Dashavtar - 52 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 52

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

દશાવતાર - પ્રકરણ 52

          મર્મવિદ્યાથી શુદ્ધિ બિંદુઓ બંધ કર્યા પછી ફરી ભાનમાં આવતા એક નિર્ભય સિપાહીને પણ કલાકો નીકળી જાય પરંતુ વિરાટની અધ્યાત્મિક શક્તિની કોઈ સીમા નહોતી. પંદરેક મિનિટ પછી વિરાટના મનમાં વહેતા અનંત ઊર્જા પ્રવાહે જ્ઞાનતંતુઓ પર કાબુ મેળવી લીધો અને એ જ પળે એને એના શરીરના અવયવો પર કાબુ પાછો મળ્યો. એના અવયવો એના કહ્યામાં આવતા જ વિરાટે છત તરફ દોટ મૂકી. જગપતિ, ચિત્રા અને નીરદ એની પાછળ દોડ્યા. 

          છત પર હજુ હંગામોમાં ચાલુ હતો. શૂન્યોની ભીડને ચીરીને વિરાટ આગળ વધ્યો. ત્યાં ઊભા કોઈ નિર્ભય સિપાહીએ એને રોકવા કોશિશ ન કરી એ જોઈ વિરાટને નવાઈ લાગી.

          "એનાથી દૂર રહો."  વિરાટ સુરતા પાસે પહોંચે એ પહેલા એણે એના પિતાનો અવાજ સાંભળ્યો. નીરદના શબ્દો સાંભળી વિરાટના પગ જમીન સાથે જડાઈ ગયા. મારા પિતા - એ મને સુરતાથી દૂર રહેવાનું કેવી રીતે કહી શકે? એ ગુસ્સા અને મુઝવણમાં એમ જ ઊભો રહી ગયો. નીરદ અને બીજા કેટલાક શૂન્યો વિરાટની નજીક ગયા.

          "એની નજીક ન જઈશ." નીરદે એના બંને ખભાને પકડીને ફરીથી કહ્યું, "હું શું કહું છું એ તને સમજાય છે?"

          "કેમ?" વિરાટ હજુ આઘાતમાં હતો.

          "તને હમણાં જ ખબર પડી જશે." નીરદે જવાબ આપ્યો.

          શૂન્યોની મોટી ભીડ છત પર ભેગી થઈ ગઈ હતી. વિરાટે સુરતા સામે જોયું. એના આખા ચહેરા પર ઉઝરડા પડ્યા હતા. એના પગ ધ્રૂજતા હતા. વિરાટની નજર એના પગ પર પડી. એ ગમે તે સમયે ફસડાઈ પડે એમ લાગતું હતું. લોહીથી એનું પાટલુન ઘૂંટણ સુધી ભીંજાઈ ગયુ હતું. વિરાટના મનમાં સમુદ્ર મંથન ચાલતું હતું.

          "મને મારી ન નાખતા." એ બોલી.

          "શું?" વિરાટને આંચકો લાગ્યો, "કોઈ તને કેમ મારે?” 

          એ થોડીવાર વિરાટ સામે જોઈ રહી. વિરાટે એના હાથ એની પીઠ પાછળ ચુસ્તપણે બાંધી રાખ્યા હતા. એને ખાતરી હતી કે જો એણે બંને હાથની આંગળીઓ કસીને એકબીજામાં ભરાવી ન રાખી તો એના હાથ એના શરીરની ધ્રુજારી છતી કરી દેશે. એણે સુરતાને હિંમત આપવાની હતી અને જો એને લાગે કે વિરાટ જ ધ્રુજી રહ્યો છે તો એ કઈ રીતે હિંમત મેળવી શકે?

          એ પછી સંભળાયેલા શબ્દોથી વિરાટના પગ નીચેથી જાણે જમીન સરકવા લાગી. "આપણે એને મારી નાખવી પડશે." એના પિતાએ કહ્યું, "આપણે..."

          એ વાક્ય પૂરું કરે એ પહેલા વિરાટે એના પિતાને જોરથી ધક્કો માર્યો. નીરદ જમીન પર પટકાયા. બીજો એક શૂન્ય વિરાટને પકડવા આગળ વધ્યો. વિરાટ એના પોતાના લોકોને મારવા માંગતો નહોતો છતાં એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એણે એ શૂન્ય યુવકને લાત મારીને પોતાની નજીક આવે એ પહેલા જ પાડી દીધો. નીરદ વિરાટની અપેક્ષા કરતા વધુ ઝડપથી ઊભો થયા હતા. એણે આજીજી ભર્યા સવારે કહ્યું, "વિરાટ, આપણે એને મારી નાખવી પડશે."

          "હા, આપણે એને મારવી જ પડશે." બધા શૂન્યો રાક્ષસ બની ગયા હોય એમ શોર કરવા લાગ્યા.

          "તમે એને કેમ મારવા માંગો છો?" વિરાટે મુઠ્ઠીઓ ભીંસી.

          "તું જોઈ નથી રહ્યો?" એના પિતાએ કહ્યું, "એ બદલાઈ રહી છે."

          "બદલાઈ રહી..." વિરાટ હચમચી ગયો. જેમ પ્રલય સમયે સૂર્ય પ્રકોપ વખતે સૂર્ય સળગતો હતો એવી જ પ્રબળ આગ એના શરીરમાં વ્યાપી હતી. એ પછી શબ્દો એના ગળામાં અટકી ગયા અને એ ગૂંગળામણ અનુભવવા લાગ્યો, "શું બદલાય છે?"

          પરંતુ એના પિતાએ એને જવાબ આપવાની જરૂર ન પડી. વિરાટે સુરતાની કાન ફાડી નાખે એવી ચીસ સાંભળી અને એની તરફ નજર ફેરવી. સુરતાની આંખો ભયથી પહોળી થઈ ગઈ હતી. દેવતાઓની જેમ હવે એની આંખમાં લાલ નસો કરોળિયાના જાળા જેમ ફેલાવા લાગી હતી. એ કાટમાળ પર ઊભી હતી. એ હળવે ડગલે કઠેડા તરફ ખસતી હતી. એના પગ જમીન પર રાખવા મુશ્કેલ હોય એમ એ લથડતી હતી. એનો ચહેરો નિસ્તેજ અને ચિંતિત દેખાતો હતો. એની આંખોમાંથી અસહ્ય પીડા છલકાતી હતી.

          વિરાટે જોયું કે એના નિસ્તેજ શરીર પર લીલી નસો ઉપસવા લાગી હતી. એ બદલાઈ રહી હતી અને એ બદલાવ એને ભારે પીડા આપતો હતો. એ રડતી હતી. વિરાટ માટે શ્વાસ લેવું પણ મુશ્કેલ બની રહ્યું હતું. એ લાચાર યુવતીની વેદના પોતાના હ્રદયમાં અનુભવતો હતો. એ સુરતાની પીડામાં ગૂંગળાઈ રહ્યો હતો. એ યાતનાના અફાટ સાગરમાં ડૂબી રહ્યો હતો. એ ત્યાં એની સામે રડતી હતી. એનું આખું શરીર ભયાનક રીતે ધ્રૂજતું હતું. એ દયનીય સ્થિતિમાં હતી અને એ જ સમયે વિરાટના હૃદયમાં ભયાનક ધ્રુજારી શરૂ થઈ હતી.

          "મને મારશો નહીં." એ ફરીથી બૂમો પાડવા લાગી. એની આંખો સામાન્ય કરતાં હવે મોટી દેખાતી હતી અને એનો અવાજ પહેલા કરતા વધુ કર્કશ બન્યો હતો. વિરાટને આશ્ચર્ય થયું કે એનો અવાજ આટલો ખોખરો કેમ થઈ ગયો. શૂન્યોએ એમના પાવડા, કોદાળી, ત્રિકમ અને બીજા ઓજારો હાથમાં લીધા અને સુરતા સામે હળવે ડગલે આગળ વધવા લાગ્યા. એ કોઈ દુશ્મનને મારવા માંગતા હોય એમ આગળ વધતા હતા પણ એમની આંખો ભાવહીન હતી.

          "તમે શું કરવા જઈ રહ્યા છો?" વિરાટે ગભરાઈને બૂમ પાડી, “એ આપણામાંથી એક…”

          પણ એના લોકો એને સાંભળતા નહોતા. એ બધા એમના હાથમાં ઓજારો લઈને આદિમાનવ જેમ દેકારો કરતા એ યુવતી તરફ આગળ વધતા રહ્યા. વિરાટ માટે આ ભયાનક અનુભવ હતો. 

          "હું એને મારવા નહીં દઉં." વિરાટે એના બે લોકોને પકડીને ધક્કો માર્યો.  જોરદાર તોફાન સામે કોઈ જૂનું ઝાડ ઉખડી પડે એમ એ બંને ફેકાઈ ગયા. વિરાટની શક્તિ સામે એ ટકી શકે એમ નહોતા. બીજા બે શૂન્યોએ વિરાટ સામે ઓજારો ઉપાડ્યા પણ વિરાટે બંનેને સુકા પત્તા જેમ ફંગોળી નાંખ્યા અને એ બાકીના લોકોને  અટકાવવા આગળ વધ્યો.

          "એક ડગલું પણ ન ભરતો." વિરાટની ગરદન પર વળાંકવાળી તલવારની  ધારનો ગરમ સ્પર્શ થયો, "હું તારી ગરદન કાપી નાખીશ."

          એને પાછળ જોવાની જરૂર નહોતી. એના ગળા પર તલવાર મુકનાર એક નિર્ભય સિપાહી સિવાય બીજું કોણ હોઈ શકે?

          "મને મૃત્યુનો ભય નથી."

          "મને પણ નથી." નિર્ભય સિપાહી એની તલવાર એમ જ વિરાટની ગરદન પર રાખી અડધી ગોળાઈ ફરી એની સામે આવ્યો. હવે એની તલવાર વિરાટના ગળા પર બરાબર એના જમણા કાનની નીચે હતી.

          "તને મૃત્યુનો ભય છે."  વિરાટે કહ્યું, "હું તારી આંખોમાં એ ભય જોઈ શકું છું."

          "એ રોષ છે." નિર્ભયે કહ્યું, "દેવતાએ એક નિર્ભયની હત્યા કરી છે. તને મારી આંખોમાં જે દેખાય છે એ રોષ છે અને રોષે ભરાયેલો નિર્ભય કંઈ પણ કરી શકે છે."

          "તો તારે એ દેવતાને મારવો જોઈએ."

          "જો હું દેવતાને મારી શકું એમ હોઉં તો મેં જરૂર માર્યો હોત." એણે કહ્યું, "પણ મને ખબર છે કે હું મારા જીવનનું બલિદાન આપીને પણ દેવતાને કશું કરી શકું એમ નથી."

          "તું જૂઠું બોલે છે." વિરાટે એની સામે વેધક નજરે જોયું. 

          “મનહર નાનપણથી મારો મિત્ર હતો.”  નિર્ભયે કહ્યું, "છોકરા, તું મને મજબુર ન કર."

          વિરાટે કશું બોલ્યો નહીં. એના લોકો શું કરી રહ્યા છે એ જોવા એના લોકો સામે એક નજર કરી.

          "કોઈ દુ:સાહસ ન કરીશ કેમકે દરેક વખતે જગપતિ કે હું તારી ભૂલોને છુપાવી નહી શકીએ." નિર્ભયે કહ્યું પણ વિરાટે ન સાંભળવાનો ઢોંગ કર્યો. એના લોકો હજુ પણ ઓજારો વડે અવાજ કરતા હતા. જમીન પર પાવડા, કોદાળી, ત્રિકમ પછાડી આદિમાનવને પણ શરમાવે એવું વર્તન કરતા હતા. એ સાચે જ જંગલી બની ગયા હતા.

          “પિતાજી.” સુરતાએ વિનંતી કરી. એનો સુંદર અવાજ હવે દયનીય અને કર્કશ હતો. વિરાટ માટે એ માનવું પણ મુશ્કેલ હતું કે આ એ જ છોકરી છે જે દીવાલની પેલી તરફ લોકોના જન્મદિવસ પર મધુર અવાજમાં ગીતો ગાતી, "હું તમારી દીકરી છુ. હું શૂન્ય  છું. તમે મને મારી ન શકો." ભલે સુરતા વિનંતી કરતી હતી પણ એણે દેવતાઓ શરીર સંબંધ બાધે પછી શૂન્ય યુવતી સાથે શું થાય છે એની અફવાઓ સાંભળી હતી. અંદરથી એ જાણતી હતી કે એના લોકો પાસે એને મારવા સિવાય કોઈ છૂટકો નથી. આખરે એ શૂન્ય હતા અને આ રીતે જ ન ઇચ્છવા છતાં એ અંદરોઅંદર એકબીજાને મારીને માનવમાંથી લાગણી વગરના પશુ બન્યા હતા.

          સુરતાએ કંઈક કહેવા મોં ખોલ્યું પણ હવે શબ્દો બહાર ન આવ્યા. એ શબ્દો ગળામાં જ રૂંધાઇ ગયા. એનું શરીર ભયાનક રીતે  ધ્રૂજવા લાગ્યું. એની આંખોમાં આંસુ ચમક્યા, એના નસકોરામાંથી પાણી વહેવા લાગ્યું અને એના મોંમાંથી લાળ વહીને એની હડપચી પરથી એના પહેરણ પર ટપકવા લાગી. એના લોકો એક પણ શબ્દ બોલ્યા વગર એને જોઈ રહ્યા હતા. કદાચ એ પોતાની લાગણીઓને દબાવવા માંગતા હતા એટલે હજુ પણ એમના ઓજારો વડે શિકારીઓ હિંસક પશુને ભગાડવા જેવો શોર મચાવે એવો ભયાનક શોર કરતા હતા.

          "કૃપા કરીને..." એણે બૂમ પાડી. એનો અવાજ રૂંધાતો હતો, "કૃપા કરીને  કોઈ, મારી મદદ કરો! તમે મારી સાથે આમ ન કરી શકો!” એણે નકારમાં માથું હલાવ્યું. એ પોતાના લોકોને એ રીતે જોવા લાગી જાણે પહેલાં ક્યારેય એણે એમને જોયા ન હોય. એ એના માટે એકદમ અજાણ્યા હોય એમ એની આંખો ચકળવકળ થઈને એક ચહેરાથી બીજા ચહેરા પર ફરવા લાગી. એનો દરેક શબ્દ વિરાટના ચહેરા પર મુક્કા જેમ અથડાતો હતો. એનું એક એક આંસુ વિરાટના લોહીના એક એક ટીપાંને આગ આપતું હતું.

          "એ કેમ બદલાઈ રહી છે?" વિરાટે એ નિર્ભયને પૂછ્યું જેની તલવાર એની ગરદન પર હતી.

          "કોઈ પણ છોકરી દેવતાના બાળકને જન્મ આપવા માટે પૂરતી પવિત્ર નથી એટલે દેવતા કોઈના પર બળાત્કાર કરે કે તરત જ એ મૃત્યુ પામે છે."

          "એવું કઈ રીતે હોઈ શકે!" વિરાટે ચીસ પાડી. એનું ગળું સુકાવા લાગ્યું.  શબ્દો બહાર આવતાં જ એનો અવાજ ફાટી ગયો હતો, "હું પ્રલય પહેલાના ભગવાનના નામ પર દેવતાઓને શ્રાપ આપું છું." 

          "તારે..."

          નિર્ભય વાકય પૂરું કરે એ પહેલાં વિરાટે એને એના હાથ પર ફટકો માર્યો. નિર્ભયે એ અણધાર્યા હુમલાની આશા રાખી નહોતી એટલે એના હાથમાંથી તલવાર ફેકાઈ ગઈ. નિર્ભય અચિંતા હુમલાના આંચકા બહાર આવે એ પહેલા જ વિરાટે બંને હાથે એને ધક્કો માર્યો. એની પાસે ઘણી શક્તિ હતી પરંતુ તાલીમ વિના એને લડાઈની કોઈ ચાલ ખબર નહોતી. એ પોતાની શક્તિનો ઉપયોગ કરી રહ્યો હતો. એનો હુમલો સહજ હતો. કોઈ બીજા માટે વિના તાલીમે નિર્ભય સિપાહીને માત આપવી અસંભવ હતી પણ વિરાટ અત્યારે પ્રકોપ સમયના સૂર્ય જેમ તપી રહ્યો હતો. એના એક ધક્કાથી નિર્ભય દૂર ફેકાઈ ગયો.

          વિરાટે નીચા નમી બીજા નિર્ભયને કમરમાંથી પકડી ખભા પર લઈ પાછળની તરફ ફેકી દીધો. એ એના લોકોને લાતો મારી, ધક્કો મારી, આમ તેમ પછાડી, ફંગોળી સુરતા સુધી પહોચી ગયો. વિરાટ ભીડ ચીરીની નીકળી ગયા પછી શૂન્યોની એ ભીડ પરથી તુફાન પસાર થયું હોય એવી એમની હાલત હતી.

          "મારી પાસે ન આવીશ." વિરાટ સુરતા પાસે પહોંચે એ પહેલાં જ સુરતાએ બૂમ પાડી, "જો તું મને સ્પર્શ કરીશ તો તું મરી જઈશ."

          "મને મૃત્યુનો ભય નથી." વિરાટે એની તરફ આગળ વધતાં કહ્યું.

          "પણ હું તારા મૃત્યુનું કારણ નથી બનવા માંગતી." એ કઠેડા પર ચડી. વિરાટને સમજાયું નહીં કે એનામાં એકાએક એટલી શક્તિ ક્યાંથી આવી. એ હિંસક વરુની જેમ કૂદીને કઠેડા પર ચડી હતી. કોઈ પણ શૂન્ય યુવતી માટે એ કરવું અશક્ય હતું.

          "હું તને મારો શ્રાપ ન આપી શકું." સુરતા બોલી, “હું મારો શ્રાપ મારી સાથે જ લઈ જઈશ.” અને એ કઠેડા પરથી નીચે કૂદી ગઈ.

          એની અંતિમ ચીસ કાન ફાડી નાખે એવી તીવ્ર અને કર્કશ હતી. વિરાટના ઘૂંટણ નબળા પડી ગયા. એ ફસડાઈ પડ્યો. બંને હાથ વડે જમીન પર મુક્કા મારતો, બૂમો પાડતો અને દેવતાઓ, નિર્ભય સિપાહીઓ અને ખાસ તો એના પોતાના લોકોને કોસતો હતો. એની આંખોમાંથી આંસુ વહેતા હતા. એ રડતી આંખે ઊભો થયો અને થોડીવાર પહેલા સુરતા જ્યાં ઊભી હતી ગયો. એ કઠેડા પાસે ગયો અને બંને હાથે કઠેડાની કિનાર પકડી નીચે નજર કરી. સુરતાનું શરીર નીચે પગથીયા પર પડ્યું હતું. એના હાથ અને પગ વિચિત્ર રીતે મરડાઈ ગયા હતા. એની ગરદન માની ન શકાય એ રીતે એક તરફ વળી ગઈ હતી. એના વાળ એના માથાની આસપાસ મોરના પીછાં જેમ ફેલાયેલા હતા. સુરતાના મૃતદેહને જોતાં જ વિરાટના પેટમાં વલોણું થતું હોય એમ લાગ્યું. એની આંખ સામેનું દૃશ્ય ભયાનક હતું. એ વિરાટે જોયેલ સૌથી ખરાબ દૃશ્યોમાંથી એક હતું. એક ક્ષણ માટે એના પગ ત્યાં જ જડાઈ ગયા. જેમ રક્ષકની મર્મવિધાથી એ સુન્ન થઈ ગયો હતો એમ એનું મન ફરી એકવાર સુન્ન થઈ ગયું. એ જોરથી શ્વાસ લેતો, રડતી આંખે સુરતાના મૃતદેહને તાકી રહ્યો. વિરાટ એના મનમાં સુન્નતાનો અનુભવ કરતો હતો અને બીજી તરફ એ દૃશ્ય એના હ્રદય માટે  ખૂબ પીડાદાયક હતું. એણે આંખો બંધ કરી પણ મૃત યુવતીની છબી એની આંખો સામેથી ખસતી નહોતી.

          વિરાટે આંખો ખોલી અને ફરી સુરતાના શરીર સામે જોયું. એની સુંદર આંખો ખુલ્લી હતી અને એની ગરદન અકુદરતી રીતે વળી ગઈ હતી. એક સેકન્ડ માટે એ જીવંત છે અને આરામ કરી રહી છે એવી કલ્પના એના મગજમાંથી પસાર થઈ ગઈ કારણ કે જે રીતે એનો ગાલ જમીનની સાથે દબાયેલો હતો એ પગથીયા પર સુતી હોય એમ લાગતું હતું પણ વિરાટ જાણતો હતો કે એ એ મરી ગઈ છે. એને એક પળ થયું કે કાશ એના ગુરુ જગમાલ કહે છે એમ પોતે કોઈ અવતાર હોય અને એની પાસે એને પુનઃજીવિત કરવાની શક્તિ હોય. જ્યારે એમણે સુરતાની ઝૂંપડીએ એની સુરક્ષાનું વચન આપ્યું હતું એ પળ અને સુરતાનો મૃતદેહ એની સામે પડ્યો હતો એ બને પળ એની આંખો સામે ચલચિત્રની જેમ બદલાવા લાગી. કાશ! એની પાસે દેવતા જેવો કોઈ જાદુ હોત તો એણે એ છોકરીને ફરી સજીવન કરી નાખી હોત! પણ એની પાસે કોઈ જાદુ નહોતો. એણે પોતાની શક્તિઓ ચકાસવા ઇચ્છા કરી કે સુરતા જીવતી હોય પણ કંઈ ન થયું. એનામાં એવી કોઈ શક્તિ નહોતી.

          એની આંખોમાં હવામાં ઉડતી રેત ધસી આવી હોય એવી બળતરા થવા લાગી. એની આંખોમાં મધમાખીઓ ડંખતી હોય એવી વેદના થઈ અને એની સામેનું દૃશ્ય ધૂંધળું થવા લાગ્યું. એને લાગ્યું જાણે હવે એના અને સુરતાના મુતદેહ વચ્ચેના ખાલી ભાગમાં હવાને બદલે પાણી છે. એ પાણીની પેલે પાર જોતો હોય એમ રંગો અને આકારો બદલાવા લાગ્યા અને બીજી પળે વિરાટને સમજાયું કે સુરતા ફરી જીવિત નથી થઈ શકી એ હકીકતે એની આંખમાં એટલા આંસુ લાવ્યા હતા કે એને બધું ધૂંધળું લાગવા માંડ્યું હતું.

          એ એટલો ઉદાસ અને ગુસ્સામાં હતો કે એ બધું ભૂલી ગયો - એની આસપાસના લોકો વિશે ભૂલી ગયો, ત્યાં ઉભેલા નિર્ભય સિપાહીઓને ભૂલી ગયો અને સુરતાના વિચારોએ એની લાગણીઓ પર કાબુ કરી લીધો. એણે હાથના પાછળના ભાગથી આંખો લૂછી અને એને ફરી સ્પષ્ટ દેખાવા લાગ્યું. જ્યાં સુધી એનું મન શાંત ન થયુ ત્યાં સુધી એ ત્યાં જ ઊભો રહ્યો. એનું હૃદય ત્યાંથી નીચે કૂદીને પોતાના દયનીય અને અર્થહીન જીવનનો અંત લાવવા માંગતું હતું પરંતુ એનું મન કહેતું હતું કે જો તું મરી જઈશ તો તારા લોકો માટે કોણ લડશે? સદીઓ સુધી આવી હજારો સુરતાઓ મરતી રહેશે એમને કોણ બચાવશે? એ કુદી ન શક્યો. મૃત્યુ એના માટે નહોતું. એની પાસે એ વિકલ્પ નહોતો. એણે પોતાને એ દરેક પીડામાંથી પસાર થતો જોવાનો હતો જે પીડા એના નસીબમાં હતી.

          એણે આંસુ પર કાબુ કર્યો અને મોં ફેરવી લીધું. એ જાણતો હતો કે જ્યાં સુધી સુરતાનો મૃતદેહ એની આંખો સામે હશે ત્યાં સુધી આંખોમાંથી આંસુ વહેતા જ રહેશે. એ વધુ રડવા માંગતો નહોતો. એ સમજી ગયો કે રડવાનો કોઈ ફાયદો નથી. એ હકીકત જાણતો હતો. આ દીવાલ એ તરફની દુનિયા હતી. એ શૂન્ય હતા અને ગુલામી કરીને બેમોત મરવા માટે જન્મ્યા હતા. એક શૂન્ય મૃત્યુ પામે ત્યારે બીજો શૂન્ય મૃત્યુ તરફ આગળ વધતો હોય છે. આ જ વિધિનું વિધાન હતું.

ક્રમશ: