Dashavatar - 42 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 42

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

દશાવતાર - પ્રકરણ 42

          વિરાટ બીજીવાર હોશમાં આવ્યો ત્યારે સૂરજ એ શાપિત શહેર પાછળના પહાડો વચ્ચે ચમકતો હતો. એના કિરણોને લીધે પહાડોની કિનાર પર સોનેરી રેખાઓ દેખાતા જાણે એ પહાડો સોનાના બનેલા હોય એવો આભાસ થતો હતો. પ્રલય પહેલાના લોકોએ એટલે જ એ પહાડીનું નામ ‘સોનેરી પહાડ’ રાખ્યું હતું.

          વિરાટ ભોયરાના એક કમરામાં હતો. એણે આંખો ખોલી પણ આસપાસ કોઈ નહોતું. એ એકલો હતો. એની આંખો રૂમનું અવલોકન કરવા લાગી. એ પહેલા જાગ્યો ત્યારે જે રૂમમાં હતો એ રૂમને બદલે હવે એ બીજી રૂમમાં હતો. એણે બેભાન અવસ્થામાં જ બીજી રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. પણ કેમ? એને સમજાયું નહીં.

          એ પથારીમાંથી ઊભો થઈ બારી પાસે ગયો. એને નવાઈ થઈ કે એ બારી હજુ સુધી સાજી કઈ રીતે હતી. બારીની લોખંડની ફ્રેમ અને સેફટી માટે લાગવાયેલા સળિયા હજુ યથાવત. બાકીનો લાકડાનો ભાગ ઊધઈ ખાઈ ગઈ હતી.

          “દિવસ થઈ ગયો છે.” એ સ્વગત બબડ્યો, “હું કેટલો સમય બેહોશ રહ્યો? મારા લોકોનું શું થયું? કેટલા લોકો માર્યા ગયા હશે? એ વીજળી કેટલાને ભરખી ગઈ હશે?”

          એણે બારી બહાર ટેકરીઓની સોનેરી રેખા જોઈ અને પ્રલય પેહલા દુનિયા કેટલી સુંદર હશે એની કલ્પનામાં ખોવાઈ ગયો. એણે કલ્પના કરી કે એ જે ઇમારતમાં હતા એ ઇમારત લોકોથી ભરચક છે અને બહાર પ્રગણમાં પીળા રંગે રંગેલા હીચકા, ચીચવા અને લપસણીઓ પર નાના નાના ભૂલકાઓ રમી રહ્યા છે. એ કલ્પના સ્વર્ગનો આનંદ આપનારી હતી પણ એકાએક કલ્પનામાં પ્રલય આવ્યો અને ભૂલકાઓને ભરખી ગયો. સુંદર કલ્પના ખરાબ સપના જેવી બની ગઈ. એ દીવાલનો ટેકો લઈ જમીન પર બેસી ગયો. કેમ? એ પ્રલય કેમ આવ્યો હશે?

          એ ક્યાય સુધી એમ જ બેસી રહ્યો. થોડીવારે નીરદ રૂમમાં દાખલ થયા.

          “તું ઠીક છે વિરાટ?” એણે પૂછ્યું, “તું વીજળી સામે બચી ગયો એ જોઈ આપણા લોકો તો ખુશીથી પાગલ થઈ ગયા છે.”

          “હું ઠીક છુ પણ બીજાનું શું?” વિરાટે એના હ્રદયનો બળાપો ઠાલવ્યો, “કેટલા લોકો માર્યા ગયા?”

          “કુલ તેર માણસો.” એના પિતાએ જવાબ આપ્યો, “દસ શૂન્યો, એક લોક સ્ત્રી સેવક અને બે નિર્ભય સિપાહીઓ.”

          “હું કેમ ન મર્યો?” એ ગુસ્સામાં બોલ્યો, “મારા લોકોને એ વીજળીએ ભરખી લીધા તો મને કેમ નહીં?”

          “પ્રલય પહેલાના ભગવાનનો આભાર કે તને કશું નથી થયું.” નીરદે એના ખભા પર પ્રેમથી હાથ મૂક્યો, “આજ સુધી કોઈ એવા વીજળીના વજ્રધાતથી બચ્યું નથી. કોઈ નિર્ભય સિપાહી કે દેવતાઓ પોતે પણ એનાથી બચી શકતા નથી.”

          “તો હું કેમ?” વિરાટના મનમાં એ વીજળીથી બચવાનો કોઈ આનંદ નહોતો. દસ શૂન્ય માર્યા ગયા હતા એ ખબર તેના માટે બચવાના આનદ કરતાં વધુ દુખદ હતી. એ બારી બહાર જોઈ રહ્યો. બહાર ડ્રાઇવરો બસ પરથી ધૂળ ખંખેરતા હતા અને એક બે મશીનોના એંજિન ચાલુ કરવામાં આવ્યા હતા. મશીનોના પૈડા એમના રાક્ષસી કદના પ્રમાણમાં પણ ખૂબ મોટા હતા. કદાચ રેતાળ વિસ્તારમાં ચાલવા માટે એ ખાસ બનાવવામાં આવ્યા હતા.

          “કોઈને ખબર નથી કે એ ચમત્કાર કઈ રીતે થયો.” એના પિતાએ કહ્યું, “અને આપણે કોઈને એ ખબર પડવા દેવાની પણ નથી.”

          “કેમ?” વિરાટ બારી તરફથી એના પિતા તરફ ફર્યો.

          “કેમકે એ ભવિષ્યવાણી છે.”

          “કેવી ભવિષ્યવાણી?”

          “જે શૂન્ય યુવક વીજળીના વજ્રધાતથી બચી જશે એ શૂન્યોનું નસીબ બદલશે.” એણે ધીમા અવાજે કહ્યું, “એટલે જ તો આજે દસ દસ શૂન્યોને ગુમાવવા છતાં આપણા લોકો ખુશીથી પાગલ થઈ છે.”

          “તમને કોણે કહ્યું એ ભવિષ્યવાણી વિશે?”

          “ગુરુ..”

          “ગુરુ?” વિરાટે નવાઈથી પુછ્યું, “તમે ગુરુકુળમાં રહેલા છો?”

          “હા, વર્ષો સુધી. પણ હું ઉકેલ મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો.” એના અવાજમાં ઉદાસી ભળી, “વાંચતાં અને લખતા શિખવા છતાં હું જ્ઞાનના પુસ્તકમાંથી શૂન્યો આઝાદ કરવવાનો રસ્તો શોધવામાં નિષ્ફળ રહ્યો એટલે મેં ગુરુકુળ છોડી દીધું.”

          “તમે કયા પુસ્તકોમાં રસ્તો શોધ્યો હતો?”

          “એ એક ફાટેલુ અને જૂનું પુસ્તક હતું. એના અમુક પાનાં જ વાંચી શકાય એમ હતા.” એણે કહ્યું, “અમે પાંચ જ્ઞાની હતા. અમારામાંથી દરેકે એ પુસ્તકનાં રહસ્યને ઉકેલવા પ્રયાસ કર્યો પણ એ પુસ્તક અધૂરું હતું એટલે અમે સફળ ન થયા.”

          “એ પુસ્તકમાંથી તમને બીજું શું જાણવા મળ્યું હતું?”

          “ખાસ કશું નહીં..” એણે દરવાજા બહાર નજર કરી પણ ત્યાં કોઈ નહોતું, “પુસ્તકમાં લખેલું હતું કે દેવતાઓ સાચા દેવતા નથી અને એમની સામે લડી રહ્યા એ વાનરસેના જેને તેઓ રાક્ષસો કહે છે એ સાચા દેવતાઓ છે. કારુ અને નિર્ભય સિપાહીઓ વાનરસેનાના સિપાહીઓને રાક્ષસ કહે છે પણ વાનરસેનાના સિપાહીઓ પોતાની જાતને સાચા રક્ષકો કહે છે.”

          “તમે વાનરસેના વિશે વધારે જાણકારી મેળવવા કોશિશ ન કરી?”

          “અમે કરી હતી પણ એમાં સફળતા ન મળી,” નીરદે કહ્યું, “પુસ્તકમાં વાનરસેના વિશે ખાસ માહિતી નહોતી અને લોક જાતિની પ્રજામાં અમે એમના વિશે પૂછતાછ કરી તો કોઈ મોઢું ખોલવા તૈયાર નહોતું. મેં આજ સુધી વાનરસેનાના કોઈ રક્ષકને જોયો નથી.”

          “લોક જાતિના લોકો કેમ એમના વિશે કોઈ માહિતી આપવા તૈયાર નથી?”

          “કેમ કે અડધા એમને યેતી અને હિમમાનવ સમજી ડરે છે તો અમુક એમને સાચા દેવતા સમજી એમના પ્રત્યે વફાદાર છે. લોક પ્રજા આપણા શૂન્ય લોકોને ડરપોક અને અપ્રમાણિક સમજે છે. એ આપણી સામે વાનરરાજનું રહસ્ય ક્યારેય પ્રગટ ન કરે કેમકે એમને શૂન્ય લોકો પર વિશ્વાસ નથી.”

          “તો આપણે શું કરવું જોઈએ?” વિરાટ મૂંઝાતો હતો.

          “આપણે એ પુસ્તક શોધવું પડશે અને એ પણ એવું જે સપૂર્ણ સલામત હોય.” નીરદે કહ્યું, “બસ એ પુસ્તક જ આપણી મદદ કરી શકે એમ છે.”

          એકાએક વિરાટને એનો જીવ બચાવનાર છોકરી યાદ આવી, “એ છોકરીએ મને બચાવ્યો હતો. એને મને કુત્રિમ શ્વાસ આપ્યા હતા.”

          “હા, તું શ્વાસ નહોતો લેતો અને એક પળ માટે હું બધી આશાઓ ખોઈ બેઠો હતો પણ ક્યાકથી એ છોકરી આવી અને તને કુત્રિમ શ્વાસ આપી બચાવી લીધો.”

          “એ ક્યાં છે?”

          “એ સલામત છે.” નીરદે કહ્યું, “એ તેના પિતા સાથે છે.”

          “એનું નામ શું હતું?”

          “ચિત્રા. એના પિતા દીવાલની પેલી તરફ માટલાં ઘડવાનું કામ કરે છે પણ છોકરી એમના વિસ્તારમાં રહેતા અખંડગુરુ પાસે જ્ઞાનના પુસ્તકોનો અભ્યાસ કરે છે અને એટલે જ એ જાણતી હતી કે તને કઈ રીતે બચાવવો.”

          “તમે એની સાથે વાત કરી?”

          “તને શું લાગે છે, મેં નહીં કરી હોય?” એ હસ્યાં, “હું મારી જાતને રોકી ન શક્યો. એ છોકરીનો આભાર માન્યા પહેલા મને ચેન પડે તેમ નહોતું.”

          “તમે બંને..” ખુલ્લા દરવાજેથી નિર્ભય સિપાહી અંદર દાખલ થયો, “તમે બંને અહીં શું કરો છો?”

          વિરાટ દરવાજા તરફ ફર્યો. દરવાજામાં એક નિર્ભય સિપાહી દાખલ થયો હતો. બાકી ત્રણ સિપાહીઓ દરવાજા બહાર ઊભા હતા. બધા એમના પરિધાનમાં હતા અને બધાની કમરે વાંકી તલવારો લટકતી હતી. વિરાટને શું કહેવું એ તરત સૂઝ્યું નહીં.

          “કશું નહીં.” નીરદે જવાબ આપ્યો, “હું યુવકને ફિલ્ડવર્ક સમજાવતો હતો.”

          “ઠીક છે...” સિપાહીએ કહ્યું, “આજે માત્ર શહેરની ઇમારતોના ભૂગર્ભ ભોયરા અને સુરંગ રસ્તાઓ જ તપાસવાના છે. તને ખબર છે કેમ?” નિર્ભય સિપાહીઓ દરેક શૂન્યને તુકારે જ બોલવાતા. કોઈ એના પિતાને એમ તુકારે બોલાવે એ વિરાટને ન ગમતું પણ એ ચૂપ રહ્યો.

          “હા, મને ખબર છે.” નીરદે કહ્યું.

          “પાંચ મિનિટમાં તૈયાર થઈ જાઓ આપણે ભૂગર્ભમાં ઉતરવાના છીએ.” સિપાહીએ બીજો આદેશ આપ્યો અને બહાર નીકળી ગયો.

          “કેમ ભૂગર્ભ રસ્તાઓ અને ભોયારાઓ પહેલા?” નિર્ભય સિપાહી ગયો એટલે વિરાટે પુછ્યું.

          “આપણે બહાર જવું પડશે.” એના પિતાએ એનો હાથ પકડ્યો, “હું રસ્તામાં સમજાવું.”

          બંને બહાર નીકળ્યા અને ગૃહમાંથી પસાર થઈ બહાર જવા લાગ્યા. મોટાભાગના શૂન્યો એમની જેમ જ ઇમારત બહાર જતાં હતા.

          “પહેલા આપણે ભૂગર્ભ તપાસીશું. પ્રલય પહેલા બધા શહેરોમાં ભોયરા અને જમીન માર્ગો નહોતા. જે શહેરોમાં એ સુરંગ રસ્તાઓ અને ભોયરાઓ હોય એ શહેર જ હવે રહેવા માટે કામ આવી શકે એમ છે એટલે જો શહેરમાં સુરંગો હોય તો જ એ શહેરનું સમારકામ કરવામાં આવે છે બાકીના શહેરો પર સમય અને સંસાધનોનો બગાડ કરવો સમજદારી ભર્યું નથી.”

          એ ઇમારત બહાર આવ્યા ત્યારે હવા તેજ હતી અને એમાં રેતનુ એટલુ પ્રમાણ હતું કે બધુ ધૂંધળું દેખાતું હતું. એકબીજાને જોવા પણ મુશ્કેલ હતું. ધૂળના વધારે પડતાં પ્રમાણને લીધે હવા રાતા ધુમાડા જેવી લાગતી હતી.

          પ્રાંગણ બહાર આવીને વિરાટે એ જે ઇમારતમાં રાત રોકાયા હતા એ બહુમાળી ઇમારત તરફ પાછળ જોયું. એ આકાશને આંબવા મથતી ઇમારત રાતા ધુળીયા વાદળોમાં ગરકાવ થઈ જતી હતી અને જાણે કોઈ ઘવાયેલો રાક્ષસ ઊભો હોય એવી લાગતી હતી.

          એ એના પિતાને કંઈક પૂછવા માંગતો હતો પણ જેવુ મોં ખોલ્યું હવામાં વહેતી ધૂળ મોંમાં જવા લાગી. આંખમાં ધૂળ ન પડે એ માટે પણ હથેળીનું નેજવુ કરી રાખવું પડતું હતું. એણે બોલવાનું ટાળ્યું.

          એ આંખ આડે એક હાથનું નેજવું અને બીજા હાથની હથેળીથી મોં અને નાકને ઢાંકી રાખતો એના લોકો સાથે શહેર તરફ ચાલવા લાગ્યો. દિવસના અજવાળામાં એ લોકો શહેરને પહેલીવાર જોઈ રહ્યા હતા. આખું શહેર ઇમારતોનો માળો હતો. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી રાતી હવામાં ઇમારતો દેખાતી હતી. અહીંની રેત કોઈ કારણસર વિચિત્ર લાલ રંગની હતી એટલે હવામાં ઊડતી એ લાલ રેતના લીધે આખું શહેર લાલ રંગના કેનવાસ પર દોરેલું ચિત્ર હોય એવું લાગતું હતું. કોઈ ચિત્રકારે લાલ પૃષ્ઠભુમીમાં આખું શહેર ચિતરીને ઊભું કર્યું હોય એમ મોટાભાગની ઈમારતો સમાન કદની અને સમાન બાંધકામવાળી હતી. એ શહેર પ્રલય પહેલા આયોજનપૂર્વક બનાવેલું શહેર હતું.

          એ સમાન ઇમારતોમાં વળી એક સમાનતા હતી. કોઈ ઇમારતના બારી, બારણાં કે બારીઓના કાચ સાજા નહોતા. દરેક ઇમારતમાં ગાબડાં પડેલા હતા અને મોટાભાગની ઇમારતો આખી નહોતી. કોઈનો ઉપરનો ભાગ તૂટેલો હતો અને લોખંડના જાડા સળિયા સિમેન્ટ બહાર વળીને લબડતા હતા તો કોઇ કોઈ ઇમારતો અડખે પડખેથી તૂટી ગઈ હતી અને બાજુમાં લોખંડના સળિયાની ભાત લટકતી હતી. અમુક અમુક ઇમારતોના તૂટેલા ભાગ તો હજુ લોખંડના જાડા સળિયાઓને લીધે લટકી રહ્યા હતા. એ ક્યારે તૂટીને અલગ થઈ જશે એ કહેવું મુશ્કેલ હતું. દીવાલ આ તરફની દુનિયા વિનાશની દુનિયા હતી. 

ક્રમશ: