Dayri - 2 in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - કિટ્ટા તો કિટ્ટા

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

ડાયરી - સીઝન ૨ - કિટ્ટા તો કિટ્ટા


શીર્ષક : કિટ્ટા તો કિટ્ટા
©લેખક : કમલેશ જોષી

દોસ્તારો બાબતે એક મિત્રે કડવી વાત કરી: મિત્રોના ચાર પ્રકાર હોય છે. એક રોંગ સાઇડ ચીંધનારા, બીજા યુઝ અને થ્રોમાં માનનારા, ત્રીજા એ.ટી.એમ. સમજનારા અને ચોથા ટાણે જ કામ ન આવનારા. એ દોસ્તારોથી દાઝેલો હતો. યુવાનીમાં આડી લાઈને ચઢીને જિંદગીના કીંમતી વર્ષો બરબાદ કરનાર એક મિત્રના માતા-પિતા એની જિંદગી બરબાદ કરવા બદલ એના મિત્રો પર દોષનો ટોપલો ઢોળતા. તેઓએ ‘સંગ તેવો રંગ’ કહેવત સંભળાવતા વર્ષો સુધી અફસોસ વ્યક્ત કરેલો. એક મિત્ર સાથે એના મિત્રોએ સંબંધ એટલે પૂરા કરી દીધા કે એના સારા નરસા પ્રસંગોમાં સૌ હાજર રહી ખૂબ હેલ્પ કરતા પણ સૌના સારા નરસા પ્રસંગોમાં એ મોટે ભાગે ખાવા-પીવાના ટાઈમે જ પહોંચતો અથવા ગેરહાજર જોવા મળતો. એક મિત્રને એટલે છોડી દેવામાં આવ્યો કે એ દરેક પાસે વાર-તહેવારે પાર્ટી માંગતો અને માણતો પણ જયારે એનો સમય આવે ત્યારે ‘ગલ્લા તલ્લા’ કરવા માંડી જતો. એક મિત્રને જયારે ‘અરજન્ટ’ કામ સોંપો ત્યારે એ લાંબી પ્રશ્નોતરી કરવા લાગી જતો: ‘બીજું કોઈ કરે એમ નથી?, તારાથી થાય એમ નથી? હું બે-પાંચ દિવસ પછી કરું તો ચાલશે? તારે મને અઠવાડિયા પહેલા વાત કરવી જોઈએ ને?’ એની આવી મગજમારીને લીધે એના મિત્રો ઘટતા ગયા. બહુ સિરીયસલી, ઈમાનદારીથી, દિલ પર હાથ રાખીને કહેજો, તમે શું માનો છો?

એક મિત્રને ‘દોસ્તો’ બહુ ‘ફળ્યા’ હતા. એણે મિત્રોના પોઝીટીવ પ્રકારો કહ્યા: રમાડનાર, શીખવનાર, સુધારનાર, સમજનાર, સમજાવનાર, હસાવનાર, રડાવનાર અને જીવાડનાર. નાનપણમાં શેરીમાં જેની સાથે મન ભરીને રમ્યા એ, અડોશ-પાડોશમાં રહેતા પાંચ-પંદર મિત્રોને લીધે તો આજેય ‘બચપન કે વો દિન’ આપણા જીવનનો સુવર્ણકાળ લાગે છે.

બાળપણ અને કિશોરાવસ્થામાં મમ્મી, પપ્પા અને શિક્ષકો કરતાં પણ વધુ જો કોઈ આપણને સમજતું હોય તો એ આપણા પરમ મિત્રો. એ નિશાળનું ગણિતેય શીખવે અને ગંદી ગાળો પણ શીખવે, સાયકલ પણ શીખવે અને ડિસ્કો દાંડિયા પણ શીખવે. ગ્રુપમાં એકાદ-બે તો હાસ્ય કલાકાર એવા હોય કે એની વાતો અને વર્ણનો સાંભળી આંખમાં આંસુ અને પેટમાં દુઃખાવો ચાલુ થઈ જાય. એ દિવસોમાં મિત્ર સાથેના અબોલા બે દિવસ ચાલતા તોયે ભીતરે અપરાધભાવ અને એકલતા કોરી ખાતા.

તમને યાદ છે, મિત્ર કિટ્ટા પડ્યા હોય પછી બિચ્ચા કેવી રીતે થતી? એક બીજા સામે ટચલી આંગળી ઉંચી કરી કિટ્ટા પડ્યાનો પછીનો પહેલો બીજો દિવસ હોય ત્યારે તો એકબીજા સામે મોં મચકોડીને કે ખીજભરી નજરે કતરાઈને જોવામાં નીકળી જતા. શેરી કે સ્કૂલમાં એકબીજાથી દૂર હોવા છતાં નજર તો એકબીજા પર જ રાખતા. ત્રીજા દિવસે તો હદ થઈ જતી. ભીતરે ‘યાદો કી બારાત’ નીકળી પડતી. કેમ કરી અબોલા તોડવા એના આઈડિયાઝ વિચારવાના શરુ થઈ જતા. શેરી કે સ્કૂલમાં સામસામે મળીએ તો પહેલાની જેમ ભેટી પડવાની કે હાથ દાબીને મિલાવવાની કે એકબીજાને તેડી લેવાની ઘેલછાઓ જાગી જતી. પણ બિચ્ચા પડ્યા વિના આ બધું કરવું કેમ? અને બિચ્ચા પડવાની પહેલ કરે કોણ? કેમ ઝઘડ્યા હતા, કેમ કિટ્ટા પડ્યા હતા કે વાંક કોનો હતો એ બધું તો ભૂલાઈ જ ગયું હોય, હવે ફરી બિચ્ચા કેમ પડવી એજ પ્રાણપ્રશ્ન બની જતો. એવામાં કોઈ કૉમન મિત્ર કે શિક્ષક કે મમ્મી, મોટોભાઈ કે મોટીબેન જયારે સમાધાન કરવા બંનેને ભેગા ઉભા રાખતા ત્યારે ભીતરે થોડી લજ્જા, ડર, આનંદ અને ઈગો એક સાથે રાસડા લેવા માંડતા. સમાધાનની ફોર્મ્યુલાઓ પણ અજબ ગજબની જોવા મળતી. વડીલો જો વચ્ચે પડ્યા હોય તો મિત્રતાનું મહત્વ સમજાવતું મોટું લેક્ચર આપી એકબીજાને બોલતા કરે. અમારા એક શિક્ષક તો કિટ્ટા પડેલી જોડીને એકબીજા સામે ઉભા રાખી એકબીજા સામે એક મિનિટ આંખનું મટકું માર્યા વિના જોવાનો હુકમ છોડતા. એ ત્રાટકમાં બધું જ પીગળી જતું. સમાધાનની ત્રીજી ફોર્મ્યુલા તો ભારે વિચિત્ર હતી. એમાં બંનેમાંથી જે મિત્રે ભૂલ કરી હોય એણે નિર્દોષ મિત્રનું નામ એકસો વખત લેવાનું, તો જ કિટ્ટામાંથી બિચ્ચા થાય એવી શરત મૂકવામાં આવતી. રીત કોઈ પણ હોય અડતાલીસ કે બોંતેર કલાકમાં કિટ્ટા પડેલા બંને મિત્રો ફરી બિચ્ચા પડવાની વિધિ એટલે કે જમણા હાથની પહેલી બે આંગળીઓ ભેગી રાખી એકબીજા સાથે મિલાવવાની વિધિ કરતા ત્યારે બંનેના હૃદય ઉપરથી હિમાલય જેવડો બોજ ઉતરી જતો અને ચહેરા પર જિંદગીનો જંગ જીતી ગયાની ખુશી અને સંતોષ દેખાતો. દસ મિનિટ પછી એ બંને એકબીજા સાથે રમવામાં એવા તો ખોવાઈ જતા કે એમની વચ્ચે ‘અબોલા’ થયા હતા એ કલ્પવું પણ મુશ્કેલ થઈ જાય.

બાળક બુદ્ધિ કે ગધાપચ્ચીસી તરીકે વગોવાતી એ શરૂઆતની ઉંમરના રીત-રિવાજો મોટી ઉંમરે કોણ જાણે કેમ વર્ક કરતા અટકી જાય છે! આજે તમારી આસપાસ નજર ફેરવશો તો કેટલાય લોકો ‘અબોલા’ના રોગથી પીડાઈ રહ્યા છે, કણસી રહ્યા છે. ક્યાંક બે પાડોશી તો ક્યાંક બે સગ્ગા ભાઈઓ, ક્યાંક બાપ-દીકરો તો ક્યાંક હસબંડ વાઇફ અઠવાડિયાઓથી, મહિનાઓથી, અરે અમુક તો વર્ષોથી એકબીજા સાથે કિટ્ટા પડીને, રિસાઈને, અબોલા લઈને બેઠા છે. દૂર બેઠે-બેઠે કોઈને ખબર ન પડે એમ સાવ ત્રાંસી નજરે એકબીજા પર ‘નજર’ રાખી રહ્યા છે, ખબર મેળવી રહ્યા છે, વધુ સ્પષ્ટ કહું તો ‘સામે વાળો મને મિસ કરે છે કે નહિ?’ એ જાણવા મથી રહ્યા છે. ક્યારેક કોઈ કાબૂ બહારની ક્ષણે, કોઈ પરાણે ધસી આવતી ઘડીએ ભીતરે ‘બિચ્ચા’ હતા ત્યારની ‘યાદો કી બારાત’ મન-હૃદયને હચમચાતી આંખોના સરોવરને છલકાવી પણ મૂકે છે. ઉંડે ઉંડેથી પોકાર ઉઠે છે કે કોઈ મોટું, કોઈ કહી શકે એવું આવે અને જો બંનેને એક-બીજા સામે ખડા કરી, ગમે તેમ કરી, બિચ્ચા પડાવી દે તો કેવું સારું? અને પાછી બીક પણ લાગે છે કે જયારે બંને આમને સામને ઊભા હોઈશું ત્યારે ક્યાંક ‘પરિપક્વતા’, ‘ઇન્ટેલિજન્સી’, ‘સમજદારી’, 'હોંશિયારી' અને ‘મોટપ’ નડશે તો? શું પેલી બાળક બુદ્ધિ કે ગધાપચ્ચીસી મોટી ઉંમરે જાળવી શકાય ખરી?

મિત્રો, આપણી ‘મોટપ’ અને ‘સમજદારી’ કરતા નાનપણની ‘બાળક બુદ્ધિ’ વધુ મોટી અને સારી હોય એવું નથી લાગતું? લાભ મેળવવાના લોભમાં ગમે એવડા મોટા ‘કુંડાળા’ કરી બેસતી આપણી 'હોંશિયારી' કરતા બાળપણમાં ભૂલ બદલ કાન પકડી માફી માંગી લેતી આપણી ‘સહજતા’ વધુ કીંમતી નથી લાગતી? કાળાધોળા, સાચાખોટા કરી ભલભલાને ‘ભૂ’ પાઈ દેવાની આપણી ‘ચાલાકી અને ચતુરાઈ’ કરતા, ભૂ-ભૂ કરી માની પાછળ દોડતા, માની મમતાનો પવિત્ર સ્વાદ માણતા બાળકની ‘નિર્દોષતા’ વધુ મહાન નથી લાગતી? આપણો જન્મ જ્ન્માંતરનો સખા કાનુડો કેમ આ જન્મે આપણી નજીક પણ નથી ફરકતો? શું એને આપણા બહુ કડવા અનુભવ થયા હશે? શું એ આપણી સાથે કિટ્ટા છે? કેમ આવડી ઉંમરે પહોંચ્યા છતાં હજુ એકેય વાર આપણને ભીતરે બેઠેલા કાનુડાનો સહેજ અમથોયે અણસાર નથી આવતો? શું આપણો ઈગો કાનુડા કરતાયે મોટો થઈ ગયો છે? કાનુડા સાથે બિચ્ચા પાડવા બાળપણની પેલી સો કે એકસો આઠ વાર એનું નામ લેવાની ફોર્મ્યુલા આજના રવિવારે ટ્રાય કરીએ તો કેવું?

- kamlesh _joshi_sir@yahoo.co.in