી ગયો અને છરી ગોળાઈમાં ફેરવીને એનું બખ્તર એક ઇંચ ખુલ્લું હતું ત્યાંથી એનું પેટ કાપી નાખ્યું. નિર્ભયના શરીરને છરીએ કાપી નાખ્યું એ સાથે જ તેના મોંમાંથી ચીસ નીકળી અને એ ઢગલો થઈ ગયો. બે નિર્ભય સિપાહીઓને એક શૂન્યએ એકલા હાથે માત કર્યા એ જોઈને બાકીના બે નિર્ભય મૂંઝવણમાં મૂકાઈ ગયા. એ આંખો પર વિશ્વાસ ન કરી શક્યા. વિરાટ આગળ વધ્યો. એમાંથી એકને ધક્કો માર્યો અને બીજાની ગરદન પર તલવાર ફેરવી નાખી. એક ઘૂંટણ વાળી એ અડધો બેસી ગયો અને એના ધક્કાથી નીચે પડેલા સિપાહીની છાતીમાં ડાબા હાથે પકડેલી તલવાર ઉતારી દીધી. એની ચીસથી એક પળ માટે સ્ટેશન ગુંજી ઉઠ્યું પણ બીજી પળે યુદ્ધના અવાજમાં એ ચીસ ઓગળી ગઈ.

          વિરાટે સહેજ પણ ઘાયલ થયા વિના ચાર નિર્ભયને મારી નાંખ્યા હતા.  એનાથી એનામાં અને બાકીના શૂન્યાઓમાં હિંમત વધી. પવન તીવ્ર બન્યો અને હવામાં ઠંડીનું જોર વધ્યું પરંતુ અત્યારે ઠંડી કે પવન પર કોઈનું ધ્યાન નહોતું. રાત અંધારી હતી. બલ્બ સ્ટેશનને પ્રકાશિત કરી રહ્યા હતા. એનો ઉજાસ એક ભયાનક યુદ્ધનો સાક્ષી બની રહ્યો હતો.

ક્રમશ: