KAGDANE KAALJAAMA RAAKHO in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૬૭

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

હાસ્ય લહરી - ૬૭

કાગડાને કાળજામાં રાખો..!

                         આયો રે આયોરે આયોરે.....’ભાદરવો’ આયો રે..! ઓયયેઓ...ફેણીયા..! મને પણ ખબર છે કે, આ ગીતમાં ‘ભાદરવો’ ને બદલે ‘સાવન’ શબ્દ આવે..! પણ આ તો માઈક ટેસ્ટીંગ કરી જોયું..! સાલો એક પણ દેશ એવો નહિ મળે, કે જ્યાં કાગડા ને પંચાતિયાની વસ્તી જ ના હોય..!  જેમ બધે જ કાગડા કાળા હોય, એમ પંચાતીયા પણ દરેક દેશમાં રેશનકાર્ડ કઢાવીને જ બેઠાં હોય..! ભાદરવો બેસે ને ભીંડો ઉગે, એમ આવાં મીંઢા પણ ‘અલખ નિરંજન’ બોલીને હાજરા હજૂર થઇ જાય..!

                      અષાઢે મેઘો ભલો... ને શ્રાવણમાં ભલો શીરો,

                      ભાદરવે દૂધપાક ભલો...ને દિવાળીએ ઘૂઘરો   

                                અહાહાહા..! શું ભર્યો ભાદર્યો આ ભાદરવાનો નજારો છે..? એક બાજુ શ્રાદ્ધ પક્ષનો માસ, ને બીજી બાજુ ધુંઆધાર વરસાદનો સમાસ..! વરસાદ પલળાવતા અટકતો નથી, ને શ્રાદ્ધનો મહિમા પાછો ઠેલાતો નથી. સારું છે કે, મુશળધાર વરસાદ જોઇને કાગડાઓ રેઈનકોટ માંગવાની જીદ કરતા નથી. બાપા પલળે તો ચાલે જ કેમ, એવાં લાગણીવેડામાં રેઈનકોટ પણ આપવો પડે, ને બામના બાટલાનો પણ કાગવાસ કરવો પડે..! જીવતા જીવત ભલે પલાળ્યા નહિ હોય, પણ વરસાદમાં બાપા પલળે તો હૃદય ચીરાય જાય..! ૧૧-૧૧ મહિના સુધી ભલે કાગડાને નજર અંદાજ કરો, પણ રાતોરાત આખી મીનીસ્ટ્રી બદલાય જાય એમ, ભાદરવો બેસે એટલે ૧૧ મહિનાની મીનીસ્ટ્રી આઉટ, ને કાગવાસનું શાસન શરુ..! શ્રાદ્ધનો સંપૂર્ણ હવાલો હવાલો કાગડા પાસે  હોય. જે માંગે તે આપવું પડે.!  ભાદરવો એટલે કાગડા-દર્શનનો માસ..! ધુળધોયાઓ સોનું શોધે એમ, આપણે પણ કાગડા જોઇને નક્કી કરવાનું કે, કયો કાગડો કોના પૂર્વજોની ‘ડીઝાઈન’ વાળો છે..! એના કપાળમાં કાંદા ફોડું, શ્રીશ્રી ભગાના એક પૂર્વજ તો એવાં ‘એન્ટીક’ કે, જ્યાં સુધી સાયગલસાહેબના ગીત નહિ સંભળાવો. ત્યાં સુધી, કાગડો કાગવાસ નહિ ઉપાડે..! ઉડી-ઉડીને ભાગી જાય..! પણ પરિવાર એવો સંસ્કારી કે, શ્રદ્ધા અને શ્રાદ્ધના મામલામાં પોતાના પરપોટા કાઢે જ નહિ. ચલતીકા નામ ગાડી સમજીને ચાલવા દે..! આડા ઢેફાં નહિ નાંખે..! જીવતા હોય ત્યારે ભલે આઘું-પાછું થયું હોય, પણ શ્રાદ્ધના મહિનામાં સ્વર્ગસ્થ સાથે એસીડ ટેસ્ટ નહિ કરે. કાગડો કહે એ સવા વીસ સમજીને, કાગડાને જ કાળજામાં રાખે..! પેટ છૂટી વાત કરું તો, તાલીબાની સેનાને કદાચ પહોંચી વળાય, પણ શ્રાદ્ધ ટાણે વિફરેલા કાગડાને નહિ પહોંચાય..! કાગડાની ફોજ બહુ કાબેલ હોય મામૂ..! ભાદરવાના મહિનામાં જો કાગડા સામે આંખ આડા કાન કરવા ગયા તો, ભીંગરા કાઢી નાંખે..! બાંધછોડમાં તો એ લોકો સગા બાપની શરમ નહિ રાખે..! જંગલના રાજા પાસે જે પાવર નહી, એવાં પૂર્વજોના ‘સ્પેશ્યલ પાવર’ કાગડા પાસે જ હોય..! શ્રાદ્ધના દિવસો શરુ થાય એટલે, કોઈપણ પ્રકારની ટોપી પહેરેલી સારી..! એટલા માટે કે, કાગડાઓની ચાંચ ચકલી જેવી મુલાયમ હોતી નથી. વાંકુ પડ્યું ને, કાગડાના હવાઈ હુમલા થાય તો ટાલને રક્ષણ મળે..! કાગડો પોતાની જ ભાશ બોલે. પોપટની માફક બીજાએ પઢાવેલી ભાષા બોલતો ના હોવાથી, કાગડો પોપટની માફક પાંજરે પુરાયો નથી. એટલે તો શ્રાદ્ધના દિવસો સિવાય કોઈ એને પંપાળતું નથી. શ્રાદ્ધના દિવસો આવે, એટલે લોકોમાં ‘કાગડા-પ્રેમ’ ઉભરાવા માંડે. એ તો સારું છે કે, ગુગલમાં એવાં કોઈ ફીચર્સ અપ-ડેઇત થયા નથી કે, કાગડાના દેખાવ ઉપરથી પૂર્વજની બાયોગ્રાફી મળી જાય.  નહિ તો કંઈ કેટલા કાગડાઓ પાંજરામાં સબડતા હોત..! કોને ખબર કયા ભેજાબાજે શ્રીશ્રી ભગાના ભેજામાં ભૂસું નાંખેલું તે, શ્રાદ્ધ મહિનો બેસે ને એ કાગડાના કલરના ‘ડ્રેસકોડ’ માં જ આવી જાય. મને કહે, ‘રમેશીયા..! કાગડાને પણ  લાગવું જોઈએ કે,  આ લોકો પૂર્વજોનો મલાજો તો વ્યવસ્થિત રાખે છે. પૂર્વજો આગળ છાપ સુધરે બીજું શું..? શ્રીશ્રી ભગો એટલે, ખાડી નાની ને પુલ મોટો.  અક્કલ ઓછી પણ  ઉમેદ વધારે. કોઈ માંગે કે નહિ માંગે પણ સલાહ તો આપવાનો..! મને કહે, ‘રમેશીયા..! મોર ભલે રળિયામણો હોય, એના ડાન્સથી એ ઢેલને સંતૃપ્ત કરી શકે, બાકી ઉકલી ગયેલા ડોહલાઓને નહિ..! શ્રાદ્ધના મામલામાં તો કાગડું જ કામ આવે..!  તને ખબર છે,” ત્રેતાયુગમાં એક કાગડાએ સીતાજીને ચોંચ મારવાનો અભદ્ર વ્યવહાર કરેલો, એમાં કાગડાએ એની એક આંખ ગુમાવેલી. ધ્યાનથી જોજો, એ ડણાક-ડણાક જ જોતો હોય..!  પાછળથી ભગવાન શ્રીરામને ખબર પડી કે, કાગડો તો ઇન્દ્રનો પુત્ર જયંત કહેવાય..! પણ ‘ હો ગયા સો હો ગયા’  એટલે ભગવાન શ્રી રામે વરદાન આપેલું કે, ‘જા, તને ખવડાવેલા ભોજનથી ખવડાવનારના પિતૃઓ કાગવાસ ખાયને સંતૃપ્ત થશે. ત્યારથી પૂર્વજોને ટીફીન સેવા પૂરી પાડવાનું ‘લાઈસન્સ’  કાગડાઓ પાસે છે.  એટલે તો, ડોહાઓ સાથે કાગડાઓની સાંઠ-ગાંઠ એવી મજબુત હોય કે, એક-એક કાગડો પૂર્વજોના જાસૂસ જેવો લાગે..! ખુદની છાપને બગાડવી ના હોય તો, કાગડા સાથે સંબંધો સલુણા જ રાખવા. હું એમ નથી કહેતો કે, કાગડાઓને ખોળે બેસાડીને બચીઓ કરવાની, પણ આદર  કરવાનો..! બાકી, નહિ ખાધી હોય તો એકવાર કાગડાની મજબુત ચોંચ ખાય જોજો. ઉકલી ગયેલા વડવાઓ યાદ કરાવી દેશે..! ચોંચ મારવી એ માણસનો ઈજારો નથી, કાગડાઓનો સ્વભાવ છે. માણસ તો લાગ જોઇને લાકડાં ભાંગે, પણ કાગડાઓ  ચોંચ મારવા માંડે ત્યારે  ચોઘડિયા જોતાં નથી. ચૂંટણી આવે ત્યારે મતદાર યાદ આવે એમ, શ્રાદ્ધના દિવસો આવે એટલે  લોકોને કાગડા યાદ આવવા માંડે, ને કાગડાને લોકો યાદ આવે..! જોવાની વાત એ છે કે, માણસે કાગડાના અવાજની મિમિક્રી કરી હશે, બાકી કાગડાએ ક્યારેય માણસના અવાજની ‘મિમિક્રી’ કરી નથી. એ ભલો ને એની કાગડાઈ ભલી..! માટે કહું છું કે, સરાધીયાના દિવસોમાં કોઈપણ જાલીમે કાગડાઓ જોઈને પથ્થરબાજી કરવી નહિ...!  બીજાને જે કહેવું હોય તે કહે, પણ કોઇપણ કાગડાને લુચ્ચો  કહેવો નહિ..!  સંભવ છે કે, એમાંનો એકાદ કાગડો આપણો સ્વજન પણ નીકળે..! ‘ સૌનો વાસ સૌની સુવાસ.....!

 

                                          લાસ્ટ ધ બોલ

              હોટલમાં જમવા જઈએ અને ‘વેઈટીંગ’ માં બેસવાનું આવે, ત્યારે ખબર પડે કે, માણસ  કરતા તો કાગડાઓની ઈજ્જત ઉંચી. ખાવા માટે કાલાવાલા કરવા પડે.  આપણે તો જમવાને બદલે કોઈના બેસણામાં આવ્યા હોય એમ એક કોરોણે બેસી રહેવાનું, ને ટેબલ ખાલી થાય ત્યાં સુધી ‘મોબાઈલ-ચાલીસા’ કરવાની. એના કપાળમાં કાંદા ફોડું...!

 

-------------------------------------------------------------------------------------------------------------------------

 

 

( રમેશભાઈ ચાંપાનેરી  ' રસમંજન ' )