Dashavtar - 54 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 54

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

દશાવતાર - પ્રકરણ 54

          "આપણે વિરાટને છુપાવવો પડશે." જગપતિએ એના વિશ્વાસુ નિર્ભય સિપાહીઓ સામે જોયું, “દેવતા કે કારુ એના વિશે જાણે એ પહેલા એને ક્યાક છૂપાવવો પડશે અને આપણે ધર્મસેનાને સંદેશો મોકલવો પડશે.”

          "પણ એને ક્યાં છુપાવીશું?" નીરદે પૂછ્યું.

          "અહીં આ ઈમારતમાં."  જગપતિએ કહ્યું, "મારે રક્ષકને મળવું પડશે."

          "શું?" વિરાટે પૂછ્યું, "તમે રક્ષક કહ્યું?"

          "હા, એ જ રક્ષક જેણે તને મર્મવિદ્યાથી સુન્ન કર્યો હતો."

          "એ કોણ છે?" 

          જગપતિના બદલે એના પિતાએ જવાબ આપ્યો, "જ્યારે તું બાળક હતો ત્યારે રક્ષકે તને બચાવ્યો હતો. એ ધર્મસેના સાથે જોડાયેલો છે. એ એકમાત્ર એવો નિર્ભય છે જે સીધો ઓલુસ પહાડથી આજ્ઞા મેળવે છે."

          "શા માટે ધર્મસેના મારી મદદ કરી રહી છે?" વિરાટે પૂછ્યું.

          "કારણ કે તું  એકમાત્ર છેલ્લી આશા છો." જગપતિએ કહ્યું.

          "અને જો હું જ કાયરની જેમ સંતાઈ જઈશ તો એ આશાનો શો ફાયદો?" વિરાટે કહ્યું, "મારે કારુ વિશે વધુ જાણવાની જરૂર છે."

          “એટલે જ હું તને પાછો મોકલવા માંગુ છું. હું તને મારાથી બને એટલા વધુ પુસ્તકો આપીશ અને હું તને તાલીમ આપવા માટે મારા વિશ્વાસુ માણસોને દીવાલની તમારી તરફ મોકલીશ."

          "તાલીમ?"

          “હા, તારામાં અપાર શક્તિઓ છે પરંતુ તારે તાલીમની જરૂર છે. તારે કેવી રીતે લડવું અને કેવી રીતે ટકી રહેવું એ શીખવાની જરૂર છે. આપણે દેવતાઓના જાદુઈ શસ્ત્રો સામે કેવી રીતે લડવું એ નથી જાણતા પણ મને આશા છે કે તું એ પુસ્તકોમાંથી એ પણ શોધી લઈશ. આજ સુધી આપણે દેવ નાગરી ભાષાના પુસ્તકો જ ઉકેલી શક્યા હતા પણ હવે તું દેવભાષા પણ વાંચી શકે છે અને પ્રલય પહેલાના દયાળુ ભગવાનની મરજીથી આપણને દેવભાષાના કેટલાક પુસ્તકો પણ હાથ લાગ્યા છે."

          "મને કોણ તાલીમ આપશે?"

          "મારો દીકરો." જગપતિએ કહ્યું, "વજ્ર તને તાલીમ આપશે. એ શૂન્યના વેશમાં તમારી સાથે આવશે અને ત્યાના ગુરુઓ સાથે રહેશે.”

          "જો દેવતાઓને એના વિશે ખબર પડી તો?" વિરાટે પુછ્યું.

          "નહીં પડે." જગપતિએ કહ્યું, "અને જો પડશે તો આપણે યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે."

          "યુદ્ધ?"

          “હા.” જગપતિએ કહ્યું, “તમે દીવાલની એ તરફ રહો છો પણ તમે દેવતાઓ કે કારુની ક્રૂરતા હજુ જોઈ નથી. તમે જે સહન કરો છો એ લોકપ્રજાની વેદનાની સરખામણીમાં કંઈ નથી.”

          "એ લોકપ્રજા સાથે શું કરે છે?"

          “દેવતાઓ આનંદ માટે એમને મારી નાખે છે. એમના બાળકો એમની પાસેથી છીનવી લેવાય છે. અપહરણ કરાયેલા બાળકો ફરી ક્યારેય પાછા આવતા નથી. જો તમને લાગે છે કે લોકપ્રજાનું જીવન તમારા જીવન કરતા સારું છે તો તમે ખોટા છો. નિર્ભય સિપાહીઓ પણ સુરક્ષિત નથી. અમે પણ એમના ગુલામ સિવાય બીજું કંઈ નથી. એ આપણામાંથી ઘણાને હિમાલયની ખીણોમાં દેવતાઓ સાથે લડવા મોકલે છે અને એ ક્યારેય પાછા નથી આવતા. હિમાલયની ખીણોમાંથી હજુ સુધી કોઈ પાછું આવ્યું નથી. અમારામાંથી ઘણાએ દેવતાઓની વિરુદ્ધ જવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જ્યાં સુધી એમની પાસે જાદુઈ શસ્ત્રો છે ત્યાં સુધી અમે કંઈ કરી શકીએ તેમ નથી.”

          "એમના હથિયારમાં શું જાદુ છે?" વિરાટે પૂછ્યું.

          "અમને ખબર નથી. દેવતાઓ સિવાય કોઈ જાણતું નથી. એમના હથિયારો કિલોમીટર દૂરથી પણ મારી શકે છે. એ હથિયાર ગર્જના જેવો અવાજ કરે છે. એ તાત્કાલિક મૃત્યુ આપતા હથિયારો છે એટલે શૂન્યો એમને કાળદંડ કહે છે અને એ વાદળ જેવી ગર્જના કરે છે એટલે લોકપ્રજા એ હથિયારોને મેઘનાદ કહે છે કેમકે લોક પ્રજા વરસાદને મેઘ કહે છે. સૌથી જાદુઈ શસ્ત્ર કારુ પાસે છે. એ એક વીજળી છે અને એથી જ લોકોએ એને પ્રલય પછી ભગવાન તરીકે સ્વીકાર્યો હતો."

          "વીજળી?" ચિત્રાએ નવાઈથી પૂછ્યું.

          "વીજળી ભગવાન ઇન્દ્રનું શસ્ત્ર છે. એ જૂના પુસ્તકો અનુસાર સ્વર્ગના રાજા છે."  વિરાટને એણે જે વાંચ્યું હતું એ યાદ આવ્યું, "વાસ્તવિકતા જાણવા માટે આપણે બધા જૂના પુસ્તકો વાંચવા પડશે." એણે કહ્યું, "તમે અમને કેટલા પુસ્તકો આપી શકો?"

          "તમે કલ્પના કરી શકો એના કરતાં વધુ. મારી પાસે છે. મારા પૂર્વજો પર દેવતાની જૈવિક પ્રક્રિયાથી કોઈ અસર થઈ નહોતી. એ બીજા કરતા અલગ હતા..."

          "જૈવિક પ્રક્રિયા શું છે?" વિરાટે વચ્ચે જ સવાલ કર્યો.

          "એ એક પ્રક્રિયા છે જેમાંથી દરેક નિર્ભય બાળક પસાર થાય છે. એ પ્રક્રિયા એના મગજ સાથે ચેડાં કરે છે અને એને કારુનો કાયમી ગુલામ અને લાગણી વિનાનો બનાવે છે પરંતુ મારા પૂર્વજો અને એ સમયના કેટલાક નિર્ભય બાળકો પર એ પ્રક્રિયાની કોઈ અસર નહોતી થઈ. એ પછી પેઢી દર પેઢી એ પહેલી પેઢીના જૈવિક પ્રક્રિયાથી બેઅસર નિર્ભયના વંશજો પર પણ એની કોઈ અસર થઈ નથી. કોઈ જાણતું નથી કે કેમ પણ જૈવિક પ્રક્રિયા બધા જ નિર્ભય બાળકોને નિર્દય અને લાગણીહીન બનાવી શકતી નથી. દેવતા અને કારુ આજ દિવસ સુધી એ હકીકતથી અજાણ છે.” જગપતિએ સમજાવ્યું, “મારા પિતા અને આવા અપ્રભાવિત નિર્ભય સિપાહીઓએ પુસ્તકો એકત્રિત કરવા અને વાસ્તવિક દેવતાઓને મદદ કરવાનું શરૂ કર્યું. લોકપ્રજામાંથી કેટલાક બહાદુર માણસો પણ સાચા દેવતાઓને મદદ કરે છે.”

          "શા માટે સાચા દેવતા પાટનગર પર હુમલો નથી કરતા?"

          “તમે જાણતા નથી પણ જેમ તમારી તરફ એક દીવાલ છે એના જેવી જ બીજી દીવાલ હિમાલય તરફ છે. એ આ વિસ્તારને હિમાલયથી સુરક્ષિત રાખે છે. સાચા દેવતાઓ ગંગા જ્યાંથી અંદર દાખલ થાય છે ત્યાંથી દીવાલની  આ તરફ આવે છે પણ એ રીતે એ માર્યાદિત સંખ્યામાં જ અંદર આવી શકે છે. જો એ મંદિર પર હુમલો કરવા માંગતા હોય તો એમની સંખ્યા નિર્ભય સૈનિકોની સંખ્યા કરતાં વધુ હોવી જોઈએ.” એ સહેજ અટક્યો અને આગળ બોલ્યો, “નિર્ભય સૈનિકોની સંખ્યા કરતાં પણ ચક્રવ્યુહ સૌથી મોટી સમસ્યા છે. સાચા દેવતાઓ પાસે હજી સુધી એનો ઉકેલ નથી.”

          "એવા કેટલા નિર્ભય છે જેઓ પ્રક્રિયાથી પ્રભાવિત નથી?"

          “ઘણા બધા.” જગપતિએ કહ્યું, “હું ધારું એનાથી વધુ હોઈ શકે છે પરંતુ એ બધાને શોધવા મુશ્કેલ છે. એહંમેશા પોતાની જાતને બચાવવા માટે ખરાબ નિર્ભય તરીકે છુપાઈને જીવે છે.” જગપતિએ કહ્યું, "અહીં જે કંઈ કરવાની જરૂર છે એ હું કરીશ, તારે ફક્ત મંદિરનું રહસ્ય જાણવાનું છે અને તાલીમ લઈને આવનારા યુદ્ધ માટે તારી જાતને તૈયાર કરવાની છે."

          "હું કરીશ." વિરાટે કહ્યું. એની છાતીમાં હજુ બોજ હોય એમ હ્રદય પર દબાણ થતું હતું, "જો કારુના દુષ્ટ શાસનનો અંત લાવવાનો હોય તો હું જે કરી શકું એ બધું જ કરીશ." એને સમજાયું કે એના હ્રદય પર કોઈ દબાણ નહોતું થતું. એ લાગણીઓ હતી જે એના હ્રદયને કોરતી હતી.

          નીરદ અને બાકીના લોકો એમની વાતચિત સાંભળી રહ્યા હતા. એમની આંખોમાં આશા ચમકવા લાગી હતી. વિરાટે બારી તરફ જોયું. બહાર હવે લાલ રેતનું તોફાન ઓસરી ગયુ અને નિસ્તેજ સૂર્ય ફરી એકવાર સોના વરણો બનીને ચમકી રહ્યો હતો. એની આસપાસ કોઈએ સોનાના તારથી ભાત રચી હોય એમ સોનેરી રંગના તંતુઓ આસપાસ તરતા હતા. વિરાટની આંખોમાં પણ સમાન સોનેરી રંગો હતા. એ આશા અને ઉમ્મીદના રંગો હતા. એ જ રંગો ત્યાં બેઠી લોક સ્ત્રીની આંખોમાં પ્રતિબિંબિત થઈ રહ્યા હતા. એ મનોમન વિરાટને નમન કરી રહી હતી. દસ વર્ષ પહેલા એનું બાળક એની પાસેથી છીનવી લેવામાં આવ્યું હતું અને ત્યારથી એની આંખો પાટનગરના એ મંદિર પર ફરકતી અધર્મ પતાકાના પતનના સપનાં જોતી હતી અને હવે એને આશા હતી કે એના સપનાં પૂરા થવાનો સમય આવી ગયો છે.

          સમય કુદકેને ભૂસકે આગળ વધતો રહ્યો. જેમ ગંગાની કેનાલમાં પાણી વહે એમ દિવસો અને અઠવાડિયા વહી ગયા. રોજ વિરાટ કેલેન્ડરમાં જુદી જુદી તારીખ જોતો રહેતો. એ કેલેન્ડરનો ઉપયોગ કરતા શીખી ગયો હતો. એક પછી એક દિવસો આગળ વધતા રહ્યા છતાં એને હજુ સુધી કંઈ પણ ઉપયોગી જાણકારી મળી નહોતી. રોજ એને જગપતિ અને એના માણસો પાસેથી પુસ્તકો મળતાં પણ એની આંખો એમાંથી કઈ ઉપયોગી મેળવું શકી નહીં. દિવસે ને દિવસે એની આશા ઘટતી હતી અને નિરાશા કોઈ બીમારીની જેમ એના હ્રદયને જકડાવા લાગી હતી.

          દસ દિવસ કેનાલના પાણી જેમ પસાર થઈ ગયા. ત્રીજું અને નોંધપાત્ર સ્વપ્ન વિરાટે એ રાતે જોયું હતું. સ્વપ્નમાં એ એની જ જાતને મળ્યો. એ હજારો લોકોની વચ્ચે ઊભો હતો. બધા યુદ્ધમાં લડવા તૈયાર હતા. બધાના હાથમાં શસ્ત્રો હતા અને એ પછી એણે કારુને જોયો. એ મંદિરની ટોચ પર હતો. વિરાટ અને એની વચ્ચે ચક્રવ્યુહ હતો. એ મોટા પથ્થરોથી બનેલો હતો અને બધા પથ્થરો આપમેળે રચના બદલી રહ્યા હતા - પથ્થરોની રચના બદલાતા દરેક હરોળમાં અલગ અલગ કોઠા રચાતા હતા અને બીજી પળે અદૃશ્ય થઈ જતા હતા. એક પળ પહેલા જ્યાં કોઠો હોય ત્યાં બીજી પળે વિશાળ કદનો પથ્થર આવી જતો અને એક પળ પહેલા જ્યાં પથ્થર હોય ત્યાં બીજી પળે ખાલી કમરા જેવો કોઠો રચાઈ જતો. એ દૃશ્ય બદલાતા કોઠા અદૃશ્ય થાય એ પહેલા એમાં છુપાયેલા દૈત્યાકાર જીવ નજરે ચડતા હતા પરંતુ ચક્રવ્યૂહ મંદિરની આસપાસ ગોળાકાર ફરતો હતો એટલે કોઠા અદ્રશ્ય થાય એ પહેલા એ જીવો ક્યાં ચાલ્યા જતા એ સમજાતું નહોતું. ચક્રવ્યુહ પાર કરીને આગળ વધવું અશક્ય હતું.

          "આગળ વધવાનો સમય આવી ગયો છે." વિરાટ પાસે ઉભેલા માણસે કહ્યું.  સ્વપ્નમાં પણ એ માણસ વિરાટ માટે અજાણ્યો હતો.

          વિરાટે માથું હલાવ્યું, "ચક્રવ્યુહમાં, મંદિરમાં."

          આસપાસ એકઠા થયેલા લડવૈયાઓએ એના શબ્દો દોહરાવ્યા, "મંદિરમાં." એમનો અવાજ રચના બદલાતા વિશાળ પથ્થરના બ્લોક સાથે અથડાયો અને પડઘા સ્વરૂપે એમના પાસે પાછો ફર્યો.

          "ચક્રવ્યુહથી ડરશો નહીં." વિરાટે કહ્યું, "આ બધી રચના માયાજાળ રચે છે એકવાર અંદરના માયાયંત્ર પર કાબુ મેળવી લઈએ એ સાથે જ ચક્રવ્યુહ આપણા કાબુમાં આવી જશે. એના કોઠા રચના બદલવી બંધ કરશે અને આપણે એને પાર કરી મંદિર સુધી પહોચીશું.”

          "મહાભારત આપણને જીતાડશે." લડવૈયાઓએ કહ્યું અને બધા ચક્રવ્યૂહ તરફ દોડ્યા. એની આંખો ખુલી એ પહેલાં વિરાટે છેલ્લે અસંખ્ય લોકોને ચક્રવ્યુહમાં દાખલ થતા જોયા હતા.

          એણે આંખો ખોલી ત્યારે એ હજુ એ જ ઓરડામાં હતો જેમાં એ દિવસોથી જ્ઞાની શૂન્યો સાથે છુપાઈને રહેતો હતો. એ ઓરડો જે ઇમારતમાં હતો એ ઇમારતમાં સતત બળેલા રબરની ગંધ ફેલાયેલી રહેતી. એ ગંધ ક્યાંથી આવતી હતી એ વિરાટને સમજાતું નહોતું. એણે એવી જ ગંધ સુરંગોમાં પણ અનુભવી હતી. 

          નિર્ભય સેનાનાયક જગપતિએ વિરાટ અને બીજા ત્રણ જ્ઞાનીઓને કેદી જાહેર કર્યા હતા અને ઇમારતના ભૂગર્ભ ઓરડામાં કેદ કર્યા હોવાની જાહેરાત કરી હતી એટલે કોઈ એમની તરફ ધ્યાન આપતું નહોતું. નિર્ભય સિપાહીઓ એમના ઓરડા તરફ જવાની હિંમત ન કરતાં કેમકે સેનાનાયકના કેદીનો સંપર્ક ન કરવો એ ચતુષ્કોણનો કાયદો હતો. કોઈ શૂન્યને એમની મુલાકાત લેવાની મંજૂરી નહોતી. એ શૂન્યોના પિતાને પણ નહીં.

          વિરાટ અને જ્ઞાની યુવકો પણ પુસ્તકો સાથે સમય વિતાવવા માંગતા હતા. એ કોઈ વિક્ષેપ ઇચ્છતા નહોતા. એમના ઓરડોમાં એક ધાતુનું ટેબલ હતું જેના પર પુસ્તકોનો ઢગલો પડ્યો હતો. એકની ઉપર એક એમ દળદાર પુસ્તકોથી ઓરડાનો દરેક ખૂણો રોકાયેલો હતો.

          "તો જાગ્યો એમને?" ચિત્રાએ પૂછ્યું.

          “હા.” એ આળસ મરડી બેઠો થયો, “પણ હજુ ઊંઘ આંખોમાંથી જતી નથી.”

          "કાલે રાત્રે ક્યારે સૂતો હતો?" પવને પૂછ્યું.

          "મને લાગે છે કે બે વાગી ગયા હશે." એણે હસીને કહ્યું.

          "તને કંઈ મળ્યું?" અમર એની પાસે આવીને બેઠો.

          “હા.” એ ઊભો થયો, “પણ ખાસ ઉપયોગી નહી. આપણે એ પુસ્તક જોઈએ છે જે આપણને કારુ વિશે જાણકારી આપે.”

          "આપણે શોધી રહ્યા છીએ." ચિત્રાએ કહ્યું.

          "પણ હજુ કંઈ હાથ નથી લાગ્યું." વિરાટે નિસાસો નાખ્યો.

          "હિંમત ન હાર." ચિત્રાએ કહ્યું, "હાથ મોં ધોઈ લે અને અમારી સાથે જોડાઈ જા."

          “હા.” વિરાટે પાણીની મશક લીધી અને પાછળના દરવાજા બહાર જઈ હાથ મોં ધોયા. એ ઓરડામાં પાછળ ગેલેરી હતી જેમાં બાથરૂમ, ટોયલેટ અને વોશ-બેસિન હતા. જગપતિએ એમને કેદી જાહેર કરીને ભૂગર્ભની શ્રેષ્ઠ જગ્યા ફાળવી હતી.

          વિરાટ દસ મિનિટ પછી જ્ઞાનીઓ સાથે જોડાયો. છેલ્લા દસ દિવસથી એ બધા એ ઓરડામાં જ પુરાઈ રહેતા હતા. ધાતુના ટેબલ સામેની ખુરશીઓ પર બેસી ચિત્રા, પવન અને અમર પુસ્તકોના એક મોટા ઢગલામાંથી કોઈ પુસ્તક શોધતા હતા. વિરાટ લાકડાના એક મોટા ખોખામાં આવેલા પુસ્તકોના છેલ્લા પુરવઠાને ફંફોસતો હતો.

           જગપતિ ઘણીવાર કહેતો કે એમનો ઓરડો પુસ્તકાલય જેવો દેખાય છે. નિર્ભય સેનાનાયક અવારનવાર અંધારુ ઘેરાયા પછી એમને મળવા આવતો. એણે એમને કહ્યું હતું કે એ વાસ્તવિક દેવતાઓને સંદેશ મોકલવાનો પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ બીજી દીવાલની પેલી તરફ હિમાલય સુધી સંદેશ મોકલવો મુશ્કેલ કામ છે. હિમાલયથી વિસ્તારને અલગ કરતી દીવાલને બીજી દીવાલ કહેતા હતા. વિરાટે એ જોઈ નહોતી પરંતુ નિર્ભયના નેતાએ કહ્યું કે એ બરફથી ઢંકાયેલ છે અને ત્યાં ચારે તરફ બરફના પહાડો સિવાય બીજું કંઈ નથી. દીવાલ પોતે પણ બરફમાં ઢંકાઈને સફેદ રંગની હોય એવી લાગે છે.

           છેલ્લા દસ દિવસમાં એમણે નિર્ભય સેનાનાયકે લાવેલા પુસ્તકોના વિશાળ પુરવઠાનો અભ્યાસ કર્યો હતો. વિવિધ કદ અને વિવિધ વિષયોના પુસ્તકો સાથે એમણે રાત દિવસ વિતાવ્યા હતા. કેટલાક ચામડાના કવરવાળા પુસ્તકો, કેટલાક સુતરના કવરમાં બાંધેલા પુસ્તકો, જ્યારે કેટલાકને બિલકુલ બંધન નહોતા – એ છુટ્ટા પાનાં લોખંડના સળિયામાં પરોવીને બાંધેલા પુસ્તકો હતા. બધા જુદા જુદા જ્ઞાનના પુસ્તકો હતા. કોઈ જીવન કેવી રીતે જીવવું એ શીખવતા હતા તો કોઈ શું યોગ્ય છે અને શું અયોગ્ય છે એ શીખવતા હતા જે એ પહેલેથી જ જાણતા હતા. વિરાટને ભૂગર્ભ સુરંગોમાંથી જે કાગળ મળ્યા એમાં પ્રલય અંગે સાચી માહિતી હતી પરંતુ કોઈ પુસ્તકમાં કારુનું રહસ્ય કે એની નબળાઈ કે એની સામે લડવાની રીત મળી નહોતી.

           "આ, તપાસ..." ચિત્રાએ વિરાટ તરફ ચામડાનો એક થેલો સરકાવ્યો.

           "એમાં શું છે?"  વિરાટે થેલા તરફ જોતાં પૂછ્યું.

           થેલો નાનો હતો અને એનો રંગ ઝાંખો પડી ગયો હતો.

           "મને ખબર નથી."

           "હું જોઈ લઉં." વિરાટે થેલામાં હાથ નાખ્યો. એની આંગળીઓએ અંદરના જાડા  કાગળની હૂફ અનુભવી. એણે એમાંથી કાગળ બહાર કાઢ્યા. એ કાગળોનું લખાણ કાળી શાહીથી કરવામાં આવ્યું હતું. કાગળો એક મજબુત દોરીથી બાંધેલા હતા. સૌથી ઉપરના કાગળ પર નાનાકડા અક્ષરોથી ‘પ્રલય ફાઇલ્સ’ લખેલું હતું.

           “એમાં કઈ કામના કાગળ છે?” ચિત્રાએ પૂછ્યું.

           વિરાટે એની સામે જોયું, “હા.”

           ચિત્રા ઊભી થઈ અને વિરાટ પાસે ગઈ. એણે કાગળોમાં ડોકિયું કર્યું, "આ તો દેવભાષા છે. તું વાંચી શકીશ?"

           "પ્રલય ફાઇલ્સ," વિરાટે હળવેથી કહ્યું. "હા, હું વાંચી શકું છું." 

           “તો શરુ કરીશું?” અમરે કહ્યું.

           "પ્રલય ફાઇલ્સ." વિરાટે ફરીથી કહ્યું. એનો અવાજ એકદમ ધીમો હતો. એમાં  કંઈક ઉપયોગી જાણકારી હશે એમ એને લાગ્યું. કાગળ હાથમાં લઈને એ ધાતુના ટેબલ પાસે ગયો. એણે કાગળો ટેબલ પર મુક્યા અને ધાતુની ખુરશીમાં ગોઠવાયો.

ક્રમશ: