Jindagi nu prashnapatra in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - જિંદગીનું પ્રશ્નપત્ર

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

ડાયરી - સીઝન ૨ - જિંદગીનું પ્રશ્નપત્ર

 

શીર્ષક : જિંદગીનું પ્રશ્નપત્ર    

©લેખક : કમલેશ જોષી

 

પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે તો પરીક્ષાઓ આવતી અને જતી રહેતી એની અમને ખબરેય ન પડતી. બસ રિઝલ્ટ આવે અને પાસ થઇએ ત્યારે ખબર પડતી કે હવે ચોથામાંથી પાંચમામાં અને પાંચમામાંથી છઠ્ઠા ધોરણમાં આવ્યા. ઉપલા ધોરણોમાં આવ્યા ત્યારે પરીક્ષાની થોડી ગંભીરતા આવી. બસ્સો પાનાના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાંથી પૂછાતા પ્રશ્નોની યાદી બહુ લાંબી બનતી. શિક્ષકો ઘણીવાર એમાંથી અમને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કાઢી આપતા. એ વીસ-પચ્ચીસ પ્રશ્નો તો પરીક્ષામાં પૂછાય, પૂછાય અને પૂછાય જ એવા હોય. સોમાંથી વીસ પ્રશ્નોનું લીસ્ટ અને તેના જવાબો અમે પાંચ-પાંચ દસ-દસ વાર લખી, સમજો ને કે ગોખી જ નાખતા. એ આઈ.એમ.પી. પ્રશ્નોમાંથી વળી અમુક તો મોસ્ટ આઈ.એમ.પી. પ્રશ્નો કાઢતા.

 

જીવનના મોસ્ટ આઈ. એમ. પી. પશ્નો કયા? હાયર એજ્યુકેશન કેમ લેવું એ કે કુટુંબમાં હળીમળીને કેમ રહેવું એ? પૈસાદાર કેવી રીતે બનવું એ કે સમાજસેવા કેવી રીતે કરવી એ? સાચા-ખોટા, કાળા-ધોળા કેમ કરવા એ કે સીધી, સાદી, સરળ, સહજ જિંદગી કેમ જીવવી એ? ભણતા ત્યારે આપવામાં આવતા આઈ.એમ.પી. પ્રશ્નો પાછળનું રહસ્ય મોટા થયા પછી જાણમાં આવ્યું કે જે પ્રશ્નો છેલ્લા ચાર-પાંચ વર્ષના પેપરમાં પૂછાયા હોય એનું લીસ્ટ એટલે આઈ.એમ.પી. પ્રશ્નો. જિંદગીના આવા પ્રશ્નોનું લીસ્ટ ક્યાંથી કાઢવું? આસપાસના વડીલોએ જિંદગીમાં ફેસ કરેલા પ્રશ્નોમાંથી કોમન કાઢવા કે આપણા પોતાના જીવનમાં છેલ્લા દસકાઓમાં આવેલા પ્રશ્નો તપાસવા?

 

એક મિત્રે કહ્યું જે વ્યક્તિ ફેલ થયો હોય, જીવનમાં નિષ્ફળ ગયો હોય એની પાસે બેસી આઈ.એમ.પી. પ્રશ્નોનું લીસ્ટ માંગવું જોઈએ. ફેલ કોણ? સ્કૂલમાં ભણતા ત્યારે પાંત્રીસ કે ચાલીસ માર્કે પાસ ગણવામાં આવતા. એક તો વીસ-પચ્ચીસ પાઠના પાઠ્યપુસ્તકના કુલ સો-સવાસો પ્રશ્નોમાંથી પરીક્ષામાં દસ-બાર કે પંદર કે વીસ પ્રશ્નો પૂછવામાં આવતા હોય, એમાંય ચાલીસ ટકા એટલે કે માત્ર સાત-આઠ પ્રશ્નોના જવાબ આવડી જાય તો પાસ થઈ જવાતું. જો કે એમાંય ‘ફેલ’ થઈ બતાવનારા બહાદુર બંકાઓ અમારી સાથે ભણતા. આખું વર્ષ એ લોકો પણ દફતર-પાટી-પેન લઈને પાંચ-પાંચ કલાક ક્લાસરૂમમાં બેઠા બેઠા શું કરતા હશે, એ જ અત્યારે તો મોસ્ટ આઈ.એમ.પી. પ્રશ્ન મને તો લાગી રહ્યો છે. ખેર, જીવનમાં પણ શું ઠોઠ નિશાળિયાઓની સંખ્યા વધતી જાય છે?

 

આસપાસ નજર દોડાવીએ તો એવા ઘણા છે જે અડધું-પડધુ જીવી રહ્યા છે. કોઈએ ભણવાનું અર્ધેથી છોડી દીધું છે તો કોઈએ લગ્ન જીવનને ગોટે ચઢાવી દીધું છે, કોઈ વૃદ્ધાશ્રમના દ્વારે જઈ ઉભું છે તો કોઈ જેલમાં જઈ બેઠું છે. શું આ લોકોને ફેલ ગણવા? એમના ફેલ થવાનાં સો કારણો હશે, સો સંજોગો હશે અને એ સોએ સો સાચાયે હશે એમાં ના નહિ, પણ સમાજ તો એમને ‘બિચારા’ ગણી, મનોમન ‘ફેલ’ જ માની રહ્યો છે ને? જરા ઊંડા ઉતરો તો આ ફેલ લોકોમાં એવાયે ઘણા હશે જેને તમે ‘ઠોઠનિશાળિયા’ બિલકુલ ન કહી શકો. ઘણા એવાય છે જે ઈમાનદારીને લીધે, સચ્ચાઈ અને સિદ્ધાંતોને લીધે દુઃખી જીવન જીવી રહ્યા છે. સમાજના ‘પાસ’ જ નહિ ‘ટોપર’ લોકો કરતા વધુ આવડતવાળા પણ કેટલાક ‘ફેલ’ જીવન જીવી રહ્યા છે. જરા ઊંડા ઉતરો તો ચોક્કસ દેખાશે.

 

આપણો સમાજ જેને ‘પાસ’, ‘સફળ’, ‘ટોપર’ ગણે છે એ તમામ લોકોનું પરફોર્મન્સ સો ટકાનું છે ખરું? આસપાસ નજર ફેરવશો તો ટોચ પર બેઠેલા એવા અમુક લોકો દેખાશે જે ખરેખર ‘ઠોઠ’ છે. નિશાળમાં ભણતા ત્યારે જે ‘ખોટા’ જવાબો આપે એને અમે ‘ઠોઠ’ ગણતા. શું ‘મોટા’ માણસો પણ આવા ‘ખોટા’ હશે? એવું સાંભળ્યું છે કે પૈસાથી કે લાગવગથી ‘માર્ક’ પણ ખરીદી શકાય છે. એ માર્કનું મૂલ્ય કેટલું? જે બે વત્તા બે બરોબર પાંચ ગણતો હોય એ વિદ્યાર્થીની માર્કશીટમાં ગણિતમાં સોમાંથી સો ગુણ મૂકી દઈએ એનાથી એ વિદ્યાર્થીની ગણિત વિષયક આવડતમાં અને અનુભૂતિમાં શું ફર્ક પડે? જે કપલના દસમાંથી નવ વિચારો એકબીજાથી વિરુદ્ધના હોય એમને ‘બેસ્ટ કપલ’નો એવોર્ડ આપવામાં આવે એનાથી એમના લગ્ન-જીવનમાં, રોમાન્સમાં, રોમાંચમાં શું ફર્ક પડે? ઝઘડીને ઘરેથી ‘એવોર્ડ ફંક્શન’માં આવ્યા હોય અને ઘરે જઈને પાછા ઝઘડે એવા ‘ઠોઠ’ કપલ આવા એવોર્ડનું શું કરતા હશે? ઘરે વૃદ્ધ મમ્મી-પપ્પા સાથે ઝઘડીને વૃદ્ધાશ્રમમાં જન્મદિવસ નિમિત્તે મેવા-મીઠાઈ જમાડનારા ‘દીકરા-વહુઓ’ ફેસબુક પર ફોટો અપલોડ કરી ભલે ‘ઢગલાબંધ’ લાઇક મેળવે પણ ચાર દીવાલની અંદર જે ‘ફેલ-ફેલ’નો નાદ ગુંજી રહ્યો હોય એનું શું?

 

અઘરું છે. જિંદગીનું પ્રશ્નપત્ર, હું અને તમે, સમજીએ છીએ, જીવીએ છીએ એટલું સહેલું નથી. આપણે લુચ્ચાઈ છોડી એટલે જ આપણે આ જન્મે શિયાળ નથી, આપણને પર-પીડા ન ગમી એટલે જ આ જન્મે આપણે ગીધ નથી, આપણને કર્કશ અવાજે ભસવું (એટલે કે બરાડા પાડી એલફેલ બોલવું) ન ગમ્યું એટલે જ આ જન્મે આપણે કૂતરું નથી, આપણને ઝેરીલા વાણી, વર્તન, અને વિચારના ડંખ ન ગમ્યા એટલે જ આપણે આ જન્મે સાપ નથી. આ જન્મે આપણે ‘માણસ’ છીએ. મોસ્ટ આઈ.એમ.પી. ગોખી નાખવા જેવો પ્રશ્ન એક જ છે ‘આપણે કોણ છીએ?’ અને જવાબમાં આપણે એક જ વાત યાદ રાખી શકીએ કે આપણે ‘માનવ’ છીએ, શ્રી રામ જેવા જ માનવ, શ્રી કૃષ્ણ જેવા જ માનવ, સ્વામી વિવેકાનંદ જેવા જ ‘માનવ’ તોયે જિંદગીનું પેપર સુપરહિટ જાય, જિંદગીને સાચી રીતે સમજી-જાણી-માણી શકાય એની મારી ગેરંટી.

ભીતરી માનવતા ખીલવવા મથી રહેલા મારા-તમારા જેવા તમામ વિદ્યાર્થીઓને જિંદગીની પરીક્ષામાં ડિસ્ટીંક્શન સાથે પાસ થાઓ એવી શુભેચ્છાઓ. ઓલ ધી બેસ્ટ.  

 

- kamlesh _joshi_sir@yahoo.co.in