Dashavatar - 27 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 27

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

દશાવતાર - પ્રકરણ 27

          “માનવો નહીં.”

          “તો?”

          “વાનરરાજ અને તેની ધર્મસેના.”

          “વાનરરાજ.,, ધર્મ સેના...” એ શબ્દો વિરાટ માટે અજાણ્યા નહોતા. ના, એ શબ્દો તેણે ક્યાક સાંભળ્યા હતા. કદાચ આગગાડીમાં.... જે નિર્ભય સિપાહી તેની મદદે આવ્યો હતો એ જય વાનરરાજ અને જય ધર્મસેના એમ બોલ્યો હતો.

          “વાનરરાજ અને તેની સેનાને દેવતાઓ હિંસક જાનવરો કહે છે. એ સેના બરફના પહાડોમાં રહે છે.”

          “હિમાલયમાં...?” ગુરૂ જગમાલે વિરાટને કહ્યું હતું કે ઉત્તરમાં છેક છેડાના ભાગે બરફના પહાડ છે જે હિમાલય નામે ઓળખાય છે.

          “હા, એ હિમાલયમાં રહે છે પણ ગમે ત્યારે કારુ શાસિત પ્રદેશોમાં ઘૂસી આવે છે. એટલે જ નિર્ભય સિપાહીઓ તેમને આતંકી કહે છે.”

          “એ ઘુસણખોરી કરીને શું કરે છે?”

          “દેવતાઓને મારી નાખે છે. વેપારીઓના કાફલાને લૂંટી લે છે. એ દરેક ચીજનો નાશ કરે છે જે કારુનું શાસન ટકી રહેવા માટે જરૂરી હોય. અફવાઓ તો એવી પણ છે કે એ લોકો પાટનગરમાં આવેલા મંદિર પર હુમલો કરી તેને તોડી પાડવા માંગે છે.”

          “એ દેવતાને પણ મારી શકે છે?” એને નવાઈ થઈ કેમકે શૂન્ય લોકો કહેતા એ મુજબ દેવતાઓ એક પ્રકારે અમર જીવ હતા.

          “મૃત્યુ એ દેવતાઓ માટે ડર નથી પણ વાનરરાજની સેના પાસે કંઈક એવું છે જે દેવતાઓની દૈવી શક્તિઓ છીનવી લે છે. દેવતા માટે સામાન્ય માણસ બની જીવવું મૃત્યુ કરતાં પણ વધુ પીડાદાયક છે.”

          “કઈ રીતે?”

          “એ કોઈ નથી જાણતું પણ લોક પ્રજા પાસેથી મેં સાંભળ્યુ છે કે દેવતાઓ વાનરરાજ અને તેની સેનાને રાક્ષસી શક્તિ માને છે અને તેમના સાથે સ્પર્શમાં આવવાથી દેવતાની પવિત્ર શક્તિઓ ચાલી જાય છે. દેવતાઓ બરફના એ સિપાહીઓને અપવિત્ર માને છે.”

          વિરાટ મનોમન ખુશ થયો. કમસેકમ કોઈ તો એવું છે જે દેવતાઓને હરાવી શકે છે, જે કારુના અન્યાયી શાસનનો અંત ઇચ્છે છે. પણ વાનરરાજને દેવતાઓ અને કારુ સાથે શું દુશ્મની હશે એ એને ન સમજાયું.

          નીરદ આગળ બોલતા રહ્યા, “જ્યારથી હું પહેલીવાર દીવાલની આ તરફ આવ્યો ત્યારથી હું એ વાનરરાજ અને કારુ વિશે વધુને વધુ જાણવા મથી રહ્યો છું. એમના વિશે વધુ જાણવા માટે મેં લોક જાતિના લોકો સાથે દોસ્તી પણ કરી હતી.”

          “તમે કેમ એ જાણવા માંગતા હતા?” વિરાટે પુછ્યું.

          “કેમકે મારે પણ તારી જેમ એ ભગવાનની કમજોરી જાણવી હતી.”

          “તો એવું શું થયું કે તમે એ કામ પડતું મૂક્યું?”

          “હું એકવાર પકડાઈ ગયો હતો.” નીરદે કહ્યું, “એ તારા જન્મ પહેલાની વાત છે. એક દેવતાએ મને મરતા બચાવ્યો. એ દેવતાએ મારુ મન વાંચવાના એમના દિવ્યયંત્રમાં કંઈક ગોટાળો કરી મારા મનમાં ખરેખર કારુ વિરુધ્ધ વિચારો છે એ બાબત છુપાવી હતી.”

          “એમની પાસે આપણું મન વાંચી શકે એવા દિવ્યયંત્રો છે?”

          “હા... એ દેવતાઓના જાદુઇ મશીન તમારા મનમાં ચાલતી બળવાખોર પ્રવૃતિને પણ જાણી લે છે. એકવાર મશીનમાં પકડાયેલી વ્યક્તિને પાટનગરની પ્રયોગશાળામાં લઈ જવામાં આવે છે અને તેના મનમાં કારુ વિરુધ્ધ વિચારો કઈ રીતે આવ્યા તેના પર સંશોધન કરવામાં આવે છે.”

          “તો હું પહેલો નથી જે કારુ સામે જંગ ઇચ્છતો હોય.”

          “ના, વિરાટ...” તેના પિતાએ તેના ખભા પર હાથ મૂક્યો, “તું પહેલો નથી પણ તારે છેલ્લો બનવાનું છે. ફરી કોઈ શૂન્યએ એ શાસન સામે લડી જીવ ન આપવો પડે એ માટે તારે એ અન્યાયી શાસનનો અંત કરવાનો છે.”

          “હું એ અન્યાયી અને એના શાસન બંનેનો અંત લાવીશ. હું વચન આપું છું પિતાજી કે આપણાં લોકોને તેની ગુલામીથી આઝાદ કરાવીશ. હું આ બધાનો અંત લાવીશ.” એના શરીરમાં કોઈ અજીબ શક્તિ જન્મી રહી હોય એમ તેને લાગ્યું. જો તેના પિતા જેમ તેના લોકો તેને સાથ આપવા તૈયાર હોય, એ બધા શૂન્ય નહીં પણ માણસ હોય તો વિરાટ એક નહીં પણ એવા અનેક કારુ સામે બાથ ભીડવા તૈયાર હતો, “ભલે એ માટે મારે જીવ આપવો પડે હું તેના શાસનનો અંત લાવીશ.”

          “આપણાં હજારો લોકોએ એના અન્યાયી કાયદાઓને લીધે જીવ આપ્યો છે.” તેના પિતાના અવાજમાં પણ રોષ હતો, “હવે જીવ આપવાનો નહીં પણ જીવ લેવાનો સમય આવી ગયો છે. દીવાલ આ પાર લડતા બળવાખોર રક્ષકદળના સિપાહીઓ પણ તને અવતાર માને છે અને એ તારો સાથ આપવા તૈયાર છે બસ આપણે યોગ્ય સમયની રાહ જોવાની છે.”

          રક્ષકદળના સિપાહીઓ તેને કેમ અવતાર માને છે એ પૂછવા તેણે મોં ખોલ્યું એ જ સમયે દરવાજે ટકોરા પડ્યા એટલે એ પ્રશ્ન અધૂરો જ રહી ગયો. નીરદ ઊભા થઈ દરવાજા પાસે ગયા અને દરવાજો ખોલ્યો. દરવાજા બહાર એક સ્ત્રી ઊભી હતી જે દેખાવે શૂન્ય સ્ત્રીઓ જેમ સામાન્ય અને પાતળા બાંધાની હતી. તેના હાથમાં ચમકતી ધાતુની થાળી હતી જેના પર એક સફેદ કપડું ઢાંકેલું હતું.

          એ નિર્ભય ન હોઈ શકે કેમકે તેનામાં નિર્ભય જેવા ગુણ નહોતા. એ શૂન્યોની હાજરીથી પણ ગભરાતી હતી. એ અજાણ્યા સામે જવામાં ભય અનુભવતી હતી. તેના ચહેરા પર ભય હતો. તેનો ચહેરો ગોળ અને ચરબી વગરનો હતો. તેના વાળ લાંબી ચોટીમાં બાંધેલા હતા અને કપાલે ચાંદલો કરેલો હતો. તેની કમર દેખાય તેટલી લંબાઇનું પહેરણ પહેર્યું હતું જેના પર ભરતકામ કરેલું હતું. તેનું પાટલુન એક સિલાઈવાળું અને ઘૂંટણ સુધીની લંબાઈનું હતું. તેના પગ પાતળા અને લાંબા હતા.

          એ અંદર આવી અને ખૂણાના ટેબલ પર થાળી મૂકી. તેની ચાલવાની રીત પણ અલગ હતી. એ દેખાવે સુંદર હતી. થાળી મૂકીને એ બહાર જવા પછી ફરી ત્યારે વિરાટને ધ્યાનમાં આવ્યું કે તેનું પહેરણ અજીબ છે. એ પહેરણમાં તેની પીઠ પણ ખાસ્સી એવી ખુલ્લી રહેતી હતી. તેના પીઠના ખુલ્લા ભાગ પર કારુ ભગવાન છે એવું કાળી શાહીના છૂંદણાથી લેખેલું હતું. એ શબ્દો પણ દેવભાષામાં લેખેલા હતા. કદાચ એ સ્ત્રીને બિચારીને ખબર પણ નહીં હોય કે તેના શરીર પર શું લખેલું છે.

          વિરાટ એને પૂછવા માંગતો હતો કે તેના શરીર પર એ અક્ષરો કોણે લખ્યા છે અને કેમ લખ્યા છે પણ એ પહેલા એ બહાર નીકળી ગઈ અને પોતાની પાછળ દરવાજો બંધ કરી દીધો.

          એ અક્ષરો કોણે લખ્યા હશે એ અલગ વાત હતી પણ કેમ લખ્યા હશે એ દેખીતું હતું – કારુ ભગવાન છે એ અક્ષરો એક માણસના શરીર પર લખેલા હોય તેનો સ્પષ્ટ અર્થ એ હતો કે એ ગુલામ હતી. એ લોક સ્ત્રી હતી. શૂન્ય લોકો કહેતા કે લોક પ્રજાના શરીર પર વિચિત્ર અક્ષરો કોતરેલા હોય છે કેમકે તેમને દેવભાષા વાંચતાં આવડતું નથી.

          માનવને ગુલામ બનાવી પોતાની માલિકીની ચીજ સમજતો કોઈ ભગવાન ન હોઈ શકે. વિરાટને એ રાક્ષસના શરીર પરથી ભગવાનની ખાલ ખેચી લેવાની હતી. પણ છેલ્લા પાંચ સો વર્ષથી ભગવાન બની બેઠેલાના શાસનને ઉથલવવું કોઈ સહેલું કામ નહોતું.

*

          લોક સ્ત્રી ગયા પછી નીરદે થાળી પરથી કપડું હટાવી અને વિરાટ પાસે આવ્યા. બંને જમીન પર પલાંઠી વાળીને બેઠા. એ લોકો આ આસનમાં બેસીને જ જમતા. એ થાળી વિરાટે પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ખોરાકથી ભરેલી હતી. એમાં માત્ર ભાત અને દાળ જ જાણીતા હતા બાકી બધુ શેનું બન્યું હશે એ અંદાજ લગાવવો પણ મુશ્કેલ હતો.

          “હવે શરૂ કરીશું?” નીરદે કહ્યું.

          વિરાટે પહેલો કોળિયો ભર્યો. બાપ-બેટો બંને એક જ થાળીમાં જમવા બેઠા હતા. વિરાટ નાનો હતો ત્યારે ઝૂંપડીમાં પણ બંને સાથે જમવા બેસતા. ભોજન સ્વાદિષ્ટ પણ અજાણ્યું હતું. એનો સ્વાદ દીવાલની એ તરફ જેવો નહોતા. અરે, ભોજનની સુગંધ સુધ્ધા જાણે પરાઈ હતી. એ શૂન્યોની દુનિયા નહોતી કે ન એ શૂન્યોનું ભોજન હતું.

          “આપણે જમતા જમતા વાતો કરી શકીએ?” વિરાટે પુછ્યું કેમકે ઘરે મા કહેતી કે જમતી વખતે વાત કરવી એ નિયમ વિરુધ્ધ છે.

          “હા, હા, કેમ નહીં..” નીરદે કહ્યું, “એ બધા નિયમો દીવાલની આપણી તરફ પાળવા માટે છે.” એ હસ્યા, “દીવાલની આ તરફ તો એક જ નિયમ છે ગમે તેમ કરીને જીવતા રહો.”

          વિરાટ ખુશ થયો કે નીરદ નિયમો તોડવા રાજી છે. શૂન્ય લોકો દેવતાઓના નકામા નિયમો પાળે એ તેને ન ગમતું. એક નિર્ભય સિપાહીની આંખમાં દેખી લેવાથી કયો ભૂકંપ આવી જવાનો હતો? એક દેવતાની સામે માથું ન નમાવવાથી ક્યો પ્રલય આવી જવાનો હતો? વિરાટને એ બધા નિયમો નકામા લાગતાં.

          “વિરાટ..” તેને વિચારમાં જોઈ નીરદે કહ્યું, “નિયમો તોડવા એ પાપ નથી.”

          “તો?”

          “એ તોડતા કે તોડ્યા પછી પકડાઈ જવું એ પાપ છે.” તેણે આંખ મિચકારી. વિરાટે મોંમાં મુકેલો કોળિયો ગળા નીચે ઉતાર્યો. તેના હ્રદયમાં આનંદના મોજા ઉભરાયા કેમકે આજ વાત તો એ વર્ષોથી સાંભળવા માંગતો હતો. એ શૂન્ય લોકોના મોંએ સાંભળવા માંગતો હતો કે દેવતાઓના નિયમ તોડવાથી કોઈ પાપ થતું નથી. ભયને લીધે એ નિયમો પાળે છે એ સાબિત થઈ જતા એકવાર એ ભય ખતમ તો એ બધા નિયમોનો અંત આવી જાય. વિરાટને એ પછીનો કોળિયો જરા વધારે મીઠો લાગ્યો.

          શૂન્ય લોકોમાં પણ હજુ માનવતા છે અને ખાસ તો તેના માતા પિતા માત્ર જીવતી જાગતી લાશ જેવા શૂન્ય નહીં પણ માણસો છે એ જાણી એને જાણે કોઈ વર્ષો જૂનું દર્દ ગાયબ થઈ ગયું હોય તેવી રાહત થઈ. એ દાળ ભાત સાથે ઘઉની વાનગી ખાતો રહ્યો જેનું નામ એ નહોતો જાણતો.

          “તમે પાપ પુણ્યમાં માનો છો?” તેણે તેના પિતાની આંખોમાં જોયું.

          “હા, હું પાપ પુણ્યમાં માનું છું પણ દેવતાઓ કહે છે એ મુજબ નહીં.” નીરદ કોળિયો ચાવી લેવા રોકાયા પછી ઉમેર્યું. “હું માનું છુ કે કમજોર હોવું એ સૌથી મોટું પાપ છે અને એ પાપની સજા આપણે પાંચ સો વર્ષથી ભોગવીએ છીએ.”

          એને આ વાત વાજબી લાગી. કમજોર હોવા સિવાય શૂન્ય લોકોએ કયું પાપ કર્યું હતું? યુવક યુવતીઓને ગરમીમાં મજૂરી કરવી પડતી એમણે કયા પાપ કર્યા હતા?

          બે ચાર કોળીયા સુધી એ કશું ન બોલ્યો પછી તેણે પુછ્યું, “કારુ કેમ આટલો દુષ્ટ છે? મને તો એ માનવ પણ નથી લાગતો તો પછી એ ભગવાન શી રીતે હોઈ શકે?”

          નીરદે હાથમાંનો કોળિયો થાળીમાં પાછો મૂક્યો અને ગંભીર આવજે પણ ધીમેથી કહ્યું, “એ ભગવાન બનવા માંગે છે એટલે જ તો એ દુષ્ટ છે. મેં લોક પ્રજા પાસેથી સાંભળ્યુ છે કે દર વર્ષે કારુનો જન્મદિવસ ધૂમધામથી ઉજવવામાં આવે છે. એ દિવસે તેને માનવબાળની બલિ પણ ચડાવવામાં આવે છે. કેટલાક લોકો કહે છે કે પ્રલય પહેલાના ભગવાન પણ માનવ બલિ લેતા. કેટલાક કહે છે કે એ ભગવાન પ્રાણીની બલિ લેતા પણ આ નવો ભગવાન બહુ પવિત્ર છે એટલે પ્રાણીને બદલે માનવ બલિ જ સ્વીકારે છે. ખબર નહીં શું સાચું છે કેમકે જેટલા મોં એટલી વાતો થાય છે. લોકો તો એવી પણ અફવા ફેલાવે છે કે દર વર્ષે એ ઉત્સવ પછી કારુ લોક જાતિના સો બાળકોને પાટનગર લઈ જાય છે અને એ બાળકો ક્યારેય તેમના ઘરે પાછા નથી આવતા.”

          “લોક પ્રજા બાળકો એની સાથે મૂકવા કેમ તૈયાર થાય છે?”

          “તેમના બીજા બાળકોને બચાવવા માટે.” નીરદના અવાજમાં ગંભીરતા હતી, “જો કોઈ પોતાનું એક બાળક આપવાની ના કહે તો તેના બધા બાળકોને નિર્ભય સિપાહીઓ મારી નાખે છે. લોકો પોતાના બીજા બાળકોને બચાવવા માટે એક બાળકને કુરબાન કરવા તૈયાર થાય છે. લોક પ્રજાની હાલત તો આપણા કરતાં પણ કફોડી છે, દીકરા.”

          નીરદે જે કહ્યું એ સાંભળી વિરાટને લાગ્યું જાણે ખાધેલું બધુ બહાર આવી જશે. માનવબલિ...! એ પણ બાળકોની...? દર વર્ષે સો બાળકોને પાટનગર લઈ જવામાં આવે જે ક્યારેય પાછા નથી આવતા... કારુ એ બાળકો સાથે શું કરતો હશે..?

          “એ બાળકો સાથે શું કરે છે?”

          “એ તો કોઈ નથી જાણતું પણ ક્યારેય એ બાળકો પાછા આવતા કોઈએ નથી જોયા. એમનો એ પછી કોઈ પતો નથી મળતો.”

          એ જમવાનું છોડી ઊભો થઈ ગયો. એનામાં હવે વધુ સવાલો પૂછવાની હિંમત નહોતી. વધારે એક કોળિયો પણ ભરવો તેને મુશ્કેલ લાગ્યો. દર વર્ષે એક સાથે સો સો બાળકો ગાયબ થાય અને એમનો પતો ક્યારેય ન મળે... કેમ?

          “હવે થોડોક આરામ કરી લે તારે આવતીકાલ માટે તૈયાર થવાનું છે.” નીરદે કહ્યું અને એ જમીન પર આડા થયા.

          વિરાટ પણ ખાટલાને બદલે જમીન પર લંબાવી સૂઈ ગયો. એ કોણ છે એ વિચાર તેને ઘેરી વળતાં હતા... શું હું વેપારીઓ જેવો સ્વાર્થી છું? શું હું નિર્ભય જેવો બહાદૂર છું? શું હું દેવતાઓ જેવો શક્તિશાળી છું? શું હું કારુ જેવો ક્રૂર અને ચાલાક છું કે પછી લોક પ્રજા જેવો બેબસ અને લાચાર છું?

          જવાબ મળ્યો કદાચ હું એ બધુ છું અને કદાચ હું એમાથી કશું જ નથી... શું હું શૂન્ય છું? ણા, હું શૂન્ય નથી. હું માણસ છું અને એટલે જ હું બધુ જ છું. હું સ્વાર્થી છું, હું નિર્ભય છું, હું ડરપોક છું, હું લાચાર છું, હું ચાલાક પણ છુ કેમકે હું માણસ છું.

          ધીમે ધીમે લાંબી મુસાફરીનો થાક તેની આંખોને ઘેરી વળ્યો અને ક્યારે એ ઊંઘના હવાલે થયો એ તેને ખબર પણ ન રહી.

ક્રમશ :