Varasdaar - 39 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 39

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

વારસદાર - 39

વારસદાર પ્રકરણ 39

મંથન અમદાવાદ જવા નીકળી ગયો પછી અદિતિ પણ પોતાની ગાડી લઈને મમ્મી પપ્પાના ઘરે બોરીવલી જવા નીકળી ગઈ. મર્સિડીઝ આવ્યા પછી મંથને પોતાની સ્વિફ્ટ ગાડી અદિતિને આપી દીધી હતી.

અદિતિ ઘરે પહોંચી ત્યારે પપ્પા પણ ઘરે જ હતા. કારણકે હજુ સવારના સાડા નવ વાગ્યા હતા.

" આવ બેટા. મંથનકુમાર અમદાવાદ જવા નીકળી ગયા ? " ઝાલા સાહેબે પૂછ્યું.

" હા પપ્પા એ ગાડી લઈને સવારે વહેલા જ નીકળી ગયા. એ બહાને મારે પણ તમારા લોકોની સાથે ત્રણ ચાર દિવસ રહેવાશે. " અદિતિ બોલી.

"તારું જ ઘર છે દીકરી. મંથન કુમાર હોય ત્યારે પણ તું થોડા દિવસ રહેવા માટે ગમે ત્યારે આવી શકે. હવે તો વીણાબેન છે એટલે એમને કોઈ તકલીફ ના પડે. મમ્મી-પપ્પાના ઘરે જવામાં જમાઈ બિચારા ક્યારે પણ ના ન પાડે." ઝાલા સાહેબે કહ્યું.

"હું જાણું છું પપ્પા. પરંતુ લગન થઈ ગયા પછી પિયરની માયા ઓછી કરવી જોઈએ એવું હું માનું છું. એક બે દિવસની વાત જુદી છે. " અદિતિ હસીને બોલી.

" હવે તું શાણી થઈ ગઈ છે. ચાલો સારી વાત છે. હવે તારે જે ખાવાની ઈચ્છા હોય તે મમ્મીને કહી દે. હજુ રસોઈ શરૂ કરી નથી. " ઝાલા બોલ્યા.

" હું આવી છું તો મમ્મીને આરામ કરવા દો. રસોઈ હું બનાવી દઉં છું." અદિતિ બોલી અને રસોડામાં ગઈ.

રાત્રે જમી પરવારીને સરયૂબાએ અદિતિને પોતાના રૂમમાં બોલાવી.

" બેટા મારે તને એક વાત પૂછવી છે. તમારા લગનને એક વરસ થઈ ગયું. હવે તમારે બાળક માટે પ્લાનિંગ કરવું જોઈએ. મંથન કુમાર પણ ૨૮ વર્ષના થયા. તને પણ ૨૫ થયાં. ભગવાને આપેલું ઘણું છે તમારી પાસે. હવે સમય પાકી ગયો છે. " સરયૂબા બોલ્યાં.

" મમ્મી સંતાન ન થાય એના માટેનું કોઈ પ્લાનિંગ અમે કરતાં જ નથી. કુદરતી રીતે જ હજુ પ્રેગ્નન્સી નથી આવી. " અદિતિ બોલી.

" અરે તો પછી તમારે ડોક્ટરને બતાવવું જોઈએ. આ બાબત ઉપર તમારા બંને વચ્ચે કોઈ ચર્ચા થતી જ નથી ? " મમ્મી બોલી.

" ના મમ્મી હજુ સુધી તો અમારી વચ્ચે પ્રેગ્નન્સીને લઈને કોઈ જ ચર્ચા થઈ નથી. " અદિતિ નિખાલસતાથી બોલી.

" સમય પાકી ગયો છે બેટા. તારે હવે આ બાબતમાં ગંભીરતાથી વિચારવું જોઈએ. એક વર્ષ પૂરું થઈ ગયું. બધું નોર્મલ હોય તો પ્રેગ્નન્સી શરૂ થઈ જવી જ જોઈએ. તને જો વાંધો ના હોય તો કાલે આપણે અહીંના ગાયનેક ડોક્ટરને બતાવીએ. કમ સે કમ ખબર તો પડે. તારો પિરિયડ તો રેગ્યુલર આવે છે ને ?" સરયૂબા બોલ્યાં.

" પિરિયડ થોડો લેટ આવે છે મમ્મી. તેં કહ્યું એટલે હવે તો મને ડર લાગે છે. કંઈ પ્રોબ્લેમ તો નહીં હોય ને ? " અદિતિ ચિંતાથી બોલી.

" અત્યારથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી બેટા. બની શકે કે બધું નોર્મલ જ હોય. ઘણી વાર લેટ થતું હોય છે. ડોક્ટરને બતાવીએ તો આપણને ખબર પડે. અને કોઈ નાનો મોટો પ્રોબ્લેમ હોય તો દવા શરૂ કરી શકાય. " સરયૂબા અદિતિના માથે હાથ ફેરવીને પ્રેમથી બોલ્યાં.

મમ્મીએ વાત કર્યા પછી અદિતિ ખરેખર થોડી ચિંતામાં પડી ગઈ. મમ્મીની વાત તો સાચી હતી. લગ્નને એક વર્ષ થઈ ગયું હતું. કુટુંબ નિયોજનનું કોઈ પણ જાતનું પ્લાનિંગ કર્યા વગર એ લોકો ભરપૂર લગ્ન સુખ માણતાં હતાં. તો પછી પ્રેગ્નન્સી કેમ નહોતી આવતી ? મંથન આવે તે પહેલાં એકવાર ડોક્ટરનો અભિપ્રાય તો લેવો જ જોઈએ.

ચંદાવરકર લેન ઉપર જ જાણીતા ગાયનેક સર્જન ડોક્ટર ચિતલેનું ક્લિનિક હતું. બીજા દિવસે સવારે સરયૂબાએ ડૉક્ટરને ફોન કરીને ૧૧:૩૦ વાગ્યાની એપોઇન્ટમેન્ટ લઈ લીધી. ઝાલા સાહેબ ૧૧ વાગે ઓફિસ જવા નીકળી જાય એ પછી જ ડોક્ટર પાસે જવાનું એમનું પ્લાનિંગ હતું.

ક્લિનિકમાં જઈને સૌ પ્રથમ અદિતિનો કેસ કઢાવ્યો. પંદરેક મિનિટ વેઇટિંગમાં બેસવું પડ્યું પછી અદિતિનો નંબર લાગ્યો.

ડોક્ટર ચિતલેએ અદિતિને કેટલાક પ્રશ્નો પૂછ્યા. એ પછી અંદર લઈ જઈને ચેકઅપ કર્યું અને સોનોગ્રાફી પણ કરી.

" બે ત્રણ બ્લડ ટેસ્ટ કરાવવા પડશે. હોર્મોન્સના ઇન્જેક્શનનો કોર્સ કરવો પડશે એવું મને લાગે છે. " ડોક્ટર બોલ્યા.

" હા પણ મારી દીકરીને પ્રોબ્લેમ શું છે ? એને પ્રેગ્નન્સી તો આવશે ને ? " સરયૂબા એ ચિંતાથી પૂછ્યું.

" એમને ઓવેરીઝમાં ફોલિકલસ ડેવલપ થતા નથી એટલે જોઈએ એવા એગ્સ પણ બનતા નથી. ગર્ભાશય પણ પ્રમાણમાં થોડુંક નાનું છે. બધી ટ્રીટમેન્ટ થઈ જાય પછી જ હું ચોક્કસ કંઈક કહી શકું. " ચિતલે બોલ્યા અને એમણે બ્લડ ટેસ્ટ અને દવાઓ લખી આપી.

" ઇન્જેક્શન અને દવાઓનો કોર્સ કર્યા પછી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ કેટલા ?" હવે અદિતિએ પ્રશ્ન કર્યો.

" અત્યારે તો હું તમને ચોક્કસ કાંઇ ના કહી શકું પરંતુ જો તમારા ફોલિકલ્સ ડેવલપ થવા લાગે તો પ્રેગ્નન્સી ચોક્કસ રહી શકે. એકવાર ઇન્જેક્શનનો કોર્સ પૂરો કરી દો પછી આપણે આગળ વિચારીશું. નિરાશ થવાની જરૂર નથી. રસ્તા ઘણા છે." ડોક્ટરે આશ્વાસન આપ્યું.

મા દીકરી ફી આપીને બહાર નીકળ્યાં. એ જ કોમ્પ્લેક્સમાં પેથોલોજી લેબોરેટરી પણ હતી એટલે ત્યાં બ્લડ ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ પણ આપી દીધું. મેડિકલ સ્ટોર માંથી દવાઓ પણ લઈ લીધી.

ટ્રીટમેન્ટ તો શરૂ કરી દીધી પરંતુ ડોક્ટર ને મળ્યા પછી અદિતિ ઘણી અપસેટ થઈ ગઈ. માતૃત્વ દરેક સ્ત્રી માટે એક વરદાન હોય છે. પોતે આ વરદાનથી વંચિત તો નહીં રહી જાય ને ? આજે નહીં તો કાલે. મંથનને પણ સંતાનની ઈચ્છા થશે. શું પોતે પ્રેગ્નેન્ટ થઈ શકશે ? ડોક્ટરે એને ચિંતામાં નાખી દીધી હતી.

મંથન બે દિવસમાં આવી જશે. મારે એને આ વાત કરવી જોઈએ ? એ આ વાત જાણશે તો એ પણ કેટલા બધા અપસેટ થઈ જશે !! ના ના હમણાં એમને મારે કોઈ વાત કરવી નથી. કહી દઈશ કે શારીરિક નબળાઈની દવા ચાલે છે.

બીજા દિવસે બપોરે બાર વાગે બ્લડ રિપોર્ટ કલેક્ટ કરીને સરયૂબા અને અદિતિ ફરી પાછાં ડોક્ટરને મળવા માટે ગયાં.

" બ્લડ રિપોર્ટ તો સારો આવ્યો છે. હોર્મોન્સનો જ પ્રોબ્લેમ છે. એમણે ઇન્જેક્શનનો કોર્સ કરવો પડશે. દર અઠવાડિયે એક વાર આવવું પડશે. ફોલિકલ્સ ડેવલપ થશે એટલે એગ્સ પણ મેચ્યોર થશે. છ એક મહિનામાં તમને રીઝલ્ટ મળશે. " ડોક્ટર બોલ્યા.

" તમે ટ્રીટમેન્ટ શરૂ કરી દો સાહેબ. દર અઠવાડિયે એક વાર એ ઈન્જેકશન માટે આવી જશે. " સરયૂબા બોલ્યાં.

ડોક્ટરે ઇન્જેક્શન લખી આપ્યાં અને બીજી એક ગોળી પણ ઉમેરી.

"હેમોગ્લોબીન ઓછું છે. આ ગોળી જે લખી છે તે રોજ એકવાર જમ્યા પછી લેવાની છે. અને ઇન્જેક્શન ખરીદીને તમે કાલે બપોરે ક્લિનિક ઉપર આવી જજો. કાલે એક ઇન્જેક્શન આપી દઈએ પછી દર અઠવાડિયે આવતા રહેવાનું." ડોક્ટર બોલ્યા.

હવે અદિતિના જીવમાં જીવ આવ્યો. ડોક્ટરની વાત સાંભળીને એને થોડી રાહત થઈ ગઈ. દર અઠવાડિયે એક દિવસ બપોરના ટાઈમે જ્યારે મંથન ઓફિસે ગયા હોય ત્યારે બોરીવલી આવી જઈશ. હમણાં મંથનને વાત કરીને એમને ટેન્શનમાં નાખવા નથી.

બીજા દિવસે બપોરે જઈને અદિતિએ એક ઇન્જેક્શન લઈ લીધું અને ડોક્ટરે લખેલી દવાઓનો કોર્સ પણ ચાલુ કરી દીધો.

મંથન નડિયાદ પહોંચ્યો ત્યારે સાંજના સાડા પાંચ વાગ્યા હતા. ગયા વખતે પણ એ આ જ હોટલમાં ઉતર્યો હતો એટલે હોટલથી પરિચિત હતો. એક બે કલાકથી વધારે રોકાવાની એની ઈચ્છા ન હતી. રિસેપ્શન ઉપરથી રૂમની ચાવી લઈ એ ઉપર રૂમમાં ગયો અને કેતાને વોટ્સએપ મેસેજ કરી રૂમ નંબર જણાવી દીધો.

૨૦ ૨૫ મિનિટમાં જ કેતા ઝવેરી પણ આવી ગઈ.

" તમે તો મુંબઈ જઈને સાવ બદલાઈ જ ગયા સાહેબ. એક વર્ષ થઈ ગયું. નથી તમે ક્યારે પણ ફોન કરતા કે નથી મારા મેસેજનો તરત જવાબ આપતા. મેં તમને લગ્ન માટે પણ કોઈ દબાણ કર્યું નથી. શીતલ પણ શરૂઆતમાં તમારા મેસેજની ચાતકની જેમ રાહ જોતી હતી. પરંતુ એ પણ છેવટે નિરાશ થઈ ગઈ. " કેતાએ બેડની સામેની ખુરશીમાં બેઠક લેતાં મીઠી ફરિયાદ કરી.

"તારી ફરિયાદ એકદમ સાચી છે કેતા. હું સ્વીકારું છું કે જોઈએ એવો રિસ્પોન્સ હું તમને લોકોને નથી આપી શક્યો. પરંતુ એના માટેના ચોક્કસ કારણો છે કેતા. અને મુંબઈની લાઈફ અને મારો વ્યવસાય પણ એ ટાઈપનાં છે કે સતત દોડધામ રહેતી હોય છે. નિરાંતે ચેટિંગ કરવા માટે પણ સમય ફાળવી શકતો નથી. " મંથને ખુલાસો કર્યો. જો કે સાચી હકીકત તો એ જ જાણતો હતો.

" એક વર્ષનો સમય ઘણો લાંબો ગાળો છે મંથન. તમારો આ જવાબ બરાબર નથી. બધાની પ્રકૃતિ એક સરખી હોતી પણ નથી. શીતલ તમને સાચા દિલથી પ્રેમ કરતી હતી. તમને હોટલમાં મળીને ગયા પછી તો એ તમારી પાછળ પાગલ થઈ ગઈ હતી. હું જાણું છું કે એ વધુ પડતી મોડર્ન છે પરંતુ દિલની એટલી જ સાફ છે. એણે તમને પોતાના માનીને શરૂઆતમાં ઘણા મેસેજ તમને કર્યા હતા પરંતુ તમે એને બહુ ઠંડા રિસ્પોન્સ આપ્યા હતા. તમારા મેસેજમાં ક્યાંય પણ પ્યાર છલકાતો ન હતો." કેતા બોલતી હતી.

"એક તબક્કે એ સમજી ગઈ કે તમે એને પ્રેમ નથી કરતા અથવા તો તમારા લાઇફમાં બીજું જ કોઈ છે. એટલે ધીમે ધીમે એણે મેસેજ કરવાના ઓછા કરી દીધા. મારી સાથે પણ એ નારાજ રહેતી. એ થોડી ડિપ્રેશનમાં પણ આવી ગઈ હતી. એનું ભોળું દિલ તૂટી ગયું હતું. " કેતા બોલી.

" છ મહિના પછી એણે તમને મેસેજ કરવાના બિલકુલ બંધ કરી દીધા અને માની લીધું કે તમે એની સાથે લગ્ન કરવાના મૂડમાં નથી. પહેલા જ પ્રેમમાં એને નિષ્ફળતા મળી. એ તમને એક તરફી પ્રેમ કરતી હતી અને સોનેરી સપનાં જોતી હતી. હવે એને મનમાં એવું લાગ્યું છે કે તમે એની સાથે વિશ્વાસઘાત કર્યો છે. તમે જો એને પહેલેથી સ્પષ્ટ ના પાડી દીધી હોત તો કોઈ વાંધો ન હતો. પરંતુ તમે એને એક આશા આપીને ગયા હતા. મેં એને બહુ જ સમજાવી છે છતાં તમારા તરફની કડવાશ હજુ દૂર થઈ નથી. " કેતા બોલી.

" હું આજે એ બધા ખુલાસા કરવા માટે જ આવ્યો છું કેતા. મેં મારી જિંદગીમાં કોઈનો પણ વિશ્વાસઘાત નથી કર્યો. મને ખરેખર શીતલ પસંદ આવી હતી. તે દિવસે એ હોટલમાં મને મળવા આવી ત્યારે એ મારી સાથે આગળ વધવા માગતી હતી પરંતુ મેં જ એને રોકી હતી." મંથન બોલ્યો.

"તારી સાથે દમણની હોટલમાં જે બન્યું એવું એની સાથે ના બને એ માટે હું સાવધાન હતો. આ જ હોટલના એકાંતમાં મારી સાથે શારીરિક સંબંધ બાંધવા એ તૈયાર થઈ ગઈ હતી પરંતુ મેં જ મારા મન ઉપર કાબુ રાખ્યો હતો. મેં એનો કોઈ લાભ લીધો નથી કે સ્પર્શ પણ કર્યો નથી તો વિશ્વાસઘાત કર્યો કેવી રીતે કહેવાય ? અને એ વખતે લગ્ન માટે હું પોતે જ સ્પષ્ટ ન હતો કેતા. એટલા માટે ' મને થોડો સમય આપ ' એમ કહીને મેં એને આશ્વાસન આપ્યું હતું." મંથન બોલ્યો.

" આજે એ બધી વાતો કરવા માટે જ હું તને મળવા આવ્યો છું. તને જણાવી દઉં કે મારી સગાઈ મારા પિતાએ મુંબઈના એમના એક મિત્રની દીકરી સાથે મારી પાંચ વર્ષની ઉંમરે જ કરી દીધી હતી. મારી મમ્મીએ મારા પિતાનો મારા જન્મ પહેલાં જ ત્યાગ કર્યો હતો એટલે અમે લોકો તો અમદાવાદ રહેતાં હતાં એટલે મને આ સગાઈની કોઈ જાણ ન હતી. જ્યારે હું મુંબઈ ગયો ત્યારે જ મને આ વાતની ખબર પડી. મારા પિતા અત્યારે હયાત નથી પરંતુ એ મને કરોડોનો વારસો આપીને ગયા છે. મારા પિતાને તો મેં જોયા જ નથી તો મારા એ મૃત પિતાના વચનને હું કેવી રીતે મિથ્યા કરી શકું ? અને જે છોકરી સાથે મારા પપ્પાએ મારી સગાઈ કરી હતી એ છોકરી પણ શીતલ જેટલી જ સુંદર છે. છેવટે મારા પિતાના વચનના કારણે અદિતિ સાથે લગ્ન કરવાનો નિર્ણય મેં લઈ લીધો." મંથન બોલી રહ્યો હતો.

" મુંબઈ ગયા પછી બે મહિનામાં મારાં લગ્ન થઈ ગયાં એટલા માટે જ હું તમારા મેસેજનો કોઈ ઉમળકા ભર્યો જવાબ આપતો ન હતો. લગ્નના સમાચાર તમને કહી શકું એમ ન હતો. કેટલીક વાતો મેસેજમાં કહી શકાતી નથી એટલે મેં વિચારેલું કે એક બે મહિના પછી તમને લોકોને મળીને હું બધો ખુલાસો કરીશ પરંતુ લગ્ન પછી ટૂંક સમયમાં જ મારી સ્કીમ ત્યાં ચાલુ થઈ ગઈ અને હું બિલ્ડર તરીકે ધંધામાં વ્યસ્ત થઈ ગયો. નડિયાદ આવવાનો કોઈ મોકો મને મળ્યો નહીં. તમારા લોકો સાથે વિશ્વાસઘાત કરવાનું તો હું વિચારી જ ના શકું કેતા. આ બધા વિધાતાના ખેલ છે. " મંથને પોતાની વાત પૂરી કરી.

થોડીવાર સુધી કેતા કંઈ બોલી નહીં. એને પણ અહેસાસ થયો કે આમાં મંથનનો કોઈ જ વાંક નથી. સંજોગો જ એવા ઊભા થયા કે આ બધી સ્પષ્ટતા વહેલી થઈ શકી નહીં. મંથનની વાણીમાં સચ્ચાઈ છે. મારે શીતલને આ બધી વાત કરીને એને સમજાવવી પડશે.

" અને બીજી એક વાત કેતા. હું તમને લોકોને મુંબઈ શિફ્ટ કરવા માગું છું. મારી પોતાની જ સ્કીમમાં એક ફ્લેટ હું તમને આપી દઈશ અને મારી પાસે ઇન્ટિરિયર ડિઝાઇનનું એટલું બધું કામ છે કે શીતલ થાકી જશે. તમારા લોકોની આર્થિક સ્થિતિ પણ એકદમ બદલાઈ જશે. ભલે લગ્ન નથી કરી શક્યો પણ આજે પણ મારા દિલમાં તમારા બંને માટે એટલો જ પ્રેમ અને લાગણી છે." મંથન બોલ્યો.

" મંથન તમારો પ્રેમ અને તમારી લાગણી આજે પણ તમારી આંખોમાં અને તમારી વાતોમાં દેખાય છે. મને તમારાથી કોઈ ફરિયાદ નથી. મેં તો તમને મારા પોતાના માની જ લીધા છે. તમે પ્લીઝ આજની રાત અહીં રોકાઈ જાઓ. શીતલને તમારે જ સમજાવવી પડશે. એ ભલે ગમે તે માનતી હોય પણ એના દિલમાં આજે પણ તમારા માટે પ્રેમ છે. એના દિલમાં સાચો પ્રેમ છે એટલા માટે જ એ તમારાથી નારાજ છે." કેતા બોલતી હતી.

" કાલે સવારે હું એને એકલીને અહીં મોકલું છું. તમારી વાતનો અસ્વીકાર એ નહીં કરી શકે. બની શકે તો કાલે બપોરે જમવાનું મારા ઘરે જ રાખજો. ચાલો હવે હું જાઉં. " કહીને કેતા ઊભી થઈ ગઈ. એની આંખો ભરાઈ આવી હતી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)