Dashavatar - 26 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 26

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

દશાવતાર - પ્રકરણ 26

          “કશું નહીં.” તેના પિતાએ કહ્યું, “બસ આ મુસાફરીની અસર અને દીવાલની આ તરફનું બદલાયેલું વાતાવરણ...”

          “પાણીથી એ બધુ ઠીક થઈ જશે?” તેને નવાઈ લાગી.

          “હા.”

          “પાણી કઈ રીતે બધુ ઠીક કરી શકે?” તેને સમજાતું નહોતું.

          “આ પાણીમાં કંઈક છે.”

          “શું?”

          “ખબર નહીં શું પણ એ લોકો તેને દવા કે ઔષધિ કહે છે.”

          દવા શું છે એ વિરાટે જ્ઞાનના પુસ્તકોમાં વાંચ્યું હતું. એ શૂન્ય વૈધો વનસ્પતિમાંથી જે ઔષધિ બનાવે તેવી જ ઔષધીઓ હતી પણ એ વનસ્પતિને બદલે અલગ અલગ રસાયણો ભેગા કરી બનાવવામાં આવતી. એ લોકો શૂન્યોને એ દવા કેમ આપે? એ શું ઇચ્છતા હશે? એ દવા કયા રસાયણોમાંથી બનાવતા હશે? કોણ દવા બનાવતું હશે? વિરાટને ઘણા સવાલો થયા પણ તેના પિતાને તેણે એ બધું ન પુછ્યું કેમકે તેના પિતા એ બાબતે કોઈ જવાબ આપી શકે તેમ નહોતા.

          એણે શ્વાસ રોકી પ્યાલામાં જોયું. એ પાણી દીવાલની પેલી તરફના પાણી જેમ રંગહિન નહીં પણ સમુદ્રના પાણીની જેમ વાદળી રંગનું હતું. કદાચ એ રંગ તેમાં ભેળવેલી દવાનો હતો. તેણે આંખો બંધ કરી અને એક જ શ્વાસે પ્યાલો ગટગટાવી ગયો.

          “આ પાણી નથી.” એણે કહ્યું, “એનો સ્વાદ જરાય પાણી જેવો નથી.”

          “દવાને લીધે પાણીનો સ્વાદ બદલાઈ જાય છે.”

          “હું નિર્દોષ છોકરીની હત્યા બાબતે વાત કરવા માંગુ છું.” એણે પ્યાલો ખાટલાની ઈસ પર મુક્યો.

          “મેં તને કહ્યું ને કે એ હત્યા નહોતી. એ નિર્ભય સિપાહી માટે નિયમોનું પાલન હતું.”

          “નિર્દય સિપાહીએ એક માસૂમ તરૂણીનું ગળું કાપી નાખ્યું અને તમે કહો છો કે એ હત્યા નહોતી?” એ ગુસ્સાથી ધુવપૂવા થઈ ઉઠ્યો.

          “એ ભૂલી જા.” તેના પિતાએ ઉદાસ અવાજે કહ્યું, “એ યાદ ન કરવામાં જ આપણી ભલાઈ છે.”

          “કેમ?” તેણે ખાટલાની ઈસ મજબૂતાઈથી પકડી. બધો ગુસ્સો એ પકડમાં ઠાલવતો હતો, “હું એ છોકરી વિશે વિચારતા ખુદને રોકી શકતો નથી.”

          “વિચારવાથી કશું વળવાનું નથી. વિચારો દુખ સિવાય કશું નથી આપતા.”

          “વાહ!” હવે એને ખરો ગુસ્સો આવ્યો, “તમે શૂન્ય લોકો ક્યારથી દુખ અનુભવવા લાગ્યા?”

          “હા, શૂન્ય લોકો પણ દુખ અનુભવે છે.” તેના પિતાએ કહ્યું, “શૂન્ય લોકો પણ માણસ જ છે.”

          “મને તો નથી લાગતું.” એ અવળું ફરીને બોલ્યો, “કેમ કોઈએ એ નિર્દોષ છોકરીના અપમૃત્યુ પર એક આંસુ પણ ન વહાવ્યું?”

          “કેમકે આસું વહાવવા એ દેવતાઓના નિયમ વિરુદ્ધ છે.” નીરદ તેને સમજાવવા મથતા હતા, “દેવતાઓ કહે છે કે જીવન અને મૃત્યુ કારુ નક્કી કરે છે એમાં હરખ કે શોક ન કરાય. એ નિયમ છે.”

          “તો નરકમાં જાય એવા નિયમ.” એ જોરથી બરાડયો, “અને નરકમાં જાય એવા દેવતાઓ જે આવા અન્યાયી નિયમ બનાવે છે.”

          “તારે જીવવું નથી?” નીરદ પણ સામે બરાડ્યા, “મેં તારી માને વચન આપ્યું છે કે હું તને જીવતો પાછો લઈ આવીશ પણ આ જોતા મને નથી લાગતું કે તારી એવી કોઈ ઇચ્છા છે. દેવતાઓ વિરુધ્ધ બોલેલો એક શબ્દ પણ આપણા બંનેને અસુર સાબિત કરી જાહેરમાં આપણાં ગાળા કાપી નાખવા માટે પૂરતો છે.”

          એ કશું ન બોલ્યો. તેને મોતનો ભય નહોતો.

          “દીવાલની આ તરફ કોઈ પણ ગુના માટે એક જ સજા છે અને એ સજા છે મૃત્યુ.” નીરદે તેની હડપચી પકડી તેનો ચહેરો પોતાની તરફ ફેરવ્યો, “તારે જીવવું નથી?” તેના અવાજમાં ગુસ્સો અને દુખ હતા.

          “મારે જીવવું છે.” વિરાટે કબૂલ્યું, “પણ એક શૂન્યની જેમ હું નથી જીવવા માંગતો. મારે માનવ બની જીવવું છે. મારે લાગણી વિનાના એક જાનવર જેવુ જીવન નથી જીવવું.”

          “કોણે કહ્યું કે શૂન્યો લાગણી વગરના જાનવર છે?” નીરદે કહ્યું, “શૂન્ય લોકો લાગણી અનુભવે છે પણ એ લાગણીને કાબૂ કરી જાણે છે.”

          “કેમ?”

          “કેમકે દીવાલ આ તરફના દેવતાઓ ઇચ્છે છે કે આપણે લાગણી વગરના પશુ જેમ જીવીએ. આપણાં લોકોને ખબર છે કે આપણે એવા પશુ નહીં બની શકીએ પણ કમસેકમ એવા પશુ હોવાનો ડોળ કરી દેવતા અને નિર્ભય સિપાહીઓના કોપથી બચી શકાય.”

          “કેમ આપણે પશુ હોવાનો દેખાડો કરવો પડે?”

          નીરદે પ્રેમથી તેના વાળમાં હાથ ફેરવ્યો, “દરેક શૂન્યએ જાનવર હોવાનો ઢોંગ કરવો પડે છે. દરેક શૂન્ય એ બધું આપમેળે શીખી જાય છે. જ્યારે તારા મનમાં કશુંક ચાલતું હોય અને કોઈ પૂછે કે તું શું વિચારે છે તો તારે અલગ જ જવાબ આપવો પડે છે. શૂન્ય ભલે કારુને ભગવાન ન માનતો હોય તેને ભગવાન માનવાનો ડોળ કરવો પડે છે કેમકે શૂન્ય પાસે જીવતા રહેવા માટે આ એક જ રસ્તો છે. શૂન્યને જ્યારે કોઈ વાતમાં વિશ્વાસ ન હોય પણ દેવતાઓ કહે કે આ સાચું છે તો એ સાચું માનવું પડે છે કેમકે આ એક જ રસ્તો છે જેની મદદથી શૂન્ય દીવાલની પેલી તરફ પાછો જઈ શકે છે. એક શૂન્યએ પોતે માણસ નહીં પણ શૂન્ય છે એમ રહેવું પડે છે કેમકે એના પરિવાર સાથે જીવવાનો આ એક જ રસ્તો છે.”

          વિરાટ ચૂપચાપ સાંભળતો રહ્યો કેમકે આજે પહેલીવાર એ પોતાના લોકોમાંથી કોઈને આવી રીતે સમજૂતી આપતા જોઈ રહ્યો હતો.

          “આપણે ઢોંગ કરીએ છીએ કેમકે આપણે એમનાથી કમજોર છીએ. એકવાર તારી માએ મને કહ્યું હતું કે એ પોતાની અંદર બે અલગ અલગ વ્યક્તિ હોય તેવું અનુભવે છે. એ બે અલગ વ્યક્તિ નહિ પણ બે અલગ વ્યક્તિત્વ હતા. એક વ્યક્તિત્વ બીજા વ્યક્તિત્વ સાથે હંમેશાં લડતું રહે છે. એક વ્યક્તિત્વ બીજા વ્યક્તિત્વને હરાવી બહાર તગડી મૂકવા માંગે છે પણ એ બંને વ્યક્તિત્વ પર કાબૂ રાખતી અને જ્યારે જે વ્યક્તિત્વની જરૂર હોય એ વ્યક્તિત્વને જ બહાર આવવા દે છે. એટલે જ તારી મા જ્યારે માનવ બનવાની જરૂર હોય માનવ બની જાય છે અને જ્યારે શૂન્ય બની રહેવાનુ હોય ત્યારે શૂન્ય બની રહે છે. તારી મા કહેતી કે દરેક શૂન્યની અંદર બે અલગ અલગ વ્યતિત્વ છે એક વ્યક્તિત્વ ભલે શૂન્ય બની જીવતું હોય પણ અંદરનું બીજું વ્યક્તિત્વ અન્યાયી કાયદાઓ માનવાથી ઇનકાર કરે છે. એ વ્યક્તિત્વ ભવિષ્યની ચિંતા કરે છે અને એ વ્યક્તિત્વ કારુ જેવા કહેવાતા ભગવાનથી છુપાઈને આઝાદીના સપના સેવતું રહે છે.”

          હવે નીરદનો અવાજ જરા ઢીલો થયો, “મારા અંદર પણ એ વ્યક્તિત્વ હતું પણ હું મારા અંદરના એ વ્યક્તિને ક્યારેય સમજ્યો નહોતો. મને ખબર જ નહોતી કે હું શૂન્ય નથી પણ મારા અંદર એક માનવ છે. તારી માએ મને બધું જોવાનો અને સમજવાનો એ દૃષ્ટિકોણ શીખવ્યો જેથી હું મારા અંદરની એ બીજી વ્યક્તિને મળ્યો, એને જોઈ, અને શૂન્યને બદલે મેં પોતાની જાતને માનવરૂપે અનુભવી. ત્યારથી આજ સુધી મને લાગે છે કે હું એક નહિ પણ બે છું. એક શૂન્ય અને એક માનવ. બંને એક સાથે ચાલે છે, બંને એક સાથે ખાય છે, બંને એક સાથે સુવે છે અને બંને એક સાથે જાગે છે પણ બંને એક સાથે હસતાં નથી કે નથી બંને એકસાથે રડતાં. જ્યારે એ નિર્દોષ છોકરીને નિર્ભય સિપાહીએ મારી નાખી બહારથી દેખાતો શૂન્ય ચૂપ હતો પણ અંદરનો માનવ એ સમયે રડતો હતો. જ્યારે બહારનો શૂન્ય દેવતા સામે માથું ઝુકાવે ત્યારે અંદરનો માનવ બળવો પોકારતો હોય છે. અલબત્ત આવું મારા એકલા સાથે નથી થતું. બધા શૂન્યની અંદર બે વ્યતિત્વ છે. જાણે કે બે અલગ વ્યક્તિ છે એક શૂન્ય અને એક માનવ.”

          પહેલીવાર વિરાટને કોઈ શૂન્યની વાતમાં તથ્ય દેખાયું. આજે તેને તેના પિતાની સમજૂતી વાજબી લાગી. પણ જ્યારે નીરદે કહ્યું હતું કે નિર્ભય સિપાહીઓ નિયમોનું પાલન કરી રહ્યા છે ત્યારે એ ઉકળી ઉઠ્યો હતો.

          “શૂન્ય લોકોએ મજબૂત બનવું પડશે.” એણે કહ્યું. એ તેના પિતા સાથે વાત કરતો હતો પણ તેના મનમાં તેની માના વિચારો ચાલતા હતા. જ્યારે કોઈ શૂન્યને ખબર નહોતી કે શૂન્યમાં બે વ્યક્તિત્વ છે તો માને કેમ ખબર હતી? શું મા જ્ઞાની હશે?

          “આપણી પાસે કોઈ રસ્તો નથી.” તેના પિતાના અવાજે તેને માના વિચારોમાંથી બહાર લાવ્યો, “આપણે તેમનાથી મજબૂત ન બની શકીએ.”

          “હંમેશાં કોઈને કોઈ રસ્તો હોય જ છે.” એણે ગુરુ જગમાલના શબ્દો દોહરાવ્યા, “બસ ક્યારેક આપણે એ રસ્તાને જોઈ શકીએ છીએ તો ક્યારેક એ આપણને દેખાતો નથી.”

          “તો તું એ રસ્તો શોધ અને મને બતાવ.” નીરદે કહ્યું, “હું એ રસ્તા પર ચાલવા તૈયાર છું.”

          “જો કોઈ રસ્તો હોય તો તમે દેવતાઓ વિરુદ્ધ જવા તૈયાર છો?”

          “હા, માત્ર હું જ નહીં દીવાલની આપણી તરફનો દરેક માણસ એ રસ્તા પર ચાલવા તૈયાર થશે કેમકે શૂન્ય ખરેખર શૂન્ય નથી.” નીરદની આંખોમાં ઊંડું દુખ દેખાયું, “શૂન્યો  ક્યારેય શૂન્યો હતા જ નહીં. પ્રલય પહેલા આપણે બધા માણસો હતા અને હજુ આપણાંમાંથી મોટાભાગના માણસો જ છે બસ કેટલાક દેવતાઓના નિયમોને સાચા સમજી લાગણી વગરના પશુ બની ગયા છે.”

          “જો આપણાં લોકો માણસો છે તો તેમની સામે લડતા કેમ નથી?” વિરાટે પુછ્યું, “આપણી પાસે હથિયાર છે. મતલબ કે આપણે કુહાડી, પાવડા, ત્રિકમ અને જે પણ આપણાં ઓજારો છે એ બધાનો ઉપયોગ લડાઈમાં કરી શકીએ. જરૂર પડે તો આપણે વાંસના તીર કમાન પણ બનાવી લઈએ. મને નથી લાગતું કે એ લોકો દીવાલની આપણી બાજુ આવી આપણને હરાવી શકે.”

          “એ લોકો એક પળમાં આપણને હરાવી શકે છે.”

          “નિર્ભય સિપાહીઓ પાસે માત્ર છરી અને તલવારો જ છે.”

          “એમની વાત નથી પણ દેવતાઓ સામે લડવું અશક્ય છે.” તેણે ધીમા અવાજે કહ્યું, “કેટલાક નિર્ભય સિપાહીઓ પણ દેવતાઓ સામે જવા માંગે છે પણ ડરના લીધે જઈ શકતા નથી. આગગાડીમાં જે સિપાહીએ તને બચાવ્યો એ રક્ષકદળનો ગુપ્ત સિપાહી હતો. એવા સિપાહીઓ કારુની ફોજમા છુપાયેલા છે અને તેઓ દેવતાઓના અન્યાયી કાયદા અને ખોટા ભગવાનના શાસનને ઊથલાવી દેવા માંગે છે.” નીરદની આંખોમાં તેને ગહેરી ઉદાસી દેખાઈ, “કારુ પાસે એવી કોઈ શક્તિ છે જેની સામે લડવું અશક્ય છે. એ ચાહે તો એક પળમાં દીવાલની આપણી તરફના લોકોને ઇતિહાસ બનાવી દે.”

          “પણ કઈ રીતે?”

          “મને ખબર નથી પણ વિશ્વાસ કર કે હું જે કહું છું એ તદ્દન સાચું છે.”

          “તમને એની શક્તિઓ પર વિશ્વાસ કેમ છે?”

          “એટલે જ તો લોક પ્રજાના માણસો તેનાથી ડરે છે. નિર્ભય સિપાહીઓ પણ દેવતાઓ અને કારુ સામે ઝુકે છે. તને લાગે છે કે કોઈ ભય વગર એ બધા એમની સામે ઝૂકીને જીવે?”

          “એવું તે શું હશે?” વિરાટ અસ્વસ્થ થઈ ગયો. જો હું દુશ્મનની તાકાત જાણી શકું તેમ નથી તો એની કમજોરી પણ ન જાણી શકું.

          “આપણને ખબર નથી.”

          “આપણે એની એ તાકાત જાણવી પડશે.” એનું લોહી ઉકળવા લાગ્યું કેમકે એ જે બોલતો હતો એ વર્ષોથી તેના મનમાં ઘૂંટાતું હતું.

          “કઈ રીતે આપણે એ જાણી શકીએ?” નીરદની આંખો જીણી થઈ. વિરાટને તેમાં જાણવાની આતુરતા દેખાઈ. જોકે આતુરતા એક શૂન્ય માટે પ્રતિબંધિત સંવેદના હતી પણ હવે વિરાટ જાણતો હતો કે દુનિયામાં કોઈ ખરેખર શૂન્ય છે જ નહીં.

          વિરાટ તેની આંખોમાં તાકી રહ્યો. “હું કોશિશ કરીશ.”

          “દેવતાઓના ગુપ્તચરો બધે જ ફેલાયેલા છે.” તેણે વિરાટને ચેતવણી આપી.

          એક ક્ષણની ચુપકીદી પછી તેણે કબૂલ્યું, “મને ખબર છે.”

          “કઈ રીતે?” નીરદને નવાઈ લાગી.

          “બસ મને ખબર છે. મને કેમ ખબર છે એ હું તમને ન કહી શકું.” વિરાટને હજુ ગુરુ જગમાલ તેને ખરેખર શું શીખવતા એ તેના પિતાને કહેવાનો યોગ્ય સમય ન લાગ્યો.

          “કાળજી રાખજે. દેવતાઓ ક્યારેય બીજો મોકો નથી આપતા” તેણે વિરાટનો હાથ હાથમાં લીધો. તેના સ્પર્શમાં હુંફ હતી.

          વિરાટનો અવાજ મક્કમ હતો, “જો હું પહેલા મોકામાં સફળ રહું તો આપણે બીજા મોકાની જરૂર જ નહીં પડે.”

          “હું પણ એવી જ આશા રાખું છું.”

          “આશા...?” વિરાટે નવાઈથી કહ્યું, “એ શૂન્યોનો ગુણ નથી.”

          બંને એકબીજા સામે જોઈ હસવા લાગ્યા. કદાચ જીવનમાં વિરાટ પહેલીવાર હ્રદયથી હસતો હતો કેમકે તેના પિતા ખરેખર શૂન્ય નહોતા. એ માનવ હતા.

          નીરદે કહ્યું, “બસ હવે શૂન્ય હોવાનો ઢોંગ કરવા માંડ.”

          “કેમ?”

          “કેમકે હવે વૈધરાજ તમારું પરીક્ષણ કરશે.” તેનો અવાજ ગંભીર થયો અને ચહેરા પર ચિંતાની કરચલીઓ દેખાઈ, “તેની તાપસ દરમિયાન શૂન્ય હોવાનો કામળો પહેરીને બચવું પડે છે.”

          “વૈધરાજ શું છે?” તેણે પુછ્યું.

          “જેમ આપણે વૈધ છે જે લોકોને ઠીક કરે છે એ જ રીતે દીવાલની આ તરફ વૈધરાજ હોય છે જે લોકોની બીમારીઓ ચુટકીમાં ઠીક કરી નાખે છે. કહે છે કે વૈધરાજ ગમે તેવી બીમારી મટાડી શકે છે.”

          “કઈ રીતે?”

          “ખબર નહીં કઈ રીતે પણ એટલે જ દેવતાઓ આપણા કરતાં વધુ જીવે છે. તેમનો આયુષ્યકાળ લાંબા હોય છે.”

          “એ કેટલા જીવે છે?”

          “બસો વર્ષ જેટલા...”

          “અને નિર્ભય સિપાહીઓ...?”

          “જો તાલીમ દરમિયાન કે યુદ્ધમાં મરી ન જાય તો એ પણ દેવતાઓ જેટલુ જ જીવે છે.”

          “યુદ્ધ?” વિરાટને નવાઈ થઈ, “એમની સામે વળી કોણ યુદ્ધ કરે છે?”

ક્રમશ: