Varasdaar - 73 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 73

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

વારસદાર - 73

વારસદાર પ્રકરણ 73

મર્સિડીઝ ગાડી એક્સપ્રેસ હાઈવે ઉપર બોરીવલી તરફ સડસડાટ ભાગી રહી હતી. આજે કોણ જાણે કેમ ટ્રાફિક ઓછો હતો. બોરીવલીથી ઘોડબંદર રોડ થઈને ગાડીને થાણા મુલુંડ તરફ ભગાવી.

તર્જની એક નાના બાળકની જેમ ભાઈની બાજુની સીટમાં બેસીને આ લક્ઝરીયસ ગાડીનો આનંદ માણી રહી હતી. મમા હતી ત્યારે એક બે વખત ટેક્સીનો અનુભવ કર્યો હતો બાકી તો બધે રિક્ષામાં જ આવવા જવાનું થતું. આવી મોંઘીદાટ ગાડીમાં એ પહેલીવાર બેઠી હતી.

" ભાઈ આપણે ક્યાં જઈ રહ્યા છીએ અત્યારે ? " તર્જની બોલી.

"તારા સ્વર્ગસ્થ પિતાના ઘરે. ભલે તેં તારા પિતાને ના જોયા હોય પણ તને જોઈને તારા પિતાએ સંતોષ વ્યક્ત કર્યો છે અને આપણે તારી સ્ટેપ મધર સુશીલામાસીને મળવા માટે જઈ રહ્યાં છીએ. એકદમ ધાર્મિક વ્યક્તિત્વ છે. કરોડો રૂપિયાનું કોઈ જ અભિમાન નથી. " મંથન બોલતો હતો.

"તારી જિંદગીનું હવે પછીનું ડેસ્ટિનેશન આ મુલુંડ હશે તર્જની ! એ તારું પોતાનું ઘર છે અને તું અબજોપતિ બાપની દીકરી છે. હું તારો હક તને અપાવી રહ્યો છું અને એ જ તારા પિતાની ઈચ્છા છે. " મંથને કહ્યું.

" ભાઈ મને તમારી વાત સમજાતી નથી. મારા પિતા સ્વર્ગસ્થ છે તો પછી એમને સંતોષ થયો એવું બધું તમે કેવી રીતે કહી શકો છો ? " તર્જની બોલી.

" આ બધું સમજવા માટે હજુ તારી ઉંમર થઈ નથી. છતાં હું તને એટલું કહીશ કે ધ્યાનમાં મેં ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. મારા ગુરુજીની પણ મારા ઉપર અસીમ કૃપા છે. ઘણી વાર સૂક્ષ્મ આત્માઓ સાથે પણ હું વાતચીત કરી શકું છું. ગયા વખતે પહેલી વાર તારા ઘરે આવ્યો ત્યારે તારા પપ્પાની હાજરી પણ મેં જોઈ હતી. " મંથન બોલતો હતો. તર્જની માટે આ બધી વાતો નવાઈ ભરેલી હતી.

" અને આ શશીકાંતભાઈ કોણ છે જેના વિચારો તું અત્યારે કરી રહી છે ? " અચાનક જ મંથનથી બોલી જવાયું.

મંથનનો સવાલ સાંભળીને તર્જની તો સડક થઈ ગઈ. મંથનભાઈ શશીમામાને કેવી રીતે ઓળખે ? શું ભાઈને આ બધી વાતોની ખબર હશે ?

" ના મને તારા શશીમામાની કોઈ જ ખબર નથી. હું તો એમને ઓળખતો પણ નથી. બસ તારા મનના વિચારો જાણી લીધા. ક્યારેક ક્યારેક આ રીતે બીજાની વેવલેન્થ પકડી લઉં છું. " મંથન હસીને બોલ્યો.

"ભાઈ તમે તો ગજબ છો હોં !! માની ગઈ તમને. શશીમામા અમારી સંભાળ રાખતા હતા. મને મમાના ભૂતકાળની તો બહુ ખબર નથી પરંતુ મારા પિતા સાથે એમના ડિવોર્સ થઈ ગયા એ પછી શશીકાંત મામાએ જ મમાને સહારો આપ્યો હતો. અમે જે ઘરમાં રહીએ છીએ એ પણ શશીકાંત મામાનું જ છે. એ પોતે પારલામાં જ નહેરુ રોડ ઉપર રહે છે. શશીમામા મારા સગા મામા નથી પરંતુ એ મારી મમાને બહેન માનતા હતા. " તર્જની બોલી.

"હમ્..." મંથને હોંકારો ભણ્યો.

"મેં હજુ શશીમામાને તમારી વાત કરી નથી એટલે અત્યારે હું એમના જ વિચારોમાં હતી કે મારા જીવનમાં આટલી મોટી સુખદ ઘટના બની રહી છે ત્યારે મારે હવે મામાને વાત કરવી જોઈએ." તર્જની બોલી.

મંથને તર્જનીની બધી વાત સાંભળી. એનો મતલબ એ થયો કે તર્જની હજુ એમ જ માને છે કે દલીચંદ ગડા સાથે એની મમ્મી સુજાતા દેસાઈનાં લગ્ન થયેલાં અને પછી છૂટાછેડા થઈ ગયેલા !!

જ્યારે વાસ્તવિકતા જુદી હતી. તર્જની ખરેખર તો દલીચંદની નાજાયજ પુત્રી હતી. આજની પહેલી મુલાકાત તો ઠીક છે પરંતુ તર્જનીને કાયમ માટે સુશીલા માસીના ઘરે મૂકવા જાઉં તે પહેલાં આ વાતનો ઘટસ્ફોટ મારે તર્જનીને કરવો જ પડશે. જેથી ભવિષ્યમાં એને કોઈ આઘાત ના લાગે !

થાણા ટોલનાકા ક્રોસ કરી મંથનની ગાડી મુલુંડમાં પ્રવેશી ગઈ. આગળથી લેફ્ટ ટર્ન લઈને મંથન ગડાશેઠના બંગલે પહોંચી ગયો. મંથને આજે સવારે જ સુશીલામાસીને ફોન ઉપર કહી દીધું હતું એટલે સુશીલા શેઠાણી પણ મંથનની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં.

ગાર્ડન સાથેનો વિશાળ બંગલો જોઈને તર્જની મુગ્ધ થઈ ગઈ. મંથને ડોરબેલ વગાડ્યો. આજે શેઠાણીએ જાતે જ દરવાજો ખોલ્યો. શેઠાણી તો તર્જનીને બસ જોઈ જ રહ્યાં. રૂપ રૂપના અંબાર જેવી આ સુંદર કન્યા હતી !

તર્જની નીચે નમીને સુશીલા માસીને પગે લાગી એટલું જ નહીં એમની ચરણરજ માથે ચડાવી. પહેલી જ મુલાકાતમાં સુશીલામાસી પ્રસન્ન થઈ ગયાં !

"માસી હું તર્જની. આજ સુધી તમને હું ઓળખતી જ ન હતી. ભાઈએ જ મને બે દિવસ પહેલાં તમારો પરિચય આપ્યો. મમા બે વર્ષ પહેલાં ગુજરી ગયાં પછી હું એકલી પડી ગઈ હતી. હું પણ તમારી દીકરી જેવી જ છું. " તર્જની બોલી.

કેવી મીઠડી છે આ છોકરી. એની વાતો સાંભળવી ગમે છે. સંસ્કાર તો એની માએ સારા જ આપ્યા છે. - શેઠાણી વિચારી રહ્યાં.

મંથન અને તર્જની સોફા ઉપર બેઠાં અને એની સામે શેઠાણી બેઠાં.

"દીકરી જેવી જ નહીં દીકરી જ ગણાય. મારી સગી દીકરીના અને તારા પિતા તો એક જ છે ને ? એ કાયમ માટે અમેરિકા સેટ થઈ ગઈ છે એટલે તારી જેમ હું પણ એકલી પડી ગઈ છું બેટા" શેઠાણી લાગણીથી બોલ્યાં.

" એટલા માટે તો હું એને તમારા ખોળામાં લઈ આવ્યો છું માસી. લોહી તો એક જ છે ને ? અને ગડાશેઠે જ મને સપનામાં આવીને કહ્યું છે કે તર્જનીને મારા ઘરે લઈ જા. " હવે મંથન વચ્ચે બોલ્યો.

" હા તો ભલેને લઈ આવ્યા. હવે આ પણ એનું જ ઘર છે. હવે એને એકલા રહેવાની જરૂર નથી. આટલા મોટા બંગલામાં નોકર નોકરાણીના ભરોસે જીવું છું. દીકરી એ દીકરી. " શેઠાણી લાગણી પૂર્વક બોલ્યાં.

તર્જનીને પણ સુશીલામાસીનો સ્વભાવ ખૂબ જ ગમી ગયો. ખરેખર એકદમ સરળ હૃદયનાં છે.

" તારે મને માસી નહીં કહેવાનું. મમ્મી જ કહેવાનું. આ બંગલો પણ તારો જ છે. આ બધું હું અહીં જ મૂકીને જવાની છું અને તારે જ ભોગવવાનું છે. " શેઠાણી બોલ્યાં.

" તમે અત્યારથી જવાની વાત નહીં કરો મમ્મી. હું હજુ આજે તો આવી છું. મને તમારી સેવા તો કરવા દો. બે વર્ષથી મમા વગર એકલી પડી ગઈ છું." તર્જની બોલી.

" મને પણ ૬૫ થવા આવ્યાં છે બેટા. જવાની તૈયારી તો મારે પણ કરવી જ પડશે ને ? એટલા માટે જ આખો દિવસ હું ભલી અને મારી માળા ભલી. ચાલ હું તને આપણો બંગલો બતાવી દઉં. " કહીને શેઠાણી ઊભાં થયાં.

"તારા માટે તારો બેડરૂમ પણ મેં તૈયાર કરાવી દીધો છે. તારે જરા પણ મુંઝાવાની જરૂર નથી. જે ખાવાની ઈચ્છા હોય તે કિચનમાં જઈને કહી દેવાનું. ચા પીવાની ઈચ્છા હોય ત્યારે પણ કહી દેવાનું અને જ્યુસ પીવાની ઈચ્છા હોય ત્યારે પણ કહી દેવાનું. " તર્જનીને બંગલો બતાવતાં બતાવતાં એ કહી રહ્યાં હતાં.

વિશાળ ડ્રોઈંગ રૂમ, વિશાળ કિચન, ગડાશેઠનો બેડરૂમ, શેઠાણીનો બેડરૂમ, તર્જની માટે તૈયાર કરેલો બેડરૂમ વગેરે બતાવ્યાં. એક અલગ પૂજા રૂમ પણ હતો જેમાં પાર્શ્વનાથ ભગવાનનો સુંદર ફોટો નાનકડા આરસના પ્લેટફોર્મ ઉપર ગોઠવેલો હતો. અગરબત્તીની સુગંધ હજુ પણ આવતી હતી.

એ પછી શેઠાણી એને ઉપરના માળે લઈ ગયાં. વિશાળ ગેલેરીમાંથી આખો ગાર્ડન દેખાતો હતો. સ્ટડી રૂમ પણ અલગ હતો. કસરત કરવાનાં સાધનો સાથેનો એક્સરસાઇઝ રૂમ પણ હતો. તર્જની તો જાણે કોઈ સપનાની દુનિયામાં જ આવી ગઈ હતી. માની શકતી જ ન હતી કે હવે આ બંગલો એનો પોતાનો છે !!

" તું તારાં કપડાં વગેરે લઈને નથી આવી ? તારે આ ઘરમાં તને ગમે એવા ડ્રેસ પહેરવાની છૂટ છે. નવા જમાનાના વેસ્ટર્ન ડ્રેસ પહેરીશ તો પણ મને કોઈ જ વાંધો નથી. મંથનભાઈ એને શોપિંગ મોલમાં લઈ જઈને એને મનગમતા સારા ડ્રેસીસ અપાવી દો ને !" શેઠાણીએ મંથનને કહ્યું.

"હું એને અપાવી દઈશ માસી. આ ઘરને શોભે એવા ડ્રેસ અપાવીશ. મેં એને મારી સગી બહેન બનાવી છે એટલે મારે પણ એને ડ્રેસ અને જ્વેલરી ગિફ્ટ આપવાનાં છે. આજે તો તમારી સાથે માત્ર મુલાકાત કરાવવા જ લઈ આવ્યો છું. એકાદ અઠવાડિયામાં જ એને તમારા ઘરે કાયમ માટે મૂકી જઈશ. " મંથન હસીને બોલ્યો.

" ઓહ... મને એમ કે દીકરી રહેવા માટે આવી ગઈ. " શેઠાણી બોલ્યાં.

" રહેવા માટે જ આવીશ મમ્મી. બસ એક જ અઠવાડિયામાં આવું છું. " તર્જની બોલી.

" સારું. પહેલીવાર આવી છે. થોડીવાર બેસ. હું જ્યુસ મોકલું છું. " કહીને શેઠાણી અંદર ગયાં. પાંચેક મિનિટ પછી બે ગ્લાસ ઓરેન્જ જ્યુસ આવી ગયો.

પંદરેક મિનિટમાં શેઠાણી એક નાનકડી ડબી લઈને આવ્યાં.

" પહેલીવાર તારાં પગલાં આ ઘરમાં થયાં છે. સાવ ખાલી હાથે ના જવાય બેટા. લે આ નાનકડી ગીફ્ટ. તારે આજથી જ પહેરી લેવાની. " શેઠાણી બોલ્યાં.

તર્જનીએ ડબી હાથમાં લઈને ખોલી તો સોનાની સુંદર મજાની પાતળી ચેઈન હતી અને એમાં અસલી હીરાનું સુંદર નાનકડું પેન્ડલ હતું !

"રાખી મૂકવા માટે નથી. અત્યારે જ પહેરી લે." શેઠાણી બોલ્યાં.

તર્જનીએ મમ્મીની આજ્ઞાને માન આપીને ચેઈન તરત જ પહેરી લીધી. તર્જનીના ગળામાં ચેઈન એટલી બધી સરસ શોભતી હતી કે જાણે બંને એક બીજા માટે જ બન્યાં હોય !!

એ પછી મંથને સુશીલામાસીની રજા લીધી અને ગાડીને થાણા થઈને ફરી ઘોડબંદર રોડ તરફ લીધી.

" તર્જની મારે તને એક વાત કહેવી છે. તેં મને તારો ભાઈ માની લીધો છે એટલે મને વિશ્વાસ છે કે મારી વાત ઉપર તું વિશ્વાસ કરીશ. હું જે પણ કહી રહ્યો છું એ શાંતિથી સાંભળ. હું આજે તને એકદમ સાચી વાત કહેવા જઈ રહ્યો છું. " રસ્તામાં મંથને વાતની શરૂઆત કરી.

"ઘણીવાર માનવીના જીવનમાં એવી કડવી ઘટનાઓ બની હોય છે કે એ ઘટનાઓ જાહેર કરવી ગમતી નથી. ખાસ કરીને સ્ત્રીઓ માટે તો ભૂતકાળને હંમેશ માટે દફનાવી દેવો જ પડે છે. તારી મમ્મીના ભૂતકાળમાં પણ આવો વિશ્વાસઘાત થયેલો છે." મંથન બોલ્યો.

"કેવો વિશ્વાસઘાત ? મમાએ તો ક્યારે પણ મને આવી કોઈ વાત કરી જ નથી. " તર્જની મંથનની સામે જોઈને બોલી.

" કરવા જેવી પણ નથી. અને કોઈપણ મા પોતાના સંતાનને તો કરે જ નહીં. કરવાથી કોઈ ફાયદો પણ નથી હોતો. સુજાતામાસીએ દલીચંદ શેઠ જોડે લગ્ન કર્યાં જ ન હતાં. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો અને શેઠે લગ્નનું વચન પણ આપ્યું હતું પરંતુ છતી પત્નીએ બીજાં લગ્ન કરવાની એમની હિંમત ન હતી." મંથન બોલતો હતો.

" સમય પસાર થતો ગયો. સુજાતા માસી પ્રેગ્નન્ટ થઈ ગયાં. ગર્ભપાત કરાવવા માટે બંને વચ્ચે ઘણો વાદવિવાદ થયો. છેવટે માસી મક્કમ રહ્યાં. એમણે તને જન્મ આપવાનું નક્કી કર્યું અને કાયમ માટે શેઠનો સાથ છોડી દીધો. શેઠે માસીને શોધવા બહુ જ કોશિશ કરી પરંતુ માસી કોઈ અજાણી જગ્યાએ જતાં રહ્યાં હતાં." મંથને પોતાની વાત પૂરી કરી.

મંથને ઘણું વિચારીને આ સ્ટોરી ઊભી કરી હતી. કારણ કે મંથન જો એમ કહે કે દલીચંદ શેઠે પોતાની ઐયાશી માટે સુજાતા દેસાઈનો રખાત તરીકે ઉપયોગ કર્યો હતો તો રખાતની નાજાયજ ઓલાદ તરીકે તર્જનીના મનમાં પોતાની જાત પ્રત્યે નેગેટિવ ફીલિંગ ઊભી થાય અને એ દલીચંદ શેઠને પણ ધિકારવા લાગે. દલીચંદ શેઠને ધિક્કારે તો એમના બંગલે રહેવા જવાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો ના થાય !! એટલે જાણી જોઈને તર્જનીને એના પિતા પ્રત્યે કોઈ કડવાશ પેદા ના થાય એ રીતે એણે આખી વાત રજૂ કરી.

"હમ્... મમાએ આજ સુધી આ વાત મને કરી નથી. એમણે તો મને એમ જ કહેલું કે અમારા ડિવોર્સ થઈ ગયેલા. " તર્જની બોલી.

" એ એમની મજબૂરી હતી તર્જની. પોતાના જ સંતાન આગળ આવી બધી વાત કરવી કોઈપણ સ્ત્રીને યોગ્ય ના લાગે ! આપણે મોટું દિલ રાખીને એમને માફ કરી દેવાનાં ! સુશીલામાસીને પણ મેં આ વાતની જાણ કરી તો એમણે પણ ઉદાર દિલથી બંનેને માફી આપી અને તને અપનાવવા પણ તૈયાર થઈ ગયાં. " મંથન બોલ્યો.

" હા એ તો મેં આજે જોઈ લીધું. મમ્મીનું દિલ ખરેખર બહુ જ ઉદાર છે. મને દીકરી તરીકે દિલથી એમણે અપનાવી લીધી. મારો અલગ બેડરૂમ પણ તૈયાર કરી દીધો. આ બધું તમારા કારણે થયું છે મોટાભાઈ. " તર્જની કૃતજ્ઞતાની લાગણીથી બોલી.

" તારા નસીબમાં જે હતું એ તને મળ્યું. હું માત્ર નિમિત્ત બન્યો છું. આ બધું મારે તને એટલા માટે કહેવું પડ્યું કે કાલ ઊઠીને તને આ વાતની પાછળથી ખબર પડે તો તને મનદુઃખ થાય. " મંથને છેવટે પોતાની વાત પૂરી કરી.

મંથને ગાડીને પછી બોરીવલીથી સીધી મલાડ તરફ લીધી. પહેલાં તો તર્જનીને બોરીવલીમાં ઇન્દ્રપ્રસ્થમાં સારાં કપડાંનું શોપિંગ કરાવવાની એની ઈચ્છા થઈ પરંતુ એક તો અહીં પાર્કિંગના પ્રોબ્લેમ હતા અને એ અદિતિની સાથે જ મલાડના કોઈ શોપિંગ સેન્ટરમાં જાય તો એ વધારે સારું રહેશે એવું એણે વિચારી લીધું.

મંથને અદિતિને ફોન કરી દીધો હતો કે અમે લોકો એકાદ કલાકમાં પહોંચી જઈશું અને તર્જની આપણા ઘરે જ જમશે. અદિતિ પણ નણંદને મળવા માટે ખૂબ જ આતુર બની હતી.

" ભાઈ હું તમારા ઘરે પહેલીવાર આવી રહી છું. અભિષેક બાબા માટે કંઈક ખરીદવાની ઈચ્છા છે. કોઈ ગિફ્ટ સેન્ટર હોય તો જરા ધ્યાનમાં રાખજો ને ! ખાલી હાથે નથી આવવું." તર્જની બોલી.

"ઠીક છે તો પછી હું કાંદીવલી રઘુલીલા મોલ થઈને જ ગાડી લઈ લઉં છું. ત્યાં ગિફ્ટ અને ટોઈઝની એક બે સારી શોપ છે. " મંથન બોલ્યો અને આગળથી એણે ગાડીનો રાઈટ ટર્ન લીધો.

સાવ નાનાં બાળકો માટે ટોય પસંદ કરવામાં ઘણું કન્ફ્યુઝન થતું હોય છે. બે ચાર ટોયઝ જોયાં પરંતુ તર્જની ફાઈનલ કરી શકતી ન હતી.

છેવટે એણે એક સરસ મજાના ટેડીબેર ઉપર પસંદગી ઉતારી. બીજો એક નાનકડો જમ્પિંગ ડૉગી લીધો. બેટરી સંચાલિત આ ડૉગી બટન દબાવવાથી ઘરમાં કૂદાકૂદ કરે અને દરેક જમ્પ વખતે અવાજ પણ કરે. નાનાં બાળકોને આવું બધું બહુ ગમે.

મંથનને પણ તર્જનીની આ પસંદગી ગમી. એ પછી મંથને ગાડી મલાડ તરફ લીધી.

સુંદરનગર આવી ગયું. ગાડી પાર્ક કરીને મંથન પોતાના સી બ્લોકની લિફ્ટ પાસે ગયો.

"હું અહીંયા ૬ નંબરમાં રહું છું. આ પણ હવે તારું જ ઘર છે અને તારે આવતા જતા રહેવાનું છે. " મંથન લિફ્ટમાં બોલ્યો.

"હા ભાઈ હું પણ ભાભીને મળવા ખૂબ જ આતુર છું. " તર્જની બોલી.

"બસ બે જ મિનિટમાં તારી ભાભીને તારી સામે હાજર કરી દઉં છું !" મંથન હસીને બોલ્યો.

મંથને લિફ્ટ દબાવી. અદિતિએ જ દરવાજો ખોલ્યો.

અદિતિ અને તર્જની એકબીજાની સામે આવી ગયાં. બંને એકબીજાની સામે જોઈ રહ્યાં.

" અરે તર્જની તું !!! " અદિતિ બોલી.

"અરે અદિતિ !! ઓ માય ગોડ !! વ્હોટ આ સરપ્રાઈઝ !!! " તર્જની બોલી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)