Dashavatar - 4 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 4

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

દશાવતાર - પ્રકરણ 4

          ૧૮ વર્ષ પછી...

          વિરાટ ઝૂંપડીનો દરવાજો ખોલી બહાર આવ્યો એ સાથે જ તેનું શરીર ધ્રુજી ઉઠ્યું. બહાર પવન પૂર ઝડપે ફૂંકાતો હતો. પ્રાણીઓ પણ થીજી જાય તેવો ઠંડોગાર પવન હતો. અહીં રાત્રે ભયાનક ઠંડી પડતી કારણ અફાટ રણ આ વિસ્તારથી ખાસ દૂર નહોતું. હવામાં રેત સાથે મીઠાની સોડમ ભળેલી હતી. હોઠ ઉપર ક્ષાર બાજી જાય તેવી નમકીન હવાઓ આ પ્રદેશમાં કાયમ વહેતી. વિરાટને પણ શ્વાસમાં રણની ખારી સુગંધ મહેસુસ થઈ. પહેલા, બીજા અને ત્રીજા શ્વાસે તો એને એમ લાગ્યું કે કદાચ ફેફસા બરફ થઈ જશે. એને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી પણ કાયમની જેમ અમુક મિનિટોમાં એ રાબેતા મુજબ શ્વાસ લેવા લાગ્યો.

          પ્રલય પછી દુનિયા આવી જ હતી. વિરાટને એ દુનિયામાં જીવવાની આદત હતી કેમકે એ પ્રલય પછી પાંચસો વર્ષે જનમ્યો હતો. પાંચસો વર્ષમાં દુનિયાની તાસીર બદલી હતી. અલબત્ત સાથોસાથ માનવ પણ બદલ્યો હતો – માણસે નવા વાતાવરણ સાથે ગજબની અનુકૂળતા સાધી હતી. વિરાટને તેના પિતાજી કહેતા કે પ્રલય પહેલા અહીં રણ નહોતું. એ કહેતા રણ ભલે દેખાય અચેતન છે પણ તે એક જીવતા જાગતા સજીવ જેમ વર્તે છે. તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને જે રહી સહી ફળદ્રુપ જમીન બચી છે એને પણ એ ગળી જશે. રેતની અફાટ ચાદરથી ઢાંકી દેશે. રણથી બચવાનો એક જ ઉપાય હતો વૃક્ષો. વિરાટના ગુરુજી બની શકે તેટલા વધુ વૃક્ષો વાવવા પર ભાર આપતા. પણ ત્યારે એને પિતાજી કે ગુરુજીની વાત સમજાતી નહીં – એ રમવામાં જ ધ્યાન આપતો કારણ એની ઉમર જ એ હતી. ગમે તેમ હવે એને સમજાતું હતું. એ ખૌફ – જ્યારે પિતાજી અને ગુરુજી રણની વાત કહેતા, વૃક્ષોનું મહત્વ સમજાવતા ત્યારે એમની આંખોમાં દેખાતો અજીબ ખૌફ એને ધીમે ધીમે સમજાયો હતો.

          આજે એક સ્વપ્ન એની ઊંઘ ઉડાડી ગયું. સ્વપ્ન કરતાં એને ખરાબ સ્વપ્ન કહેવું ઠીક રહેશે કેમકે દરેક રાત્રે એ સ્વપ્ન વિરાટની છાતી પર હજારો લાખો કિલોના વજન જેમ બેસી જતું. જ્યારે એની આંખ ખૂલતી એનું આખું શરીર પરસેવે રેબઝેબ હોતું. દીવાલની અંદરના વિસ્તારમાં રહેતી કોઈ વ્યક્તિ રાત્રે ઝૂંપડી બહાર જાય એ માન્યામાં ન આવે તેવી વાત હતી. અરે, કોઈ ઝૂંપડીનો દરવાજો ખોલવાની પણ મૂર્ખાઈ ન કરતુ. અહીં બધા ભયની દુનિયામાં જીવતા હતા. વિરાટ પણ રાત્રે બહાર નીકળવાની ભૂલ ક્યારેય ન કરે પણ એ સ્વપ્ન એને મધરાતે જગાડી જતું અને પછી તેની પાસે રાત્રે બહાર નીકળવાનાં નિયમનો ભંગ કરવા સિવાય કોઈ રસ્તો ન બચતો.

          શૂન્ય લોકો માનતા કે રાત એ ભયની સાથી છે. માણસનો ભય રાત્રે એના દિવસના ભય કરતાં વધુ શક્તિશાળી હોય છે. રાત રાક્ષસો માટે છે. રાત એ શેતાનની સાથી છે. અલબત્ત વિરાટ પણ એવું જ માનતો કે રાત અને અંધકાર કળિયુગના સાથીદાર છે - તેના હથિયાર છે. તેની દુનિયામાં દિવસ દજાડી નાખે તેવા ગરમ અને તુફાની હતા જ્યારે રાત ઠંડી અને શાંત હતી. મૃત્યુ જેવો સન્નાટો એ દરેક રાતે અનુભવતો હતો.

          આકાશમાં ઝાંખો ચંદ્ર ધીમી ગતિથી આગળ વધતો હતો. જોકે એ એટલો પણ ઝાંખો નહોતો કે તેનો પડછાયો ન રચી શકે. જમીન પર તેની જમણી તરફ ટૂંકા કદનો પડછાયો રચાતો હતો મતલબ રાત હજુ અડધી બાકી હતી. હજુ ચંદ્રને અવકાશી સફરનું અડધું ખેડાણ કરવાનું હતું. રાતનો એ મધ્યભાગ ઝૂંપડી બહાર નીકળવાનો સમય નહોતો. એ સમય કેવળ ચંદ્રના ઝાંખા અજવાળાના આધારે આગળ વધવાનો નહોતો પણ એને ફિકર નહોતી. એને ખબર નહોતી કે કેમ પણ એ અંધારામાં પણ અજવાળા જેટલી જ સફાઈથી જોઈ શકતો. ક્યારેક ક્યારેક તો તેને લાગતું કે કદાચ પોતે પાછળના જન્મમાં કોઈ રાત્રિચર પ્રાણી હશે એટલે જ આ જન્મે પણ અંધારામાં જોઈ શકે છે. તેના એક બે મિત્રોએ તેને એકવાર એમની ઝૂંપડીમાંથી રાત્રે આ રીતે શેરીઓમાં ફરતો જોયો હતો. એમના કહેવા મુજબ તેની આંખો રાત્રે કોઈ રાની પશુની આંખો માફક ચમકતી હતી. કદાચ એમનો વહેમ પણ હોય. તેણે એ બાબત પર ક્યારેય ખાસ ધ્યાન આપ્યું નહોતું. તેની પાસે ધ્યાન આપવા જેવી બીજી ઘણી બાબતો હતી.

          વિરાટ ઝૂંપડીની માટીથી ચણેલી ભીત પાસે નીચે નમી ઊભો રહ્યો. તેનો પડછાયો પણ તેની જેમ સંતાઈ જવા માંગતો હોય એમ ટૂંકો બની ગયો. કદાચ પડછાયાને પણ રાતનો ભય સતાવતો હતો. તેણે આસપાસ નજર કરી પણ તેને કશું શકમંદ દેખાયું નહીં.

          તેની ઝૂંપડીની ડાબી તરફ જરા ઢાળ પડતો હતો. એ તરફ છૂટા છવાયા ઝૂંપડા હતા. મોટે ભાગે એ બધા ઝૂંપડા કદમાં નાના હતા કેમકે એમાં રહેતા લોકો કોલસાની ખાણોમાં કામ કરતાં હતા. એમને ઝૂંપડામાં એમના પાવડા અને ત્રિકમ સિવાય કોઈ સાધનો સાચવવાની જરૂર નહોતી. તેની ઝૂંપડીની જમણી તરફ જમીન સીધી અને સમથળ હતી. ત્યાં લાંબી ગલી હતી અને ગલીની બંને તરફ હારબંધ ઝૂંપડીઓ હતી. તેના વિસ્તારના પાછળના ભાગે થોડેક સુધી માનવ વસ્તી હતી પણ આગળ જતાં ત્યાં પ્રલય સમયે થયેલા ઉલ્કાપાતથી રચાયેલી ઊંડી ખાઈઓ હતી.

          હવામાં ભળેલી રેતીના કણો એકબીજા સાથે અથડાતાં થતો જીણામાં જીણો અવાજ પણ તેને સંભળાતો હતો. કોણ જાણે કેમ પણ તેના સિવાય કોઈ એવા જીણા અવાજો સાંભળી ન શકતું. પવન શાંત થયો હતો. તેને એ નીરવ શાંતિમાં તેના પોતાના હ્રદયના ધબકારા પણ હથોડાથી લોખંડને ટિપતા થાય તેવો પ્રચંડ અવાજ કરતાં લાગ્યા.

          તેણે જરા ઊંચા થઈ તેના માતા પિતાની ઝૂંપડીમાં ડોકિયું કર્યું. એ ઊંઘયા હતા. તેના પિતા રોજની જેમ નશકોરા બોલાવતા હતા જ્યારે તેની મા નિર્મળ જળની જેમ એમની પડખે સૂતી હતી. તેના પિતાજી અઘરા આદમી હતા પણ તેની મા એકદમ દયાળુ અને શાંત હતી. ઘણીવાર તેના પિતા કહેતા કે તેની માનું હ્રદય સોનાનું છે અને મા હસીને કહેતી કે સોનું ક્યારેય કોઈને કામ નથી આવતું બસ એનો તો દેખાવ જ સુંદર હોય છે! માણસે તો તમારી જેમ પથ્થર જેવુ મજબૂત હોવું જોઈએ જે કોઈકને મદદ કરી શકે. કમ-સે-કમ કળિયુગના આ અંતિમ તબક્કામાં એક માણસની મદદ કરી શકે તેવા માણસની જરૂર છે. માના શબ્દો તેને વિચિત્ર લાગતાં. મા ગમે તે વાતનો અંત કળિયુગ શબ્દથી જ કરતી અને પિતાજી કંઈક વિચારમગ્ન થઈને શાંત થઈ જતાં.

          તેણે નમકીલી હવાને ચાખતા એક ઊંડો શ્વાસ લીધો. માંતા પિતાના આશીર્વાદ સમાન ચહેરા ઝૂંપડીમાં સળગતી ફાનસના અજવાળે જોયા પછી તેના ધબકારા કાબૂમાં આવવા લાગ્યા. જોકે હજુ એ સમાન્ય તો નહોતા. કઈ રીતે હોઈ શકે? તેણે સપનું જોયું એમ જો આક્રમણ થયું હશે તો? એ વિચાર માત્રથી તે થથરી ગયો હતો.

          તેણે એક ડગલું પાછળ ખસી હળવેથી ઝૂંપડીનો દરવાજો બંધ કર્યો. દરવાજો ખુલ્લો છોડી બહાર જવું ભૂલભર્યું હતું કેમકે ઝૂંપડી આખી રેતીથી ભરાઈ જવાનો ભય હતો. તેણે દરવાજો બંધ કરતાં પૂરતી કાળજી લીધી જેથી કોઈ અવાજ ન થાય. એ માતા પિતાને એમની ઊંઘમાં ખલેલ કરવા નહોતો ઇચ્છતો.

          ફરી એક ઊંડો શ્વાસ લઈ એ હળવે પગલે જાપાં તરફ ચાલવા લાગ્યો. રાતના અંધકારને ચિરતી ચાંદનીથી રચાતો તેનો પડછાયો તેનો સાથી બની તેની સાથે જ આગળ વધ્યો. તેના પગલાનો અવાજ ન થાય એનું તેણે ખાસ ધ્યાન રાખવાની જરૂર નહોતી કેમકે પગલાનો જે પણ અવાજ હતો એ જમીન પર પથરાયેલી રેતની નરમ ચાદર ગળી જતી હતી. છતા ક્યાક કોઈ છુટ્ટા પથ્થર પર પગ આવી લથડી જવાય તો માતા પિતા જાગી જવાની શક્યતા હતી. તેણે દરેક પગલું સંભાળીને ભરવું પડતું હતું.

          જાંપા પાસે પહોચી ફરીવાર તે અટક્યો. ક્યાય કોઈ અવાજ? પણ, તેને પિતાજીના નશકોરા અને તેના હ્રદયના ધબકારા સિવાય કોઈ અવાજ ન સંભળાયો. હજુ એ ખરાબ સ્વપ્નના લીધે ધબકારા તેજ ગતિમાં હતા. તેણે જાંપાની કડી ખોલવા માંડી. ગયા મહિને જ વિરાટ અને તેના પિતા પાસેના જંગલોમાં ગયા હતા અને વાંશ કાપી લાવ્યા હતા. દુનિયાની દરેક ચીજ જેમ એ જંગલ પણ કારુની માલિકીનું હતું. કારુના જંગલમાથી વૃક્ષ કાપવાની સજા બીજા કોઈ પણ નિયમના ભંગની સર્વસામાન્ય સજા જેમ જ મૃત્યુદંડ હતી. છતાં પણ તેઓ લીલા વાંશ કાપી લાવ્યા હતા કેમકે જે ઝૂંપડીની આસપાસ મજબૂત વાડ અને એવો જ મજબૂત જાંપો ન હોય એ ઝૂંપડીમાં રહેતા લોકોના ગળા કઈ રાતે કોણ કાપી જશે એની કોઈ ખાતરી નહોતી. જાંપા વગરની ઝૂંપડીમાં રહેવું પણ મૃત્યુદંડ સમાન જ હતું એટલે તેઓ એ જોખમ લેવા તૈયાર થયા હતા.

          દરેક રાતની જેમ અમુક મિનિટોમાં તે જાંપા બહાર નીકળ્યો અને હળવેથી જાંપો બંધ કર્યો - એ પણ માતા પિતાને કોઈ પણ ખલેલ ન થાય એ રીતે. તેની આંખો જેમ તેની બાકીની ઇન્દ્રિયો પણ શિકારી પ્રાણી જેવી હતી. તેને આસપાસનો દરેક જીવ મહેસુસ થતો. રાતના જે અંધકારમાં સાપ તમારા પગ સુધી આવી દંશ ન મારે ત્યાં સુધી તમને એની હાજરીની જાણ ન થાય એ અંધકારમાં પણ તેને જીણામાં જીણા જંતુની હાજરી અનુભવાતી. જાંપા બહાર નીકળતા જ જાણે તેને એકલું ન લાગે એ માટે તેને સાથ આપવા રાત્રે ફરનારા ચામાચીડિયા, કરોળિયા, ઉંદર અને સાપ નિર્જન શેરીઓ પર કબજો જમાવીને બેઠા હતા. કયો જીવ તેનાથી કેટલે અંતરે અને કઈ તરફ છે એ તે સહજ રીતે અનુભવી લેતો. એ જીવોને જોયા પહેલા જ એમની હાજરી જાણી લેતો.

          એનામાં ઘણું બધું એવું જે ક્યારેય કોઈને સમજાયું નહોતું. લોકો તેને બધાથી અલગ સમજતા. અરે, તેની કેટલીક બાબતો તો તેને પોતાને પણ ક્યારેય સમજાઈ નહોતી અને તેણે એ સમજવાનો ક્યારેય ખાસ પ્રયાસ પણ કર્યો નહોતો. એ રાત્રે કેમ જોઈ શકતો? તેને આસપાસના સજીવોની હાજરી કેમ અનુભવાતી? કોઈ દૂરની વ્યકતી જેનો ચહેરો પણ બરાબર ન દેખાતો હોય એ તેને જોઈ રહી છે કે કેમ એની તેને કઈ રીતે ખબર પડતી? પાણીમાં તરતી માછલીની ગતિ એ કઈ રીતે જાણી લેતો? દીવાલની પેલી તરફ થતાં વિચિત્ર અવાજો એ કેમ સાંભળી શકતો? તેને સપનામાં એક મંદિર અને એની આસપાસ એક વર્તુળાકાર ભૂલભુલૈયા કેમ દેખાતી? આવા અનેક સવાલો હતા જેની તેણે ક્યારેય ફિકર નહોતી કરી. તેને સપનામાં દેખાતી એ ભુલભુલૈયા કદંબવન જેટલા વિશાળ વિસ્તારમાં ફેયાયેલી હતી અને એ ગોળાકાર હતી. તેની રચના અને ભાત સતત બદલાતી રહેતી. ભૂલભુલૈયા હજારો એક સરખા કદના પથ્થરના સ્લેબથી રચાયેલી હતી અને એ બધા પથ્થરોની પેટર્ન બદલાતી રહેતી એટલે એનામાં કેટલા વિભાગ હતા અને કેટલા દરવાજા હતા એ સમજી શકવું અશક્ય હતું. આવું ભયાનક અને વિચિત્ર મંદિર તેણે ક્યારેય કલ્પ્યું પણ નહોતું જે તેને સપનામાં દેખાતું.

          તેને એ દરવાજા કે ભાત સમજવાની ફિકર પણ નહોતી. તેને એ ભૂલભુલૈયાથી કોઈ નિસબત નહોતી. બસ તેને એક જ ફિકર રહેતી. તેને કોઈ સપનું કેમ મધરાતે જગાડી જતું? તેને યાદ પણ નહોતું કે તેણે એ ભયાનક સપનું પહેલીવાર ક્યારે જોયું હતું પણ એ સપનું તેને એકાએક હચમચાવી નાખતું. તે જાગી જતો અને થથરી ઊઠતો. કદાચ એ બધાની શરૂઆત રતનગુરુની ઝૂંપડી પર કારુના ખાસ નિર્ભય સિપાહીઓએ આક્રમણ કર્યું ત્યારથી થઈ હતી. એ રાત્રે તેણે પહેલીવાર લોકોને મરતા જોયા... ઝુંપડીઓ સળગતી જોઈ... લોહી વહેતું જોયું અને નિર્ભય સિપાહીઓની નિર્દયતાનો ખૂંખાર ખેલ જોયો... રતનકાકા તેના પહેલા ગુરુ હતા. તેને લખતા વાંચતાં શીખવવાનો શ્રેય એમને ફાળે હતો. એમના દીકરા અને બંને દીકરીઓ સાથે જ વિરાટ ભણ્યો હતો અને આક્રમણ સમયે તેણે પોતાની આંખો સામે એ બધાને મરતા જોયા હતા. નિર્ભય સિપાહીઓ એટલા નિર્દય હતા કે એમણે બાળકો પર પણ દયા નહોતી દાખવી. એમની તલવારો એક જ કામ જાણતી - લોકોની હત્યા કરવી, સામે બાળક છે કે વૃધ્ધ એનાથી એ ખૂન પ્યાસી સમશેરોને કોઈ મતલબ નહોતો. દીવાલની પેલી તરફથી આવતા એ નિર્ભય સિપાહીઓ નિર્દય હતા.

          બસ, એ રાતથી એક અજાણ્યો ભય તેના હૃદયમાં ઘર કરી ગયો હતો. ગમે તે રાતે એ જબકીને જાગી જતો. તેને લાગતું કે આજે રાતે ફરી કોઈ ઝૂંપડી પર નિર્ભય સિપાહીઓએ આક્રમણ કર્યું હશે અને એની ખાતરી કરવા એ રાતે ઝૂંપડી બહાર ન નીકળવાના નિયમનો ભંગ કરતો. એ બહાર નીકળી દીવાલના એ તરફના વિસ્તારના સૌથી ઊંચા બાંધકામ પર ચડવા પહોંચી જતો. દીવાલની એ તરફના ભાગે માત્ર અને માત્ર ઝૂંપડીઓ જ હતી, બસ ઊંચામાં ઊંચું કોઈ બાંધકામ હોય તો એ હતું સમયસ્તંભ. સમયસ્તંભ કૃષિ બજાર અને કાળા બજારથી પછીના નિર્જન વિસ્તારમાં હતો. દક્ષિણના સમુદ્ર તરફનું એ છેલ્લું બાંધકામ હતું. એનાથી પછીના વિસ્તારમાં છેક સમુદ્ર સુધી અફાટ રેતના ઢગલા જ હતા.

          જો આક્રમણ થયું હોય તો કોઈ ઝૂંપડી જરૂર સળગતી હોય. આગને જોવા માટે સમયસ્તંભ પર ચડવું અનિવાર્ય હતું. જોકે એવું નહોતું કે નિર્ભય સિપાહીઓ માત્ર રાત્રે જ આક્રમણ કરતાં દિવસે પણ તેઓ આક્રમણ કરતાં પણ પિતાજીના મત મુજબ દિવસના આક્રમણ દીવાલની આ તરફ રહેતા લોકોને ભયમાં રાખવા માટે હોતા. દિવસે થતાં આક્રમણ લોકોને બતાવવા માટે હોતા કે જો તમે કારુની વિરુધ્ધ જશો તો તમારો શું અંત થશે?

          પણ, રાત્રિ આક્રમણ દિવસના આક્રમણ કરતાં ભયાનક હતા કેમકે નિર્ભય સિપાહીઓ રાત્રે આક્રમણ કરે તેનો એક જ અર્થ હતો – કારુ આક્રમણનો કોઈ સાક્ષી નથી ચાહતો. મતલબ કોઈ એવી વ્યક્તિની ઝૂંપડી પર હુમલો થાય જે ખરેખર કારુ માટે બાધારૂપ હોય. કારુ માટે બાધારૂપ વ્યકતીની ઝૂંપડી પર થયેલું આક્રમણ નરકનો અનુભવ કરાવાનારું બની રહેતું. ઝૂંપડી સળગાવી નાખવામાં આવે, તેમાં રહેતા લોકોને બહાર ઘસડી લાવવામાં આવે અને વીજળીના ચમકારા જેટલી ગતિએ નિર્ભય સિપાહીઓની તલવારો એમના ગળા કાપી નાખે.

          વિરાટ હવે શેરીમાં હતો. આસપાસ ક્યાય કોઈ ઉજાસ નહોતો. એક પણ ફાનસ કે માટીના તેલથી સળગતા દીવાની ગેરહાજરીમાં દીવાલની એ તરફનો ભાગ અંધકારયુગની સાચી પ્રતીતિ કરાવતો હતો. એ વિસ્તરમાં વીજળી નહોતી. એ વિસ્તારમાં દીવાલની પેલી તરફ જેમ વિધુત બલ્બ માત્ર સ્ટેશન પર જ હતા અને સ્ટેશન પર સોળ વર્ષ પહેલા જવાની મનાઈ હતી. સોળ વર્ષ થતાં જ દીવાલની આ તરફની દરેક વ્યક્તિ ભલે છોકરો હોય કે છોકરી તેને લેવા માટે આગગાડી આવતી. આજ સુધી કોઈએ એ આગગાડીમાં ચડવાનો ઇનકાર કર્યો હોય એવું સાંભળ્યુ નહોતું. વિરાટ સ્ટેશનમાં દાખલ થવા માટે એક દિવસ નાનો હતો. એક દિવસ પછી તેનો સોળમો જન્મદિવસ હતો.

          એ શેરીમાં આગળ વધ્યો. હવે તેના પગલાનો અવાજ થાય તો પણ તેને કોઈ ભય નહોતો કેમકે એ અવાજ સાંભળવા માટે આસપાસ સાપ, ચામાચીડિયા અને ઉંદર જેવા જીવો સિવાય બીજું કોઈ નહોતું. દીવાલની એ તરફ મોટે ભાગે કોઈ ક્યારેય નિયમ તોડતું નહીં એટલે રાત્રે તેને કોઈ વ્યક્તિ બહાર જોઈ જશે એવો પણ કોઈ ભય નહોતો. કોણ જાણે કેમ વિરાટ જ બધા નિયમોની અવગણના કરતો! એવું નહોતું કે તેને ભય ન લાગતો. તેને ભય લાગતો. અરે, તેની મા તો કહેતી કે જો તમને ભય ન લાગે તો તમે માણસ જ નથી કેમકે ભય માણસને માણસ બનાવી રાખે છે.

ક્રમશ: