Dayri - 2 in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - જિંદગીની ચૂંટણી

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

ડાયરી - સીઝન ૨ - જિંદગીની ચૂંટણી


શીર્ષક : જિંદગીની ચૂંટણી
©લેખક : કમલેશ જોષી

પ્રાથમિકમાં ભણતાં ત્યારે પર્યાવરણના શિક્ષક અમને શીખવતા કે મુખ્ય ત્રણ ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસુ. એ માંડ યાદ રહેતી ત્યાં ગુજરાતીના શિક્ષક અમને છ ઋતુઓ (પેટા ઋતુઓ) ગણાવતા. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. પણ તમને ખબર છે ગુજરાતમાં અત્યારે કઈ ઋતુ ચાલે છે? શેરીઓમાં અને ઓફિસોમાં પૂછો તો તમને ઉપરની કાયદેસરની ત્રણ વત્તા છ એમ કુલ નવમાંથી એકેય જવાબ ન મળે. જવાબ મળે. અત્યારે ચૂંટણીની મોસમ ચાલુ છે. ભલભલા પર્યાવરણવિદો ગોથું ખાઈ જાય એટલી બધી સિલેબસ બહારની ઋતુઓ બજારમાં ચાલતી હોય છે: લગ્નની મોસમ, એડમિશનની મોસમ, માર્ચ એન્ડીંગની મોસમ..

જેમ શિયાળામાં ઊંધિયું, અડદિયા, શેરડી, જીંજરા, સ્વેટર, તાપણા અને ઘુટ્ટો દેખાવા લાગે એમ ચૂંટણીની મોસમમાં બેનર, સભાઓ, ‘જીતેગા ભાઈ જીતેગા’, ‘વોટ ફોર’, ‘આપનો કીંમતી અને પવિત્ર મત’, ભજીયા પાર્ટી, પોલીસ ફોર્સ, આચાર સંહિતા, કાપલીઓ, મેનિફેસ્ટો વગેરે શેરી-ગલીઓમાં જોવા મળે. લગ્નની મોસમનું મેઇન પાત્ર જેમ ‘મુરતિયો’ હોય એમ ચૂંટણીની મોસમનું મેઇન પાત્ર ‘ચૂંટણી લડતો ઉમેદવાર’ હોય છે. આપણે ત્યાં ચૂંટણી લડતા ઉમેદવારો માટે ક્યારેક ‘મુરતિયા’ શબ્દ એટલે જ તો નહિ વપરાતો હોય ને? લગ્નમાં મુરતિયો જેમ ‘કન્યા’નું દિલ જીતવા નીકળે છે એમ જ ચૂંટણીમાં ઉમેદવાર જનતાનો ‘મત’ જીતવા નીકળે છે. બંનેને ‘ચૂંટાઈ’ જવાની ‘ઉમ્મીદ’ હોય છે.

તમને ખબર છે? માત્ર રાજકીય ઉમેદવાર જ નહિ, પણ પૃથ્વી પરનો દરેક મનુષ્ય ચૂંટણી લડતો હોય છે, અને એ છે જિંદગીની ચૂંટણી! કેવી રીતે? તો સાંભળો જિંદગીની ચૂંટણીમાં મતદાનની પદ્ધતિ.. આપણી આસપાસના દરેક વ્યક્તિ વિશે આપણે કોઈ ચોક્કસ ‘મત’ ધરાવતા હોઈએ છીએ. કોઈ માટે ‘લોભીયા’ હોવાનો તો કોઈ માટે ‘ઉદાર’ હોવાનો, કોઈ માટે ‘ઈગોઈસ્ટીક’ હોવાનો તો કોઈ માટે ‘હેલ્પફુલ’ હોવાના ‘મત’નું આપણે મનના ઈવીએમમાં ‘દાન’ કરી રાખ્યું હોય છે. એવી જ રીતે આપણા વિશે પણ આપણી આસપાસના, આપણા કર્મક્ષેત્ર-કુરુક્ષેત્રમાં આવતા લોકોએ ‘મતદાન’ ચોક્કસ કરી રાખ્યું હોય છે. આપણી સેવાથી ખુશ થઈ કોઈ વડીલે આપણા માટે ‘આશીર્વાદ’નું ‘મતદાન’ કર્યું હોય છે તો આપણા ઈગોથી ઘાયલ થયેલા કોઈએ આપણા માટે ‘બદદુઆ’નું મતદાન કર્યું હોય છે. જિંદગીની ચૂંટણીમાં મતદાન સોએ સો ટકા થાય છે હોં!

તમને શું લાગે છે? તમે જીવનની ચૂંટણી જીતી જશો? એક મિત્રે નવો તર્ક આપ્યો. જો આપણે એમ માનતા હોઈએ કે આપણે કોઈને ‘દુ:ખ’ નથી આપ્યું એટલે આપણે જિંદગીની ચૂંટણી જીતી જઈશું, તો એ આપણી ભૂલ છે. મતદાન તમે શું આપ્યું એના પરથી થાય છે શું નથી આપ્યું એના પરથી નહીં. તમે દુઃખ પણ ન આપો અને સુખ પણ ન આપો તો જે-તે વ્યક્તિનો મત તમારા માટે ઝીરો સાબિત થાય, જયારે જિંદગીની ચૂંટણી જીતવા તો તમારા પક્ષે વોટીંગ થવું જરૂરી છે. તમે કોઈને ખુશ કરો, આનંદ આપો તો જ એ તમારા માટે ‘આશીર્વાદ’નું મતદાન કરે.

દરેક ચૂંટણીમાં મતદાન પછી મતગણતરીનો દિવસ આવે છે એમ આપણા જીવનમાં (રામ જાણે ક્યારે?) પણ એક દિવસ ‘મતગણતરી’ ચોક્કસ થાય છે. કોઈ એને ‘કયામત’ નો દિવસ કહે છે તો કોઈ એને ‘લેખાજોખા’નો દિવસ, કોઈ એને ‘છેલ્લો’ દિવસ કહે છે તો કોઈ ‘પુણ્ય’ તિથી. એ દિવસે આપણને મળેલા ‘મત’ની ગણતરી થાય છે. મત ગણતરીના દિવસે જો પુણ્ય વધુ કમાયા હોઈશું તો ‘સ્વર્ગ’ના સિંહાસન પર આપણને બેસાડવામાં આવશે અને જો પાપીયા હોઈશું તો ‘નરક’ની યાતનાઓ ફિક્સ જ છે. એક મિત્રે સ્વર્ગ અને નરકની બહુ સિમ્પલ વ્યાખ્યા આપી: જીવનમાં અત્યાર સુધીમાં તમે જેટલી ખુશીઓ, સફળતાઓ મેળવી એટલા દિવસો એટલે સ્વર્ગ અને જેટલા દિવસો દુઃખી થયા અને રડ્યા એ દિવસો એટલે નરક.

મારી તો વિશ છે કે તમને ઢગલાબંધ ‘આશીર્વાદ’ના મત મળે. તમે બમ્પર ‘જીત’ મેળવો. પણ તમને જો તમારું અંતર (ઇન્ટરનલ સર્વે) લાલ બત્તી ધરતું હોય કે ડંખ મારતું હોય તો તાત્કાલિક સતર્ક અને એક્ટિવ થઈ જજો. જિંદગીની બાજી હજુ હાથમાં છે. સત્સંગમાંથી હજુ રજા નથી લીધી, શ્વાસ છે ત્યાં સુધી સત્તા હજુ આપણા હાથમાં જ છે. આપણને કોણે રડાવ્યા એ હિસાબ તડકે મૂકી, આપણે જેને રડાવ્યા એના આંસુ લૂછવા અને એમને હસતા કરવા આજની ઘડી બહુ રળિયામણી છે. તમારા ગાંડીવનો પોઝીટીવ ટંકાર સાંભળવા કૃષ્ણ કાનુડો કાન સરવા કરી બેઠો છે હોં.

- kamlesh_joshi_sir@yahoo.co.in