Dashavtar - 51 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 51

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

દશાવતાર - પ્રકરણ 51

          છત પર હંગામો થયો. શૂન્યો ભયભીત અને અસ્વસ્થ હતા. એ માત્ર બે જ શબ્દો બોલતા હતા – શ્રાપ અને મૃત્યુ. જાણે કે એ કોઈ મંત્ર જપતા હોય. નિર્ભય સિપાહીઓ આઘાતમાં હતા. એમણે એમના એક માણસને એમની આંખો સામે મરતો જોયો હતો અને એમની જાતિ મુજબ એમના હૃદયમાં ક્રોધ અને બદલાની ભાવના જન્મી હતી પરંતુ દેવતાનો ડર ધુમાડાની જાડી પરત જેમ બધાના દિલો દિમાગ પર છવાયેલો હતો.

          “મૌન... નહિતર હવે તમારો વારો છે.” દેવતાએ એ કાળદંડ ફરી કમર પાછળ ભરાવ્યો જેનાથી એણે મનહરને શ્રાપ આપ્યો હતો. એનો ચહેરો ભાવહીન હતો. જાણે એણે કંઈ કર્યું જ ન હોય એવી રીતે એ સ્વસ્થ દેખાતો હતો.

          બાકી નિર્ભય જાણે પથ્થરના હોય એમ ઊભા હતા. એવી જ હાલત શૂન્યોની હતી. બંને જૂથો વચ્ચે માત્ર લાગણીનો તફાવત હતો. નિર્ભયના પથ્થર જેવા ચહેરા પર ગુસ્સો હતો જ્યારે શૂન્યોના ચહેરા પર માત્ર ભય હતો. 

          સુરતાએ ભાગવાનો પ્રયત્ન ન કર્યો. એ જાણતી હતી કે એનો કોઈ ફાયદો નથી. એની હાલત હિંસક પશુના મોંમાં જેની ગરદન દબાઈ હોય એ હરણી જેવી હતી.  દેવતાએ પચાસથી વધુ શૂન્યાની સામે એના પર બળાત્કાર કર્યો. સૌથી ભયાનક વાત એ હતી કે કોઈએ દેવતા સામે એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો. સુરતાનો બાપ મુંજન ત્યાં હતો પણ એ પથ્થરની જેમ ઊભો હતો. એના ચહેરા પર ભય સિવાય બીજા કોઈ ભાવ દેખાતા નહોતા.

          નિર્ભય પણ સુન્ન થઈ ગયા હતા. જોકે એમની વાત અલગ હતી. પણ શૂન્યો - એ લાગણીહીન હતા, એમની એક યુવતી પર બળાત્કાર થતો જોઈ રહ્યા હતા. એ એમની દીકરી હતી. એમનુ પોતાનું બાળક હતી તેમ છતાં એ જીવતી લાશો જેમ ઊભા હતા.

          એ કાયર હતા. એ ખરેખર શૂન્યો હતા. સુરતાને એ ક્ષણે સમજાયું કે એ શા માટે શૂન્ય હતા. એમનામાં હિંમત નહોતી. એ બિલકુલ માનવ નહોતા. એમણે દીવાલ આ પાર આવીને શ્રમ કરવો જોઈએ અને એ મજૂરી કરતી વખતે અથવા ભૂખમરાથી મરવું જોઈએ કેમકે એ એને જ લાયક હતા. ભલે ગમે તે રીતે પરંતુ શૂન્યો ગુલામીને લાયક હતા. 

          સુરતા એ સ્થિર ભીડ કરતાં બહાદુર હતી. એ બીજા શૂન્યો કરતાં બહાદુર હતી.  એ દેવતા સામે લડીતી હતી. દેવતાને એના બંને હાથ વડે મારતી હતી. એ બહાદુર હતી.

          એણે ફરી એના લોકો તરફ નજર કરી. ભયના કારણે એમનું મગજ બહેર મારી રહ્યું હતું. એને જીવતી લાશ બનાવીને છોડી દેવતા શૂન્યોની ભીડમાંથી પોતાનો માર્ગ બનાવી આગળ વધ્યો. કોઈએ એને કશું જ ન કર્યું. એ લોકો શૂન્યો હતા. બદલાની ભાવના એમનામાં હતી જ નહીં.

*

          વિરાટ ભૂગર્ભ બહાર ગૃહ સુધી પહોચ્યો ત્યાં સુધીમાં જગપતિ અને એના બે સિપાહીઓ એની પાછળ દોડીને એને આંબી ગયા હતા.

          જગપતિએ બૂમ પાડી, “તું તેની મદદ નહીં કરી શકે.”

          "હું મદદ કરીશ."

          "તું એની કોઈ મદદ નહીં કરી શકે." જગપતિ એની નજીક હતો, “દેવતા તને મારી નાખશે.” બીજા બે નિર્ભય પણ વિરાટની નજીક સરક્યા. એ જગપતિના વિશ્વાસુ હતા.

          "મને એની પરવા નથી." વિરાટે કહ્યું.

          "તને નથી પણ મને..." જગપતિ બોલવાનું પૂરું કરે એ પહેલાં વિરાટે એના બંને હાથ વડે એને ધક્કો માર્યો. એની બંને હથેળી છાતીમાં વાગતાં જ એ જમીન પર પટકાયો.

          એક નિર્ભય એની તલવાર બહાર કાઢવા ગયો. એનો હાથ હજુ તલવારની મૂઠ પર પહોંચે એ પહેલા જ વિરાટે એને પેટમાં લાત મારી. એ દૂર ફેંકાઈ ગયો. ત્રીજા નિર્ભય સિપાહીએ જોયું કે એ યુવકમાં કલ્પના બહારની શક્તિ છે એટલે એણે હથિયાર નીકાળવામાં સમય બગાડવાને બદલે દોડીને એને અથડાયો પણ વિરાટ જાણે ખુદ વિરાટ સ્વરૂપ હોય એમ અડગ ઊભો રહ્યો. બીજી પળે નિર્ભય જમીન પર પટકાયો. એની ટક્કરથી વિરાટને કોઈ અસર થઈ નહોતી.

          જગપતિ ફરી એના પગ પર ઊભો થઈ ગયો હતો. એ વિરાટની સામે જઈ ઊભો રહ્યો. એણે વિરાટ સામે જોયું. તેના ચહેરા પર ચિંતાના ભાવ હતા.  

          "વિરાટ."  એણે એની આંખોમાં જોયું, "કદાચ તને મારા પર ભરોસો નથી પણ તું જે કરી રહ્યો છે એ તારા માટે સારું નથી. જો તું જાય તો - મારો મતલબ, જો તું કોઈ દેવતા સામે લડવા જાય તો..." એણે ઊંડો શ્વાસ લીધો, "મારો મતલબ જો તને કંઈ થયું તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું."

          "મને તમારા પર વિશ્વાસ છે." વિરાટ બોલ્યો,, "પણ આ પરિણામ વિશે વિચારવાનો સમય નથી." એણે ફરી એને બંને હાથથી ધક્કો માર્યો અને એ ફરી પટકાયો.

          એ જ ક્ષણે કોઈએ એના શરીરને પાછળથી પકડ્યું. વિરાટે એની ડાબી કોણી એના પેટમાં મારી અને ફટકા સાથે એનું માથું ખભા તરફ નમ્યું એટલે વિરાટે જમણી કોણી એના ચહેરા પર ઝીંકી દીધી. એની પકડ છૂટી ગઈ અને વિરાટ પ્રવેશદ્વાર તરફ દોડવા ગયો પરંતુ જગપતિએ એનો પગ પકડ્યો અને એ જમીન પર મોંભેર પટકાયો. એ ભૂલી ગયો હતો કે એણે ધક્કો માર્યા પછી જગપતિ જમીન પર પડ્યો હતો. જગપતિ ઊભો થયો અને એણે એ કર્યું જે એ ક્યારેય કરવા માંગતો નહોતો. એણે વિરાટ સાથે લડવાનું શરૂ કર્યું. એ હવે એ માણસ સાથે લડતો હતો જેની રક્ષા કરવાની એણે વર્ષો પહેલા પ્રતિજ્ઞા લીધી હતી.

          જગપતિ થાકી ગયો હતો. એ વિરાટ સામે પૂરી તાકાતથી લડતો હતો પણ વિરાટ કોણ હતો એ એને ખબર હતી. જગપતિએ પ્રલય પહેલાં પૃથ્વી પર વસતા સિંહની જેમ મુકાબલો કર્યો હતો પરંતુ વિરાટમાં દિવ્ય શક્તિઓ હતી.  

          વિરાટ એ બાબતે નિરાસ હતો  કે એની પાસે જગપતિ જેવા નિર્ભય સેનાનાયક કરતા પણ વધુ શક્તિ છે અને છતાં એ મોડો પડ્યો. પણ હવે એ બીજી ભૂલ કરવા માંગતો નહોતો. એ સુરતાને મદદ કરવા માંગતો હતો. એ સાબિત કરવા માંગતો હતો કે એ શૂન્ય નથી. એ સાબિતી એણે બીજા કોઈને નહીં પરંતુ પોતાની જાતને આપવી હતી. એ જીવતી લાશ જેમ જીવવા નહોતો માંગતો.

          જગપતિ ફરી જમીન પર પડ્યો. હવે વિરાટને રોકી શકે એવું ત્યાં કોઈ નહોતું. બંને નિર્ભય સિપાહીઓ ફરી ઊભા નહોતા થઈ શક્યા. નીરદ અને ચિત્રા એમનાથી દૂર હતા. એ વિરાટ, જગપતિ કે બાકીના સિપાહી જેટલા ઝડપી દોડી શક્યા નહોતા. વિરાટ પ્રવેશદ્વાર તરફ દોડયો. ત્યાં એણે એક વિચિત્ર વ્યક્તિ જોઈ. એ અટકી ગયો. એણે એવો માણસ પહેલાં ક્યારેય નહોતો જોયો.

          એ માણસે રૂપેરી મહોરું પહેરેલ હતું. એનું મહોરું એના શરીરનો જ ભાગ હોય એમ લાગતું હતું. એ બહારથી દોડીને એની તરફ આવ્યો હતો. વિરાટ અંદરથી દોડીને બહાર જતો હતો. બંનેનો બરાબર પ્રવેશદ્રાર પાસે ભેટો થયો હતો. એ માણસની કમર પર બે ચામડાના પટ્ટા બાંધેલા હતા. સૂરજના કિરણોમાં એ પટ્ટાના ધાતુના બકલ ચમકતા હતા. એની પાસે વળાંકવાળી તલવાર હતી જે એના કમરપટ્ટાની ડાબી બાજુએ ચામડાના પટ્ટામાં ભરાવેલી  હતી. એના પટ્ટા પર બીજી તરફ લાંબી કટાર લટકતી હતી. એના ખભા પર કૃત્રિમ અર્ધ-લવચીક ધાતુથી બનેલું નાનું ધનુષ્ય હતું અને બીજા ખભા પર ભાથો હતો. એમાં સૌથી મજબૂત ધાતુમાંથી બનાવેલા પાટનગરના શ્રેષ્ઠ તીરો હતા.

          "સબૂર.” મહોરાધારીએ કહ્યું.

          "મારા રસ્તામાંથી હટી જા." વિરાટ ગુસ્સાથી ધ્રૂજતો હતો. એ તેના માર્ગમાં કોઈ અવરોધ સહેવા તૈયાર નહોતો.

          "હું રક્ષક છું." એ માણસે કહ્યું, "મારી વાત સાંભળ."

          "તું કોણ છે એની મને કોઈ પરવા નથી..." વિરાટ બોલવાનું પૂરું કરે એ પહેલા રક્ષકે એના પર હુમલો કર્યો. રક્ષક સારી રીતે જાણતો હતો કે એની સામે કોણ છે. એ વિરાટ અને એની શક્તિઓને ઓળખતો હતો કારણ કે એણે જ વર્ષો પહેલાં વિરાટને દીવાલની બીજી તરફ પહોંચાડ્યો હતો. રક્ષક જાણતો હતો કે આ છોકરાને લડીને રોકવામાં સમયની જરૂર પડશે. એમની પાસે સમય નહોતો. ગમે ત્યારે એ હંગામો સાંભળી દેવતા ઈમારત બહાર આવી શકે એમ હતા. છત પર જે થયું એ એણે પોતાની આંખે જોયું હતું અને મનહરના મૃત્યુ પછી કોલાહલ થતાં જ એ સમજી ગયો હતો કે વિરાટ ઉપર આવશે એટલે એ ત્યાંથી નીકળી ગયો અને મહોરું લગાવી વિરાટને રોકવા ગૃહ તરફ દોડ્યો હતો. બંને પ્રવેશદ્રાર પર જ એકબીજાને ભટકાઈ ગયા હતા. રક્ષક જાણતો હતો કે જો વિરાટે જગપતિ અને એના વિશ્વાસુ નિર્ભયોને માત આપી હોય તો એનો અર્થ એ હતો કે એણે એની ત્રીજી સિદ્ધિ પણ મેળવી લીધી છે.

          રક્ષકને એની પ્રથમ વીજળીના ઘાતની સિદ્ધિ અને બીજી દેવભાષા સમજી શકાવની સિદ્ધિ વિશે તો અગાઉથી જ જાણકારી મળી ગઈ હતી એટલે એણે વિરાટના શરીરને સુન્ન કરવા માટે મર્મવિદ્યાનો ઉપયોગ કર્યો. એણે સૌ પહેલા એની અનામિકા વડે વિરાટના ગળા પરનું એક બિંદુ દબાવ્યું અને એનો અવાજ બંધ કરી દીધો કારણ કે એની ગર્જના એના પોતાના માટે જોખમી બની શકે એમ હતી.

          મારે આ ન કરવું જોઈએ. રક્ષકે એક પળ વિચાર્યું. એને યાદ આવ્યું કે આ છોકરે વર્ષો પહેલાં એની આ જ આંગળી પકડી હતી અને આજે એ જ આંગળીથી એણે એને સુન્ન કરી દીધો હતો. એણે વિરાટના બને લમણાં પરના શુદ્ધિ બિંદુઓ દબાવી એના મનને સુન્ન કરી નાખ્યું હતું.

          વિરાટ કહેવા માંગતો હતો કે હું માત્ર સુરતાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું પણ એ બોલી શક્યો નહીં. એ રક્ષકને કહેવા માંગતો હતો કે એનો એની સાથે લડવાનો કોઈ ઈરાદો નથી પણ એ બોલી શકતો નહોતો. અવાજ એના મનમાં આકાર લેતો હતો પણ ગળામાંથી ધ્વની સ્વરૂપે બહાર નીકળતો નહોતો. મર્મવિદ્યા એ પ્રાચીન યુદ્ધ કળામાં સર્વોચ્ચ હતી જે રક્ષકે એના મિત્ર વિષ્ણુયશા પાસેથી શીખી હતી. દુર્ભાગ્યવશ એણે એનો ઉપયોગ વિષ્ણુના જ દીકરા પર કરવો પડ્યો જેની રક્ષા માટે એણે વર્ષો પહેલા પ્રતિજ્ઞા લીધી હતી.

          રક્ષક, તેં મને કેમ રોક્યો?  વિરાટે વિચાર્યું. દેવતાએ સુરતા પર બળાત્કાર કર્યાની અને એની હત્યા કર્યાની કલ્પના કરવાથી એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. વિરાટ પણ સુરતાની જેમ લાચાર હતો. એ પોતે જ્યાં ઊભો હતો ત્યાં થાંભલાની જેમ ખોડાઈ ગયો હતો. એ બોલી કે હલી નહોતો શકતો.

*

          દેવતા છત પરથી નીચે ઉતર્યો એ પહેલા રક્ષક ત્યાંથી ચાલ્યો ગયો હતો.

          "શું થયું હતું આ શૂન્યને?" દેવતાએ જગપતિને પૂછ્યું. જગપતિ હવે વિરાટ પાસે ઊભો હતો.

          "એ બીમાર છે." જગપતિએ કહ્યું, "એક વિચિત્ર બીમારી."

          સામાન્ય રીતે દેવતાએ વધુ પૂછપરછ કરી હોત પણ આજે એને પોતાનો ગુનો છુપાવવાની ઉતાવળ હતી. એણે કહ્યું, "એક અહેવાલ તૈયાર કરો."

          "શેના વિશે?" જગપતિએ પૂછ્યું. ચિત્રા અને નીરદ ત્યાં ઊભા હતા પણ એ ચૂપ રહ્યા કારણ કે એ જાણતા હતા કે શૂન્યને દેવતાની સામે કંઈ પણ કહેવાની મંજૂરી નથી.

          "એક નિર્ભય સૈનિકે શૂન્ય છોકરી પર બળાત્કાર કર્યો અને એની હત્યા કરી."  દેવતાએ કહ્યું, "અને ઉમેરો કે દેવતાએ નિર્ભયને મારી નાખ્યો."

          વિરાટ એ બધું સાંભળતો હતો. એના આખા શરીરનું લોહી ઉકળતું હતું. એ દેવતાને ચીરી નાખવા માંગતો હતો પણ એ લાચાર હતો. એનું શરીર એનો સાથ આપતું નહોતું. એનું હૃદય ગુસ્સા અને દુખની આગમાં શેકાઈ રહ્યું હતું અને એની આંખોમાંથી આંસુ વહેતા હતા.

           જગપતિ જાણતો હતો કે દેવતા ખોટું બોલે છે. વિરાટ જેમ એના લમણાં પણ ગુસ્સાથી ફાટતા હતા પરંતુ જગપતિએ ઓલુસ પહાડ પર તાલીમ લીધી હતી અને એ પોતાની લાગણીઓ પર કાબુ કરી જાણતો હતો. એ જાણતો હતો કે એની સામે જે મહાન લક્ષ હતું એમાં ગુસ્સાને ગળી જવો જ શ્રેષ્ઠ વિકલ્પ હતો. ગુસ્સો એના શબ્દોને નિયંત્રિત કરે એ પહેલા એણે દેવતા સામે માથું નમાવી કહ્યું, "ઠીક છે, સ્વામી."

           જગપતિને નમન કરતો જોઈ દેવતાએ ગર્વથી માથું ઊંચું કર્યું અને ઈમારતમાં એના આરામખંડમાં ચાલ્યો ગયો.

ક્રમશ: