Dashavtar - 34 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 34

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

દશાવતાર - પ્રકરણ 34

          દેવતા રૂમમાં દાખલ થયો ત્યાં સુધી વિરાટ બેચેન હતો. એ દેવતાની જ રાહ જોતો બેઠો હતો. દેવતાનો દેખાવ એકદમ વિચિત્ર હતો. એ સ્ટેજ પર જે દેવતા વિરાટે જોયો હતો તેના કરતાં ઉમરમાં નાનો હતો. વિરાટના પિતાની ઉમરનો એ દેવતા ભયનાક કદરૂપો હતો. તેનું આંખું શરીર હાડકાંનો કાટમાળ હોય તેવું લાગતું હતું અને ચહેરા પર ચામડીમાં જાણે વેલાઓ ઊગી નીકળ્યા હોય તેવી પાતળી લીલી નસો હતી. તેની આંખોમાં કરિયાળાના જાળાં જેવી માનવ વાળ જેટલી જાડાઈની નસો હતી. તેના આખા શરીર પર ક્યાય વાળ નહોતો, ન દાઢી ન મૂછ, તેની આંખો પર ભ્રમર સુધ્ધાંના વાળ નહોતા. તેની આંખો શિકારી જેવી હતી અને તેમાં હિંસક ચમક હતી.

          એણે દેવતાઓના પરિધાનને બદલે વેપારીઓ જેવો શાહી જેવો ભૂરો કોટ પહેર્યો હતો. તેનું પાટલુન કાળા રંગનું હતું. તેના કપડામાં વેપારીઓ જેવી ચમક નહોતી પણ એ કપડાં વેપારી-રંગોના હતા. જોકે વેપારીના કપડાં જેમ રેશમને બદલે એ સુતરાઉ હતા.

          “આ ખુરશી પર બેસી જા.” રૂમમાં દાખલ થઈ રૂમનો દરવાજો બંધ કરી દેવતાએ કહ્યું. વિરાટને લાગ્યું જાણે એનો અવાજ ભૂખ્યા કાગડાના અવાજ જેવો કર્કશ છે.

          વિરાટે ઊભા થવા પ્રયત્ન કર્યો પણ તેના પગ જાણે નકામા થઈ ગયા. તેણે ઇચ્છયું કે એ પણ નિર્ભય સિપાહીઓ જેટલો બહાદુર હોય અને તેને દેવતાનો ડર ન લાગે. તેણે ઇચ્છયું કે કાશ તેના હ્રદયના ધબકારા પણ નિર્ભય સિપાહીઓ જેમ ગમે તેવી સ્થિતિમાં સામાન્ય રહે પણ બધી ઇચ્છાઓ વ્યર્થ હતી. એ કદરૂપા દેવતાને જોઈ ભલભલા નિર્ભય સિપાહીઓ ફફડી ઉઠતાં એ વાતથી વિરાટ અજાણ હતો. એ દેવતા પાટનગરના સૌથી ધનિક વિસ્તાર સંભલાના મહારથી તરીકે ઓળખાતો અને લગભગના મોટા ભાગના દેવતાઓ તેના સામે પોતાની જાતને મામૂલી સમજતા. એણે એ શક્તિ અને પદ છેલ્લા પંદરેક વર્ષમાં જ મેળવ્યા હતા. તેણે વર્ષો સુધી શક્તિ અને સત્તા પાછળ દોટ મૂકી હતી અને આજે એ જે સ્થાન પર હતો એ સ્થાન તેના માટે અતિ મહત્વનુ હતું.

          કદાચ હું બીજા તબક્કામાં નહીં નીકળી શકું? વિરાટે વિચાર્યું. દેવતા દૈવી પરીક્ષા લેવા આવી ગયો પણ વ્યવસ્થાપકે કહ્યું હતું એ મુજબ કોઈ મદદ માટે તો ન આવ્યું. કેમ?

          “ડરીશ નહીં...” દેવતા વિરાટ નજીક ગયો, “તને પીડા નહીં થાય.”

          વિરાટને ભાન થયું કે તેણે દેવતાની પહેલી આજ્ઞાનું પાલન કર્યું નહોતું. દેવતાની આજ્ઞા અવગણવી એ ભયાનક ગુનો હતો અને જેની સજા આપવા નિર્ભય સિપાહીની તલવાર હંમેશાં તૈયાર રહેતી. ભય સાપની જેમ વિરાટની કરોડરજ્જુના દરેક મણકામાં પ્રસરીને અંતે એ ભય તેના મનમાં જઈને સ્થિર થઈ ગયો હતો. એ ઊભો થયો અને દેવતાએ કહ્યું એ મુજબ ખુરશીમાં ગોઠવાયો.

          ‘કશું નહીં થાય, વિરાટ. હિંમત રાખ.’ તેણે પોતાની જાતને કહ્યું.

          “મારું નામ અધ્યોત છે.” દેવતા ઘડીભર વિરાટને તાકી રહ્યો અને પુછ્યું, “અને તારું નામ?”

          “મારું નામ વિરાટ છે.” વિરાટે ધ્રૂજતા હોઠે જવાબ આપ્યો.

          “તારું માથું ખુરશીના હેડરેસ્ટ પર મૂકી દે અને તારા હાથ હેન્ડરેસ્ટ પર મૂકી એકદમ શાંત થઈ જા.”

          વિરાટને હેંડરેસ્ટ કે હેડરેસ્ટ જેવા શબ્દોમાં સમજ ન પડી પણ સદભાગ્યે દેવતા સમજી ગયો કે વિરાટ માટે એ શબ્દો અજાણ્યા છે. દેવતાએ તેના જમણા હાથથી વિરાટનો ચહેરો હળવેથી પકડ્યો અને તેનું માથું ખુરશીના પાછળ ટેકો લઈ શકે તેમ ગોઠવ્યું. તેના હાથ ખુરશીના બાજુના હાથા પર મુકાવ્યા.

          વિરાટ માટે દેવતાના હાથનો સ્પર્શ વિચિત્ર હતો. તેના હાથ એકદમ ઠંડા હતા. જાણે એ માણસ નહીં પણ કોઈ ઠંડા લોહીવાળો જીવ હોય તેમ તેના હાથ બરફ જેવા હતા.

          દેવતા વિરાટની ડાબી તરફ બીજી ખુરશીમાં બેઠો. વિરાટ આંખને ખૂણેથી તેને જોઈ રહ્યો. એણે કેટલાક વાયર મશીનની ક્લીપોથી છુટ્ટા કર્યા અને હાથમાં લીધા.  દેવતાની ચામડી સફેદ હતી. બલ્બની રોશનીમાં વિરાટના ધ્યાનમાં આવ્યું કે તેની ચામડી પર આછા ગુલાબી અને જાંબુડિયા રંગના ચાઠા છે.

          “તારી આંખો બંધ કર..” દેવતાએ કહ્યું, તેનો અવાજ બે પથ્થર એકબીજા સાથે ધસાતા જે અવાજ થાય તેવો બરછટ હતો.

          વિરાટે આંખો બંધ કરી એટલે દેવતાએ તેના બંને લમણા પર વાયર મુક્યા અને વાયર જાણે કોઈ સજીવ હોય તેમ તેના બંને લમણા સાથે જોડાઈ ગયા. એ તેની ચામડીને ચોટી ગયા જાણે ત્યાં ગુંદર લગાવેલ ન હોય. એ જ રીતે દેવતાએ બે વાયર તેના પોતાના કપાળ અને બે વાયર તેના માથાના પાછળના ભાગે નાના મગજની બરાબર બંને બાજુ ડાબે અને જમણે મુક્યા.

          “હવે આંખો ખોલી દે.”

          વિરાટે આંખો ખોલી અને જોયું કે તેના માથા પર જોડેલા વાયરના બીજા છેડા એક મશીન સાથે જોડાયેલા હતા. એ મશીનમાંથી નીકળતા એવા જ બીજા વાયર દેવતાએ પોતાના માથા ફરતે ગોઠવ્યા હતા. વિરાટને એ સમજતા વાર ન લાગી કે આ જ દેવતાઓનું દૈવીયંત્ર છે.

          દેવતા એને કંઈક કહેવાની તૈયારીમાં હતો પણ એ જ સમયે રૂમનો દરવાજો ખૂલ્યો અને બીજો દેવતા રૂમમાં દાખલ થયો. એ બીજો દેવતા પહેલા દેવતા જેવો નહોતો પણ તેના જેટલો ક્દરૂપો પણ નહોતો. તેની આંખોમાં ખાસ લાલ નસો નહોતી અને એના શરીર પર લીલી નસોની સંખ્યા પણ નહિવત હતી.

          “તું અહીં શું કરે છે?” અધ્યોતે આગંતુકને પુછ્યું, “તને ખબર નથી હું દૈવી પરીક્ષા લઈ રહ્યો છું?” દેવતાએ પોતાના કપાળ, લમણા અને માથાના પાછળના ભાગેથી વાયર ઉતારી દીધા.

          “દૈવી પરીક્ષામાં ગરબડ થઈ છે.” આગંતુકે વિરાટની ખુરશી નજીક જઈ કહ્યું.

          “શું?” અધ્યોતે ખુરશીમાંથી ઊભા થઈ પુછ્યું, “શું ગરબડ?”

          “ખબર નહીં પણ મેં જે છોકરાને છેલ્લે તપસ્યો તેનો રંગ નક્કી કરવો મુશ્કેલ છે.” આગંતુકે કહ્યું, “વ્યવસ્થાપકોના કહેવા મુજબ એ ભાગ્યે જ જોવા મળતા કેસમાં આપની જરૂર છે.”

          “અને અહીં?”

          “અહીં હું સંભાળી લઈશ.” આગંતુકે કહ્યું, “ત્યાં મામલો જરા પેચીદો છે અને તમારા જેવા નિષ્ણાતની જરૂર છે.”

          નવા દેવતાના છેલ્લા શબ્દોની ધારી અસર થઈ. અધ્યોતના ચહેરા પર ગર્વની ઝલક દેખાઈ. એ હસ્યો, “આ છોકરાનો ટેસ્ટ પૂરો કર..” તેણે કહ્યું, “રંગ સમસ્યા ઉકેલવામાં મને સમય લાગશે.”

          “જી...” નવા આવેલ દેવતાએ નમ્રતાથી જવાબ આપ્યો.

          જેવો અધ્યોત રૂમ છોડી ગયો કે તરત નવા આવેલા દેવતાએ રૂમ અંદરથી લોક કર્યો અને વિરાટની બરાબર સામે મશીનના બાજુમાં ગોઠવેલી ખુરશીમાં જઈને બેઠો. વિરાટ તેને ઉત્સુકતાથી જોઈ રહ્યો હતો. શું થયું હશે?

          દેવતાએ પોતાના કોટના ખિસ્સામાંથી એક નાનકડી પારદર્શક બોટલ કાઢી. એમાં લોહી હતું.

          “નમસ્કાર વિરાટ...” દેવતા એકાએક વિરાટ તરફ કર્યો, “નિરીક્ષકનો પહેલો તબક્કો કેવો રહ્યો?”

          વિરાટે પોતાના મનમાં ઉઠેલા અનેક સવાલોને દબાવી રાખી જવાબ આપ્યો, “મને લાગે ત્યાં સુધી બધુ ઠીક રહ્યું.”

          “વેલ..” દેવતાએ કહ્યું અને તેણે ખુરશી બેડ સાઈડ ટેબલ તરફ ખસાવી. એ ટેબલ પર ઝૂક્યો. ટેબલ પર સિરિંજ, નીડલ, કાગળ, ઈંજેકશન અને એવી કેટલીય વસ્તુ ગોઠવેલી હતો. એમાંની એક પણ વસ્તુને સ્પર્શ્યા વગર દેવતાએ ટેબલનું ત્રીજું ખાનું ખોલ્યું અને એમાંથી એના હાથમાં હતી એવી જ એક બોટલ લીધી. વિરાટ તરત જ ઓળખી ગયો કે એ બોટલમાં હમણાં જ નિરીક્ષકે તેનું લોહી લીધું હતું. દેવતાએ હળવેથી એ બોટલ પરથી સ્ટિકર ઉખાડી તેણે લાવેલી બોટલ પર એ સ્ટીકર લગાવ્યું અને વિરાટના લોહીના નમૂનાવાળી બોટલ ખિસ્સામા મૂકી દીધી. પોતે લાવેલા લોહીના નમૂનાની બોટલ અંદર મૂકી ખાનું બંધ કર્યું.

          “તમે શું કરી રહ્યા છો?” વિરાટે પુછ્યું, “મારા લોહીનો નમૂનો કેમ બદલ્યો?”

          દેવતાએ ખુરશીને વિરાટ તરફ ફેરવી અને કહ્યું, “કેમકે એ લોકો તારા લોહીના નમૂનાને દેવતાના લોહી સાથે ભેળવી તપાસ કરશે કે દેવતાના લોહીના કણ તારા લોહીના કણ પર કાબૂ મેળવી શકે છે કે કેમ?” તેણે એક નજર દરવાજા તરફ કરી, “અને મને નથી લાગતું કે કોઈ દેવતાના લોહીમાં એટલી શક્તિ હોય જે તારા લોહીના કણને બદલી શકે. પણ ચિંતા જેવુ નથી મેં એક સમાન્ય શૂન્ય યુવકનું લોહી આ બોટલમાં લાવ્યું છે એટલે એમની રક્તપરીક્ષામાં કશું નહીં મળે. દેવતાનું લોહી એ કણને બદલી નાખશે અને એમને સંતોષ થઈ જશે.”

          વિરાટ દેવતાને તાકી રહ્યો. શું આ માણસે જ મને પહેલા તબક્કામાં પાસ થવામાં મદદ માટે વ્યવસ્થાપક મોકલ્યો હશે? કે પછી હજુ તેનાથી પણ કોઈ ઉપર હશે?

          દેવતા બોલતો જ ગયો, “આજ સુધી કોઈ શૂન્યના લોહીના કણ દેવતાના લોહીના કણ સામ લડી શક્યા નથી અને જો તારું લોહી એમના હાથમાં આવે તો અનર્થ થઈ જાય.”

          “બસ આટલું જ?” વિરાટે પુછ્યું, “બસ લોહીની બોટલ બદલી દેવાથી બીજો તબક્કો પાસ થઈ જશે?”

          “ના.” દેવતાએ હસીને કહ્યું, “ખરેખર, આ પહેલા તબક્કા માટે છે જેમાં આપણે થોડાક મોડા પડ્યા છીએ. પણ હવે પહેલો તબક્કો બરાબર પાસ થઈ ગયો છે.”

          “અહીં મારા વિશે કેટલા લોકો જાણે છે?” વિરાટે પુછ્યું, “આ ધર્મસેના શું છે અને ધર્મરક્ષકો કોણ છે? એ મને કેમ બચાવવા માંગે છે અને હું ખરેખર કોણ છું?”

          “દીવાલની પેલી પાર તું શું છે એ મને ખબર નથી પણ દીવાલની આ તરફ તું કારુ માટે ખતરો છે.” દેવતાએ કહ્યું, “તું દીવાલની આ તરફના ભગવાન માટે ખતરો છે એટલે કે દીવાલની આ તરફના મોટા ભાગના માણસો તારા માટે ખતરો છે.”

          વિરાટને લાગ્યું કે એનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું છે. તેની છાતીમાં ગુંગળામણ થઈ. તેણે વજન અનુભવ્યું. તેના મનમાં તણાવ વાદળની જેમ છવાઈ ગયો, “એટલે આજ કે કાલ મારું મૃત્યુ નક્કી છે. મને નથી લાગતું કે દીવાલની આ તરફ બધા મને મારવા ઇચ્છતા હોય તો હું અહીં ત્રણ મહિના રહી પાછો જઈ શકું.”

          “ના, જ્યાં સુધી હું છું ત્યાં સુધી નહીં.” દેવતાએ કહ્યું, “જ્યાં સુધી ધર્મસેનામાં એક પણ સિપાહીના શરીરમાં લોહીનું એક ટીપું પણ વધ્યું હશે ત્યાં સુધી નહીં. તને પાટનગર લઈ જતાં પહેલા તેમણે હજારો લોખંડી રક્ષકો સામે બાથ ભીડવી પડશે પણ એ સમય જ્યારે આવશે ત્યારે જોયું જશે અત્યારે તો આપણે એ સમયને બની શકે ત્યાં સુધી ટાળવાનો છે.”

          દેવતાએ વિરાટનો હાથ હાથમાં લીધો અને કહ્યું, “સાંભળ છોકરા..” એ વિરાટની આંખોમાં જોઈ રહ્યો, “હું તારી આંખોમાં એ જોઈ શકું છું. હું તારી આંખોમાં અવતારને જોઈ શકું છું.”

          વિરાટે જવાબ ન આપ્યો. એણે માત્ર તેની આંખોમાં આંખ પરોવી રાખી.

          “એ જ્ઞાની બાળકને નથી શોધી રહ્યા.” તેનો અવાજ જરા ધ્રૂજયો, “એ અવતારને શોધી રહ્યા છે.” દેવતા વિરાટ તરફ નમ્યો અને તેના કાન પાસે મોં લઈ જઈ ઉમેર્યું, “તને સમજાય છે હું શું કહું છું?”

          “ના..” વિરાટે કહ્યું, “મને નથી સમજાતું, મને ખરેખર કશું જ નથી સમજાતું.”

          “હું દુશ્મન નથી. મારી સામે સાચું બોલવામાં કોઈ વાંધો નથી.”

          “હું સમજી ગયો.” વિરાટે કહ્યું.

          “આપણી પાસે બહુ સમય નથી. હું જે કહું તે ધ્યાનથી સાંભળજે.” દેવતાએ ધીમા અવાજે કહ્યું, “એવું કહેવાય છે કે સત્યયુગમાં માનવ મન સૌથી ઉચ્ચ સ્થાને હતું. એ યુગ દરમિયાન માનવ પોતાના મનની શક્તિઓનો સો ટકા ઉપયોગ કરી શકતો. એ સમયે માનવ જીવન શું છે અને ભગવાન શું છે એ સમજવાની શક્તિ પણ ધરાવતો હતો. મને ખાતરી છે કે તેં જ્ઞાનના પુસ્તકોમાં ઋષિઓ વિષે વાંચ્યું હશે કેમકે મેં એ પુસ્તકો ખાસ તારા જેવા બાળકો માટે જ મોકલ્યા હતા. બીજા યુગમાં માનવ મનની શક્તિ ¼ ઓછી થઈ. એ પોતાના મનને પોણા ભાગનું જ વાપરવા લાગ્યો. એ પછીના યુગમાં એ મનની શક્તિ પરનો માનવનો કાબૂ ફરી ¼ ઘટ્યો અને એ પચાસ ટકા જ રહ્યો. એ પછી કલિયુગની શરૂઆત થઈ. કલિયુગની શરૂઆતમાં જ માનવ મનની શક્તિઓ ફરી ¼ ઓછી થઈ અને સત્યયુગના માનવના ચોથા ભાગની માનસિકશક્તિ જ રહી. પણ ધીમેધીમે કલિયુગ સાથે એ રહી સહી પચીસ ટકા શક્તિઓ પણ જવા લાગી અને કળિયુગના આ અંતિમ તબક્કમાં લગભગ મોટા ભાગના માનવ હવે બેથી પાંચ ટકા જેટલી મનની શક્તિઓ જ જાણે છે. સત્યયુગમાં માનવ મનની વિધુત ચુંબકીય શક્તિને કાબુમાં કરી જેને આજે લોકો જાદુ કહે છે તેવા કાર્યો કરી શકતો. જેમકે એ કોઈ પણ ચીજને સ્પર્શ્યા વિના જ ઉઠાવી શકતો કે પોતાના શરીરના અણુ અલગ કરી સીધો જ એક સ્થળેથી ગાયબ થઈ બીજે સ્થળે ફરી એ જ અણું બંધારણ મેળવી હાજર થઈ જતો.”

          દેવતા એક પળ અટક્યો અને એક ઊંડો શ્વાસ લીધો, “આ દૈવી પરીક્ષા તમારામાંથી કોઈ જ્ઞાની છે કે નહીં એ ચકાસવા માટે નથી. કોઈ જ્ઞાની ક્યારેય કારુ માટે જોખમકારક બની જ ન શકે કેમકે જ્ઞાની વ્યક્તિનું મન પાંચથી સાત ટકા જ કાબુમાં અને ઉપયોગમાં હોય છે. મતલબ કે તમે જરા જ્ઞાની છો તો એનાથી કારુને કોઈ ખાસ ફરક પડતો નથી. એને એની કોઈ પરવા પણ નથી.”

          “તો એને શેની પરવા છે?” વિરાટ માટે એ બધુ નવું હતું.

          ક્રમશ: