Dyari - 2 - Raxabandhan in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - રક્ષાબંધન

Featured Books
  • DIARY - 6

    In the language of the heart, words sometimes spill over wit...

  • Fruit of Hard Work

    This story, Fruit of Hard Work, is written by Ali Waris Alam...

  • Split Personality - 62

    Split Personality A romantic, paranormal and psychological t...

  • Unfathomable Heart - 29

    - 29 - Next morning, Rani was free from her morning routine...

  • Gyashran

                    Gyashran                                Pank...

Categories
Share

ડાયરી - સીઝન ૨ - રક્ષાબંધન

 

શીર્ષક : રક્ષાબંધન સ્ત્રીરક્ષાનું અનેરું પર્વ
©લેખક : કમલેશ જોષી

શ્રાવણ સુદ પૂનમનો દિવસ એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધી ભાઈ પાસેથી રક્ષાનું વચન મેળવે છે. એવો કોઈ ભાઈ નહીં હોય, જે નાનપણમાં બહેન સાથે ઝઘડ્યો ન હોય. એવી એકેય બહેન નહીં હોય, જેણે નાનપણમાં પપ્પા પાસે ભાઈની નાની-મોટી, સાચી-ખોટી ફરિયાદ કરી ભાઈને વઢ નહીં ખવડાવી હોય. એવો એકેય ભાઈ નહીં હોય, જેણે બહેનના લગ્ન ધામધૂમથી થાય એ માટે પોતાની તમામ બચત ખર્ચી ન નાખી હોય. એવી એકેય બહેન નહીં હોય, જેણે ભાઈના તમામ દુઃખ દૂર થાય એ માટે સાસરે ગયા પછી પણ પગે ચાલી દર્શને જવાની કે અમુક અમુક વસ્તુ નહીં ખાવાની માનતા ન રાખી હોય. નાનપણમાં ભાઈ-બહેન એટલે જીગરજાન મિત્રો અને જાની દુશ્મનોનો જબ્બરદસ્ત સંગમ.

નાનપણમાં બહેન પાસે રાખડી બંધાવવાની મજા હતી અને મિત્રોને એ રાખડી દેખાડવાથી વટ પડતો. જેના હાથમાં વધુ રાખડી એનો વટ સૌથી વધુ. રાખડીઓ પણ જાતજાતની અને ભાત ભાતની આવતી. કોઈ ગોળાકારની ઉપર સ્ટાર ને એની ઉપર મોતી એમ ત્રણ લૅયર વાળી તો કોઈ ચાંદીની લકી જેવી, કોઈ લાલ પીળા દોરા વાળી તો કોઈ મોતીથી મઢેલી. નાનપણમાં બહેન રાખડી બાંધતી ત્યારે પપ્પાએ આપેલા દસ, વીસ કે પચાસ રૂપિયા બહેનને આપવાની અમીરીનો અહેસાસ પણ અદ્ભુત હતો. માતા-પિતામાં થોડું બોસીઝમ જોવા મળે, પણ બહેન ભાઈને કોઈ કામ ચીંધે તો એ કામ ચપટી વગાડતા અને હોંશે હોંશે કરવાની મજા આવે. બહેનમાં ભાઈને ફોસલાવવાની ગજબ કળા હોય છે. એક વડીલે મસ્ત વાત કરી: માતાના મૃત્યુ પછી બહેન ગમે તેવડી હોય એ ભાઈની માતા બની જાય છે અને પિતાના મૃત્યુ બાદ ભાઈ ગમે તેવડો હોય એ બહેનનો પિતા બની જાય છે.

એક વડીલે ખેદ વ્યક્ત કરતા કહ્યું કે "જિંદગીના અધોઅધ પ્રસંગો હું માણી કે સમજી જ ન શક્યો કારણ કે મારે બહેન નહોતી." જેમ દીકરીનો જન્મ થાય એટલે પિતા શિસ્તમાં આવી જાય એમ બહેનનું નામ પડે એટલે ભાઈએ અદબ વાળી લેવી પડે. ભાઈના લગ્નમાં મહાલતી બહેનનો માભો પણ જોવા જેવો હોય છે. જે ગામની બહેનો સોળે શણગાર સજી મુક્ત મને હરી ફરી શકતી હોય એ ગામના ભાઈઓને સો-સો સલામ.

બહેની પોતાના પતિ કરતા પણ પોતાના વીરાનું કલ્યાણ વધુ ઈચ્છતી હોય છે. ઝવેરચંદ મેઘાણીએ એક ગીતમાં લખ્યું છે કે "વીરાની વાડીઓમાં અમૃત રેલે. આષાઢી સાંજના અંબર ગાજે." તમે એ માર્ક કર્યું? સાસરેથી બાળકો સાથે બહેન પિયરે આવતી હોય ત્યારે ત્યાંના આડોશી પાડોશી શું કહે? મામાના ઘરે જાઓ છો? મામાનું ઘર.. વાસ્તવમાં તો એ ઘર નાનાનું હોય, મામા તો હજુ દસમું બારમું ભણતા હોય એવડા નાના પણ હોય. છતાં ભાણીયાઓ વેકેશનમાં ‘નાના’ના નહીં ‘મામાના ઘરે' જાય. એક મિત્રે તર્ક આપ્યો. માતા પિતા જિંદગીની મોટી મજલ કાપી ચૂક્યા હોય છે, ભાઈ અને બહેન હજુ લાંબો સમય એક બીજાની સંભાળ લઈ શકશે એવી સંભાવનાને ઘ્યાને લઈ સાસરે ગયેલી બહેનની પિયર તરફની ફરજોની જવાબદારી ભાઈની છે એવું સમજાવવા કદાચ આવી પરંપરા બની હશે. તમે શું માનો છો?

અમેરિકન્સ કે જાપાનીઝ કે ચાઇનીઝ લોકો રક્ષાબંધન કે એના જેવો બીજો કોઈ સિસ્ટર સ્પેશિયલ દિવસ ઉજવતા હશે કે નહિ એ ખબર નથી પણ ભારતમાં હિંદુ પરંપરામાં ‘રક્ષા બંધન’નું એક અલાયદું સ્થાન છે, ગૌરવ છે. આ માત્ર એક તહેવાર નથી પરંતુ માનવ સમાજે સ્ત્રી પુરુષના સંબંધો બાબતે વિકસાવેલી એક શ્રેષ્ઠતમ માનસિકતાનું પ્રતીક છે. બહેને ભલે ને ભાઈને કાંખમાં તેડયો હોય તોયે જયારે એ ભાઈને રાખડી બાંધતી હોય ત્યારે એ નાનકડા ભાઈને ‘રક્ષા’ માંગવા માટે બાંધતી હોય છે. સમસ્ત સ્ત્રીજગત પુરુષ જગત પાસે જે સ્થાન, માન, સન્માનની અપેક્ષા રાખતા હોય એ માન, મોભાની રક્ષા કરજે એવી માંગણી અને લાગણી આ તહેવારના દિવસે વ્યક્ત થાય છે. યાદ રહે, ભાઈએ માત્ર પોતાની બહેનની જ નહિ, સમસ્ત સ્ત્રીજગતની માન-મર્યાદાની રક્ષા કરવાની હોય છે.

મિત્રો, ઇતિહાસમાં તો ઘણા ભાઈઓએ બહેનોની આબરૂ માટે પોતાના જીવ પણ આપી દીધા છે, પરંતુ આજકાલ એવા યુદ્ધોનો જમાનો નથી. બહેન પાસે તમે બંધાવેલી રાખડી સામે જોઈ ઈમાનદારીથી વિચારજો કે તમારા ઘર, શેરી, સોસાયટી કે ઓફિસમાં કોઈ મિત્ર કોઈ સ્ત્રી માટે અણછાજતા વાણી, વર્તન કે વિચાર કરતો નથી ને? જો હોય તો એને એક વખત એમ કરતો રોકવાનો પ્રયત્ન જરૂર કરજો. બાકી તમે ખુદ સમજદાર છો. રક્ષાબંધન પર્વની શુભકામના..
Kamlesh_joshi_sir@yahoo.co.in